તમને કદાચ જાણ હશે કે પડોશમાં નેપાળમાં રાજાશાહી પાછી લાવવા માટે આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનને લોકોનો પ્રચંડ ટેકો તો નથી પણ ઠીકઠીક પ્રમાણમાં ટેકો છે. એક દાયકાના અસ્થિર અને ભ્રષ્ટ લોકતંત્રથી લોકો કંટાળી ગયા છે. તમને એ વાતની પણ જાણ હશે કે પડોશમાં મ્યાનમારમાં લશ્કરી અધિકારીઓએ ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સરમુખત્યારી લાગુ કરી છે. શ્રીલંકા આઝાદ થયું ત્યારથી બૌદ્ધ રાષ્ટ્રવાદ અને બંધારણીય રાષ્ટ્રવાદ વચ્ચે ગોથાં ખાઈ રહ્યું છે અને બંધારણ બદલતું રહે છે. બંગલાદેશ ઇસ્લામિક રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે ગોથાં ખાઈ રહ્યું છે.
પાકિસ્તાનને તો પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો હતો. ૧૧મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં ભાષણ આપ્યું એ જ ઘડીએ મતભેદ શરૂ થયા. હકીકતમાં તો મતભેદ હતા જ અને મતભેદ છતાં તેમ જ મતભેદ સાથે પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. મતભેદ એ વાતે હતો કે પાકિસ્તાન નામના દેશનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. ઝીણા એમ માનતા હતા કે પાકિસ્તાનમાં મુસલમાનોની ધાર્મિક બહુમતી હોય એટલું પૂરતું છે, એ પછી એનાથી વધારે ધર્મને વચ્ચે લાવવાની જરૂર નથી. પાકિસ્તાન તેના દરેક અર્થમાં લોકતાંત્રિક અને સેક્યુલર હશે. અવિભાજિત ભારતમાં મુસલમાનો લઘુમતીમાં હતા એટલે અસુરક્ષાની ભાવનાથી પીડાતા હતા અને ધર્મનો રાજકીય આશ્રય લેતા હતા. હવે પાકિસ્તાનમાં મુસલમાનો બહુમતીમાં છે એટલે અસુરક્ષા રહેવાની નથી માટે ધર્મનો રાજકીય આશ્રય લેવાની જરૂર નથી. ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે.
સામે મૌલવીઓ કહેતા હતા કે મુસલમાનોની ધાર્મિક બહુમતી ધર્મ પર આધારિત છે. ધર્મ છે તો તેના અનુયાયી છે અને ઇસ્લામ ધર્મના બહુમતી અનુયાયીઓએ રાષ્ટ્રની સ્થાપના કરી છે એટલે એનાં પાયામાં તો ઇસ્લામ જ હશે. બીજા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર હશે. તેમની બીજી દલીલ એવી હતી કે ઇસ્લામ ધર્મ સંપૂર્ણ ધર્મ છે એટલે એમાં સમાજ, શાસન અને રાજ્ય વિષયી દરેક બાબતના ઉકેલ મળે છે. જે ધર્મ પોતે જ સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક એમ ત્રણેય જરૂરિયાત પૂરી પાડતો હોય તેને આધુનિક રાજ્યના ઉછીના ઢાંચાની જરૂર જ શું છે? તેમની ત્રીજી દલીલ એવી હતી કે આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્યમાં નાગરિક સર્વસ્વ છે અને તે પ્રભુસત્તા (સોવરેન્ટી) ધરાવે છે જે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. પ્રભુસત્તા માત્ર અને માત્ર ખુદાની હોય અને બંદા એને શરણે છે માટે તેણે ખુદાએ આપેલા ધર્મના કાયદાઓને અનુસરવાના હોય, આધુનિક બંધારણના નહીં.
આમ પાકિસ્તાનની બંધારણસભામાં ઝીણાએ મંગળ પ્રવચન કર્યું એ સાથે જ મામલો ઘોંચમાં પડી ગયો તે આજ સુધી એનો ઉકેલ આવ્યો નથી. ૧૯૪૮ના ઓકટોબર મહિનામાં જ્યારે ઝીણા ગુજરી ગયા ત્યાં સુધીમાં તેમને સમજાઈ ગયું હતું કે ધાર્મિક બહુમતીવાળો લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રનો તેમનો પ્રયોગ નિષ્ફળ નીવડવાનો છે. મુસલમાનોની અસુરક્ષાનો અંત આવ્યો હોવા છતાં અને બહુમતીમાં હોવાનો આત્મવિશ્વાસ હોવા છતાં પાકિસ્તાનનું વિભાજન થયું, રાજકીય નેતાઓની હત્યાઓ થઈ, લશ્કરી સરમુખત્યારી આવી અને મૂળભૂતવાદ અને ત્રાસવાદનું ભોગ બની ગયું.
માત્ર દક્ષિણ એશિયાના જ નહીં, બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા અને આફ્રિકાના જેટલા દેશો આઝાદ થયા એની લગભગ આવી જ દાસ્તાન છે. કોઈ દેશ ધર્મમાં અટવાયો, કોઈ વંશમાં અટવાયો તો કોઈ ભાષામાં. કેટલાક દેશોએ પશ્ચિમને નકારવાનો પ્રયાસ કર્યો જેમાં તે પશ્ચિમના દેશોના હાથનું રમકડું બની ગયા. પાકિસ્તાન આનું દૃષ્ટાંત છે.
આ બધા દેશોથી ઊલટું ભારતનો અનુભવ જુદો રહ્યો. હજારો વર્ષ જૂની પ્રાચીન અને જીવતી સભ્યતા ધરાવતો અને ઉપરથી વિશ્વમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો આવડો મોટો દેશ! એક બીજાને સહન નહીં કરવા માટે અને એકબીજાનો છેદ ઉડાડવા માટે પર્યાપ્ત કારણો હતાં. ઇતિહાસ પણ હાથવગો હતો અને છતાં ય જગતના આશ્ચર્ય વચ્ચે ભારતે નિર્વિઘ્ને બંધારણ ઘડ્યું હતું. ભારતનું બંધારણ જ્યારે ઘડાતું હતું ત્યારે વિભાજનને કારણે હિંસાની બર્બર ઘટનાઓ બની રહી હતી. બંધારણસભાના સભ્યો રોજ સવારે રોષ પેદા થાય એવી ઘટનાઓના સમાચાર છાપામાં વાંચ્યા પછી બંધારણસભામાં જતા હતા અને આજુબાજુ બની રહેલી ઘટનાઓથી રતિભર વિચલિત થયા વિના બંધારણ ઘડતા હતા. વિવેકપૂર્વક સ્વસ્થ ચિત્તે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે પક્ષપાત વિના તેમણે બંધારણ ઘડ્યું હતું. કોમી તંગદિલી અને તાણથી ભરેલા એ દિવસોમાં ભારતમાં જે રીતે બંધારણ ઘડાઈ રહ્યું હતું એ જોઇને દુનિયા અવાક થઈ ગઈ હતી. આવું કેમ બની શકે?
આમાં આપણી પ્રજાકીય મહાનતાનો ફાળો છે. આમાં સામાજિક વાસ્તવિકતાઓનો ફાળો છે. આમાં અંગ્રેજોનું યોગદાન છે અને સૌથી વધુ આઝાદી માટેની લડત જે રીતે હાથ ધરાઈ એનો ફાળો છે. કોઈને ય પણ બહાર નહીં રાખવાનો એક પવિત્ર સંકલ્પ હતો. બીજા દેશોમાં તેનો મુખ્ય રાજકીય પક્ષ આટલો સંકલ્પબદ્ધ નહોતો જેટલી ભારતમાં કૉન્ગ્રેસ પક્ષ હતો.
આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે ભારતનું બંધારણ કઈ રીતે ઘડાયું અને તેણે કેવી રીતે કેવા ભારતને આકાર આપ્યો એની વાત કરવામાં આવશે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ફેબ્રુઆરી 2021