તિર્યકી
– તમારે જે કહેવું હોય તે કહો, મને તો આવા વિકલ્પો ગમે. લોકશાહી ટકાવી રાખવા માટે પણ આ વિકલ્પો જરૂરી. જરા વિચાર તો કરો! તમને પૂછવામાં આવે કે તમારે કેવી રીતે મરવું છે, ફાંસી પર કે ટોળાંનો માર ખાઈને, વાહ! ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ વહીવટ!
– પણ અપરાધ સાબિત કરવા માટે આરોપીની તપાસ વગર જ ? એને બોલવાનો હક નહીં ? બચાવમાં એણે કશું કહેવાનું નહીં ? આપણે તો કસાબને ય તક આપેલી …
– તે ત્યારે લોકશાહી બરાબર જામેલી નહીં ને ! આ તો ભ’ઈ પંચોતેર-પંચોતેર પચાવ્યાં પછીની લોકશાહી છે, અને તમે એના અર્થના ઊંડાણમાં જરા જાવ. લોકોની શાહી રીતરસમ એટલે લોકશાહી અને લોક એટલે ટોળાં ખરાં કે નહીં ? યાર, તમે આટલા કાચા કેવી રીતે !
– ટોળાં માર મારે અને માણસ મરી જાય, એ કલ્યાણકારી યોજના ક્યારથી અમલમાં આવી? મારે જાણવું એટલા માટે છે કે એક પુસ્તક લખી રહ્યો છું આપણી કલ્યાણકારી યોજનાઓ વિશે, અદ્ભુત થશે, જોજો! કહો, ક્યારથી અમલમાં છે?
– કહ્યું તો ખરું, જ્યારથી લોકશાહી પરિપક્વ થઈ, સ્વતંત્રતા એના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થઈ, ટોળાંઓએ પરમ શાતાદાયી આયોજન હસ્તગત કરી લીધું. બાલગોપાલ, ગૌમાતા કોઈને ય વિઘ્ન આવ્યું એમ હવા કહે ત્યારે તત્ક્ષણ ટોળાં જે હાથ લાગે તેને નિજધામ મોકલી આપે.
– તે આપણે ત્યાં હવા પણ કહે આવું બધું ?
– તો તમે જાણો છો શું આપણે વિશે ? ને પુસ્તક શું લખવાના, ધૂળ ને પથરા ? હવા કાનમાં કહે કે આ અપરાધી છે, પેલું હમણાં ક્યાં થયું, જ્યાં ચૌદ મજૂરોને પરમધામ મોકલી દીધા સ્પેશ્યલ હથિયારધારી ટોળીએ?
– એ તો બાપડા નિર્દોષ ખાણિયાઓ હતા એમ જાણ્યું …
– બે હાથ ને બે પગ હતા કે નહીં એમને ? એ હોય પછી માણસ નિર્દોષ છે એમ કહેવાય જ નહીં. હવા કહી ગઈ પેલા હથિયારવાળાઓને કે આ આતંકવાદી છે, આજે નહીં તો કાલે, એ નહીં તો એના કોઈ દૂરનાં સગાંઓ, તેમ નહીં તો માણસજાતનો કોઈ પણ આતંકવાદી હશે જ. અને આપણે તો ભણ્યાં કે તમામ ભારતીયો મારાં ભાઈબેન છે … તેથી –
– આવું તે કંઈ હોય ? જીવ બળીને રાખ થઈ જાય છે મારો તો ! મરવાનું મન થઈ આવે છે !
– તે તો વધારે સારું. છેવટે સઘળું રાખ જ થવાનું છે, તો અત્યારથી ભલે થતું ! વિશ્વગુરુ દેશ મારો એમ જ ભણાવે છે.
– તો ન્યાય હવે આ રીતે થશે? માનો કે કાલે મારી કે તમારી તરફ કોઈ આંગળી ચીંધી કહેશે કે આણે ફલાણો અપરાધ કરેલો એમ હવા કહે છે, તો આપણે ય …
– તે એમાં ફરિયાદ શેની કરવાની ? મને તો હજી વધારે વિકલ્પો હોય તે પણ ગમે, જેમ કે હાઈવે પર કચડાઈને મરવું છે કે મોંઘવારી વેઠીને, થાકીહારીને, પાણીમાં પડવું છે, કોઈ ફૅક્ટરી કે હૉસ્પિટલની આગમાં ગૂંગળાઈને જવું છે કે પછી બેકારીને કારણે થયેલાં વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લઈ કોઈ ખૂનખાર સરકારી સેવકની લાઠી માથામાં ખાઈ કાયમી ઢબે કોમામાં જતાં રહેવું છે કે એકાદી પ્રખર યુવાશક્તિની મદમસ્ત કાર હેઠળ ચગદાઈ મરવું છે, કે …
– બસ, બસ, મને તમ્મર આવે છે. આપણે ત્યાં સાચેસાચી આઝાદી આવી ગઈ તોયે આવું બધું …? બાકી કંગનાબેને તો કહેલું કે …
– તે આઝાદી આવી ત્યારે તો બધું લોકશાહી ઢબે થાય છે, તમને સમજતાં કેટલી બધી વાર લાગે છે, યાર ! શીખ્યા શું કંગનાબેનની પ્રેરક વાણીમાંથી ?
અબ્રામા, વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 16