એક મિત્રનો મને ફોન આવ્યો કે ધર્મસંસદમાં બાવાઓ એલફેલ બોલે એ કેમ ચલાવી લેવાય? બંધારણમાં નિષ્ઠા ધરાવતા ભારતના ઉદારમતવાદી સેક્યુલર નાગરિકોએ કાંઈક કરવું જોઈએ, તમારી શું સલાહ છે? મેં તેમને કહ્યું કે તમારે શાસકોને એ જગ્યાએ લઈ આવવા જોઈએ જેનાથી તેઓ ડરતા હોય અને ભાગતા હોય. બાવાઓ એલફેલ બોલતા નથી, બોલાવડાવવામાં આવી રહ્યા છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને પ્રજા ઠીકઠીક પ્રમાણમાં નારાજ છે. જો ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો પરાજય થાય તો તેનાં દૂરગામી રાજકીય પરિણામો આવી શકે છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી તેમના માટે નિર્ણાયક છે, એ તમે જાણો છો એનાં કરતાં એ લોકો વધુ જાણે છે.
કઈ વાતનો ડર છે વર્તમાન શાસકોને અને તેઓ શેનાથી ભાગે છે?
ડર એ વાતનો છે કે જગત આખામાં બહુમતી પ્રજાનું (ભારતમાં હિંદુઓનું) ગમે એટલું કોમી ધ્રુવીકરણ કરવામાં આવે, લગભગ અડધી બહુમતી પ્રજા કોમી ધ્રુવીકરણનો અને અસ્મિતાઓના રાજકારણનો વિરોધ કરે છે. વધુમાં વધુ ૬૦ ટકા પ્રજાનું ધ્રુવીકરણ કરી શકાય છે, પણ એમ કરવામાં ધ્રુવીકરણ કરવા માગનારાઓએ દરેક મર્યાદા ઓળંગવી પડતી હોય છે અને તેમાં જોખમ હોય છે. જે કોમવાદનો વિરોધ કરે છે એ સ્વાભાવિકપણે બુદ્ધિમાન હોવાના અને તેઓ કોઈ પણ સંજોગોમાં સાથ આપવાના નથી. બહુમતી પ્રજા સિવાય લઘુમતી પ્રજાનો પણ તેમને ટેકો મળવાનો નથી. તેમને ખબર છે કે તેમનું અને તેમની આવનારી પેઢીઓનું ભવિષ્ય માત્ર અને માત્ર કાયદાના રાજમાં સુરક્ષિત છે. એમાં ભારતના હિંદુઓના ડી.એન.એ.માં ઉદારતા છે. ઉપરાંત જર્મનીના જર્મનોથી ઊલટું ભારતમાં હિંદુઓ જ્ઞાતિઓમાં વહેચાયેલા છે. સવર્ણો દ્વારા કરવામાં આવેલા શોષણનો ઇતિહાસ તેઓ ભૂલ્યા નથી. આ સિવાય ભાષા અને પ્રદેશની અસ્મિતાઓ પણ તેમને પ્રભાવિત કરે છે. એટલે જેઓ સામે પક્ષે છે તેઓ ક્યારે ય શાસકોને ટેકો આપવાના નથી.
તેમને ડર એ વાતનો પણ છે કે શાસનના મોરચે તેઓ નાદાર સાબિત થયા છે. સરકારની ઈમેજ ગરીબવિરોધી હોવાની છે. ખેડૂતવિરોધી હોવાની છે. દલિતવિરોધી હોવાની છે. શ્રીમંત તરફી હોવાની છે. પ્રજાના અવાજોને નહીં સાંભળનારા તુમાખી શાસકોની ઈમેજ વર્તમાન શાસકો ધરાવે છે. આર્થિક મોરચે તેમ જ વિદેશવ્યવહારના મોરચે સરકારને સદંતર નિષ્ફળતા મળી છે. ચીન છાતી પર ચડીને બેઠું છે અને પાડોશી દેશો સાથેના સંબંધો તળીયે ગયા છે. દેશમાં કાયદાનું રાજ નથી અને લખીમપુર ખીરી જેવી ઘટના બને કે આંદોલનમાં ૭૦૦થી વધુ ખેડૂતોનાં મોત થાય ત્યારે જાહેરમાં દિલગીરી વ્યક્ત કરવા જેટલી પણ સંવેદના તેઓ ધરાવતા નથી. કોરોનાની મહામારીનાં બીજાં મોજા વખતે સરકારની આબરૂના જગત આખામાં ધજાગરા થયા હતા. ગંગા નદીમાં વહેલી લાશોનાં દૃશ્યો હજુ લોકો ભૂલ્યા નથી. તેઓ નિષ્ઠુર અને નીંભર હોવાની ઈમેજ ધરાવે છે. તેમને ડર એ વાતનો છે કે આ બધાં કારણે એક સમયે કોમી ધોરણે વટલાવાયેલા હિંદુઓ વાડામાંથી નાસી જઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે સામા પક્ષે છે તેઓ તો સાથ આપવાના નથી, પરંતુ જેઓ સાથ આપતા હતા એ મોઢું ફેરવી લે તો! આ ભય તેમને સતાવે છે અને તેનાથી તેઓ ભાગવા માગે છે.
તેમને ડર એ વાતનો પણ છે કે બી.જે.પી.ના અથાક પ્રયત્નો પછી પણ તેના ઝનૂની હિન્દુત્વવાદી રાજકારણને પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાંની હિંદુ પ્રજા સ્વીકારતી નથી. કેરળ, તામીલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડીશા અને બિહાર વિધાનસભાઓની તાજેતરની ચૂંટણીઓએ આ બતાવી આપ્યું છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી અંદાજે ૨૫૦ જેટલી બેઠકો બી.જે.પી.ના પ્રભાવથી મુક્ત છે. બી.જે.પી.નો પ્રભાવ ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં સઘનતાપૂર્વકનો છે અને અન્યત્ર પારવો છે. જ્યાં સઘન પ્રભાવ છે તે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાંથી મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. ટૂંકમાં પૂર્વ અને દક્ષિણ ભારતમાં જોઈએ એટલો પ્રવેશ મળતો નથી અને જ્યાં પ્રવેશ મળ્યો છે ત્યાં પણ પક્ષ પૂરી પકડ ધરાવતો નથી. એ પકડ ઢીલી થઈ શકે છે એનો તેમને ડર છે.
યાદ રહે, આ સ્થિતિ અયોધ્યામાં મંદિર, કાશ્મીરનું વિભાજન, આર્ટીકલ ૩૭૦, કાશીવિશ્વનાથ કોરીડોર, સમાન નાગરિક ધારો વગેરે હિંદુઓને ભાવે એવાં પગલાં લીધાં પછી પણ છે. અને આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની છે, ત્યારે તેઓ હડકાયા લોકોને છૂટા ન મૂકે તો શું કરે? જે થઈ રહ્યું છે એ ગણતરીપૂર્વક થયું છે. જે સાથે નથી એ તો ક્યારે ય સાથ આપવાના નથી, પણ જે સાથે આવ્યા હતા એ નાસી ન જવા જોઈએ. સમર્થકોમાં ઉમેરો થવાની કોઈ શક્યતા નથી, પણ ઘટાડો થવાનો ડર છે. ધ્રુવીકરણ સામે પક્ષે પણ થયું છે અને એ વધારે ટકાઉ છે, કારણ કે એ વિચારધારા પર આધારિત છે, ભાવનિક નથી. માટે મેં મારા મિત્રને કહ્યું હતું કે જો બંધારણપ્રણિત કાયદાના રાજવાળું સેક્યુલર ભારત તમે બચાવવા માગતા હો તો તમારે વર્તમાન શાસકોને એ જગ્યાએ પાછા લઈ આવવા જોઈએ જેનાથી તેઓ ડરે છે અને જ્યાંથી તેઓ ભાગવા માગે છે.
પણ ભારતના સેક્યુલર નાગરિકો દેશના ભવિષ્યને લઈને એટલા બધા ચિંતિત છે કે સમજદાર હોવા છતાં પણ આ વાત સમજતા નથી, અને બાવાઓના એલફેલ ઉચ્ચારણો સામે મોરચો માંડીને તેઓ તેમને અનાવધાને મદદ કરે છે. વિરોધ પક્ષો પણ આ જ ભૂલ કરે છે. તેમને એ વાતનું ભાન નથી કે તેઓ અજાણતા ડરેલા શાસકોને ભાગવામાં મદદ કરી રહ્યા છે. સેક્યુલર ભારતે પોતાનો ગોલ-પોસ્ટ નક્કી કરવો જોઈએ. સેક્યુલર ભારતે પોતાની પીચ પર રમવું જોઈએ અને પ્રજાને ચીનની, ખાડે ગયેલા અર્થતંત્રની, બેરોજગારીની, મોંઘવારીની, ગરીબવિરોધી તેમ જ શ્રીમંતતરફી નીતિની, ૭૦૦ ખેડૂતોના મૃત્યુની, માનવીય સંવેદનાના અભાવની, તુમાખીની, છેલછોગાળી જીવનશૈલીની, કોવીડના ફૂહડ મેનેજમેન્ટની, વિદેશમાં ખરડાયેલી ભારતની આબરૂની યાદ અપાવતી રહેવી જોઈએ. જે જોડો વિરોધીને ડંખતો હોય એમાંથી પગ કાઢવા ન દેવો એ ખરું રાજકારણ. બાકી તેઓ જેમાં મહારત ધરાવે છે એવી તેમની પીચ ઉપર તમે રમશો તો ક્યારે ય તમે જીતવાના નથી. સદ્ગુણવિકૃતિના સાવરકરીય સંસ્કાર તેમણે ઘૂંટીઘૂંટીને આત્મસાત કર્યા છે એટલે તેઓ કોઈના પણ વિષે કાંઈ પણ બોલી શકશે જે તેમ બોલી શકવાના નથી.
માટે તેમની પીચ પર રમવાની ભૂલ છોડીને સેક્યુલર ભારતે એવી રણનીતિ અપનાવવી જોઈએ કે ડંખતા જોડામાંથી તેઓ પગ ન કાઢી શકે. જે આ કામ કરી શકશે એ આવતી કાલનો ભારતનો મહાન નેતા હશે અને તેનું સ્થાન નેહરુની સમકક્ષનું હશે એ નક્કી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જાન્યુઆરી 2022