એક સારા સમાચાર આવ્યા છે. ભારતની વસતિ સમસ્યા ઉકલવા પર છે. જેને અંગ્રેજીમાં ‘ટોટલ ફર્ટિલીટી રેટ’ કહેવામાં આવે છે તે ઘટીને ર.૦ જેટલો થયો છે. આ આંકડા પાંચમા નૅશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી સાંપડ્યાં છે. ગુજરાતીમાં આપણે આ દરને કુલ પ્રજનન દર કહીશું. આ દર સ્ત્રીઓ દીઠ સરેરાશ બાળકોની સંખ્યા દર્શાવે છે, એટલે કે સ્ત્રીઓ દેશમાં સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે દર્શાવે છે. આ દર દેશમાં ર.૧ થાય ત્યારે દેશની વસતિ સમય જતાં સ્થિર થાય છે. તેથી અંગ્રેજીમાં એને ‘રીપ્લેસમેન્ટ લેવલ’ કહે છે. ભારતમાં ર૦૧પ-૧૬માં આ પ્રજનન દર ર.ર હતો, જે ઘટીને ર.૦ થયો છે. શહેરી વિસ્તારોમાં એ દર ૧.૬ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એ ર.૧ છે. એનો અર્થ એ છે કે દેશના ગ્રામીણ વિસ્તારો પણ વસતિવધારાના પ્રશ્નથી મુક્ત થયા છે.
દેશનાં બધાં રાજ્યોમાં આ પ્રજનન દર એક સરખો નથી. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં તે ૧.૬ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રમાં તે દર ૧.૭ છે. બીજી બાજુ બિહારમાં ૩.૦ અને ઉત્તર પ્રદેશમાં ર.૪ છે. ઝારખંડમાં તે ર.૩ છે. આના પરિણામે જે એક ધારણા હતી કે ર૦ર૪થી ર૦ર૮ના ગાળામાં ભારત સૌથી વધુ વસતિવાળો દેશ થશે, તેમાં હવે વિલંબ થશે. એકંદરે દક્ષિણનાં રાજ્યોમાં આ દિશામાં વધારે પ્રગતિ થઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને નાગાલૅન્ડમાં પ્રજનનદર ૧.૭ છે. આઠ રાજ્યોમાં તે ૧.૮ છે. એમાં કેરલ, તામિલનાડુ, તેલંગાણા અને ઓડિશાનો સમાવેશ થાય છે. પાંચ રાજ્યોમાં દર ૧.૯ છે. એમાં હરિયાણા, આસામ, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે.
ભારતે ૧૯પરથી કુટુંબનિયોજનની નીતિ અપનાવી હતી, જ્યાં સરકારી રાહે વસતિનીતિ અપનાવવામાં આવી હતી. આ વસતિનીતિ ૭૦ વર્ષે ફળદાયી નીવડી છે. જો કે, જે પ્રજનન દરમાં જે ઘટાડો થયો છે, તેનો સઘળો યશ સરકારની કુટુંબનિયોજનની યોજનાને આપી શકાશે નહીં. દેશમાં શિક્ષણનો પ્રસાર થયો છે, વસતિનું શહેરીકરણ થયું છે અને લોકોની આવકમાં વધારો થયો છે, તે પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે. દુનિયાના આજના વિકસિત દેશોમાં આર્થિક વિકાસની સાથે વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો, એની સાથે એ દેશોમાં શિક્ષણનો પ્રસાર થયો હતો. તેથી કુટુંબનિયોજનની નીતિ વગર પણ વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો એટલે કે લોકોએ આપમેળે કુટુંબનિયોજન કર્યું હતું.
વિવિધ રાજ્યોમાં પ્રજનનદરમાં જે તફાવત છે, તેનો સૂચિતાર્થ સમજવા જેવો છે. જે રાજ્યોમાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો છે, ત્યાં સમય જતાં વસતિ ઘટશે અને યુવાન વસતિનું પ્રમાણ ઘટશે. બીજી બાજુ, વૃદ્ધોનું પ્રમાણ વધશે તેથી એ રાજ્યોમાં કામદારોની અછત સર્જાશે. જો કે, આ લાંબા ગાળાની વાત છે. જે પાંચ રાજ્યોમાં પ્રજનનદર ર.૧ કરતાં વધારે છે, ત્યાં વસતિવધારો લાંબો સમય ચાલુ રહેશે. ત્યાં પણ છેવટે પ્રજનનદર ઘટીને ર.૧ કે તેથી ઓછો થશે જ.
આ પરિણામ પ્રત્યેક દેશમાં આવ્યું છે. જ્યાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો થયો છે. એ દેશોમાં યુવાનોનું પ્રમાણ ઘટ્યું છે અને વૃદ્ધોનું પ્રમાણ વધ્યું છે. વૃદ્ધો ઉત્પાદક ન હોવાથી તેમને નિભાવવા યુવાન કામદારોની જરૂર પડે છે. જો કે, ટેકનોલોજીની પ્રગતિને લીધે કામદાર દીઠ ઉત્પાદકતા વધી હોવાથી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ટકાવી શકાય છે અને વૃદ્ધોને નિભાવવાનું સરળ પડે છે. પણ શરત એ છે કે કામદારોની ઉત્પાદકતા વધવી જોઈએ.
ઉપર આપણે એમ લખ્યું છે કે પ્રજનનદર ઘટવાનો યશ કેવળ કુટુંબનિયોજનની નીતિને આપી શકાય નહીં. પણ એક વાતની નોંધ લેવી જોઈએ. સંતતિનિયમનનાં સાધનોમાં ઘણો વધારો થયો છે. એટલે કે એનો ઉપયોગ કરનારાંની સંખ્યા વધી છે. ર૦૧પ-૧૬માં કુટુંબનિયોજનનાં સાધનોનો ઉપયોગ કરનારાં ૪૯.૮ ટકા હતાં. એ પ્રમાણ વધીને ર૦૧૯-ર૧માં પ૬.પ ટકા થયું છે. સ્ત્રીઓનું વંધ્યત્વીકરણ ર૦૧પ-૧૬માં ૩૬ ટકા હતું, જે વધીને ર૦૧૯-ર૧માં ૩૮ ટકા થયું છે. આમ, કુટુંબનિયોજનનો બોજો મુખ્યત્વે સ્ત્રીઓ ઉપર છે. કુટુંબનિયોજનની ગુણવત્તામાં પણ વધારો થયો છે, જે લોકોએ કુટુંબનિયોજનની માહિતી અધિકૃત સ્રોતોમાંથી મેળવી હતી, તેનું પ્રમાણ ૪૬ ટકાથી વધીને ૬ર ટકા થયું છે. આમ, કુટુંબનિયોજન એ આપણી જીવનશૈલીનો એક ભાગ બન્યું છે. આ એક મોટું સામાજિક પરિવર્તન છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 04