થોડાં વરસ પર વિપુલ કલ્યાણી અને હું દક્ષિણ આફ્રિકાનાં ગાંધીતીર્થની યાત્રાએ ગયા ત્યારે ઈલા ગાંધી સ્વયંસેવી ઊલટથી અમને સેલ્ફડ્રાઈવ કરી ફાતિમા મીરને મળવા લઈ ગયાં હતાં. એ જ સવારે અમે ગાંધીજી વિશે ઘસાતું (દક્ષિણ આફ્રિકી મૂળ પ્રજા સંદર્ભે) સાંભળ્યું હતું અને કંઈક ક્ષુબ્ધ પણ હતા. વાત ચાલી, ત્યારે ફાતિમા મીરે તળ ગુજરાતી પારસી લહેકામાં ને વળી હલકથી કહ્યું, ‘મધુરાધિપતેર અખિલં મધુરમ’ની તરજ પર, કે એવણનું બધ્ધું મીઠ્ઠું અને પછી ઉમેર્યું, હમણાં જ ડેસમંડ ટેટુએ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં – અમારું હૃદય ફાડીને જુઓ. એમાં ગાંધી દેખાશે.
— પ્ર.ન.શા.
“નિરીક્ષક” તંત્રી
°°°
ભારતનો અને દક્ષિણ આફ્રિકાનો સંબંધ જૂનો અને જાણીતો છે. મોહનદાસ કરમચંદ ગાંધી ત્યાં વસતા ભારતીયો અને ગિરમીટિયાઓ માટે, તેમના અધિકારો માટે લડ્યા અને તે સમયે ‘ગાંધીભાઈ’ તરીકે જાણીતા થયા અને ત્યાં શરૂઆતના બે આશ્રમો સ્થાપ્યા, એ સઘળી વિગતો પાછળથી ગાંધીજીએ લખેલા પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ’માં સંગ્રહેલી છે. ઘણાને યાદ હશે કે આ પુસ્તક ગાંધીજીએ જેલમાં રહ્યા-રહ્યા લખ્યું હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી લખાવે તેમ લખતા હતા.
આ બધું આજે યાદ કરવાને કારણ છે રંગભેદ વિરોધી નેતા ડેસમંડ ટુટુ નેવું વર્ષની વયે ૨૬મી ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અવસાન પામ્યા છે. કાળા-ગોરાની લડાઈ દાયકાઓ સુધી ચાલી છે. ઘણા લોકોએ તેમાં જાન ગુમાવ્યા છે. ૧૯૮૦ના દાયકામાં તે ઘણી ઉગ્ર બની હતી. ઘણું લોહી વહ્યું હતું, ત્યારે અશ્વેત લોકોના નેતા તરીકે ડેસમંડ ટુટુ ઊભર્યા હતા.
ગાંધીજી રંગભેદનો ભોગ બન્યા હતા અને વાજબી ટિકિટ હોવા છતાં રેલવેના પહેલા વર્ગના ડબ્બામાંથી પ્લૅટફૉર્મ પર ધકેલી દેવાયા હતા ! જે ઘટના થકી જ તેમનો ઉદય મહાત્મા સુધી થયો હતો. આ એક ઘટનાની આપણને ખબર છે, પરંતુ આનાથી વધુ અપમાનજનક અને આઘાતજનક હિંસાત્મક ઘટનાઓ તે સમયના શ્વેત-શાસન તરફથી અશ્વેત પ્રજા પર આચરવામાં આવતી હતી, જે જાણીએ અને વાંચીએ તો માનવજાત પ્રત્યે નફરત જ નફરત પેદા થાય! ભલું થજો નેલસન મંડેલાનું જે પોતે રંગભેદનીતિ સામે લડતાં-લડતાં દાયકાઓ સુધી જેલમાં રહીને, બહાર નીકળ્યા પછી ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે વખતે મંડેલાએ ડેસમંડ ટુટુને અગાઉની સરકારોએ આચરેલા અત્યાચારો અંગેના તપાસપંચના અધ્યક્ષ નીમ્યા હતા.
મંડેલા અને ટુટુ બન્ને ત્યાંના સ્થાનિક નેતાઓ હતા. રંગભેદ વિરોધી ચળવળના લડવૈયાઓ હતા. ટુટુ તો ખ્રિસ્તી-ધર્મના પુરોહિતવર્ગમાંથી લડવા માટે આગળ આવ્યા હતા. ધર્મ એટલે કર્મકાંડ માત્ર નહિ, પરંતુ દેખીતા અન્યાય સામે લડત એ સાચો ધર્મ. એ વાત આવાં અનેક ઉદાહરણો થકી આપણને જાણવા મળે છે. આ બન્ને નેતાઓ તેમના લાંબા સમયના કાર્યકાળ પછી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પણ બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ.
ડેસમંડ ટુટુનો જન્મ ૭-૧૦-૧૯૩૧ના રોજ પશ્ચિમ જોહાનિસબર્ગના એક પરગણામાં થયો હતો. ૧૯૬૧માં તેઓને ચર્ચના પુરોહિતવર્ગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની આજે ૬૬ વર્ષનાં છે અને તેમને ચાર બાળકો છે. એક સમયે જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે તમને લોકો કેવી રીતે યાદ કરે તે ગમે, ત્યારે એમણે જવાબ વાળેલો કે : “આ એવો માણસ હતો જેણે લોકોને ચાહ્યા, લોકો સાથે હસ્યાં અને રડ્યાં, તેને ક્ષમા મળી અને તેણે ક્ષમા આપી. આવા વિશેષાધિકારો તેને જીવનભર પ્રાપ્ત થતા રહ્યા.”
અનેક લોકોએ પોતાને લગતા અન્યાયો સામે સતત લડતો આપી છે. એમ પણ કહેવાયું છે કે અન્યાય સહન કરનાર અન્યાય આચરનાર જેટલો જ મોટો ગુનેગાર છે. માણસજાતે ખોટા અન્યાયો લાંબો સમય સુધી સહન કરતા રહેવાની કોઈ જરૂર નથી એ ગાંધી, મંડેલા, ટુટુ જેવા અનેક નેતાઓ આપણને શીખવી ગયા છે. શાસક કે શોષણખોર ગમે તેટલો જલ્લાદ કેમ ન હોય – પ્રજાએ અને પ્રજાકીય નેતાઓએ પોતાના નૈતિક બળથી લાંબી લડતો આદરીને, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા, અવશ્ય મેળવી છે. પરંતુ આખરે વિજય તો સત્યનો જ થયો છે. આવી ઇતિહાસસિદ્ધ હકીકતો આપણને પ્રેરણા પૂરી પાડે છે.
ડેસમંડ ટુટુ સદાય કહેતા કે હું ચૂપ નહિ રહી શકું. તેઓ એમ પણ કહેતા કે ઘાંટા પાડીને બોલવાને બદલે તમારી દલીલ એવી મજબૂત કરો જેનો પ્રતિકાર ન થઈ શકે! લડતમાં લડવાનું પણ છે અને જતું પણ કરવાનું છે. ક્યારે માફ કરી દેવું અને ક્યારે અડગ રહેવું એ બરાબર સમજવાનું છે. સદાય એવી આશા રાખવાની છે કે ગાઢ અંધકારને અંતે તેજકિરણ મળવાનું જ છે. તમે જ્યાં પણ હોવ, ત્યાં રહીને અન્યાય વિરુદ્ધ પોતાનાથી થાય તેટલું અવશ્ય કરતા રહો અને બાકીનું ઈશ્વરના ભરોસે છોડી દો. ઈશ્વરી સત્તા એ ન્યાયી છે અને હરહંમેશ એ તમારી પડખે છે એવો અહેસાસ અનુભવો. હું શાંત રહી શકું એવું જરૂર ઇચ્છું છું, પણ અન્યાય સામે જોઈને તેમ ન કરી શકું અને નહિ કરું.
કોઈકે ઠીક કહ્યું છે કે સદીઓના ઇતિહાસનો અભ્યાસ કરીએ, તો એવું જાણવા મળે છે કે માણસજાત ઇતિહાસમાંથી કશું શીખી નથી. એનો અર્થ એ થયો કે આપણે એકની એક ભૂલો ફરી કરીએ છીએ. લોકોએ અન્યાય સામે લડીને જીત મેળવી છે એ વાત અંકે કરીને સક્રિય બનવાને બદલે નિરાશ થઈએ છીએ. ભૂતકાળ આપણને ભવિષ્ય માટે ઉત્સાહ પ્રેરનારો હોવો જોઈએ, નિરાશ કરનારો નહિ.
રિવાજ તો મૃતાત્માઓેને અંજલિ આપવાનો રહ્યો છે. આમ જોઈએ એ એક પ્રકારનો, કર્મકાંડ થઈ ગયો છે. આપણે શ્રાદ્ધપક્ષમાં દૂધપાક ખાઈને અટકી જઈએ છીએ. પૂર્વજોએ શ્રદ્ધા પૂરી પાડનાર જે તત્ત્વો આચરી બતાવેલાં તેને અનુસરવાનું ભાગ્યે જ કરીએ છીએ. ઇતિહાસનાં પાત્રો પણ આપણા પૂર્વજો જ છે. તેમનાં કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. એ પ્રેરણા કદી પણ હતાશા કે નિરાશાની ન હોઈ શકે, પરંતુ પ્રોત્સાહન અને વિજયની જ હોઈ શકે.
ચાલો, આજે પણ આપણે ગાઢ અંધકારથી ડર્યા વિના તેજકિરણની આશાએ આપણને લાગતા-અનુભવાતા વ્યક્તિગત, સામાજિક અને જાહેર અન્યાયો સામે આપણી શક્તિ મુજબની નાની કે મોટી લડત લડવાનું કે તેમાં જોડાવાનું કે લડતા હોય તેમને ટેકો આપવાનું નક્કી કરીએ. આવું કરી શકીએ, તો તે કર્મકાંડથી આગળની વાત હશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 03