મદનલાલ ઢીંગરાનું પરાક્રમ તો વિનાયક દામોદર સાવરકરે આપેલી પ્રેરણાનું પરિણામ હતું એનો જશ સાવરકરને હિન્દુત્વવાદીઓએ છેક તેમના અવસાન પછી આપ્યો હતો અને એ પણ સાવરકરનો હવાલો આપીને. અંગ્રેજ-રાજમાં તો ઠીક, પણ આઝાદી પછી પણ સાવરકરે કે તેમના અનુયાયીઓએ જશ લેવાનો કે તેમને આપવાનો પ્રયાસ નહોતો કર્યો, કારણ કે ગાંધીજીના ખૂનમાં સાવરકર એક આરોપી હતા અને તેમને ડર હતો કે જેને તેઓ ‘પ્રેરણા’ કહે છે એને શાસકો ઉશ્કેરણી તરીકે ખપાવી શકે છે અને સાવરકર દ્વારા ગાંધીજીના ખૂનીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ઢીંગરાની કરવામાં આવેલી ઉશ્કેરણી તેનું પ્રમાણ છે એમ કહીને સરકાર કે બીજું કોઈ અપીલમાં પણ જઈ શકે. માટે મહાન ‘વીરે’ અને ‘વીર’ના સમર્થકોએ આઝાદી પછી પણ ‘પ્રેરણા’નો દાવો નહોતો કર્યો કે નહોતો જશ લીધો. એ જશ પર દાવો સાવરકરના અવસાન પછી, જ્યારે પરિસ્થિતિ અનુકૂળ બની ગઈ ત્યારે કરવામાં આવ્યો હતો. ઢીંગરાએ કરેલા પરાક્રમનો શ્રેય વચ્ચેથી આંચકી જવો એ અનીતિ નથી? અને જો ઢીંગરાનું પરાક્રમ ખરેખર સાવરકરની પ્રેરણાનું પરિણામ હતું તો દાયકાઓ સુધી ચુપકીદી સેવવી એ બુઝદિલી નહોતી? પણ એ જ તો હિન્દુત્વ નીતિ છે. સાધનશુદ્ધિ અને પ્રામાણિકતાને સાવરકરે ‘સદ્ગુણવિકૃતિ’ (સહા સોનેરી પાન, પ્રકરણ ચોથું, જેનું શીર્ષક જ છે; સદ્ગુણવિકૃતિ) તરીકે ઓળખાવ્યાં છે.
પણ એક મુસીબત થઈ જેની કલ્પના ૧૯૦૯ની સાલમાં સાવરકરે નહોતી કરી. મદનલાલ ઢીંગરા સામે જ્યારે લંડનની અદાલતમાં ખટલો ચાલતો હતો ત્યારે ઢીંગરાએ અદાલતમાં નિવેદન કર્યું હતું કે, ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment…' માત્ર નખશીખ વીરોને શોભે એવું આ નિવેદન ઢીંગરાએ અદાલતમાં કર્યું હતું (જે એમ કહેવાય છે કે સાવરકરે લખી આપ્યું હતું.) જેનો સાવરકરે ભરપૂર પ્રચાર કર્યો હતો. હજુ તો અદાલત ઊઠે એ પહેલાં તેમણે ઢીંગરાનું નિવેદન અખબારો સુધી પહોંચાડી દીધું હતું. ત્યારે તેમણે બિચારાએ કલ્પના પણ નહોતી કરી કે બહુ જલદી મર્દાનગીની જે એરણ તેમણે પ્રચારિત કરી છે એ જ એરણ ઉપર તેમની પોતાની કસોટી થવાની છે. તેમને તો ત્યારે શ્યામજી કૃષ્ણવર્માની માફક એવો ભ્રમ હતો કે જ્યાં સુધી પ્રત્યક્ષ કાયદો હાથમાં લેવામાં ન આવે ત્યાં સુધી બીજા દરેક પ્રકારના સાહસ માટે બ્રિટિશ ભૂમિ ભારતની ભૂમિ કરતાં વધુ સલામત છે. જ્યારે ભ્રમ ભાંગ્યો ત્યારે ‘અંગ્રેજ યેથૂન તેથૂન સારખેચ!’ એવો એક લેખ ‘લંડનચી બાતમીપત્રે’ માટે તેમણે લેખ્યો હતો. (સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ-૧, પૃષ્ઠ, ૨૬૩)
‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment….' શું મર્દાના નિવેદન છે! માનવું પડે! ખરો ‘વીર’ હોય એ જ આ કહી શકે. ‘હું દયાની ભીખ માગતો નથી. (દયા વળી તમે આપનારા કોણ, કારણ કે) હું તો તમારી મારા ઉપરની (અને ભારત ઉપરની) સત્તાને જ સ્વીકારતો નથી. મારી તો એટલી જ ઈચ્છા છે કે મને મૃત્યુદંડ આપવામાં આવે….'
મદનલાલ ઢીંગરાએ લંડનની અદાલતમાં આ નિવેદન ૨૦મી જુલાઈ ૧૯૦૯ના રોજ કર્યું હતું, જેને સાવરકરે ભારતમાં અને ઇંગ્લેન્ડમાં ખૂબ પ્રચારિત કર્યું હતું. ખૂબ એટલે એમના સ્વભાવ મુજબ બેશુમાર. નસીબનો ખેલ કહો કે સાવરકરની કમનસીબી કહો, બરાબર બે વરસે સાવરકરને કુલ પચાસ વરસની એકાંતવાસની સજા કાપવા માટે ચાર જુલાઈ ૧૯૧૧ના રોજ આંદામાન લાવવામાં આવ્યા અને મર્દાનગીની કસોટી થઈ!
હવે? હવે સાવરકર પાસે બે વિકલ્પ હતા. એક વિકલ્પ હતો મદનલાલ ઢીંગરાનો જે તેમણે પોતે જ તેને બતાવ્યો હતો અને જો બતાવ્યો નહોતો તો પ્રચારિત તો હરખેહરખે અને બેશુમારપણે કર્યો હતો : ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. …' અને બીજો રસ્તો હતો; દયાની ભીખ માગવાનો, માફી માગવાનો અને અંગ્રેજોની ભારત પરની સત્તાનો સ્વીકાર કરવાનો. સાવરકરે બીજો માર્ગ અપનાવ્યો. તેમણે તેમના શિષ્યને (ખરું જોતાં શિષ્યોને, કારણ કે એકલો ઢીંગરા નહીં, અનંત કાન્હેરે અને બીજા અનેક) જે શીખ આપી હતી તેનાથી બરાબર વિરુદ્ધ દિશાનો. સાવરકરના કોઈ ક્રાંતિકારી શિષ્યએ ગુરુની શિખામણની વિરુદ્ધ જઈને દયા માગીને કે માફી માગીને કે પછી અંગ્રેજોની સત્તાનો સ્વીકાર કરીને સવરકરની શિખામણ પાળવામાં ગુરુદ્રોહ નહોતો કર્યો, માત્ર સાવરકરે પોતાની જાત સાથે આત્મદ્રોહ કર્યો હતો. જો કે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. તેઓ સદ્ગુણને સદ્ગુણવિકૃતિ માનતા હતા.
આંદામાનમાં ગયા પછી એ જ વરસમાં તેમણે બ્રિટિશ સરકારની ભારત ઉપરની સત્તાનો સ્વીકાર કરીને દયાની અરજી કરી હતી. દુર્ભાગ્યે તેની વિગત (પાઠ-ટેક્સ્ટ) ઉપલબ્ધ નથી, પરંતુ પછીના પત્રમાં આગલા પત્રનો ઉલ્લેખ જોતાં આંદામાન ગયા પછી માત્ર બે જ મહિનામાં તેમણે માફી માગી હતી એમ સમજાય છે. ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. રાજનાથ સિંહ દાવો કરે છે એ સાચો હોય તો સાવરકરને આંદામાન લઈ જવાયા એ પછી શું માત્ર બે જ મહિનામાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સાવરકરને સલાહ આપી દીધી કે ભાઈ, માફી લો? બીજું, ભારતીય રાજકારણમાં એ સમયે, ૧૯૧૧માં ગાંધીજી શું એવડી મોટી હસતી હતા કે સાવરકરને તેઓ સલાહ આપે અને સાવરકર સલાહ માગે કે સાંભળે? ત્રીજું, જે સાવરકર ગાંધીજીને ક્યારે ય ભારતના દિગ્ગજ નેતા માનતા જ નહોતા એ ગાંધીજીની સલાહ માગે અને સ્વીકારે?
પણ એ હંબક જવા દઈએ. હકીકત એ છે કે આંદામાનની જેલમાં પગ મુકતાની સાથે જ ‘વીરે’ દયાની પહેલી અરજી કરી નાખી. બીજી અરજી તેમણે ૧૯૧૩માં નવેમ્બરની ૧૪મી તારીખે કરી હતી જેમાં પહેલા પત્રનો ઉલ્લેખ છે. ૧૪મી નવેમ્બર ૧૯૧૩ના પત્રમાં સાવરકર પોતા માટે કેટલીક સુવિધાઓની માગણી કરે છે અને આંદામાનથી તળ ભારતની કોઈ જેલમાં બદલી કરવાની માગણી કરે છે. તેમની બદલી અંગ્રેજોને લાભદાયી નીવડવાની છે એમ પણ તેઓ કહે છે. એ કઈ રીતે? વાંચો :
“અંતમાં હું નામદાર સરકારને મેં ૧૯૧૧માં કરેલી દયાની અરજીની યાદ અપાવું છે. ભારતમાં અત્યારે જે રાજકીય સ્થિતિ છે અને સરકારે (ભારતીય રાજકીય પક્ષો અને નેતાઓ સાથે) જે સમજુતીનો માર્ગ અપનાવ્યો છે એ જોતાં સંસદીય માર્ગ (એટલે કે હિંસક કે અહિંસક, દરેક પ્રકારનાં લોકઆંદોલનરહિત માર્ગ અને જેમાં માત્ર સરકાર સાથે વાતચીત કરીને સમજુતી કરવામાં આવતી હોય) માટે ફરીવાર રસ્તો ખૂલ્યો છે. આ નવી સ્થિતિ જોતાં જે વ્યક્તિ ભારતનું ભલું ઈચ્છતી હોય અને જે વ્યક્તિના હ્રદયમાં માણસ (માણસાઈ) વસતો હોય (Humanity at Heart) એ વ્યક્તિ ક્યારે ય ૧૯૦૬-૦૭નો કાંટાળો માર્ગ (લોકમાન્ય તિલક અને જહાલોનો માર્ગ) ન અપનાવી શકે જે શાંતિ અને પ્રગતિમાં બાધક છે. માટે સરકાર જો મને જેલમાંથી છોડીને મારા ઉપર અનેકાનેક ઉપકાર કરે (manifold beneficence) તો હું સમજુતીના અને સંસદીય માર્ગ અખત્યાર કરવામાં બ્રિટિશ સરકારનો વફાદાર ભરોસાપાત્ર સમર્થક બનવા તૈયાર છું (the staunchest advocate of constitutional progress and loyalty to the English Government.), કારણ કે બ્રિટિશ-વફાદારીનો સરકારચિંધ્યો માર્ગ જ શાંતિ અને પ્રગતિનો એક માત્ર માર્ગ છે. … બીજું, મેં હવે સંસદીય માર્ગ અપનાવી લીધો છે એ જોઇને એક સમયે મને અનુસરનારા દેશ અને વિદેશના મારા માર્ગ ભૂલેલા અનુયાયીઓ મારો માર્ગ અપનાવશે અને સંસદીય માર્ગે વળશે. હું સરકાર ઈચ્છે એ રીતે સરકારની સેવા કરવા તૈયાર છું, કારણ કે મારું માર્ગપરિવર્તન ઈમાનદારીપૂર્વકનું છે જેની ખાતરી ભવિષ્યમાં મારાં વર્તન દ્વારા થશે. મને જેલમાં ગોંધી રાખવા કરતાં મને છોડવાથી સરકારને વધારે ફાયદો થાય એમ છે. આખરે કૃપા તો એ જ કરી શકે જે શક્તિશાળી હોય અને માટે માર્ગ ભૂલેલો પાપી સરકાર માઈ-બાપનો દરવાજો ન ખખડાવે તો બીજા કોનો ખખડાવે? (The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?)”
આ એ માણસ છે જેણે મદનલાલ ઢીંગરાના મરદનો દીકરો જ બોલી શકે એવા કથનનો બેશુમાર પ્રચાર કર્યો હતો. એ કથન હતું : ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. …' આ એ માણસ છે જેણે મદનલાલ ઢીંગરાને રિવોલ્વર આપતા કહ્યું હતું કે, ‘આ વખતે જો નિષ્ફળ નીવડે તો મને મોઢું નહીં બતાવતો.’ અર્થાત આ એ માણસ છે જે મર્દાનગીમાં માને છે અને કાયરનું તો મોઢું જોવા પણ તૈયાર નથી.
આશ્ચર્ય થાય છે? તો આ એ માણસ છે જે ઢીંગરાની મર્દાનગી માટેના શ્રેયનો દાવો છ દાયકા પછી કરે છે. પોતાની હયાતીમાં પોતે ક્યાં ય લખતા નથી, પોતે ક્યાં ય બોલતા નથી; પણ કહીને જાય છે અને તેમનાં મૃત્યુ પછી આવો દાવો વહેતો કરવામાં આવે. આ એ માણસ છે જેણે લંડનની અદાલતમાં અને મુંબઈની અદાલતમાં જાંબાઝ ક્રાંતિકારીઓને રઝળતા મૂકીને હાથ ઊંચા કરી લીધા હતા. બેરિસ્ટર જયકરનો હવાલો આપીને મેં આનું પ્રમાણ આપ્યું છે. આ સિવાય ખટલાની સુનાવણી ઉપલબ્ધ છે.
હજુ પણ આશ્ચર્ય થાય છે? તો છેલ્લું વાક્ય ફરીવાર વાંચો. The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government? હિન્દુત્વવાદીઓ પાસે ભારતના કાયર નેતાઓની લાંબી યાદી છે. બહાદુર તો તેઓ જ માત્ર છે, જેમણે બહાદુરી જાળવી રાખવા માટે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. તેમને પૂછો કે ભારતના કયા કાયર નેતાએ આ શબ્દોમાં સરકાર સમક્ષ કાકલૂદી કરી છે? અહિંસામાં માનનારા કાયરોમાંથી એકાદ નામ બતાવે. સાવરકર પોતાને અંગ્રેજીમાં prodigal son તરીકે ઓળખાવે છે, જે બાયબલની એક કથા છે. prodigal sonનો અર્થ થાય છે કેડો ચુકેલા. માર્ગ ભૂલેલા. ભટકી પડેલા. ચાર પ્રકારના લોકો હોય છે. એક કેડીએ ચાલનારા. બીજા કેડી કંડારનારા. ત્રીજા કેડો ચાતરનારા અને ચોથા કેડો ચૂકી જનારા. સાવરકર પોતાને કેડો ચૂકી ગયેલા અને ખોટી દિશામાં ભટકી પડેલા તરીકે ઓળખાવે છે. બાયબલના ભટકી પડેલા દીકરાની અક્કલ ઠેકાણે આવે છે અને પાછો બાપને શરણે જાય છે. The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?
હજુ પણ આશ્ચર્ય થાય છે? તો ખમો, પિક્ચર અભી બાકી હૈ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 ડિસેમ્બર 2021