પોતાનો દેહ જ કારાવાસ જેવો છે એમને માટે
પોતાનો કાંઈ વાંક નથી છતાં
કુદરતી અક્ષમ્ય ભૂલનો ભોગ બનીને
માથે કલંકનો બોજ વેંઢારી રહ્યા છે તેઓ
વંશપરંપરાનાં
યશોગાનથી ભરાયેલા ધર્મગ્રંથોમાં
એમની કોઈ ઓળખ નથી
કોઈ ધનુર્ધારી કે સુદર્શનચક્રધારીના
નામ સાથે જોડાયેલું
નામનું એક જૂઠું ગૌરવ છે, બસ
જે કોઈ દૈવીપરંપરા સાથે
નામનો સંબંધ દેખાડે છે.
કળિયુગમાં રાજકાજનું વરદાન પણ
લખાયેલું તો છે ક્યાંક પીળાં પાને
અને તોયે વર્તમાનનો શાપ
ભોગવી રહ્યા છે અજ્ઞાતપણે
દૂરસુદૂર અતીતની પૂંઠે મળે છે
મિસર, બૅબિલોન, મોહેં-જો-ડેરોના …
ઇતિહાસમાં દબાવાયેલા
રાન-રાન પાન-પાન થયેલી
પ્રાચીન જિંદગીના પ્રમાણમાં
નપુંસક નિસાસાની નિશાનીઓ
નપુંસક કે નિર્વીર્ય શબ્દ તો એક ગાળ જેવો લાગે છે
જેમની છબી સીમિત છે જનાનાખાનામાં
જ્યાં તેઓ રાજાઓ માટે
રાણીવાસની રખેવાળી માટે
આશ્વસ્તિનું પ્રમાણ હતાં
એમનું ઉભયલિંગી વ્યક્તિત્વ
જાસૂસી માટે સાનુકૂળ હતું,
રાજા અને રાણીવાસ બધું ખતમ થયું
પણ તેઓ તો શરમનું મહોરું બનીને જ રહી ગયાં
જન્મતાં જ
બની રહે છે કુટુંબ માટે વણઊકલ્યાં પ્રશ્નચિહ્ન
જાણીતાં યાત્રાધામોની જેમ
ઓવારણાં નથી લેવાતાં
એ કિલકારીઓના
જે માના પાલવમાં ઉદાસીનતા
અને પિતાના હ્યદયમાં કટુતા ઘોળે છે
જ્યાં ગુલાબી કે આસમાની કોઈ રંગ હોતો નથી,
માથે છત્તર છતાં આ અનાથો માટે
બાળપણમાં મળેલું નામ પણ
દૂર સુધી સાથ નિભાવતું નથી
બીજી વાર મળેલાં નામ સાથે
નકલી ઉરોજો અને સ્ત્રૈણ પરિધાન સાથે
સંપૂર્ણ સ્ત્રી હોવાની
ફૂવડ કોશિશો કરતા
દ્વંદ્વથી ખદબદતાં વિરૂપ સંસારનો
બની જાય છે હિસ્સો
પુંસત્વનો ત્યાગ એક મોટો પ્રશ્ન છે!
પ્રકૃતિ સોંપે છે એમને
જીવનની સફર માટે
ગરમી, હવા, પાણી અને અન્નનો એ જ સ્વાદ
જે આપણા સૌના હિસ્સો છે,
સંવેદનાઓમાં મળી છે,
સૌને એક જ તાસીર
નર-માદાના કીમિયામાં ગળાડૂબ આપણે
રહીએ છીએ ગાફેલ કે
આપણી ફિકરનો એક ટુકડો
ઓછી કરી શકે છે
એમનાં જીવનની યંત્રણાઓ
અને વધારી શકે છે
વિરોધાભાસોનો વિરોધ કરવાની હિંમત
અહીં ઘોષણાપત્રોના લોભામણા વાયદા છે
વિકાસની પરિભાષાઓમાં
પ્રદાન થઈ રહ્યાં છે સુવિધાઓ અને આરક્ષણ
કોઈ પણ રીતે શારીરિક અક્ષમતાથી પીડિતોને કે કોઈને પણ
આ અવયવે અવિકસિતો માટે અહીં કોઈ સહાનુભૂતિ નથી
જેઓ એમને ધુત્કારે છે
વરસાવે છે બહિષ્કારના કોરડા,
તેમને માટે કોઈ દંડ નિર્ણિત નથી.
કોઈ દરવાજો એમને માટે ખુલ્લો નથી,
ન માનવીનો, ન માનવાધિકારનો
યૌનઓળખની બંધ ભુલભુલામણીમાં
સ્વાહા થઈ જવા માટે શાપિત છે
એમનું પ્રચ્છન્ન સામાજિક જીવન.
કડવી અને મીઠી યાદોના દોરને તોડીને,
એમણે નીકળી જવાનું હોય છે,
જ્યાં નથી હોતો માતતાતની મમતાનો છાંયડો
કે ભાઈબહેનની સ્નેહલતા
એ દુનિયામાં
આગળ વધતાં એ પગલાંના ભાગ્યમાં
નથી લખી ક્યારે ય ઘરવાપસી
આ એવી વેરાન મરુભૂમિ છે જેના પર
આજીવન કોઈ બીજારોપણ થતું નથી કે
પ્રેમની આર્દ્રતા પણ ક્યાં એમને નસીબ હોય છે!
ઉપેક્ષાની થાપટ ઝીલતાં
બસ, જીવન સ્થગિત થઈ જાય છે કિનારે
“દરેક પુરુષમાં હોય છે એક સ્ત્રી
અને દરેક સ્ત્રીમાં એક પુરુષ”
આ કહેનાર જ્ઞાની પણ દર્શાવી શકતા નથી
દર્શનના કયા ઉંબરે
મનુના આ વંશજોની સુનાવણી
ક્યારે થશે !
સ્ત્રીદેહ પર પુરુષનું મસ્તિષ્ક
અથવા પુરુષદેહ પર સ્ત્રીનું !
હાલકડોલક મનથી
તેઓ અન્યની ખુશીમાં
પોતાની ખુશી શોધે છે.
પોતાની દુઆઓ વરસાવે છે
જેથી તમારું સુખ દ્વિગુણિત થઈ રહે
બદલામાં દુરાગ્રહનો પ્રસાદ લઈને
ફરી જાય છે પોતાની નિર્વીર્ય દુનિયામાં
કોઈ નવા સંગ્રામના દસ્તાવેજ પર મત્તુ માટે
સહી લઈને
એમના આકાશની સીમા ફક્ત એમની નજર સુધી
કોઈ રહસ્યમયી દુનિયાના રહેવાસીઓ જેવી અને
પોતાના વંશની અંતિમ એકતા
જેવા આ અર્ધનારીશ્વર
થાકેલી-હારેલી ઉત્પીડિત ઊંઘ વચ્ચે
આવી જતાં ભૂલ્યાં-ભટક્યાં સપનાંમાં કદાચ
સફેદ ઘોડા પર સવાર થઈને
આવતો હશે કોઈ રાજકુમાર
કે કોઈ પરી જોતી હશે રાહ.
હથેળીએ ભ્રમરનો વાળ રાખી
શું યાચના કરતા હશે તેઓ !
કે પછી ફૂંકી દેતા હશે એને
કશું માગ્યા વગર
એ કૃપણ દાતાને
દ્વિધાથી ઉગારવા માટે !
પોતાની સુષુપ્ત યૌન ઇચ્છાઓમાં
પહોંચવાં ઇચ્છતા હશે તેઓ
કોઈ ચરમસીમા પર
કોઈ ખીણના ઊંડાણમાં
કોઈ ખળખળ વહેતી નદીમાં
દૂરસુદૂર વહી જવાનો આનંદ
એમના મનને પણ શાતા આપતો હશે
કોઈની પરવા નહીં કરતું હોય મન
બાકી તો સુખ પર ઘોંચપરોણાં કરનારાં તો ઘણાં !
કાગળ કાઢીને ફેંકી દેવામાં આવતાં પરબીડિયાં
જેવી જ હોય છે એમની નિયતિ
હૉર્મોન્સની
જટિલ-કુટિલ દગાબાજી ફસાયેલાં આ નાન્યતર
નોબેલ માટે યોગ્ય પદાર્થ નથી
ચિકિત્સક વર્તુળમાં કોઈ ગંધ-સુગંધ માટે
એમનાં તરફ ધ્યાન દોરાતું નથી
સાહિત્યિક વિમર્શની કોઈ ધારા પણ
એમને સ્પર્શતી નથી
બજારમાં ચલણી સિક્કા તરીકે પણ તેઓ નથી
ભલે, પોતાના વ્યવહારમાં
તેઓ આક્રમક જણાય છે
પરંતુ ખુદની સાથે
વંશનો ખતમ થવાનો ડર
ભીતર છુપાયો હોય છે
એમનાં બેસૂરાપણાને
નિર્ધારિત કરવું મુશ્કેલ છે
એમણે ભોગવેલી એ વેદના છે
જેણે અંતસ્તલની મીઠાશ હરી લીધી છે
તાળીઓની કર્કશ ગુંજમાં છુપાયેલી છે
એકાંતની શોકાન્તિકાઓ
ર્નિલજ્જપણું દર્શાવીને ઢાંકી દે છે
અપૂર્ણ ઇચ્છાઓનું સામૂહિક રુદન
શસ્ત્રો અને શાસ્ત્રોમાં ગૂંચવાયેલા લોકો
દરેક મનુષ્યને ઉપયોગની ચીજ માને છે
તેઓ એમને ઉપકરણમાં બદલી શક્યા નથી,
એટલે એમના મોતની ખબર
અખબારને કોઈ ખૂણે છપાતી નથી
નથી છપાતું કે
થોડી લાશ જમીનમાં દાટી દેવાઈ છે
ખાડામાં ઊભી રાખીને ખડકી દીધેલી
એ લાશ પર થૂંકી દેવાઈ છે જુગુપ્સા,
પોતાની જ બિરાદરી દ્વારા ચંપલોની
થાપટથી બેહાલ કરાઈ છે એને
એ આશામાં કે
આગલા જન્મે ફરી આ યોનિમાં ન આવે
સમયના સમુદ્રમાં
ઝંઝાવાતો વચ્ચે
કોઈ સુકાની-હલેસાં વગર
જે નાવ ડગમગાતી, ઝોલાં ખાતી ભટકે છે
તે અંતે ક્યાં જાય છે
કોણ જાણે છે !
(વલસાડ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 11-13