(એક અભ્યાસુ મિત્રે પૂછ્યું – આ પુનર્લેખન છે? મેં ખુશ થતાં કહ્યું, હા; સુધારા-વધારા માટે.)
વર્તુળ : ૧ : જીવન-સ્વીકૃતિ
જીવન-સ્વીકૃતિ સૂચવતી કર્નલ સ્પોટ્સ કે પરાકોટિ-રૂપ રચનાઓ આ છે : ‘વિશ્વશાન્તિ’, ‘નિશીથ’, ‘જઠરાગ્નિ’, ‘બળતાં પાણી’, અને ‘આત્માનાં ખંડેર’. આ વર્તુળમાં, આ કોટિની અહીં ચર્ચી નથી તેવી અનેક રચનાઓનો સમાવેશ આપોઆપ થઇ જાય છે.
જેમ કે, “પ્રાચીના”, “આતિથ્ય” અને “અભિજ્ઞા”-ની અનેક રચનાઓ — જેમાં વ્યક્ત-સમષ્ટિ વચ્ચેના સમ્બન્ધો જુદા જુદા ભાર, કાકુ, વળાંકો અને છટાઓ સાથે નિરૂપણ પામ્યા છે; ‘અહમ્-ની યાત્રા’ (૩૪૩), ‘આત્મદેવને નિમન્ત્રણ’ (૭૧૪) એનાં હાથવગાં નિદર્શનો છે.
જેમ કે, ‘ભલે શૃંગો ઊંચાં’ (૫૬૨) ‘ગયાં વર્ષો તેમાં …’ અને ‘રહ્યાં વર્ષો તેમાં …’ (૫૬૪) વગેરે સૉનેટ-રચનાઓમાં મનુષ્ય અને મનુષ્યકૃતિ માટેનો સમજભર્યો પક્ષપાત ફરી ફરીને આવે છે. ટૂંકમાં, ઉક્ત પાંચ કર્નલ સ્પોટ્સની આસપાસ આ વર્તુળની સૃષ્ટિનું વૈવિધ્ય આરામથી અનુભવી શકાય છે.
‘વિશ્વશાન્તિ’ —
પણ્ડિતયુગના કવિઓ વડે ઊર્મિકવિતા પ્રતિષ્ઠ થઈ ચૂકી હતી, ત્યારે , ૧૯૩૧માં, ઉમાશંકર ‘વિશ્વશાન્તિ’ લઈને પ્રવેશે છે. એ ખણ્ડકાવ્ય છે. એમાં, દૃઢબન્ધ સૉનેટના કાવ્યપ્રકારથી થોડી વધારે મુક્તતા મળી શકે છે, પણ એમાં, અક્ષરમેળ વૃત્તની શિસ્તનો સ્વીકાર છે. વૃ્ત્તોનું વૈવિધ્ય અને ખણ્ડકાવ્યની સર્જકતા છે, તેમછતાં, ‘વિશ્વશાન્તિ’-નું વસ્તુ બહુશ: ચિન્તનોર્મિ કોટિનું છે, અને તેથી, ખણ્ડકાવ્યની કવિ કાન્તથી સમૃદ્ધ છાપને ડુબાડી દે છે — ‘આ ખણ્ડકાવ્ય છે?’ એવો સંદેહ ઊભો કરે છે. ભલે.
‘વિશ્વશાન્તિ’ ખણ્ડકાવ્યના વિષયવસ્તુનું નામ છે, ‘મંગલ શબ્દ’. કાવ્ય એ ‘મંગલ શબ્દ’-નું સ્તોત્ર છે. જો કે, એ શબ્દ પોતે કંઈ કાવ્યશબ્દ નથી, એ તો ચેતનમન્ત્ર છે, ભાવનાપુંજ છે. ગાંધી-વાતાવરણમાં ઉછરતા જુવાન તરીકે, અથવા પોતાના વ્યક્તિત્વના બંધારણે કરીને, ઉમાશંકરની શ્રદ્ધા એ મન્ત્રને વિશે સ્ફુરી છે. ચેતનમન્ત્ર કાવ્યની રચના પૂર્વે હતો, ગાંધીની સન્નિધિથી એનું આકલન થયું હતું, ગાંધીમાં જ એ ભાવનાપુંજનાં દર્શન થયાં હતાં.
કશુંક છે, કશુંક ભાવાત્મક, અસ્તિત્વશીલ, તેને વિશેની શ્રદ્ધા, એટલે કે, તેવા કાવ્યવસ્તુને વિશેની શ્રદ્ધા, અને તે, અહીં કાવ્યરૂપની જનની બની છે. આ ક્રમ-ઉપક્રમ ઉમાશંકરને તેમ જ એમની કાવ્યસૃષ્ટિને સમજવા માટે સદા સ્મરણમાં રાખવો જરૂરી છે.
એવા ક્રમ-ઉપક્રમે ‘વિશ્વશાન્તિ’ ગાંધી જેવી વિરાટ વિભૂતિને વિશ્વશાન્તિ માટે પ્રાર્થના કરતું કાવ્ય છે. ‘પઢાવો પ્રેમના મન્ત્રો ઘેલી માનવજાતને’ જેવી આર્દ્ર પ્રાર્થના વડે વિભૂતિમત્-ની સ્તુતિ થઈ છે, એને અંજલિ અપાઈ છે. (પૃ.૧૮. અને અહીં આપેલા બધા જ પૃષ્ઠક્રમાંક “સમગ્ર કવિતા”-ના જુલાઇ, ૧૯૮૧-ની પ્રથમ આવૃત્તિ અનુસાર છે, ‘ખાસ સૂચના’-ને અનુસરીને સુધાર્યા પણ નથી.)
જીવનના વિરાટ કલાધર ગાંધીએ સત્ય, શિવ અને સુન્દરને પ્રકાશિત કર્યું છે એવી દૃઢ પ્રતીતિ સાથે અહીં ઉત્સાહ અને ઉદ્રેકસભર કાવ્યબાનીમાં એક રસિક અભિવ્યક્તિ સિદ્ધ થઇ છે.
જે જે વિભૂતિમત્ છે, જે જે કોઇ સત્ય શિવ અને સુન્દર-ના જીવન-કલાધરો છે, તેની બિરદાવલિની પછી તો “સમગ્ર કવિતા”-માં એક આખી પરમ્પરા સંભવી છે. એ ખરું કે એ કાવ્યત્વ એક સુચારુ અભિવ્યક્તિથી આગળ નથી વધી શક્યું.
એ પરમ્પરાનાં કેટલાંક કાવ્યો છે : ‘યુગદૃષ્ટા’ (૫૭), ‘બાણપથારી’ (૯૬), ‘સંગીતકારને’ (૧૬૬), ‘કલિકાલસર્વજ્ઞ હે’ (૩૫૨), ‘સત્તાવનમે વર્ષે’ (૩૫૩), ‘તમે સ્વજન’ (૩૫૩), ‘વિદાય દુનિયા’ (૩૫૪), ‘મુખર મૌનનો ઝરો’ (૩૫૪), ‘બાલાશંકરને સ્વાગત’ (૩૫૬), ‘કાલિદાસ’ (૫૫૫), ‘કવીન્દ્ર હે’ (૫૫૫), ‘મહાકવિ દાન્તે’ (૬૮૧), ‘શેક્સપીયર’ (૬૮૧), તો લિન્કન, તૉલ્સ્તોય, રવીન્દ્રનાથ, નર્મદ, આઈન્સ્ટાઇન, જવાહર વગેરે વિશેનાં “અભિજ્ઞા”-માંનાં કાવ્યો આ જ દૃષ્ટિદોર અનુસારનાં, પણ આ જ પરમ્પરાનાં કાવ્યો છે. અનેક કલાધરોને વિશેનો ઉમાશંકરનો આ જીવનરાગ એટલા માટે મહત્ત્વનો ઠરે છે કે એઓ પોતે પણ જીવન-કલાધરના એ જ પુરુષાર્થને વરેલા જીવ હતા.
વિભૂતિમત્-ને અંજલિ આપતા કવિમાં માનવને વિશેની કરુણા સારુ જીવનરાગ પ્રગટ્યો છે, અને વિભૂતિના સત્યને એમણે વિશ્વશાન્તિ કે વસુધૈવ કુટુમ્બકમ્ જેવી મહાન ભાવનાઓ સારું ગાયું છે. એમનામાંનો કવિ વૈતાલિક બન્યો છે, જરૂર, પણ સત્યની પ્રતીતિથી દૃઢ ભૂમિ પર ઊભો છે. એ અર્થે પ્રગટેલી કાવ્યબાનીમાં અભિવ્યક્તિસૌન્દર્ય છે, પણ ભાવનાલોકનું શિવંકર સૌન્દર્ય પણ છે. ‘વિશ્વશાન્તિ’ કાવ્ય પદ્યદેહી સંસ્કૃતિગાથા માત્ર ન બની રહે એ માટે એમાં છ જેટલા ખણ્ડનું આયોજન છે, વૃત્તોનું વૈવિધ્ય પણ છે.
નિશીથ એટલે, સામાન્યપણે, મધ્યરાત્રિ -Midnight.
‘નિશીથ’ —
આ કોઈ સાદું પ્રકૃતિકાવ્ય નથી. નિશીથ પ્રકૃતિનું ઊર્જિત સ્વરૂપ છે. નિશીથ અહીં ‘માનવોની મનોમૃત્તિકામાં સ્વપ્નો કેરાં વાવતો બી અનેરાં’ – એવા મનુષ્યજીવનના રહસ્ય લેખે, ઋત રૂપે, એની બધી જ છટાઓમાં આલેખાયો છે. સૃષ્ટિપાટ પરનો એ નટરાજ અહીં ભૂગોલાર્ધ, બ્રહ્માણ્ડગોલ, નિહારિકા, વ્યોમ, વ્યોમાન્ત, તારાગણ વગેરેની સંવેદ્ય સન્નિધિ સાથે આપણી સમક્ષ થાય છે.
એ દ્યૌનટના ‘શિવરુદ્ર’ રૂપની પડછે કવિએ એનું ‘શાન્તમના તપસ્વી’ રૂપ રચ્યું છે. એમાં યુગસ્પન્દનનો તેમ જ સમયરંગનો પૂરો ધક્કો હતો. પદ જેનો વસુંધરા પર હોય તેવા જ વિરાટને ઉમાશંકર સ્તવી શકે એ ત્યારે અકારણ ન્હૉતું. આપણે નૉંધવું જોઈશે કે “વિશ્વશાન્તિ”-કાળથી કશીક ઉષાની જે ચિર પ્રતીક્ષા ઉદ્ભવેલી, જે માટે ગાંધીને પ્રાર્થ્યા હતા, તે પછી જ, ઉમાશંકર આમ નિશીથ સમા અન્યને પ્રાર્થી શક્યા છે. પ્રાર્થનામાં ‘ન આટલું તુંથી થશે? કહે, કહે’ એમ અધીરાઇ પણ ડોકાઈ છે. ‘નિશીથ’-ની રચનાસાલ ૧૯૩૮ છે, હજી દેશ આઝાદ નથી થયો, અને દુનિયાએ બીજા વિશ્વયુદ્ધની તૈયારી પૂરી કરી છે.
(ક્રમશ:)
(29 Aug 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર