આપણા કેટલાકના મનમાં એક શાન્તિ જરૂર છે કે ‘એ.આઈ.’ ભલે ને સાહિત્યકૃતિઓ કે કલાકૃતિઓ સરજે, એ ‘શ્રાવણી મધ્યાહ્ને’ ‘મેઘદૂત’ કે ‘ઑથેલો’ આપી શકે એવો આનન્દ નહીં આપી શકે. એણે સરજેલાં ચિત્રોમાં વાન ગોઘ કે નંદલાલ બોઝનો જાદુ નહીં હોય.
એ શાન્તિના માર્યા મારા કોઈ કોઈ હિતૈષીઓ મને એમ સમજાવે છે કે : સુમનભાઈ ! શું કામ તમારા જીવનનો કીમતી સમય બગાડો છો, આપણે ત્યાં ક્યાં એ બધું આવ્યું છે? : એમને મારો ઉત્તર સૂચક સ્મિત હોય છે.
વાત એમ છે કે, આગ સામે ઘેર લાગી છે, ગભરાવ છો શું કામ, એ આપણ ગુજરાતીઓની આપરખુ વ્યવહારચાતુરી છે. બાકી, આ પળે પળે વિકસી રહેલી ‘એ.આઈ.’ બુદ્ધિશક્તિની ઉપેક્ષા કે અવગણના કરવાનું બુદ્ધિશાળી માનવબાળને પોસાય એમ નથી.
આજે, એ જાણીએ કે ‘એ.આઈ.’ સાહિત્ય અને કલાઓનો ખરો આનન્દ આપી શકે કે કેમ.
‘એ.આઈ.’-તરફીઓ એમ માને છે કે ‘એ.આઈ.’ પાસે સાહિત્ય અને કલાઓનાં સર્જન કરવાનું સામર્થ્ય ખાસ્સું છે. મનુષ્ય જે અને જે કંઇ સરજે એટલું જ સુન્દર અને અર્થભર્યું એ સરજી શકે છે. કેમ કે માહિતીને પામીને તેને પ્રક્રિયામાં દાખલ કરવાની ‘એ.આઈ.’-ની શક્તિ અને વિવિધ રીતિઓ માણસ માટે શક્ય જ નથી. એથી ‘એ.આઈ.’-ને સર્જનની અનેક શક્યતાઓ સૂઝી શકે છે અને તે નવ્યથી નવ્ય રચનાઓ કરી શકે છે, સાહિત્યનાં નવાં નવાં સ્વરૂપો ઘડી શકે છે. એમનું તાત્પર્ય એ છે કે સર્જકતામાત્ર પર એની પકડ છે પછી કાવ્યો વગેરે સર્જનો તો કેમનાં મુશ્કેલ ગણાય !
એટલું જ નહીં, અમુક માર્ગદર્શિકાને અનુસરે એ માટે ‘એ.આઈ.’-ને પ્રોગ્રામ્ડ કરી શકાય છે, જેમ કે, એને સાહિત્યસિદ્ધાન્તો માટે અથવા સૉનેટના નિયમો માટે કે અછાન્દસની રચના માટે ખુશીથી પ્રોગ્રામ્ડ કરી શકાય છે.
એટલું જ નહીં, ‘એ.આઈ.’ કોઈ વ્યક્તિ કે જૂથ કે સંસ્થા માગે એવું સાહિત્ય સરજી શકે છે; દાખલા તરીકે, કોઈ રંગીલો જીવ પ્રેમલાપ્રેમલીની વાર્તાઓ માગે, કોઈ ભજનમંડળી અમુક દેવની ભક્તિનાં ભજન માગે, કોઈ સંસ્થા આ માગે કે તે માગે, એ બધાંની મરજી સાચવી શકે છે, કેમ કે ‘એ.આઈ.’ દરેક વ્યક્તિની મરજીને સ્વાયત્ત સમજે છે.
મનુષ્યતરફીઓ એમ માને છે કે એ કદી પણ શક્ય નહીં બને કેમ કે કલાઓ મૂળત: માનવીય અનુભવો છે. એમાં જે માનવીય સ્પર્શ છે તે ‘એ.આઈ.’ માટે શક્ય નથી, તેની એ પ્રતિકૃતિ પણ નહીં કરી શકે.
મને થયું બન્નેની વાતમાં કંઇ ને કંઇ સત્ય તો છે. પણ તથ્ય શું છે એ જાણવાને મેં ‘એ.આઈ.’-સર્જિત કલાકૃતિઓ શોધી કાઢી. સાહિત્યમાં કાવ્યો વધુ મળ્યાં, સંગીતમાં ખાસ નહીં, વધુ ચિત્રકૃતિઓ મળી, અને શિલ્પકલામાં એક વિચારણીય દૃષ્ટાન્ત મળ્યું.
એક આ કાવ્ય જુઓ :
The beauty of the world surrounds me,
From the trees to the mountains
the sea to the sky.
I am filled with wonder and awe
At the sight of such natural majesty.
The sun shines down, its rays warm and bright
The birds sing their songs, and the flowers bloom.
All of creation is a gift.
A testament to the power of the divine.
I am grateful for this world
And all that it contains.
I will cherish its beauty
And protect it from harm.
‘એ.આઈ.’-કવિએ સૂર્ય આકાશ વૃક્ષો પર્વતો સાગર પક્ષીઓ પુષ્પો એમ વિશ્વનાં વિવિધ સૌન્દર્યોની પ્રશંસા કરી છે. દરેક સર્જન દૈવીશક્તિની પરખ છે એમ કહીને દરેક સર્જનને બક્ષિસ લેખ્યું છે. વિશ્વ સમસ્તનો આભાર માનીને ઘોષણા કરી છે કે એના સૌન્દર્યને હું માણીશ અને નષ્ટભ્રષ્ટ પણ નહીં જ થવા દઉં.
કાવ્ય સારું છે. આટલું સારું તો સામાન્ય પણ જીવન્ત કવિ પણ નથી લખી શકતો !
એક ચિત્રકૃતિ —
‘માઇક્રોસૉફ્ટ રીસર્ચ’ ટીમે “ધ નૅક્સ્ટ રૅમ્બ્રાં” નામે વિખ્યાત ડચ પેઇન્ટર રૅમ્બ્રાંનું એના સૅલ્ફ-પોર્ટ્રેઇટ પરથી રીક્રીએશન કર્યું છે.
The AI self-portrait of Rembrandt : The next Rembrandt
પણ મેં આમ્સટર્ડામનાં મ્યુઝિયમોમાં રૅમ્બ્રાંએ દોરેલાં અનેક સૅલ્ફ-પોર્ટ્રેઇટ જોયાં છે, એની તોલે ન આવે. એને ‘એ.આઈ.’-ઑજારોની કમાલ જરૂર કહી શકીએ.
The real self-portrait of Rembrandt
એ શિલ્પકૃતિ —
માઇકલઍન્જેલો, રોદાં, કાથે કોલ્વિઝ, તાકામારુ કોતારો, અને ઑગસ્ટા સાવેજ એમ પાંચ સુખ્યાત શિલ્પીઓની શૈલીઓને જોડી કાઢીને વિશ્વમાં સૌ પહેલું ‘એ.આઈ.’-સંસૃજિત શિલ્પ જનમ્યું અને તેને સ્વીડિશ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે, તેનું નામ છે, “ધ ઇમ્પોસિબલ સ્ટૅચ્યુ”.
The Impossible Statue
સ્ટૅચ્યુ નર-નારીને સમ્પૃક્ત બતાવે છે, જેને androgynous સંજ્ઞાથી ઓળખાવાય છે સ્ટૅચ્યુ ૧૫૦ સૅન્ટિમીટર ઊંચું છે, એનું વજન ૫૦૦ કિલોગ્રામ છે.
સ્ટેઇનલેસ સ્ટીલના એ શિલ્પ માટે સૌ પહેલાં એક સંસૃજનાત્મક ‘એ.આઈ. ઑલ્ગોરિધમ’-ને એ પાંચ મહાન શિલ્પીઓની શૈલી ભણાવાઈ; ડિઝાઇન અને એ પાંચ શૈલીતત્ત્વોના સંમિશ્રણ માટે ઑલ્ગોરીધમ પ્રયોજાયું, અને એમ એ કૃત્રિમ કલાકૃતિનો જનમ થયો.
આપણા કવિ ગો.મા.ત્રિ., ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, અને સુરેશ જોષીની શૈલીઓનો શંભુચોટલો વાળીને કોઈ ઠગકવિ (- આ સંજ્ઞા ધીમે ધીમે પોતાનો રંગ પકડશે) ‘એ.આઈ.’-ઑજારોની મદદથી એકાદ કાવ્ય કે ખણ્ડકાવ્ય રચી કાઢે ને ઠામઠેકાણાં જણાવે નહીં, તો આપણા દુરારાધ્ય વિવેચકને કે મહાજ્ઞાની અધ્યાપકને ય કશી ખબર નથી પડવાની. ‘એ.આઈ.’-થી આપણને, ગુજરાતી સાહિત્યકારોને, જો કશી થ્રેટ હોય, તો ‘એ.આઈ.’-પ્રયોજિત પ્લેજિયારિઝમની છે.
ત્યારે આપણે, કલામાત્ર કૃત્રિમ છે, એ સત્ય યાદ રાખીશું? તો, એ.આઈ.-સંસૃજિત કલામાત્ર દેખીતા સ્વરૂપે કૃત્રિમ છે, તેને શું કહીશું?
આ કૃત્રિમબુદ્ધિ સત્ય અને અસત્ય વચ્ચેના કે અસત્ય અને અર્ધસત્ય વચ્ચેના ભેદ ભૂંસી નાખશે, એ સર્વશ્રેષ્ઠ થ્રેટ છે.
= = =
(09/13/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર