
ચંદુ મહેરિયા
ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ ઇન્દુલાલ ગાંધી(૧૯૧૧-૧૯૮૬)ની જાણીતી રચના ’આંધળી માનો કાગળ’માં, નિર્ધન આંધળાં મા પાંચ વરસથી મુંબઈમાં પેટિયું રળી ખાતા દીકરાને પત્ર લખાવે છે, તેનું કરુણ આલેખન છે. પત્રમાં મા પુત્રને તે સાજો નરવો રહે અને માંદો ના પડે તેની કાળજી રાખવા જણાવે છે. કેમ કે જો તે બીમાર પડશે તો, “દવા દારુના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ”ની માને ફિકર છે. આજે પણ ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે માંદા પડવું મોંઘુ છે. માંદગીમાંથી બેઠા થવા તેમને કાં તો વધુ ગરીબ બનવું પડે છે કાં તો મરવું પડે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વરસે આશરે છ કરોડ લોકો દવા-દારુના દોકડા માટે દેવાદાર બની ગરીબીની વધુ ઊંડી ગર્તામાં ધકેલાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ૨૦૨૧માં દેશમાં થયેલી આત્મહત્યાઓનું બીજું મોટું કારણ બીમારી હતું. ગયા વરસે ૩૦,૪૪૬ લોકોએ બીમારીથી કંટાળીને, એટલે સાજા થવાની આશા ના હોવાથી કે તે માટેનો ખર્ચ પરવડે તેમ ના હોવાથી, આત્મહત્યા કરી હતી.
હાલની અસહ્ય લાગતી મોંઘવારીનો દર સાત ટકા છે. પરંતુ દવા અને સારવારનો ખર્ચ તેનાથી બમણો, ચૌદ ટકા, જેટલો મોંઘો છે. આ વરસના એપ્રિલથી સરકારે દવાઓના ભાવમાં દસ ટકાનો વધારો કરી આપ્યો છે. તેને કારણે શરદી-તાવથી માંડીને હ્રદયરોગ સહિતની આઠસો દવાઓ મોંઘી થઈ છે. છેલ્લાં પાંચ વરસોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ બે ગણો વધી ગયો છે. હોસ્પિટલમાં ડોકટરના કન્સલટેશન ચાર્જમાં ૪.૫ ટકા, દાખલ ફીમાં ૫.૯ ટકા અને મેડિકલ તપાસના દરમાં ૬.૨ ટકાનો વધારો થયો છે. આ વધારાએ આર્થિક રીતે નબળા લોકોની કમર ભાંગી નાંખી છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દવાઓની કિંમતમાં વધારો-ઘટાડો કરી શકે છે. સરકારી નિયંત્રણની દૃષ્ટિએ બે પ્રકારની દવાઓ હોય છે : શેડ્યુલ અને નોનશેડ્યુલ. પેઈન કિલર, પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક વગેરે દવાઓ શેડ્યુલ ડ્રગ્સ ગણાય છે. આ દવાઓ આવશ્યક દવાઓ છે અને તેની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ૮૭૫ દવાઓ સામેલ છે. દવા ઉદ્યોગની ત્રીસ ટકા દવાઓના ભાવ સરકારના નિયંત્રણમાં છે. છેલ્લાં ત્રણ-ચાર વરસોમાં આ દવાઓના ભાવમાં પંદરથી વીસ ટકાની વૃદ્ધિ થઈ છે.
નોનશેડ્યુલ દવાઓ સરકારના સીધા નિયંત્રણમાં નથી. તેની કિંમતમાં વાર્ષિક દસ ટકાના વધારાની જોગવાઈ છે. એન.પી.પી.એ. જથ્થાબંધ ભાવાંક મૂલ્યના આધારે શેડ્યુલ દવાઓની કિંમતમાં વધારાની દરખાસ્ત કરે છે. ભારત સરકારની મંજૂરી પછી તે અમલી બને છે. ગયા વરસે ભારત સરકારે ૧૦.૭ ટકા વધારાની દરખાસ્તને ઘટાડીને દસ ટકા કરતાં હવે તે દવાઓ ૧લી એપ્રિલ ૨૦૨૩થી બાર ટકા વધુ કિંમતે વેચાય છે. નોનશેડ્યુલ દવાઓની કિંમત માંગ અને પુરવઠાના નિયમ આધારે નક્કી થાય છે. ૨૦૧૯માં આવશ્યક દવાઓની કિંમતમાં ૨ ટકા, ૨૦૨૦માં ૦.૫ ટકા અને ૨૦૨૨માં ૧૦ ટકાનો આકરો ભાવવધારો થયો છે.
જેનેરિક દવાઓનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. આ દવાઓની અસર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે, પરંતુ તેનો કોઈ પ્રચાર-પ્રસારનો ખર્ચ ન હોઈ જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓથી આશરે વીસ ટકા જેટલી સસ્તી હોય છે. સરકારના જન ઔષધિ કેન્દ્રો પર તેનું વેચાણ થાય છે. પરંતુ દવા બજારના ઈજારાને કારણે ડોકટરો જેનેરિક દવાની ભલામણ કરતા નથી. તાજેતરમાં સરકારે તે માટે ફરજ પાડી હતી પણ પછી તેણે પારોઠનું પગલું ભરવું પડ્યું છે.
ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ તમામને ઉપલબ્ધ નથી અને જ્યાં ઉપલબ્ધ છે ત્યાં તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે લોકોને ખાનગી આરોગ્ય સેવાઓ લેવી અનિવાર્ય બને છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પણ ભારતમાં બહુ ઓછા લોકો લે છે. આરોગ્ય વીમો ન લેતા નાગરિકોની દૃષ્ટિએ ભારત દુનિયાનો બીજો દેશ છે. એટલે જેમની પાસે આરોગ્ય વીમો નથી તેમની આર્થિક સ્થિતિ પર માંદગીની ગંભીર અસર પડે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમની રકમમાં અનેક ગણા વધારાની ફરિયાદ વીમા કંપનીઓની છે તો મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં કોરોના મહામારી પછી તો પચીસ ટકા જેટલો મોટો વધારો થયાની ફરિયાદ વીમાધારકોની છે.
આ સ્થિતિનું એક નિવારણ સરકાર આરોગ્યના ક્ષેત્રે ખર્ચ વધારે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે તે જણાય છે. આરોગ્ય માટે સરકારે તેના જી.ડી.પી.ના ઓછામાં ઓછા ૫ ટકા ખર્ચવા જ જોઈએ. પાડોશી ગરીબ દેશો ભૂતાન જી.ડી.પી.ના ૨.૬૫ ટકા અને શ્રીલંકા ૨ ટકા ખર્ચે છે. પરંતુ ભારતે ૨૦૨૧-૨૨માં જી.ડી.પી.ના ૨.૧ ટકા જ ખર્ચ્યા હતા. તેને કારણે લોકોને પોતાની આર્થિક ક્ષમતા બહાર જઈને બીમારીના ઈલાજ માટે ખર્ચ કરવો પડે છે. આવા ખર્ચને આઊટ ઓફ પોકેટ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર તેની વૈશ્વિક સરેરાશ ૧૮.૨ ટકા છે. પરંતુ ભારતમાં તે ૪૮ ટકા જેટલી ઊંચી છે. આ બાબતમાં ૧૮૯ દેશોમાં ભારત ૬૬મા ક્રમે છે. પાડોશી દેશો ભૂતાન ૩૭મા, બાંગ્લાદેશ ૫૨મા, પાકિસ્તાન ૫૫મા અને નેપાળ ૬૩મા ક્રમે છે.
દેશની ૮થી ૧૦ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે અને ખુદ ભારત સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર જેમને મફત રાશન પૂરું પાડે છે તેવી વસ્તી ૮૦ કરોડ છે. ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દવા અને ઈલાજનો ૬૨ ટકા ખર્ચ દરદી પોતાના ખિસ્સાનો કરે છે કે દેવું કરીને કે નાની-મોટી જમીન-જાયદાદ વેચીને ચુકવે છે. આ ચિંતાનો વિષય છે. નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશનો કુલ આરોગ્ય ખર્ચ ૫.૯૬ લાખ કરોડ હતો તેમાંથી સરકારોએ રૂ.૨.૪૨ લાખ ખર્ચ્યા હતા. શેષ ૩.૫૪ લાખ કરોડ લોકોના વપરાયા હતા.
સરકાર એક સાંસદના આરોગ્યની દેખભાળ માટે વરસે રૂ.૫૧,૦૦૦ ખર્ચે છે, પરંતુ આમ નાગરિક પાછળ તો માંડ રૂ.૧,૮૧૫ જ ખર્ચે છે. એટલે પ્રજા અને તેણે ચૂંટેલા પ્રતિનિધિ વચ્ચેના આરોગ્ય ખર્ચનો આ ફાંસલો ભેદાય, સરકારની પ્રાથમિકતા બદલાય તેમ જ સૌને માટે નિશુલ્ક આરોગ્ય સુલભ બને તો બાત બન જાયે.
e.mail : maheriyachandu@gmail.com