તમે તો હંમેશાં અહીં જ હતા
તમે પાછા આવ્યા
પછી કોણે કર્યા હતા તમને તડીપાર?
તમે તો અહીં પણ
અને ત્યાં પણ
અને પેલે ખૂણે
અને અમારે ઘરે
અને નજીક
અને દૂર
તો જો તમે ગયા જ નહોતા,
તો આવ્યા ક્યાંથી?
તમને જ્યારે વનવાસ મોકલ્યા
ત્યારે તમારાં પગરખાં
બેઠાડેલા સિંહાસને,
અને અયોધ્યાનો કારોબાર સંભાળ્યો
તમારી ચરણરજે
તો તમે ગયા ક્યાંથી?
અને આવ્યા ક્યાંથી?
તમે બન્યા મર્યાદા પુરુષોત્તમ કઈ રીતે?
તમે શબરીના બોર ખાધા,
તમે શબરીને ઠળિયા કાઢતી જોઈ
પણ રોકી નહીં
તમે કરવા દીધું એને એનું કર્મ
તમે વાલી અને સુગ્રીવના
વિવાદમાં કર્યો પક્ષપાત
અને ક્યારે ય ન અનુભવ્યો
એનો આઘાત
તમે શૂર્પણખાનું નાક કપાવા દીધું –
એનો ગુનો? એણે કર્યો તમને પ્રેમ.
તમે ના વઢ્યા લક્ષ્મણને
ન અનુભવી સહાનુભૂતિ, કે આવું કેમ?
અને અફવાના નશામાં
ચકનાચૂર ધોબીએ જ્યારે
પોતાની પત્નીને
ઘરમાંથી કાઢી મૂકી
ત્યારે તમે
ન દીધો ધોબીને ઠપકો,
ન આપ્યો બેઘર પત્નીને આશરો,
પણ જબરજસ્તીથી કરાવી સીતાની
અગ્નિપરીક્ષા.
મોકલી દીધી સીતાને ફરી એક વાર વનવાસ!
અને વર્ષો પછી
જ્યારે શક્ય હતું પુનર્મિલન
ત્યારે પણ
લાદી દીધી નવી એક કસોટી
સીતા પણ ગઈ ત્રાસી,
કહ્યું પોતાની ધરતીમાને,
તિરાડ પાડ આ જમીનમાં,
લઇ લે મને ભીતર,
બાઝી લે મને,
લઇ લે મને તારી કૂખમાં –
અને તો ય તમારા પેટનું પાણી ય ન હલ્યું
જવા દીધી તમે સીતાને
તો ય તમને અમે પૂજીએ?
તમારી આરતી કરીએ?
તમને પાછા આવકારીએ?
તમારે નામે ભગવા ઝંડા ફરકાવીએ?
તમે જ્યારે નહોતા
અમે થઇ શક્યા મોટા
હવે આવ્યા તમે
ચડ્યો દેશને નશો
યાદ કરાવ્યું અમને
ભૂલ્યા નહોતા તમને
એવાજ છીએ અમે
એવોજ અમારો વારસો
અમે હનુમાનને અવગણીએ
અમે વડીલોને માનીએ
અમને સીતા પર અવિશ્વાસ
અમે બનીએ તમારા દાસ
રાખો તમે તમારી મર્યાદા –
ભૂસાડી દે છે એ
બુદ્ધની શાશ્વત શાંતિ,
ઈશુની અપાર કરુણા,
મુહમ્મદની મુત્સદ્દી,
ઝરતુષ્ટ્રની સાદગી,
કૃષ્ણની લીલા,
મીરાંની ભક્તિ,
શિવનો આક્રોશ,
ગણપતિની કુશળતા,
અને –
ગાંધીની અહિંસા,
મંડેલાની ક્ષમા,
લિઉ ઝિયાબોની નિર્ભયતા,
હાવેલની સત્યનિષ્ઠા.
તમારે માટે અમે દઈશું પ્રાણ
આપો અમને ધનુષ્યબાણ
તીવ્ર બનાવીયે અમે આ તીર
બનાવી દો અમને શૂરવીર!
e.mail : salil.tripathi@gmail.com