એવા તે કેવા લેખક કે જે એક લોકશાહીના નાગરિક હોય અને પોતાની સરકાર વાણીસ્વાતંત્ર્યતામાં માને છે એવા ભ્રમમાં હોય, અને સરસ મજાની સરકારના આશીર્વાદે મેળવેલો ઉચ્ચ હોદ્દો પણ ધરાવતા હોય અને તે છતાં ય જ્યારે એક સરકાર વિરોધી કવિતા લખાતી જુએ તો એને વખોડતી વખતે કવિનું નામ લેતાં અને પોતાનું નામ લખતા અચકાય? બેનામી કમ્પનીઓ તો કાળા બજારિયા ચલાવે, અને સહી કર્યા વગર ધમકી દેતા અને ટીકા કરતા જાસાચિઠ્ઠી જેવા પત્રો તો કાયર લોકો લખે. જો સંપાદકે પોતે કશું લખ્યું હોય તો એને ‘સંપાદકીય’ તો કહેવાય, ને?
પણ નનામા પત્રનું શું કરવું?
તે છતાં શબ્દસૃષ્ટિમાં “ના, આ કવિતા નથી; ‘કવિતા’નો અરાજકતા માટે દુરુપયોગ છે” શીર્ષક હેઠળ એક નોંધ છપાઈ તો ખરી, જેમાં પારુલ ખખરની કવિતા, ‘શબ વાહિની ગંગા’ એક વિવેચકે ભભૂકતી આંખે વાંચી, થર થર કાંપતા હાથે એને વિષે એક નોંધ લખી છે. એ લેખમાં પારુલનું નામ નથી લીધું, પણ એમની કવિતાને કવિતા કહેતા સંકોચ બતાવ્યો છે, અને કવિતાની આસપાસ અવતરણ ચિહ્નો મુક્યા છે. એટલે આપણે પણ એમના વિવેચન ને ‘વિવેચન’ કહેવું રહ્યું.
એ ‘વિવેચન’ વાંચતા પહેલો વિચાર તો એ આવે કે ‘વિવેચક’ને પુષ્કળ ઈર્ષા થઇ હશે. સરકારની અહર્નિશ સેવા કરી હોય, પણ તે છતાં એમનું નામ સરકારના સમર્થકોના વર્તુળો સિવાય ક્યાં ય જાણીતું ન થયું હોય, તો દુઃખ થાય એ સ્વાભાવિક છે; વળી પાછી અદેખાઈ પણ આવે જ્યારે અમરેલી જેવા નાના શહેરનાં એક બહેન માત્ર ભારતભર નહિ, વિશ્વભર પ્રસિદ્ધિ પામી ચૂકે. કોઈ ગુજરાતી સાહિત્યકૃતિની બીજી ભાષામાં પ્રશંસા થાય ત્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીને તો થવો જોઈએ આનંદ, પણ આમના પેટમાં તો જાણે તેલ રેડાયું હોય એમ લાગે છે!
આ ‘વિવેચન’મા કવિતાને ‘વિવેચક’ મહાશયે બંદૂક સાથે સરખાવી છે. એ તો ખરું કે બંદૂકની કિંમત તો બંદૂકનો ઉપયોગ કરનારા જાણે. આપણે યાદ કરવું રહ્યું કે 2019ના મે મહિનામાં અકાદમીના પ્રમુખ વિષ્ણુ પંડ્યાએ સાફસાફ કહ્યું હતું કે નથુરામ ગોડસે ગાંધી જેવા જ દેશપ્રેમી હતા. જે વ્યક્તિ ગાંધી અને ગોડસે વચ્ચેનો તફાવત સમજી ન શકે, એને વળી કલમ અને તલવાર, કે પેન અને હથોડી વચ્ચેનો ફરક કદાચ ન પણ જણાય.
વળી પાછું કહે છે કે પારુલની રચના કવિતા નથી પણ આક્રોશ છે. હવે એમાં કઈંક ગેરસમજ થઇ લાગે છે. હજારો નિર્દોષ લોકોનું મૃત્યુ જોઈ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ ઉત્તેજિત તો થાય જ, પણ એ આક્રોશ અભિવ્યક્ત કરવા કવિ પાસે હોય છે શબ્દ; બંદૂક તો નથુરામ જેવા લોકો વાપરે, કવિ નહિ. પણ જે પક્ષના નેતાઓ અને સમર્થકો દશેરાને દિવસે શસ્ત્રપૂજન કરતા હોય, એમને શબ્દ કે સરસ્વતી સાથે શું સંબંધ? એ તો એમના મંતવ્યનો વિરોધ કરનારને દુશ્મન જ સમજી બેસે!
જો કે આ ‘વિવેચક’ થોડા ખાનદાની છે. કવયિત્રીને દોષ નથી દેતા, એ એમની મહેરબાની. દોષ તો પ્રજાનો જ રહ્યો, કે લયબદ્ધ રૂંવાડા ઊભા કરી દે એવા શબ્દોથી ઉત્તેજિત થઇ લોકોએ આ કવિતા ઘેર ઘેર પ્રસરાવી. જેમ કાજલ ઓઝા વૈદ્યે એમની કટારમાં કહ્યું હતું ને, કે મહામારીમાં થયેલાં મૃત્યુનો વાંક સરકારનો થોડો કહેવાય? એ તો પ્રજાનો વાંક કારણ કે આપણે હાથ ન ધોયા, માસ્ક ન પહેર્યાં અને ગરદી કરવા મંડ્યા. એમાં બિચારી સરકાર શું કરી શકે? એ જ રીતે, પારુલે લખ્યું તે લખ્યું, આપણે જો એને ઈન્ટરનેટ પર ન ફેલાવત તો આ પ્રશ્ન જ ઊભો ન થાત. એટલે વાંક કોનો? તાળીઓના ગડગડાટ કરતી પ્રજાનો.
‘વિવેચક’શ્રીએ ઉદારતા પણ દાખવી છે, અને કહ્યું છે કે ભવિષ્યમાં જો પારુલ ‘વિવેચક’ની દ્રષ્ટિએ સુંદર કવિતા લખશે, તો ‘શબ્દસૃષ્ટિ’ જરૂર છાપશે. પણ એવી રચનાને કવિતા કહેવી કે જોડકણું એ તો રામ જાણે! કાવ્ય માત્ર પ્રકૃતિ, પ્રેમ, અને પરમાત્મા જેવા ‘સુંદર’ વિષયો પર નથી લખાતું. કાવ્ય તો ભૂખ્યાજનોના જઠરાગ્નિ જગાડે છે, યાહોમ કરી ને આગળ પડવાની હાકલ દે છે, ઝેરનો છેલ્લો કટોરો પીવાની વિનંતી કરે છે, અને અન્યાય ન સાંખે એ દિવસને ગાંધી જયંતી ગણે છે. રાજાની પ્રશસ્તિ કરવી એ કવિનું કામ નથી; રાજાને અસ્વસ્થ કરવો – એ છે કવિનું કામ. પૂછી જુઓ ઓસિપ માંડેલશતામને, એના આખમાતોવાને, કિમ ચી હાને, મંગેશ પાડગાંવકરને, દારિન તાતુરને, લિઉ શીઆઓબોને, નઝીમ હિકમતને, કે સ્ટેલા ન્યાન્ઝીને.
પારુલની કવિતામાં ધાર્મિક સંદર્ભનો ઉલ્લેખ છે, અને અન્યાય પ્રત્યે હતાશા છે, અને વ્યંગભર આક્રોશ પણ છે. એવી કવિતાને વામપંથી કહી ઉતારી પાડવી, કે લિબરલ જેવા ઉમદા શબ્દનો અપમાનરૂપે દુરુપયોગ કરવો, અને ‘લિટરરી નક્સલ’ જેવા હાસ્યાસ્પદ આક્ષેપ મુકવા, એ તો આ ‘વિવેચક’ની નબળાઈ, લઘુતાગ્રંથિ, અને બાલિશતા બતાવે છે. આવી ભાષા ‘શબ્દસૃષ્ટિ’ને શોભે નહિ.
જે દેશ મૃતદેહની ગણતરીનો હિસાબ ન રાખી શકે, જ્યાં અમીર પ્રજા માટે ડ્રાઇવ ઈન ટેસ્ટિંગ સેન્ટર રાતોરાત ઊભા થતા હોય, જ્યાં હોસ્પિટલને દરવાજે હાંફતા દરદીઓનું મૃત્યુ થાય, અને લોકો દવા, પ્રાણવાયુ, અને એમ્બ્યુલન્સ માટે રઘવાયા થઇ કાકલૂદી કરી ઇન્ટરનેટ પર વિનંતી કરતાં હોય, અને ત્યારે એ લોકોને સરકાર ધમકી દે, એવા દેશ માટે શું કહેવું?
એ દેશની ખાજો દયા.
એવો તે કેવો તકલાદી સમાજ કે જે 14 પંક્તિના કાવ્યથી ધ્રુજી જાય અને ‘વિવેચક’શ્રીના શબ્દોમાં કહીએ તો “છિન્નભિન્ન” થઇ જાય?
જ્યારે અકાદમીની સ્વાયત્તતા વિષે ચર્ચા ચાલતી હતી, ત્યારે દૂર બેઠા મને થતું કે આ તો એક એકેડેમિક મુદ્દો છે. સિતાંશુ યશશ્ચન્દ્રે આપણને ચેતવ્યા હતા અને એમની દીર્ઘદ્રષ્ટિ સચોટ નીકળી. એમની ચેતવણી સાચી પડી. આ પૅન્ડેમિકને સમયે આપણે જોઈ લીધું કે સ્વાયત્તતા કોઈ એકેડેમિક મુદ્દો નથી.
કવિ તો આપણી સમક્ષ મૂકે છે એક અરીસો. અને એ અરીસામાં દેખાય છે આપણું સાચું પ્રતિબિંબ. કવિતા કઈં સેલફોન નથી, કે જેમાં તસ્વીર પાડ્યા પછી રંગની કે તડકા છાંયડાની ફેરબદલી કરી શકાય. જેવા હોઈએ તેવા દેખાઈએ.
“સેતાનિક વર્સીસ” નવલકથામાં સલમાન રુશ્દીએ લખ્યું હતું : “જેનું નામ લેતા બીક લાગે કે સંકોચ થાય એને દેવું નામ, જ્યાં થાય છેતરપિંડી ત્યાં દેવુ ધ્યાન, જ્યાં ઉપજે વિવાદ ત્યાં દેખાડવું વલણ, વિશાળ જગતને આપવો આકાર, અને દુનિયાને ઊંઘવા ન દેવી – એ છે કવિનું કામ.”
શબવાહિની ગંગા વાંચ્યા પછી જો વાચક વર્ગ ચોંકીને જાગે તો એને કહેવાય સવાર.
e.mail : salil.tripathi@gmail.com