1973માં મારો સૌથી પહેલો લેખ છપાયો હતો, જ્યારે મારી ઉમર હતી અગિયાર વર્ષની. એ વખતે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ‘ઇંદ્રજાળ કૉમિક્સ’ છાપતું હતું. મને તે બહુ ગમતું – મહાબલિ વેતાલ અને ગુરન અને ડાયના; મેન્ડ્રેક, લોથર અને નારદા, અને ફ્લેશ ગોર્ડન, ડેલ, અને ઝાર્કોવ – એ બધાની દુનિયામાં હું ગળાડૂબ હતો. એક દિવસ એમાં છેલ્લે પાને મેં એક લેખ વાંચ્યો – ગ્લોરિયસ ટ્રેલ – જેમાં ક્રિકેટ ખેલાડી રણજી પર એક નાનો અમથો નિબંધ હતો. મેં વાંચ્યો અને એમાં મેં બે ભૂલ જોઈ. મેં મારી મમ્મીને કહ્યું, ‘આવું તો હું ય લખી શકું અને તે પણ એક્કેય ભૂલ વગર.”
મારી મમ્મી સંસ્કૃત કહેવતો બોલવાવાળી, એટલે એણે તો ‘શુભસ્ય શિઘ્રમ્’ નિયમ પ્રમાણે મને કહ્યું – ચાલ, લખવા માંડ.
અને મેં પડ્યો બોલ ઝીલી લીધો, અને અંગ્રેજીમાં લેખ લખ્યો, સર ડોનાલ્ડ બ્રેડમેન વિષે. અને મારા પપ્પાએ એને ફટાફટ ટાઈપ કરી આપ્યો અને અમે ટાઈમ્સમાં મોકલ્યો. પપ્પાને બહુ મન હતું કે આ લેખની નીચે મારી ઉંમર લખે પણ મમ્મીએ ચોખ્ખી ના પાડી – ‘એ લોકો વાંચશે જ નહિ અને વાંચશે તો માનશે જ નહિ – અને છેવટે નહિ છાપે,’ એણે કહ્યું.
બે અઠવાડિયા પછી, આખરે લેખ છપાયો – હું ખૂબ ખુશ થયો – પરીક્ષામાં પહેલો આવ્યો, એવું લાગ્યું. એ પછી મારી મમ્મી મને ટાઈમ્સને દફતરે લઇ ગઈ અને ત્યાંના ઇંદ્રજાળના તંત્રી સાથે મારું ઓળખાણ કરાવ્યું. તંત્રી સાહેબને બહુ જ નવાઈ લાગી. મને ચા અને બિસ્કિટ આપ્યા, અને કહ્યું, બેટા, લખતો રહેજે.
અને મારી કલમ ચાલવા મંડી.
*
હું મુંબઈની ગુજરાતી માધ્યમની જૂની અને જાણીતી ન્યુ ઇરા સ્કૂલમાં ભણ્યો હતો, અને એ દરમ્યાન બીજા બે-ચાર લેખ લખ્યા – ‘જન્મભૂમિ પ્રવાસી’માં બાલપૂર્તિમાં ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જુલિયસ ન્યેરેરે વિષે, ‘ફ્રી પ્રેસ બુલેટિન’માં અંગ્રેજીમાં અમારા સમાજ વિજ્ઞાન શિબિર વિષે, અને એકાદ-બે વિજ્ઞાનના વિષયો પર, જ્યારે મને વિજયગુપ્ત મૌર્ય અને ધીરુબહેન પટેલ તરફથી પ્રોત્સાહન મળ્યું. સ્કૂલમાં મારા મિત્ર કાર્તિકેય ભગત સાથે એક ભીંતપત્ર ચાલુ કર્યું – જેનું નામ અમે આપ્યું ‘પ્રત્યંચા’ – એ સમયે અમે સુરેશ જોશી, સિતાંશુ યશશ્ચન્દ્ર અને ગુલામ મુહમ્મદ શેખનાં કાવ્ય અમે વાંચતા અને એમની જેમ લખવાની ઘેલછા હતી. પછી સિડ્નહૅમ કોલેજમાં ત્યાંનું વિદ્યાર્થી મેગેઝીન Rapport ત્રણ વર્ષ ચલાવ્યું અને વાર્ષિક સામાયિકના એડિટર તરીકે નિમાયો. એક પત્રકારત્વનો મહોત્સવ પણ ઉજવ્યો, જ્યાં ડોમ મોરાઇસ, વિનોદ મેહતા, ડેરિલ ડીમૉન્ટે અને શોભા દે એ સૌને નિમંત્રિત કર્યા. અઠવાડિયા પછી હું શોભાને મળવા ગયો, અને મેં કહ્યું કે મારે તો એમના મેગેઝીનમાં લખવું છે.
શું લખીશ તું? એમણે મને પૂછ્યું.
મેં કહ્યું એક નવી ગુજરાતી ફિલ્મ આવી છે, શું હું એના દિગ્દર્શકની મુલાકાત લઇ શકું?
ફિલ્મનું નામ હતું ‘ભવની ભવાઈ’, અને દિગ્દર્શક હતા કેતન મેહતા.
શોભા યુવાન પેઢીને પ્રોત્સાહન આપવામાં માને.
અને મારો દાવ ચાલુ થયો; હજુ નોટ આઉટ છું.
*
આજે આપણે મળ્યા છીએ પત્રકારત્વ વિષે વાતો કરવા. તો પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે, કે પત્રકારત્વ એટલે શું?
આ વિષય પર મારો એક પૂર્વગ્રહ છે, જે ચોખવટ સારી – પત્રકારત્વ એટલે પત્ર પર લખાય તે – કાગળ અને પેન્સિલ – સહી અને પોથી – નાનું અમથું નોટપેડ અને બોલપોઈન્ટ પેન. આ છે પત્રકારત્વના શસ્ત્ર. એમાં કોઈ વીડિયો કેમેરાની વાત નથી કે નથી એનું કોઈ સ્થાન. નથી જરૂર કોઈ સૂત્રધારની કે નથી કોઈ છટાદાર વાકચાતુર્યથી પ્રભાવ કરવા તત્પર ભૂખ્યા અભિનેતાની.
પણ જો આપણે આજે પ્રશ્ન પૂછીએ કે આજે ભારતના જાણીતા પત્રકાર કોણ, તો તરત નામ યાદ આવે અર્ણબ ગોસ્વામી, રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, કરણ થાપર, રવીશ કુમાર, રજત શર્મા કે રાહુલ કનવલ, નાવિકા કુમાર, અથવા રાહુલ શિવશન્કર – આજે એ બધા વિખ્યાત થયા છે કારણ કે એ સંધ્યા ટાણે આપણે ઘરે વગર આમંત્રણે આવી પડે છે અને ક્યારેક તો ગજબનો ઘોંઘાટ મચાવી દે છે. લોકડાઉનને લીધે એકલતા વધે ખરી, પણ એ વિષમ સમયે મનોરંજન તો કોઈ આપે? પણ આ બધા નીકળ્યા ટેલિવિઝનના સિતારા; એમાં તમને એ પત્રકારના નામ ન મળે કે જે વર્તમાનપત્ર કે સામાયિકોમાં લખે – જેમ કે નેહા દીક્ષિત, સમર હલર્ણકર, સુપ્રિયા શર્મા, રઘુ કર્નાડ, મીના બઘેલ, સુચેતા દલાલ, રાણા અયુબ, રાહુલ ભાટિયા, સમંત સુબ્રમણ્યમ, નિરંજન તાકલે …. આ બધા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર નીકળ્યાં – અને એ પત્રકારોને ઊથલપાથલ કરી સત્યની શોધ કરવી ગમે કારણ કે ક્યાંક, ક્યારેક, કોઈક સત્ય છુપાવી રહ્યું છે.
જે પત્રકારત્વમાં મને રસ છે, જે મને સમજાય છે, એ પત્રકારત્વ હંમેશ શાંતિપૂર્વક વાતાવરણમાં થાય છે; એ લખવા જરૂર હોય છે એક ઓરડી, એક મેજ, એક કલમ, અને કાગળની – અને એ એકાંત =માં વિચારવિમર્શ થતો હોય છે અને સ્વાનુકૂળ રીતે વાચક અને લેખક વચ્ચે એક મનોમન સંવાદ રચાય છે.
ઘણાને એ પ્રશ્ન થતો હશે કે પત્રકાર બનવું હોય તો કઈ લાક્ષણિકતા આવશ્યક છે? તો સૌથી પહેલી જરૂરી છે જિજ્ઞાસા – બીજું, નવું જાણવાની ઉત્સુકતા – અને એક પ્રકારની નમ્રતા – કે આપણને બધું ખબર નથી હોતું, એટલે જ સવાલ પેદા થાય છે, અને એટલે જ એના ઉત્તરની ખોજમાં આપણે પડીએ છીએ. અને ઊંડાણ અને મૂળ સુધી પહોંચવાની ધગશ – કે વાર્તા લઇ જવી ત્યાં સુધી, જ્યાં સુધી ઘટના આપણને લઇ જાય – એમાં કોઈ મરી મસાલો ભભરાવો નહિ, કોઈ સનસનાટી ઉપજાવવી નહિ, અને વાચકની બુદ્ધિ અને સમજશક્તિનું અપમાન ન કરવું.
અને એ વાચક કોણ? તો એ વાચક એ, કે જે હકીકત સમજવા ઉત્સુક છે, જેની પાસે સંપૂર્ણ માહિતી નથી, પણ સમજદાર છે, અને એને બધી સામગ્રી આપો તો એ જ પોતાની મેળે સત્ય શોધી શકશે.
લગભગ 1988માં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ને દોઢસો વર્ષ પૂરા થયા. અને એ વખતે ટાઇમ્સના માલિક જૈન કુટુંબને બ્રહ્મ જ્ઞાન થયું કે એમનો ધંધો સમાચાર વિતરણનો નથી પણ જાહેરાત વેચવાનો છે. ઘણા વર્ષો પહેલા એક અંગ્રેજ માલિકે – (હું માનું છું તેમ લોર્ડ થોમ્સન) – કહ્યું હતું કે ‘ન્યુઝ ઇઝ ધ સ્ટફ બિટ્વિન ધી એડ્સ’ – સમાચાર એ તો જાહેરાતો વચ્ચેની જગ્યા પુરવા માટેનો મસાલો – કે કચરો – છે. એનો અર્થ કે છાપાં છાપવાનો ઉદ્દેશ તો જાહેરાતો છાપી કમાણી કરવાનો છે. અને એ તો જોવા મળ્યું જ – આજકાલ તો મુખપૃષ્ટ વેચાઈ ગયું છે. જાહેરાતો સાપની માફક શબ્દો અને ફકરાઓ વચ્ચેથી રસ્તો શોધી સરકવા માંડી છે અને પ્રાઇવેટ ટ્રીટીને બહાને જાહેરાત અને હકીકત વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. જો દિખતા હૈ વો બિકતા હૈ ને બદલે જો બિકતા હૈ વો હી હમ લીખતા હૈ – એવું થઇ ગયું છે.
ભ્રષ્ટાચાર પણ વધ્યો – પત્રકારો ધમકી આપી પૈસાની ઉઘરાણી કરવા મંડ્યા, કેટલાક પત્રકારો બેફિકર ભેટ લેવા માંડ્યા – મને યાદ છે 1988માં હું મુંબઈમાં ‘ઇન્ડિયા ટુડે’નો પત્રકાર હતો, અને તાજ મહાલ હોટલમાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં ગયો હતો – ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિયેશન તરફથી કોન્ફ્રન્સ હતી. જ્યારે કોન્ફ્રન્સ પતી અને હું નીકળતો હતો ત્યારે એક અધિકારીએ મને ભેટ આપી – એક ભૂરા રંગની બાલદી. મેં કહ્યું કે અમે ભેટ ન લઈએ – તો એ ભાઈ તો મારી પાછળ પડ્યા અને હું જલદીથી દાદર ઊતરતો હતો અને એ મારી પાછળ દોડતા હતા.
વળી એક વાર એ જ હોટલમાં વિજય માલ્યાની એક કોંફ્રન્સ હતી જેમાં નીકળતી વખતે એક સુંદર યુવતીએ મને એક બેગ આપી – બેગમાં હતી એક વીસ્કીની બાટલી.
મને સિંગલ મૉલ્ટ તો ભાવે ઘણી, પણ મફતમાં ન લેવાય, એટલે મેં ના પાડી.
વિજય માલ્યાએ પહેલી આંગળીથી ઈશારો કરી મને બોલાવ્યો – કેમ, એક બાટલી ઓછી છે?
મેં કહ્યું ના, તમે મને કોન્ફ્રન્સ માં બોલાવ્યો તે ઘણું સારું પણ મારાથી આવી ભેટ ન લેવાય.
તો માલ્યાએ એમના સાથીદારને પૂછ્યું – આ કોણ છે?
એમણે માલ્યા સાહેબને કહ્યું – એ ‘ઇન્ડિયા ટુડે'ના છે; એમણે કહ્યું એમને જવા દો ….
એક રમૂજી ટુચકો યાદ આવે છે – એક વાર કોઈકે તમિળ સામાયિક ‘તુઘલક’ના તંત્રી ચો રામાસ્વામીને કહ્યું કે પત્રકારો તો આરામથી ખરીદી શકાય – બે બાટલી આપો એટલે તમે કહો તે લખવા તૈયાર હોય છે.
તો ચો સાહેબે કહ્યું – ના, ના, કેટલાક પત્રકાર તો એક બાટલીમાં પણ તમારા સુરનું ગીત ગઈ શકે છે!
ચો વ્યંગ માટે વિખ્યાત હતા, અને એમના મંતવ્યમાં અતિશયોક્તિ ખરી, પણ સત્ય પણ ખરું.
આવી પરિસ્થિતિમાં પોતાની સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા જાળવવી એજ આજનો પડકાર છે. આપણે ઝીલવો જ રહ્યો, તો જ આપણે વાચકોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું.
આજે જે અધોગતિ થઇ છે એ વાત સાંભળીને દુઃખ તો થાય જ. પત્રકારો શેરબજારની ટીપ મેળવવા ભૂખ્યા હોય છે, સરકાર પાસેથી જમીન મેળવવા ઊંચાનીચા થતા હોય છે, રાજ્ય સભામાં પદ મેળવવા તરસ્યા હોય છે, પદ્મ પુરસ્કારની લાલચમાં બેસે છે, અને વડા પ્રધાન સાથે સેલ્ફી પડાવવા માટે બેબાકળા થઇ કૂદાકૂદ કરે છે, અને જો મોદી સાહેબની મુલાકાત લેવાનો મોકો મળે તો આવા અગત્યના સવાલો પૂછે છે:
તમે ફકીર છો?
કેરી કેવી રીતે ખાવ છો કાપીને કે ચૂસીને?
તમારામાં આટલી શક્તિ ક્યાંથી?
ખેર, દોસ્તી બની રહે, એટલે નામ નથી લેતો કોઈના ….
*
મારે હિસાબે આજે પત્રકારત્વનું સ્તર નીચું ગયું છે એના ઘણા કારણ છે –
એક, કે સત્ય અને અસત્યની છેદરેખા ભૂંસાઈ રહી છે. જે દંતકથાઓ લોકો એક બીજાને કાનમાં છાનીમાની કહેતા એ આજે twitter અને whatsapp પર ઠેર ઠેર પ્રસરે છે. અને એને અવગણવાને બદલે ટેલિવિઝન અને છાપાંઓ એને છંછેડ્યા કરે છે અને નવા વાયરા આપી એનું સમર્થન કરે છે. વર્તમાનપત્ર અને સામયિક પર ભરોસો એટલો ઘટી ગયો છે કે લોકો જે નથી છપાતું એને સાચું માને છે, અને એટલે તંત્રીઓ પણ અફવાઓને છપાવા દે છે … ફેક ન્યુઝ અને ન્યુઝનો ફરક એટલો ઘટી ગયો છે કે જ્યારે વાચકને કોઈ સમાચાર ન ગમે તો એકે ફેક ન્યુઝ કહી દે છે. એમ નહિ કે આ સમાચાર સાથે હું સહમત નથી, પણ આ સમાચાર ખોટા છે – એનો અર્થ કે વાચક હવે એ જ વાત સાચી માને છે જે એના પૂર્વગ્રહને મળતી હોય. હકીકત અને અભિપ્રાય વચ્ચેનો ફરક ભૂંસાઈ ગયો છે. એટલે જ લોકો કરોના વાઇરસ બાબત ડોક્ટર કરતા whatsappની માહિતીને માનવા તૈયાર છે, આરતી કરે છે, હળદર અને ચ્યવનપ્રાશ ખાય છે, પણ મોં પર બુકાની નથી પહેરતા અને હક્ડેઠઠ ભીડ હોય ત્યાં બેફિકર જાય છે.
બીજું, કે નિઃસ્વાર્થી અને નિષ્પક્ષ પત્રકારત્વ ભુલાઈ ગયું છે. પત્રકારો પોતાને ત્રિરંગામાં લપેટી દેશપ્રેમને નામે ઘોંઘાટ કરી રહ્યા છે. કોઈ ભારતના સૈનિક સરહદ પર દેશની રક્ષા કરતા મૃત્યુ પામે એ દુઃખદ ઘટના છે, અને એ સૈનિકના ત્યાગ અને કુરબાની વિષે તંત્રીસ્થાનેથી કરુણપ્રશસ્તિ લખાય એનો વાંધો નહિ – પણ સમાચારના પાનામાં એને શહિદ કે braveheart કહેવું એ લાગણીવેડાનું પ્રદર્શન કહેવાય – અમુક ખબરપત્રીઓ એ જ સૈનિકનું પાર્થિવ શરીર ઘરે પહોંચે ત્યારે નિઃસંકોચે શરમ વગર એના પિતાને કે એની બહેન કે પત્નીને સવાલો પૂછે – આપ કો કૈસા લગા, કે પાકિસ્તાન કો અબ મોદીજી કો ક્યાં કરના ચાહિયે?
સંવેદનશીલતા ક્યાં જતી રહી?
ત્રીજું, પાકિસ્તાન સાથે કોઈ પણ છમકલું થાય કે ભારતીય પત્રકારો ફ્લેકજેકેટ અને fatigues પહેરી પોતાને સૈનિક માની શોરબકોર કરવા માંડે છે. એ ઘડીએ આકરા અને જટિલ પ્રશ્ન પૂછવાનું અઘરું પડી જાય છે. જ્યારે વર્તમાનપત્ર દેશપ્રેમ સાથે વીંટળાઈ જાય ત્યારે કપરા સવાલ પૂછવાનું મુશ્કેલ બને અને ખોટી સર્વાનુમતિ ઊભી થાય – તો પછી ત્યારે “રાજાએ કપડાં પહેર્યા જ નથી,” એવું નિખાલસપણે કોણ બુલંદ અવાજે કહેશે?
જ્યારે વર્તમાનપત્રો પ્રગટ થવા મંડ્યા ત્યારે તંત્રીઓ પ્રત્યેક અભિપ્રાય છાપતા – એટલા માટે નહિ કે એમને સ્વાતંત્ર્ય કે તટસ્થતા વહાલી હતી, પણ એટલા માટે કે એમને દરેક પ્રકારના વાચકને આકર્ષવો હતો. અને જો દરેક વાચકને આકર્ષવો હોય તો દરેક અભિપ્રાય પ્રચલિત થવા દેવા જોઈએ.
પણ એક વખત માર્કેટિંગ ગુરુઓ આવીને સેગ્મેન્ટેશન – એટલે કે બજારનું વિભાજન – જેવા શબ્દ બોલવા મંડ્યા ત્યારે માલિકો અને અમુક તંત્રીઓ માટે તો ભાવતું’તું ને વૈદે કહ્યું, એવુ થયું. તટસ્થતા એમણે ફંગોળી દીધી અને પૂર્વગ્રહ અને લક્ષ્મી તરફ પગપાળા પ્રવાસ શરૂ કર્યો અને તેમણે સરકારની ચાપલુસી કરવા માંડી. હકીકતને બદલે મંતવ્ય, અને broadcasting ને narrowcasting થવા માંડ્યું અને ઇન્ટરનેટના પ્રવાહને કારણે આ પ્રકારનું વિભાજન ખૂબ સહેલું થઇ ગયું.
ચોથું કારણ છે પ્રજાના મતને ઘડવો, એને વળાંક આપવો, influence કરવો, એમાં એક ઢાળ આપવો, એને ઘાટ આપવો, લોકોને લલચાવવા, આ પ્રકારની તરકીબો તેમણે અજમાવા માંડી – ઈંગ્લેન્ડમાં Brexit, અમેરિકામાં Trump, ભારતમાં વૉટ્સએપ ફોરવર્ડ, મ્યાનમારમાં ખૂનામરકી – આ બધી ઘટનાઓ પાછળ ઓનલાઇન ઝુંબેશનો ફાળો ઘણો, અને એને કારણે વાસ્તવિકતા પર અસર થઇ. જેનું પરિણામ કોઈ કોઈ જગ્યાએ હિંસા અને લોહીની નદીઓ. એમાં પત્રકારોની જવાબદારી તો ખરી જ.
પત્રકારોએ આજે સહભાગી થવાની જરૂર નથી, પણ નિષ્પક્ષ રીતે નિરીક્ષણ કરી વાચકને પૂરતી માહિતી આપવી એ તો એમની ફરજ છે, જેથી વાચક સરખો નિર્ણય લઇ શકે. ટૂંકમાં પત્રકારે અણસાર આપવાનો છે, અને વાચકે બિંદુઓ જોડી ચિત્ર સમજવાનું છે. પણ આજે એ વાતમાં પત્રકારો નિષ્ફ્ળ રહ્યા છે – પોતે દેશપ્રેમી છે, આતંકવાદનો વિરોધ કરે છે, સરકારનું સમર્થન કરે છે, એમને એવો ભ્રમ થઇ ગયો છે કે પોતે ફોન કરે તો મંત્રીઓ એમનું મંતવ્ય જાણવા તતપર હોય છે: અને પોતાના જ પ્રચારને તેઓ પોતે સાચો માની રહ્યા છે.
જ્યારે અર્ણબ ગોસ્વામી કેદમાંથી રિહા થયા, અને જેને લીધે કારણ વગર બિચારી રિહાની ધરપકડ થઇ, ત્યારે જે તમાશો થયો હતો એ જોઈને કોઈ પણ પ્રામાણિક પત્રકારને શરમ આવે.
એક જૂનો નિયમ છે કે પત્રકારે એવી રીતે નિષ્ઠાપૂર્વક પોતાનું કર્મ નિભાવવું રહ્યું કે એ પોતે કોઈ દિવસ કોઈ પણ અહેવાલનો વિષય ન બને. પણ આજકાલના ટેલિવિઝનના એન્કર તો પોતાને જ નેતા માની બેઠા છે!
પાંચમું કારણ અભિમાન – ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના એક તંત્રીએ એક વખત કહ્યું હતું કે ભારતમાં પ્રધાન મંત્રી પછી સૌથી મહત્ત્વનો હોદ્દો એમનો છે. એવું ઘમંડ જોઈને દુઃખ તો થાય, પણ દયા પણ આવે. આજે તો કદાચ કહેવું પડે કે અર્ણબ જેવા એન્કરનો હોદ્દો ભારતના પહેલા પાંચ હોદ્દામાંનો એક ગણાય – બીજા ચાર કયા? મારે મતે તો મોદી સાહેબ, જે કોઈ હોદ્દો અમિત શાહનો હોય તે, મૂકેશ અંબાણી, અને કદાચ વિરાટ કોહલી …. ભારતની વિદ્વાન, કાબેલ, અને પ્રતિભાશાહિલ બહેનોને મારી માફી – હું તો જે જોઉં છું, સાંભળું છું, એની રજૂઆત કરું છું. અર્ણબ એની ચેનલ પર એક પક્ષીય કાર્યકર્મ રચે છે, પોતાના મહેમાનો સામે ઘૂરકી ઘૂરકીને જુએ છે અને ઘાંટા પાડી બધાને ચૂપ કરી દે છે – પોલીસ પણ એ જ, ઇન્વેસ્ટિગેટિવ એજન્સી પણ એ જ, ફરિયાદી વકીલ પણ એ જ, અને ન્યાયાધીશ પણ એ જ અને ચુકાદો પણ આપે એ જ. અને આ બધાને જ કારણે આજે લોકોની પત્રકારત્વ પ થી વિશ્વસનીયતા ઘટી ગઈ છે.
છઠ્ઠુ કારણ એ કે છાપાના માલિકોએ ખર્ચ ઓછો કરવાની નીતિ અપનાવી અને એટલી કઠોર કરી દીધી, કે ખબરપત્રીઓ ઘટાડયા અને પેટા-સંપાદકો, એટલે કે સબ એડિટર અથવા કોપી એડિટર, જે ખબરપત્રીઓને પ્રશ્નો પૂછે અને એમના અહેવાલમાં ખૂટતી માહિતી શોધે, અથવા ખબરપત્રી પાસે વધારે મહેનત કરાવે, એ બધાને નોકરીમાંથી બરતરફ કરી દીધા. અને એટલે જ હવે એક નવો ગૃહ ઉદ્યોગ શરૂ થયો છે – fact-checking અથવા હકીકત તપાસણી – જ્યાં ખબરપત્રી બરોબર કામ કરતા હોય અને ઉપ-સંપાદકો તીક્ષ્ણ નજરે અહેવાલ પર ધ્યાન આપે ત્યાં આવી તપાસણીની શી જરૂર? પણ જ્યારે ન્યૂઝરૂમ જર્જરિત અને કંગાળ થઇ ગયો હોય ત્યારે આવા જ હાલ થાય ને?
મૈં આઝાદ હું ફિલ્મમાં જાવેદ અખ્તરે લખ્યું જ છે કે જ્યારે એક માલિક તંત્રીને એક પ્રકારનો અહેવાલ લખવાનું કહે છે, અને તંત્રી પત્રકારના અહેવાલમાં ફેરફાર કરવાની ના પાડે છે, અને માલિક એને કાઢી મૂકે છે, ત્યારે તંત્રી કહે છે – સાહેબ, આપણા દેશમાં પોસ્ટ ઓફિસ પાસે મુન્શી બેઠો હોય છે – જે કહો તે લખી આપે – લહિયો કહેવાય – તો તમને મુન્શીની જરૂર છે, પત્રકારની નહિ.
પત્રકાર માટે આજે એ જ પ્રશ્ન છે – આપણે લેખક બનવું છે કે લહિયા?
*
મારો પહેલો લેખ 48 વરસ પહેલા છપાયેલો, અને 39 વરસથી મેં લખ્યા કર્યું છે. 1975-1982 મુંબઈ દૂરદર્શન પર સંતાકૂકડી અને યુવદર્શન કાર્યક્રમનું સંચાલન પણ કર્યું છે. આજકાલની ભારતીય ચેનલ પર મેં ભાગ્યે જ ભાગ લીધો છે. ગુજરાતી લખવાનું લગભગ છોડ્યું હતું પણ હવે પાછું શરૂ કર્યું છે. યુવાનીમાં ‘નિખાલસ’, ‘ચિત્રલેખા’, ‘જન્મભૂમિ પ્રવાસી’ અને ‘સમકાલીન’માં થોડાઘણા લેખ લખ્યા હતા, અને છેલ્લા 3-4 વર્ષમાં ‘નિરીક્ષક’માં લેખ અને કવિતા, અને ‘એતદ્દ’માં મારાં કાવ્યો પ્રકાશિત થયાં છે. પણ હું ગુજરાતી પત્રકારત્વ પર જે કહું એ તો કોઈ પ્રવાસી કહેતો હોય કે પ્રેક્ષક કહેતો હોય, એ રીતે જ જોવાય.
પણ ગુજરાતી નાટ્યદ્રશ્ય અંગ્રેજી કે હિન્દી પત્રકારત્વથી જુદું નથી. એટલું જ હતાશાજનક લાગે છે.
અરૂંધતી રોયે એક વખત લખ્યું હતું કે The role of a writer is to afflict the comfortable and comfort the afflicted. એટલે કે લેખકની ભૂમિકા તો એ છે કે પીડિતને દિલાસો દેવો કે સાંત્વન આપવું અને તાલેવંતને અસ્વસ્થ કરવા.
તો પત્રકારની ભૂમિકા છે જે પ્રશ્ન પૂછવાની કોઈની હિમ્મત નથી એ પ્રશ્ન પૂછવા; જે કઈં બન્યું હોય એમાં કોને ફાયદો થયો એ શોધવું અને પરોપકાર કરનાર વ્યક્તિ – ધનવાન હોય કે નેતા – એનો ઉદ્દેશ શું છે એ શોધવું – કારણ કે પ્રત્યેક વ્યક્તિ મહાત્મા ગાંધી નથી હોતી – અને પ્રત્યેક ઘટનાને સમજવા એને કાચા કાંદાની જેમ ઉકેલવી, અને ગમે એટલી અગવડતા થાય અને આંખે આંસુ આવે તો ય એ છાલ અને એ સ્તર ઉકેલ્યા કરવા જેથી છુપાયેલું સત્ય બહાર આવે – નીચી મુન્ડી ન કરાય –
વિપિન પરીખની એક કવિતા હતી –
એ લોકોએ સોક્રેટીસને ઝેર પાઇ માર્યો
એ લોકોએ ઈશુને ખીલ ઠોકીને માર્યો
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો
મને નહિ મારી શકે
કારણ કે હું એ લોકોની જેમ સત્ય બોલવાનો આગ્રહ નથી રાખતો
આવી છે દશા. એમાં કઈ દિશા શોધવી?
શક્તિવિહીન વ્યક્તિના અવાજને ટેકો દેવો અને શક્તિશાળી વ્યક્તિને કઠિન પ્રશ્ન પૂછવા – આ રહી પત્રકારની ફરજ. હવે તમે જ વિચાર કરો, કેટલા પત્રકાર આ કસોટી પાર પાડશે?
ઘણા પત્રકારો ઘણું સરસ કામ કરી રહ્યા છે – શીલા, ચિરંતના, અને રાજ તો ખરાં જ, પણ એમ જ જોઈએ તો બકુલ ટેલર, ઉર્વીશ કોઠારી, રમેશ ઓઝા, દીપક સોલિયા, આકાર પટેલ, પારસ ઝા, બિનીત મોદી, રોક્સી ગાગડેકર, પ્રશાંત દયાળ, આ બધા પત્રકારો – અને બીજા ઘણા જ – ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. આજે ‘ભૂમિપુત્ર’ તો ન હોય પણ ‘એતદ્દ’, ‘નિરીક્ષક’, ‘પરબ’, ‘સાર્થક જલસો’ જેવાં સામયિક એક વખતના ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘ક્ષિતિજ’ અને ‘ઊહાપોહ’ની પરંપરા ને પગલે પગલે ચાલી રહ્યાં છે.
મોટા શહેરોમાં નામાંકિત છાપાં એક બીજાનો રોજબરોજ વિરોધ કરે, એક દલિતનો અવાજ ઉઠાવે અને એક સવર્ણનો, પણ કૌરવ-પાંડવની જેમ કોમી રમખાણ વખતે “આપણે તો એકસો પાંચ” કહી ભેગા થઇ જાય, ત્યાં સ્વાતંત્ર્યની અપેક્ષા કેમ કરી રખાય? જમાનો પણ એવો આવ્યો છે કે ધોરણો નબળાં થઇ ગયાં છે – અને દિલચસ્પ કટાર લેખકોને ફિલસૂફ માનવા માંડીએ છે; છીછરાપણાંથી આપણે પ્રભાવિત થઇ જઈએ છીએ, અને એમના લેખોમાં તથ્ય કેટલું અને દાવા કેટલા એ મૂંઝવણમાં પડી જઈએ છીએ. એમના વાકચાતુર્યથી અંજાઈ જઈએ છીએ અને એવા લેખકોને અપ્રતિમ ગણીને સિંહાસન પર બિરાજમાન કરીએ છીએ – ત્યારે પ્રશ્ન ઉદ્દભવે તે સ્વાભાવિક છે – કે ગુજરાતી પ્રજાને ખુશ કરતી memes અને રમૂજી ટુચકા, ગુજરાતના ગૌરવના viral વીડિયો, અને rap સંગીત સાથે હિન્દી-અંગ્રેજીના મિશ્રણ વાળી કઢંગી ભાષામાં ગુજરાતીઓની પીઠ થાબડે અને એને જો એ જ પ્રજા આવી ક્ષણભંગુર કૃતિઓને સર્જનાત્મક સિદ્ધિ ગણે, ત્યારે શું કહેવું રહ્યું?
મને તો મકરંદ દવે યાદ આવે:
એ દેશની ખાજો દયા!
હરીન્દ્ર દવે પણ યાદ આવે છે. હું તો હરીન્દ્રભાઈ ને ઓળખુ કવિ તરીકે – એમણે પત્રકારત્વની શોભા વધારી, સાહિત્ય અને પત્રકારત્વનું સંમેલન કરાવ્યું. નિષ્પક્ષ પત્રકાર તરીકે એમણે વર્તમાનપત્રને સમાજ સામે અરીસાની જેમ ધર્યું. શાણાને સાન, મૂરખને ડફણાં – એ કહેવત એ સમજતા – પોતાના વાચકને શાણા માનતા – અને સૂક્ષ્મતા અને સૌમ્યતાથી ઈશારો આપતા –
જાણીબૂઝીને અમે અળગા ચાલ્યાને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે
પત્રકારનું કામ એ ઈશારો આપવાનું છે, અને વાચકે ચોંકવાનું છે.
આજકાલ પત્રકારો ઉશ્કેરાઈને ઉછળકૂદ કરે છે – અને વાચકો પડખું ફરીને ઝોકું ખાઈ લેતા હોય છે.
કોણ જગાડશે? જાગ્યા ત્યારથી સવાર!
[‘રજતરાણ પડાવે ઓપિનિયન’ અવસરે, રવિવાર, 04 ઍપ્રિલ 2021ના દિવસે યોજાયેલા અવકાશી પરિસંવાદમાંની લેખિત રજૂઆત]
e.mail : salil.tripathi@gmail.com