મૂળ ભારતનાં પણ અત્યારે કેનેડામાં રહેતાં અખબારી લેખક રૂપા સુબ્રમણ્યમે, ‘ધ ફ્રી પ્રેસ’ નામના ઇન્ટરનેટ અખબારમાં પહેલી એપ્રિલે એક ચોંકાવનારી સ્ટોરી લખી છે. પહેલી એપ્રિલ છે એટલે સ્ટોરી વાંચીને એપ્રિલ ફૂલ જોક હોવાની શંકા જાય, પરંતુ સ્ટોરી એટલી ગંભીર છે કે એવી શંકાને તાબડતોબ ખારીજ કરવી પડે.
સ્ટોરી ઝોરાયા થેર બીક નામની એક નેધરલેંડની ડચ છોકરી વિશે છે. તે ડિપ્રેશન, ઓટિઝમ (માનસિક વિકાસ સંબંધી બીમારી) અને બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસૉર્ડર(લાગણીઓ સાથે પનારો પાડવાની ક્ષમતાનો અભાવ)થી પીડાય છે. તેણે ચાલુ મે મહિનામાં ઈચ્છામૃત્યુ સ્વીકારવાનું નક્કી કર્યું છે. અને તેની ઉંમર 28 વર્ષની છે. તેને 40 વર્ષનો એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામર બોયફ્રેન્ડ પણ છે.
જેને અંગ્રેજીમાં યુથનેશિયા કહે છે, અને જેનો મૂળ ગ્રીક અર્થ ‘સુખથી મૃત્યુ’ થાય છે તે ઈચ્છામૃત્યુની વાત આવે ત્યારે આપણા મનમાં એવી વ્યક્તિનું ચિત્ર ખડું થાય છે જે અસાધ્ય બીમારીનો શિકાર હોય અને જેની ઘણી ઉંમર થઇ ગઈ હોય.
પરંતુ રૂપા સુબ્રમણ્યમના આ લેખે, પશ્ચિમના એવા વર્ગમાં ઈચ્છામૃત્યુના વધતા જતા ચલણ પર ચર્ચાને જન્મ આપ્યો છે જે યુવાન છે અને ડિપ્રેશન, સ્ટ્રેસ, આર્થિક અનિશ્ચિતતા અને સોશિયલ મીડિયાના વ્યસનથી ગ્રસિત છે.
ઝોરાયા જર્મનીની સરહદે આવેલા એક નાનકડા ડચ ગામની છોકરી છે. તેને મોટા થઈને માનસશાસ્ત્રી બનવું હતું, પણ ન તો તે સ્કૂલ પૂરી કરી શકી કે ન તો કારકિર્દી બનાવી શકી. તે ઉપર જણાવી તે બીમારીઓથી નાનપણથી પીડાતી હતી. હવે તે થાકી ગઈ છે.
તેના ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા છે. એટલે જ તેણે મરવાનું નક્કી કર્યું છે. તે કહે છે, “મેં પહેલેથી નક્કી કર્યું હતું કે જો આનો ઈલાજ નહીં થાય તો લાંબુ ખેંચી નહીં શકું.” તેની આ હતાશાનું પ્રદર્શન કરવું હોય તેમ, તેણે તેના ડાબા હાથના બાવડે જીવન-વૃક્ષ(ટ્રી ઓફ લાઈફ)નું ટેટૂ કોતારાવ્યું છે, પણ ઊંધું- મૂળિયાં ઉપર અને ડાળખીઓ નીચે.
ઝોરાયાએ રૂપા સુબ્રમણ્યમને ટેક્સ્ટ મેસેજમાં કહ્યું હતું, “જીવન-વૃક્ષનો અર્થ વિકાસ અને નવા પ્રારંભનો થાય છે. મારું વૃક્ષ ઊંધું છે, તેનાં પાંદડાં ખરી રહ્યાં છે અને તે સુકાઈ રહ્યું છે. એક વાર વૃક્ષ સુકાઈ જાય પછી, પક્ષી ઊડી જાય છે. હું જીવનમાંથી મુક્ત થઇ રહી છું.”
ઝોરાયાએ બધી જ તૈયારીઓ કરી લીધી છે. ઘરમાં જ તેની મુક્તિ આકાર લેશે. “કોઈ સંગીત નહીં વાગે,” તેણે લખ્યું હતું, “હું લિવિંગ રૂમમાં સોફા પર જ વિદાઈ લઈશ. ડોકટર ઉતાવળ નહીં કરે. તે આવીને બેસશે અને કોફી પીશે, જેથી માહોલ હળવો થાય. પછી મને પૂછશે કે હું તૈયાર છું. હું સોફા પર બેસીશ. તે મને ફરી એકવાર મારા નિર્ણય અંગે પૂછશે. પછી મને વિદાયની શુભેચ્છા આપીને પ્રોસેસ ચાલુ કરશે.”
ડોક્ટર તેને પહેલાં બેહોશીની દવા આપશે પછી બીજી ડ્રગ આપશે જેનાથી ઝોરાયાનું હૃદય કામ કરતું બંધ થઇ જશે. તે પછી એક રીવ્યુ કમિટી તપાસ કરશે કે ડોકટરે નિયમોનું પાલન કર્યું છે કે નહીં. કમિટીના અહેવાલના આધારે ડચ સરકાર પ્રમાણપત્ર આપશે કે ઝોરાયા થેર બીકનું જીવન કાનૂની રીતે સમાપ્ત થયું છે.
ઝોરાયાએ તેના બોયફ્રેન્ડને અંત સુધી હાજર રહેવા કહ્યું છે. તેની કોઈ અંતિમ વિધિ કરવામાં નહીં આવે. તેના પરિવારમાં ખાસ કોઈ છે નહીં, અને તેના મિત્રોને અંતિમ વિધિમાં આવવાનું ગમશે નહીં. ઝોરાયા અને તેના બોયફ્રેન્ડે ભેગા મળીને જંગલમાં એક ‘સરસ જગ્યા’ શોધી રાખી છે ત્યાં તેનાં અસ્થિને વિખેરી દેવામાં આવશે.
નેધરલેંડની થીઓલોજી યુનિવર્સિટી કામ્પેનમાં નીતિશાસ્ત્રી સ્ટેફ ગ્રોઈનેવુડે રૂપા સુબ્રમણ્યમને કહ્યું હતું કે ડોકટરો અને માનસશાસ્ત્રીઓએ ઈચ્છામૃત્યુને એટલું સામાન્ય બનાવી દીધું છે કે હવે તે ના છૂટકાનો ઉપાય રહ્યો નથી. અગાઉ ડોકટરો આટલી જલદી સારવારમાંથી હાથ ઊંચા કરી દેતા નહોતા, પરિણામે માનસિક પરેશાનીઓથી પીડિત યુવાનોમાં આ ચલણ વધતું જાય છે.”
આમાં મહત્ત્વનો મુદ્દો યુવા પેઢીમાં વધતી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો છે. પશ્ચિમના દેશોમાં યુવાનોમાં ડિપ્રેશન અને ઍંગ્ઝાયટીનું પ્રમાણ ઘણું ઊંચું છે. ભારત સહિતના પૂર્વીય સમાજોમાં સુખ-દુઃખની સમસ્યાઓ તો છે, પરંતુ પશ્ચિમની સરખામણીમાં ભાવનાત્મક ઉતાર-ચઢાવ ઓછો છે.
પશ્ચિમના ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે ભાવનાત્મક બાબતોમાં પશ્ચિમ અને પૂર્વનો અભિગમ ભિન્ન છે. પશ્ચિમ વ્યક્તિવાદી અને ભોગવાદી સમાજ છે. અહીં દરેક વ્યક્તિ પોતાનું સુખ શોધે છે અને દુઃખને નિષ્ફળતા ગણીને નિરાશ થાય છે.
પૂર્વમાં લોકો સમૂહવાદી અને સેવાભાવી છે. અહીં લોકો પરિવારનું સુખ પહેલાં જુવે છે અને અંગત સુખ-દુઃખને જીવનના અનિવાર્ય પણ અસ્થાયી ચક્ર તરીકે જુવે છે. આપણા માટે સુખી જીવનનો અર્થ એ નથી કે એમાં કોઈ દુઃખ ના હોય. એનો અર્થ એટલો જ કે તે દુઃખ અર્થપૂર્ણ હોય. આપણે સુખી જીવન માટે નહીં, સાર્થક જીવન માટે સંઘર્ષ કરીએ છીએ એટલે આપણે દુઃખમાં પણ સુખ જોઈ શકીએ છીએ. ભારતમાં જ્યારે કોઈ એમ કહે કે ‘સુખી રહો,’ ત્યારે તે આશીર્વાદમાં ‘સાર્થક જીવો’નો ભાવ હોય છે.
સુખ અને દુઃખના આ પાયાના તફાવતના કારણે પશ્ચિમની યુવા પેઢીમાં માનસિક ક્ષમતા નબળી પડી ગઈ છે જ્યારે આપણે ત્યાં સહનશીલતા સલામત છે.
તરુણોમાં માનસિક સમસ્યાઓ કેમ વધી રહી છે? સુખ-સુવિધાઓ વધી છે પણ યુવાનોમાં એંગ્ઝાઇટી, ડિપ્રેશન, હતાશા, નકારાત્મકતામાં કેમ ઉમેરો થઈ રહ્યો છે? ‘બેડ થેરાપી’ નામના એક લોકપ્રિય પુસ્તકની લેખિકા અબિગેઇલ શ્રિયર કહે છે કે બની બેઠેલા મેન્ટલ હેલ્થ નિષ્ણાતોએ આજની પેઢીને માયકાંગલી બનાવી દીધી છે અને પેરેંટ્સને અપરાધભાવથી ભરી દીધા છે. માનસિક સ્વાસ્થ્યના નામે એક મોટો ધંધો વિકસી ગયો છે અને એમાં આખી પેઢી સહન કરી રહી છે.
પુસ્તકમાંથી મહત્ત્વનાં પાંચ તારણો :
૧. બાળકો શું “ફીલ” કરે છે અને તેઓ શું “વિચારે” છે તેની સતત ચિંતા કરવાથી નકારાત્મક અસરો પડી છે. લાગણીઓને વધુ પડતી પંપાળવાથી બાળકો આળાં થઈ ગયાં છે. બાળકો મનથી કોમળ નહીં કઠોર થવાં જોઈએ.
૨. બાળકોની જરા અમથી સમસ્યાઓને હલ કરવા માટે દોડી જવાની વૃત્તિથી તેઓ જાતે કશું કરી શકવા માટે અક્ષમ થઈ ગયાં છે, અને પોતાને કશું પણ થાય તો રાઈનો પહાડ કરી મૂકે છે. તેમને એવું માનવાની ટેવ પડી ગઈ છે કે દુનિયા તેમની આસપાસ ગોળ ફરે છે. એટલે તે સ્વાર્થી અને આત્મમુગ્ધ બની ગયાં છે.
૩. એક મજબૂત માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો વિકાસ કરવા માટે જરૂરી છે કે બાળકો જાતે હાથપગ મારે અને જખ્મી થાય. વિચારો અને લાગણીઓનું વિશ્લેષણ કરવાથી માનસિક વ્યથાઓમાંથી મુક્ત ના થવાય, તેના માટે જાતને કંફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને જીવન જીવવા માટેના પડકારો ઝીલવા જોઈએ.
૪. સુખી થવાનો એક માત્ર રસ્તો સુખનું નિર્માણ કરવાનો છે. તેના માટે રોજ સવારે ઊઠીને મહેનત કરવી પડે. સુખની અવસ્થા સ્થાયી નથી. સતત મહેનત કરવાથી જે સંતોષ અને ખુશી આવે છે તે સુખનું કારણ બને છે.
૫. સૌથી સુખી અને સુલઝેલાં છોકરાં એ પરિવારમાંથી આવે છે જ્યાં પેરેંટ્સ ખૂબ પ્રેમાળ છે પણ નિયમો ય એટલા જ સખ્ત છે. “છોકરાંને કશું કહેવાનું નહીં”ની માનસિકતાથી તેમનું જ અહિત થયું છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર