ગયા વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ઓહાયો રાજ્યનો એક કેસ આવ્યો હતો. તેમાં, ઓહાયોના ડેમોક્રેટ પ્રતિનિધિ (સંસદ સભ્ય) સ્ટીવ ડ્રાઈહોસે, તેની સામે સુસાન બી. એન્થની લિસ્ટ નામના બિન સરકારી, ગર્ભપાત વિરોધી સંગઠને એક જૂઠું વિજ્ઞાપન જારી કર્યું હોવાની ફરિયાદ કરીને કેસ કર્યો હતો. એ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે ઓહાયો રાજ્યના સરકારી વકીલે રાજ્યના બચાવમાં કહ્યું હતું કે ઓહાયોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટાં નિવેદન કરવા પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવ્યો છે અને આવો કાયદો પૂરા અમેરિકામાં લાગુ કરવો જોઈએ. તે વખતે, કોર્ટના ન્યાયમૂર્તિઓએ હસતાં-હસતાં એવી ટિપ્પણી કરી હતી કે એવું થાય તો દરેક ચૂંટણી પહેલાં ત્રણ-ચાર મહિના સુધી સંપૂર્ણ ચુપ્પી છવાઈ જશે!
રાજકારણીઓ બિન્દાસ્ત જૂઠ બોલે છે તે ભારત જેવા ‘ત્રીજા વિશ્વ’ની જ બીમારી નથી, તેનું ચલણ અમેરિકા જેવા ભણેલા-ગણેલા, વિકસિત દેશોમાં એટલું જ છે. ચૂંટણી પ્રચારમાં પૈસા પછી જેનો સૌથી છૂટથી ઉપયોગ થતો હોય તો, તે જૂઠ છે. નેતાઓ પોતાના વિશે જૂઠ બોલે છે, વિરોધીઓ વિશે જૂઠ બોલે છે, તેઓ નીતિઓ અંગે જૂઠ બોલે છે, તેનાં પરિણામો અંગે જૂઠ બોલે છે, તેઓ ભાષણોમાં, લખાણોમાં, રેલીઓમાં, પોસ્ટરોમાં, ચૂંટણી ઢંઢેરામાં, ટી.વી. પર, સોશિયલ મીડિયા પર જૂઠ બોલે છે.
રાજકારણીઓ જૂઠ બોલે છે તે વાત બધાને ખબર છે, પણ કોઈ એ નથી પૂછતું કે મતદારો એ જૂઠને ચલાવી કેમ લે છે? ઇન ફેક્ટ, રાજકારણીઓ જૂઠ બોલે છે તેમાં તેમના ચારિત્ર્યની ત્રૂટિ નથી, વાસ્તવમાં તેમના જૂઠ માટે લોકો જવાબદાર છે! લોકો તેમનું જૂઠ ચલાવી લેશે તેવો રાજકારણીઓને ભરપૂર વિશ્વાસ હોય છે. કેમ? કારણ કે રાજકારણીઓને ખબર છે કે તેમણે એ નથી બોલવાનું જે સાચું છે, પણ એ બોલવાનું છે જે મતદારોને સાંભળવું છે.
કોઈ નેતા લોકપ્રિય છે એટલે તેની વાતો સાચો નથી થઈ જતી. સંભાવના તો એવી હોય છે કે એ જૂઠ પણ હોઈ શકે, કારણ કે નેતા લોકોમાં અળખામણા થઈ જવાય એવું બોલવાનું ટાળે છે, અને લોકપ્રિય થવાય તેવું વધારે બોલે છે.
મજાની વાત એ છે કે એવો કોઈ મતદાર નથી જે એવું માનતો હોય કે નેતાઓ સાચું બોલે છે! તેને ખબર છે કે ચૂંટણી પ્રચાર જૂઠની પીઠ પર ચડીને કરવામાં આવે છે, છતાં તે હોંશે હોંશે તેને સાંભળે છે. કેમ? સોશિયલ સાઈકોલોજીમાં તેને ક્રાઉડ વિઝડમ (ટોળાનો વિવેક) કહે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો કોઈ વાત માનતા હોય તો, બાકીના લોકો પણ તેને માનવા પ્રેરાય છે.
ક્રાઉડ વિઝડમમાં, કોઈ વાત કેટલી લોકપ્રિય છે તેના પર લોકો પોતાનો મત કેળવતા હોય છે, નહીં કે તે સાચી છે એટલે. આ કારણથી જ રાજકારણીઓના જૂઠમાં માનનારાઓ ઘણા હોય છે. લોકશાહીમાં એટલા માટે જ બહુમતી લોકોનું અજ્ઞાન, વિશેષ જ્ઞાન ધરાવતા લઘુમતી પર ભારે પડે છે, જેના પરિણામ સ્વરૂપ, ખોટો જવાબ સૌથી અધિક સ્વીકૃત થાય છે.
બહુમતિ લોકોની સહજ વૃત્તિ તેમના અભિપ્રાયોને સાચા માનવાની હોય છે, કારણ કે લોકો નેતાની લોકપ્રિયતાને તેની હોંશિયારી સાથે જોડે છે. બાબાઓ-ગુરુઓ, ફિલ્મ સ્ટારો, રાજકારણીઓને સાંભળવા લોકો એટલે જ ભેગા થતા હોય છે. તેમાં એકલ-દોકલ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારશક્તિને બાજુએ મૂકીને ટોળા સાથે જવાનું પસંદ કરે છે.
20મી સદીમાં, રાજનૈતિક દર્શનની દુનિયામાં હન્ના અરેંડટ (1906-1975) નામની એક જર્મન-અમેરિકન વિચારકનું નામ મોટું છે. સત્તા અને અનિષ્ટ વચ્ચેના સંબંધ પર તેમણે ખૂબ લખ્યું છે. રાજકારણમાં જૂઠું બોલવાના ચલણ પર 1971માં લખેલા એક લોકપ્રિય લેખમાં હન્નાએ કહ્યું હતું, “સચ્ચાઈની ગણતરી ક્યારે ય રાજનૈતિક ગુણોમાં થઇ નથી, અને જૂઠને હંમેશાં રાજનૈતિક લેવડ-દેવડમાં ન્યાયોચિત સાધન ગણવામાં આવ્યું છે.”
ઘણીવાર રાજકારણીઓનાં જૂઠને લોકો “ઊંચા પ્રકાર”નું સત્ય માની લેતા હોય છે. અર્થાત, લોકો (ખાસ કરીને જે લોકો અંધભક્ત છે) એવું માનતા હોય છે તેમના નેતા એટલા મહાન અને પોતે એટલા પામર છે કે તેમનામાં નેતાના ઉચ્ચ વિચારોને સમજવાની તાકાત નથી એટલે તેને આંખ મીચીને માની લેવા જોઈએ. લોકો એટલા માટે પણ જૂઠને ચલાવી લે છે કારણ કે તેમને એવું લાગે છે કે નેતાઓ તેમના રાજકીય વ્યવહારોમાં બીજા હિંસક વિકલ્પ પસંદ કરે તેના બદલે થોડાં-ઘણાં નિર્દોષ જૂઠ બોલીને કામ ચલાવી દે તે વધુ હિતાવહ છે. “ના મામા કરતાં કાણો મામો સારો” કહેવત જેવો આ ઘાટ છે.
ટૂંકમાં કહીએ તો, રાજકારણીઓ એમના કરિશ્મા પર અને એમના ભક્તોના સમર્પણ ઉપર મુસ્તાક હોય છે. બીજું કારણ કોસ્ટ-બેનિફિટનો અનુપાત છે. મોટાભાગના રાજકારણીઓને ખબર છે કે સાચું બોલવાથી જે નુકસાન થાય તેના કરતાં, જૂઠ બોલવાથી વધુ ફાયદો થતો હોય તો જૂઠ જ બોલવું જોઇએ. આપણે આપણાં બાળકો પાસેથી સાચું બોલવાની અને ખોટાનો એકરાર કરવાની અપેક્ષા રાખીએ છીએ, પણ રાજકારણીઓના જૂઠને કેમ ચલાવી લઈએ છીએ કારણ કે એમાં “આપણા ફાધરનું કશું જતું નથી.” આપણે ક્યારે ય આપણા બાળકોને એવું કહીએ છીએ કે, “જો બેટા, મોટો થઇને જૂઠ બોલજે અને ખોટું કરજે?”
આપણા જેવા સાધારણ લોકોની દાલ-રોટી ચાલતી રહેતી હોય, ત્યાં સુધી આપણને ય રાજકારણીઓની અનૈતિકતા સામે કોઈ વાંધો નથી હોતો. આ વાલિયા લૂંટારા જેવું છે; અમે તો ઘર ચાલે એમાં ભાગીદાર છીએ છે, તેના પાપમાં નહીં. એટલા માટે આપણે આપણા બાળકોને રામના પાઠ ભણાવીએ છીએ, પણ રાજકારણના રાવણને ચલાવી લઈએ છીએ.
ભારતમાં તકવાદી નેતાઓ, બનાવટી બાવાઓ, સાંઠગાંઠથી કામ કરતા ધનપતિઓ, બોલિવૂડના બદમાશ નાયકો અને કૌભાંડી રમતવીરો આપણા રોલ મોડેલ બની રહ્યા છે તે, ગાંધીજીએ કહ્યું તેમ, અસત્યની પૂજામાંથી આવે છે. 1951માં નહેરુએ આવી શરૂઆતની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, “ચૂંટણી જીતવાની લાયમાં આપણે જૂઠ અને ગલતનો આશરો લઇ રહ્યા છીએ, અને એવી રીતે જીત્યા પછી પણ અંતે તો આપણી એ હાર જ છે.”
એક ગરીબ માણસની ભક્તિથી પીગળીને ભગવાન હાજર થયા અને તેને એક જાદુઈ “સંતોષ શંખ” ભેટમાં આપ્યો અને કહ્યું કે આ શંખ તેની બધી ઈચ્છા સંતોષશે.
ગરીબ ઘરે ગયો અને શંખમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર રૂપિયા આપ.” શંખમાંથી તરત જવાબ આવ્યો, “દસ શું કામ? તને ખાલી એક હજાર રૂપિયાની જરૂર છે, લે આ એક હજાર!”
ગરીબ ખુશ થઇ ગયો. તેની બધી સમસ્યાઓ હલ થઇ ગઈ, પણ શંખ પ્રતિપ્રશ્નો બહુ કરતો હતો એ તેને પસંદ નહોતું. ગરીબે તેના સ્થાનિક મંદિરના પૂજારીને વાત કરી. પૂજારીએ કહ્યું હું તને આના કરતાં વધુ ઉત્તમ “લપોડ શંખ” આપું છું, એ તને તું માંગીશ તેના કરતાં વધુ આપશે.
ગરીબે એમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર આપ.” લપોડ શંખે જવાબ આપ્યો, “દસ શું કામ? એક લાખ લઇ જા ને!” ગરીબ ખુશ થઇ ગયો. તે સંતોષ શંખ આપીને લપોડ શંખ લઇ આવ્યો.
એ જે માંગે તેમાં લપોડ શંખ વધારો કરે.
“મને દસ હજાર આપ.” શંખ કહે, “દસ શું કામ? એક લાખ લઇ જા.”
ગરીબે થોડા દિવસ રાહ જોઈ અને પછી કહ્યું, “મને એક લાખ આપ.” લપોડ શંખે કહ્યું, “એક લાખ શું કામ? એક કરોડ લઇ જા.”
ગરીબ તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો. હવે તેનાં બધાં દુઃખ દૂર થઇ જવામાં હતાં. એ હવે કરોડપતિ બની જવાનો હતો. દિવસો પસાર થયા, પણ કશું આવ્યું નહીં.
તેણે લપોડ શંખને ફરી કહ્યું, “મને એક કરોડ આપ.” શંખે તરત કહ્યું, “એક કરોડ શું કામ? એક અબજ લઇ જા.”
ગરીબ હવે અકળાયો હતો. તેણે કહ્યું, “તું મને નચાવે છે કેમ? પૈસા ક્યારે આપીશ તેની વાત કર ને!”
લપોડ શંખે કહ્યું, “હું પૈસા નથી આપતો, વચન આપું છું.”
મોટાભાગમાં લોકોની સ્થિતિ આવી જ છે : તેઓ એવા લપોડ શંખોને જ વોટ આપે છે જે તેમને વચનો આપે છે, અને એ ‘શંખો’ દર વખતે એકના ડબલ કરતા રહે છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર