સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ-4

રોબર્ટ સ્કિદેલસ્કી
નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રને સામાન્ય રીતે સત્તાવિહીન બાબત તરીકે ચીતરે છે. તેમાં તેઓ બજારના ઈજારાને જ એકમાત્ર અપવાદ ગણે છે. એ બાબતે તેઓ માર્ક્સવાદીઓ કરતાં જુદા પાડે છે. માર્ક્સવાદીઓ તો બજારમાં જે ઇજારો છે તેને મૂડીની તમામ પ્રકારની માલિકીમાં જે ઈજારા છે તેનું એક અંતિમ સ્વરૂપ જ ગણે છે. બજારને સ્પર્ધાત્મક ગણીને અર્થશાસ્ત્રીઓ સત્તાને અદૃશ્ય બનાવી દેવામાં મદદ કરે છે.
ઈજારદાર એ છે કે જે કિંમત પર અસર ઊભી કરવા માટે મોટા જથ્થામાં વસ્તુ ઉત્પન્ન કરે છે કે વેચે છે કે ખરીદે છે. તમે ઇચ્છો તે પ્રમાણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો કરી શકો તે સત્તાનું જ એક સ્વરૂપ કહેવાય; બજારમાં જો તમે એકલા જ એ વસ્તુ આપનારા હોવ તો તમે આસાનીથી એમ કહી શકો કે ભાવવધારો એ તમારી રીત છે અથવા એ જ તમારો ધોરીમાર્ગ છે. બજારમાંનું વલણ જ ઈજારા ઊભા કરવાનું હોય છે એ વાત આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “એક જ ચીજનો વેપાર કરનારા લોકો ભાગ્યે જ ભેગા મળે છે, પરંતુ તેમની વચ્ચેની વાતચીત લોકો સામેનાં કાવતરાંમાં અથવા કોઈક રીતે ભાવવધારામાં પરિણામે છે.”
એડમ સ્મિથ સમજી ગયા હતા કે બજારમાં કેટલાક ઈજારદાર હોય જ છે અને તેઓ ભાવ પર નિયંત્રણ રાખવાની પોતાની સત્તા ધરાવે છે; અને તેથી અર્થતંત્રમાં હરીફાઈથી ઉત્પાદનનાં સંસાધનોની કાર્યક્ષમ વહેંચણી થાય છે એવો જે સિદ્ધાંત છે તે તરત જ ભોંયભેગો થઈ જાય છે. દા.ત. જો કોઈ પાણી પર ઈજારો ધરાવે તો પાણી પુરવઠો આપનારા પાસે માત્ર પૈસા જાય છે એવું નથી, પણ ભાવવધારો કરવા માટે તે બિન-જરૂરી રીતે પાણીનો પુરવઠો પણ નિયંત્રિત કરે છે.

હેમન્તકુમાર શાહ
વધુમાં, બજારમાં ઈજારો હોય તો રાજકીય લોબીંગ માટેની ઈજારદાર પેઢી કે કંપનીની તાકાતમાં જોરદાર વધારો થાય છે. જો કોઈ ઉદ્યોગમાં એક કરતાં વધારે પેઢીઓ અથવા કહો કે કંપનીઓ હોય તો, જો એક જ પેઢી પોતાને માટે સાનુકૂળ સ્થિતિ ઊભી કરવા માટે રાજકીય સ્તરે લોબીંગ કરે તો તેનો લાભ બાકીની બધી પેઢીઓને મળે છે એટલે ફક્ત તેની પોતાની તાકાતમાં જ વધારો થાય એવું બનતું નથી. જો કે, જો ઈજારદાર પેઢી કે કંપની એક જ હોય છે તો રાજકીય લોબીંગનો બધો જ લાભ તેને મળી જતો હોય છે.
અર્થશાસ્ત્રીઓને ઈજારા વિષે વાત કરવામાં કોઈ જ સમસ્યા નડતી નથી, ઈજારાનો અર્થ માત્ર એટલો જ છે કે કોઈ એક વસ્તુ કે સેવાના બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર કે ખરીદનાર છે. જો કે, અર્થશાસ્ત્રીઓ આર્થિક જીવનમાં એવી ઇજારદાર પેઢીનું મહત્ત્વ બહુ ઓછું છે એમ કહેવાનું પસંદ કરે છે. અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં શરૂઆત પૂર્ણ હરીફાઈના બજારથી જ થાય છે અને ઈજારાના સિદ્ધાંતને તે પછી જ સમજાવવામાં આવે છે.
એનું કારણ એ છે કે 18મી સદીના એડમ સ્મિથના જમાનાથી અર્થશાસ્ત્રીઓ ઈજારાને બજાર એક કલંક કે બજારની અપૂર્ણતા તરીકે જ જુએ છે અને અન્યથા, તેઓ તેને બજારની એક ઇચ્છનીય પરિસ્થિતિ ગણાવે છે. આમ, અર્થશાસ્ત્રમાં જે મોડેલ ખડું કરવામાં આવે છે તેમાં શું સારું છે અને ખરાબ છે તેને વિષે જે વાત કરવામાં આવે છે તે અહીં છતી થઈ જાય છે.
ઈજારા પર એડમ સ્મિથે હુમલો કરેલો. એને અનુસરીને જે સરકારો મુક્ત બજાર પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે તે સરકારો પણ છડેચોક જે ઈજારા દેખાતા હોય તેમની સામે નિર્ણાયક પગલાં લેતી રહી છે. સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે 1911નું અમેરિકાનું. ત્યાં તે વખતે ઈજારા-વિરોધી શેરમેન કાયદો આવ્યો અને સ્ટાન્ડર્ડ ઓઈલ નામની કંપનીના ટુકડા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ઈજારા સામેનું આ સખ્તાઈભર્યું વલણ સાવ જ હળવું કરી નાખવામાં આવ્યું છે.
ખાસ કરીને બજાર પરના નિયમનના કિસ્સાઓમાં એમ જ બન્યું છે. ઈજારાવાળી પેઢીની તાકાત ઓછી કરવા માટે જે ખરેખરી હરીફાઈની જરૂર હોય તેને બદલે માત્ર તેનો ખતરો જ બતાવી શકાય છે. જો અનેક ધારણાઓ સાચી છે એમ માની લઈએ તો પછી, કોઈ વસ્તુ કે સેવાના બજારમાં એક જ પેઢી કે એક જ કંપની હોય તો પણ તેને નવી આવનારી પેઢીઓનો ડર તો લાગે જ કારણ કે બજાર તો હરીફાઈવાળું હોય જ.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જો બજારમાં હરીફાઈ હોય તો બજારની પોતાની કોઈ સત્તા કે તાકાત રહેતી જ નથી. બજારલક્ષી વૈશ્વિકીકરણ માટે સૌથી મજબૂત દલીલ આ જ કરવામાં આવતી રહી છે.
રિચાર્ડ કૂપર નામના એક અમેરિકન આર્થિક સાહસિક એમ કહે છે કે, “વૈશ્વિક સ્તરના સ્પર્ધાત્મક વાતાવરણમાં વ્યાપક આર્થિક ક્ષમતા તમામ પક્ષકારો માટે વિકલ્પો ઊભા કરે છે; અને વિકલ્પો હાજર હોય તો કોઈ એક જ પક્ષકારની ક્ષમતા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે મહત્ત્વની રહેતી જ નથી; સિવાય કે ગ્રાહકોની નજરે તેની કામગીરી સારી હોય.”
આ એક અત્યંત આદર્શવાદી ચિત્ર છે, વાસ્તવિક વૈશ્વિક ચિત્ર તો તદ્દન જુદું જ છે. વાસ્તવમાં તો મહાકાય કંપનીઓ બજારોની અંદરોઅંદર ભાગબટાઈ કરી લે છે, ક્યાં મૂડીરોકાણ કરવું તેની તેઓ માંહોમાંહે પસંદગી કરી લે છે. નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને તેઓ પોતાની જ પેટા કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વસ્તુઓની ખરીદી કરીને તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જ કરવેરા ચૂકવે છે. આને અર્થશાસ્ત્રમાં transfer pricing કહેવામાં આવે છે. આ કહેવાતી સ્પર્ધાનો દુરુપયોગ છે અને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ તેનો એક જ ઉપાય બતાવે છે અને તે છે કે બજારમાં વધુ હરીફાઈ હોવી જોઈએ.
બજારની સત્તા વિષે બજારમાં જે વધુ જટિલ છે અને વધુ દેખાય છે તે તો અલ્પહસ્તક ઈજારો છે. તેમાં બહુ ઓછી મોટી પેઢીઓ કે કંપનીઓએ કોઈ એક વસ્તુ કે સેવાનું બજાર કબજે કરેલું હોય છે. કાર, તેલ, ટેલિફોન, ઉડ્ડયન વગેરે ક્ષેત્રોમાં અલ્પહસ્તક ઈજારા જ દેખાય છે. એમાં કોઈ એક જ પેઢી કે કંપનીનો ઈજારો છે એવું હકીકતમાં નથી. દરેક કંપની જાણે છે કે વસ્તુના ભાવ કે ઉત્પાદન વિષે તે જે કોઈ નિર્ણય લેશે તેનો પડઘો બીજી પેઢીઓ પાડશે જ. એટલે કેટલીક પેઢીઓ હાથ મિલાવે છે અને કાર્ટેલ રચે છે. તેઓ જો તેમની વચ્ચે સહકાર સાધે તો તે ઇજારો જ કહેવાય. આ ઈજારો નજરે દેખાય તેવો હોતો નથી. તેમાં કંપનીઓ વસ્તુના ભાવ અંગે છૂપી સમજૂતી કરે છે કે જેથી તેમની વચ્ચે ભાવની બાબતમાં સામસામે યુદ્ધ જામે નહિ, કારણ કે તેમને તેનો જ સૌથી મોટો ડર હોય છે.
આમ છતાં આર્થિક સત્તા ક્યાં કેટલી છે તેને વિષે અર્થશાસ્ત્રીઓ ઝાઝો અભ્યાસ કરતા નથી. એનું એક કારણ એ છે કે વસ્તુના ભાવ વિશેનું મોડેલ આવા અલ્પહસ્તક ઈજારામાં નક્કી કરી શકાતું નથી. તેમાં વસ્તુના ભાવ કેટલા રહેશે તે સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકતું નથી. એટલે અર્થશાસ્ત્રીઓ પછી એવું કહેવાનું વલણ ધરાવે છે કે વહેલાં કે મોડા કાર્ટેલ તૂટી પડશે કારણ કે એકબીજાને છેતરવાથી આર્થિક લાભ થાય છે એમ સમજીને કંપનીઓ તેમની વચ્ચે થયેલી સમજૂતીઓનો ભંગ કરે છે અને પછી તેમ થવાથી કંપનીઓ વચ્ચે સ્પર્ધાની રમત ફરીથી શરૂ થઈ જાય છે. એટલે કે છેવટે તો બજારમાં હરીફાઈ થાય છે જ એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. પરંતુ વ્યવહારમાં આવું ભાવયુદ્ધ થતું હોતું નથી.
ખરેખર તો અનેક અભ્યાસો એમ બતાવે છે કે અલ્પહસ્તક ઈજારામાં વસ્તુઓ અને સેવાઓના અનેક ઉદ્યોગોમાં કંપનીઓ વચ્ચે ભાવ માટે હરીફાઈ થતી જ નથી અને તેમણે નક્કી કરેલા ભાવો સ્થિર રહે છે.
સ્રોત:
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર