હમણાં ગાંધીને નાના, ભૂલ ભરેલા કે તદ્દન ખોટા એવા સાબિત કરવાની હોડ છે. હોડ શેની, વોટ્સેપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને ઈન્સ્ટાગ્રામ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ્સ યુવાનોમાં તો ગાંધીને ગાળો દેવી એ ટ્રેન્ડ છે. ગાંધી વિશે આમ બીજું કશું ય જાણતા નહીં હોય, પરંતુ એક સવાલ પહેલો કરશે, ‘તો પછી ગાંધીએ સરદાર પટેલને વડા પ્રધાન શું કામ નહીં બનવા દીધા?’ પણ એ સવાલ પૂછનારાઓ જ સરદારના અન્ય ગુણો, તેમનાં કાર્યો કે તેમની ગાંધીમાંની શ્રદ્ધા વિશે તસુભાર નહીં જાણતા હોય. અને જાણતા હોય તો માત્ર ને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી સીમિતપણે, જેટલી હાલના રાજકારણને જરૂર છે એટલા જ જાણતા હશે. દુઃખ એ બાબતનું હોય છે કે રાજકીય કારણોસર શું કામ કોઈને ધિક્કરવા કે પ્રેમ કરવા?
ગાંધીને ગાળો દેવાની ફેશન અંતર્ગત સોશિયલ મીડિયામાં ગાંધી વિરુદ્ધમાં અનેક બાબતો આપણને જોવા મળે. એમાંની કેટલીકને સાવ ખોટા સંદર્ભમાં સમજાવાઈ હોય તો કેટલીક વાતો મૂળમાં જ ખોટી હોય. જો કે ગાંધીજીએ જીવનમાં કોઈ ભૂલો જ નહીં કરી હોય એવું પણ ન બની શકે. ગાંધીએ ભૂલો કરી જ છે. રાધર, ગાંધીએ પોતે કહ્યું છે કે હું એક જ બાબત પર બે જુદાં જુદાં મંતવ્યો આપું તો મારું બીજું મંતવ્ય સાચું માનવું! અને ગાંધી જ શું, જાહેર જીવનમાં જીવતી સૌ કોઈ વ્યક્તિએ અમુક આક્ષેપો, અમુક ગાળો, અમુક ધિક્કારોનો સામનો કરવાનો જ હોય. એટલે ગાંધી કંઈ એમાં બાકાત ન રહી શકે. પણ એ જ રીતે ગાંધીની ભૂલોની સામે કંઈ તેમણે કરેલા અનેક સામાજિક, શૈક્ષણિક (કેળવણી) કે ઈવન આર્થિક (ખાદી, મેક ઈન ઇન્ડિયા!) કાર્યોને હાંસિયામાં ન ધકેલી શકાય. એને નાનાં સાબિત ન કરી શકાય. કે નહીં તો એ કાર્યોને અવગણીને આગળ વધી શકાય.
ગાંધીએ સરદાર પટેલની જગ્યાએ નહેરુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા અથવા જિદ્દ કરી એ જો તેમની ભૂલ હોય તો એ જ ગાંધીએ સરદાર પટેલ, નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી કે મોરારજી દેસાઈ જેવા અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓ અને પછીથી દેશના વહીવટદારો તૈયાર કર્યા એ આપણે ભૂલી જવાનું? એનીવેઝ, ગાંધી મહાન હતા તો કેટલા મહાન હતા કે ગાંધીએ ભૂલો કરેલી તો કેટલી મોટી કરેલી એવી કોઈ સાબિતીઓમાં હમણાં નથી પડવું. અહીં વાત કરવી છે એક મજાના ફેક્ટ વિશે.
વાત એવી હતી કે પાછલાં વર્ષોમાં રાજકીય સનાતનીઓ એવું કહી રહ્યા છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ…’ ભજનધૂનમાં ‘ઈશ્વરઅલ્લાહ તેરે નામ’ જેવું તૂત ગાંધીજીએ પરાણે ઘૂસાડી દીધું છે. આ આખી વાતને ખૂબ ચગાવવા માટે અને ગાંધી કેટલા ખોટા અને તુચ્છ હતા એવું બતાવીને નવી પેઢીનું બ્રેઈનવોશ કરવા માટે બાકાયદા એક વીડિયો બનાવવામાં આવ્યો, જેમાં એક નાનકડું છોકરુ તેના વડીલને કહી રહ્યું છે કે ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ભજનમાં ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઘૂસાડીને ગાંધીએ સનાતન ધર્મ સાથે બહુ મોટો દગો કર્યો છે! એ વીડિયો પાછો એક ચોક્કસ ઈકો સિસ્ટમ દ્વારા વ્હોટ્સેપ પર પૂરબહારમાં વાઈરલ પણ કરાયો. જે જોઈને નવી પેઢી તો ઠીક, પણ જેમના વડવાઓ ગાંધીથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પડ્યા હશે એવા વડીલોએ પણ ગાંધીને પેટ ભરીને ગાળો દીધી!
હવે વાતાવરણ જ એવું બનાવાયું છે કે હિન્દુત્વને જો કોઈએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો એ ગાંધી છે! જો કે અમુક ચોક્કસ વર્ગના લોકોને અને હિન્દુત્વના કહેવાતા ઠેકેદારોને ગાંધી શું કામ પસંદ નથી કે તેમને ગાંધી શું કામ આંખોમાં કણાંની જેમ ખૂંચે છે એ જુદી ચર્ચાનો વિષય છે. કારણ કે આશ્ચર્યની વાત એ પણ છે કે ગાંધી જીવતા હતા, ત્યારે ય અને આજે ય જેમને ગાંધી સામે વાંધો હતો એમને ઝીણા સામે કોઈ વાંધો નથી. ગાંધીની હત્યાના અનેક પ્રયાસો કરનારાઓએ ઝીણાનો વાળ પણ વાંકો કરવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે ઝીણાએ ક્યારે ય રાજકારણ અને અંધશ્રદ્ધા મુક્ત શુદ્ધ સનાતનની હિમાયત જ નથી કરી!
‘ઈશ્વર-અલ્લાહ તેરે નામ’ પર પાછા આવીએ. કહેવાની વાત એ છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ એવું ગાંધીજીએ ઘુસાડ્યું નથી. હા, ગાંધીજી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના કરાવતા ખરા. વળી, ગાંધીજીની પરવાનગીથી એક મજાની ‘આશ્રમ ભજનાવલિ’ પણ તૈયાર થયેલી. વળી, ગાંધીજીની ઉપસ્થિતિમાં એવા પણ પ્રયોગો થયા છે કે મંચ પર ગાંધીજીની સાથે દરેક ધર્મના, ખાસ તો હિન્દુ અને મુસ્લિમ સમુદાયના એક એક પ્રતિનિધિઓ પ્રાર્થનામાં જોડાય. પરંતુ આશ્રમમાં વર્ષો સુધી ગવાયાં એ ભજનોમાં કે પછી ગાંધીજીના પ્રવાસો દરમિયાન સવાર-સાંજ ગવાતી પ્રાર્થનાઓમાં એકબીજાના શબ્દો કે વાક્યોની ક્યારે ય ભેળસેળ નથી કરાઈ.
ગાંધી આમેય કંઈ ભેળસેળિયા હિન્દુ નહોતા. તેઓ ગીતાનો પાઠ શીખીને ગીતા પર ભાષ્ય લખનારા હતા. રોજ સવારે અને સાંજે નિયમિત પ્રાર્થના કરનારા હતા. રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવનારા હતા અને તેમના પ્રખર હિન્દુ (કટ્ટર નહીં) હોવાનો સૌથી મોટો પુરાવો તો એ કે ગોડસેએ તેમની છાતીમાં જ્યારે ગોળી ધરબી દીધી ત્યારે પણ ઉચાટ પામ્યા વિના જીવનની છેલ્લી અને સૌથી કપરી ક્ષણે ‘હે રામ’ કહેનારા હતા! હા, તેઓ સર્વધર્મ સમભાવની વાત જરૂર કરતા, પરંતુ એ સર્વધર્મ સમભાવની હિમાયતમાં તેમણે ક્યારે ય સનાતન બાબતોને તોડી મોરોડી નથી.
તો પછી આ ઈશ્વર અલ્લાહ તેરે નામ જેવા શબ્દો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજનમાં ઘૂસ્યા કઈ રીતે? તો કે આતંકવાદી શહીદ સુહરાવર્દીએ કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના આદેશ આપ્યા પછી કલકત્તામાં હિન્દુઓની કત્લ થયા પછી નોઆખલી સહિત દેશભરમાં જે કોમી હુલ્લડો ફાટી નીકળ્યા, ત્યારે ગાંધીજી એકલપંડે કલકત્તા અને નોઆખલીના પ્રવાસે નીકળી પડ્યા હતા. એ પ્રવાસ દરમિયાન તેઓ બંગાળના અનેક ગામોમાં શાંતિ સ્થપાય એ માટે ફર્યા હતા. એ શાંતિયાત્રામાં તેઓ લગભગ રોજ એક દંગા પીડિત ગામમાં આંટો મારતા, ત્યાંના પીડિતોને મળતા, ત્યાંની નુકસાનીનો તાગ મેળવતા અને ખાસ તો ત્યાં પ્રવચનો અને પ્રાર્થનાઓ કરાવતા.
એ દરમિયાન ૨૨મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગાંધીજીનો ઉતારો પનિયાલા નામના ગામમાં હતો. એ દિવસે કસ્તૂરબાની પૂણ્યતિથિ પણ હતી. ગાંધીનો સનાતન પ્રેમ જાણવો હોય તો અહીં એક ઉદાહરણ મળે છે. કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગાંધીજી અચૂક આખી ગીતાનું પારાયણ કરતા! કર્મકાંડ બાબતે રેશનલ કહી શકાય એવા ગાંધીજી કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગીતાપાઠ કદાચ એટલે જ કરતા હશે કે ગીતાપાઠથી તેમને ધરપત મળી રહે અને કસ્તૂરબાનો અભાવ તેમને ઓછો પીડે! તો એ દિવસે સાંજની પ્રાર્થનામાં મનુબહેન ગાંધીએ ભજન ગાવાનું હતું. થયેલું પાછું એવું કે સાંજની પ્રાર્થના શરૂ થઈ ત્યાં જ વરસાદ તૂટી પડેલો, પણ પ્રાર્થનાનો નિયમ ચુસ્ત હોઈ, વરસાદમાં ન તો ગાંધીજી મંચ પરથી ઊઠ્યા કે નહીં પ્રાર્થનામાં આવેલા લોકો! મનુબહેન ગાંધી એમ પણ નોંધે છે ‘એ દિવસે પ્રાર્થનામાં મુસલમાન પુરુષોની સંખ્યા સારી એવી હતી.’
પ્રાર્થના ગાતી વખતે મનુબહેને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન ઉપાડ્યું અને એમાં તેમણે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઉમેરીને ગાયું. એ ધૂન ગાતી વખતે મનુબહેનને ફડક હતી કે હું આવું ગાઉં છું તો મુસલમાન પુરુષોને અને બાપુને કેવું લાગશે? પરંતુ ધૂન ચાલતી હતી ત્યારે પ્રાર્થનામાં બેઠેલા લોકોએ પણ ધૂનને સરસ રીતે, આનંદ સાથે ઝીલી અને બાપુએ પણ પ્રાર્થના પછીના પોતાના પ્રવચનમાં ધૂનનાં વખાણ કર્યાં.
જો કે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ને મનુબહેને પણ કંઈ પોતાની રીતે ધૂનમાં સ્થાન આપ્યું નહોતું! એ તો પ્રાર્થના સ્થળેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ મનુબહેનને પૂછ્યું કે તું ક્યાંથી શીખી? કે તેં જાતે બનાવી? ત્યારે મનુબહેને કહ્યું કે ‘પોરબંદરના સુદામા મંદિરના સભાગૃહમાં એક બ્રાહ્મણ મહારાજ પોતાની કથા પૂરી થયા પછી આ ધૂન ગવડાવતા. એ કથામાં દરેક કોમના લોકો ભાગ લઈ શકતા હતા. ત્યાં એ ધૂન સાંભળેલી, જે મને આજે સૂઝી!’
મનુબહેનની વાત સાંભળીને ગાંધીને બહુ રાજીપો થયેલો. તેમણે ખાસ તો એમ કહ્યું કે સુદામા મંદિરમાં અને તે પણ બ્રાહ્મણે અલ્લાહનું નામ બહુ સ્વાભાવિકતાથી લીધું એ ગમ્યું. આવું કલુષિત વાતાવરણ તો છેલ્લાં પાંચસાત વર્ષોમાં જ વધી ગયું છે. તું હમણાં આ ભજન રોજ ગાજે!’ જો કે ગાંધીજીને ખબર નહોતી કે તેમની હયાતીના છેલ્લાં પાંચસાત વર્ષોમાં કલુષિત થયેલું હંમેશાં કલુષિત જ રહેવાનું છે. એ તો ઠીક એ વાતાવરણ ભારતના રાજકારણનો મુખ્ય વિષય બની રહેવાનો છે. અને કલુષિતતામાં ને કલુષિતતામાં જ બંને તરફના લોકો માટે પોતાનો ધર્મ એ આચરણનો વિષય નહીં, પરંતુ શક્તિપ્રદર્શનનો રાજકીય વિષય બની રહેશે!
ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં ભારતની જ કોઈક પેઢી એવું પણ માનશે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે ગાંધીજી જવાબદાર છે. અને આ ગાંધીજીએ જ હિન્દુ સમાજને અન્યાય કર્યો છે. ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે આ રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાં ઈશ્વર અલ્લાહ તેરે નામ ભેળવીને ગાવામાં પણ તેમની ટીકા કરવામાં આવશે. બલકે ગાંધીજીને તેમની હત્યાના એક વર્ષ પહેલાં સુધી એ પણ ખબર નહોતી કે પોરબંદરના સુદામા મંદિરમાં આવું સરસ ભજન પણ ગવાય છે.
e.mail : ankitdesaivapi@gmail.com
ankitdesai.in
પ્રગટ : “નવનીત સમર્પણ”; જાન્યુઆરી 2024; પૃ. 89-92