કોણ જાણે કેમ પણ ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા ચાલ્યા જ કરે છે. એડમિશન જોઈએ, તો પરીક્ષા. પીએચ.ડી. કરવું છે, તો એન્ટ્રન્સ ટેસ્ટ. નોકરી જોઈએ તો પરીક્ષા. નોકરીમાં પ્રમોશન જોઈએ તો પરીક્ષા, એમ ડગલે ને પગલે વ્યક્તિએ પરીક્ષાનો સામનો કરવાનો આવે છે. આ પરીક્ષાઓ આપનારા ગરબડ કરે એટલું પૂરતું નથી, પરીક્ષા લેનાર પણ છબરડા વાળે છે. એકને બદલે બીજા વિષયનું પેપર અપાઈ જાય કે એકને બદલે પરીક્ષાર્થી બીજું જ પેપર લખી આવે ને પાસ પણ થઈ જાય એની નવાઈ નથી. આ બધું અપવાદોમાં હોય તો પણ, કોઈક સ્તરે ગરબડ ન હોય એવું ભાગ્યે જ બને છે ને એનો વ્યાપ પ્રિ-પ્રાઈમરીથી લઈને યુનિવર્સિટી સુધીનો હોઈ શકે છે. એ તો ઠીક, પણ ખાતાકીય પરીક્ષાઓમાં કે યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) કે જી.પી.એસ.સી. (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષાઓમાં પણ ભારોભાર બેદરકારી જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય કે પરીક્ષા આપનાર કે લેનાર કોઈ વાતે ગંભીર કેમ નથી? કૈં પણ સારું હવે અકસ્માત ગણાય એવી સ્થિતિ છે. લગભગ તમામ સ્તરે ભ્રષ્ટતા, બેદરકારી ને બેફિકરાઈ વખતોવખત જોવા મળે છે. એમાં ક્યાંક પૈસાનો છાક પણ ભાગ ભજવતો હશે, પણ આ બધું એક વિધિ થઈને રહી ગયું છે.
શૈક્ષણિક પરીક્ષાઓમાં છબરડાની નવાઈ નથી, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં કયા પ્રકારની બેદરકારી ચાલે છે તેનું એક જાણીતા અખબારે 29 ફેબ્રુઆરી, 2024ને રોજ સંશોધન પ્રગટ કર્યું, તે ચોંકાવનારું છે. યાદ રહે કે આ જોખમ બીજે નહીં, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઊભું થયું છે, જે કોઇની કેરિયરને દાવ પર લગાવી શકે છે. આમ તો ગુજરાતી જોડણી કોઈ છાપામાં સાચી લખાય તો આઘાત લાગે, પણ પરીક્ષાઓમાં સાચી જોડણીને લગતો સવાલ પુછાય છે, એમ જ જી.પી.એસ.સી.માં પણ પુછાયો. તેના જવાબમાં એક ઉમેદવારનો જવાબ સાચો ગણાયો ને બીજાનો એ જ જવાબ ખોટો ગણાયો. એવો જ એક સવાલ વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનો હતો. તેમાં પણ, સાચા જવાબમાં, એકને સાચો ગણાયો ને બીજાને ખોટો ગણાયો. એક સવાલ કોઈ સામયિકના તંત્રીને શુભેછા પત્ર પાઠવવાનો હતો. તેનો જવાબ બરાબર લખાયો, પણ પેપર તપાસનારે તેને ઝીરો આપતા એવી નોંધ મૂકી કે ઉમેદવાર પ્રશ્નને સમજ્યો નથી ને નિબંધની માહિતી પ્રાસંગિક નથી, જ્યારે હકીકત એ છે કે પેપર ચેકર સાહેબ જ પ્રશ્ન સમજ્યા નથી ને પત્રને નિબંધ ગણીને સાચા જવાબને ઝીરો આપ્યો છે. એ પરીક્ષકને શું કહેવું જે લખાયેલ જવાબને જોતાં નથી અને ‘ક્વેશ્ચન નોટ એટેમ્પ્ટેડ’ જેવી વાહિયાત ટિપ્પણી કરે છે. એક ઉમેદવારે અંગ્રેજીના પેપરના સેકશન-એના જવાબમાં સેકશન બી-નો જવાબ લખ્યો તો એને ઝીરો આપ્યો ને સેકશન-બીના જવાબમાં સેકશન એ-નો જવાબ લખ્યો તો એનો જવાબ માન્ય ગણીને 10 માર્ક્સ આપ્યા. આવું કોઈ સાધારણ પરીક્ષક પણ, ભાનમાં હોય તો ન કરે. એક જ જવાબને એક જ પરીક્ષક, એક વિદ્યાર્થીને માટે સાચો ગણે ને બીજા વિદ્યાર્થીને માટે ખોટો ગણે એમાં ઘોર બેદરકારી સિવાય કૈં નથી. આવું એકથી વધુ કિસ્સામાં બને એ શરમજનક છે. આવા પરીક્ષક સામે તાત્કાલિક રીતે કાનૂની રાહે પગલાં ભરાવા જોઈએ. બન્યું તો એવું પણ છે કે જેનો ક્રમાંક આગળ હોય તેવા ઉમેદવારોને વધુ માર્ક્સ અપાયા છે.
જી.પી.એસ.સી.ની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલકી સેવા વર્ગ-1,2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-1,2(2021)ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ લખેલ જવાબો તપાસવામાં ગંભીર બેદરકારી બહાર આવી છે. આ ઉમેદવારોનું મેરિટ મુખ્ય પરીક્ષાનાં પરિણામ અને ઇન્ટરવ્યૂ પરથી નક્કી થાય છે, એમાં પણ પરીક્ષામાં સારો દેખાવ ન હોય તો વાત ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચતી નથી, એ પરથી પણ આ પરીક્ષાઓ કેટલી મહત્ત્વની છે તે સમજી શકાય એમ છે, એવી પરીક્ષામાં એક એક માર્ક માટે તીવ્ર સ્પર્ધા હોય, ત્યારે પેપર ચેકર બેદરકારીથી પેપર તપાસે તો તે અપરાધ છે ને તેવા પરીક્ષકની સાથે તે જ રીતે વર્તવાનું રહે. ખરા જવાબના માર્ક ન અપાય ને ખોટાના અપાય તે બધી રીતે અક્ષમ્ય છે.
આ વાત કેટલાક ઉમેદવારોના ધ્યાને આવી અને ક્લાસ 1-2(મુખ્ય)ના 128 ઉમેદવારોએ ઉત્તરવહીઓ રજૂ કરીને પરિણામ જ હાઇકોર્ટમાં પડકાર્યું ને એમાં જે મેરિટમાં હતા તે ઉમેદવારોએ પણ ટેકો આપ્યો, એટલે કામ થોડું સરળ થયું. ઉમેદવારોએ સામેથી પોતાની ઉત્તરવહીઓ આપી ને એમ 600 ઉત્તરવહીઓ ભેગી કરવામાં આવી. ઉમેદવારોએ એસ.ઓ.પી.ની માંગ કરી ને મોડેલ આન્સર કીને આધારે પેપર તપાસાય તેવો આગ્રહ રાખ્યો. આર.ટી.આઇ. હેઠળ વિગતો માંગવામાં આવી તો જાણવા મળ્યું કે શિક્ષણ બોર્ડની જેમ જ જી.પી.એસ.સી. કે યુ.પી.એસ.સી.માં રિ-એસેસમેન્ટની વ્યવસ્થા નથી. મુખ્ય પરીક્ષા પછી ઉમેદવારોને આન્સર કી અપાય છે ને જે ઉમેદવારો પરિણામથી રાજી ન હોય તે અરજી કરી શકે છે. બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કી હોય છે, એવું જી.પી.એસ.સી.ની વર્ગ 1,2ની પરીક્ષામાં નથી. જી.પી.એસ.સી. કોઈ આન્સર કી તૈયાર કરતું નથી. આર.ટી.આઇ.ના જવાબમાં એવું પણ બહાર આવ્યું કે વર્ણનાત્મક પ્રશ્નપત્ર માટે કોઈ મોડેલ આન્સર કી તૈયાર કરવામાં આવતી નથી. જો બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કીથી પેપરોની ચકાસણી થતી હોય તો જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં મોડેલ આન્સર કી તૈયાર ન કરાય ને પરીક્ષકની મુનસફી પર ઉમેદવારને છોડી દેવાય એ બરાબર નથી – જો પરીક્ષક એક જ જવાબને, એકને માટે સાચો ને બીજાને માટે ખોટો ગણતો હોય ત્યારે તો ખાસ ! કમ સે કમ મોડેલ આન્સર કી-થી ઉમેદવારોનું મૂલ્યાંકન સરખી પદ્ધતિએ તો થાય. એમ થશે તો મૂલ્યાંકનમાં કોઈ પ્રકારનું સમાન ધોરણ જી.પી.એસ.સી. જેવી મહત્ત્વની પરીક્ષામાં જળવાશે.
એ અત્યંત દુ:ખદ છે કે જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પરીક્ષક પેપર ચકાસણીની બાબતે જરા પણ ગંભીર નથી. ઉમેદવારોનું ભવિષ્ય જેના પર અવલંબિત છે તેમને અન્યાય ન થાય એની કાળજી જી.પી.એસ.સી.ના આયોજકોએ લેવી જોઈએ. આ બધું મફતમાં થતું નથી. દરેક વખતે ફી ઉઘરાવાય છે. અનેક પ્રકારની ફોર્માલિટીસ પૂરી કરવામાં આવે છે. ઉમેદવારો ખેંચાઈ-તણાઈને દૂર દૂર પરીક્ષાઓ આપવા દોડે છે, એ આશાએ કે પરીક્ષામાં સફળતા મળે તો ઇન્ટરવ્યૂ નીકળે ને તેમાં દા’ડો વળે તો નોકરીનું ઠેકાણે પડે ને વર્ષોની મહેનત રંગ લાવે. આ બધું સાધારણ ઉમેદવાર માટે હાથવગું નથી. હવે તો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ લાખોમાં આવતો હોય છે. એ ભણતર માટે લોન લેવાઈ હોય છે. એ ભરપાઈ કરવાની ચિંતા સાધારણ કુટુંબની ઊંઘ હરામ કરતી હોય છે. એમાં વળી એક ભય ઉંમર પુરાઈ જવાનો હોય છે. ઉંમર વીતી જાય તો નોકરીની તકો ઘટી જતી હોય છે. આખું કુટુંબ એ આશ પર બેઠું હોય છે કે દીકરા કે દીકરીને યોગ્ય નોકરી મળી જાય તો વર્ષોથી ઊંચો રહેલો જીવ હેઠો બેસે ને જી.પી.એસ.સી. જેવી પરીક્ષાના પરીક્ષકો ખરાને ખોટું ગણી માર્ક ન આપે ને ખોટાને ખરું ગણી માર્ક આપે તો જે લાયક છે તેનું જાણ્યે-અજાણ્યે કેવું અહિત કરે છે તેની તેમને કલ્પના જ નથી. એવા પરીક્ષકની સામે કડકમાં કડક પગલાં ભરવામાં જી.પી.એસ.સી.ના અધિકારીઓએ જરા જેટલો પણ વિલંબ કરવા જેવો નથી. એ તો સારું છે કે ઉમેદવારો એક થયા ને એમણે ઉત્તરવહીઓ ભેગી કરીને વાત હાઇકોર્ટ સુધી પહોંચાડી. એનો તો જે ચુકાદો આવવાનો હશે તે આવશે, પણ આવી વાતો ઘણુંખરું બહાર આવતી નથી ને આવે તો તેનો યોગ્ય નિકાલ થતો નથી.
એમ લાગે છે કે ઠેર ઠેર નાની મોટી વાતના દેખાડામાં જ પ્રજા એવી વ્યસ્ત થઈ ગઈ છે કે દેખાડો જ જીવન થઈ ગયું છે. જીવન ઉપરછલ્લું થઈ ગયું છે. લોકો જાણે ઉપર ઉપરથી જ જીવે છે ને ઊંડે ઊતરવાની કે સારું-ખરાબ જોવાની કે તેને લગતું ચિંતન કે ચિંતા કરવાની કોઈને પડી જ ન હોય એમ સૌ વર્તે છે. એક તરફ ટેકનોલોજી માણસ પર રાક્ષસી રીતે સવાર થઈ રહી છે ને બીજી તરફ માણસ વધુને વધુ બેફિકર, બેદરકાર અને બેજવાબદાર થઈ રહ્યો છે. આવામાં પણ એક વર્ગ જીવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. જીવનમાં સફળ થવા માટેની તેની કોઈ કારી ફાવતી નથી ને ચોતરફ અન્યાયનો ભોગ બનવાનું આવે છે. એ વર્ગ નાનો નથી ને સહાનુભૂતિની જરૂર એને છે. એને આંસુ આવે તો છે, પણ તે બતાવી શકતો નથી ને ધારો કે બતાવે તો એ જોવાની કોઈને ફુરસદ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2024