“સોરી! મૈંને જો ભી કિયા હૈ, અપની મરજી સે કિયા હૈ. તો, પ્લીઝ, મેરે દોસ્તો ઓર પેરેન્ટ્સ કો પરેશાન ના કરેં.”
મૈં મેન્ટલી બહોત ડિસ્ટર્બ થા. એક લડકી ને બહોત પરેશાન કિયા. મુજે ઇતના ડિસ્ટર્બ કર દિયા કે નીટ કા મેન્ટલ પ્રેશર ઔર ઇસકા પ્રેશર સબ હદ સે જ્યાદા હો ગયા.”
“આઈ એમ સોરી મમ્મી-પાપા. આપ જૈસે માં-બાપ સબ કો મિલે, જો હંમેશાં સાથ દે. ગલતી મેરી હી થી જો મૈંને આપ કી બાતેં નહીં માની ઔર ચીજો કો અપને ઢંગ સે કરતા રહા.”
“સોરી, મમ્મી-પાપા, પર મૈં કિસી ચીજ કે લાયક નહીં હૂં. આપકા બેટા બહોત લડા લેકિન હાર ગયા. ઇતને પૈસે મુજ પર બરબાદ કરને કે લિયે સોરી, લેકિન મેરા પ્યાર જૂઠા નહીં થા, લડકે સે હુઆ થા લેકિન સચા થા એકદમ.”
“હમ કિતના ભી પઢ લે લેકિન હમારા સિલેકશન નહીં હોગા. લાસ્ટ ઈયર હમને વેસ્ટ કિયા, લેકિન ઇસ બાર હમ હાર્ડવર્ક કર રહે થે બટ, ફિર ભી રિઝલ્ટ નહીં આયા, ઈસલીયે પ્લીઝ હમે માફ કર દીજીયેગા. હમારી હિમ્મત નહીં હોગી આપ લોગો સે નજરે મિલાને કી, ઈસલીયે અપની લાઈફ ખતમ કર રહે હૈ.”
રાજસ્થાનના કોટા શહેરનું નામ તમે સાંભળ્યું હશે. તમને ખબર હશે કે કોટામાં કોચિંગ ક્લાસનો વ્યવસાય જબ્બર ફૂલ્યોફાલ્યો છે. એમાં તમે એ પણ સાંભળ્યું હશે કે ત્યાં ઈજનેરી અને મેડિકલની વિભિન્ન પ્રવેશ પરીક્ષાઓમાં પાસ થવાની આશાએ ભણવા આવતા દેશભરના અનેક વિધાર્થીઓમાં વખતોવખત આત્મહત્યાઓની ઘટના બનતી રહે છે. ઉપર, ગયા વર્ષે આવી જ રીતે આત્મહત્યા કરનારા અમુક વિધાર્થીઓએ મરતાં પહેલાં લખેલી ચિઠ્ઠીઓના અંશ છે.
13મી ફેબ્રુઆરીએ, 12માં ધોરણની સાથે જે.ઇ.ઇ.ની તૈયારી કરી રહેલા એક વિધાર્થીએ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ વર્ષે આ ચોથો કેસ છે. 2023માં, કોટામાં આવી રીતે 29 વિધાર્થીઓને જીવ ગુમાવ્યો હતો. માત્ર સવા વર્ષમાં જ ૩૩ વિધાર્થીઓની આત્મહત્યા થવી એ સામાન્ય સંખ્યા નથી. તેને લઈને દેશમાં ચિંતાનું વાતાવરણ પણ છે.
આ તમામે તમામ આત્મહત્યાનાં મૂળ શોધવા જાવ તો, વ્યક્તિગત રીતે તેમાં તમને અલગ અલગ કારણો મળશે, પણ એ મોટાભાગે ટ્રીગર પોઈન્ટ જેવાં છે. બૃહદ્દ સ્તરે તેમાં મોટું કારણ શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરવાર કરવાનું છે. વિધાર્થીઓ પર તેમની લાયકાત પુરવાર કરવાનું એટલું દબાણ છે કે રોજીંદા જીવનની નાની-મોટી ઘટનાઓ ટ્રીગર પોઈન્ટ બનીને તેમને ‘ટેન્શન-મુક્ત’ થવા તરફ લઇ જાય છે.
તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહેલી વાત યાદ છે? તેમણે પરિવારને ઉદ્દેશીને કહ્યું હતું કે બાળકોનાં રિપોર્ટ કાર્ડને પેરન્ટ્સ તેમનું વિઝિટિંગ કાર્ડ ના બનાવે. વિધાર્થીઓની આત્મહત્યા માટે શૈક્ષણિક સંસ્થાઓને દોષિત ઠેરવવી સહેલી છે, પરંતુ તેમાં સમાજ પણ એટલો જ જવાબદાર છે કારણ કે તેણે ભણવાને અને નોકરીને ઓલેમ્પિકની રેસમાં તબદીલ કરી દીધી છે.
કોટામાં લગભગ 3 લાખ વિધાર્થીઓ રોજના અઢાર અઢાર કલાક ભણે છે એ એક પ્રેશર કૂકર જેવી પરિસ્થિતિ છે. ભારતની 1.4 અબજ વસ્તીના 65% લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે અને દેશના ઇતિહાસમાં પહેલીવાર તેમની વચ્ચે કાતિલ સ્પર્ધા ઊભી થઇ છે. આટલી મોટી યુવા વસ્તી સામે, નોકરીઓ કે રોજગારની તકો ઘણી ઓછી છે, અને એટલે દરેકને બીજા કરતાં તેની લાયકાત વધુ પુરવાર કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે.
જે વિધાર્થીઓ પરીક્ષાઓ ‘ટોપ’ કરે છે તેમનું હીરોને છાજે તેવું સન્માન કરવામાં આવે છે અને જે નિષ્ફળ જાય છે તેમને ઝીરો ગણવામાં આવે છે. ભારતમાં આજે પણ ઘરમાં છોકરો એન્જીનિયર હોય કે ડોકટર હોય તેનો સમાજમાં ‘વટ’ પડે છે અને એટલે જ બહુ બધાં પેરેન્ટ્સ કોટાને સ્વર્ગનો રસ્તો ગણે છે. ભારતમાં વિધાર્થીઓ પર સફળ થવાનું જે ખતરનાક પ્રેશર છે તે દેખાદેખી અને કથિત સામાજિક ઈજ્જતમાંથી આવે છે. છોકરાઓ માટે પરીક્ષાઓમાં ‘જીતવું’ એ જીવન-મરણનો પ્રશ્ન થઇ જાય છે.
કોટાના સ્વર્ગમાં જવાની દોડ 1990ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. વડા પ્રધાનને એકવાર આ શહેરની પ્રશંસા કરીને તેને શિક્ષણનું “નવું કાશી” ગણાવ્યું હતું. અહીં, નવ જેટલી મોટી કોચિંગ સંસ્થાઓમાં સમગ્ર ભારતમાંથી 1.77 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કોચિંગ સંસ્થાઓ શહેરની આર્થિક જીવનરેખા છે, અને તેમાં 4,000 વિદ્યાર્થીઓનાં છાત્રાલયો અને 40,000થી વધુ ગેસ્ટ હાઉસની સુવિધાઓ છે.
ગયા વર્ષે, એક ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોટામાં 10માંથી ચાર વિદ્યાર્થીઓ ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને 10માંથી આઠ વિદ્યાર્થીઓ બેચેની અથવા તણાવમાં છે. તેમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી આવે છે, જેમની પર માતાપિતાની અપેક્ષાઓનો બોજો હોય છે કે તેઓ ડોકટરો અથવા ઇજનેરો બને.
આ પ્રશ્ન કોટા સુધી મર્યાદિત નથી. વિધાર્થીઓમાં તનાવ અને આત્મહત્યા એક રાષ્ટ્રીય મુદ્દો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો 2020માં 12,500થી વધુ કિશોરોએ આત્મહત્યા કરી હતી. તેનો અર્થ એ થયો કે દરરોજ આશરે 34 વિદ્યાર્થીઓ તેમના જીવનનો અંત લાવે છે. આ ભયજનક આંકડા શિક્ષણ અને કારકિર્દીની પસંદગીઓને લગતા સામાજિક ધોરણો અને તેનાથી ઊભા થતા પ્રેશરની વ્યાપક સમસ્યાને પ્રતિબિંબિત કરે છે.
માતાપિતા હંમેશાં તેમના બાળકનું સારું ઇચ્છતાં હોય છે અને સાથે એવી પણ આશા રાખતાં હોય છે કે તેઓ જીવનમાં ખૂબ આગળ વધે, પરંતુ દેખાદેખીમાં અને તેમની ખુદની અધૂરપોના કારણે માતા-પિતા બાળકો પર એટલી બધી અવાસ્તવિક અપેક્ષાઓનું પોટલું મૂકતાં થઇ જાય કે બાળકો ઘણીવાર એમાંથી મુક્ત થઇ શકતાં નથી. આવા કિસ્સાઓમાં, માતા-પિતા માટે હંમેશાં સલાહ છે કે તેઓ બાળકોની વાત સાંભળે અને સમજે કે તેઓ ખરેખર તેમના ઉચ્ચ અભ્યાસ માટે શું કરવા સક્ષમ છે અને શું કરવા સક્ષમ નથી.
2019માં, હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણતા ૨૦ વર્ષના માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સે આત્મહત્યા કરતાં એક ચિઠ્ઠીમાં આ વાતનો પડઘો પાડ્યો હતો. સારા માર્ક્સ નહીં આવે તેવા ડરથી હોસ્ટેલ રૂમના સીલિંગ ફેન પર લટકી જતાં પહેલાં તેણે માતા-પિતા અને દોસ્તોને સંબોધીને, આઠ પાનાની ચિઠ્ઠીમાં લખ્યું હતું, “મારી પાસે નોકરી નથી, કદાચ મળશે પણ નહીં. ના-લાયકને કોઈ કામ પર રાખતું નથી! બીજા સૌની જેમ મને પણ સપનાં હતાં. આ બધી હકારાત્મકતા, સતત હસતા રહેવાનું, લોકોને કહેતા રહેવાનું કે ‘હું ઓકે છું,’ એ જૂઠ છે. હું ઓકે નથી. ઘરથી દૂર બે વર્ષ, શ્રેષ્ઠ ઇન્સ્ટિટયૂટ અને આજુબાજુમાં ઉત્તમ લોકો, મેં બધું વેડફી નાખ્યું. હું તેને લાયક નથી. હું બેકાર છું. તમે બેસ્ટ પેરન્ટ્સ છો, તેના માટે થેંક યુ. હું આવો નાકામ રહ્યો, તેના માટે સોરી.”
આ ચિઠ્ઠી સમાજના ગાલ પર તમાચો છે. આ આત્મહત્યા પરીક્ષામાં ઓછા માર્ક્સની કે નાપાસ થવાની નથી. આ આત્મહત્યા સમાજની નજરોમાં ના-લાયક, નાકામ, નિષ્ફળ હોવાની છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ “સંદેશ”; 25 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર