અૅનિમલ ફાર્મ, લેખક : જ્યૉર્જ ઑરવેલ, અનુવાદ – શરીફા વીજળીવાળા, પાનાં 136, ગૂર્જર પ્રકાશન, 200/-
એક વાડી પરનાં પ્રાણીઓ ક્રાન્તિના માર્ગે માલિકની સત્તાને ઉથલાવીને પોતાનું રાજ્ય સ્થાપે છે. સમાનતાના સિદ્ધાંત પર સ્થપાયેલું આ રાજ્ય અંતે આપખુદશાહીમાં ફેરવાઈ જાય છે.
આ વસ્તુ ગજબના કસબથી અને વ્યથાકારક રીતે પ્રાણીકથા તરીકે રજૂ થયું છે. દેખિતી રીતે, રશિયામાં 1917માં થયેલી સામ્યવાદી ક્રાન્તિની આ રૂપકકથા(1945)ની પ્રસ્તુતતા સર્વકાલીન છે.
અનુવાદકે તેમના બધા અનુવાદોની જેમ અહીં પણ મહેનતથી તૈયાર કરેલી પૂરક વાચન સામગ્રી મૂકી છે. તેમાં એરિક હ્યુજ બ્લેર (1903-50) મૂળ નામધારી બ્રિટિશ લેખક વિશેની ટૂંકી નોંધ ઉપરાંત નવલકથા માટેની ઐતિહાસિક-રાજકીય પાર્શ્વભૂમિ પૂરી પાડતી માહિતી અને ભૂમિકા-લેખ મૂક્યાં છે.
વિખ્યાત ગુજરાતી લેખક-અનુવાદક જયંતિ દલાલે આ નવલકથાનો ‘પશુરાજ્ય’ (1947) નામે અનુવાદ કર્યો છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓ સમાયાંતરે એક કરતાં વધુ સમર્થ અનુવાદકોના હાથે ગુજરાતી ભાષામાં તે આપણી ભાષાની ઉપલબ્ધિ છે. હવે ઑર્વેલની બીજી મહાન નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’ની પ્રતીક્ષા છે.
•
મીઠા જળનો લોટો, લેખક – ઇજ્જતકુમાર ત્રિવેદી, સંપાદક – સુનીતા ઇજ્જતકુમાર, પાનાં 528, પ્રવીણ પ્રકાશન, 750/-
ભાવનગરમાં ઇતિહાસના અધ્યાપક ઇજ્જતકુમાર ત્રિવેદી(1935-2012)ના આ ‘સમગ્ર લઘુકથા સંચય’નું સંપાદન તેમનાં સુપુત્રીએ તર્પણભાવે કર્યું છે.
પુસ્તકની 206 લઘુકથાઓ લેખકના આઠ સંગ્રહોનો એક સાથે મૂકે છે. સંપાદકે તેમાંથી દરેક સંગ્રહ વિશે જાણીતા વિવેચકોએ લખેલા રસદર્શન લેખોને સમાવ્યા છે.
તદુપરાંત, ગુજરાતીમાં લઘુકથાના સમૃદ્ધ સ્વરૂપના પહેલા તબક્કાથી સક્રિય એવા લેખકનો આ સાહિત્યપ્રકાર વિશેનો ખુદનો લેખ પણ અહીં વાંચવા મળે છે. ‘નરસિંહ મહેતાનું પુનરાગમન’,‘લિંકનનાં આંસુ’, ‘વિલિયમ ટેલ’, ‘આર્કિમિડીઝ’, ’રાણો સંગ’, ‘હ્યુ-એન-સંગ’, ‘સિકંદર’,‘શિંખડી’ જેવાં પાત્રોના ઉપયોગથી લખાયેલી કૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે છે. લઘુકથાને વિષય બનાવતી હોય તેવી બે વાર્તાઓ અહીં છે.
વાર્તાકાર માય ડિયર જયુએ ‘ઇજ્જ્તકુમાર એટલે લઘુકથા’ એમ નોંધ્યું છે.
•
સ્મૃતિસંપદા, સંપાદક – રેખા સિંધલ, પાનાં 416, ગુજરાત વિશ્વકોશ ટ્ર્સ્ટ અને અમેરિકામાં ગુર્જરી પબ્લિકેશન, 300/-
‘અમેરિકા નિવાસી ગુજરાતીઓની જીવનગાથા’માં પંદર આત્મકથ્યો છે. તેના લખનારા વિજ્ઞાન, ટેક્નોલૉજિ, વ્યાપારવાણિજ્ય, કૉર્પોરેટ, અધ્યાપન, મેડિસિન, વિશ્વપ્રવાસ જેવાં ક્ષેત્રોનાં છે.
તેમણે અહીં પોતાની જીવનયાત્રાની લાંબી લેખણે દિલ ખોલીને વાત માંડી છે. સંપાદકને પ્રચલિત ડાયાસ્પોરા માટે ‘દ્વિદેશી સાહિત્ય’ સમર્પક શબ્દ લાગે છે. કિશોર દેસાઈએ પુસ્તકના સારરૂપ દીર્ઘ પ્રસ્તાવના લખી છે.
સ્વકથનોનાં લેખકો છે : પ્રીતિ શાહ-સેનગુપ્તા, નટવર ગાંધી, ડૉ. જયંત મહેતા, ડૉ. કમલેશ લુલ્લા, દેવિકા રાહુલ ધ્રુવ, બાબુ સુથાર, ડૉ. દિનેશ ઓ.શાહ, અશોક વિદ્વાંસ, સરયૂ દિલીપ પરીખ, રેખા સિંધલ, ડૉ. ઇન્દુ રમેશ શાહ, મનસુખ વાઘેલા, સપના વિજાપુરા, જગદીશ પટેલ અને અરવિંદ સી. થેકડી. આ ઘણું વાચનીય અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ ધરાવતું પુસ્તક છે.
•
વાતવિસામો, લેખક – અનિલ જોશી, પાનાં 228, Zen Opus, 450/-
વિખ્યાત કવિ અનિલ જોશીના, અમદાવાદ તેમ જ મુંબઈની અખબારી કૉલમોમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા ઢગલાબંધ લેખોમાંથી ચૂંટેલા 101 લેખો અહીં વાંચવા મળે છે.
આ પ્રકારનાં લખાણ માટે જરૂરી વૈવિધ્ય અને કૌશલ્ય અહીં બધે જ જોવા મળે છે. લેખકના રસરુચિ અને મૂલ્યો માટેની સભાનતાની ઝાંકી પણ આ પુસ્તક આપે છે.
•
યોગી અરવિંદ, લેખક – રાજેન્દ્રમોહન ભટનાગર, અનુવાદક – કાશ્યપી મહા, પાનાં 416, ગૂર્જર પ્રકાશન, 600/-
આ હિન્દી ચરિત્રનવલના આરંભે લેખકે તેના સર્જન પૂર્વે અને દરમિયાન તેમને થયેલી ચૈતસિક અનુભૂતિઓનું બયાન આપતો લેખ મૂક્યો છે.
જીવનચરિત્રાત્મક નવલકથાની ખાસિયતો પર લેખકની હથોટી જણાઈ આવે છે. તેમણે મહારાણા પ્રતાપ, વિવેકાનંદ, ગાંધી, આંબેડકર, ઉપરાંત મીરાં, સૂરદાસ અને રૈદાસ પર પણ આ પ્રકારની નવલકથાઓ લખી છે.
પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, 9898762263
[હવેથી મારી કૉલમ પુસ્તકો વિશેની મિતાક્ષરી નોંધ સ્વરૂપે આવશે. લેખકો / પ્રકાશકોને વિનંતી કે કૉલમ માટેના પુસ્તકો માત્ર અખબાર પર જ મોકલે. સરનામું : ‘ભાસ્કર હાઉસ’, મકરબા, ટોયોટા શો રૂમની બાજુમાં, એસ.જી. હાઇવે, અમદાવાદ]
25 ફેબ્રુઆરી 2024
[25 ફેબ્રુઆરી 2024ના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલી મારી કૉલમ, પ્રકાશકોનાં નામના ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર