સજ્જનો અને સન્નારીઓ, ગરીબો અને અમીરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વધેલાઘટેલા સૌને નમસ્કાર …
શું છે કે આ લેખ કાલ્પનિક છે અને એ પાઘડીના માપનું માથું કોઈએ ન કરવા બે હાથ જોડીને કરબદ્ધ અને બે પગ જોડીને પગબદ્ધ પ્રાર્થના છે. અમને ક્યારેક શિક્ષણ વિષયક હાર્ટએટેક આવે છે ને અમે તે હાર્ટલેસલી મૂકીએ છીએ. આજે પણ એવા જ થોડા વિચાર શેર કરવા છે. આશા છે તેને સૌ, સમજ હોય તો સમજીને અને વિચાર હોય તો વિચારીને જોશે.
શું છે કે વિદેશની શિક્ષણ નીતિ કે અનીતિ વિષે અમને બહુ ખબર નથી, પણ ત્યાં વિદ્યાર્થીઓની બહુ દયા ખાતા નથી, જ્યારે આપણે તો પશુઓની પણ દયા ખાઈએ છીએ. એવામાં અમને વિદ્યાર્થીઓની દયા પર દયા આવ્યા કરે તો શી નવાઈ? અમને જાણ છે કે વિદ્યાર્થીઓ પર શિક્ષકો હાથપગ ઉપાડે છે, એટલે વર્ગમાં શિક્ષકો જ ઘટતા જાય એની અમે હોલસેલમાં ફિકર કરીએ છીએ. શિક્ષકો કાયમી કરવા જ નહીં કે તેમને પગાર કે પેન્શન આપવાની જફામાં પડવું પડે. ટૂંકમાં, શિક્ષકો વર્ગમાં જાય જ નહીં ને પરિપત્રો કે પત્રકોમાં જ વ્યસ્ત રહે તેવી તજવીજ ચાલુ છે. અમારો પ્રયત્ન ટીચરલેસ સ્કૂલોનો છે. એમ થશે તો કોઈ વિદ્યાર્થીને આંગળી અડાડવાનો સવાલ જ ઊભો નહીં થાય. આમ પણ વિદ્યાર્થીઓ હવે એટલા હોંશિયાર છે કે વર્ગમાં ભણવા /ભણાવવાનું ખાસ રહેતું જ નથી. તેઓ કોચિંગ ક્લાસમાં એટલું શીખે છે કે સ્કૂલમાં હાજરી પુરાવે તો ય ઘણું છે. વર્ગમાં ભણાવવાનું રહેતું નથી, એટલે શિક્ષકો પરીક્ષા કે પેપર તપાસવા પૂરતા જ રાખીએ છીએ. સાધારણ રીતે એક જમાનામાં નવા નવા પાઠ પાઠ્યપુસ્તકોમાં ઉમેરવામાં આવતા, પણ હવે સ્મોલ ઈઝ બ્યુટીફુલનો જમાનો છે, એટલે ટેક્સ્ટ બુકમાં આગલું-પાછલું પૂંઠું જ રહી જાય તો પણ ચિંતા નથી. વિદ્યાર્થીને શું નથી ભણવાનું એટલી ખબર પડે તો ય ઘણું છે.
શું છે કે શિક્ષકો, વર્ગશિક્ષણ આ બધું હવે આઉટડેટેડ છે. હવે નીતિઓ બદલાઈ છે ને એટલી બદલાઈ છે કે અનીતિને અડી આવે તો પણ ખબર ન પડે. વેલ, ફી ઓનલાઈન જમા થઈ શકતી હોય તો વિદ્યાર્થીઓને વર્ગ સુધી ઘસડવાની જરૂર નથી. વર્ગ હવે સ્વર્ગ નથી, તે સ્વર્ગ માટે જ અનામત રાખીએ. ખરેખર તો વિદ્યાર્થીઓને છૂટા છોડી મૂકવા જોઈએ, જેથી તેઓ રખડી પડે. આઈ મીન રખડશે તો શીખશે. આમ પણ એણે નોકરી માટે ભવિષ્યમાં રખડવાનું જ છે, તો એની ટેવ વિદ્યાર્થી અવસ્થાથી જ પડે એ જરૂરી છે, છતાં સ્કૂલ કે વર્ગ કે વિદ્યાર્થી કે શિક્ષણ કે પરીક્ષણના જેને અભરખા છે તે ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIથી આખી સ્કૂલ ઉપજાવી લે, અમને વાંધો નથી, પણ જે સજીવ છે એને રખડીને અનુભવ લેવા દો. હવે કોઈને ક્રિએટિવ બનાવવાની જરૂર નથી. કવિતા જો AI સારી રીતે કરે એમ હોય તો આપણે મગજ ખપાવવાની જરૂર ખરી? આમે ય ભેજું ઓછું હોય ત્યાં ઘસારો શું કામ વેઠવો? ભાવિ યુદ્ધો હવે AI લડશે, આપણે તો બંકરોમાં કેમ સંતાવું એ જ શીખવાની જરૂર છે. એવું ન થાય કે આખું આર્ટિફિશિયલ જગત ડેવેલપ થઈ જાય ને માણસો જડે જ નહીં !
શું છે કે ઘણા વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં એટલા રોકાયેલા હોય છે કે પુસ્તકો જ ઉઘાડી શકતા નથી. વિદ્યાર્થીઓ ભણે કે ન ભણે, શિક્ષકો ભણાવે કે ન ભણાવે, પણ પરીક્ષા તો હોય જ છે. હવે પિરયડ્સ પણ ભાગ્યે જ લેવાય છે, એટલે તેનું તો નહીં, પણ પરીક્ષાનું ટાઈમટેબલ તો જાહેર કરવું જ પડે છે. એ જુદી વાત છે કે ગણિતની પરીક્ષામાં ગુજરાતીનું પેપર અપાઈ જાય ને વિદ્યાર્થી પણ ગણિતના દાખલાને બદલે અખાના છપ્પા કે ડખાના ગપ્પાં મારી આવે ને પાસ થઈ જાય. કાયદામાં એવું છે કે સો ગુનેગાર નિર્દોષ છૂટે તેનો વાંધો નહીં, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ, એ જ રીતે પરીક્ષામાં સો ડફોળ પાસ થાય તેનો વાંધો નહીં, પણ એક હોંશિયાર નાપાસ ન થવો જોઈએ, એટલે અમે પરીક્ષાઓ બને એટલી સહેલી રાખવા માંડી છે. તે એ હદે કે પરીક્ષામાં વિદ્યાર્થી પુસ્તક લઈને બેસે તેવી વ્યવસ્થા પણ વિચારી રહ્યા છે. કૈં નહીં તો વિદ્યાર્થી પરીક્ષા હોલમાં પુસ્તક ખોલે ને પુસ્તક કયા વિષયનું છે એટલી ખબર, આડે દહાડે નહીં, તો પરીક્ષા ખંડમાં પણ પડે તે ઓછું છે? એ ખરું કે આજની પરીક્ષા યાદશક્તિની પરીક્ષા છે. આમ તો યાદશક્તિની જરૂર પરીક્ષામાં જ પડતી હોય છે, બાકી, ન હોય તો ચાલે. ખરેખર તો યાદ રાખે એવા વિદ્યાર્થીઓની જરૂર જ નથી. યાદ રાખે તો ઉપદ્રવ કરેને ! યાદ રહેવાને કારણે જ તો શિક્ષકો જૂનાં પેન્શન ને કાયમી ભરતીની વાત કરે છે. એમની યાદશક્તિની કસોટી ન થઈ હોત તો એમણે આવી માંગણીઓ કરી હોત? ભાવિ યુવકો પણ કોઈ માંગણી ન કરે એટલી જ યાદશક્તિ એમની વિકસાવવી. એથી વધુ યાદશક્તિ, કોઈ પણ સત્તા માટે જોખમી છે. ..
શું છે કે વિદ્યાર્થીઓ મોબાઇલમાં, સોશિયલ મીડિયામાં, લાઇક્સમાં, મેસેજ આપવા-મોકલવામાં, ઓ.ટી.ટી. પર ફિલ્મો જોવામાં, કોચિંગ ક્લાસમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને પરીક્ષા આપવાનું સખત ટેન્શન હોય છે. ઘણા તો પરીક્ષાનાં ટેન્શનને લઈને આપઘાત કરવા સુધી પહોંચે છે. એવું ન થાય એટલે હવે વાલીઓ બાળકોની પરીક્ષા માટે રજા લે છે ને પરીક્ષા માટેનાં કાપલાં બનાવી કાઢે છે. એ કાપલાં બનાવવા પણ વાંચવું તો પડે જ ! તે એ બિચારા રાતદા’ડો ઉજાગરા કરીને કોર્સ પૂરો કરે છે. પણ, પરીક્ષામાં ચોપડી લઈને બેસવાની છૂટ આપીશું, તો કાપલાં બનાવવાની જ જરૂર નહીં રહે.
શું છે કે પરીક્ષા તો નાબૂદ થઈ શકે એમ નથી, પણ પરીક્ષા, પિકનિક બની રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. એમ થશે તો પરીક્ષાનો હાઉ જ નહીં રહે ને વિદ્યાર્થીઓ પાર્લરમાં આવતા હોય એમ આવી શકશે. વિચાર તો એવો છે કે વિદ્યાર્થીને પરીક્ષા ખંડ સુધી જ ન દોડાવવા. એને બદલે શિક્ષકોને જ વિદ્યાર્થીઓના ઘરે મોકલવા. આમ પણ રસી માટે, વસ્તી ગણતરી માટે, ચૂંટણી માટે શિક્ષકો ઘરે ઘરે રખડે જ છે, તો પરીક્ષા માટે જાય એમાં કૈં ખોટું નથી.
શું છે કે અમે વિદ્યાર્થીઓનું પાર્ટિસિપેશન ઈચ્છીએ છીએ, તે એવું કે એ જ સિલેબસ નક્કી કરે ને એ ઈચ્છે એટલા જ પાઠ કોર્સમાં હોય. એને ટાઈમ હોય તો એ જ પરીક્ષાનું પેપર સેટ કરે ને આવડતું હોય તો એ જ પેપર લખે ને ચેક પણ કરે. કોઈને તો ઠીક, પણ પોતાને પણ નાપાસ કરવાની નોટ સત્તા ! સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી નાપાસ થાય તો ચાલશે, પણ વિદ્યાર્થી નાપાસ ન થવો જોઈએ. હવેથી ઝીરો માર્કસે પણ પાસ કરવાનો પરિપત્ર બહાર પાડવાના છીએ. વિદ્યાર્થીઓ હશે તો આપણે હોઈશું. એ બધા પરદેશ ભણશે તો અહીં કયા કાકાને ભણાવવાના હતા? હવે એવી યોજના લાવવાનો વિચાર છે કે વિદ્યાર્થી અહીં પાસ તો થાય જ, પણ એટલો પાસ ન થાય કે વિદેશમાં એડમિશન મળી જાય. બીજું કૈં નહીં તો રેલીમાં, સભામાં કે સરઘસમાં ટોળું તો જોઇશેને? એ જ નહીં હોય તો સંતો ને ઘંટો. ઉપદેશ, ગાયકૂતરાંને આપવાના હતા?
શું છે કે હવે શિક્ષક જ ફોન કરીને વિદ્યાર્થીને પૂછી લેશે કે પરીક્ષા આપવાનો ટાઈમ છે? એ ‘હા’ કહે તો પરીક્ષા લેવા જવું. ધારો કે ચાલુ પરીક્ષાએ માનનીય વિદ્યાર્થીને કૈં કામ આવી પડ્યું, તો શિક્ષકે તેની બહુ રાહ ન જોવી ને ઘરમાંથી જ કોઈ રાઇટર શોધી કાઢવો ને તેની પાસે લખાવવું અથવા શિક્ષકે જાતે જ આવડતું હોય તો જવાબો લખી કાઢવા. થોડું મોડુંવહેલું થાય તો ઉત્તરવહી ખેંચી ન લેવી. વિદ્યાર્થી રહી જાય તો ચાલે, પણ તેનું લખવાનું રહી ન જાય તે જોવું. જો વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં હાજર રહી પરીક્ષા આપવા રાજી હોય તો તેમને બે પરીક્ષા વચ્ચે એક દિવસ, મેસેજિસ કે કોમેન્ટ્સ તેમના ગ્રૂપમાં મૂકવા માટે કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે સમય ગાળવા રજા આપવી. અમે ઈચ્છીએ છીએ કે પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીને ન રહે એવું વાતાવરણ ઊભું થાય. પરીક્ષા પછી વિદ્યાર્થી પેપર તપાસવા તૈયાર થાય તેમ કરવું, તૈયાર ન થાય તો પેપર વિદ્યાર્થીની અનુમતિ લઈ શિક્ષકે તપાસવું અને તેને પૂછીને માર્કસ મૂકવા ને ધ્યાન રાખવું કે કોઈ રીતે પણ તે નાપાસ ન થાય. યાદ રાખો કે નાપાસ થયેલાઓએ ને નહીં ભણેલાઓએ જ દેશને બાનમાં લીધો છે. એ લોકો તાનમાં રહે ને ભણેલાઓ તાણમાં રહે એ જ આજની વાસ્તવિકતા છે. એ ચાલુ રહે એમ તમે ઈચ્છો છો?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ફેબ્રુઆરી 2024