ગુજરાતી છાપાંઓને તો આવા સમાચારોમાં રસ ક્યાંથી પડે?
પણ થોડા દિવસ પહેલાં અંગ્રેજી છાપામાં ય ખૂણેખાંચરે એક સમાચાર છપાયા હતા. મેંગલોર ખાતે વર્લ્ડ કોંકણી સેન્ટરની એક બેઠક મળી હતી. તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોંકણી ભાષામાં પ્રગટ થયેલાં બધાં પુસ્તકો એકઠાં કરવાં અને તેમને સ્કેન કરીને ડીજિટલ ફોર્મમાં મૂકવાં, જેથી હવે પછીની પેઢીઓ માટે આ ગ્રંથભંડાર સચવાઈ રહે. કર્ણાટક, ગોઆ, અને કેરળમાંથી આવેલા કોંકણી ભાષાના લેખકો, વિદ્વાનો અને સંશોધકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
અલબત્ત, આવાં કામ તબક્કાવાર જ કરવાં પડે. એટલે સૌથી પહેલાં મૌખિક સાહિત્યને લિખિત રૂપે રજૂ કરતાં પુસ્તકો (એટલે કે સાદી ભાષામાં કહેવું હોય તો લોકસાહિત્યનાં પુસ્તકો, પ્રાચીન ગ્રંથોને આધારે લખાયેલા ગ્રંથો, છેલ્લાં એક સો વર્ષમાં પ્રગટ થયેલાં અને ‘ક્લાસિક’નો દરજ્જો પામેલાં પુસ્તકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. આ દિશામાં કેન્દ્ર સરકાર પણ કામ કરવાની છે, પણ તેની રાહ જોયા વગર આ સંસ્થાએ પોતે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. બીજો મહત્ત્વનો નિર્ણય એ લીધો છે કે આ બધાં પુસ્તકોને માત્ર ડીજિટલ સ્વરૂપે જ ન સાચવતાં તેની સાથોસાથ ‘વોઈસ-ઓવર’ ટેકનિકનો પણ ઉપયોગ થશે. એટલે કે એ પુસ્તકો માત્ર વાંચી જ નહિ શકાય, સાથોસાથ સાંભળી પણ શકાશે. (આ ટેકનિકમાં માનવ-અવાજમાં રેકોર્ડીંગ કરવાની જરૂર નથી હોતી. કમ્પ્યુટરના સ્ક્રીન પર જે લખાણ હોય તે સોફ્ટવેરની મદદથી સાંભળી શકાય. આમ કરવું એટલા માટે જરૂરી છે કે અત્યારે કોંકણી ભાષા એક નહિ પણ ચાર જુદી જુદી લિપિમાં લખ્યા-છપાય છે : દેવનાગરી, કન્નડ, મલયાલમ, અને રોમન. પણ તેને પરિણામે ભાષા એક જ હોવા છતાં બધા કોંકણીભાષીઓ બધાં કોંકણી પુસ્તકો વાંચી શકતા નથી. વોઈસ-ઓવરને પ્રતાપે આ મુશ્કેલી દૂર થશે. ઉપરાંત અંધ જનો, બાળકો, નિરક્ષર લોકો વગેરેને પણ આ સગવડથી લાભ થશે.
છેલ્લા કેટલાક દાયકાથી જ કોંકણી ભાષા ઠરીઠામ થઈ છે. આજે તો તે ગોઆની રાજ્યભાષા છે, પણ અગાઉ પોર્તુગીઝ શાસન દરમ્યાન કોંકણી ભાષાને દબાવી દેવાના વ્યવસ્થિત પ્રયત્નો સરકારી રાહે થયા હતા. બાકીના દેશ કરતાં ગોઆને આઝાદી મોડી મળી. તે પછી કેટલાંક વર્ષો મરાઠી ભાષા સાથે ઝગડો ચાલ્યો. તે વખતે મરાઠીભાષીઓ કોંકણીને અલગ ભાષા તરીકે જ સ્વીકારવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે કોંકણી તો મરાઠીની એક બોલી છે. આની પાછળનું એક કારણ એ હતું કે જો આ વાત સ્વીકારાય તો ગોઆ મહારાષ્ટ્રનો ભાગ બને. પણ પહેલાં દિલ્હીની સાહિત્ય અકાદેમીએ અને પછી દેશના બંધારણે કોંકણીને અલગ ભાષાનો દરજ્જો આપ્યો. બીજો ઝગડો ચાલ્યો લિપિ અંગેનો. ચારે લિપિવાળાઓ પોતપોતાની તરફ આ ભાષાને ખેંચવા માગતા હતા. પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો તે પછી રોમન લિપિમાં કોંકણી લખવાનું તો ઘણું ઓછું થઇ ગયું. પણ બાકીની લિપિઓ ચાલુ રહી. દેવનાગરી જ તેની સત્તાવાર લિપિ હોવી જોઈએ એવી માંગ ઊઠતી રહે છે, પણ લોકો આજે પણ જુદી જુદી લિપિ વાપરે છે. મરાઠી કે ગુજરાતીની સરખામણીમાં કોંકણીમાં પુસ્તકો, છાપાં, સામયિકો, વગેરે ઘણી ઓછી સંખ્યામાં પ્રગટ થાય છે. અને આમ થાય એ સ્વાભાવિક છે, કારણ કોંકણી બોલનારાઓની સંખ્યા આજે પણ પચ્ચીસ લાખ કરતાં વધારે નથી. આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે હવે કોંકણી ભાષા પગભર થઈ છે. અને તે આવતી કાલનો વિચાર કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તત્પર થઈ છે.
પણ ખરી મજાની વાત તો હવે આવે છે. મેંગલોરમાં જે બેઠક મળી તેના પ્રમુખસ્થાને કોણ હતું? જાણીતા ઉદ્યોગપતિ અને આઈટી નિષ્ણાત ટી.વી. મોહનદાસ પાઈ. અને જે યોજના ઘડાઈ છે તેમાં તેમનો મોટો આર્થિક ટેકો પણ રહેવાનો છે. હા, આપણા કેટલાક દાઢીવાળા ખેરખાંઓ ચીસ પાડશે : ભાષા-સાહિત્યના કામમાં તે વળી ઉદ્યોગપતિનું શું કામ? ભાષા અને સાહિત્ય માટે શું સારું, શું નરસું, શું કરવું, શું ન કરવું એ નક્કી કરવાવાળા અમે બેઠા નથી, તે ઉદ્યોગપતિઓના ખોળામાં બેસવાનું? પણ જરા વિચાર કરો.
ફોર્બ્સની યાદી પ્રમાણે ભારતના ટોચના દસ ધનવાનોમાંથી પાંચ ગુજરાતી છે. આ પાંચે સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, મંદિરો બંધાવે છે, તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પણ ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કોઈએ એક પણ નક્કર કામ કર્યું? કોઈએ નવી લાયબ્રેરી ઊભી કરી? અરે, નવીની વાત જવા દો, કોઈ લાયબ્રેરીને દત્તક લીધી? ગુજરાતી પુસ્તકો, સામયિકો વેચવા માટેની સગવડ પોતાનાં વેચાણ-કેન્દ્રો પર આપી? હા, જલસા જેવા સાહિત્યના કે સંગીતના કાર્યક્રમો માટે પૈસા આપે, સુવિનરોમાં કે સામયિકોમાં જાહેર ખબરના ટુકડા ફેંકે, પણ ભાષા કે સાહિત્યનું નક્કર કામ કરવામાં કોઈએ ક્યારે ય રસ લીધો? કેમ? બધો વાંક એમનો નથી. ‘ભાષા-સાહિત્યવાળાઓ’નો પણ છે.
ગુજરાતીને કોઈ મોહનદાસ પાઈ મળશે? ક્યારે? કોંકણી કરે તે આપણે કેમ ન કરી શકીએ?
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014