કાશ્મીરમાં હિંદુ પંડિતો પર થયેલો અત્યાચાર, દિલ્હીમાં શીખો પર થયેલો અત્યાચાર, ગુજરાતમાં મુસ્લિમો પર થયેલો અત્યાચાર અને આવા બીજા બધા જ અત્યાચારોને એકબીજાની સામે મૂકીને, તેમના સામસામા છેદ ઉડાડી શકાય નહીં.
એક અત્યાચારની વાત થાય ત્યારે, નાગરિક તરીકે આપણે તેની સામે બીજા અત્યાચારનું પત્તું ઉતરીને, પહેલા અત્યાચારને નકારી શકીએ નહીં.
જેમ કે, કોઈ કાશ્મીરની વાત કરે ત્યારે 'તમે ૨૦૦૨માં ક્યાં હતા?’ અને કોઈ ૨૦૦૨ની વાત કરે ત્યારે 'તમે પંજાબમાં ક્યાં હતા?’ એવું નાગરિકો તરીકે ન પૂછાય. એ ધંધો રાજકીય પક્ષોનો છે, કારણ કે તેમને ન્યાય અપાવવામાં નહીં, મત અંકે કરવામાં રસ હોય છે.
નાગરિકો પર સામૂહિક કે સામુદાયિક ધોરણે થયેલા અત્યાચારના કિસ્સામાં ન્યાયની માગણી માટે, તમામ ન્યાયપ્રેમી નાગરિક સમુદાયોએ હાથ મિલાવવા પડે. બધા લોકો દરેક વખતે સક્રિય કે બોલકું સમર્થન આપી ન શકે તો કમ સે કમ, મૂક સમર્થન તો આપી જ શકે. તેની પાછળનો આશય એટલો કે કોઈ અત્યાચારને ઢાંકવા માટે બીજા અત્યાચારોનો ઉપયોગ ન થાય.
***
જુદા જુદા પ્રકારના અત્યાચારનો વિરોધ કરનારા પંજા લડાવવાને બદલે હાથ મિલાવે તો?
હું કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ એ વાતમાં સંપૂર્ણપણે સંમત છું અને તે માટે બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને તેમની નિષ્ફળતાઓ પછી મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું.
હું ૨૦૦૨માં જે લોકોની હત્યા થઈ તેમના માટે ન્યાયની માગણીમાં સામેલ છું. અને તે માટે તત્કાલીન રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ત્યાર પછીની બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું. (આ બે પ્રસંગ તો જાણીતાં ઉદાહરણ તરીકે.)
મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે કાશ્મીરી પંડિતો માટે ન્યાય માગનારા આખી વાતમાં ભા.જ.પ.ની ભૂમિકા, જવાબદારી અને નિષ્ક્રિયતા પ્રત્યે આંખ આડા કાન કરે. ૨૦૦૨ માટે ન્યાય માગનારા કાઁગ્રેસની ભૂમિકા, જવાબદારીની અને નિષ્ક્રિયતા બાજુ પર રાખીને જ વાત કરવા ઇચ્છે.
આ લક્ષણ ન્યાયપ્રિય નાગરિકોનાં નહીં, પક્ષના 'વફાદાર’ કાર્યકરોનાં અથવા આખી કરુણતાની રાજકીય કે બીજી રીતે રોકડી કરી લેનારાનાં છે. (અહીં વફાદારનું વિશેષણ હકારાત્મક અર્થમાં નથી.) એવા અભિગમથી પીડિતોને ન્યાય નથી મળતો, પણ તેમની પીડાનો વેપાર થઈ જાય છે.
***
સામુદાયિક અત્યાચાર દર્શાવતી ફિલ્મોની વાત આવે ત્યારે, તે ફિલ્મ બનાવનારનો આશય શો છે, તે સૌથી અગત્યનું છે. આશય ફિલ્મ પરથી નક્કી કરી શકાય છે. દા.ત.
– સંવેદન જગાડતી ફિલ્મ : તેનો આશય દર્શકોને એક પ્રકારનો અત્યાચાર બતાવીને, એવા તમામ પ્રકારના અત્યાચારો સામે લોકોને સંવેદનશીલ બનાવવાનો હોઈ શકે. તેવી ફિલ્મ તમામ પ્રકારના અત્યાચારો સામે મક્કમતાથી લડવાની પ્રેરણા આપી શકે. 'શિન્ડલર્સ લિસ્ટ’ આવી એક ફિલ્મ છે, જેમાં ક્રૂરતમ વાતાવરણમાં પણ બે સમુદાયોને બ્લૅક ઍન્ડ વ્હાઇટમાં વહેંચી દેવાયા નથી. તે ફિલ્મમાં બધેબધા યહૂદી પીડિત નથી અને બધા જર્મન વિલન નથી. સંવેદના જગાડવા માટે બનાવાયેલી ફિલ્મની એ ખાસિયત હોય છે.
– દસ્તાવેજીકરણ ધરાવતી ફિલ્મ : તેમાં અન્યાય સામે ન્યાયની લડત જીવંત રાખવા માટે ઘટનાઓનું યથાતથ આલેખન કરાયું હોય છે. આખા ઘટનાક્રમનાં શક્ય એટલાં વધુ પાસાં રજૂ કરવામાં આવે છે. રજનીશ વિશેની સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ’ (નેટફ્લિક્સ) તેનું ઉત્તમ ઉદાહરણ છે.
– ધિક્કારકેન્દ્રી ફિલ્મ : કેટલાક મુસલમાન ધર્મગુરુઓ મુસલમાનવિરોધી હિંસાનાં ચુનંદાં દૃશ્યોનો ઉપયોગ મુસલમાન યુવાનોને તમામ હિંદુઓ સામે ઉશ્કેરવા માટે કરતા હોવાનું જાણ્યું છે. એવી જ રીતે, હિંદુવિરોધી હિંસાનાં દૃશ્યો બતાવીને હિંદુઓને બધા મુસલમાનો સામે ઉશ્કેરવાનો ધંધો પણ થાય છે. આ પ્રકારની ફિલ્મોનો આશય ન્યાયનો કે દસ્તાવેજીકરણનો નહીં, ધાર્મિક કે રાજકીય નેતાગીરીના લાભાર્થે સમાજમાં ધિક્કારની બોલબાલા કરવાનો હોય છે. આવી ફિલ્મ બનાવનારા દાવો તો પહેલા બે પ્રકારનો કરે છે, પણ તે પ્રકારોની મૂળભૂત શરતોનું તેમાં પાલન થતું નથી. આવી ફિલ્મોનો આશય ઘાની દવા કરવાનો નહીં, ઘા વકરાવવાનો હોય છે, જેથી રાજકીય, ધાર્મિક અને આર્થિક સહિતનાં અનેક સ્થાપિત હિતોનું કામ થઈ જાય.
***
વિશ્લેષણ માટે 'કાશ્મીર ફાઇલ્સ’ ને કોઈ અલગ નિયમ કે માપદંડથી માપવાની જરૂર નથી. ઉપર જણાવેલા સામાન્ય નિયમો પૂરતા છે.
E-mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 05