પ્રેમાળ મિત્ર નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા.
સવારે કેતનભાઈ મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.
ને સાંજે ટૂંકો સંદેશોઃ નીલેશભાઈ ગયા.
1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.
તેમને પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માંની પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં સિગારેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.
તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નીલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ. લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં. છૂટથી મસ્તીમજાક કરે ને ખૂલીને હસે.
‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તક માટે નીલેશભાઈ પાસેથી 1995ના અરસાનો ફોટો મંગાવ્યો ત્યારે તેમણે બે-ત્રણ ફોટા મોકલ્યા હતા. તેમાંનો આ ફોટો મારા મનમાં રહેલી તેમની એ અરસાની છબીની સૌથી નજીકનો હતો.
ત્યારે હું તો પત્રકારત્વમાં સાવ નવો. અનુભવ શૂન્ય. પહેલી મુલાકાત નીલેશભાઈ સાથે થઈ ને પહેલા જ દિવસથી તેમણે સિનિયોરિટીના કડપને બદલે પ્રેમાળ મિત્ર તરીકે અપનાવી લીધો. અમારું બેસવાનું ક્યુબિકલ એક જ. પણ તેમને એવું ન થયું કે આ ક્યાં આવી પડ્યો. ઊલટું, જોડાયા પછી તરતના અરસામાં કાર્ટૂન વિશેની મારી કવર સ્ટોરી જોઈને તેમણે કહ્યું, ‘મેડ મેગેઝીન વિશે ખ્યાલ છે?’ મેં ના પાડી, એટલે તેમણે ટેબલના ખાનામાંથી એક અંક કાઢીને મને આપ્યો, રાખી લેવા માટે. ત્યારથી ‘મેડ’ સાથેનું ગાઢ પ્રેમપ્રકરણ શરૂ થયું.
‘અભિયાન’માં તેમની પાસેથી – તેમને જોઈને હું ડેસ્ક કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ. થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નીલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની) દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નીલેશભાઈને વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપને ય ક્યાંથી વિચાર્યું હોય.
મહેમદાવાદના ઘરે (ડાબેથી) ઉર્વીશ, નીલેશ રૂપાપરા, દીપક સોલિયા, રમેશ ઓઝા, બીરેન કોઠારી (મે 2016) : વિચારધારાના મતભેદો એની જગ્યાએ, પણ દોસ્તી એના કરતાં બહુ ઊંચી છે.
તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું, ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને ટી.વી. સીરિયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ(સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે.)
અસલમ પરવેઝ સાથે નીલેશભાઈની જોડી બની. ‘લેખકઃ અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતરઃ નીલેશ રૂપાપરા’ – એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું.
તેમની લેખનક્ષમતા અને ભાષાસજ્જતા વિશે મારા મનમાં બહુ આદર હતો. તે પોતે પણ એ બાબત વિશે સભાન અને સજાગ હતા. 2006-07માં છ મહિના માટે એક એવો સોનેરી યોગ બની આવ્યો, જ્યારે આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી બન્યા, હું ત્યાં રોજ ચાર કલાક ‘ઓપ-એડ’ પેજના કામ માટે જતો હતો અને દીપક સોલિયા ‘આહા જિંદગી’ સામયિકના સંપાદક ઉપરાંત પૂર્તિઓના સંપાદક તરીકે મુંબઈથી અમદાવાદ આવ્યા. તે વખતે અમે કેટલીક પૂર્તિઓ નવેસરથી કરવાનું વિચાર્યું. તેમાં રવિવારની પૂર્તિ માટે અમે નીલેશભાઈ પાસે એક નવલકથા લખાવવાનું નક્કી કર્યું. દીપકને ખબર હતી કે નીલેશભાઈ પાસે કોઈ આઇડિયા છે. તેમની સાથે વાતચીત કર્યા પછી નીલેશભાઈએ નવલકથાનું બેકગ્રાઉન્ડ અને તેનાં બે પ્રકરણ મોકલ્યાં. એ નવલકથા કેવી થશે અથવા કેવી થાય એવું તે ઇચ્છે છે, તેના માટે નીલેશભાઈએ આપેલું વન લાઇનર હતું, ‘અશ્વિની ભટ્ટનો પ્લોટ, મધુ રાયની ભાષા’.
અખબારી દુનિયામાં ઘણીખરી સારી બાબતોનું થાય છે તેમ, ન આ નવલકથા શરૂ થઈ શકી, ન નવા અંદાજવાળી પૂર્તિઓ. છેવટે, એકાદ દાયકા પછી એ નવલકથા અમે સ્થાપેલા ‘સાર્થક પ્રકાશન’માં ‘છલનાયક’ નામે પ્રગટ થઈ, ત્યારે એક વર્તુળ પૂરું થયાનો આનંદ આવ્યો. ‘સાર્થક જલસો’માં એક વાર તેમણે માતૃભાષા વિશે અને ‘સાર્થક જલસો-18’માં ‘સમકાલીન’ તથા હસમુખ ગાંધી વિશે પ્રેમથી લખી આપ્યું હતું.
રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મીડિયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.
થોડાં વર્ષ પહેલાં એક વાર હું મુંબઈ ગયો ત્યારે દીપક, નીલેશભાઈ અને હું ચહીને અમારા ‘અભિયાન’ સમયના બાર ‘સંધ્યા’માં સંભારણાં ખાતર ગયા હતા. તે પહેલાં અને પછી પણ તેમને ક્યારેક મળવાનું થતું હતું. પરંતુ મારા માટે એ ‘અભિયાન’વાળા નીલેશભાઈ હતા અને તેમના માટે હું એ જ ઉર્વીશ. તેમનો મિત્રપ્રેમ એવો કે મારી હાસ્યવ્યંગ વીડિયોના 100 ભાગ થયા ત્યારે, તે વીડિયોની સામગ્રી તેમની વિચારધારાથી સાવ સામા છેડાની હોવા છતાં, તેમણે લખ્યું કે મિત્રની સેન્ચુરી થાય ત્યારે આનંદ તો થાય જ, ભલે તે સામેની ટીમમાંથી રમતો હોય. તેમની આ બાબત તેમને બીજા ઘણા લોકો કરતાં જુદા અને ઊંચા બનાવતી હતી.
તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.
“(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટી.વી.લેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું.) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી … જો કે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું … પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમને ય લખતાં આવડે છે … છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં Koenraad Elstનું પુસ્તક Negationism in India: Concealing the Record of Islam વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજે ય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો.” (19 એપ્રિલ 2018)
‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થૅન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં … અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું … ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ …’ (12 જુલાઇ, 2023)
નીલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો …
*
સૌજન્ય : આ લખાણની તસવીરો સાથેની લિન્કઃ https://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post…