આજે
નગેન્દ્ર વિજય
‘ફ્લેશ’, ‘સ્કોપ’ અને અત્યારે ‘સફારી’ના તંત્રી. ગુજરાતીઓની બે-ત્રણ પેઢીને
જ્ઞાનવિજ્ઞાનનું સમૃદ્ધ વાચન પૂરૂં પાડનાર ભેખધારી પત્રકાર – લેખક નગેન્દ્ર વિજય
વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો –
આજે
નગેન્દ્ર વિજય
‘ફ્લેશ’, ‘સ્કોપ’ અને અત્યારે ‘સફારી’ના તંત્રી. ગુજરાતીઓની બે-ત્રણ પેઢીને
જ્ઞાનવિજ્ઞાનનું સમૃદ્ધ વાચન પૂરૂં પાડનાર ભેખધારી પત્રકાર – લેખક નગેન્દ્ર વિજય
વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો –
થોડા વખત પહેલાં પદ્મપુરસ્કાર એનાયત કરવાના સમારંભનો ભાગ બીજો યોજાઇ ગયો. હવે દેશનાં મંત્રીમંડળોની જેમ પદ્મપુરસ્કૃતોની સંખ્યા એટલી વધી ગઇ છે કે જનરલ નોલેજમાં તેમનાં નામ ગોખાતાં નથી. કેટકેટલાં યાદ રાખવાં! જેને પૂરતા પ્રમાણમાં જાહેરખબરો મળતી હોય એવાં છાપાં પુરસ્કારવિજેતાઓની આખી યાદી સુદ્ધાં છાપતાં નથી. આ એક વાત.
બીજી અને મુખ્ય વાતઃ ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને દિલ્હીના સમારંભમાં ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારનાર વડોદરાના મ્યુઝિકોલોજિસ્ટ આર.સી.મહેતાને બીજા દિવસે બીરેન (કોઠારી) મળ્યો હતો.
મહેતાસાહેબનું નામ પદ્મ-યાદીમાં જાહેર થયું ત્યારની પોસ્ટ
http://urvishkothari-gujarati.blogspot.com/2009/01/blog-post_9911.html
તેમની સાથેની વાતચીતમાંથી બીરેનને જાણવા મળ્યું કે પદ્મપુરસ્કારોનો સમારંભ યોજાય તેના આગલા દિવસે આખા સમારંભનું ‘ડ્રેસ રીહર્સલ’ યોજાય છે. (‘ડ્રેસ રીહર્સલ મારો શબ્દ છે) તમામ પુરસ્કાર-વિજેતાઓએ ફક્ત સમારભમાં જ નહીં, રીહર્સલમાં આવવું પણ ફરજિયાત છે. તેમાં ગેરહાજર રહેવા માટે ઘણા સમય પહેલાં અને યોગ્ય કારણ આપીને જાણ કરવી પડે. નકલી સમારંભમાં સન્માનનીય પુરસ્કૃતોને શીખવવામાં આવે છે કે રાષ્ટ્રપતિ સમક્ષ કેવી રીતે પેશ આવવું, ક્યાંથી ચાલીને જવું, ક્યાં વળવું… નકલી સમારંભમાં રાષ્ટ્રપતિની જગ્યાએ બીજો કોઇ અફસર બેઠો હોય.
બાકાયદા સન્માનિતોનાં નામ જાહેર થાય, બ્યુગલ વાગે, રાષ્ટ્રપતિની જગ્યાએ બેઠેલા ‘ડુપ્લીકેટ’ અસલી મેડલની પ્રતિકૃતિ સન્માનિતોને પહેરાવે…(રીહર્સલમાં વપરાતી મેડલની પ્રતિકૃતિનો ફોટો આ સાથે મુક્યો છે) આ બધી નાટકબાજી ‘વ્યવસ્થા અને આયોજન’ના તથા રાષ્ટ્રપતિની ગરીમા જાળવવાના નામે!
દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ આદરણીય છે, પણ એ રાજા કે વાઇસરોય નથી. એ પ્રભુના નહીં, પ્રજાના પ્રતિનિધિ છે. તેમની ગરીમાની આટલી બધી ચિંતા હોય, તો પોતાના પ્રદાન બદલ સન્માનિત થવા આવેલા લોકોની ગરીમાનું શું? રાષ્ટ્રપતિ સમક્ષ કેમ લળવું ને કેમ વળવું એ શીખવ્યા વિના તેમને જરૂરી હોય એટલી સૂચનાઓ અંગત રીતે કે ફોન પર આપીને સીધા સમારંભમાં બોલાવી ન શકાય?
અંગ્રેજોના જમાનામાં મોટે ભાગે લોર્ડ કર્ઝને ૧૯૦૫માં દિલ્હી દરબાર ભર્યો હતો ત્યારે આવા બધા નિયમો હતાઃ વાઇસરોય સામે કેવી રીતે જવું, કેવી રીતે લળવું, કેવી રીતે પાછા ફરવું, પીઠ ન દેખાડવી…અંગ્રેજો ગયા, પણ સન્માન પાછળની માનસિકતા, કમ સે કમ સમારંભના મુદ્દે બદલાઇ હોય એવું લાગતું નથી.
માઇકલ જેક્સન સંગીતની દુનિયામાં સિતારો નહીં, સૂરજ બનીને ઝળહળી ઉઠ્યો એ જમાનો ૧૯૮૦-૧૯૯૦નો હતો. ભારતમાં ટીવી હજુ જોણું ગણાતાં હતાં. અમદાવાદ જેવાં શહેરો પણ ત્યારે મેગાસીટીનો માહોલ કે મિજાજ ધરાવતાં ન હતાં. વિડીયો કેસેટનો યુગ હતો. ભારતીય શાસ્ત્રીય ન હોય એવું બઘું સંગીત ‘પાશ્ચાત્ય’ અને ‘છોકરાંને બગાડે એવું’ ગણાતું હતું. આજનાં ઇન્ટરનેટ કે સીડી/ડીવીડી જેવાં માઘ્યમોના અભાવે પરદેશી સંગીત બહુ ઓછા ભારતીયો સુધી પહોંચ્યું હતું. તેમાંથી અડધા બાવાહિંદીન્યાયે- ‘જુવાન બન્યા હૈ તો પોપ મ્યુઝિક સુનના પડેગા’ એમ વિચારીને- અંગ્રેજી ગીતો સાંભળતા હતા. અમેરિકાના સંગીતમાં સુપરસ્ટાર એલ્વીસ પ્રેસ્લી પરલોક સિધાવ્યા હતા ને બીટલ્સ જૂથ વિખેરાઇ ગયું હતું. ‘બીટલ્સ’નાં ગીત સાંભળ્યાં હોય- સમજ્યા હોય એવા લોકો તો જૂજ. મોટા ભાગના લોકોએ હેરકટિંગ સલૂનમાં ભાવના પાટિયા પર ‘બીટલ્સ કટ’ લખેલું વાંચ્યું હોય, એવી સ્થિતિ હતી.
બાળકલાકાર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલો માઇકલ જેક્સન એ અરસામાં આખા વિશ્વને આંજી દે એવા પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. પ્રતિભા, પ્રસિદ્ધિ અને પ્રચાર એમ ત્રણે મોરચે જેક્સન એટલો અસાધારણ હતો કે જોતજોતાંમાં તેનું નામ પોપ મ્યુઝિક સાથે નહાવાનિચોવવાનો સંબંધ ન ધરાવતા લોકોમાં પણ પ્રચલિત થઇ ગયું. ફક્ત પ્રસાર માઘ્યમોએ જ નહીં, અમેરિકાના તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રેગન સહિતના સત્તાધીશોએ પણ જેક્સનના જયકારમાં સૂર પુરાવ્યો.
જેક્સનની સફળતા સાથે સંકળાયેલું એક મહત્ત્વનું પાસું એ પણ હતું કે તે જન્મે કાળો/બ્લેક હતો. (‘બ્લેક’ માટે સામાન્ય રીતે ‘અશ્વેત’ શબ્દ વપરાય છે, પણ તેમાં ‘અમે અને બાકીના’ એવા શ્વેતોના અભિમાનની બૂ આવતી હોવાથી, ‘બ્લેક’ને કાળો કહેવાનું વધારે યોગ્ય લાગે છે.) અમેરિકાના સમાજમાં વ્યાપક ભેદભાવ સામે સાઠના દાયકામાં પ્રચંડ આંદોલન શરૂ થયું. માર્ટિન લ્યુથર કિંગે કાળા જનસમુહની આગેવાની લઇને અમેરિકાને હચમચાવ્યું. ત્યાર પછી પણ સ્વમાન માટે કાળા લોકોની લડત ચાલુ રહી. અમેરિકાના કાળા લોકો પાસે ત્યારે વિશ્વવિજેતા મુક્કાબાજ મહંમદ અલી સિવાય બીજો કોઇ ‘પોતાનો’ સુપરસ્ટાર ન હતો.
રંગભેદવિરોધી સ્વમાન આંદોલન/સિવિલ રાઇટ્સ મૂવમેન્ટના દોઢ-બે દાયકા પછી માઇકલ જેક્સને કાળા લોકોની એ ખોટ પૂરી કરી. કાળા લોકોની સફળતાનાં પ્રતીક ગણાતાં અબજોપતિ ટોક-શો સંચાલિકા ઓપ્રા વિન્ફ્રે અને ગોલ્ફચેમ્પિયન ટાઇગર વૂડ્સથી પણ પહેલાં માઇકલ જેક્સન અમેરિકામાં છવાઇ ગયો. આ ઘટનાક્રમ ઘ્યાનમાં રાખતાં, જેક્સન કાળા લોકોની આંખનું રતન બનવો જોઇતો હતો. હવે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાળા નેતા બિરાજતા હોય, ત્યારે જેક્સનનું અવસાન રાષ્ટ્રિય શોક સમકક્ષ બનવું જોઇતું હતું. એને બદલે, ઓબામાના પ્રેસ સેક્રેટરીએ પ્રમુખ વતી બે લીટીનો ઢીલો સંદેશો સંભળાવી દીધો. સામાન્ય રીતે, જેક્સન જેવી હસ્તીના મૃત્યુ નિમિત્તે વ્હાઇટ હાઉસ તરફથી સત્તાવાર શોકસંદેશ જારી કરવાનો રિવાજ છે, પણ જેક્સનના મૃત્યુ પ્રસંગે પ્રમુખ તરફથી કોઇ સત્તાવાર સંદેશ જારી કરાયો નથી.
પોતીકામાંથી પરાયો
પ્રમુખ દ્વારા જેક્સનના મૃત્યુને બહુ મહત્ત્વ નહીં આપવાનું કારણ જે હોય તે, પણ અમેરિકાના કાળા સમુદાયમાં હંમેશાં જેક્સન વિશે મિશ્ર લાગણી રહી છે. પાંચ વર્ષની વયે પોતાના ચાર ભાઇઓ સાથે ‘જેક્સન ૫’ ગુ્રપમાં ડાન્સ કરતો અને ગીતો ગાતો માઇકલ કાળા લોકો માટે ગૌરવરૂપ હતો. સિત્તેરના દાયકામાં, સમાન નાગરિક અધિકારો માટેની ચળવળમાં સફળતા મળ્યા પછી આશા અને ઉત્સાહથી છલકાતા કાળા લોકો માટે જેક્સન પહેલો પોતીકો સુપરસ્ટાર હતો. રંગભેદવિરોધી આંદોલન સાથે જેક્સન કોઇ રીતે સંકળાયેલો ન હતો, પણ તેની ખ્યાતિમાં કાળા લોકોને પોતાનાં અરમાનો-આકાંક્ષાઓની પૂર્તિ અને પોતાના સમાજની સ્વીકૃતિ દેખાતી હતી. કાળા લોકો સાથેના ભેદભાવની સત્તાવાર સમાપ્તિ થયા પછી પણ જે અદૃશ્ય ભેદભાવો રહી ગયા હતા, તેના પણ જેક્સન ભૂક્કા બોલાવી રહ્યો હતો. ‘એમ ટીવી’ પર કાર્યક્રમ આપનાર તે પહેલો કાળો કલાકાર હતો.
જેક્સનની કલાના ચાહકોમાં કાળા-ધોળાના ભેદભાવ ન હતા. પરંતુ કાળા લોકો માટે જેક્સન ફક્ત કળાકાર ઉપરાંત પણ કંઇક હતો. એ પોતાના પરિવારનો- પોતાના સમાજનો માણસ હતો. એટલે જ, જેક્સનના ચહેરામાં- ખાસ કરીને તેના રંગમાં- નાટ્યાત્મક ફેરફાર થવા લાગ્યા ત્યારે કાળા સમુદાયના લોકોને આંચકો લાગ્યો. જેક્સનના ચહેરા પરની ત્વચા કુદરતી પરિપૂર્ણ શ્યામ રંગમાંથી વિચિત્ર સફેદ રંગ ધારણ કરતી ગઇ અને કાળા લોકો આઘાતથી આ પરિવર્તન જોઇ રહ્યા. એક કાળા લેખકના શબ્દોમાં, ‘અમે બધા જે છોકરા જેવા દેખાવા મરી પડતા હતા અને એ મોટો થઇને અમારા જેવો ન દેખાઇ જાય એવો (ધોળો) બની ગયો.’
કાળા લોકો માટે આવા પરિવર્તનની નવાઇ ન હતી. સૌંદર્યપ્રસાધનો ખુલ્લેઆમ ‘શ્યામ ત્વચાને ઉઘાડવા માટેનાં’ ક્રીમ અને બીજી સામગ્રી વેચતાં હતાં. રંગભેદને કાયદાનો ટેકો જતો રહ્યો, પણ લોકોના મનમાં કાળી ત્વચા પ્રત્યેનો અભાવ અને ધોળી ત્વચા પ્રત્યેનો મોહ એમ થોડો જાય? ‘ત્વચાના રંગની જ ભાષા સમજાવાની હોય તો અમે ત્વચાનો રંગ બદલી નાખીએ’ એવો અભિગમ ધરાવતા કેટલાક કાળા લોકો રંગ અને રહેવાનું સ્થળ બદલીને ધોળા લોકો સાથે ભળી જતા હતા.
માઇકલ જેક્સનની ચહેરો શ્યામ મટીને શ્વેત થવા લાગ્યો તેની પાછળ આવું કોઇ કારણ જવાબદાર છે કે નહીં, તે હંમેશાં અટકળનો વિષય રહ્યો છે. એક માન્યતા પ્રમાણે, ‘વિટલીગો’ નામના ત્વચાના રોગને કારણે જેક્સનનો દેખાવ બદલાઇ ગયો. બીજી માન્યતા એવી છે કે પોતાના કાળા દેખાવને ધિક્કારતા જેક્સને બેરહમીથી સર્જરી પર સર્જરી કરાવીને પોતાની સિકલ ફેરવી નાખી. હકીકત જે હોય તે, પણ જેક્સન બદલાયેલા દેખાવથી દુઃખી હોય એવું ક્યારેય લાગ્યું નથી. હા, તેને દેખાવ બદલાયા પછી પણ સતત અસલામતી રહેતી હતી. ચહેરાની- ખાસ કરીને નાકની અનેક સર્જરી પછી પણ તેને જંપ ન વળ્યો. આ મહિનાની પહેલી તારીખે બ્રિટનના એક બપોરિયા અખબારે એવા સમાચાર પ્રગટ કર્યા હતા કે ‘જેક્સનને સતત મરવાની અને પોતાનું નાક છૂટું પડી જશે એવી બીક લાગે છે!’
રંગભેદઃ સિદ્ધાંત અને સગવડ
આફ્રિકાના દુષ્કાળગ્રસ્ત દેશોના લોકોના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમ ‘વી આર ધ વર્લ્ડ’માં જેક્સને સમાનતાનો સંદેશ આપ્યો, પણ કાળા નાગરિક તરીકેની પોતાની ઓળખની અવઢવ/આઇડેન્ટીટી ક્રાઇસિસ વિશે કદી માંડીને વાત કરી નહીં. ૧૯૮૮માં ‘મૂનવોક’ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલી (જેકી કેનેડી દ્વારા સંપાદિત) આત્મકથામાં પણ જેક્સને રંગભેદનો મુદ્દો છેડ્યો નહીં. પરંતુ ૨૦૦૨માં જેક્સને પોતાની મ્યુઝિક કંપની ‘સોની’ પર છડેચોક રંગભેદી વર્તણૂંકનો આરોપ મૂક્યો. એટલું જ નહીં, કંપનીના ચેરમેન ટોમી મોટોલાને ‘રેસીસ્ટ એન્ડ વેરી વેરી વેરી ડેવીલીશ’ (ભેદભાવ રાખનારા અને અતિશય આસુરી) ગણાવ્યા. પરંતુ ત્યાં સુધી ઘણું પાણી વહી ચૂક્યું હતું. કાળા સમુદાયે એક કાળા માણસ તરીકે જેક્સનના નામનું નાહી નાખ્યું હતું. જેક્સન ફક્ત કાળા સમુદાયમાંથી જ નહીં, મુખ્ય ધારામાંથી પણ ફંટાઇ ગયો છે અને એવું સૌ સ્વીકારી ચૂક્યા હતા.
જેક્સનને પણ કાળા માણસ તરીકેની પોતાની ઓળખ અચાનક યાદ આવી ન હતી. બન્યું એવું કે ‘સોની’ કંપનીએ જેક્સનના નવા આલ્બમ ‘ઇન્વીન્સીબલ’ના પ્રચાર માટે લાખો ડોલરનું આંધણ કર્યું, પણ ધાર્યું વેચાણ ન થતાં કંપનીએ જેક્સન પાસેથી પ્રચાર માટે ખર્ચાયેલાં નાણાં પાછાં માગ્યાં. તેનાથી ગિન્નાઇને જેક્સને રંગભેદના બેફામ આરોપ કર્યા હતા.
સમય વીતતો ગયો તેમ જેક્સન સંગીત કરતાં વધારે વિવાદોને કારણે ચર્ચાતો રહ્યો. પુખ્ત વયે બાળક જેવી ઘેલછાથી માંડીને બાળકોના જાતીય શોષણ સુધીના આરોપ જેક્સન પર મૂકાયા. અમેરિકાના કાળા સમુદાય માટે એટલું આશ્વાસન હતું કે આ આરોપો ‘કાળા સમાજ’ સાથે સાંકળવામાં આવતા ન હતા.
એક સમય હતો, જ્યારે જેક્સને કાળા સમાજ વિશેની કેટલીક પ્રચલિત છબીઓ ભાંગી હતી. બે-ત્રણ દાયકા પછી તેની વર્તણૂક એટલી અસામાન્ય બની કે એકેય છબીમાં- તે ગમે તેટલી પૂર્વગ્રહથી ગ્રસ્ત હોય તો પણ – તે બંધ બેસી શકે નહીં.
એક સમય હતો જ્યારે અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગને જેક્સનને ‘લાખો અમેરિકનો માટે પ્રેરણારૂપ’ ગણાવ્યો હતો અને ‘ઇશ્વરમાં ઉંડી શ્રદ્ધા તથા પરંપરા સાથેના મજબૂત બંધન’ જેવા જેક્સનના ગુણો સૌ માટે- ખાસ કરીને યુવાનો માટે- પ્રેરણાદાયી હોવાનું એક પત્રમાં જણાવ્યું હતું. એ જ જેક્સન પાછલાં વર્ષોમાં જાણે પોતાનું જીવતુંજાગતું ભૂત હોય એવો બની ગયો.
મૃત્યુ પહેલાં જેક્સન લાંબા અંતરાલ પછી સંગીતમાં પુનરાગમનની તૈયારીમાં હતો. લંડનમાં જેક્સનના પચાસેક કાર્યક્રમ યોજાવાના હતા. તેના માટે જેક્સને સ્ટેજ પર સરખી સંખ્યામાં કાળા, ધોળા અને એશિયન બાળકો પસંદ કરવાની ખાસ સૂચના આપી હતી. તે રંગભેદ સંદર્ભે માઇકલ જેક્સનનું છેલ્લું – અને બહુ ઓછાં સુખદ સંભારણાંમાંનું એક- બની રહેશે.