છેલ્લા એકાદ દાયકામાં કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી
રાજકારણનો ધંધો ગેંગ જેટલો જ કે ગેંગ કરતાં વધારે ખતરનાક છે. ગેંગ વિશે બે વાતનું સુખ હોય છેઃ એક તો, તે લોકસેવા કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ નથી અને સત્તા-સંપત્તિ માટે ચાલતી ગેંગ છે તેની બધાને ખબર હોય છે. બીજું, તેનું કામ બંદૂકના કે રૂપિયાના જોરે ચાલે છે–ચાલી જાય છે. દેશના બંધારણ ને બંધારણીય સંસ્થાઓ સુધી પહોંચવાની તેને જરૂર પડતી નથી. પોલીસ-ન્યાયતંત્ર સાથે તેનો પનારો સતત ખરો ને તેમાં છીંડાં પાડવાના પ્રયાસ તે કરે, પણ તેના પાયામાં ઘા કરવાનું ગેંગની પહોંચથી બહાર રહે છે. રાજકારણમાં એ સુવિધા પણ મળી રહે છે. હિંદી ફિલ્મોના પ્રતાપે સૌ જાણે છે કે કાનૂનના હાથ લાંબા હોય છે, પણ કાનૂનના લાંબા હાથ મરોડીને કાનૂનની જ કાનપટ્ટી પકડાવવાનું કામ રાજનેતાઓ કરી શકે છે. (ઘણા) રાજકીય પક્ષોની જેમ ગેંગમાં એક જ બોસ હોય છે. બાકીના બધા પીટર-રોબર્ટ-ટોની-માઇકલ (કે એવા પ્રકારનાં ભારતીય નામ). ગેંગમાં વડીલોનું કામ હોતું નથી — આજ્ઞાંકિત ન હોય એવા વડીલોનું તો બિલકુલ જ નહીં. રાજકારણમાં પણ લગભગ એવું જ હોય છે. એ કઠોર સત્ય સમજવામાંથી નાદુરસ્ત વાજપેયી બચી ગયા, પણ તંદુરસ્ત અડવાણી-મુરલી મનોહર જોશીને તે બરાબર સમજાઈ રહ્યું છે.
અડવાણી વિશે આગળ વાત કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઇએ કે માત્ર ને માત્ર માનવીય ધોરણ સિવાય બીજી કોઈ રીતે તેમની દયા ખાઈ શકાય તેમ નથી. વડાપ્રધાન મોદીની ઘણી કાર્યપદ્ધતિ સામે વાંધો હોય, તેનાથી અડવાણી આદરણીય રાજપુરુષ બની જતા નથી –અને છેલ્લા એકાદ દાયકામાં તેમણે કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી.
વાસ્તવમાં દેશના રાજકારણને નિર્ણાયક કોમવાદી વળાંક આપવામાં અડવાણી અગ્રસ્થાને રહ્યા છે. સરદાર પટેલને મુસ્લિમવિરોધી તરીકે ખપાવવામાં અને એ જ 'લાયકાત'થી પોતાને 'છોટે સરદાર' માનવાની બાબતમાં અડવાણી નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા.
ગાંધીજીની હત્યા પછી દેશમાં લાંબા સમય સુધી કોમી તોફાન બંધ રહ્યાં. પરંતુ રાષ્ટ્રવાદના નશીલા પ્રવાહીમાં કોમવાદનું ધીમું ઝેર ભેળવીને તેનું વિતરણ ધીમી ધારે સતત ચાલુ રહ્યું. તેની રાજકીય રોકડી કરવાનો મોકો દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન સમાપ્ત થયા પછી આવ્યો. ત્યારે વી.પી. સિંઘે મંડલ પંચના અભરાઈ પર ચઢાવાયેલા અહેવાલ પરથી ધૂળ ખંખેરીને ઓ.બી.સી. માટે 27 ટકા આરક્ષણની ભલામણનો અમલ કર્યો. દેશભરમાં ખળભળાટ મચ્યો. તે સમીકરણનો આધાર જ્ઞાતિ હતી. તેની સામે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન નિમિત્તે કોમી ધ્રુવીકરણનો માહોલ ઊભો કર્યો. 'મંડલ વિરુદ્ધ કમંડલ' તરીકે ઓળખાયેલું આ રાજકીય દંગલ ભા.જ.પ.ને ઘણું ફળ્યું. તેણે ભા.જ.પ.ને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા, 'લુનેટિક ફ્રિંજ' એટલે કે છેવાડે રહીને ઉધમ મચાવતા પક્ષને બદલે મુખ્ય ધારાના રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કર્યો.
ગઝનીના મહેમૂદે કરેલા સંખ્યાબંધ હુમલા પછીનાં વર્ષોમાં સોમનાથ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનું કેન્દ્ર બન્યું હોય કે નહીં, પણ વીસમી સદીમાં (આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક બનેલા) કનૈયાલાલ મુનશીની નવકથાઓએ સોમનાથ સાથ કથિત હિંદુ ગૌરવના રાજકારણને આકાર આપવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેથી રામમંદિરની 'મંદિર વહીં બનાયેંગે’ ઝુંબેશ માટે રથયાત્રાના આરંભબિંદુ તરીકે સોમનાથની પસંદગી સમજાય એવી હતી. સોમનાથથી અયોધ્યાની એ યાત્રા હિંદુઓળખના નામે કોમવાદી રાજકારણને નવેસરથી સ્થાપિત કરવામાં, મુસ્લિમવિરોધ પ્રત્યેનો ખચકાટ દૂર કરીને તે દ્વેષને સરાજાહેર – મુખ્ય ધારામાં લઈ આવવામાં અને કોંગ્રેસના સગવડિયા સેક્યુલરિઝમની સાથોસાથ જમીની હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વ, સર્વધર્મસમભાવ જેવી બાબતોના પાયામાં ઘા કરવામાં મહત્ત્વની બની. આ કામ પાર પાડવામાં અડવાણી એકલા ન હતા. સાધ્વી ઋતંભરા જેવાં બિનરાજકીય પાત્રોથી માંડીને સંઘ પરિવારનાં અન્ય સંગઠનો અને ભા.જ.પ.ના નેતાઓ પણ તેમાં સામેલ હતા. એ સમયના, હિંદુ કટ્ટરવાદના મહા-રથી તરીકે ઊભરેલું નામ અડવાણીનું હતું.
હિંદુ ગૌરવના નામે કોમી ધ્રુવીકરણના પ્રતીક જેવી સોમનાથ-અયોધ્યા રથયાત્રામાં અડવાણીના સારથી (ભલે, કૃષ્ણ જેવા નહીં) નરેન્દ્ર મોદી હતા. એ વિશે સોમનાથમાં એપ્રિલ, 2017માં બોલતી વખતે ગુજરાતના એક મંત્રી ગૌરવથી કેવા ફાટફાટ થઈ શકે છે, એ તેમના જ શબ્દોમાંઃ 'તમને આ જણાવતાં આનંદ થાય છે કે આ સમગ્ર રથયાત્રાના શિલ્પી, સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રામનામના ઝંકારો, આખા દેશની અંદર પ્રસ્થાપિત કરવા અમે સમર્પિત થયા હતા.’
કોમી દ્વેષ અને વૈમનસ્ય ભડકાવનારી રથયાત્રાના 'શિલ્પી’ આજકાલ 'ન્યૂ ઇન્ડિયા’ના ઘડતરમાં વ્યસ્ત છે અને 'છોટે સરદાર'માંથી 'મોટે નહેરુ'ની ઐતિહાસિક ભૂમિકા માટે આગળ વધી રહ્યા છે. એ ચહેરાંમહોરાં વળી જુદી ચર્ચાનો વિષય છે, પણ રથના અસવાર, એન.ડી.એ. સરકારના વખતના નાયબ વડાપ્રધાન અને 'લોહપુરુષ’ અડવાણી હવે ભંગાર ખાતે છે. નાયબ વડાપ્રધાન અને પીએમ-ઇન-વેઇટિંગ (પ્રતીક્ષારત ભાવિ વડાપ્રધાન) સુધી પહોંચેલા અડવાણી તેમના ખંડ-શિષ્ય નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી, ચાલાકી, આયોજન, વ્યૂહબાજી અને નાણાંકીય તાકાત સાથે કદમ મિલાવી શક્યા નહીં. એટલે 2002માં ગુજરાતની કોમી હિંસા પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બચાવનાર અડવાણી એક દાયકામાં એ જ મોદીના નબળા હરીફ બની ગયા. ‘નરેન્દ્ર મોદીને રૂપિયાની શી જરૂર? તેમને ક્યાં પરિવાર છે?’ આવી બાળબોધી દલીલ કરનારા (ઘણી બાબતોની જેમ) એ વિચારતા નથી કે ગુજરાતમાં રહીને નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.ના રાષ્ટ્રીય સંગઠનને અને સંઘ પરિવારને શી રીતે વશ કર્યાં.
ઉંમરની અસર, વધુ પડતો આત્મવિશ્વાસ, 'હાર્યો જુગારી બમણું રમે'ની વૃત્તિ — આવાં એક કે વધુ કારણે અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકાનો રસ્તો અપનાવ્યો અને નાના ફટાકડા ફોડતા રહ્યા, જે દેખાવમાં બોમ્બ લાગે પણ ફૂટે ત્યારે ટેટી જેવી અસર થાય. એ વખતની અડવાણીની સ્થિતિ 2002 પછીના ગુજરાતમાં કેશુભાઈ પટેલની સ્થિતિની યાદ અપાવે એવી હતી. કેશુભાઈ એટલા નસીબદાર કે તેમને જતી જિંદગીએ કોરટકચેરી થાય એવા સંજોગો ઊભા ન થયા અથવા તે નહીં સમજે તો એવા સંજોગો ઊભા થઈ શકે તેમ છે, એવા ઈશારાથી તે સમજી ગયા. સચ્ચાઈ જે હોય તે, પણ અડવાણી-મુરલી મનોહર જોષી-કલ્યાણસિંઘ-ઉમા ભારતી જેવા નેતાઓ સામે સર્વોચ્ચ અદાલતે બાબરીધ્વંસ કેસમાં ગુનાઇત કાવતરાનો આરોપ બહાલ કરતાં –અને તેમાં સરકારી એજન્સી ગણાતી સી.બી.આઈ.ની ભૂમિકા ધ્યાનમાં રાખતાં — અડવાણી ફસાયા છે. જે પક્ષને સત્તા પર આણવા માટે અડવાણીએ કોમી દ્વેષ અને ધ્રુવીકરણનો આશરો લીધો – અશાંતિનો માહોલ જગાડ્યો, એ પક્ષની સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર કેન્દ્રમાં છે અને 89 વર્ષના અડવાણીના માથે કોર્ટયોગ-જેલયોગ તોળાઈ રહ્યા છે. કર્મના સિદ્ધાંત કે કવિન્યાય જેવું કશું રાજકારણમાં હોતું નથી. છતાં, અડવાણીની વર્તમાન સ્થિતિ એવી છે કે તેમના માટે એ લાગુ પાડવાની લાલચ થઈ આવે.
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.co.uk/2017/04/blog-post_25.html
‘યાદ રહે’, “દિવ્ય ભાસ્કર”, 25 અૅપ્રિલ 2017