‘હેલો, આસારામ ટ્રેડિંગ? અગરબત્તીનાં દસ કાર્ટૂનનો શું ભાવ છે?’
‘સોરી. આ તો ‘આસારામ બાઝાર (ઇન્ડિયા) લિમિટેડ’ છે. તમારે અગરબત્તીનો પ્લાન્ટ નાખવો હોય તો બોલો. અમારી પાસે અમેરિકાની ટેકનોલોજી, જાપાનના એક્સપર્ટ, ચાઇનાનું રો મટીરીયલ અને ઇન્ડિયાનો મેનપાવર છે.’
‘પણ…’
‘તમને ખબર લાગતી નથી કે હવે અમારૂં સત્તાવાર કોર્પોરેટાઇઝેશન થઇ ગયું છે. રૂપર્ટ મરડોકની કંપનીએ અમારો ૨૭ ટકા હિસ્સો ખરીદી લીધો છે. એટલે કંઇ પણ આડુંઅવળું બોલતાં પહેલાં સત્તર વાર વિચારજો અને ઓસ્ટ્રેલિયા-અમેરિકાની કોર્ટના ધક્કા ખાવાની તૈયારી હોય તો જ બોલજો.’
‘પણ, પહેલાં જે સાધક પાસેથી હું અગરબત્તીઓ ખરીદતો હતો એ..’
‘એ અત્યારે ઇમ્પોર્ટન્ટ ઝોનલ મીટીંગમાં બેઠા છે, તેમના ઉપરી નેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દિલ્હી છે અને તેમના બોસ સિલિકોન વેલી ગયા છે. અમારો બીજો ૧૩ ટકા હિસ્સો ત્યાંની એક કંપની ‘બિગફ્રોડ ડોટ કોમ’ ખરીદવા ઇચ્છે છે. હવે વધારે કંઇ પણ જાણવું હોય તો ગુજરાતીમાં સાંભળવા માટે ૧, સિંધીમાં સાંભળવા ૨ અને હિંદીમાં સાંભળવા ૩ દબાવજો. હરિ ઓમ.’
આ સંવાદ કાલ્પનિક છે. છતાં અત્યારની ગતિવિધી જોતાં ભવિષ્યમાં તે વાસ્તવિકતામાં ફેરવાય તો નવાઇ ન લાગવી જોઇએ. ધરમના નામે મોટા પાયે ધંધો થવામાં અત્યારે કશું બાકી નથી. પણ એ ધંધાનું કોર્પોરેટાઇઝેશન થાય, તે કલ્પના માટે હજુ અવકાશ છે. માત્ર ને માત્ર નફામાં રસ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને ધરમના તગડા ધંધામાં રસ પડે એવી પૂરી સંભાવના પણ છે. કારણ કે તેમાં કોર્પોરેટ જગતના તમામ દાવપેચ ખેલી શકાય અને તેની તમામ કાર્યપદ્ધતિઓ અપનાવી શકાય એવી ગુંજાશ રહે છે. જેમ કે,
ચેઇન સ્ટોર્સઃ અત્યારે અમે ચાર ચર્ચ, છ મંદિર અને ત્રણ મસ્જિદ સાથે સ્પેસ-શેરિંગ બેસીસ પર એરેન્જમેન્ટ કરી છે. ત્યાં એક ખૂણામાં અમારાં સત્સંગ કેન્દ્ર -કમ-સ્ટોર હશે. ધીમે ધીમે અમે આખા ભારતમાં અમારા સ્વતંત્ર ચેઇન સ્ટોર્સ ખોલવા માગીએ છીએ. દરેક સ્ટોરમાં એક જ જગ્યાએથી જગતના બધા ધર્મોનાં પ્રતિક તથા વિધીવિધાનોમાં વપરાતી વસ્તુઓ મળશે.
અમારા ચેઇન સ્ટોરના મેમ્બરને ખાસ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. કાર્ડ ત્રણ પ્રકારનાં હશે. પ્લેટિનમ કાર્ડ ધરાવતા ગ્રાહકો સીધા તેમના સંપ્રદાય કે પંથના મુખ્ય ગુરૂ સાથે- એટલે કે તેમના પી.એ. સાથે – વાત કરી શકશે. ગોલ્ડ કાર્ડ ધરાવતા લોકો માટે એક્ઝિક્યુટીવ લેવલના ધર્મપુરૂષો સાથે વાતચીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સિલ્વર કાર્ડધારકો જે તે ધર્મના જાણકાર ગોર મહારાજનો નંબર જોડીને દક્ષિણા ચૂકવ્યા વિના સીધી વાત કરી શકશે. એ સિવાયના ગ્રાહકોની આઘ્યાત્મિક મંૂઝવણના ઉકેલ માટે અમારાં કોલ સેન્ટર તો ખરાં જ.
દેશભરમાં ફેલાયેલા અમારા બધા આઘ્યાત્મિક ચેઇનસ્ટોર એક જ કંપનીના હોવાથી તેમનું નામ ‘સબ કા માલિક એક’ રાખીએ તો કેવું રહેશે?
કોલાબરેશન, મર્જર એન્ડ એક્વીઝીશનઃ કહેવાય છે કે તંબુના માલિકને તેના જ તંબુમાંથી હડસેલી મુકતાં પહેલાં ઊંટે માલિક સાથે કોલાબરેશન કર્યું હતું. એ જ રીતે, મોટી માછલી નાની માછલીને ગળી ગઇ હતી? ના. એ તો નાની માછલીનું મોટી માછલીમાં મર્જર થઇ ગયું. કોર્પોરેટ ક્ષેત્રની આ મનગમતી રમત છે. લક્ષ્મી મિત્તલ કે ટાટા જેવા ભારતીયો આજકાલ પરદેશી કંપનીઓને પોતાનામાં ભેળવી રહ્યા છે, તો ધર્મના ક્ષેત્રે એવું શા માટે ન બને?
ભારતના સમૃદ્ધ સંપ્રદાયો વેટિકન સાથે ‘સ્ટ્રેટેજિક કોલાબરેશન’ દ્વારા ઇટાલી-ફ્રાન્સથી માંડીને બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પોતપોતાની શાખાઓ સ્થાપી શકે છે. જરા કલ્પના તો કરોઃ ટીમ્બકટુ કે હોનોલુલુની ગલીઓમાં દેશી સંપ્રદાયોના જયજયકાર કરતાં પાટિયાં વાંચવા મળે તો કેવો વિશ્વવિજય થઇ જાય! અને આ ક્ષેત્ર એવું હશે, જેમાં ચીન કદી ભારતનો મુકાબલો નહીં કરી શકે.
ધન અને ધર્મસત્તાની બાબતમાં વેટિકન ભારતના સંપ્રદાયો-પંથો કરતાં જરાય ઉતરતું નથી. એટલે કોલાબરેશન પછી કશ્મકશ તો ઘણી થાય. પણ ત્યાં સુધીમાં ભારતનો – ખાસ કરીને ગુજરાતનો કોઇ ફિરકો તિબેટના દલાઇ લામા સહિત બીજા નાના-મોટા સમુહોને અનુયાયીઓ સહિત એક્વાયર કરી લે, અમુક બાવાઓને તેમની ‘ક્રિમિનલ લાયેબીલીટી’ સહિત ટેક ઓવર કરવામાં આવે અને સમૃદ્ધ ભક્તમંડળ ધરાવતા કથાકારોને પોતાના બોર્ડ મેમ્બર બનાવી દે, તો તેમની કંપનીના (શેરહોલ્ડર્સની જેમ) ‘ફેઇથહોલ્ડર્સ’ની સંખ્યા અને તાકાત ઘણાં વધી જાય. ત્યાર પછી વેટિકન સાથે કામ પાડવામાં – અને વખત આવ્યે તેની પર નજર બગાડવામાં સરળતા રહે.
વિદેશની લ્હાયમાં દેશને ભૂલી શકાય નહીં, એ ધરમ સહિતના સૌ ધંધાર્થીઓ સમજે છે. એટલે દેશમાં રાજ્યસ્તરે એકબીજા સાથે કોર્પોરેટ રમતો રમી શકાય. ધારો કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં બાપા અને દાદા વચ્ચે કોલાબરેશન હોય, તો પણ બાકીનાં માર્કેટ માટે બન્ને વચ્ચે સ્પર્ધા હોઇ શકે. મુક્ત બજાર થઇ ગયા પછી એકબીજાના અનુયાયીઓ તોડવા માટે મુક્ત મને પ્રયાસ કરવામાં કશો છોછ ન હોય. પ્રસાર માઘ્યમોમાં ફિરકાઓની જાહેરખબર આવતી થઇ જાય, જેમાં પરદેશમાં તેમની કેટલી શાખાઓ છે તેનો ખાસ ઉલ્લેખ હોય. ‘૫૬ દેશ. ૧૨૭ ભાષા. ૧ નામ. જય ભોગેશ્વર’ એવાં ચબરાકીયાં સૂત્રો કોઇ ફોન નેટવર્કની નહીં, પણ સંપ્રદાયોની જાહેરખબરમાં જોવા મળી શકે.
આઉટસોર્સિંગ અત્યારે સ્થિતિ એવી છે કે મોટા ભાગના ફિરકા પોતપોતાના વિરોધીઓને સીધા કરવા માટે કેટલાક ભક્તોનું શરીરબળ ખપમાં લે છે અથવા આ કામમાં ઉપયોગમાં લઇ શકાય એવા બળુકા પુત્રોને ભક્ત બનાવે છે. પરંતુ આખો ધંધો વૈશ્વિક થશે અને આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂનનો મામલો આવશે, ત્યારે કોને ખબર? અમેરિકાનો નવો પ્રમુખ દીદી પાસે રાખડી ન પણ બંધાવે કે બાપાના આશીર્વાદ ન પણ લે. એ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઇમેજની ખેવના કરતા ફિરકા ‘મસલ પાવર’નું આઉટ સોર્સિંગ કરી દેશે. વર્ષે એક વાર ‘ભાઇ’ સાથે કોન્ટ્રાક્ટ રીન્યુ કરી લીધો, એટલે આખું વર્ષ હાથ ખરડવાની જરૂર નહીં. દરમિયાન, કેટલાક ભાઇલોગ પણ અઘ્યાત્મ તરફ વળવાનું વિચારતા હશે- પોલીસના દબાણથી નહીં, પણ ધંધાના આકર્ષણથી. તેની શરૂઆત અત્યારથી થઇ જ ચૂકી છે. કેટલાક બાવાઓના ભૂતકાળ તપાસતાં તેની ખાતરી મળી જશે.
આઇપીઓઃ મોટી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ- ટૂંકમાં પબ્લિક ઇશ્યુ કાઢે છે. તેના થકી લોકોના રૂપિયા ઉઘરાવીને, પોતાની આવડતથી લોકોના પૈસે પોતે ફૂલેફાલે છે. આ રિવાજ કોર્પોરેટ ક્ષેત્રનો છે? બિલકુલ નહીં. કોર્પોરેટ ક્ષેત્રમાં વારેઘડીએ આઇપીઓ કાઢી શકાતા નથી, જ્યારે અઘ્યાત્મમાં અલગથી આઇપીઓ કાઢવાની જરૂર પડતી નથી. પહેલેથી છેલ્લે સુધી તે લોકોના પૈસે જ ચાલે છે, છતાં લોકોને તેમાં શેર (ભાગ) આપવાનો હોતો નથી. આ રિવાજ એવો છે કે તેમાં કોર્પોરેટ ક્ષેત્રને અઘ્યાત્મનું અનુકરણ કરવાનું મન થાય.