જ્યાં જ્યાં હસે એક ગુજરાતી
ધોળાવીરામાંથી મળવાજોગ કેટલીક જાહેરખબરો
સદીઓ જૂની સિંધુ સંસ્કૃતિના અવશેષ ધરાવતા નગર ધોળાવીરા વિશે એક પુસ્તકના વિમોચનમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું કે પહેલું સાઈનબોર્ડ ધોળાવીરામાંથી મળ્યું છે.
એક-બે સહસ્ત્રાબ્દી/મિલેનિયમ પહેલાંના ગુજરાતમાં જાહેર ખબરનાં સાઈનબોર્ડનો આવો મહિમા હોય, તો વર્તમાન ગુજરાત સરકારના સાઈનબોર્ડ-પ્રેમને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન ગણવો જોઈએ.
ધોળાવીરામાંથી મળી આવેલું સાઈનબોર્ડ સરકારી હતું કે ખાનગી, એ સમયના રાજાનું હતું કે રાજાના માનીતા ઉદ્યોગપતિઓમાંથી કોઈનું, તેમાં બીજી વિકસિત સંસ્કૃતિના લોકોએ સિંધુ સંસ્કૃતિના લોકો સાથે કરેલા અમુક લાખ કરોડના એમ.ઓ.યુ. વિશે હરખ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે અનાર્ય પ્રાંતમાં શરૂ થનારું ગાડાં બનાવવાનું કામકાજ ધોળાવીરામાં લઈ આવવા બદલ રાજાએ વેપારી સંસ્થાઓ દ્વારા પોતાનું જાહેર અભિવાદન કરાવ્યું હતું. આ બધા વિશે વધારે સંશોધનને અવકાશ છે.
ધોળાવીરામાંથી પ્રાચીન કાળનાં કેટલાંક વધુ સાઈનબોર્ડ મળી આવે, તો તેની પર કેવા પ્રકારની જાહેર ખબરો મળવાની સંભાવના રહે છે? કેટલાક નમૂના :
શિખાબંધન કોચિંગ ક્લાસ
ભૂમિતિ નથી આવડતી? અંકશાસ્ત્રથી અજ્ઞ છો? ખગોળમાં ખોવાયા છો? તો અત્ર લુપ્તાઃ સરસ્વતી! તમારી સરસ્વતીની શોધ અહીં લુપ્ત થાય છે.
(ક્લાસના નામ પ્રમાણે) અમે વિદ્યાર્થીઓ પાસે ચોટલી બાંધીને મહેનત કરાવીએ છીએ. અમારે ત્યાં આવનારા વિદ્યાર્થીઓ વસ્તુની કિંમત કરતાં વધારે નાણાં ખર્ચવાનું, ખર્ચેલા નાણાંનું વળતર મળ્યું કે નહીં તેની ચિંતા ન કરવાનું, પોતાના જ ખર્ચે જલસા કરીને તેનો જશ બીજાને આપવાનું અને મહેનત કરવાને બદલે નાણાં ખરચીને કામ કઢાવી લેવાનું શીખી જાય છે. એટલે, ગમે તેટલા ટકા આવે, પણ અમારા વિદ્યાર્થીઓ જીવનમાં ક્યાં ય પાછળ પડતા નથી.
અખિલ ધોળાવીરા શિક્ષણ કસોટી એટલે કે ધોળાવીરા બોર્ડમાં અમારા એક પણ વિદ્યાર્થીઓનો ૧લી ૧૦માં નંબર આવતો નથી. એનું અમને ગૌરવ છે; કારણ કે ધોળાવીરાના બજારમાં ધીરધારથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સુધીના ધંધામાં મોટા ભાગના અમારા વિદ્યાર્થી છે. ધોળાવીરા બોર્ડમાં નંબર લાવનારા એમને ત્યાં નોકરી કરે છે.
અમારે ત્યાંથી નિકળેલા વિદ્યાર્થીઓ નોકરી જેવાં નીચાં લક્ષ્ય રાખતા નથી. અમે તેમને સ્વનિર્ભર બનાવીએ છીએ. એ લોકો અમારે ત્યાંથી નિકળીને સ્વનિર્ભર શિક્ષણસંસ્થાઓ શરૂ કરે છે. ધોળાવીરા બોર્ડમાં બે-ત્રણ પ્રયાસે પાસ થયેલા અમારા કેટલાક તેજસ્વી તારલા ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની વેતરણમાં છે.
અમારા જીવનલક્ષી ભણતરનો લાભ લેવા આજે જ પધારો અને તમારા ગર્ભસ્થ શિશુનું નામ નોંધાવી જાવ. કારણ કે આગામી ૯ વર્ષ સુધીનાં એડમિશન ફુલ છે!
વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક : લક્ષ્મી-સરસ્વતી વિદેશાભ્યાસ કેન્દ્ર –
ભણવામાં ઠોઠ સંતાનનાં સમૃદ્ધ માતાપિતાઓ! ઊઠો, જાગો અને તમારું સંતાન ડિગ્રી ન મેળવે ત્યાં સુધી લગી જંપશો નહીં. આ પુણ્યકાર્ય અમે તમને મદદરૂપ થઈશું.
તમારા સંતાનને કંઈ ન આવડતું હોય તો પણ નાસીપાસ થશો નહીં. તમારી પાસે ઘરના વાડામાં નાણાં ભરેલાં માટલાં છે કે નહીં? નાણાંથી ભરેલાં પાંચ માટલાં લઈને અમારી સંસ્થામાં આવો. યુક્રેટિસ-તૈગ્રીસ નદીના કિનારે ચાલતી ગમે તે (ગમે તેવી) યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે. અમારા ક્લાસ દ્વારા પરદેશની યુનિવર્સિટીમાં એડમિશન મેળવનારને પ્રવાસ કરતી વખતે ખભે લટકાવવાની ચામડાની મશક/વોટરબેગ સાવ ફ્રી!
નાણાંના પંદર માટલાં લાવનારને યુનિવર્સિટી પહોંચવાના રસ્તામાં લેવી પડતી તમામ પરવાનગીઓ અહીં બેઠાં મેળવી આપવામાં આવશે અને ૩૧ માટલાં ભરીને નાણાં લાવનારને ધોળાવીરામાં બેઠાંબેઠાં તેમના નામની પરદેશી ઉપાધિ (ડિગ્રી) ધરાવતું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
પ્રદેશમાં ખેતી માટે ઉપયોગમાં આવતા બળદોની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. એ ખોટ સરભર કરવા માટે બેરોજગાર યુવાનોની ભરતી કરવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. હળ ચલાવવાનું કામ ધારીને આવતા ખેતસહાયકોને જ્યારે બળદની જગ્યાએ હળે જોતરવાનું આવે ત્યારે તેમનો જુસ્સો મરી પરવારે છે. પરંતુ આપણા પ્રતાપી પૂર્વજોએ કહ્યું છે કે કોઈ પણ પ્રકારના શ્રમથી હારવું કે શરમાવું નહીં.
ખેતસહાયક યોજના વિશે વધુ જાણકારી માટે સંપર્ક સાધો : ધોળાવીરા (બે) રોજગાર કચેરી. મધ્ય ગુજરાતમાં રહેતા ઉમેદવારોએ અમારા લોથલના કાર્યાલયનો સંપર્ક કરવો.
ધોળાવીરા લોથલ દ્રુતગતિશકટમાર્ગ પરિયોજના
આપણી સંસ્કૃતિ બે કેન્દ્રો ધોળાવીરા અને લોથલ વચ્ચે યાતાયાત વ્યવહાર ટ્રાફિકમાં અનેક ગણી વૃદ્ધિ થઈ છે. વર્ષ દરમિયાન ઉજવાતા સપ્તસિંધુ સ્વર્ણધારા, ધબકતું ધોળાવીરા જેવા સરકારી ઉત્સવો દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ માર્ગો પર અવરજવર કરે છે. મોટા ભાગનો વ્યવહાર પાલખી અને શકટ (ગાડું) પર નિર્ભર છે. પરંતુ બન્ને નગરો વચ્ચેના રસ્તા અગવડદાયક હોવાથી પાલખી ઊંચકવા માટે પાલખીસહાયક પૂરતી માત્રામાં મળતાં નથી અને ખેતસહાયકો ખેતરમાં ભલે હળે જોતરાતા હોય, પણ ગાડાંમાં બળદની જગ્યાએ જોડાવા રાજી થતા નથી.
આ સમસ્યાઓનો અંત આણવા સરકારે ધોળાવીરા લોથલ વચ્ચે એક સાથે ચાર ગાડા ને ચાર પાલખી પસાર થઈ શકે એવી ફોર લેન દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ હાઈવે) બનાવવાની પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. રસ ધરાવતી પાર્ટીઓએ આગામી પૂનમ સુધીમાં પોતપોતાનાં ટેન્ડર જમા કરાવી દેવાં.
ભૂતકાળમાં આ પ્રકારના દ્રુતગતિમાર્ગની પરિયોજના હાથ ધરાઈ હતી, પણ રસ્તો સૂચવતાં પાટિયાં સાથે મૂકવામાં આવશે. શરત એટલી કે શ્રેષ્ઠીઓએ સમજૂતી કરાર એમ.ઓ.યુ. નહીં. ખરેખર બંધનકર્તા નીવડે એવા કરાર કરવાના રહેશે.
https://sarthakprakashan.com/index.php?route=product/product&product_id=22
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 16