Opinion Magazine
Number of visits: 10080507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 April 2026

આશાજીનાં ગીતોની યાદી, તેમની ગાવાની શૈલીની જેટલી વાતો થાય એટલી ઓછી છે પણ વાસ્તવિકતા એ છે કે જિંદગીની કડવાશને ફરિયાદમાં નહીં, સૂરોમાં ફેરવીને જીવી શકાય એ કદાચ તેમનાં થકી જ શીખી શકાય. 

એક બહુ જાણીતું ગીત છે જેમાં ગાયક એવી વસ્તુઓની યાદીનું ગીત ગાય છે જે તેને એ પુરુષ પાસેથી પાછી જોઇએ છે, જેને તેણે એક સમયે પ્રેમ કર્યો હતો. આ યાદીમાં ઘરેણાં કે વચનોની વાત નથી. એને વરસાદી દિવસો, હાથે લખેલા કાગળમાં લપેટાયેલી રાત અને પ્રેમની ઉષ્માથી ગરમાઈ ગયેલી રાત ઓલવીને પાછી જોઇએ છે. આ એવાં સ્મરણો છે જે પીડામાં ઝબોળાયેલાં છે. “વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો ...” એ રાત ઓલવી નાખ, મને મારો સામાન પાછો આપ. સપાટી પરથી જોતાં આ બધી સામાન્ય અરજ લાગે પણ ખરેખર તો પ્રેમમાં સાથે વહેંચેલી આ ક્ષણોના કોઈ કાળે પરત કરવી શક્ય નથી. 1987માં ગુલઝારે ‘ઇજાઝત’ ફિલ્મ બનાવી અને તેનું આ ગીત, ‘મેરા કુછ સામાન, તુમ્હારે પાસ પડા હૈ …’ આશાજીએ ગાયું અને આ ગીત ગાવા બદલ તેમને તેમનો બીજો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. જે પણ વ્યક્તિ ગુલઝારે લખેલા આ ગીતના શબ્દોની આરપાર કે આર.ડી. બર્મને સ્વરબદ્ધ કરેલી આ પંક્તિઓને સોંસરવી સમજી શક્યું હશે તેને આ ગીત ગાનાર સ્ત્રી વિશે પણ કદાચ સમજાયું હશે. આ ગીત આશા ભોસલે સિવાય કોઈ  પણ બીજી ગાયિકાએ ગાયું હોત તો તેમાં આ દર્દ, આ તૃષ્ણા અને તમામ યાદો સાથે દફનાઈ જવાની ચાહ ગીતના સ્થાયી ભાવ તરીકે સાંભળનારને હૈયે સોંસરવી ન ઉતરી હોત. 

ચિરંતના ભટ્ટ

92 વર્ષની વયે, 12 એપ્રિલના રોજ આશાજીનું નિધન થયું. 12 હજારથી વધુ ગીતો, આઠ દાયકાની ગાયકી, મોટાં બહેન લતા મંગેશકરનો પ્રભાવ, આર.ડી. બર્મનનાં સાથી, કેબ્રે ક્વીન, ગઝલની મલિકા – આ બધું તેમને વિશે લખાયેલી બધી જ સ્મરણાંજલીમાં લખાયું. આ બધું જ સાવ સાચું છે. આ બધું જ તેમની ઓળખ ઘડનારી બાબતો છે પણ છતાં ય અપૂરતું છે એમ કહેવું પડે. આશાજી એક એવો અવાજ, એક એવું માધ્યમ અને એક એવી સ્ત્રી, જેણે દરેક પસાર થતા દિવસની શરૂઆતે જાતને કહ્યું કે જિંદગી ભલે કસોટી લે પણ અવાજના માધુર્યને વાસ્તવિક કઠોરતાની કડવાશ કરતાં વધારે મહત્ત્વ આપવાનું છે. આવા વ્યક્તિત્વને વર્ણવવા માટે માહિતી કે આંકડાનું કોઈ કેટલૉગ ન હોઈ શકે. તેમની સિદ્ધિઓ કે વ્યક્તિત્વના કેટલૉગ તો એ પોતાની ગાયક તરીકેની જિંદગીમાં પહેરેલાં અનેક ચહેરા મહોરાં માટે સાથે રાખતા પણ એ જે હતાં તે કંઇક અલગ જ હતાં. 

શરૂઆત તેમનાં અવાજથી જ કરવી પડે કારણ કે જિંદગીની કૂંપળ જ ત્યાંથી ફૂટી. શાસ્ત્રીય સંગીતમાં ગાયકી – ગાવાની શૈલી, અભિગમ અને ગાયકની પસંદગીનું ઘડતર તથા અવાજ જે એક કાચું માધ્યમ છે એ મુખ્ય છે, પાયાની બાબતો છે. ઘણા ગાયકોનો અવાજ મધ જેવો મીઠો હોય છે અને ગાયકી પરંપરાગત હોય છે. બહુ ઓછા કલાકારો પાસે અવાજ અને શાસ્ત્રીય ઢાંચામાં પોતાની ઓળખ સમી ખડી કરેલી ગાયકી એમ બન્ને બાબતો હોય. પરંપરાગત રીતે જોઈએ તો આશાજી પાસે કદાચ આ બન્ને નહોતાં અને એટલે જ એ અસાધારણ ગાયક હતાં. કોન્સર્ટ હોલમાં ગાનારા સોપ્રાનો જેવો અણીશુદ્ધ મીઠાશ વાળો અવાજ એક ચોક્કસ ડિઝાઈન ધરાવે છે, તેમનો અવાજ એવો તો નહોતો. તેમના અવાજમાં એક ખરજ હતી, એક એવો જીવંત ગુણ જે બસ હતો. તેમના અવાજમાં અંદરની તરફની ગહેરાઈનું એવું ઘેરાપણું હતું જે મંદ્ર સપ્તકમાં જાય ત્યારે તાલીમ ઓછી અને અનુભવનું પરિણામ વધારે લાગે. જો લતા મંગેશકરના અવાજને આપણે ગાયકીમાં ખયાલ સાથે સરખાવીએ જે શુદ્ધ, શિષ્ટ, ઉન્નત અને મંચ માટે હતો તો આશાજીનો અવાજ ઠુમરી ગાયકી સમાન હતો; અંગત, સાકાર, આઝાદ અને એ વાત કહેવા તત્પર જેનો ઉલ્લેખ કરતાં બીજા પ્રકારની ગાયકી ખચકાય. 

આશાજીએ તેમના આ તોફાની, આઝાદ, બેખોફ અવાજનો ઉપયોગ એ બધાં જ પ્રકારનાં ગીતો ગાવા માટે કર્યો જેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જરૂર તો હતી પણ એ જરૂર હોવાની કબૂલાત હંમેશાં કરાતી નહીં. મુજરો, કેબ્રે, મોડી રાત્રે ગવાતું ગીત, એવું ગીત જેણે તમને એ કહેવા કે કરવાની હિંમત આપી જેને તમારા મને હજી મંજૂરી નહોતી આપી. જ્યારે દિગ્દર્શકોને પડદા પર એવી સ્ત્રી દેખાડવી હતી જે ઇચ્છાને નજીકથી સમજતી – દૂરથી નહીં, થિયરીમાં નહીં પણ અંતરની ચાહની માફક ત્યારે તેમની પહેલી પસંદ હંમેશાં આશાતાઇનો અવાજ જ રહ્યો. શિષ્ટ શબ્દોમાં આડંબર કરી સુષ્ઠુ સુષ્ઠુ બોલતા સમાજમાં જે આઝાદ સ્ત્રીઓના રણકાને ગણતરીમાં ન લેવાતો, તેની નોંધ પણ ન લેવાતી તેવા અવાજને, તે લહેકાને આશાજીએ ઓળખ આપી. બિંધાસ્ત પણ ઋજુ, આઝાદ પણ પ્રેમમાં હાથે કરીને સપડાવા માગતા સ્ત્રીત્વને આશાજીએ ગાયું, તેને સ્વર આપ્યો, સૂર આપ્યો અને કાયમી બનાવ્યું. 

વળી તેમના અવાજની આઝાદી અને અલ્લડપણાની જ નોંધ લઇએ તો ય બહુ મોટી ભૂલ થઈ જાય. 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં સંગીત નિર્દેશક ખૈયામજીએ તેમની પીચને અડધા સૂર જેટલી નીચે લાવીને તેમની પાસે ગવડાવ્યું. આશાજીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પોતે આટલું અલગ રીતે ગાઈ શકશે તેની તેમને કલ્પના નહોતી. પરિણામ હતું એવી ગઝલો જેમાં દર્દની સ્થિરતા વર્તાઈ. એ અવાજ કોઈ સ્ટુડિયોમાંથી નહોતો આવ્યો બલ્કે શ્વાસ અને પીડા જ્યાં એક સાથે વસતા હોય એવા ગળામાંથી રેલાયો હતો. તેમના સૂરને સહેજ નીચો લાવવો કોઈ ટેક્નિકલ એડજેસ્ટમેન્ટ નહોતું પણ સૂરના મામલે એક નવો દરવાજો ખોલાયો હતો. એ દરવાજેથી જે પ્રવેશ્યું તેમાં એક હતો આશાજીને મળેલો પહેલો નેશનલ એવોર્ડ, એક એવો પુરાવો જેણે તેમના અવાજની રેન્જ માત્ર ક્ષિતિજ સમી સમાંતર નથી એ સાબિત કર્યું. જો કે એ પુરાવાની કંઈ જરૂર તો નહોતી જ. ઊંડી અને ઘેરી રેન્જ વર્ટિકલ હોય છે, અવાજનું ઊંડા ઉતરવું એક અલગ પ્રવાસ હોય છે. આ ક્ષમતા બધામાં નથી હોતી.  

તેમનાં અવાજના આ ઊંડા અને ઊંચા આયામો તે જે જીવ્યાં તેમાંથી જ તેમણે મેળવ્યાં હશે. સોળ વર્ષની વયે પોતાનાંથી ઉંમરમાં ઘણા મોટા એવા ગણપતરાવ સાથે ભાગીને લગ્ન કરનારાં આશાજી સાથે પરિવારે છેડો ફાડ્યો. એ લગ્નમાંથી તે બહાર આવ્યાં ત્યારે તેમને બે સંતાનો હતા અને ત્રીજું ગર્ભમાં ઉછરી રહ્યું હતું. પુરુષપ્રધાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે સિંગલ મધર હતાં, બીજા બધાં ય કરતાં તે વધારે ગીતો ગાતાં હતાં. તે બહુ પ્રતિષ્ઠીત હતાં કે સ્ટાર બની ગયાં હતાં એટલે નહીં પણ તેમને કામની જરૂર હતી એટલે! તેમણે પોતાની જાતને આકસ્મિક ગાયક કહેલાં, એક્સિડેન્ટલ સિંગર જે ગીતો સાંભળીને, અન્યોને ગાતાં જોઈને જરૂરિયાત હોવાથી ગાતાં શીખ્યાં. અનિવાર્યતાને તેમણે નિપૂણતામાં એવી રીતે ફેરવી કે એ પરિવર્તન કયા વળાંકે થયું તે ક્યારે ય વર્તાયું નહીં. 

એક બિન-ફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’નું એક ઓછું જાણીતું ગીત છે, ‘જાને દો મુઝે જાને દો’. આ આલ્બમ ગુલઝાર, આર.ડી. બર્મન અને આશાજી વચ્ચેનું એક મજાનું કોલાબરેશન હતું. આ ગીતમાં એક સંતાનો દ્વારા ત્યજાયેલી મા પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી છે. શ્રધ્ધાંજલિ સભાઓમાં ક્યાં ય આ ગીત નથી વગાડાતું. આ ગીત તમે ત્યારે જ ગાઈ શકો જ્યારે તેમને ત્યજાઈ જવાની પીડા ખબર હોય. આશાજીને આ લાગણી સારી પેઠે ખબર હતી. આ પીડા, આ લાગણીની સમજથી જાતને બચાવી રાખવાને બદલે તેમણે પોતાના માઇક્રોફોન મારફતે તેને ગુંજવા દીધી, સંગીત અને સૂરના વાઘાં પહેરાવી તેમણે આ પીડા દુનિયાને પાછી આપી અને તેમણે આ પીડાને ફરિયાદમાં ક્યારે ય ન ફેરવાવા દીધી. 

આ જીવનમાં વેઠેલા આઘાતને કારણે પ્રકૃતિમાં વણાયેલી બાબતો છે. સંવેદનશીલ વ્યક્તિ તે કળી શકે પણ કદાચ સમજાવી ન શકે એમ બને. તેમણે પોતાનાં દર્દને મલમલમાં લપેટીને કોઈ નવા રૂપે ગીતોમાં વણીને લોકોની સામે મૂક્યાં. દરેક ઇન્ટરવ્યુ, દરેક દાયકા, દરેક ઝલકમાં – આશાજી ખડખડાટ હસતાં, સરસ મજાના ઘરેણાં પહેરતાં, વાળમાં ફૂલો સજાવતાં, એંશીની વયે પણ લિપસ્ટિક કરીને માહોલ રણકાવતાં. તે ખુલ્લા દિલે મન મૂકીને વાત કરતાં, નિખાલસ રહેતાં, લોકોનું પેટ ભરાય એટલે પોતે મન ભરીને રાંધતા. તેમની પ્રતિભામાં લાગણીઓને નામને કંજુસાઈને કોઈ સ્થાન નહોતું. દર્દ સાચું હતું પણ કડવાશને સ્થાન નહોતું, જિંદગીને હતું. આ તેમની લયકારી હતી, મધુરપ ભરી પંક્તિઓ પર તાલની ચોક્કસ પકડ હતી, તેમને ખબર હતી ક્યાં વજન મુકવાની જરૂર હતી અને શું જતું કરવાનું હતું; માત્ર ગીતોમાં નહીં, જિંદગીમાં પણ.

ગુજરાતી સંગીતના રસિકો માટે એક અલગ આશાજી હતાં, રાષ્ટ્રીય સ્તરની શ્રદ્ધાંજલીઓમાં તેમણે આપણી ભાષામાં ગાયેલા ગરબા, ભજનો, લોક સંગીતના રસમાં ઘોળાયેલાં ગીતો અને ગુજરાતી ફિલ્મો માટે ગાયેલાં તેમનાં ગીતોનું ચાતુર્ય કદાચ એટલું ન ઘુંટાયું હોય જેટલી આપણને અપેક્ષા હોય. એક ગાયક તરીકે તેમનામાં ક્યાં ય પણ કવચ નહોતાં, તે જે ગાતા તેને પૂરી રીતે પોતાનું કરી દેતાં અથવા તો એમ કહીએ કે એ ભાષાનાં થઈ જતાં. તેમનાં મા ગુજરાતી હતાં અને આપણી ભાષા સાથે આશાજીનું જોડાવું સરળ હતું કારણ કે એ સંબંધ ગર્ભનાળ સાથે સર્જાયો હતો. કૌશલ્ય આલા દરજ્જાનું હોય છતાં ય સહજતાનું મૂળ કંઇક અનોખું જ હોય છે, જે તેમના કિસ્સામાં હતું.  

તેમણે ઇજાઝત ફિલ્મનું ‘મેરા કુછ સામાન..’ ગાયું ત્યારે એ ગીતના સંગીતકાર આર.ડી. બર્મન તેમના જીવનસાથી હતા. આર.ડી. બર્મને આશાજીના અવાજને દાયકાઓ સુધી આશાજીના અવાજમાં નવા સરનામા શોધ્યા. ખુવાર થયેલી વ્યક્તિમાં ફરી વહી ન જવાનું એક નિયંત્રણ આપમેળે ઘડાય છે, એ આશાજીના અવાજમાં હતું તે આર.ડી. સારી પેઠે જાણતા હતા. તેઓ બંને સાથે હોવા છતાં ય આગવી રીતે પોતાનાં સહિયારાં વિશ્વમાં જીવતા હતાં. કલાને માથે સત્ય પીરસવાની જેટલી જવાબદારી હોય તેના કરતાં કંઇ વધુ જવાબદારી આર.ડી. અને આશાની જોડીએ પીરસી હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

1994માં આર.ડી. બર્મનનું નિધન થયું. આશાજીની દીકરી વર્ષાએ 2012માં દુનિયા છોડી અને દીકરા હેમંતનું  2015માં મૃત્યુ થયું. આટલી બધી ખોટ અને આઘાત જીરવી જનારાં આશાજીનાં મિજાજને, તેમનામાં જીવતા પરમાનંદને, તેમના સ્વરના સ્મિતને કોઈ ચળાવી નહોતું શક્યું. અમસ્તા નથી લખાયું કે, ‘દર્દ કા હદ સે ગુઝર જાના હૈ દવા હો જાના.’ તે છેક સુધી જાહેર જીવનમાં પ્રવૃત્ત રહ્યાં, હસતાં રહ્યાં, લોકોને જમાડતાં રહ્યાં, ગજરા અને ફૂલો સાથે મૈત્રી કેળવી રાખી. જિંદગીની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલી એક એવી સ્ત્રી જે દરેક પીડા સાથે નવું, ધારદાર, ચમકદાર પાસું કેળવતી ગઇ.

સંગીતમાં ‘મીંડ’ એટલે બે સૂર વચ્ચેનું એક નાનકડું ચઢાણ, બે સૂર વચ્ચે જે જગ્યા હોય ત્યારે જે ધ્વનિ જન્મે એ – મીંડ આ બેમાંથી કોઈપણ એક સૂરની નથી હોતી, તે સફર કરે છે, બે સૂરની વચ્ચે. સુંદરતા જળવાય એ રીતે એ સફર માંડવી સહેલી નથી પણ આશાજીની મીંડ હંમેશાં માત્રને માત્ર તેમની જ રહી. સંપૂર્ણ કે પરફેક્ટ કહી શકાય એવી નહીં છતાં ય એટલી બધી તેમની કે અવાજ કાને પડે તે પહેલાં એ સૂર વચ્ચેની જગ્યા ઓળખાઈ જાય. આ બે સૂરો વચ્ચેની ચોકસાઈ જ ટકી જવાની તાકાત છે. કેટલાં ગીતો, કેટલા એવોર્ડ્ઝ અગત્યનાં નથી હોતાં. એક વ્યક્તિનો અવાજ, એક ચોક્કસ ક્ષણમાં જે હતું અને જે હશે તેની વચ્ચે ચઢાણ કરે છે, સરકે છે; બસ એ જ સત્ય છે. 

બાય ધી વેઃ 

કદાચ આશાજી જાણતાં હતાં કે બુઝાયેલી રાતો પાછી નથી મળતી પણ તેમને એ પણ ખબર હતી કે તેમાંથી કંઇક સાર્થક જડી શકે છે. આ જ 92 વર્ષની તેમની સફર હતી. આજે જે પણ સ્ત્રીઓ કોઈની પરવાનગી વિના, માફી માગ્યા વિના, ઇચ્છા અને પીડાઓ અને ચોક્કસ પ્રકારની એકલતા વિશે મીઠી મધુરી થયા વિના જો ગાઈ શકે છે તો તેમને ખબર પણ નથી કે તે કોનું ઋણ લઈ રહી છે. આશાજીએ કોઈ દરવાજા નહોતા તોડ્યાં, કોઈ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો શોર નહોતો કર્યો, તેમણે સમાજ અને લાગણીઓની સખત દિવારોની આરપાર ત્યાં સુધી ગાયું જ્યાં સુધી એ દીવાલોને સમજાયું નહીં કે આ અવાજ સામે પોતે નહીં ટકી શકે. લોકોની અપેક્ષા પ્રમાણે નહીં જીવેલી દરેક સ્ત્રી, જેણે દેકારો કર્યા વિના, ચોધાર આંસુએ રડ્યા વિના વધારે ઇચ્છ્યું, વધારે માગ્યું, વધારે અનુભવ્યું અને વધારે મેળવ્યું એ અવાજ માત્ર તેમનો નહોતો, આશાજીનો હતો. ‘ 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2026

Loading

લોકશાહીનો ‘શાંત કોલાહલ’ : હંગેરીની યાદ અપાવતું ભારતનું ભારે મતદાન

રમેશ ઓઝા|Opinion - Opinion|26 April 2026

રમેશ ઓઝા

પશ્ચિમ બંગાળ અને તામીલનાડુની વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં જે પ્રમાણમાં મતદાન થયું એ જોઇને હંગેરી(સાચો ઉચ્ચાર કદાચ હંગરી, પણ આપણી ભાષામાં હંગેરી રૂઢ છે)ની યાદ આચી ગઈ. પશ્ચિમ બંગાળમાં ૯૧. ૭૮ ટકા મતદાન થયું અને તામિલનાડુમાં ૮૪.૬૯ ટકા મતદાન થયું. પશ્ચિમ બંગાળનું મતદાન આઝાદી પછીનો રેકોર્ડ છે. વાચકોને અહીં પ્રશ્ન થશે કે હંગેરીમાં એવું તો શું બન્યું કે તેની યાદ આવી? 

૧૬ વરસ પહેલાં હંગેરીમાં એક વિક્ટર ઓર્બન નામનો એક નેતા વડા પ્રધાનપદે ચૂંટાઈને સત્તામાં આવ્યો. ખંધો રાજકારણી હતો. એ પહેલાં પણ ૧૯૯૮થી ૨૦૦૨ એમ ચાર વરસ માટે તે વડા પ્રધાન રહી ચુક્યો હતો. પણ ૧૬ વરસ પહેલાં બીજી મુદ્દત માટે તેણે ઉમેદવારી કરી ત્યારે તેને સમજાઈ ગયું હતું કે કોમ્યુનિકેશન ટેકનોલોજીના નવા યુગમાં આસાનીથી સત્તા પર આવી શકાય છે અને પછી તેને કબજે પણ કરી શકાય છે. સત્તામાં આવવું એ મહત્ત્વનું નથી, દાયકાઓ સુધી સત્તા કબજે કરવાનું મહત્ત્વ છે અને એ હવે શક્ય છે. તેણે ફેંકવાનું શરૂ કર્યું. હંગેરીની સમસ્યા આર્થિક કે ભૌગોલિક નથી, નેતૃત્વની છે. દેશને તાજી હવાની જરૂર છે. એવા નેતાની જરૂર છે જે નવું વિચારે, જેની પાસે ધીંગી સમજ હોય, જે હટકે (આઉટ ઑફ બોક્સ) વિચારી શકતો હોય, જેની પાસે આઈડીયાઝ હોય, વગેરે વગેરે. 

વિક્ટર ઓર્બન

લોકોએ તેની વાત માની લીધી અને તેને વડા પ્રધાન બનાવ્યો. હવે તેનો બીજો એજન્ડા હતો દાયકાઓ સુધી સત્તા પર કબજો જમાવવાનો. પહેલાં તેણે મીડિયાવાળાઓને ખોળામાં બેસાડવાનું શરૂ કર્યું. જે ખોળામાં બેસવા તૈયાર નહોતા તેને પત્રકારત્વમાંથી બહાર ધકેલી દીધા. કોઈકનાં લાઈસન્સ રદ્દ કર્યા તો કોઈ સ્વતંત્ર મીડિયા હાઉસને કોઈને કોઈ માર્ગે ફસાવીને છીનવી લીધા. ચારે બાજુ જયજયકાર કરનારાઓ જ બચ્યા. એ પછી તેણે જૂઠાણાં પેદા કરનાર અને ફેલાવનાર સાઈબર સેલ શરૂ કર્યું. શરૂઆતની બે-ત્રણ લેયર જૂઠાણાં ફેલાવનારા પગારદાર સૈનિકોની હોય. દરેકની પાસે ચોક્કસ સંખ્યામાં લોકો હોય, એ પછીની લેયર પાસે વળી અમુક સંખ્યામાં નંબર હોય અને એ પછી ગમાર લોકો જૂઠાણાને સત્ય માનીને આગળ ફેલાવવાનો મોરચો સંભાળી લે. એ પછી ઓર્બન મહાશયે ટ્રોલ લોકોની એક આર્મી પેદા કરી. એ લોકોનું કામ હજુ પણ કહેલું નહીં બોલનારાઓને, સ્વતંત્ર રીતે વિચારનારાઓને અને શંકા કે પ્રશ્ન કરનારાઓને ડરાવવાનું હતું. અમારી ભાષા નહીં બોલો તો ચાલશે, પણ તમારી ભાષામાં બોલશો તો હાલત ખરાબ કરી નાખશું. તેમને ડરાવવામાં આવતા હતા, મા-બહેનની ગાળો આપવામાં આવતી હતી અને તેઓ જે વિચારધારામાં માનતા હતા તે વિચારના પ્રવર્તકોની બદનામી કરવામાં આવતી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ પણ તેની પાસે હતી જેનો તેણે વિરોધીઓને ડરાવવા ભરપૂર ઉપયોગ કર્યો. 

એ પછી તેણે વિરોધ પક્ષોને ખતમ કરવાનું શરૂ કર્યું. લોકપ્રતિનિધિઓની ખરીદી, પક્ષીય વિભાજન વગેરે. સામે મેદાનમાં કોઈ બચવું જ ન જોઈએ. વિરોધ પક્ષોને, મીડિયાને અને વિચારનારા ઈન્ટેલેકચ્યુઅલ્સને મેનેજ કરવા પ્રચંડ માત્રામાં પૈસાની જરૂર પડે એટલે તેણે આંગળિયાત ઉદ્યોગપતિનો સાથ લીધો. એ પછી તેણે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો જમાવવાનું ધરું કર્યું. ચૂંટણીપંચ ઓર્બન કહે એ મુજબ ચૂંટણી યોજે અને અદાલત વિરોધ પક્ષોની ફરિયાદ અદાલત સાંભળે નહીં. 

ના આ ભારતની વાત નથી. સમાનતા ભલે હોય પણ વાત હંગેરીની છે. જો ભારતની વાત હોત તો ઓર્બન માટે ચૂંટણીપંચે એસ.આઈ.આર.(સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિફોર્મ્સ)નું શસ્ત્ર વાપરીને વિરોધીઓને મતદારયાદીમાંથી હટાવવાનું કામ કરી આપ્યું હોત. બાય ધ વે ગુરુવારે લંડનના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ગાર્ડિયન’માં અહેવાલ પ્રકાશિત થયો છે કે ભારતનાં ચૂંટણીપંચે એટલી મોટી સંખ્યામાં મતદાતાઓની છટણી કરી છે કે યુરોપના આખેઆખા લોકશાહી દેશોના તમામ મતદાતાઓ બરાબર છે. આ છે વિશ્વગુરુની ભારત બહાર પ્રતિષ્ઠા! પણ ખેર આપણે વાત હંગેરીની કરી રહ્યા છીએ. 

હંગેરીમાં ખુલ્લા લોકતાંત્રિક સમાજની ખેવના કરનારાઓને લાગવા માંડ્યું કે હવે હાથમાંથી બાજી સરકી ગઈ છે. આ માણસે એવી રીતે ભરડો લીધો કે તેનાથી મુક્ત થવું મુશ્કેલ છે. તાનાશાહી તેના મધ્યાહ્ને છે અને હવે કોઈ ઉપાય બચ્યો નથી. ઓર્બનને પણ આમ જ લાગતું હતું અને દુનિયાના તાનાશાહો તેમ જ જમણેરી નેતાઓને પણ લાગવા માંડ્યું કે હંગેરીમાં ઓર્બનની પકડ પ્રચંડ પ્રમાણમાં મજબૂત છે. એટલે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપ પ્રમુખ જે.ડી. વાન્સને બુડાપેસ્ટ ચૂંટણી પ્રચાર માટે મોકલ્યા હતા. ઇઝરાયેલના નેતાન્યાહૂએ પોતાના પુત્ર યાઅર નેતાન્યાહૂને મોકલ્યો હતો. આ સિવાય બીજા દેશોના જમણેરી અંતિમવાદી રાજકારણીઓ પહોંચી ગયા હતા. પુતીને સીધી મદદ કરી હતી. શેતાનોની ધરી રચાઈ ગઈ હતી અને એ ધરી તૂટી શકે એમ નથી એમ તેમને લાગવા માંડ્યું હતું. 

મતદાતાઓ પાસે હવે કોઈ વિકલ્પ જ બચ્યો નથી એવી સાર્વત્રિક સમજ હતી. પણ મતદાતાઓએ વગર બોલ્યે એક ઉપાય શોધી કાઢ્યો. કચકચાવીને મતદાન કરવાનો. એટલા પ્રમાણમાં મતદાન કરવાનું કે જેટલા મત મેનેજ કરવામાં આવ્યા હોય કે ચોરી કરવામાં આવ્યા હોય કે કોઈને મતદાન કરતા રોકવામાં આવ્યા હોય તેનો ખાત્મો બોલી જાય. ભારે મતદાન કરીને ખંગ વાળી દેવાનો. શું આસામમાં, પશ્ચિમ બંગાળમાં, તામિલનાડુમાં કશુક આવું બની રહ્યું છે? ખબર નથી. બીજી અનેક રીતે હંગેરી અને ભારતની તુલના થઈ શકે એમ નથી. હંગેરીની વસ્તી એક કરોડની પણ નથી. પણ હંગેરિયનોએ મતદાન તબલાતોડ કર્યું. દુનિયા ચકિત થઈ ગઈ જે રીતે જ્ઞાનેશકુમાર ચકિત થઈ ગયા. જેને મતદાર યાદીમાંથી બહાર કર્યા તેનાથી દસ ગણા વધારે લોકોએ મત આપ્યા. એવું પણ બને કે ભારે મતદાન ચૂંટણી હાઈજેક કરવાના ભાગરૂપે હોય! અત્યારના શાસકો અને ચૂંટણીપંચ કાંઈ પણ કરી શકે એમ છે. 

અહીં મને આપણા કવિ નિરંજન ભગતના કથનની યાદ આવે છે. બે દાયકા પહેલાં તેમણે મુંબઈમાં એક વ્યાખ્યાન આપ્યું હતું અને તેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રો પર, માનવીય સભ્યતા પર જ્યારે સંકટ આવે છે ત્યારે તેનાથી તેને છોડાવવાનું કામ સામાન્ય માનવી જ કરે છે. કોઈ પત્રકાર, કોઈ રાજકીય પક્ષ, કોઈ રાજકીય નેતા એ ન કરી શકે. કારણ એ છે કે તેનું (પ્રજાનું) માનસ જ્યારે કરવત બદલે છે ત્યારે તેને મેનેજ કરી શકાતું નથી. એ અશક્ય છે. કોઈ તાકાત કામમાં આવતી નથી. પ્રજામાનસમાં શાંત કોલાહલ પેદા થાય છે, એ વગર સંપર્કે સંક્રમિત થાય છે અને સંકટનું મોચન થાય છે. 

આ કદાચ વિશફુલ થીંકીંગ પણ હોય. પરંતુ હંગેરી અને બ્રાઝીલમાં પ્રચંડ મતદાન દ્વારા પરિવર્તન જોવા મળ્યું છે. જુઓ શું થાય છે. હમણાં કહ્યું એમ આટલું મતદાન ચૂંટણીપંચની રમત હોય તો પણ આશ્ચર્ય નહીં પામતા. ચૂંટણીપંચ બી.જે.પી.ની નિર્વાચન પાંખ છે.    

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—338 

દીપક મહેતા|Opinion - Opinion|25 April 2026

સપનું જોનાર જ નહિ, સપનાને સાચું પાડનાર સર આદમજી પીરભોય   

અંધારૂં અરધાંગમાં, અરધે અંગ ઉજેશ,

જાણે પર્વત લાવીઓ અર્ધનારીનો વેશ.

આ શબ્દો છે કવીશ્વર દલપતરામના. લખાયા હતા માથેરાનમાં. તેઓ લખે છે : “સવારમાં પહાડ ઉપરની રચના રમણિક (રમણીય) દેખાતી હતી. જેમ જાદુના ફાનસમાંથી પડદા ઉપર દેવના, અને રાક્ષસ વગેરેના આકાર ઝડપથી બદલાતા દેખાય છે, તેમ જ ઈશ્વરી રચનાથી પહાડ ઉપર ઝડપથી બદલાતા તરેહ તરેહના આકાર દેખાતા હતા. એક જ સમે અડધા પર્વત ઉપર દહાડો, અને અડધા ઉપર રાત દેખાતી હતી.” (કોણ જાણે કેમ, પણ દલપતરામનાં ગદ્ય લખાણોના કોઈ સંપાદનમાં આ લેખ જોવા મળતો નથી.)

હા, જી. અમને ખબર છે કે ઘણા વાચકો પૂછશે કે કવિ દલપતરામ વળી માથેરાન ગયા હતા? ક્યારે? કઈ રીતે? હા, જી. ગયા હતા. શેઠ મંગળદાસ નથુભાઈએ દલપતરામની કવિતા સાંભળવાના ‘શોખથી’ દલપતરામને માથેરાન બોલાવ્યા હતા અને ૧૮૭૦ના મે મહિનાની ૨૫ તારીખે તેઓ માથેરાન ગયા અને સાતેક દિવસ ત્યાં શેઠના મહેમાન તરીકે રહ્યા. આ મુસાફરી પર આધારિત તેમનો લેખ ‘માથેરાનની મુસાફરી’ ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના એ જ વરસના જુલાઈ અંકમાં છપાયો હતો. દલપતરામ નેરળથી માથેરાન પગરસ્તે ગયા હતા (કારણ એ વખતે બીજો કોઈ રસ્તો હતો જ નહિ.) પણ એ રસ્તા અંગે તેમણે ઝાઝું લખ્યું નથી. 

૧૮૯૧માં પ્રગટ થયેલું ગુલબાઈ ફરામજી પાઠકનું પુસ્તક ‘માથેરાન’

એ માહિતી મળે છે ૧૮૯૧માં પ્રગટ થયેલા ગુલબાઈ ફરામજી પાઠકના ‘માથેરાન’ નામના પુસ્તકમાંથી. તેઓ લખે છે: “૧૮૫૩ના વરસ અગાઉ કરજત થઈને ચોકને રસ્તે આ ટેકડી ઉપર જવાતું હતું, પણ ત્યાર પછી નેરળથી ઉપર જવાનો રસ્તો મિસ્ટર ઈ.વી. વેસ્ટ નામના સિવિલ એન્જિનિયરે રૂપિયા દસ હજારના ખર્ચે યોજ્યો હતો અને તે ૧૮૫૩માં પૂરો થયો હતો.” આ રસ્તે ચાલીને, અથવા ડોળીમાં કે ઘોડા પર બેસીને માથેરાન પહોંચી શકાતું. 

એક તો અઘરું ચડાણ, આવવા-જવાનું મોંઘુ, એટલે અંગ્રેજ સરકારના નોકરો કે બીજા બ્રિટીશરો, માલેતુજાર પારસીઓ કે બીજા શેઠિયાઓ સિવાય બહુ ઓછાને માથેરાન જવાનું પોસાતું. પરિણામે એ વખતે માથેરાનમાં બજારમાં ફક્ત દસ દુકાન હતી, અને ફક્ત છ હોટેલ હતી,. સૌથી સારી હોટેલમાં એક રૂમનું એક દિવસનું ભાડું હતું રૂપિયા પાંચ, જેમાં આખા દિવસની ખાણીનો પણ સમાવેશ થતો (પણ ‘પીણી’નો નહિ).

સર આદમજી પીરભોય

મુંબઈના બીજા માલેતુજાર શેઠિયાઓની જેમ સર આદમજી પીરભોય પણ અવારનવાર મુંબઈથી માથેરાન જતા. અને આ સર સાહેબ હતા ગયે અઠવાડિયે આપણે જેની વાત કરેલી તે વહોરા જમાતનાં એક અગ્રણી, મુંબઈના એક મોટા વેપારી. પણ આ માણસ હતો જરા જુદી માટીનો. એને વિચાર આવ્યા કરે કે મારા જેવાને તો આવી મોંઘી મુસાફરી પોસાય. પણ ‘આમઆદમી’નું શું? એને બિચારાને આ અઘરી અને મોંઘી મુસાફરી કઈ રીતે પોસાય? અને એક દિવસ મનમાં વિચાર ઝબકયો : ‘નેરળથી માથેરાન જતી ટ્રેન શરૂ થાય તો એ મુસાફરી બધાને પોસાય.’ અંગ્રેજ સરકારના ‘સાહેબો’ સાથે ઊઠવા-બેસવાને કારણે તેમની સાથે ઘરોબો. તેમને કાને વાત નાખી. એ વખતે મુંબઈથી નેરળ (અને પછી આગળ) જતી ગ્રેટ ઇન્ડિયા પેનેનસ્યુલા રેલવે હતી ખાનગી માલિકીની. તેણે તો તરત નનૈયો ભણી દીધો. અને સરસાહેબે મનોમન ગાંઠ વાળી : નેરળથી માથેરાન સુધીની ટ્રેન હું સુરુ કરસ જ. 

પણ આ સર આદમજી પીરભાઈ હતા કોણ? કાઠિયાવાડના ધોરાજી ગામમાં ૧૮૪૬માં જન્મ. માતાપિતાનું નામ સકીનાબાનુ અને કાદરભાઈ. ઘરમાં ગરીબીના આંટાફેરા સતત ચાલુ. ધોરાજીમાં રહીને કાંઈ આશાનો સૂરજ ખીલવી શકાશે નહિ એમ લાગતાં ખિસ્સામાં પાંચ રૂપિયા (એ વખતે એ બહુ નાની રકમ નહીં) લઈને નસીબ અજમાવવા મુંબઈ આવ્યા. મહીને એક રૂપિયાના ભાડામાં ‘ઘર’ મળ્યું. હવે સવાલ એ કે ઓછામાં ઓછી મૂડીમાં ધંધો શો કરવો? અને આદમજીના ભેજામાં બત્તી થઈ : ‘કોટ વિસ્તારની ફૂટ પાથ પર બેસીને માચીસની પેટીઓ વેચવી. બાકીના મહિનામાં તો ટાઢ-તડકો વેઠીને ફૂટ પાથ પર બેસીને માચીસ વેચાય પણ ચોમાસામાં? કોટ વિસ્તારમાં જ લુકમાનજી શેઠની એક દુકાન. તેના એક ખૂણામાં બેસીને માચીસ વેચી શકાય. પણ એ માટે ભાડું આપવાનાં ફદિયાં તો ખિસ્સામાં મળે ની. અને કોઈનું બી કસ્સું બી મફતમાં લેવાય કે વપરાય નહિ. એટલે આદમજીએ લુકમાનજી શેઠ આગળ દરખાસ્ત મૂકી: રંગ અને બ્રશ તમારાં, મહેનત મારી. તમારું આખું ઘર હું એક દમડી બી લીધા વનાં રંગી આપસ. પછી તો રાત-દિવસ જોયા વગર રંગવા લાગ્યા ઘર. શેઠ કહે કે વરસાદમાં આવ-જા કરવા કરતાં અહીં જ રહી જા. આખો દિવસ કામ કર્યા પછી આદમજી રાતે હાથમાં કિતાબ લઈને બેસે. ધીમે ધીમે, જાતમહેનતે થોડું થોડું ગુજરાતી વાંચતાં-લખતાં શીખ્યા. થોડા સરવાળા-બાદબાકી શીખ્યા. 

લુકમાનજી શેઠનો એક અંગ્રેજ મિત્ર, લેફ્ટનન્ટ સ્મિથ. અવારનવાર આવનજાવન. આદમજીએ જે રીતે ઘરને રંગીને શોભીતું કીધું હુતું તે આ સ્મિથ સાહેબને પસંદ પડી ગયું. કહે કે હવે મારો બંગલો રંગી આપ. આદમજીએ રંગેલો બંગલો જોઇને તો સ્મિથસાહેબ ખુશ ખુશ. લશ્કરનાં અને સરકારનાં બીજાં મકાનો રંગવાના કન્ત્રાક પણ એક પછી એક આદમજીને મળવા લાગ્યા. પછી મળ્યું લશ્કર માટે તંબુ બનાવવાનું કામ, સૈનિકો માટે બૂટ બનાવવાનું કામ. બે વરસ વીત્યાં. ખિસ્સામાં પાંચ રૂપિયા લઈને મુંબઈ આવેલા આદમજી પાસે મૂડી થઈ ગઈ રૂપિયા પાંચ લાખની. પણ મૂડી કરતાં ય વધુ કિંમતી તે તો મુંબઈની બજારમાં બંધાયેલી એવનની શાખ. 

પછી તો આદમજી કી સવારી નિકલ પડી. વીસ વરસની ઉંમરે મલબાર હિલ પર પોત્તાનો બંગલો બંધાવ્યો, પીરભોય પેલેસ’ (પછીનું નામ સૈફી મહાલ). ઘરમાં બે ઘોડાવાળી ગાડીઓ, નોકર-ચાકરનો કાફલો, રજવાડી રાચરચીલું. પણ બધી પસીનાની કમાણી.

પૈસો આવતો ગયો તેમ જમાતના અને પછી બીજા બધા લોકોના હિતનાં કામ કરવા લાગ્યા. સખાવતો માટે દિલના દરવાજા ખુલ્લા. પોતે ઝાઝું ભણી શક્યા નહોતા પણ જમાતના અને બીજાં બાળકો માટે ૨૭ નિશાળ શરૂ કરાવી. એ નિશાળો ચલાવવા માટે દર વરસે ૧૨-૧૩ હજાર રૂપિયા ખરચતા. ૧૮૮૫મા સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે ચારની રોડ સ્ટેશન સામે ‘સર આદમજી પીરભોય સેનેટોરિયમ બંધાવ્યું. આ ઉપરાંત તેમણે આદમજી પીરભોય હોસ્પિટલ અને ૧૯૦૩મા પત્નીના અવસાન પછી અમનબાઈ ચેરીટેબલ હોસ્પિટલ પણ બંધાવી. તેમની લોકસેવાને ધ્યાનમાં લઈને બ્રિટિશ સરકારે તેમને પહેલાં જસ્ટિસ ઓફ પીસ (JP)ની પદવી આપી. ૧૮૯૭માં મુંબઈના પહેલવહેલા શેરીફના સ્થાને આદમજી શેઠ નિમાયા. ઈ.સ. ૧૯૦૦માં ‘કૈસરે-હિન્દ’નો મરતબો આપ્યો. અને ૧૯૦૭માં ધોરાજીનો આ લગભગ અભણ છોકરો બન્યો સર આદમજી પીરભોય. ૧૯૧૩ના ઓગસ્ટની ૧૧મી તારીખે તેઓ જન્નતનશીન થયા.

મલબાર હિલ પરનો ‘પીરભોય પેલેસ’ 

પણ હવે પાછા જઈએ નેરળ-માથેરાન ટ્રેન તરફ. જી.આઈ.પી. રેલવે આ કામ કરવા માટે તૈયાર ન હોય તેથી શું થયું? હિંમતે મર્દા તો મદદે ખુદા. ખુદાનું નામ લઈ સર આદમજી પીરભોયે નક્કી કર્યું કે આ કામ હું પોતે કરસ. પણ એવન પાક્કા વ્યવહારુ પણ હતા. જે લાઈનમાં બે પાટા વચ્ચે અઢી ફૂટનું અંતર હોય તે તે વખતે નેરોગેજ રેલવે લાઈન. એવી લાઈન શરૂ કરવા માટે દિલ્હી જ નહિ, લંડન સાથે પણ લાંબી લખાપટ્ટી કરવી પડે. એટલે પહેલાં તો નક્કી કર્યું કે નેરળ-માથેરાન લાઈનના બે પાટા વચ્ચેનું અંતર અઢી ફૂટ નહિ, પણ બે ફૂટ રાખવું. આમ કરવામાં બે ફાયદા. એક તો આવી લાઈન શરૂ કરનારી કંપની કાયદાની દૃષ્ટિએ ‘ટ્રામ વે કંપની’ ગણાય. એ શરૂ કરવા માટે સરકારી ઓફિસોનાં પગથિયાં બહુ ઘસવાં ન પડે. અને લંડન સુધી જવાની તો જરૂર જ નહિ. બીજો ફાયદો એ કે માથેરાનના ડુંગર પર ચડવા માટેનો રસ્તો થોડો ઓછો પહોળો રાખી શકાય. તેના વળી બે ફાયદા. ખરચ થોડો ઓછો, અને કામ થોડું ઝડપથી થાય.

યાદ રહે કે આ કામ ૨૦મી સદીના પહેલા દાયકામાં થયેલું. આજના જેવાં મશીનો નહિ. મોટા ભાગનું કામ મજૂરો પાસે કરાવવાનું. ડુંગરના વળાંકોને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે પહેલાં કેડી તૈયાર કરવાની. એ તૈયાર થઈ ત્યારે તેમાં કુલ ૨૦૦ વળાંકો! પછી કામ શરૂ થયું પાટા નાખવાનું. સર આદમજી પીરભોયે ગજબની દૂરંદેશી વાપરીને નક્કી કર્યું કે નામ ભલે ટ્રામનું, પણ કામ તો ટ્રેન પ્રમાણે જ કરવું. એટલે રેલવેમાં વપરાય તેવા વધુ મજબૂત પાટા નખાવા લાગ્યા. પહેલાં તો કેટલાંયે ઝાડ કપાયાં. ડુંગરના કાળમીંઢ પથ્થરો તોડાયા. કુદરતી ઢોળાવને ધ્યાનમાં રાખીને કેડી બનાવી. નેરળથી માથેરાન વચ્ચે ૧૩ માઈલના અંતર પર પાટા નખાયા. એ કામ ૧૯૦૧માં શરૂ થયું અને ૧૯૦૭માં પૂરું. 

નેરળથી માથેરાન જતી પહેલી ટ્રેન, ૧૫ એપ્રિલ,૧૯૦૭ 

એક બાજુ આ બધું કામ ચાલતું હતું અને બીજી બાજુ સરસાહેબ ઊપડ્યા જર્મનીની મુલાકાતે. આ ‘ટોય ટ્રેન’ માટે એન્જિન ખરીદવા. ત્યાંથી પહેલાં બે એન્જિન – નંબર ૭૩૮ અને નંબર ૭૪૧ – લાવ્યા. તેમાંનું ૭૩૮ નંબરનું એન્જિન આજે પણ નેરળ સ્ટેશનના ઉત્તર દિશાના ખૂણામાં ગોઠવાયેલું જોવા મળે છે. તેની બાજુમાં જે લખાણ છે તે પ્રમાણે સરસાહેબ જ્યારે એન્જિન ખરીદવા જર્મની ગયા ત્યારે આ એન્જિનમાં બેસીને તેમણે થોડી મુસાફરી કરી હતી, એન્જિનને ચકાસવાના ઈરાદાથી. ૧૯૦૭માં બીજાં બે એન્જિન મગાવ્યાં. અને ૧૯૧૭માં પાંચમું એન્જિન આવ્યું. નેરળ-માથેરાન ટ્રેન ૧૯૮૨ સુધી સ્ટીમ એન્જિનથી ચાલતી રહી. અને ત્યાં સુધી એ કામ આ અસલ પાંચ એન્જિન જ કરતાં રહ્યાં!

અને છેવટે એ દિવસ આવ્યો: ૧૯૦૭ના એપ્રિલ મહિનાની ૧૫મી તારીખ. સવારે સાડા દસ વાગ્યે પહેલવહેલી ટ્રેન (કાયદાની દ્રષ્ટિએ ટ્રામ) નેરળથી ઊપડી અને બપોરે બે વાગ્યે માથેરાન પહોંચી! એ વખતે એક બચુકડું સ્ટીમ એન્જિન, તેને જોડેલા પાંચ ડબ્બા. ફર્સ્ટ ક્લાસના એક ડબ્બાને માથે છાપરું. આ લખનાર જેવા માટેના થર્ડ ક્લાસના ડબ્બાને માથે છાપરું નહિ! આ લાઈન બાંધવાનો કુલ ખર્ચ, એ જમાનામાં, અધધધ ૧૬ લાખ રૂપિયા, જે સર આદમજી પીરભોયે પોતે ઉપાડી લીધેલો.

સર આદમજી પીરભોયે આ કામ પોતે ઉપાડીને પૂરું કર્યું એટલે જ આજે મુંબઈના મધ્યમ વર્ગનું બાળક પણ ગાય શકે છે : ‘મમ્મી ચાલને માથેરાન!’

***

ખુલાસો: શનિવાર, તા. ૧૮ એપ્રિલના રોજ આ કોલમમાં પ્રગટ થયેલા લેખમાંના સૈફી હોસ્પિટલના ઉલ્લેખ અંગે હુસેન આદમજી પીરભોયે ઈ-મેલ દ્વારા નીચે પ્રમાણે જણાવ્યું છે :

The property in question is, in fact, still owned by the family of Sir Adamjee Peerbhoy. Syedna Saheb holds the position of a Trustee and is not the owner of the property.

આ અંગે જણાવવાનું કે ઉપરોક્ત લેખમાં સૈફી હોસ્પિટલની જગ્યા નામદાર સૈયદનાસાહેબની માલિકીની છે/હતી એવું ક્યાં ય જણાવ્યું નથી. માત્ર આટલો જ ઉલ્લેખ કર્યો છે : “આ બહુમાળી હોસ્પિટલ ઊભી કરવાનો મૂળ વિચાર સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો.” કોઈ પણ જમાતની આંતરિક બાબતો અંગે આ કોલમમાં ક્યારે ય ટીકાટિપ્પણ ન જ કરવી એવો નિયમ રાખ્યો છે. – દી.મ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 ઍપ્રિલ 2026

Loading

...102030...64656667...708090...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved