આ જા સનમ મધુર ચાંદની મેં હમતુમ મિલે
તો વીરાને મેં ભી આ જાયેગી બહાર
ઝૂમને લગેગા આસમાં
કહેતા હૈ દિલ ઔર મચલતા હૈ દિલ
મોરે સાજન લે ચલ મુઝે તારોં કે પાર
લગતા નહીં હૈ દિલ યહાં ..
ભીગી ભીગી રાત મેં દિલ કા દામન થામ લે
ખોઈ ખોઈ ઝિંદગી હરદમ તેરા નામ લે
ચાંદ કી બહેકી નજર કહ રહી હૈ પ્યાર કર
ઝિંદગી હૈ એક સફર કૌન જાને કલ કિધર ..
દિલ યે ચાહે આજ તો બાદલ બન ઊડ જાઉં મૈં
દુલ્હન જૈસા આસમાં ધરતી પર લે આઉં મૈં
ચાંદ કા ડોલા સજે ધૂમ તારો મેં મચે
ઝૂમ કે દુનિયા કહે પ્યાર મેં દો દિલ મિલે ..

રાજ કપૂર – નરગિસ
વરસાદની મોસમ આ વખતે વહેલી શરૂ થવાની છે એવી આગાહી છે. તો પણ આ લેખ પ્રિય વાચકોના હાથમાં આવશે ત્યારે મોટે ભાગે વરસાદ થયો નહીં હોય. મેઘરાજાની મહેરને ઝંખતી પૃથ્વી અને પૃથ્વીને ભીંજવવા આતુર મેઘની સ્થિતિ ગોરંભાયેલી-ગોરંભાયેલી, એકબીજા વિના વ્યાકુળ થયેલા પ્રેમીઓ જેવી હશે. પ્રેમીઓનું નામ આવે ત્યારે મનમાં જે રોમેન્ટિક જોડીઓ આકાર લેવા લાગે એમાં રાજ કપૂર-નરગિસની જોડી મોખરે હોય. બીજી જૂને રાજ કપૂરની પુણ્યતિથિ છે અને નરગિસનો જન્મદિન. એટલે આજનું ગીત રાજ કપૂર-નરગિસનું જ હોઈ શકે. માણીએ આ ગીતને, અને યાદ કરીએ જેની તાજગી અર્ધી સદીથી વધારે સમય થયાં છતાં વિલાઈ નથી એવી રાજ-નરગિસની ફિલ્મોના એ સદાબહાર યુગને.
‘આ જા સનમ મધુર ચાંદની મેં હમતુમ મિલે તો વીરાને મેં ભી આ જાયેગી બહાર’ એકીશ્વાસે ગવાયેલી આ પંક્તિ આપણે પણ એકીશ્વાસે સાંભળી છે ને પછી શ્વાસ લઈએ-ન લઈએ ત્યાં તો ‘ઝૂમને લગેગા આસમાં’ શબ્દો વહી આવીને આપણને લઇ ચાલ્યા છે ચાંદનીમાં ઝબકોળાયેલા ખુલ્લા આકાશમાં. પણ હજી પૂરું નથી થતું. આપણે ઝૂમવા-પીગળવા-ઓગળવા લાગ્યા હોઈએ ત્યાં તો બીજી પંક્તિ આવે છે, ‘કહેતા હૈ દિલ ઔર મચલતા હૈ દિલ મોરે સાજન લે ચલ મુઝે તારોં કે પાર, લગતા નહીં હૈ દિલ યહાં ..’ પછી રાજ-નરગિસ તો ચાલ્યા જાય છે તારાઓને પારની દુનિયામાં અને આપણું દિલ – પછી ક્યાં ય નથી લાગતું.
જૂનાં ફિલ્મી ગીતોની આ કેવી અસર છે? એ ગીતો હૃદયને માત્ર સ્પર્શતાં નહીં, ઊતરી જતાં એની ગહનતામાં. જ્યારે યાદ આવે ત્યારે ઉંમર, ઠાવકાઈ, શાણપણ વગેરેનાં મહોરાં ઊતરી જાય અને જડી જાય પોતાનો પોતે જ ભુલાવી દીધેલો, ક્યાંક ચડાવી દીધેલો કોમળ, ભીનો ચહેરો. યુટ્યૂબ પર રાજ કપૂર-નરગિસનાં દસ ગીતોનો ચાલીસ મિનિટનો વીડિયો જોયો છે? ‘આ જા સનમ’, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ’, ‘જાને ન નજર, પહચાને જિગર’, ‘આ જા રે’, ‘ઘર આયા મેરા પરદેસી’, ‘ઇચકદાના, બિચકદાના’, ‘દમભર જો ઉદ્ધાર મુંહ ફેરે’, ‘જાગો મોહન પ્યારે’ વીડિયો પૂરો થાય ત્યારે જાણે ચાલીસ મિનિટમાં એક જિંદગી જીવી લીધી હોય એવો અનુભવ થાય છે.
‘આ જા સનમ’ 1956માં બનેલી ફિલ્મ ‘ચોરી ચોરી’નું ગીત. આ ફિલ્મ બન્યાને સાત દાયકા થયા. ‘ચોરી ચોરી’ જેના પરથી બની હતી એ હોલિવૂડ ફિલ્મ ‘ઈટ હેપન્સ વન નાઈટ’ બન્યાને નવ દાયકા થયા. એના પરથી મહેશ ભટ્ટે બનાવેલી ‘દિલ હૈ કિ માનતા નહીં’ને પણ સાડાત્રણ દાયકા વીત્યા. ‘ચોરી ચોરી’ આર.કે. ફિલ્મ્સનું નહીં પણ એ.વી.એમ.નું પ્રોડક્શન હતું. ગીત શૈલેન્દ્ર-હસરત, સંગીત શંકર-જયકિશન. મુકેશ વૉઇસ ઑફ રાજકપૂર કહેવાય છે પણ રાજ કપૂરનાં સૌથી રોમેન્ટિક ગીતો માટે મન્ના ડેએ પ્લેબેક કર્યું છે, જેમનાં ત્રણ આ ફિલ્મમાં છે – ‘આ જા સનમ’, ‘યે રાત ભીગી ભીગી’ અને ‘જહાં મૈં જાતી હૂં વહીં ચાલે આતે હો’. પહેલું ગીત હસરત જયપુરીએ લખ્યું છે, બાકીનાં બંને શૈલેન્દ્રનાં છે. ‘આ જા સનમ’ની શરૂઆત ઇટાલિયન લોકગીત ટારેન્ટેલા નેપોલેટાના પરથી લેવાઈ હતી.
રાજ કપૂર-નરગિસ એટલે ફિલ્મજગતનું સૌથી ચાર્મિંગ, સૌથી રોમેન્ટિક યુગલ. ‘ચોરી ચોરી’ એ બંનેની છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછીની ‘જાગતે રહો’માં બંને સાથે હતાં, પણ નાયક-નાયિકા તરીકે નહીં. એમાં નરગિસ ફિલ્મના અંતે આવતા ‘જાગો મોહન પ્યારે’ ગીત પૂરતી જ દેખાઈ હતી. એ ગીતના અંતે આખો દિવસ પાણી માટે રખડતા-રઝળતા રાજ કપૂરને પૂજારણ નરગિસ પાણી પીવડાવે છે. સ્નેહ અને કરુણાથી તરસ્યા મુસાફરના ખોબામાં જળ રેડતી એ પૂજારણનું દૃશ્ય ખૂબ સૂચક અને અર્થપૂર્ણ છે – ‘એણે જ મને તૃપ્ત કર્યો’ એનું અને ‘આ અંત છે’ એનું પણ જાણે એ એલાન હતું.
એક જ દસકામાં સત્તર ફિલ્મોમાં કામ કરનાર રાજ કપૂર-નરગિસનો પડદા પરનો અને પડદા બહારનો રોમાન્સ પણ એક જ દાસકામાં શરૂ થઈને સમેટાઇ ગયો હતો. નરગિસની મા જદ્દનબાઈનું ત્યારે ફિલ્મમેકર તરીકે મોટું નામ. તેને કઇંક પૂછવા ગયેલા 23 વર્ષના રાજ કપૂર માટે 17 વર્ષની નરગિસે બારણું ખોલ્યું ત્યારે જે બન્યું તેને પાછળથી રાજ કપૂરે ‘બૉબી’ ફિલ્મના ઋષિ કપૂર-ડિમ્પલના પ્રથમ મિલન માટે ફિલ્માંકિત કર્યું એ આપણને ખબર છે. રાજ કપૂરની ઓળખ ત્યારે પૃથ્વીરાજ કપૂરના દીકરા તરીકેની જ હતી, જ્યારે નરગિસ તેની માએ અને ત્યાર પછી મહેબૂબખાને બનાવેલી ઘણી ફિલ્મોમાં કામ કરી જાણીતી થઈ ચૂકી હતી.
ઝડપથી બંનેનો રોમાન્સ શરૂ થઈ ગયો. વર્ષની છ ફિલ્મો કરતી નરગિસે આર.કે. સ્ટુડિયોની વર્ષે-બે વર્ષે બનતી ફિલ્મોમાં એક્સક્લુઝિવલી કામ કરવા માંડ્યું. રાજ કપૂરે તેને સ્ટુડિયોમાં રહેવા આપ્યું હતું અને મહિનાની અમુક રકમ પણ બાંધી આપી હતી; જે નરગિસને મંજૂર હતી, પણ તેના પરિવારને નહીં. નરગિસને તેની પરવા ન હતી. 1951ની ‘આવારા’એ રશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં જબરજસ્ત ચાહના મેળવી હતી. ત્યાંના પ્રવાસ દરમિયાન લોકોએ આ જોડીનું દિલ ખોલીને સ્વાગત કર્યું હતું. ત્યાંના પપેટ શોથી પ્રેરિત થઈને ‘ચોરી ચોરી’નું ‘જહાં ભી જાતી હૂં’ બન્યું હતું. રાજ કપૂરે નરગિસને આર.કે. સ્ટુડિયોનો હિસ્સો બનાવી, પોતાનું હૃદય આપ્યું, પણ જીવનમાં સ્થાન ન આપી શક્યો. ઘાયલ, ભાંગી પડેલી નરગિસને એ સ્થાન, એ સન્માન સુનીલ દત્તે આપ્યું. પણ એ સફર પણ સહેલી ન હતી. ‘મધર ઈન્ડિયા’થી નરગિસે નવી ભવ્ય શરૂઆત કરી, પદ્મશ્રી મેળવ્યું ત્યારે એ સુનીલ દત્ત સાથેના સંબંધો સ્થિર કરવા પર કેન્દ્રિત હતી. પોતાની ડાયરીમાં નરગિસે લખ્યું છે, ‘દત્તસાબ નહીં હોતે તો મૈં મર જાતી.’ દત્તસાબની જિંદગીમાં બની રહેવા માટે નરગિસે ઘણા ભોગ આપ્યા છે, જેનો તેને કદી કોઈ અફસોસ થયો ન હતો. રોમાન્સના, જિંદગીના કેવા અલગ અલગ રંગ હોય છે!
‘ચોરી ચોરી’ ઘર છોડી ભાગેલી શ્રીમંત બદમિજાજ કમ્મો (નરગિસ) અને તેજદિમાગ પત્રકાર(રાજ કપૂર)ની મસ્તીભરી પ્રેમકહાણી છે. કમ્મો ભાગી તો છે મનપસંદ યુવાન (પ્રાણ) સાથે લગ્ન કરવા, જે અય્યાશ હોવાથી તેના પિતાને પસંદ નથી. પિતા એને માટે મોટું ઈનામ જાહેર કરે છે. પત્રકારને ‘સ્ટોરી’ની તલાશ છે. સાથે કરેલી મુસાફરી દરમ્યાન નાનાંમોટાં વિઘ્નોમાંથી પસાર થતાં બંને એકબીજાને ચાહવા લાગે છે. વાર્તા ત્યાર પછી પણ છે, પણ આપણે ગીત તરફ જઈએ.
‘આ જા સનમ’ ચાંદની રાતે, તારાઓની છાયામાં, ખીલેલાં ફૂલો વચ્ચે ઊઠતી હૃદયની સુગંધના નશાનું મસ્તમીઠું ગીત છે. રાજ કપૂર-નરગિસની કેમેસ્ટ્રીમાં ગમે તેવો ખરાબ મૂડ સરખો કરી દેવાની તાકાત હતી. એક વાર તો એમ થઈ જાય કે વાસ્તવિકતા ગમે તે કહેતી હોય, રોમાન્સ ઈઝ રોમાન્સ. મન બધાની એસીતેસી કરીને પૂછવા લાગે, ‘ઐસેમેં કહીં કયા કોઈ નહીં ભૂલે સે જો હમકો યાદ કરે, એક હલકી સી મુસ્કાન સે જો સપનોં કા જહાં આબાદ કરે …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 મે 2026
![]()

