એ જજમેન્ટ છે ને આ લેખ તેની વિરુદ્ધમાં નથી, છતાં તમામ કોર્ટ અને જજમેન્ટની ક્ષમાયાચના સહ આ હળવો લેખ પ્રસ્તુત છે.

રવીન્દ્ર પારેખ
એક ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ રદ્દ કરવાની વાતે, એક હાઈકોર્ટે હોટેલનો બચાવ કરતા કહ્યું કે બે વાંદા નીકળે એટલા માત્રથી હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરાય. આમ તો હોટેલનું ભાગ્યે જ કોઈ સારું બોલે છે, ત્યાં હાઈકોર્ટ તેની વહારે આવી ને કહ્યું કે બે વાંદા નીકળે એટલે હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ના થાય. આપણે તો બાપુ ખુશ થઈ ગયા, એ જજ સાહેબો પર કે આવું જડબેસલાક જજમેન્ટ આપ્યું. જજ સાહેબો એ હોટેલમાં જમવા ગયા છે કે નહીં, તેની ખબર નથી ને એ પણ ખબર નથી કે બે વાંદા એમની પ્લેટમાંથી નીકળ્યા કે અન્યની, તે પણ ખબર નથી, તે સાથે જ વાંદાની કુલ સંખ્યા કેટલી હતી એ પણ ખબર નથી, પણ જજમેન્ટ અફલાતૂન આવ્યું. જજસાહેબોએ સાફ સંભળાવી દીધું કે બે વાંદા નીકળે એટલા પરથી લાઈસન્સ સસ્પેન્ડ ન થાય.
હોટેલ મેનેજરે તો બચાવમાં કહ્યું પણ ખરું, ‘બીજે જરા જઈને જુઓ કે ખાવામાં શું શું હોય છે? એક હોટેલમાં તો ઇયળનો ભાત હતો. જો કે, કોઈ કોઈ ભાત પણ હતો ને તપાસ કરો કે ચાના કપમાંથી માખી ન નીકળી હોય, એવું કોઈ સાબિત કરશે, તો હું હોટેલ બંધ કરી દઈશ. એક હોટેલમાં ચા પીવા એક ગ્રાહક ગયો ને ચામાંથી માખી બતાવતાં તે બોલ્યો, ‘ચામાં તો માખી છે, તો વેઈટર બોલ્યો, આટલામાં માખી જ આવે. ચામાં માખી નહિ તો શું હાથી નાખું. દેખીતું છે કે હાથી સસ્તો હોત તો એ નાખ્યો હોત, પણ વીસ રૂપિયાની ચામાં તો કેટલુંક આવે? કેટલું બધું બીજે થાય છે તે જોતાં નથી અને અમારે ત્યાં બે વાંદા નીકળ્યા તો હોબાળો મચી ગયો. દસ બાર વાંદા કે ઉંદર નીકળે ને આટલી હોહા થાય તો કૈંકે સમજ્યા, આ તો બે વાંદામાં લાઈસન્સ રદ્દ કરી દીધું.
આટલો કકળાટ સાંભળ્યા પછી કોર્ટે પૂછ્યું, ‘હવે કરવું છે શું?’
‘હું શું કરી શકું એમ છું? બહુ બહુ તો બેને બદલે એક જ કોક્રોચ આવે એમ કરી શકું.’
‘વાંદો બોલતાં શું થાય છે? કોક્રોચથી જંતરમંતર યાદ આવે તે સમજ નથી પડતી? એ પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું, તે અહીં ના જોડો. એક પણ વાંદો ન હતો, છતાં એક જજે કોક્રોચ કહીને વેચાતી લીધી હતી.’
‘સોરી, સર ! બીજી વખતે વાંદો જ કહીશ’
‘લોકો પણ ખરા છે. એક વાંદો નીકળે તેમાં કેટલો ખર્ચો થતો હોય છે તે તો જુઓ. આટલા વાંદા, ખાવાનાંમાં ઉમેરવાનું સહેલું નથી. વાંદાને પકડવાનું પાંજરું ય નથી મળતું કે તેમાં પૂરીએ. વાંદાને પકડવાનું સહેલું નથી. પકડો પકડો ત્યાં તો કોઈ તિરાડમાં ભરાઈ જાય ને આપણે હાથ ઘસતા રહી જઈએ. કેટલાં ય વાંદાના તો બ્લેક બોલાય છે. કેટલી ય હોટલો શોધી શોધીને થાકી જાય છે, પણ પિઝામાં નાખવા માટે એક વાંદો નથી મળતો. ઉપકાર માનો કે તમારે નસીબે વાંદો આવ્યો તો ખરો ! એમ તો અમારા ટેબલ પર પણ વાંદા, વીંછી ફરતાં જ હોય છે તે અમે ફરિયાદ કરીએ છીએ? રોજની એક માખી તો ખવાઈ જ જતી હશે. હું પ્યોર વેજ છું તો પણ આટલો નોનવેજ ઇચ્છા વગર થઈ ગયો છું.’
જજ સાહેબને આવું જજમેન્ટ આપવાનું કેમ થયું? તે સ્ટોરી કૈંક આવી છે. આમ તો ગંભીર બેદરકારી હોય તો લાઈસન્સ રદ્દ થાય, પણ બે વાંદા કંઇ એવી ગંભીર બેદરકારી નથી કે લાઈસન્સ રદ્દ કરવું પડે ને આ વાંદા સ્વચ્છ ને નાહીધોઈને આવ્યા હોય તો બેદરકારીનું કારણ લાગુ ન કરી શકાય. બીજું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે તાત્કાલિક જોખમ ઊભું થાય તો લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે. આ બે વાંદાએ કોઈને માંદા પાડયા નથી. એટલે એ જોખમી નથી ને તે કારણસર પણ હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરાય. સાચું તો એ છે કે આ વાંદા માણસ માટે જોખમી નથી, બલકે, માણસ વાંદા માટે જોખમી છે. એક ઝાપટ મારીને માણસ તેને ખતમ કરી શકે છે. એવી ઝાપટ વાંદા, માણસને મારી શકતા નથી. મતલબ કે વાંદા, માણસ છે એટલા જોખમી ક્યારે ય રહ્યા નથી.
હાઇકોર્ટે એક ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાના FDA(ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)ના નિર્ણયને રદ્દ કર્યો છે ને FDAને એવી ફટકાર લગાવી છે કે વાસ્તવિકતામાં જીવો. આપણે ભારતમાં છીએ. બે વાંદા મળતા ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરો છો? જજ સાહેબનું જજમેન્ટ એકદમ પરફેક્ટ છે. અન્ય દેશમાં ફાઈવસ્ટાર હોટેલ હોય તો વાત જુદી છે. ત્યાં લાઇસન્સ ભલે સસ્પેન્ડ થતું હોય, તેથી તેની નકલ કરવાની જરૂર નથી ને એ ન ભૂલવું જોઈએ કે આ ભારત છે. અહીં વાસ્તવિક જગતમાં રહેવું જોઈએ, એટલે કે બીજા શબ્દોમાં પ્રેક્ટિકલ રહેવું જોઈએ. કોઈ નાની હોટેલ હોય તો સમજ્યા, આ તો ફાઈવસ્ટાર હોટેલ છે, એનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં એ હોટેલનાં રેપ્યુટેશનને કેટલો ધોકો પહોંચે, એ તો જુઓ. જો કે, FDAએ ખુલાસો કરતા કહ્યું પણ ખરું કે હોટેલના રસોડામાં જીવાત મળી આવી હતી. ખાદ્યસામગ્રી અને ચોખ્ખાઈમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વાંદા બે હોય કે બાવીસ આ નિયમ ન પળાય તો તે સ્વીકાર્ય નથી.
જો કે, આ દલીલ જજ સાહેબોને ગળે ઊતરી ન હતી. તેમણે પોતાની લાચારી વર્ણવતા કહ્યું કે અમારા ટેબલ પર પણ વાંદો હતો ને માખી પણ હતી, તો શું કરવાનું? કોર્ટ બંધ કરી દેવાની? હાઈકોર્ટે FDAને વધુ ભીડવવા પૂછ્યું પણ ખરું કે સરકાર હસ્તકના વિભાગોની કેન્ટીનો સામે શું તપાસ કરવામાં આવી છે, તેનો અહેવાલ રજૂ કરવામાં આવે. જોયું? આવું થાય છે. કરવા જાવ કંસાર ને થઈ જાય થુલી ! હવે હાઈકોર્ટનો ચુકાદો હોય તો તેમાં થઈ પણ શું શકે? એટલું છે કે હોટેલોને ફાવતું આવશે. આ વાતની વચ્ચે જ હોટેલના બીજા સમાચાર પણ જોવા મળ્યા. બાર્બેક્યુ કરીને એક હોટેલમાં એક ગ્રાહકે વેજ બિરિયાનીનો ઓર્ડર આપ્યો તો હોટેલે ચિકન બિરિયાની મોકલી આપી. ગ્રાહકે ઘણાં ફોન કર્યા, પણ કોઈએ ઉઠાવ્યા નહીં, તો ગ્રાહક પોતે હોટેલ પહોંચ્યો ને ઝઘડો કરતા કહ્યું કે હું બ્રાહ્મણ છું ને મારા ઘરમાં ચિકન આવે તે તો સહન જ કેમ થાય? એવું બને કે આ રીતે વેજને નોનવેજ ને નોન-વેજને વેજ મોકલાય તો નોન-વેજ ખાનારા વેજ થઇ જાય અને વેજ ખાનારો નોન-વેજી થઈ જાય. એટલે જ હવેથી વાંદાની સાથોસાથ જ ગરોળી, ઉંદર, કીડી, મંકોડા વીણી વીણીને લાવવામાં આવે તો નવાઈ નહીં. અહીં ના હોય તો ફોરેનથી ઈમ્પોર્ટ કરાય અને એમ લોકોનાં આયુષ્ય જોડે ગમ્મત કરી શકાય.
ગમ્મત તો એ પણ છે કે હોટેલના બચાવમાં ખુદ જજ સાહેબો ઊતરી પડ્યા. આ જજમેન્ટથી એક ફેરફાર ઘરોમાં એ થઇ શકે કે વાંદા, ગરોળી ચારોળીની જેમ વપરાવા લાગે. જમવામાં દાળમાંથી વાંદો નીકળે કે વાંદામાંથી દાળ નીકળે તો તે ગૃહિણી સહજતાથી લેશે ને ઘરવાળાને સંભળાવશે પણ ખરી કે હોટેલમાંથી વાંદો આવે છે તો ખાઈ જાવ છો, ઘરમાં ખાવામાં જ કેમ મોઢું વંકાઈ જાય છે? તમને તો ગરોળી પણ હોટેલની જ ફાવે છે, ઘરની ગરોળી તો ખાવા દોડે છે.
સાચું ખોટું તો ખબર નથી, પણ આ જજમેન્ટ ગળે ઊતરતું નથી. બીજી બધી સાવચેતી છતાં ફાઈવ કે ફોરસ્ટાર હોટેલ ડિસ્કાઉન્ટ વગર વાંદા આપે ને બીજું કોઈ નહીં ને હાઈકોર્ટની બેંચ એમ કહીને FDAને તડકાવે કે બે વાંદા નીકળે એટલા પરથી લાઈસન્સ સસ્પેન્ડ ના થાય. આ ભારત છે. એવું યાદ અપાવીને વાસ્તવિક અભિગમ અપનાવવાનું કોર્ટ દ્વારા સૂચવાયું છે. બીજા શબ્દમાં પ્રેક્ટિકલ બનવાનું સૂચવાયું હોય એમ બને. આ વાસ્તવિક અભિગમ એટલે શું એનો ફોડ પડ્યો નથી. એમ માનવાનું છે કે આ ભારત છે, તો એમાં બે વાંદા હોટેલના કિચનમાંથી નીકળે તે ક્ષમ્ય છે? એ ક્ષમ્ય શું કામ હોય ? હોટેલ ડિસ્કાઉન્ટમાં ફૂડ સપ્લાય કરે છે? જો નહીં, તો હોટેલને માફ કઈ રીતે કરાય? તે પણ એટલે કે આ બધું ભારતમાં છે ને તે વાસ્તવિક અભિગમને નામે ચલાવી લેવાનું છે, એમ કહીને કોર્ટ FDAને, હોટેલને તેનું લાઈસન્સ પરત કરવાનો આદેશ આપે છે. આ બરાબર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑગસ્ટ 2026
![]()

