
સંગીતા પટેલ
પ્રેમ અને હૂંફનું રૂપ એટલે જ મા. આ રૂપે જ મા પૂજાય. તેની કથાઓ થાય અને તો જ જગ પર શાસન કરે. પણ મા પોતાની દીકરીને સતત કહ્યા કરતી હોય કે “તું મારા ગળે બાંધેલો પત્થર છે,” “મારી બીમારીઓનું કારણ તું છે,” “મને થતું કે તને અનાથાશ્રમમાં મૂકી આવું,” અને “કૂતરી તો બેશક છે.” છતાં પણ દીકરીએ માના આવાં વેણ પાછળ માતૃત્ત્વ જ જોયું. માની મનોસ્થિતિ જોઇ. એને ખબર હતી આ શબ્દો તો મા બીજા કોઇ માટે બોલતી હતી. આવા માતૃત્ત્વને અપનાવી મા કરતાં પણ દીકરી વધુ મક્ક્મ અને પ્રતિભાવાન થઇ.
માનો અસ્થમાનો હુમલો ચરમસીમાએ પહોંચે અને મા શ્વાસ લેવા માટે હાંફી જાય ત્યારે, એકબીજા સાથે અથડાઇને ઉપહાસ કરતી ખોપરીઓ જેવી લાગતી માની હાંસડીઓ, ગભરાયેલી બાળાને પૂછતી કે હવે તું શું કરીશ? બાળાનો અંતરઆત્મા જવાબ આપતો, “હું તારા માટે શ્વાસ લેવા પ્રયત્ન કરીશ, તારાં ફેફસાં બનીશ.” ફેફસાં બનવા તત્પર દીકરીએ લખી “મધર મેરી કમ્સ ટુ મી” અને માતૃત્વનું નવું રૂપ, આગવો મિજાજ દુનિયાને બતાવ્યો.
બુકર પ્રાઇઝ વિજેતા અરૂંધતી રોયની કલમે મળેલી “ગોડ ઓફ સ્મોલ થીંગ”ની અમ્મુનું ખરું સ્વરૂપ તો બાકી હતું. અને તે ગેંગસ્ટર રૂપે મળ્યું “મધર મેરી કમ્સ ટુ મી”માં. આ ગેંગસ્ટર માનું પૂરબહાર વ્યક્તિત્વ અરૂંધતીએ જોયેલું. તેની પ્રતિભા, ઉદાત્ત ભલાઇ, તેની લડાકુ હિંમત, કઠોરતા, દાદાગીરી, વેપારી વૃત્તિ અને સીરિયન ક્રિશ્ચિન સમાજનાં નિયંત્રણો ફગાવી દઇને કેળવેલો અણધાર્યો આક્રમક મિજાજ જોયેલો. અરૂંધતી માના આવા મિજાજથી મોહિત થવા માંડી. માનાં કડવાં વેણથી એને ઘેન ચડતું અને તે સાંભળ્યા પછી તેને નિરાંતે ઊંઘ આવતી. ત્રણ પેઢીની સ્ત્રીઓની વાત કરતી આ સ્મરણકથામાં પોતાના નાનકડા વિશ્વમાં સમગ્ર વ્યક્તિત્વ માટે, સંપૂર્ણ અસ્તિત્વ માટે જગ્યા બનાવતી સ્ત્રીઓની વાત છે.
અંગ્રેજ સંસ્થાનવાદી શાસનમાં કાઠું કાઢીને મોભેદાર હોદ્દે બેઠેલા કીટવિજ્ઞાની પિતાના હિંસક વ્યવહાર સહન કરી લેતી માને મેરીએ જોયેલી. સિદ્ધહસ્ત વાયોલિનવાદક હોવાછતાં તે કલાની અભિવ્યક્તિ કરી ના શકી. પતિએ વાયોલિન તોડી નાખ્યું હતું એટલું જ નહિ, પિત્તળની ફૂલદાનીના ઘાથી માથે આપેલો જખમ જીવનભર સાચવવો પડેલો. પણ દીકરીએ આ રૂઢિ તોડી. પિતાના હિંસક સ્વભાવથી દૂર થવા જીવનમાં પહેલી વાર મળેલો લગ્નનો અવસર સ્વીકારી તો લીધો પણ, આસામના અંતરિયાળ વિસ્તારમાં ટી એસ્ટેટ પર કામ કરતા તેને “નથીંગ મેન” જેવા લાગેલા દારૂડિયા પતિ સાથે લાંબો સમય સંબંધ નિભાવી ના શકી અને બે બાળકો સાથે પતિગૃહ ત્યાગ કર્યો. ઘર છોડી નીકળી ત્યારે તેની પાસે શિક્ષણ સિવાય કાંઇ ન હતું. વણ નોંતર્યા અને વણ પોંખ્યા અદૃશ્ય શકોરું લઇ ફરતા બાળકો સાથે તે પિતૃગૃહે આવી. નોકરી મળે ત્યાં સુધી રહેવાના મેરીના વિધાને ઘરના સભ્યો આશ્વસ્ત થયા. છ વર્ષની ઉંમરે અરૂંધતીને સમજાઇ ગયેલું કે, સુરક્ષિત સ્થળ સૌથી જોખમી હોય છે અને તે ના હોય ત્યારે પણ તે બનાવવાનું હોય છે.
મેરીએ તેની બ્રિટિશ મિત્ર મિસીસ મેથ્યુ સાથે 1967માં કોત્તાયમમાં શાળા શરૂ કરી. તે વખતે અરૂંધતી સાત વર્ષની હતી અને તેનો ભાઈ સાડા આઠ વર્ષનો. રોટરી ક્લબમાં બે નાના રૂમ ભાડે લઇ શાળા શરૂ કરી. મનમોજી, આઉટસાઇડર સાથે લગ્ન કરી છૂટાછેડા લીધેલી સ્ત્રી ગામના બાળકોને ભણાવે તે શક્ય ન હતું. મિસીસ મેથ્યુના સંગાથે મા શાળા શરૂ કરી શકી. રોટરી ક્લબમાં સિગારેટના ઠૂંઠા વાળવા અને સભ્યોએ છાંડેલા ચાના કપ સાફ કરવામાં લેખિકા અરૂંધતી અને તેના ભાઈએ જોતરાઇ જવું પડતું. રોટરી ક્લબ બે પાળીમાં કામ કરતી. એક પાળીમાં શાળા અને બીજી પાળીમાં ક્લબની પ્રવૃત્તિઓ. શાળાની સામગ્રીમાં હતાં થોડાક સ્ટૂલ, ટેબલ અને સ્ટેન્ડ પર ગોઠવેલું બ્લેક બોર્ડ. ત્રણ વાગતા શાળા સંકેલાઇને દીવાલ તરફ અઢેલાઇ જતી, જેથી ક્લબની મિટીંગમાં કોઇને ખલેલ ના પડે. શાળાના નવા શિક્ષકોની અજમાયશ પણ અરૂંધતી અને તેના ભાઇ પર કરવામાં આવતી. મા શાળા પ્રવૃત્તિથી સક્ષમ થતી ગઇ. તેના વિચારો ઘડાતા ગયા. ક્રિશ્ચન મિશનથી ખસીને પોતાના સિદ્ધાંતો વિકસાવતી ગઇ. આ પ્રક્રિયામાં મિસીસ મેથ્યુથી અલગ થવું પડ્યું.
પછી તો એકલે હાથે ભાડાના મકાનમાં છાત્રાલય શરૂં કર્યું. વ્યાવસાયિક પ્રમાણિકતામાં માનતી મેરી પોતાના બે સંતાનો કરતાં શાળાના બાળકોમાં વધુ ઓતપ્રોત રહેવા લાગી. શાળા સમયમાં મેરી તેના પોતાના બાળકો માટે પણ મિસીસ મેરી હતી. સમયાંતરે સંતાનો ઘરમાં પણ મા કહેવાનું ભૂલી ગયા. નિવાસી શાળામાં બીમાર કે ઘર વિયોગથી પીડાતા બાળકોને મા પોતાની પથારીમાં સુવાડતી. સ્નાન કરવાના પાઠ ભણાવતી શાળા કદાચ મિસીસ મેરીની જ હતી. બાળકોને સફાઇ કરતા પણ અહીં શીખવવામાં આવતું.
પુરુષસત્તાક સમાજના દુર્ગુણો સામે બાંયો ચડાવી નીકળેલી મેરીએ ધર્મના નામે મળતા હકોથી બાળકોને નિર્ભાંત કર્યા અને પુરુષોની નમ્ર પેઢી તૈયાર કરવાની નેમ રાખી. તેણે બાળકોના મનોબળ મજબૂત કરી, તેમનામાં ઉદ્દામવાદી સંસ્કાર રેડ્યા. લેખિકા કહે છે, આ બધુ ક્રાંતિથી કાંઇ ઓછું ન હતું અને તે ક્રાંતિની કિંમત ચુકવાઇ હતી.
શાળાના વિદ્યાર્થીઓ માટે મૃદુ મા અરૂંધતીના ભાઈની નાની સરખી ભૂલમાં સમગ્ર પુરુષસત્તાક સમાજના મૂળ જોતી. મેરીને હાથવગો પુરુષ આ એક જ હતો, જેને તે આખી વ્યવસ્થા બદલ શિક્ષા કરી શકતી હતી.
1974માં મેરીએ વિદ્યાર્થીઓનાં માતાપિતા પાસે કોશન ડિપોઝીટ માગી અને સૌએ સહર્ષ આપી. તે પૈસાથી તેણે તદ્દન વગડા જેવી જમીન ખરીદી. લેખિકા લખે છે, આ જમીનમાં સ્મશાન ઘાટે વિલાપ કરતા હોય તેવા સુસવાટા કરતાં ઊંચા ઝાડ, નોળિયા – ગરોળીઓનું ઘર અને સુકાઇ ગયેલો કૂવો હતાં. ભૂતાવળ જેવી દેખાતી લોકમુખે શાપિત કહેવાતી જમીનમાં તેણે આદર્શ શાળા ઊભી કરવા ધારેલું. સદ્નસીબે સ્થપતિ મળ્યા લોરેન્સ વીલફ્રેડ બેકર. યુદ્ધ વિરોધી બેકર 1945માં ભારત આવ્યા અને વર્લ્ડ લેપ્રસી મિશન માટે કામ શરૂં કર્યું. અરૂંધતી લખે છે, “સસ્ટેનેબલ” અને “ઓર્ગેનિક” જેવા શબ્દો એને બેકર પાસેથી મળ્યા. અરૂંધતીને મોટા થઇને સ્થપતિ થવાની પ્રેરણા કદાચ બેકરમાંથી મળી હશે. તે લખે છે, પરંપરા મુક્ત બેકરના સ્થાપત્યમાં ગમગીન, બીબાંઢાળ મકાનો ન હતાં. વૃક્ષો કાપ્યાં વગર કે ઢાળ સમથળ કર્યા વગર, પૈસાનો વ્યય કર્યા વગર તેમણે મેરીની શાળા ઊભી કરી. ત્રણ દીવાલોવાળાં બારણાં વગરના દરેક વર્ગખંડના આકાર અલગ હતા. ઝાડ-ઝાડવામાંથી ઊગી નીકળતાં મકાનો સંગીત, નૃત્ય અને સાહિત્ય જેવો આનંદ આપતા હતાં. મિસીસ મેરી આ શાળાને આજીવન વળગેલી રહી. લેખિકા લખે છે, “વર્ષો પછી મને સમજ આવી કે, માને ત્રણ બાળક હતા સૌથી મોટો દીકરો, સૌથી નાની શાળા અને વચલી હું. માના પ્રિય બાળક માટે અમને કોઇ શંકા ન હતી.”
મિસીસ મેરીના જીવનની સૌથી ઉદ્દામ નારીવાદી ઘટના હતી, પિતાની વારસાગત મિલકતમાં સ્ત્રીના સમાન હકની માગણી. મેરીના પિતાની વારસાગત મિલકત હતી, મલબાર કોસ્ટ પ્રોડક્ટનું હેડક્વાટર. આ ઝંઝાવાતનો તેણે ધીરજપૂર્વક સામનો કરેલો. તેના માટે તે સુપ્રીમ કોર્ટ સુધી લડી. તેની લડતના પરિણામે ત્રાવણકોર ક્રિશ્ચન વારસા હક ધારો રદ્દ થયો અને મેરી રોય દેશમાં નારીવાદી આઇકોન બની અને અરૂંધતીના મામા જી. આઇસેક તેનુ નિમિત્ત.
અભ્યાસ અર્થે ઘર છોડ્યા પછી અરૂંધતીએ લાંબો સમય ઘર ભણી જોયું નહિ એટલા માટે નહિ કે, તે માથી દૂર ભાગતી હતી પણ, તે માને સતત ચાહવા સક્ષમ બનવા માગતી હતી. માના સ્મરણ સાથે અરૂંધતીએ પોતાના અંગત સંબંધોની નિખાલસ વાતો કરી છે ત્યારે, દરેક નિજી ઘટનાઓના કાળક્રમે દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓનું પણ તેટલું જ આકલન કર્યું છે. ઇટલીના અભેદ્ય રસ્તા ખૂંદતા 1986માં બનેલો આસામના નેલ્લીમાં થયેલો મુસલમાનોનો નરસંહાર પૂરી સંવેદનશીલતા સાથે યાદ કર્યો. ખાખી ગણવેશ અને લાલ રિબીન બાંધીને હાથમાં રાયફલ ઉઠાવી શરણાગતિ કરતી ફૂલનદેવીની દરેક અખબારના પાને ચમકેલી તસવીર યાદ કરતાં, ફૂલનદેવીની સંમતિ વગર તેના વિષે ફિલ્મ બની અને તેની હાજરી વગર તેનો સ્ક્રીનીંગ સમારોહ કરવામા આવ્યો, આ બધાથી વ્યથિત અરૂંધતીએ લખ્યું “ધ ગ્રેટ ઇન્ડિયન રેપ-ટ્રીક.”
નર્મદા નદીને બાંધતા ગંજાવર સરદાર સરોવર બંધથી પાણીમાં વિલીન થતાં પ્રાચીન, ઘટાઘોર જંગલો અને વન ટેકરીઓમાં રહેતા હજારો સ્થાનિક આદિવાસીઓનું વિસ્થાપન, ફળદ્રૂપ જમીન તેમ જ પ્રાચીન નદીના કોતરોની સંપૂર્ણ સભ્યતાનો વિનાશ જોતાં અરૂંધતીએ લખ્યું “ગ્રેટર કોમન ગુડ”. અરૂંધતીના મતે મહાકાય બંધો પર્યાવરણના વિનાશક, આર્થિક રીતે અસ્થિર અને રાજકીય રીતે બિન લોકતાંત્રિક છે.
સરદાર સરોવર સામે પડેલા નર્મદા બચાવો આંદોલનને પણ અરૂંધતીએ નજીકથી જોયું. નર્મદા વેલીની મુલાકાતને તે તર્ક અને લાગણી બંનેનો સમન્વય ગણે છે. મહાકાય બંધના વિરોધથી જાણીતી અને લાંબી લડતનું નેતૃત્ત્વ માનસિક અને શારીરિક બંને કક્ષાએ વેદના વેઠીને બહાર નીકળેલી સ્ત્રીઓના હાથમાં હતું. નર્મદા બચાવો આંદોલનના પ્રભાવશાળી નેતા મેધા પાટકરને તેણે પ્રખર ગાંધીવાદી અને અથાક કર્મશીલ કહ્યાં. બંધની અસરોથી સંપૂર્ણપણે પરિચિત, વર્ષોથી ખીણમાં કાર્યરત, મેધાના સ્પર્શી ગયેલા ગુણો હતા, તદ્દન સાદગીભર્યુ જીવન, રોમાન્સ સહિત તમામ પ્રકારના આહલાદ્ક આનંદનો ત્યાગ, પ્રમાણિકતા, પ્રતિબદ્ધતા અને મિલનસાર સ્વભાવ.
મેધાને જોતા અરૂંધતીને પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્યનો અહસાસ થાય છે. તે કહે છે, મારી પ્રતિબદ્ધતા લેખન છે એટલે લોકઅપેક્ષાનું ભારણ નથી. બિનલોકપ્રિયતાનો હક ભોગવી શકાય છે. કર્મશીલની ભૂમિકા સતત જવાબદેહીની હોય છે. નર્મદા વેલીની મુલાકાતે અરૂંધતીની ખાસ અભિવ્યક્ત ઝકઝોરી તો કાશ્મીર વેલી પ્રવાસ તેના પર વજ્રાઘાત સમાન હતો. લોકશાહીના નામે લોકો પર થતા જુલમ અને વિનાશ સામે પ્રજા લાચાર છે. લશ્કરી સૈનિકોના નિશાને ઊભેલા કાશ્મીરના લોકોના અંગત જીવન પણ બંદૂકની અણીએ છે. કાશ્મીર વિષેના લેખન અને પ્રવચનના હિંસક પ્રતિભાવના પગલે અરૂંધતીને ભાડાનું ઘર બદલવું પડ્યું હતું.
લોહિયાળ યુદ્ધનું મેદાન એવા બસ્તરના દંડકારણ્ય જંગલમાં ભારતીય સામ્યવાદી (માઓવાદી)નું આમંત્રણ અરૂંધતીએ ટાળ્યું નહિ. અહીં યુદ્ધ નવું હતું પણ વાત જૂની હતી. ભારતની તત્કાલીન કાઁગ્રેસ સરકારે સંખ્યાબંધ કરારનામા કર્યા હતા. આદિજાતિઓની માતૃભૂમિને કોર્પોરેટ માઇનીંગ અને ઇનફ્રાસ્ટ્રકચર કંપનીઓને હવાલે કરવા. નર્મદા વેલીથી આ લડાઇ જરા ય જુદી ન હતી. ફરક એટલો હતો કે, અંતરિયાળ અરણ્યમાં રહેતા આ લોકોએ વધતી જતી જળ સાપાટી સામે નહિ પણ, ગોળીઓના વરસાદ સામે લડવાનું હતું. સરકારે આદિમ જાતિના લોકોની “સાલ્વાઝુડુમ” નામે ઊભી કરેલી ફોજે ગામડાઓમાં ખાસકરીને સ્ત્રીઓ પર જુલમ વરસાવ્યા. એટલે પ્રતિકારના સશસ્ત્ર ગેરિલા જંગમાં મોટાભાગે સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓ જુલમખોરોના સકંજામાં આવી જાય ત્યારે મરણતોલ અવસ્થામાં પાછી મોકલવામાં આવે છે જેથી, તેના કોમરેડને જઇને વીતક સંભળાવે અને લોકો ભયભીત થાય. લાલ કીડીઓની ચટણી, ભાત, ફળો અને પ્રસંગોપાત ઉભડક બનાવી દેવાયેલી તાજી માછલી કે મરઘીનો આહાર લઇ ગેરિલા સ્ત્રીઓ સાથે નદીમાં સ્નાન કરી ખેડેલા પ્રવાસનો આંખો દેખ્યો અહેવાલ એટલે “વોકિંગ વીથ કોમરેડ.” આદિવાસીઓને જંગલમાંથી ખદેડી દેતા “ઓપરેશન ગ્રીન હન્ટ” સામે અહિંસક મોરચે ચડેલા અનેકોમાંના એક અરૂંધતીના મિત્ર જી.એન. સાંઇબાબાને સરકારે ખૂંખાર આતંકવાદી બનાવી કેદ કર્યા. લગભગ લકવાગ્રસ્ત પ્રાધ્યાપક ખૂંખાર આતંકવાદી કેવી રીતે હોઇ શકે.
મિસીસ મેરી અરૂંધતીના તમામ લખાણ વાંચતી. “ગોડ ઓફ સ્મોલ થીંગ”ની મા અમ્મુ તેને ગમી ગયેલી અને તેવી મા બનવાની ઇચ્છા વ્યક્ત કરેલી કારણ કે તેને ખબર હતી તે અમ્મુ નથી. અરૂંધતીના પ્રારંભિક શિક્ષણમાં ગોરા પુરુષ લેખકોનો પ્રભાવ હતો અને તેનું શ્રેય તે મા મેરી અને મામા જી. આઇસેકને આપે છે. વાચન અને મીનાચલ નદી તેના બાળપણના ગોઠિયા હતાં. મા બૂમો પાડવા માંડતી અને તે ભાગી નદી કિનારે જતી રહેતી. ત્યાં વસતા અછૂત ગણાતા લોકો તેના સાથી હતા. તેમની મલબાર કોસ્ટ પ્રોડક્ટસમાં કામ કરતો એક યુવાન તેનો મિત્ર બન્યો અને તેની પાસેથી અરૂંધતી વાંસની ગાંઠોમાંથી ફીશીંગ નેટ બનાવીને માછલી પકડતા શીખી. ત્યારે તે છ વર્ષની હતી. અમ્મુના પ્રેમી વેલુથાની પ્રેરણા અરૂંધતીને આ યુવાનમાંથી મળેલી.
ઇટલીમા વસવાટ દરમિયાન તે જીવનસાથી પ્રદીપને પત્રો લખતી. આ પત્રો વાંચી પ્રદીપ પૂછી નાખે “હેવ યુ એવર કન્સીડર્ડ બીકમીંગ અ રાઇટર”? અરૂંધતી જાણતી હતી કે તેને ભાષાપ્રાણી પકડવાનું હતું. આ ભાષાપ્રાણી પકડી તેનો કસ કાઢીને તેનું આકલન કરવાનું હતું. લાગણીઓને જોઇ શકાય, સૂંઘી શકાય, સ્પર્શ કરી શકાય તેવી રીતે બયાન કરવી હતી. અરૂંધતીને ખબર હતી આ ભાષા તેની અંદર ન હતી પણ બહારથી પકડવાની હતી. શિકારીની જેમ તેનો પીછો કરવાનો છે. રોજિંદી ઘટમાળમાં છટકીને આ સાધના કરવાની હતી. અને આ સાધનાએ તેના અંગત અને બિનઅંગત લખાણ આપ્યા.
“મધર મેરી કમસ્ ટુ મી” અંગત સંવેદનની ફળશ્રુતિ છે. રેતીમા વહાણ ચલાવે તેવી માની વાત છે. માના ગેંગસ્ટરીઝમમાં દીકરીએ માની જે સચ્ચાઇ જોઇ તે સ્વીકારી. આ ગેંગસ્ટર માની પાઠશાળા આજની શિક્ષણ વ્યવસ્થા માટે બોધ છે. લેખિકા કહે છે વિદાય લેવાનો સમય પણ તેણે ઉત્તમ પસંદ કર્યો હતો. સપ્ટેમ્બરમાં ચોમાસું ઓસરી ગયું હતું અને પર્વતો વચ્ચે નીલમણિની જેમ ઝગમગતું કેરળ મૂકી ગયું હતું. માએ આવા રમણીય સમયે છેલ્લું પ્રસ્થાન કર્યું. ચર્ચ એને ન હતું ઇચ્છતું અને ચર્ચને એ. ઇશ્વર સાથે એને કોઇ લેવાદેવા ન હતી. તેણે સ્થાપેલી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓની પેઢીઓએ ઇન્ટરનેટ પર પ્રેમનો ધોધ વહેવડાવ્યો. એમના જીવનની કાયાપલટ તેણે કરેલી. તે મૃત્યુ પામી તે દિવસે શાળામાં રજા હતી. તેનું કેમ્પસ અમારું હતું. કદાચ આ આયોજન પણ તેનું જ હતું. કેરળના મોબાઇલ સ્માશનગૃહે શાળા કેમ્પસમાં તેની અંતિમ વિધિ સરળ કરી. અંગત સંવેદનાથી શરૂ થતી આ સ્મરણ કથાનો ચેતોવિસ્તાર વ્યાપક છે. ઘરના ઉંબરેથી માંડીને દેશ-દુનિયામાં બનતી લગભગ તમામ અસમાન પરિસ્થિતિનું આલેખન કરી માતૃતર્પણનું કર્તવ્ય દીકરીએ અદા કર્યું.
E-mail : sanita2021patel1966@gmail.com
![]()

