
ચંદુ મહેરિયા
અમદાવાદના વસ્ત્રાલ-રામોલ વિસ્તારના મહેમૂદપુરા ગામમાં આવેલાં ફટાકડાંના કારખાનામાં વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં ૧૧ શ્રમિકોનાં જાન ગયાં છે. કાયદેસર કે ગેરકાયદેસર ઉદ્યોગોમાં સર્જાતી આવી દુર્ઘટના આ કંઈ પહેલી નથી, અને કદાચ છેલ્લી પણ નહીં હોય. ગયા મહિનાઓમાં ડીસાની ફટાકડા ફેકટરીમાં આવા જ બ્લાસ્ટથી ૨૧, કાલોલમાં ૩, મોડાસામાં ૪ અને કપડવંજમાં ૧ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સરકારી કે પોલીસના ચોપડે ઔધોગિક દુર્ઘટના તરીકે ખતવાતી આ ઘટનાઓ ખરેખર તો બેદરકારીના લીધે થતી ગરીબ મજદૂરોની હત્યાઓ જ છે. કેમ કે ઔદ્યોગિક દુર્ઘટનાઓ વાસ્તવમાં પૂર્વાનુમાનિત હોય છે. દુર્ઘટના બને છે ત્યારે તેને આકસ્મિક કે કમનસીબ કહીને થોડાં આંસુ જરૂર સારી લઈએ છીએ, પરંતુ ઉદ્યોગ કે કંપનીની ખામી, અપર્યાપ્ત નિયમન અને નિરીક્ષણ, જોખમની આગોતરી જાણ છતાં તેને અટકાવવા માટેનાં પગલાંનો અને સલામતી ઉપકરણોનો અભાવ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તેનો ઉકેલ શક્ય છે પરંતુ દુર્ઘટના પછી તે વિસારે પાડી દેવાય છે અને નવી દુર્ઘટનાઓ બનતી રહે છે.
ઔદ્યોગિક દુર્ઘટનાઓ કંઈ ગુજરાત કે ભારતમાં જ ઘટતી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. જે દુર્ઘટનાઓ બને છે, તે કંઈ ભિન્ન ભિન્ન નથી, પરંતુ ઉદ્યોગોમાં રહેલી વ્યાપક માળખાકીય સમસ્યાઓનો સંકેત છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો દાયકો પૂર્વેનો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં દર વરસે ૩.૫૦ લાખ મજૂરોના મોત થાય છે. ૨૦૨૦માં ભારતમાં નોંધાયેલા કારખાના ૩,૬૩,૪૪૨ હતા અને તેમાં ૨ કરોડ શ્રમિકો કામ કરતા હતા. ૨૦૧૬ થી ૨૦૨૦માં રજિસ્ટર્ડ ફેકટરીઓમાં વરસે સરેરાશ ૧,૧૦૯ મોત દુર્ઘટનાઓમાં થતાં હતાં. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કારખાનાઓમાં કામ કરતાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૩૫૬૨ શ્રમિકોના મૃત્યુ થયાં હતા, જ્યારે ૫૧,૦૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ હિસાબે દેશમાં રોજના ૩ કામદારોના મોત અને ૪૭ ઘાયલ થાય છે.
૨૦૨૪માં પાદરા(જિલ્લાવડોદરા)ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં ૩ મજૂરોના મોતની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ હતી. વિપક્ષની ધ્યાન ખેંચતી દરખાસ્તના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૦૨૧માં ૨૪૪, ૨૦૨૨માં ૨૩૮ અને ૨૦૨૩માં ૨૩૧ મજૂરોના ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં મોત થયાં હતાં. ૨૦૨૩માં રાજ્યમાં રજિસ્ટર્ડ ફેકટરીઓ ૪૯,૨૪૬ હતી જે આજે આશરે ૫૧,૦૦૦ છે.
ગુજરાતમાં ૨૦૨૪ના આંકડા પ્રમાણે ૫૭૦ જોખમી કામો ધરાવતાં કારખાનાં છે. જેમાંથી ભરુચ જિલ્લામાં ૯૮ અને વડોદરા જિલ્લામાં ૮૯ છે. ૫૭૦ ફેકટરીઓમાં ખતરનાક કામો થતાં હોવાની આગોતરી જાણ હોવા છતાં ત્યાં દુર્ઘટનાઓ બને છે. ભલે કાર્લ માર્કસે શ્રમિકોને એક જ વર્ગના ગણાવ્યા હોય, પરંતુ વર્ગ અને વર્ણમાં વહેંચાયેલા ભારતીય સમાજમાં વ્યવસાયિક જોખમો પણ કામદારોની સામાજિક આર્થિક સ્થતિ જોઈને વહેંચાય છે. ઉદ્યોગોના જોખમોનું વિતરણ કામદારો-કર્મચારીઓમાં સમાન ધોરણે થતું નથી. એટલે રામોલ-વસ્ત્રાલની દુર્ઘટના હોય કે બીજી કોઈ તેનો ભોગ આદિવાસી, દલિત, પછાત કોમોના ગરીબ કામદારો જ બને છે.
આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ્ના સરકારી સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં હજુ ગયા મહિનાઓમાં જ ૯ મજૂરોના મોત થયાં હતાં. ટ્રેમાં ધગધગતું પોલાદ ભરીને જતી ક્રેન તૂટી પડતાં તેનાથી દાઝેલા નવ મજૂરોના મોત થયાં હતાં. સ્ટીલનું નિર્માણ સહજ રીતે જ એક જોખમભર્યો ઉદ્યોગ છે. સ્ટીલના ઉત્પાદનમાં અત્યધિક તાપમાન, ભારે સાધનો, વિશાળ પ્રમાણમાં ઉર્જા અને દબાણયુક્ત ગેસ સામેલ કરવાનો હોય છે. જે દુર્ઘટના બની તેમાં ઉકળતી અને પિગળતી ધાતુનું તાપમાન ૧,૬૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું. આટલા ઊંચા તાપમાનમાં બનતી ધાતુ જેના પર પડે તેનું જીવવું મુશ્કેલ છે. ઉદ્યોગકારો આ જોખમથી પરિચિત હોય છે. વળી તેનાથી બચવાના સાધનો અને પ્રક્રિયા ઉપલબ્ધ છે. છતાં દુર્ઘટના ઘટે છે તેનું કારણ બચાવ માટેનાં પગલાંનો અભાવ છે.
જૂના અને ઘસાતાં યંત્રો અને તેની જાળવણીમાં થતો ખર્ચ ટાળવો, વધુ નફાની લ્હાયમાં કર્મચારીઓ-કામદારોની સંખ્યામાં ઘટાડો અને હયાત કામદારોના માથે વધુ કાર્યબોજ, કાયમીને બદલે હંગામી અને કરાર આધારિત કર્મચારીઓ પર વધતી નિર્ભરતા, સલામતી ઉપકરણો માટે નાણાના રોકાણની કમી જેવા કારણોથી દુર્ઘટનાઓ ઘટે છે. જોખમી અને ખતરનાક ઉદ્યોગોમાં હંગામી અને કોન્ટ્રાકટ પરના કામદારોને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. તેઓ રોજી જવાની બીકે જોખમી કામો સલામતી સાધનો વિના કરવા તૈયાર રહે છે અને જો દુર્ઘટના ઘટે તો માલિકને કશું વળતર આપવું પડતું નથી. આ પ્રકારના કારણોથી દુર્ઘટનાઓમાં વધારો થતો રહે છે. અગાઉ કહ્યું તેમ જોખમોની જાણ છે અને તેને અટકાવવાના સાધનો છે પરંતુ તેનો ઉપયોગ કર્યા વિના કામ કરાવવામાં આવે છે એટલે મજૂરોના મોત થાય છે.
ઔદ્યોગિક દુર્ઘટનાઓ કોઈ એક જ ભૂલને કારણે ઘટતી નથી. લાંબા સમયથી આવી ભૂલો અને સલામતીનાં પગલાંના અભાવે કે તે તરફ આંખા આડા કાન કરવાની માલિકોની વૃત્તિ કે કંપનીની સંસ્થાકીય નબળાઈનું પરિણામ હોય છે. વધુ નફો મેળવવાનું વલણ અથવા આર્થિક દબાણ સહેતા ઘણા ઉદ્યોગો સલામતી માટેનાં રોકાણને નકામો ખર્ચ ગણે છે અને મજદૂરોને જોખમ ઉઠાવવાની ફરજ પાડે છે. આખરે તેમનાં મોત નિપજે છે કે ઘાયલ થાય છે.
કામદારો-કર્મચારીઓને જોખમ સંબંધી વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી નથી. રોજમદાર કે હંગામી કામદારોને તો પહેલા દિવસથી જ આવાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અટકાવવા અને કામદારોની સલામતી માટે કેન્દ્ર અને રાજ્યોના કાયદાઓ મોજુદ છે, પરંતુ તેનો અમલ કરાવનારું તંત્ર ભ્રષ્ટ છે. ઉદ્યોગોનું નિયમિત નિરીક્ષણ અને નિયમન થતું નથી. કાયમી અને હંગામી બંને કર્મચારીઓને કામના જોખમોથી વાકેફ કરવા જોઈએ અને બચાવની તાલીમ આપવી જોઈએ. દુર્ઘટના ઘટે ત્યારે ઉદ્યોગ પાસે કામદારોની તાત્કાલિક સારવારનું કોઈ તંત્ર કે સાધન પણ હોતું નથી. જોખમ જ્ઞાત છે અને પૂર્વાનુમાન છે તો પછી તેને અટકાવી ન શકવું તે તો માણસને મરવા મજબૂર કરવા બરાબર છે. ઉદ્યોગકારોએ એ બાબત સમજવી પડશે કે તેના કામદારોની સલામતી તે માત્ર તેની કાયદાકીય જવાબદારી જ નથી, પરંતુ સલામતીને સંસ્થાનું મૂળભૂત મૂલ્ય બનાવવું જોઈએ. અમદાવાદની ફટાકડા ફેકટરીમાં માલિકના માતા પણ ઈજાગ્રસ્ત્ત થયાં છે. તેમ દુર્ઘટનાનો કોણ ભોગ બનશે તે નક્કી હોતું નથી. માલિક દુર્ઘટનાથી કાયમ બાકાત હોય તેમ ન પણ બને. એટલે પોતાના કામદારોની અને સાથે સાથે ખુદની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલાં લેવાવાં જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
![]()

