Opinion Magazine
Number of visits: 10,201,729
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આટલી વિશાળ રોજગારી આવશે કયાંથી?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|12 June 2014

– આટલી વિશાળ રોજગારી આવશે કયાંથી?

– ઠાલાં વચનો; ૨૦૦૩-૦૪થી ૨૦૧૩-૧૪ સુધીના દસ વરસમાં ૨૮ મોટા ઉદ્યોગગૃહોએ માત્ર ૬૧,૦૦૦ નવી રોજગારી પેદા કરી છે

પાછલા દિવસોમાં પ્રિન્ટ મીડિયામાં લાંબી રેલવેના ડબાના છાપરા પર હજારો યુવાનો મુસાફરો બતાવાયા હતા. રેલવેના તંત્રની ખામી બતાવવા નહીં પણ સિક્યોરિટી ગાર્ડની ભરતી માટે હજારો અરજદાર યુવાનો નોકરી માટે જઈ રહ્યાં છે. ભારતમાં રોજગારીના સવાલને ઉકેલવા આવતાં નવ વર્ષમાં પ૦ કરોડ રોજગારી ઊભી કરવી પડશે. કારણ દર વરસે ૧૨૦ લાખ યુવકો રોજગારીને લાયક બને છે. એક અર્થમાં આ યુવાન ભારત, વિશ્વના કોઈ પણ રાષ્ટ્રને હરીફાઈમાં હંફાવી શકે એમ છે. પણ, ભારતમાં રોજગારી એટલી ધીમી ગતિએ વધે છે કે, યુવાન ભારત, સર્જકને બદલે બેરોજગારીનો બોમ્બ બની જઈ સ્ફોટક બની શકે છે.

ભારતમાં ૧૦થી ૧૯ વર્ષની ઉંમરની વસ્તી ૨પ કરોડ છે. જ્યારે ૧પ-૨પ ઉંમરના નાગરિકો જેને યુવક કહેવાય છે એની સંખ્યા ૨૩ કરોડ છે. ભારતની મીડિયન (સરેરાશ) ઉંમર ૨પ વરસ છે. જ્યારે વિશ્વના સમૃદ્ધ રાષ્ટ્રોની આ ઉંમર ૪૦ વર્ષની છે. આ અર્થમાં ભારત જરૂર ગાઈ શકે કે 'અભી તો મૈં જવાઁ હું’ પણ યુવાનીનું આ ગીત બેરોજગારીની પીડામાં ઘૂંટાય છે. એમ કહેવાય છે કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનો વિજય પ્રાપ્ત કરવામાં ભારતના ર્કોપોરેટજગતે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. રતન તાતા, મુકેશ અંબાણીથી માંડી ગૌતમ અદાણી સુધીના સહુએ પૂરું જોર લગાવ્યું હતું. પણ કોઈ વિચારક, રાજનેતા, ઉદ્યોગપતિ જવાબ આપશે ખરો કે, ભારત માટે આ વિશાળ રોજગારી કયાંથી આવશે?

ખેતીમાં રોજગારીનો ગ્રાફ કહે છે કે, ૨૦૦૪-૦પનું વર્ષ ઇતિહાસમાં એવા વર્ષ તરીકે નોંધાયું છે કે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવવા સૌથી વધુ ભારતીયોએ કૃષિક્ષેત્ર છોડી દીધું હતું. બીજી તરફ, ભારતમાં ૯૦ ટકા રોજગારી અસંગઠિત અને સેવાક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે ઉત્પાદન (મેન્યુફેકચરિંગ) ક્ષેત્રમાંથી માંડ ૧પ ટકા રોજી પ્રાપ્ત થાય છે. આ ૧પ ટકામાં, નાણાંકીય વહીવટ અને ઊંચાં પદો પરની રોજીને બાકાત કરીએ તો બહુ ઓછા ટકા સામાન્ય રોજગારી માટે બચ્યા હશે.

એક સર્વેક્ષણમાં એવું જણાયું છે કે, ૨૦૦૩-૦૪થી ૨૦૧૩-૧૪ના પૂરાં ૧૦ વર્ષમાં ભારતના ૨૮ ઉદ્યોગગૃહોએ વાર્ષિ‌ક સરેરાશ. ઉત્પાદનમાંથી ૧૭.૮૯ ટકાના દરે આવક મેળવી છે જ્યારે માનવીય રોજગારીમાં માત્રને માત્ર પૂરા ત્રણ ટકા પણ નહીં. એટલે ૨.૮૭ ટકાના દરે વધારો થયો છે. સાદી ભાષામાં કહીએ તો આ ૨૮ ઉદ્યોગગૃહોએ ૧૮ ટકાના આવક વધારા સામે, આવકના વધારાના છઠ્ઠા ભાગની ત્રણ ટકાની રોજગારી વધારી છે. આ ઉદ્યોગગૃહો – ઓટોમોબાઈલ, મૂડીગત માલસામાન, સિમેન્ટ, રસાયણ, ખાતર, ફાર્માસ્યુટિકલ અને કાપડ ક્ષેત્રના છે.

આવા મુખ્ય ગણાતા ૨૮ ઉદ્યોગગૃહો એ ૧૦ વર્ષમાં એમની કુલ કર્મચારીઓની ૧,૮૮,૭૦૨ની સંખ્યામાં માત્રને માત્ર ૬૧,૦૦૦નો વધારો કર્યો છે. એટલે એક વર્ષમાં ૨૮ ઉદ્યોગગૃહોમાં ૬૧૦ વધારાના કર્મચારીને નોકરી મળી છે. એટલે જ આ વિકાસને રોજગારી વગરનો વિકાસ કહેવાય છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં દુનિયામાં લગભગ બધે જ રોજગારી વગરનો વિકાસ થયો છે. આમાં નામી ગણાતા ઉદ્યોગગૃહો જેવા કે અશોક લેલેન્ડ, હીરો મોટર્સ ર્કોપોરેશન, સુંદરમ કલેટન, તાતા મોટર્સ, એશિયન બ્રાઉન બાવેરી, ભેલ, સિમેન્સ, ગ્રેફાઈટ ઈન્ડિયા, બિરલા ર્કોપોરેશન ચેટ્ટીનાડ સિમેન્ટ, રેમકો સિમેન્ટ, અતુલ, બીએએસએફ, કેસ્ટોલ, ગોદરેજ, પિડિલાઈટ, જીએનએફસી, મેંગલોર કેમિકલ્સ, નેશનલ ફર્ટિ‌લાઈઝર્સ, આરસીએફ, અરબિન્દો ફાર્મા, રેનબેક્સી લેબ, આદિત્ય બિરલા નુવો, ગ્રેસીમ અને વર્ધમાન ટેકસ્ટાઈલનો સમાવેશ થયો છે.

૬૧,૦૦૦ રોજગારીના આ વધારામાં અડધાથી વધારે વધારો તો કેપિટલ ગુડ્ઝ અને કાપડ ક્ષેત્રે નોંધાયો છે. જ્યારે કેટલાકે તો 'ગોલ્ડન હેન્ડ શેક’ યોજના નીચે ઘટાડો કર્યો હશે. આ વિગતો એમના વાર્ષિ‌ક અહેવાલના આધારે એકઠી કરાઈ છે. રોજગારીમાં કમી કરવામાં મુખ્ય ચાર સિમેન્ટ ઉદ્યોગોએ ૩૧પ અને પાંચ કેમિકલ કંપનીએ ૧૨૦૦ નોકરી ઘટાડી છે. અલબત્ત, કેટલીક કંપનીઓએ નવી રોજગારી પણ પેદા કરી છે. પણ એકંદર વધારો ૬૧,૦૦૦ જ છે. બધા ઉદ્યોગગૃહો રિઝર્વ બેંક પાસે વિકાસ માટે વ્યાજમાંના ઘટાડાની માગ કર્યા કરે છે અને નવી સરકાર ઉદ્યોગોની મિત્ર બની મેન્યુફેકચરિંગ ક્ષેત્રની થીજી ગયેલી વિધ્ધીને ઝડપી બનાવવા પગલાં લેનાર છે.

આવાં પગલામાં સરળ ઓછા દરે બેંકધિરાણ; સસ્તી જમીન; કરરાહત; પર્યાવરણની સરળ મંજૂરી વગેરે હશે. તો વધુ રોજગારી પેદા થશે જ નહીં એવું નથી. અર્થવ્યવસ્થામાં બે પ્રકારના ઉદ્યોગો હોય છે. મોટા મૂડીરોકાણ છતાં રોજગારલક્ષી ઉદ્યોગો હોય છે. એવા ઉદ્યોગોને પ્રાધ્યાન્ય આપવું પડશે. આમાં કાપડ, પગરખાં, બાંધકામ અને પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ થઈ શકે છે. રોજગારીના સિક્કાની બીજી બાજુ તાંત્રિક શિક્ષણ છે અને શિક્ષિત બેકારો – પછી તે સામાન્ય સ્નાતક હોય, એન્જિનિયર હોય કે બીજાની એટલી મોટી ફોજ કોઈને ય ગભરાવી મૂકે તેવી છે.

એટલે બેરોજગારીના ચિત્રને હળવું ફૂલ બનાવવા પાંચેક વરસથી સ્કીલ ફોર્મેશનની વાત કરાય છે. ૨૦૦૯માં ભારત સરકારે ૨૦૨૨ સુધીમાં પ૦ કરોડ યુવકોને વોકેશન અને ટેક્નિકલ તાલીમ આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. રાતોરાત વોકેશનલ અને સ્કીલ યુનિવર્સિ‌ટીની જાહેરાતો અખબારોમાં ચમકવા માંડી છે. એક જમાનો હતો જ્યારે કર્મચારીઓને પોતાનાં ઉત્પાદન માટે જરૂરી ટૂંકી રિટ્રેનિંગ આપવાની જવાબદારી ઉદ્યોગોની હતી. પણ હવે એ જવાબદારી સમાજ અને સરકાર પર નંખાઈ છે.

પરિણામ એ આવ્યું છે કે, ચીનમાં ૮૭ ટકા ઉદ્યોગો પોતાના કર્મચારીને ઓનજોબ તાલીમ આપે છે. જે ભારતમાં માત્ર ૨૦ ટકા છે. પણ, એ ભૂલવું ન જોઈએ કે તમે ટેક્નિકલ તાલીમનું પ્રમાણપત્ર આપી શકશો પણ રોજગારીનો નિમણૂકપત્ર નહીં આપી શકો. એટલે સવાલ એ જન્મે છે કે, 'સ્કીલ ફોર્મેશન’ની વાત રોજગારી આપવાના વચનને વિલંબિત કરવા તો નથી કરાતી ને? ભારતમાં બેરોજગારીનું પ્રમાણ નીચું લાવવું એની પ્રતિબદ્ધતા હોય તો પણ રોજગારીમાં મોટા ઉદ્યોગો દ્વારા રોજગારી વધારવાની વાત એ નરી છેતરપિંડી સિવાય કશું જ નથી.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 12 જૂન 2014

 

Loading

ઑપરેશન બ્લુસ્ટારના કેટલાક સૂચિતાર્થો : ૨૦૧૪ માટે ૧૯૮૪નું વર્ષ લેસન સમાન

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2014

અકાલી દળ અન્ય કેટલાક પક્ષો જેવો માત્ર કોમવાદી પક્ષ નથી પરંતુ ધર્મસંસ્થા દ્વારા સ્થાપિત ધર્મની રક્ષા કરવા માટે ખાસ રચાયેલો ધાર્મિક-રાજકીય પક્ષ છે. કોમવાદી એજન્ડા હોવો એક વાત છે અને કોમવાદ ઉપરાંત ધર્મરક્ષણનો એજન્ડા પણ હોવો એ અલગ વાત છે

૨૦૧૪ માટે ૧૯૮૪નું વર્ષ લેસન સમાન છે. લેસન કૉન્ગ્રેસ માટે છે, ધર્મના નામે કરતા રાજકારણ માટે છે, સિખો માટે છે અને RSS તેમ જ BJP માટે છે. કઈ રીતે એ જોઈએ.

૨૦૧૪માં કૉન્ગ્રેસ એના ઇતિહાસમાં નહોતી એટલી દયનીય અવસ્થામાં છે. લોકસભાની ચૂંટણીમાં એને માત્ર ૪૪ બેઠકો મળી છે અને ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીની તુલનામાં ૯.૨૫ ટકા મત ગુમાવ્યા છે. એક ડઝન રાજ્યોમાં કૉન્ગ્રેસને એક પણ બેઠક નથી મળી અને દેશમાં એવું એક પણ રાજ્ય નથી જ્યાં કૉન્ગ્રેસને બે આંકડામાં બેઠક મળી હોય. ૨૦૧૪નું વર્ષ કૉન્ગ્રેસની પ્રચંડ તાકાતનું, તુમાખીનું અને તુમાખીને કારણે કૉન્ગ્રેસે અને દેશે ચૂકવેલી મોટી કિંમતનું વર્ષ હતું. કૉન્ગ્રેસે જવાહરલાલ નેહરુના વિવેક અને શિક્ટાચારના ગુણો જાળવી રાખ્યા હોત, પક્ષ કરતાં દેશના હિતને ધ્યાનમાં રાખ્યું હોત અને તુમાખી ઓછી દાખવી હોત તો આજ જેવી અવસ્થાથી બચી શકી હોત. કૉન્ગ્રેસનાં વળતાં પાણી ઇન્દિરા ગાંધીની વડા પ્રધાનપદની બીજી મુદતથી થયાં હતાં, જે રીતે મુઘલ સામાજ્યનાં વળતાં પાણી ઔરંગઝેબથી થયાં હતાં. બહારથી બન્ને સામ્રાજ્યો (કૉન્ગ્રેસ અને મુઘલ) મજબૂત હતાં, પરંતુ એના અંતની શરૂઆત તેમના વખતથી જ થઈ ગઈ હતી.

ઇન્દિરા ગાંધીએ દેશ કરતાં પક્ષને અને પક્ષમાં વળી પોતાના સ્થાનને વધારે મહત્વ આપ્યું હતું. પોતાની સત્તા સામે પડકાર પેદા ન થાય એ માટે તેમણે લોકતાંત્રિક સંસ્થાઓ સાથે, લોકતાંત્રિક મર્યાદાઓ સાથે અને સેક્યુલરિઝમ સાથે ચેડાં કર્યા હતાં. જમ્મુ અને કાશ્મીરમાં શેખ અબદુલ્લાના અવસાન પછી મુખ્ય પ્રધાન બનેલા તેમના પુત્ર ફારુક અબદુલ્લાને સતાવવાનું શરૂ કર્યું હતું અને એમાં તેમણે RSSનો સહયોગ પણ લીધો હતો. કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યમાં સંઘને પડદા પાછળ સાથે રાખીને ધાર્મિક રાજકારણ કરવામાં સંકોચ નહોતો કર્યો. ઇન્દિરા ગાંધીએ સૌથી મોટું ઊંબાડિયું પંજાબમાં કર્યું હતું. પંજાબમાં શિરોમણિ અકાલી દળને નાથવા તેમણે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)નો વિરોધ કરનારા ખાલસાઝનૂની સિખોને ટેકો આપ્યો હતો, કહો કે પેદા કર્યા હતા. ઓસામા બિન લાદેન જેમ અમેરિકાની પેદાશ હતો એમ જરનેલ સિંહ ભીંદરાણવાલે ઇન્દિરા ગાંધી અને કૉન્ગ્રેસની પેદાશ હતો. જ્ઞાની ઝૈલ સિંહ ૧૯૭૨થી ૧૯૭૭નાં વર્ષોમાં પંજાબના મુખ્ય પ્રધાન હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં અકાલી દળનો વિજય થયો હતો. પંજાબમાં અકાલી દળની તાકાત તોડવી હોય તો SGPCની તાકાત તોડવી જરૂરી છે અને જ્ઞાની ઝૈલ સિંહે આ ખાસ મિશન માટે ભીંદરાણવાલેને આગળ કર્યો હતો અને ૧૯૭૮માં થયેલી SGPCની ચૂંટણી લડવા કૉન્ગ્રેસે ભીંદરાણવાલેને પૈસા પણ આપ્યા હતા. ૧૯૭૮માં પંજાબમાં જેને કોઈ ઓળખતું નહોતું એ ભીંદરાણવાલે ૧૯૮૦ સુધીમાં માત્ર અકાલી દળ માટે જ નહીં, દેશ માટે ખતરો બની ગયો હતો અને કૉન્ગ્રેસના અંકુશની બહાર નીકળી ગયો હતો.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. પંજાબમાં અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન થયું જેની પરિણતી ૧૯૮૪ના જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કરવા પડેલા ઑપરેશન બ્લુસ્ટારમાં થઈ હતી. અમ્રિતસરમાં સુવર્ણમંદિરમાં લશ્કર મોકલવું પડ્યું હતું અને લશ્કર તેમ જ ત્રાસવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં અત્યંત પવિત્ર અકાલ તખ્તને નુકસાન પહોંચ્યું હતું. દેશમાં અને વિદેશમાં સિખો નારાજ થયા હતા અને ઇન્દિરા ગાંધીના સિખ ચોકિયાતોએ ૧૯૮૪ના ઑક્ટોબર મહિનામાં ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા પછી સિખોનો જે રીતે નરસંહાર થયો એ આઝાદ ભારતની કલંકરૂપ ઘટનાઓમાંની એક છે.

આગળ કહ્યું એમ ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસના અને પોતાના સત્તાકીય હિત કરતાં દેશના હિતને પ્રાથમિકતા આપી હોત, અન્ય પક્ષો માટે લોકતાંત્રિક સહિષ્ણુતા દાખવી હોત, લોકતાંત્રિક મર્યાદા પાળી હોત અને તુમાખીભર્યા વલણથી બચ્યાં હોત તો ૧૯૮૪માં જે ઘટનાઓ બની અને એમાં પોતાના પ્રાણ સહિત જે કિંમત ચૂકવવી પડી એનાથી બચી શકાયું હોત. કમનસીબે કૉન્ગ્રેસે એમાંથી પાઠ ભણવાની જગ્યાએ દેશના સેક્યુલર ઢાંચા સાથે વધુ એક ઊંબાડિયું કર્યું હતું. કૉન્ગ્રેસે હિન્દુઓના મત મેળવવા અયોધ્યાની બાબરી મસ્જિદનાં તાળાં ખોલાવ્યાં હતા. ૧૯૯૦ સુધીમાં કૉન્ગ્રેસે હિન્દુઓનો, મુસલમાનોનો અને સિખોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. કૉન્ગ્રેસની આજની જે અવસ્થા છે એ કૉન્ગ્રેસે કરેલાં ઊંબાડિયાંઓનું પરિણામ છે.

૧૯૮૪નું લેસન સિખો માટે અને એકંદરે ધર્મના નામે રાજકારણ કરનારાઓ માટે પણ છે. મૂળમાં તો સિખ ધર્મ હિન્દુ ધર્મનો સુધારાવાદી સંપ્રદાય હતો જેને ૧૬૯૯ની સાલમાં સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા નામ આપીને સંગઠિત ધર્મનું સ્વરૂપ આપ્યું હતું. એના સ્વરૂપમાં જ કેટલાંક આગ્રહયુક્ત અલગતાવાદી લક્ષણો છે. બીજી બાજુ સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલા આર્યસમાજે ૧૯મી સદીના છેલ્લા બે દશકોમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં હિન્દુઓ અને સિખો વચ્ચે અંતર વધારવાનું કામ કર્યું હતું. આર્યસમાજીઓ સિખોને વટલાવીને ફરી હિન્દુ બનાવતા હતા અને વસ્તીગણતરી શરૂ થઈ એ પછી પંજાબના હિન્દુઓને સલાહ આપવામાં આવી હતી કે તેમણે પોતાની માતૃભાષા તરીકે પંજાબીની જગ્યાએ હિન્દી લખાવવી. આર્યસમાજીઓએ ઉદૂર્‍ને મુસલમાનોની અને પંજાબીને સિખોની ધરાર ધર્મભાષા બનાવી હતી; જ્યારે એ બન્ને હિન્દુઓની, મુસલમાનોની અને સિખોની સહિયારી ભાષા હતી. આર્યસમાજની આવી કોમવાદી પ્રવૃત્તિને કારણે સિખો અને હિન્દુઓ વચ્ચે અંતર વધ્યું હતું. સિખોને ધાર્મિક રીતે ઝનૂની બનાવવામાં અંગ્રેજોનો પણ ફાળો છે. મહારાજા રણજિત સિંહના અવસાન પછી અંગ્રેજોએ સિખોનું રાજ છીનવી લીધું હતું, રણજિત સિંહના સગીર વારસ દુલીપ સિંહને બ્રિટન રવાના કરી દીધો હતો, તેનું ધમાર઼્તરણ કરીને તેને ઈસાઈ બનાવવામાં આવ્યો હતો અને એકંદરે પંજાબમાં મિશનરીઓ વટાળપ્રવૃત્તિ કરતા હતા.

આર્યસમાજ તેમ જ અંગ્રેજોના આક્રમણથી ખાલસા પંથને બચાવવાની જરૂર છે એમ લાગતાં ૧૯મી સદીમાં સિંઘસભા આંદોલન શરૂ થયું હતું. ૧૯૨૫ સુધી સિખોના ગુરુદ્વારાનું સંચાલન હિન્દુ મંદિરોની જેમ થતું હતું. કેટલાંક ગુરુદ્વારા ખાનગી માલિકી જેવાં હતાં જેમાં ગ્રંથીની નિમણૂક વંશપરંપરાગત થતી હતી. કેટલાંક પ્રસિદ્ધ ગુરુદ્વારા જાણે કે સિખ ધર્મના પેટા-સંપ્રદાયની પીઠ હોય એ રીતે ચાલતાં હતાં. સિંઘસભાના આક્રમક ધર્માભિમાની સિખોને ત્યારે લાગ્યું હતું કે હજી તો ૨૦૦ વર્ષ પણ નથી થયાં એવા યુવા સિખ ધર્મને અંગ્રેજો અને આર્યસમાજીઓથી બચાવવો હશે તો ગુરુદ્વારા કબજે કરવાં પડશે. ગુરુદ્વારા એક એવી જગ્યા છે જ્યાં સિખને પાકો સિખ બનાવી શકાય. સિંઘસભાના જથ્થાઓ પંજાબભરમાં ગુરુદ્વારાઓ પર આક્રમણ કરીને કબજે કરતા હતા. આ આંદોલનનો લોહિયાળ ઇતિહાસ છે. એની વિગતોમાં જવાની જરૂર નથી, પરંતુ ૧૯૨૫માં અંગ્રેજ સરકારે સિખ ગુરુદ્વારા ઍક્ટ પસાર કરીને સિખોના લગભગ તમામ ગુરુદ્વારાઓનો વહીવટ લ્ઞ્ભ્ઘ્ને આપી દીધો હતો. અકાલી દળ એ SGPC દ્વારા સ્થાપિત અને હજી પણ આડકતરી રીતે સંચાલિત રાજકીય પક્ષ છે.

આનો અર્થ એ થયો કે અકાલી દળ અન્ય કેટલાક પક્ષો જેવો માત્ર કોમવાદી પક્ષ નથી પરંતુ ધર્મસંસ્થા દ્વારા સ્થાપિત ધર્મની રક્ષા કરવા માટે ખાસ રચાયેલો ધાર્મિક-રાજકીય પક્ષ છે. કોમવાદી એજન્ડા હોવો એક વાત છે અને કોમવાદ ઉપરાંત ધર્મરક્ષણનો એજન્ડા હોવો એ જુદી વાત છે. દેશભરમાં ભાષાઆધારિત બને એટલા વિશાળ રાજ્યની રચના કરવા આંદોલનો થયાં છે. જેમ કે મરાઠી ભાષિકોનું મહારાષ્ટ્ર બે રાજ્ય જેવડું મોટું છે. અન્ય પ્રદેશોથી ઊલટું પંજાબમાં અકાલી દળે પંજાબીની જગ્યાએ સિખો માટેના નાના રાજ્યની માગણી કરી હતી. આંદોલન એટલું તીવ્ર હતું કે જેમ ૧૯૨૫માં અંગ્રેજોએ ગુરુદ્વારાઓના સંચાલનનો કાયદો કરવો પડ્યો હતો એમ ભારત સરકારે વિશાળ પંજાબમાંથી નાનું પંજાબ આપવું પડ્યું હતું. સિખોની માગણી ઠુકરાવીને એને સિખ સૂબા નામ નથી આપવામાં આવ્યું એ જુદી વાત છે, પણ વ્યવહારમાં એ સિખોની ધાર્મિક બહુમતી ધરાવતું રાજ્ય છે.

સેક્યુલર ભારતે ચેતવા માટે પર્યાપ્ત કારણો હતાં; પરંતુ કૉન્ગ્રેસે અકાલીઓને નબળા પાડવા સવાયા અકાલીઓ પેદા કર્યા હતા એનું પરિણામ દેશે, સિખોએ અને ખુદ ઇન્દિરા ગાંધીએ ભોગવ્યું હતું. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન સંકેલાઈ ગયું છે, પણ ભારેલો અગ્નિ આજે પણ પડ્યો છે જે નિમિત્ત મળતાં પ્રગટી શકે છે.

નરેન્દ્ર મોદી માટે પણ લેસન

લેસન BJP માટે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ છે. તેમના માટેનું લેસન ચેતવણીના સ્વરૂપનું છે. પહેલી વાર BJPને કેન્દ્રમાં સ્પક્ટ બહુમતી મળી છે અને એના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે. ઇન્દિરા ગાંધી અને કૉન્ગ્રેસ જેવી તુમાખી રાખવામાં ફાયદો નથી. ઊંબાડિયાં કેટલાં મોંઘાં પડે છે એ ત્રણ દાયકા પહેલાંનો ઘટનાક્રમ કહે છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જૂન 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-08062014-20

Loading

ચીનનાં સરમુખત્યાર વાદળોમાં તાઇનામેનની ‘સિલ્વર’ લાઇન

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|10 June 2014

છેલ્લા દાયકાઓમાં ચીને સાધેલી સડસડાટ પ્રગતિથી આખું વિશ્વ અંજાયેલું છે. વિશ્વમાં વસતીની દૃષ્ટિએ નંબર વન ચીન વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે. લશ્કરી મહાસત્તા એવું ચીન સંયુક્ત રાષ્ટ્ર સમિતિના કાયમી સભ્ય તરીકે દબદબો ધરાવે છે. ચીનની આ સિદ્ધિઓથી અંજાઈને કોઈ ધારી શકે કે પોતાના દેશની આર્થિક-લશ્કરી તાકાત જોઈને ચીનના નાગરિકોની છાતી ગજ ગજ ફૂલતી હશે … પણ વાસ્તવિકતા જરા જુદી છે. ચીનના નાગરિકોની હાલત પાંજરે પૂરેલાં પંખીઓ જેવી છે. સામ્યવાદી સરકાર દ્વારા રોજીરોટી મળી જાય છે, પણ આઝાદી છીનવાયેલી છે. તેમને સૌથી વધુ ખટકતી બાબત એ છે કે તેઓ દેશના નાગરિક નહીં પણ માનવસંસાધન બનીને રહી ગયા છે. ચીનમાં દાયકાઓથી રાજ કરતી એક જ પક્ષની સરમુખત્યાર સરકાર અને તેના અધધ … ભ્રષ્ટાચારથી લોકો ઉબાઈ ગયા છે. ચીની લોકો આઝાદી ઝંખે છે, લોકશાહી તથા પારદર્શક શાસન ઝંખે છે અને લોકોની આ ઝંખનાની જરા સરખી ઝાંય પણ ચીની શાસકોથી સહેવાતી નથી.

ચીનમાં લોકશાહી કે માનવ અધિકારો માટેના દરેક પ્રયાસને ત્યાંની સરકાર સામ-દામ-દંડ અને ભેદથી દબાવતી આવી છે. ચીનમાં ૧૯૮૯ની સાલમાં લોકશાહીની માગણી સાથે બીજિંગના તાઇનામેન ચોકમાં વિદ્યાર્થીઓએ આંદોલન ચલાવ્યું હતું, જેને શાસકોએ ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યું હતું. આંદોલન કરનારા પર બંદૂકો નહીં ટેન્કોથી હુમલો કરાયો હતો! લોકશાહીની માગણી કરનારાઓના લોહીથી તાઇનામેન ચોક રંગાઈ ગયો હતો. સેંકડો યુવાનોએ શહીદી વહોરી હતી એ આંદોલનને ગત ૪ જૂનના રોજ પચીસ વર્ષ પૂર્ણ થયાં, પણ ચીનમાં લોકોનું લોકશાહી વ્યવસ્થાનું સ્વપ્ન આજ દિન સુધી પૂર્ણ થયું નથી. અલબત્ત, આ આંદોલને ચીનના સરમુખત્યારી શાસનનાં કાળાં ડિબાંગ વાદળોના છેડે આશાભરી રૂપેરી કોર તાણી આપી છે, જેણે ચીનના લોકોની લોકશાહી માટેની ઝંખનાને જીવંત અને જાગૃત રાખી છે.

વિશ્વ ઇતિહાસમાં અમર થઈ ગયેલા આ આંદોલનની પચીસમી વરસીએ ટૂંકમાં તેની વાત માંડીએ. વૈચારિક તથા વ્યવસ્થાપકીય આઝાદીની માનવસહજ ઝંખના ચીનના લોકોમાં પણ જાગી રહી હતી. તેવામાં લોકશાહી મૂલ્યોમાં માનતા હુ યાઓબંગનું ૧૫ એપ્રિલ, ૧૯૮૯ના રોજ નિધન થયું. મહાસચિવ પદે રહેલા હુને કોમ્યુિનસ્ટ પાર્ટી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. ચીનમાં લોકશાહી માટેની ચળવળના પ્રતીક બની ગયેલા હુને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિધનના બીજા જ દિવસે વિદ્યાર્થીઓ બીજિંગના તાઇનામેન ચોક પર એકઠા થયા. આ સ્થળ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે અહીં કોમ્યુિનસ્ટ પાર્ટીએ દેશમાં સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યા પછી માઓ જેદોંગ સહિતના નેતાઓની યાદગીરી રૂપે 'પીપલ્સ હીરો' નામનું સ્મારક બનાવ્યું હતું. ટીપે ટીપે સરોવર ભરાય એમ એક પછી એક યુવાન ચળવળમાં જોડાતાં તાઇનામેન ચોક વિદ્યાર્થીઓથી ઉભરાવા માંડયો. ૧૩મી મેના રોજ લોકતાંત્રિક વ્યવસ્થા પરિવર્તન માટે ઉપવાસ આંદોલન શરૂ કરાયું. આ આંદોલનની અસર સમગ્ર બીજિંગમાં થઈ. ૧૮મી મેના રોજ મજૂરોએ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં બાઇક રેલી યોજી. તાકડે આ દિવસોમાં રશિયાના વડા મિખાઇલ ગોર્બોચોવ ચીનની મુલાકાતે આવ્યા હતા, જેથી ચીનના સત્તાધીશોએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડેલું. પછી સરકારે આંદોલનને અવગણવાને બદલે આંદોલનકારીઓને સમજાવવાનો માર્ગ લીધો. ૧૯મી મેના રોજ કોમ્યુિનસ્ટ પાર્ટીના મહાસચિવ ઝાઓ જિયાંગ તાઇનામેન ચોકમાં આવ્યા અને સંબોધનમાં જણાવ્યું, "વિદ્યાર્થીઓ, અમે બહુ મોડા આવ્યા છીએ. સોરી." જો કે, યુવાનો વાતો-વચનોથી પીગળે એમ નહોતા. આંદોલનની આગ પ્રસરતી જતી હતી એટલે ચીનના તત્કાલીન વડાપ્રધાન લિ પેંગે બીજિંગના અમુક વિસ્તારમાં માર્શલ લો લાગુ પાડી દીધો. જેની ઊલટી અસર થઈ ૨૦મી તારીખે વિદ્યાર્થીઓની સાથે તેમના શિક્ષકો-પ્રોફેસર્સ પણ જોડાયા. ૩૦મી મેના રોજ ફાઇન આર્ટના વિદ્યાર્થીઓએ 'લોકશાહીની દેવી' મૂર્તિ બનાવી, જેથી જુસ્સો બેવડાયો. સરકારે તાઇનામેન ચોકની ફરતે સૈનિકો ગોઠવવા માંડયા. બીજી જૂને હથિયાર વિનાના સૈનિકોએ વિદ્યાર્થીઓને ચોક પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પણ કારી ફાવી નહીં. વિદ્યાર્થીઓ 'ડેમોક્રસી ઓર ડેથ' માટે પ્રતિબદ્ધ હતા. અંતે સરકારે ક્રૂરતમ ચહેરો બતાવ્યો. ૩ જૂનની મોડી રાતે ૪ જૂનના થોડા કલાકો પહેલાં બંદૂકો જ નહીં ટેન્કોની તોપો વિદ્યાર્થીઓ પર દાગવામાં આવી. રાતના અંધારામાં સરકારે કરેલા કાયરતાપૂર્ણ હુમલામાં સેંકડો વિદ્યાર્થીઓ મોતને ઘાટ ઊતરી ગયા. જો કે, મોતનો ચોક્કસ આંકડો આજ દિન સુધી બહાર આવ્યો નથી.

તાઇનામેન ચોકના હત્યાકાંડને દબાવી દેવા, ઇતિહાસનાં પાનાંઓ પરથી ભૂંસી નાખવા ચીની સરકાર મથ્યા કરે છે, પણ સફળ થઈ નથી. ચોથી જૂનની પચીસમી વરસીની ઉજવણી અટકાવવા ચીની સરકારે સેંકડો કર્મશીલો, પત્રકારો અને વકીલોને કાં જેલમાં પૂર્યા કાં નજરકેદ હેઠળ રાખ્યા હતા. જો કે, ચીન નહીં પણ તાઇવાન અને હોંગકોંગમાં ઉજવણી થઈ. ચીન સરકારનો લોખંડી પંજો પણ લોકશાહીની ઝંખનાને દાબી શક્યો નથી. આઝાદી જીવમાત્રનો અધિકાર છે, એ છીનવીને કોઈ રાષ્ટ્ર સમૃદ્ધ-શક્તિશાળી બની શકે, પણ મહાન થઈ શકે નહીં!

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય-સંકેત’ કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 જૂન 2014

Loading

...102030...4,1234,1244,1254,126...4,1304,1404,150...

Search by

Opinion

  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved