ભારત મહાન રાષ્ટ્ર છે એવું માનવાનું કોને ન ગમે? જ્ઞાતિપ્રથાનાં ભયંકર અને અક્ષમ્ય દૂષણને કોઈ રીતે બાદ ન કરી શકાય. તેમ છતાં, એ દૂષણ સહિત પ્રાચીન ભારતમાં ઘણા જ્ઞાનીજનો થઈ ગયા. તેમણે ભક્તિમાર્ગને બદલે જ્ઞાનમાર્ગને પ્રાધાન્ય આપ્યું અને વ્યક્તિગત કે સંકુચિત હિતોને બદલે સમષ્ટિના લાભમાં જ્ઞાનસર્જન કરવામાં પોતાનાં વર્ષો ખર્ચી નાખ્યાં. જો કે, સંકુચિત હિતોને આગળ કરતી જ્ઞાતિપ્રથાના પાપે જ્ઞાન પર જ્ઞાતિવિશેષનો ઇજારો કે કાળમુખો ભરડો આવી જતાં, સમગ્ર માનવજાત માટે મનીષીઓએ ઉપાર્જિત કરેલું જ્ઞાન સડવા પડ્યું. લેખિત પરંપરાના અભાવ અને વિદેશી આક્રમણોને કારણે પ્રાચીન જ્ઞાન ધીમે ધીમે લુપ્ત થઈને કલ્પનાનો વિષય બની ગયું.
આ પ્રકારની ધારણા રાષ્ટ્રવાદનું સંકુચિત અને કોમવાદી રાજકારણ ખેલનારાને સૌથી પ્રિય હોય છે. તેમાં ઘણી હદે તથ્ય છે, પણ કથિત રાષ્ટ્રવાદીઓ જે ઝનૂનથી, વિવેકભાન ભૂલીને આ માન્યતા સેવતા અને બીજાના ગળે ઉતારવા પ્રયાસ કરતા હોય છે એ જો ચિંતાજનક ન હોત તો હાસ્યાસ્પદ ગણાત. અત્યાર લગી સંઘ પરિવાર કે તેની વિચારધારા સાથે સંબંધ ધરાવતી સંસ્થાઓ એક યા બીજી રીતે પ્રાચીન ભારતની ગૌરવગાથાઓને પોતાના રાજકારણના ચોકઠામાં ફીટ કરીને અથવા એ પ્રકારનું સ્વરૂપ આપીને, તેનો યથાશક્તિ પ્રચારપ્રસાર કરતી હતી. પરંતુ આઝાદી પછી પહેલી વાર દેશમાં સંઘ પરિવારની સાથે સીધો સંબંધ ધરાવતી હોય એવી સરકાર સંપૂર્ણ બહુમતી સાથે આવી છે. એટલે સંઘની વ્યાખ્યા પ્રમાણેનો રાષ્ટ્રવાદ હવે મુખ્ય ધારામાં સમાવિષ્ટ થાય અને ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’ પ્રમાણે વાદવિવાદથી નવું જ્ઞાન નીપજાવવાની પ્રક્રિયા પર બૂચ મારી દે એવી આશંકા જાગી હતી.
પરંતુ આશંકા અણધારી ઝડપે વાસ્તવિકતામાં બદલાઈ છે અને તેની શરૂઆત ‘લેબોરેટરી’ તરીકે જાણીતા ગુજરાતથી જ થઈ છે. રાજ્યની આશરે ૪૨ હજાર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ ઉપરાંતના પૂરક વાચન તરીકે સંઘ પરિવારના ‘શિક્ષણવિદ્દ’ દીનાનાથ બત્રાનાં પુસ્તકો ધુસાડી દેવામાં આવ્યાં છે. એ મતલબનો પરિપત્ર રાજ્ય સરકારે કરી દીધો છે. ‘શિક્ષણનું ભારતીયકરણ’ જેવો સંદેહાસ્પદ દાવો ધરાવતાં બત્રાનાં પુસ્તકોમાં કેવી સામગ્રી ભરેલી છે, તેનાં ઉદાહરણો પ્રસાર માઘ્યમોમાં આવી રહ્યાં છે. તેમાં એ જ જૂની-પુરાણી, ‘બધી શોધો ભારતમાં થઈ હતી’વાળી મિથ્યાભિમાની અને પૂરતા આધાર પુરાવા વગરની દલીલો છે. જેમ કે, ‘રામાયણ’માં આવતા પુષ્પક વિમાનને બત્રા આઘુનિક વિમાનનું પૂર્વજ ગણાવીને એવું સિદ્ધ કરે છે કે વિમાનની શોધ રાઇટ બ્રધર્સે નહીં, ૠષિમુનિઓએ કરેલી. એવી જ રીતે, ટીવીની શોધ પણ દુષ્ટ ધોળી ચામડીવાળાએ કરી ન હતી. મહાભારતના યુદ્ધ વખતે સંજયે જે દિવ્ય દૃષ્ટિ વાપરીને ઘૃતરાષ્ટ્રને યુદ્ધનો અહેવાલ આપ્યો એ હકીકતમાં ટીવીનું લાઇવ ટેલીકાસ્ટ હતું.
આ જાતની દલીલો વર્ષોથી થતી આવી છે અને તેની કચાશ પણ સંતોષકારક રીતે સિદ્ધ થઈ ચૂકી છે. ગૌરવગાનમાં ભાન ભૂલેલા બત્રા જેવા ઘણા લોકો ‘ફિક્શન’ અને ‘સાયન્સ ફિક્શન’ વચ્ચેનો સાદો તફાવત અંકે કરી શકતા નથી અથવા તેની સગવડે ઉપેક્ષા કરે છે. જુલ્સ વર્ન કે એચ.જી.વેલ્સ જેવા ઘણા લેખકોએ તેમના જીવનકાળનાં પચીસ-પચાસ-સો વર્ષ પછી થનારી શોધો વિશે પોતાની કથાઓમાં લખ્યું હતું. લિઓનાર્દો દ વિન્ચી તો એ બાબતમાં પાંચસો-છસો વર્ષ આગળ હતો.
પરંતુ વ્યાસ-વાલ્મીકિનાં મહાકાવ્યોમાં આવતી વાતોને ‘વૈજ્ઞાનિક શોધો’ તરીકે સાબીત કરવામાં મૂળભૂત વાંધો છે. તે સ્વતંત્રપણે ન સમજાય તો પણ વર્ન કે વેલ્સની વાર્તાઓ વાંચીને દીવા જેવો સ્પષ્ટ થઈ જવો જોઈએ. બત્રાએ આપેલા ઉદાહરણની જ વાત કરીએ તો, રામાયણમાં પુષ્પક વિમાન આવે છે. પરંતુ તેના વર્ણનમાં હવા કરતાં વઘુ વજન ધરાવતો પદાર્થ શી રીતે ઉડી શકે એ વિશે કશું જાણવા મળતું નથી, જ્યારે જુલ્સ વર્નનાં વિમાન, હેલિકોપ્ટર કે સબમરીનનાં વર્ણનો કેવળ વાર્તા નથી. તેમાં વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવીને ખુલાસાવાર દર્શાવાયું છે કે હેલિકોપ્ટર કેવી રીતે હવામાં ઉડી શકે, સબમરીન કેવી રીતે પાણીની સપાટીની નીચે તરી શકે અથવા માણસ કેવી રીતે ચંદ્ર પર જઈ શકે. ખરેખર હેલિકોપ્ટર કે સબમરીન બન્યાં કે માણસ ચંદ્ર પર પહોંચ્યો ત્યારે વર્ને માંડેલી ઘણીખરી ગણતરીઓ અને તેમની વિજ્ઞાન આધારિત અટકળો સાચી પડી હતી. રામાયણ-મહાભારત પરથી બત્રાએ તારવેલાં એકેય ‘વૈજ્ઞાનિક સંશોધન’ વિશે આવું કહી શકાશે?
સૌથી ખતરનાક બાબત એ છે કે જિજ્ઞાસાથી ખદબદતાં બાળકોની જીવનનો પાયો ઊભા કરવાની પ્રક્રિયામાં આવો ‘માલ’ શિક્ષણ અને રાષ્ટ્રગૌરવના નામે ઠલવાઈ રહ્યો છે. દેશનો વિસરાયેલો જ્ઞાનવારસો ખરેખર પુનઃસ્થાપિત કરવો હોય તો હિંદુત્વના રાજકારણ-માર્ગથી અલિપ્ત રહીને, જ્ઞાનમાર્ગે આગળ વધવું પડે, તેના વિશે સંશોધન કરવું પડે અને ટીકાકારોને પણ સ્વીકાર કરવો પડે એટલી નક્કરતાથી ભારતીય જ્ઞાનની મહત્તા સિદ્ધ કરી આપવી પડે.
આત્મદયા અને મિથ્યાભિમાનના વિરોધાભાસી અને ઝેરી કોકટેઇલથી તો નશો નીપજે, જ્ઞાન નહીં.
સૌજન્ય : “ગુજરાત સમાચાર”, તંત્રીલેખ, 29 જુલાઈ 2014