Opinion Magazine
Number of visits: 10,201,764
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સશક્તિકરણ અને વિકાસવાર્તા છતાં …

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|7 June 2014

– સશક્તિકરણ અને વિકાસવાર્તા છતાં…

– અત્યાચારોની આરપાર; સવાલ કાયદાના શાસનની તાકીદનો તેમ સામંતી માનસિકતામાં પરિવર્તનના તકાજાનો પણ છે

શુક્રવારે [06 જૂન 2014] બપોરે આ લખી રહ્યો છું ત્યારે નાને પડદે સૂચનાપટ્ટી દોડતી જોઉં છું કે લંડનમાં ભારતીય હાઈકમિશન સમક્ષ આપણે ત્યાંની બળાત્કારી ઘટનાઓ સબબ દેખાવો યોજાયા હતા. આ પૂર્વે યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી-મુન તો બદાયુંની ઘટનાને પગલે ચિંતા અને નિસબતની લાગણી આંતરરાષ્ટ્રીય અટારીએથી પ્રગટ કરી જ ચૂકયા છે, અને મુલાયમસિંહ યાદવ તરફથી આપણે સૌ એ પ્રતિભાવ પણ સાંભળી ચૂકયા છીએ કે આ બધું શું અમારે યુરોપઅમેરિકા પાસેથી જાણવા સાંભળવાનું છે?

પિતાની સાથે જાણે કે જુગલબંદીનો ખયાલ હોય એમ મુખ્યમંત્રી અખિલેશ યાદવે અજબ જેવી માસૂમિયતથી કહ્યું છે કે ગૂગલે ચડીને મલક આખો સર્ચી વળો ને – બળાત્કારો ઉત્તર પ્રદેશની વિશેષતા નથી. રામગોપાલ-શિવપાલ કાકા મંડળીએ વાતનો બંધ વાળ્યો છે : વાત મુદ્દે અમારી સામે આ બહાને ઘડાઈ રહેલા રાજકીય કાવતરાની છે. બેલાશક, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સ્થળ મુલાકાત બાદ વડાપ્રધાન મોદી જોગ હેવાલમાં કહ્યું જ છે કે જો રાજ્ય સરકાર કારવાઈમાં ઊણી ઊતરે તો કેન્દ્રીય દરમિયાનગીરી જરૂરી બનશે.

દરમિયાન, કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન રાજનાથસિંહે રાજ્યપાલ જોષી સાથે કાયદો અને વ્યવસ્થાની ચર્ચા તો કરી જ લીધી છે. સ્ત્રી સંબંધી હિંસાચાર એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો સવાલ અલબત્ત નથી. પરંતુ વ્યવસ્થાતંત્રે કાયદાનું પાલન તો કરાવવાનું રહે જ છે. ઉત્તરપ્રદેશમાં આજની તારીખે સાદી એફ.આઈ.આર. નોંધાવવી એ પણ એક દુષ્કર કામ છે. નિરીક્ષકોએ નોંધ્યું છે તેમ તમારી નાતજાત, આર્થિ‌ક દરજ્જો અને દરબારી વગ, આ બધાં પરિબળો એમાં નિર્ણાયક ભાગ ભજવે છે.

ફરિયાદ નોંધનારું તંત્ર અને એની ઉપરનું રાજકીય સત્તામાળખું તેમ જ ચોમેરચોફેરનું સમાજ માળખું, આ બધાં વચ્ચે લાંબા સમયથી એક અપવિત્ર મેળાપીપણું પ્રવર્તે છે. આ વાસ્તવિકતા – અખિલેશ કહે છે તેમ – દેશની આખાની છે. જો કે, તેથી ઉત્તરપ્રદેશની કે કોઈ પણ રાજ્ય સરકારને બચાવછૂટ નથી મળતી. ૨૦૦૨માં ગુજરાતે રોમમર્રાની જિંદગી કરતાં એક વિશેષ સંદર્ભમાં આવો ઘટનાક્રમ મોટે પાયે જોયો હતો. રમખાણોમાં આવું બનતું હોય છે એને લઈને ગુજરાતનો એક ખાસ અભ્યાસ ઓકસફર્ડ થકી થયેલો છે.

તે સુલભ થયો ન થયો ત્યાં તો શિક્ષા બચાવો સમિતિના દીનાનાથ બત્રાની રજૂઆતથી હાલ ઠંડા બકસામાં મુકાયા જેવો બની રહ્યો છે. હમણાં જે માનસિકતાની પેંધેલી વાત કરી તે આપણા સમાજના હાડમાં ગેરબરાબરીની છે. સ્ત્રીઓ, દલિતપછાત વર્ગો બધા જ દબાયેલા ચંપાયેલા રહેતાં આવ્યાં છે અને એકોએક શાસન, સઘળા રાજકીય-શાસકીય અગ્રવર્ગ ઓછેવત્તે ક્રમે આ બાબતે યથાસ્થિતિને મુજરો ભરતા માલૂમ પડયા છે. મુલાયમસિંહનું 'છોકરા તો મુઆ છોકરા જ રહેવાના’ ખાસું ગાજ્યું, પણ બાકીનાઓમાં પણ તમને આવા સહજોદ્દગારો મળવાના.

ખાપ મનોદશા સાથે કામ પાડવામાં 'કાયદાના ભંગ બદલ ચોક્કસ કામ લેવું જોઈએ’ એવું ડાહ્યું વિધાન કરવાથી કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ ભાગ્યે જ આગળ ગયા હશે. 'છોકરીઓને સોળમે વરસે પરણાવી દો એટલે એમની સેક્સભૂખનો સવાલ ન રહે’ આવો ભવ્ય ઉકેલ સૂચવનારા ઓમ પ્રકાશ ચોટાલા પણ આ જ જમાત માંહેલા છે. કહી શકાય કે એક રસ્તો, અંતે તો, આ વર્ગોના સશક્તિકરણનો છે. રાજકીય પક્ષો મહિ‌લા અનામત અને વિશેષ જોગવાઈની રીતે અગર તો પોતપોતાના સામાજિક પાયારૂપે પણ કંઈને કંઈ કરતા હોય છે.

મુલાયમ, લાલુ, નીતિશની આ પૃષ્ઠભૂ રહેલી છે, તો નમોએ ઉત્તરપ્રદેશ અને બિહારમાં પોતાની ઓ.બી.સી. ઓળખ આગળ ધરી જ હતી. હમણાં ગોપીનાથ મુંડે ગયા જે ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રના કદાચ પ્રથમ ઓ.બી.સી. મુખ્યમંત્રી હોત. એમને અંજલિ આપતાં નમોએ 'પછાત’ જ્ઞાતિમાંથી ઊંચે આવેલા એ ખાસ સંભાર્યું છે. ઓ.બી.સી. મહિ‌મા હિંદુ ભાજપને વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલાસ્ત્ર પછી અને સવિશેષ તો ૧૯૯૨ના ડિસેમ્બરની અયોધ્યા ફતેહ પછી વળતે વરસે માયાવતી-મુલાયમ એ દલિતલઠૈત એકતાને કારણે લખનઉ ખોયાથી સમજાયો હશે.

હાલનો સમય અલબત્ત સશક્તિકરણ અને વિકાસવાર્તાનો છે. સવાલ જો કે એ છે કે આ બધી જ જોગવાઈઓ છતાં દાતાપાતા સમુદાય, લાભ આપનાર અને લાભાર્થી, સામાજિક ઊંચનીચ દલિતપછાતઉજળિયાતઓરત મટીને નાગરિક બને છે કે કેમ. હિંદુ હોવું પૂરતું નયે હોય એ છેલ્લી ચૂંટણીનો એક પાઠ છે. પણ નાગરિક થયા વિના સંધું અપૂરતું છે એ પાઠ કદાચ હજુ દૂર છે. જસ્ટિસ વર્માના જીવનકાર્યરૂપ કાયદાપોથી આપણી પાસે છે. રાજકીય સંકલ્પશક્તિથી એનો ચોક્કસ લાભ મળી શકે. પણ માનસિકતા અને સમાજસુધારો, એ તો એક લાંબી લડાઈ છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 07 June 2014

Loading

બાઉલ અૉફ સૅલડ નહીં પણ બાઉલ બરિટો –

બિપિન શ્રોફ|Opinion - Opinion|4 June 2014

રમેશભાઈ અોઝાના 'જવાહરલાલ-નેહરુની-પુણ્યતિથિ-ને-નરેન્દ્ર-મોદીનો-ઉદય-:-યોગાનુયોગ–યુગપલટો-કે-પછી-કવિન્યાય?' લેખનો પ્રતિભાવ :

અમૅરિકામાં એક મેક્સિકન ફ્રેન્ચાઇઝ છે; જેનું નામ છે પાંચારો (Panchero). તેની એક મુખ્ય વાનગી છે. તેનું નામ છે ‘બાઉલ બરિટો’. તેમાં બીફ અથવા પીગ મીટના બાફેલા ટુકડાઓથી માંડીને જુદાંજુદાં શાકભાજીના ટુકડા, બાફેલી મકાઈના દાણા, બ્લેક અને રેડ બીન્સ, ચીઝની પાતળી સેવો, અને છેલ્લે, ટામેટો કેચ–અપ વગેરે ઘણું બધું હોય છે. પાંચારો ફ્રેન્ચાઇઝના ફુડ ટેકનોલોજીસ્ટોએ, માનવ શરીરની હોજરીની ખોરાક પચાવવાની સામાન્ય શક્તિ અને શરીરને જરૂરી કેલેરીને ધ્યાનમાં રાખીને વર્ષોનાં સંશોધન પછી, આ વાનગી ‘બાઉલ બરિટો’ બહાર પાડી છે. જેને માનવ હોજરી  ‘બાઉલ બરિટો’ના બધાં જ તત્ત્વોને પચાવી જરૂરી શક્તિમાં જ રૂપાંતર કરીને દોડતો રાખે છે અથવા કાર્યક્ષમ બનાવે છે. અને પછી બહાર દેખાતા બાઉલ બરિટોના કોઈ જ તત્ત્વોનું અસ્તિત્વ સુધ્ધાં દેખાતું નથી.

ઉપરની વાતમાં રમૂજ કે આનંદ કરતાં એક ગર્ભિત સંદેશ છે. તમારે સમાજ, દેશ અને દુનિયામાં બાઉલ બરિટોના કે બાઉલ અૉફ સલાડમાં રહેલાં જુદાં જુદાં તત્ત્વોને કાયમ માટે સ્વતંત્ર રાખીને સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વીક વ્યવહારો ચલાવવા છે, અથવા તેમાંથી પેદા થતા સંઘર્ષોને ઉકેલવા છે કે પછી એ તત્ત્વોમાં રહેલા સામાન્ય સદ્દગુણો જેવા કે માનવીય સ્વતંત્રતા, વિવેકબુદ્ધિ અને ધર્મના આધાર સિવાયનો ધર્મનિરપેક્ષ નૈતિક અને સામાજિક વ્યવહારને આધારે વૈશ્વીક માનવ, અને વૈશ્વીક વીશ્વ કે વૈશ્વીક નવો સમાજ બનાવવો છે?

મુરબ્બી ભીખુભાઈ પારેખનો ‘મલ્ટી કલચરાલિઝમ’નો ખ્યાલ અને ગાંધીજી – વિનોબાનો ‘સર્વ ધર્મ સમભાવ’ અને સર્વધર્મ પ્રાર્થનાનો ખ્યાલ એટલા માટે માનવને માનવ બનાવવામાં કામમાં લાગે તેમ નથી.  કારણ કે તે બધા ખ્યાલો પેલા ‘બાઉલ બરિટો કે બાઉલ અૉફ સૅલાડનાં જુદાં જુદાં તત્ત્વોના અસ્તિત્વને અકબંધ અને સ્વતંત્ર રાખીને કે વધારે પાળી પંપોષીને મજબૂત બનાવીને ટકાવી રાખવા અને વિકસાવવા માંગે છે. નરેન્દ્ર મોદી એન્ડ આર.આર.એસ. બ્રાન્ડ બહુમતી હિંદુત્વનો વિચાર, વર્તન અને વ્યવહાર તે પેલા બાઉલ બરિટોના સલાડના એક મોટા ટુકડાથી જુદો બિલકુલ નથી. જેમાં વાસ્તવિક સ્થિતિ તો બાઉલ અૉફ સૅલાડના  ‘પેલા બળિયાના બે ભાગ’ જેવી જ થવાની.

હકીકતમાં માનવી ‘શિકાર યુગ, કૃષિ યુગ, ઔદ્યોગિક યુગ વટાવીને ૨૧મી સદીના જ્ઞાનઆધારિત માહિતી યુગ’માં દોડતો આવી ગયો છે. જ્યારે આપણા દેશનો બહુમતી ભારતીય હજુ ધર્મ, ક્રિયાકાંડ, ઈશ્વરના અસ્તિત્વ અને તેની આસપાસ વીંટળાયેલી શ્રદ્ધાઓ અને અંધશ્રદ્ધાઓએ પેદા કરેલા પેલા ‘બાઉલ અૉફ સૅલાડ’ના ટુકડાઓને આખરી સત્યો માનીને પોતાની છાતીથી દૂર કરવા માંગતો નથી. આપણા તાજેતરમાં બનેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે જ વિચાર અને વર્તનનું સર્જન અને પ્રતિબિંબ છે. હે ! ભારતીય, તને કોણ સમજાવશે કે ભાઈ! તારો ઈશ્વર, અલ્લાહ કે ગૉડ ક્યાં ય નથી. નથી સ્વર્ગ, જન્નત કે નર્ક, દોજખ ! તારા બધા જ ધર્મો અને તેનાં ધર્મ–પુસ્તકો અને તેના ઉપદેશો આજની ૨૧મી સદીએ પેદા કરેલી સમસ્યાઓ ઉકેલવા બિલકુલ અપ્રસ્તુત થઈ ગયા છે.

ડાર્વિનના જૈવીક ઉત્ક્રાંતિવાદે પુરાવા સાથે સાબિત કરી દીધું કે માનવીએ ઈશ્વરી સર્જન નથી. બીજા સજીવોથી જૈવીક રીતે માનવી બિલકુલ જુદો જ નથી. ગેલેલિયો અને કોપરનિકસે શરૂ કરેલી પૃથ્વી, સૂર્ય અને બ્રહ્માંડ શોધખોળોએ વધુમાં એ સાબિત કરી દીધું કે માનવી પણ બીજા અન્ય ભૌતિક પદાર્થોની માફક જ એક ભૌતિક પદાર્થ છે. પેલા દેખાતા ‘બાઉલના સલાડ’ના ટુકડાઓ, ભલે ગાંધી કે ભીખુભાઈને કદાચ જુદા જુદા લાગે; પણ તે બધા જ આપણે ફક્ત અને ફક્ત માનવ જ નહીં બનાવીએ તો તેની જુદાઈ કે વિવિધતાને પૂજવાથી કોઈ સમસ્યાઓ ઉકેલાશે નહીં. પણ તે ‘બાઉલના સૅલાડ’ના ટુકડાઓનું હોવું તે આપણને અધોગતિ તરફ લઈ જનારું છે. દેશમાં વર્તમાન દલિતો, આદિવાસીઓ, વંચિતો, અલ્પસંખ્યકો અને સ્ત્રીઓની સ્થિતિ માટે પેલા ‘બાઉલ અૉફ સલાડ’ના ટુકડાઓનું સશક્તિકરણ જવાબદાર છે. આ સંદર્ભમાં વર્તમાન સત્તાધીશોનાં પ્રયત્નો કેવાં પરિણામ લાવશે તે સમય જ સાબિત કરશે.

e.mail : shroffbipin@gmail.com


Loading

નિર્ભયા ટૂ બદાયૂં : જંતરમંતર છૂમંતર

મેહુલ મંગુબહેન|Samantar Gujarat - Samantar|4 June 2014

નિર્ભયા કેસ વખતે સળગેલી તમામ મીણબત્તીઓનું મીણ ઓગળી ગયું છે અને વાટ ઓલવાઈ ગઈ છે. હરિયાણામાં ગેંગરેપનો ભોગ બનેલી ચાર બાળકીઓ અને તેમનાં સગાંઓ દિલ્હીમાં ન્યાય માટે ૧૬ એપ્રિલથી ધરણાં પર બેઠાં છે ત્યારે ફરી એક વાર ઉત્તરપ્રદેશના બદાયૂંમાં બે બાળકીઓ પર ક્રૂર બળાત્કાર અને હત્યાની ઘટના બની છે. નવી સરકારના પડકારોમાં આભ ગળી જવાની હદે મુદ્દાઓ હવામાં ઉછળી રહ્યાં છે પણ એ મુદ્દાઓમાં રાજ્યની સૌથી મોટી અને મુખ્ય જવાબદારી છે તે 'ન્યાય'ની વાત કોઈ કરતું નથી

દેશમાં નવી સરકારની સ્થાપના થઈ ગઈ છે. અનેક વિદ્વાનો નવી સરકાર સામેના નોખા-અનોખા પડકારો ગણાવી રહ્યાં છે. શાંતિવાર્તાઓની સરાહના, કલમ ૩૭૦નો વિવાદ, મંત્રીઓના ભણતરની સાચી-ખોટી માહિતી અને આર્થિક સુધારાઓની વાતો ચર્ચાય છે. મુદ્દાઓ જાણે કે આભને ગળી જવાના હોય એ રીતે હવામાં ઉછળી રહ્યાં છે. આ અફરાતફરી, ધાંધલધમાલ અને સમસ્યાઓના સરળીકરણના સમયમાં સવાલ એ થાય છે કે શું ખરેખર એ આપણા મુદ્દા છે? શું સરકારની એટલે કે રાજ્યની એ જ જવાબદારી છે? ના. રાજ્ય નામની ઘટનાનો ઉદય જ ન્યાય માટે છે. રાજ્યની મુખ્ય જવાબદારી હિંસા અટકાવવાની અને જૂઠનો પ્રતિકાર કરવાની છે. તો પછી હાલ આપણને જે સંભળાય છે એ વાતોનું શું? એ વાતો હંબગ છે. લગભગ હા. મોટાભાગની તો ખરી જ, કેમ કે રાજ્યની સ્થાપનાનો મહત્ત્વનો હેતુ જે ન્યાય છે તેની કોઈ વાત એમાં થતી નથી. આપણા દેશનો પાયાનો પ્રશ્ન જો કોઈ હોય તો તે ભ્રષ્ટાચાર કે પાકિસ્તાન સાથેના સંબંધો નથી. આપણો પાયાનો સવાલ છે ન્યાયપ્રણાલિની સ્થાપના. ન્યાય સતત લાંબા સમય સુધી વિલંબિત થાય છે એટલે અન્યાયને જગ્યા મળી જાય છે, મળતી જ રહે છે. અને આવા અન્યાયનો સૌથી મોટો ભોગ બને છે સ્ત્રીઓ, એમાં ય ખાસ કરીને દલિત-આદિવાસી સ્ત્રીઓ!

મનુસ્મૃિતનો પ્રતાપ ગણીએ કે અન્ય કોઈ પણ ધાર્મિક-સામાજિક કારણો. ભારતીય સમાજમાં સ્ત્રીઓને કાયમ ભોગનું સાધન ગણવામાં આવે છે. સ્ત્રીઓ સામેના અનેક ગુનાઓમાં સૌથી જઘન્ય ગુનો છે બળાત્કારનો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો મુજબ ૨૦૧૨માં ભારતમાં બળાત્કારની ૨૫,૦૦૦ ઘટનાઓ નોંધાઈ હતી. રિપીટ નોંધાઈ હતી. બની હતી એમ નહીં, કેમ કે ખરેખર કેટલી બની હતી તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. મહિલાઓ સામેના ગુનાઓની ફરિયાદ ઝટ કરવામાં આવતી નથી, કેમ કે આપણે એવા વિચિત્ર પ્રકારના સ્ત્રીગૌરવમાં માનીએ છે જેમાં ભોગ બનનારને જ ગુનેગાર ગણવામાં આવે છે. કોઈ પુરુષનું શિશ્ન અચાનક ઉત્તેજિત થઈ ગયું છે અને તેને સેક્સ સિવાય કંઈ સૂઝતું જ નથી એટલે તે તેની આસપાસની કોઈ સ્ત્રી પર બળાત્કાર કરે છે એવું નથી હોતું. બળાત્કારને જાતીય સુખ સાથે નહીં પણ ક્યાંક પુરુષ તરીકેના મોભા સાથે, ક્યાંક પોતાની ઊંચી જાત સાથે તો ક્યાંક પોતાના ધર્મ સાથે પણ લેવાદેવા છે. તોફાનો દરમિયાન બળાત્કાર થાય છે, બે દેશો વચ્ચે યુદ્ધ દરમિયાન બળાત્કાર થાય છે. દલિતો અને આદિવાસી સ્ત્રીઓ સાથેના બળાત્કારનું મુખ્ય કારણ પણ એ હોય છે. સમાજમાં સ્ત્રીને સંપત્તિ માનવામાં આવે છે અને પુરુષને રક્ષક કે પાલક. આ બે પુરુષો વચ્ચેની લડાઈનો ભોગ સ્ત્રીને બનાવવામાં આવે છે. કોઈ બિનદલિત જ્યારે કોઈ દલિત સ્ત્રી પર બળાત્કાર કરે છે ત્યારે ખરેખર તો જે તે ગામના તમામ દલિતો પર બળાત્કાર થઈ જાય છે, કેમ કે તેનાથી ધાક બેસી રહે છે. સ્ત્રીની આબરૂ પુરુષને પરાજિત કે નિ:સહાય સ્થિતિમાં મૂકવા માટે ઉપયોગમાં લેવાય છે. બળાત્કારને અને લૈંગિક ભેદભાવને સીધો સંબંધ છે. સમાજમાં લૈંગિક ભેદભાવો અટકશે નહીં ત્યાં સુધી બળાત્કાર પણ અટકવાના નથી. ૨૦૦૬માં દેશમાં ૧૮,૬૮૨ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. ૨૦૧૧માં ૨૩,૫૮૨ અને ૨૦૧૨માં ૨૫,૦૦૦. આ આંકડાઓ શું બતાવે છે? આંકડાનો સીધો અને સાદો અર્થ એ છે કે દેશમાં મહિલાઓ સામેની સૌથી ક્રૂર ગણાતી ગુનાખોરી વધી રહી છે. આંકડાઓ કહે છે કે દેશમાં જાતિ-કોમ-ધરમગત ભેદભાવો વધી રહ્યાં છે. આંકડાઓ કહે છે કે દેશમાં લૈંગિક ભેદભાવો વધી રહ્યાં છે. આપણે સુધરી રહ્યાં છીએ, સમાજમાં સમાનતાની સ્થાપના થઈ રહી છે, એ આપણો વહેમ છે એવું આંકડાઓ કહેવા માગે છે. દલિતો-આદિવાસીઓ પરના અત્યાચારો ઓછા થવાને બદલે સતત વધી રહ્યાં છે એવું આંકડાઓ કહેવા માગે છે.

સવાલ એ છે કે, આવું કેમ થાય છે? અને જવાબ એ છે ન્યાયનો અભાવ. આપણા દેશમાં ન્યાય ખાડે ગયો છે. અન્યાય દરેક પળે થાય છે પણ ન્યાય વળતી પળે મળતો નથી, તોળાતો નથી. પોલીસ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા થાય છે. તાજેતરમાં બનેલી ઉત્તરપ્રદેશના બદાયૂંની દલિત બાળકીઓના ગેંગરેપની અને હત્યાની ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યાય માટે અનિવાર્ય એવો ફરિયાદનો તબક્કો જ પૂરો ન થાય તો પછી મામલો અદાલતે પહોંચે જ નહીં. ધારો કે પોલીસ ફરિયાદ લે તો પણ મામલો અદાલતમાં અટવાય જ કરે. ન્યાયની ખેવના રાખનારને લાંબીલચક અદાલતી પ્રક્રિયાને લીધે વર્ષોનાં વર્ષો સુધી અન્યાય વેંઢાર્યા કરવો પડે છે. દેશની અદાલતો અનેક પ્રકારના કેસોથી ભરચક છે. મહિલાઓ સામેના ગંભીર અપરાધ એવા બળાત્કારના કેસોમાં પણ કન્વિક્શન રેશિયો યાને કે સજાનું પ્રમાણ ભયંકર રીતે ચિંતાજનક છે. ૨૦૧૧ સુધીમાં ગુજરાત રાજ્યમાં જ બળાત્કારની ૪૩૯ ઘટનાઓ નોંધાઈ હતી. આપણા રાજ્યનો કન્વિક્શન રેશિયો ફક્ત ૧૪.૭ ટકા છે. એટલે કે કુલ કેસ પૈકી માત્ર ૧૪.૭ ટકા કેસમાં જ બળાત્કારનો ભોગ બનનાર મહિલાને ન્યાય મળ્યો અને આરોપીઓને સજા થઈ. દેશમાં આ વાત સમજીએ તો સજાનું સરેરાશ પ્રમાણ ફક્ત ૨૬.૪ ટકા છે. વિકસિત ગણાતા આપણા રાજ્યનું સરેરાશ સજાનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં ઘણું ઓછું છે એટલે ન્યાયની બાબતે ગુજરાતી ગૌરવ લઈ શકાય તેમ નથી. ૨૦૧૧ સુધીમાં દેશમાં ૧૫,૪૮૩ બળાત્કારના કેસો અદાલતી કામ પર આવેલા. આમાં અગાઉના પેન્ડિંગ કેસ પણ સામેલ છે. આ ૧૫,૪૮૩ કેસ પૈકી ૪,૦૭૨માં કેસમાં જ સજા થઈ. આ એક મોટું ચક્કર છે. ખૂનના કેસમાં સમગ્ર દેશમાં કન્વિક્શન રેશિયો ૪૦ ટકા છે તો બળાત્કારના કેસમાં ઓછો કેમ ? ચાર્જશીટ મોડી ફાઈલ થાય એટલે આરોપીને જામીન શક્યતા વધી જાય છે. જામીન મળતા જ સાક્ષીઓને લોભ-લાલચ-ધાક-ધમકી-દબાણની વાત જોર પકડે છે. કેસ ટ્રાયલ પર આવે છે ત્યારે પોલીસ અને સરકારી વકીલો નબળા પુરવાર થાય છે. સાક્ષીઓ ફૂટી જાય છે. પોલીસની તપાસમાં અનેક કાનૂની છીંડાં આરોપીનો મોંઘો વકીલ શોધી કાઢે છે અને સામે સરકારી પગાર ખાતો વકીલ મોટાભાગે એવી મહેનત કરતો નથી. સૌથી મહત્ત્વનું કારણ એ પોલીસ-વકીલ-અદાલતોની આ બાબતમાં ગંભીરતા અને સંવેદનશીલતા નથી તેમ અનેક કર્મશીલો ગણાવે છે. ભોગ બનનારે તેની યાતનાને ફરી અદાલત સમક્ષ પ્રસ્થાપિત કરવાની હોય છે ત્યારે સરકારી વકીલ સંવેદનશીલ તેમ જ હોશિયાર હોય તો જ પરિણામ મળે છે. ટૂંકમાં, ન્યાય ટલ્લે ચડી જાય છે એટલે અન્યાય નિર્ભય બનતો જાય છે અને બળાત્કારનું પ્રમાણ વધતું જાય છે.

લાંબા સમય પછી દેશને પૂર્ણ બહુમત ધરાવતી સરકાર મળી છે ત્યારે તેની સામેનો મુખ્ય પડકાર કોઈ અવનવી યોજનાઓ કે નવા કાયદાઓ, નદીઓનું જોડાણ કે ૩૭૦ કલમમાં સુધારો નથી, ન્યાયની પુર્નસ્થાપના છે. નિર્ભયાકાંડ વખતે નિર્ધાિરત થયેલી બાબતોનો અમલ થશે, નવી અદાલતોની સ્થાપના થશે, પોલીસની ભરતી-તાલીમ થશે, જજ-વકીલની ભરતી તાલીમ થશે તો જ ન્યાયની ગતિ વધશે. ન્યાયની ગતિ વધશે તો જ દેશ આગળ વધશે, કેમ કે આખરે તો આપણને દેશની જરૂર ન્યાય માટે જ હોય છે. 

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર,  “સંદેશ”, 04 જૂન 2014

Loading

...102030...4,1254,1264,1274,128...4,1404,1504,160...

Search by

Opinion

  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved