સવ્યસાચી: સ્મરણદીપના પ્રકાશમાં / સંપાદન મણિલાલ હ. પટેલ, સહ સંપાદન નલિની દેસાઈ. ગુજરાત વિશ્વકોશ ટ્સ્ટ, અમદાવાદ. ૧ આવૃત્તિ, ૨૦૧૪. ૧૬ + ૨૪૦ પાનાં, સચિત્ર. રૂ. ૨૫૦
છન્નું વર્ષના આયુષ્યમાં ધીરુભાઈ ઠાકર માત્ર લાંબુ ન જીવ્યા, પણ હર્યું જીવ્યા, ભર્યું જીવ્યા, હર્યુભર્યુ જીવ્યા. આ વર્ષના જાન્યુઆરીની ચોવીસમીએ તેમનું અવસાન થયું અને તે પછીના એમના પહેલા જન્મ દિવસે (જૂન ૨૭) મોટા કદનાં ૨૪૦ પાનાંનું આ પુસ્તક. પૂરા એક સો લેખો. ના. વર્ષો પહેલાં લખાયેલા, અહીંતહીંથી ભેગા કરેલા નહિ. ઘણા આ પુસ્તક માટે લખાયેલા, કે પછી ધીરુભાઈના અવસાન વખતે લખાયેલા. આવાં સંપાદનો માટે લેખો મેળવવાનું કેટલું અઘરું હોય છે તે તો ઘાયલ કી ગત ઘાયલ જાને.
પણ ધીરુભાઈનાં જીવન અને કાર્યની સુવાસ અને સંપાદકો તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પુરુષાર્થ, એટલે આ શક્ય બન્યું. અને પુસ્તકનાં મુદ્રણ અને નિર્માણમાં પણ ક્યાં ય કચાશ શોધવી મુશ્કેલ. ધીરુભાઈ માટેના સાચા પ્રેમાદર વિના આમ કરવું શક્ય ન બને, અને કદાચ બને, તો ય આવું સુભગ પરિણામ ન આવે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને જે ખૂબ જાણીતી, ઓછી જાણીતી, અને કોઈક અજાણી વ્યક્તિઓએ અહીં જે લખ્યું છે તેમાં ધીરુભાઈરૂપી શતદલ કમલની એક એક પાંખડી આપણી સામે ખૂલતી આવે છે. પિતા ધીરુભાઈ, અધ્યાપક, આચાર્ય, નિયામક, મિત્ર, મુરબ્બી, માર્ગદર્શક, વિદ્વાન, સંશોધક, આયોજક, નાટકનો જીવ ધીરુભાઈ. પાસાં અનેક, કામ કર્યાં અનેક અને જાતજાતનાં, પણ તેમના જીવન અને કાર્યને એકસૂત્રે બાંધતી વાત તે તો શેક્સપિયરે કહેલી તે – ‘ધિસ અબાવ ઓલ, ટુ ધાઇન ઓન સેલ્ફ બી ટ્રુ.’ આપણી ભાષાના એક શબ્દમાં કહેવું હોય તો ‘ખુદવફાઈ.’ આ પુસ્તક માટે લખનારાઓમાં નારાયણ દેસાઈ છે, ધીરુબહેન પટેલ છે, પ્રવીણ લહેરી, લાભશંકર ઠાકર, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, ભદ્રાયુ વછરાજાની, અમર ભટ્ટ, સુમન શાહ, પ્રદીપ ખાંડવાળા, રમણ સોની, શરીફા વીજળીવાળા, રાજેન્દ્ર પટેલ, હર્ષદ ત્રિવેદી, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી, રાજેન્દ્ર ખીમાણી, જેવા જુદાં જુદાં ક્ષેત્રોના, જુદાં જુદાં વૃત્તિ-વલણ ધરાવતાં લેખકો જોવા મળે છે.
પુસ્તકના આમુખ જેવા ‘પ્રેરણા દાયક સ્મરણ-દર્શન’ મથાળા નીચેના લખાણમાં કહ્યું છે : “તેઓએ કશું પણ, નાનું કે મોટું કાર્ય, કરવા ખાતર કર્યું નહોતું, ને જે કાર્ય હાથમાં લીધું તેમાં પોતાનો પ્રાણ રેડયો. જે કાર્ય એમણે હાથમાં લીધું હોય તેને સંસિદ્ધ તો કરી બતાવ્યું હોય, પણ સાથે સાથે તેને ગરિમાપૂર્ણ પણ બનાવી દીધું હોય.” ધીરુભાઈ – જેમનું ઉપનામ ‘સવ્યસાચી’ હતું – વિષે કહેવાયેલા આ શબ્દો આ પુસ્તક અંગે પ્રકાશક સંસ્થા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પુસ્તકના સંપાદક મણિલાલ હ. પટેલ, અને સહ સંપાદક નલિની દેસાઈ માટે પણ કહી શકાય તેમ છે.
સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014