Opinion Magazine
Number of visits: 9872476
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો’

વિપુલ કલ્યાણી|Profile|1 November 2013

‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ અાચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી અા વિદાયને હવે અા કેડે જ મુલવવી રહી.

એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. અા મુલાકાતોના સિલસિલામાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં વિધવિધ કામો કેન્દ્રસ્થ રહેતાં. એક દિવસે, કપૂરભાઈની સાથે હતો અને રતિભાઈ અાવી ચડ્યા. કહે : તમારું કામ પતે, તે પછી, થોડોક વખત મને મળી શકશો ? અને અામ હું મળવા ગયો.

તે દિવસોમાં, ટાઇપરાઇટરના ઉપયોગમાંથી રતિભાઈ કમ્પ્યૂટર યુગમાં ફેરવાઈ રહ્યા હતા. એમણે ગુજરાતીનું એમનું કામ વિગતે દેખાડ્યું. પોતાના મનનો નકશો ચીતરી દેખાડ્યો. ક્યાં ક્યાં ધા નાખી છે અને કેવડું ગંજાવર કામ છે તે બતાડી દીધું. મારો અભિપ્રાય જાણ્યો અને પછી એમને બનતી સહાય કરવા એમણે મને વિનંતી કરી.

બસ, ત્યારથી એમના અા કામોને પોરસાવતો રહ્યો. મળવાહળવાનું થાય ત્યારે પ્રગતિ બાબત તરતપાસ કરતો રહું. અને અામ અમારું મળવાનું વધતું ચાલ્યું. તે દરિમયાન, 1995ના અરસામાં, “અોપિનિયન” સામયિક શરૂ કર્યું. તે તદ્દન સીધાં ચઢાણ જ હતાં તેની પાકી સમજણ. પણ સતત મંડ્યા રહેવાનું થયું. તેમાં રતિભાઈ ગ્રાહકરૂપે જોડાયા અને સાથેસાથે એમના સમગ્ર પરિવારને ય એમણે જોતરી અાણ્યાં. “અોપિનિયન”ના મુદ્રિત અંકના પંદર વરસ દરમિયાન એમણે સામૂકી હૂંફ જ અાપી. “અોપિનિયન”ના અંકોના દરેક લેખ વાંચે, અને પાછા મન મેલીને અાનંદ વ્યક્ત કરતા રહે. એમને મળવા જવાનું થાય, ત્યારે ત્યારે “અોપિનિયન”ની એમણે જાળવી ફાઇલ બતાવે અને રાજીપો વ્યક્ત કરતા રહે.

દરમિયાન, “અોપિનિયન”નો, 1998ના અૉક્ટોબર માસનો અંક, ‘જોડણી અને ભાષાશુદ્ધિ અંક’ તરીકે પ્રગટ કર્યો. અંકને છેલ્લે પાને, ‘કમ્પ્યૂટર પર ગુજરાતી ભાષા ને જોડણીનો શબ્દકોશ’ નામે રતિલાલ ચંદરિયાનો એક લેખ પણ પ્રગટ થાય છે. જાન્યુઅારી 1999 વેળા, ઊંઝા ખાતે જોડણી પરિષદ મળી રહી હતી, તેને ધ્યાનમાં રાખી અા ખાસ અંક પ્રકાશિત કરેલો. અા પરિષદના એક અાગેવાન એટલે ભારે નિષ્ઠાવાન તેમ જ વિદ્વાન રામજીભાઈ પટેલ. રામજીભાઈ તથા તેમના સાથીસહોદરોને અાને કારણે રતિભાઈનાં કામોમાં ય રસ પડ્યો. રામજીભાઈ પટેલના સાથીસહોદરોમાંથી ઉત્તમભાઈ ગજ્જર અને પાછળથી બળવંતભાઈ પટેલ પણ રતિભાઈની ત્રિજ્યામાં ગોઠવાઈ ગયા.  

રતિભાઈ અામ તપેશરી. દેવચંદભાઈ પાછા થયા પછી એ જ ચંદરિયા ફાઉન્ડેશનના મુખી. તેની જબ્બર જવાબદારીઅો, પરંતુ દેશદેશાવરમાં પથરાઈ પેઢીને ભાઈઅો, નાનેરાંઅો વિકસાવતા રહેતાં. તેથી હળવાશે ધંધાધાપા પર નજરઅંદાજ થયા વિના, એમણે કમ્પ્યૂટર ક્ષેત્રે ગુજરાતી લિપિને ઢાળવાનું કામ જારી રાખ્યું. તેના વિવિધ શબ્દકોશોને ડિજિટલ રૂપ અાપવામાં પરોવાયેલા રહ્યા. અાને સારુ એમણે અનેકોની સહાય લીધી છે.

કહે છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માંધાતાઅોએ એક દા અા કામની જવાબદારી લેવાની તૈયારીઅો દર્શાવેલી, પણ તેની સફળતા સાંપડી નહોતી; એથી એમણે નજર અન્યત્ર કરી લીધી. તેવાકમાં અશોક કરણિયા અને તેમના સાથીદારો કાંદિવલીમાં ગુજરાતી લિપિ સાથે કામ પાડતાં પાડતાં ભાષાશિક્ષણના અોજારો બનાવવામાં મચેલા હોય તેમ જણાતા, રતિભાઈએ, 2005ના અરસામાં, તેમનો સંપર્ક કર્યો. ‘અૅ બ્લૉગ લેસ અૉર્ડિનરી’ નામે પોતીકા બ્લૉગમાં અશોક કરણિયા, ‘માઈ લાઈફ વીથ રતિકાકા’ને નામે લેખમાં, લખે છે તેમ, જુલાઈ 2005માં રતિભાઈ અા યુવાનોને મળ્યા, અને પછી, ઈન્ટરનેટની દુનિયામાં ગુજરાતીનું સ્થાન અદકેરું બનવા બાબતનું સોનેરી પૃષ્ઠ કંડારવાનું અારંભાયું.

તત્કાલીન ‘મેગનેટ ટેકનૉલોજીસ પ્રાઇવેટ લિ.’ના અા યુવાનોએ, પોતાની મસે અા કામ જોયું, તપાસ્યું. અશોકભાઈ તેમ જ સાથીમિત્રોને તેના વ્યાપનું સુખદ અાશ્ચર્ય થયું. અા યુવાનોએ તે દિવસોમાં, ‘ઉત્કર્ષ’ નામે એક ‘સરળ-સુરક્ષિત-સ્વતંત્ર’ પ્રૉગ્રામ વિન્ડોસ કમ્પ્યૂટર માટે ગુજરાતીમાં જાહેર કરેલો. તેમને રતિભાઈના ગંજાવર કામથી પુષ્ટિ જ નહોતી મળતી, તેમને જબ્બર ચાલક બળ પણ પ્રાપ્ત થતું હતું. એક બાજુ અનુભવ તો બીજી તરફ યુવાનીનું અા સાયુજ્ય હતું.

તે સાલ ડિસેમ્બરમાં, ભારત જવાનો અવસર થયો. અા યુવાન મિત્રોને ય મળવાનું બન્યું. તેમની નિષ્ઠા, દૂરંદેશી જોઈ તપાસી અને રતિભાઈને અા સમૂળો પ્રકલ્પ જાહેર જનતાને સારુ અર્પણ કરવાને તૈયાર કર્યા. લંબાણભરી બેઠકો કરી. વરિષ્ટ સાહિત્યકાર ધીરુબહેન પટેલને જોડવાનો નિર્ધાર કર્યો. અને 13 જાન્યુઅારી 2006ના રોજ ગુજરાતી ભાષા સાહિત્યને ક્ષેત્રે એક ભગીરથ કામ મુકાયું. મુંબઈના ‘ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર’ના સભાખંડમાં ઠેરઠેરથી માનવમેદની હાજર રહી હતી. ચંદરિયા પરિવારના અગ્રેસરો હતા, વાણિજ્ય-ઉદ્યોગના અાગેવાનો ય હતા. ભાષા સાહિત્ય ક્ષેત્રનાં ધુરીણો ય હતાં. અતિથિ વિશેષ ધીરુબહેન પટેલે અા ઉદ્દાત કામને જાહેર મુક્યું. ધીરુબહેનને જે સમજાતું હતું, જે દેખાતું હતું તો જો, તે વેળા, સાબરમતીના કાંઠાળ વિસ્તારનાં ભાષા-સાહિત્યનાં અગ્રેસરોને વર્તાતું હોત તો ! … ખેર.  અા અવસરનું સંચાલન કરવાનો સુભગ સંયોગ મારે શિરે હતો, તેનું મને ભારે ગૌરવ છે.

મુંબઈના અા ઐતિહાસિક અવસરની પૂંઠેપૂંઠે, લંડનમાં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 09 જુલાઈ 2006ના ‘ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ’નું જાહેર સ્વાગત થયું. ગુજરાતી ડિજિટલ ડિક્શનરીના સર્જક અાધુનિક એકલવ્ય રતિલાલ ચંદરિયાનું જાહેર સન્માન કરવાનો ય યોગ અમને થયો હતો. એ ભાતીગળ અવસરે પ્યારઅલી રતનશી અને ભીખુભાઈ પારેખ સરીખા વિદ્વાનોએ પોરસાવતાં વક્તવ્યો અાપ્યા હતા. જ્યારે ધીરુભાઈ ઠાકર સરીખા વરિષ્ટ કર્મઠ સાહિત્યકારની પોરસાવતી ઉપસ્થિતિ ય હતી. તત્કાલીન ‘મેગનેટ ટેક્નોલોજીસ’ના તે વેળાના અાગેવાન અશોક કરણિયા ખાસ હાજર હતા. અા અવસરને ધ્યાનમાં રાખી, “અોપિનિયન”નો એક ખાસ અંક પ્રગટ થયો હતો, જેમાં અા સઘળાં પ્રવચનો અામેજ કરાયા હતાં. બીજી પાસ, ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ પરે અા અવસરની વિગતે વીડિયો જોવા ય પામીએ છીએ.

‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને અા ડિજિટલ શબ્દકોશમાં અધિકૃતપણે સામેલ કરી શકાય તે સારુ વરસોથી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના કુલસચિવ તેમ જ કુલનાયક જોડે ચર્ચાવિચારણા કરતો રહેતો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને ડિજિટલ કરવાનો અા અવસર છે અને અા તક ઝડપવા સારુ એમને સમજાવી શકાયા તેનો મને ભારે સંતોષ છે. ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં દફતર ખડું કરી, ગુજરાતીલેક્સિકૉને‘ યજ્ઞ માંડેલો અને અા કોશને ડિજિટલસ્વરૂપ અાપવાનો ઉપક્રમ અાટોપી શકાયો. અશોક કરણિયા સાથે રહીને, અનેકવિધ પ્રવાહોને ખાળતા રહી, રતિભાઈની અાશાનિરાશાને સમજી સાંચવી લઈ, મહા મહેનતે, અા ભાતીગળ પ્રકલ્પ અાટોપાયો જ અાટોપાયો. અા કામને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના ગાંધીનગર અધિવેશન ટાંકણે, વિધિવત્ લોકઅર્પિત કરાયો તેનું સ્મરણ પણ એવું ને એવુ તાજું છે.

સને 1940માં, પહેલી વાર, પ્રકાશિત થયેલા ભગવદ્ગોમંડળના કુલ નવ ગ્રંથોમાં 2.82લાખ શબ્દોની, કુલ 8.22લાખ શબ્દોમાં, અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે. હિમાંશુ કીકાણીએ ‘સાયબરસફર – અરાઉન્ડ ધ વેબ’માં, તાજેતરમાં, લખ્યું છે તે મુજબ, ‘ગોંડલના મહારાજાને ગ્રંથ તૈયાર કરતાં 26 વર્ષ લાગ્યાં હતાં. રતિકાકાને ગુજરાતી લેક્સિકૉનની પહેલી આવૃત્તિ તૈયાર કરવામાં 20 વર્ષ લાગ્યાં હતાં અને એ અનુભવ પછી, ભગવદ્ગોમંડલનું કામ 11મહિનામાં પૂર્ણ કરી શકાયું! તેમના પ્રયાસોએ હવે ગુજરાતી ભાષાને ડિજિટલ દુનિયામાં વિશ્વની પ્રમુખ ભાષાઓની હરોળમાં મૂકી દીધી છે.’

‘અક્ષરની અારાધના’ નામે “ગુજરાતમિત્ર” માંહેની પોતાની સાપ્તાહિકી કટારમાં અાપણા વરિષ્ટ સાહિત્યિક પત્રકાર  દીપક મહેતાએ લખ્યું છે, ‘નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે ! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઈ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો.’ બીજી પાસ, િહમાંશુભાઈએ ‘સાયબરસફર – અરાઉન્ડ ધ વેબ’માં લખ્યું છે તે મુજબ,‘જ્યારે ગુજરાતીમાં કમ્પ્યુિટંગ માટે યુનિકોડ શબ્દ તો હજી જન્મ્યો જ નહોતો, અને ગુજરાતી ઇલેક્ટ્રોનિક ટાઇપરાઇટરનું પણ અસ્તિત્વ નહોતું, છેક ત્યારે, એક વ્યક્તિએ આવનારી પેઢી માટે, જમાનાને અનુરૂપ એવી કોઈક રીતે, અત્યંત સમૃદ્ધ ગુજરાતી ભાષાના અગણિત શબ્દોને સુલભ કરી આપવાનું સ્વપ્ન જોયું. જે એણે વીસ વર્ષની મહેનત પછી પાર પાડ્યું.’ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કમ્પ્યૂટર સાથ, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતીલેક્સિકૉન’ શા સૂત્ર સાથે શબ્દકોશ, સ્પેલચેકર, ભગવદ્ગોમંડળવાળી કૉમ્પેટ્ક્ટ ડિસ્ક બહાર પડાઈ. હજારોની સંખ્યામાં તેની જગતભરમાં વહેંચણી કરવામાં અાવી છે. અાટલું કમ હોય તેમ, યુનિકૉડ ફોન્ટ પોતાના કમ્પ્યૂટરમાં ઊતારી લેવાની પણ સગવડ અાપવામાં અાવી. મધુ રાય “દિવ્ય ભાસ્કર” માંહેની ‘કળશ’ પૂર્તિમાં લખે છે તેમ, ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ, અને તે પછી ક્રમશ: સ્પેલચેકર, ભગવદ્દગોમંડળ કોશ, લોકકોશ જેવાં ભાષાકીય ઉપકરણોએ અાકાર લીધો, તેની પાછળ પ્રેરકબળ હતા શ્રેષ્ઠી રતિલાલ ચંદરિયા.

‘ભગવદ્ગોમંડળ’નું કામ હાથ ધરાય ત્યાં સુધીમાં તો તાનસા, સાબરમતી અને ટૅમ્સમાં પારાવાર પાણી વહી ચૂક્યાં હતાં. વિપરીત સંજોગોમાં, ‘ગુજરાતીલેક્સિકૉન’ જૂથને અમદાવાદ જવાનું અને સ્થાયી થવાનું અાવ્યું. અા ડામાડોળ દિવસોમાં રતિભાઈની ટાઢક, દૂરંદેશી તેમ જ સમજણ સરાણે હતાં. તે દરેકનો જયવારો થયો અને ધીમેધીમે ફરી એક વાર ગાડું રાંગમાં અાવ્યું. અારંભથી જ અા જૂથમાં મારી સક્રિયતા રહી હતી. હજારો જોજનો દૂર હોવાને કારણે રોજ-બ-રોજની સક્રિયતા નિભાવી શકાઈ નથી. પરંતુ રતિલાલ ચંદરિયા, અશોક કરણિયા, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તથા મનસુખભાઈ શાહના બનેલા વડીલ સલાહકાર મંડળમાં સક્રિયપણે સામેલ રહ્યો છું.

રતિભાઈના દૂરંદેશ પરિઘમાં યૂનિકૉડ ફૉન્ટની વાત હંમેશ રહેવા પામી છે. ગુજરાતી ફૉન્ટના સર્વત્ર થતા રહેતા ઉપયોગમાં મોટે ભાગે અાજે અરાજકતા જોવા પામીએ છીએ. મોટા ભાગના વપરાતા ફૉન્ટ ‘નૉન-યૂનિકૉડ’ ઘરાણાના છે. તેમાં એકરૂપતા અાણવા માટે ‘ગુજરાતીલેક્સિકૉન’ હેઠળ મથવાનું થયું છે. તેને સારુ કાર્યક્રમ ઘડાયો છે, અમલબજાવણી ય થઈ છે. અને છતાં, તે કામ ત્યાંનું ત્યાં ઊભું છે ! ગુજરાતીના અાપણા પ્રકાશનગૃહો, અાપણા સમસામયિકોના માલિકો – સંચાલકો તેમ જ ભાષા-સાહિત્યના રખેવાળો અા યૂનિકૉડને અારેઅોવારે પોતાનું કામ પાર પાડે તે જોવાનું ય એમનું સ્વપ્ન હતું. તેને પાર પાડવું જ રહ્યું. અાપણે સૌ કોઈ અા ક્ષેત્રે હાથ બટાવી શકીશું ખરા કે ?!

વરસો પહેલાં, સન 2008 દરમિયાન, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ નામે એક ઇતિહાસમૂલક ગ્રંથ તૈયાર કરવાને સારુ સંશોધનકામ કરવા શિરીનબહેન તથા મકરન્દભાઈ મહેતા શી ઇતિહાસકારબેલડી વિલાયત અાવેલી. અા કામ “અોપિનિયન” વિચારપત્ર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ ‘ચંદરિયા ફાઉન્ડેશન’ના સંયુક્ત નેજા હેઠળ થઈ રહ્યું હતું. અારંભથી જ રતિભાઈએ અા કામમાં સક્રિયતા જાળવેલી અને ડગલે ને પગલે કામનો અંદાજ જાણતા અને ઉચિત સલાહસૂચન પણ કરતા રહેતા. અા પુસ્તકની અંગ્રેજી અાવૃત્તિ થાય તેવા તેમને ભારે અોરતા હતા. અા ઇતિહાસકાર દંપતીએ તેનો વાયદો રતિભાઈને અાપ્યો છે તે હવે એમણે પરિપૂર્ણ કરવો જોઇએ, એમ લાગી રહ્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ તેના ત્રીસ વરસના અસ્તિત્વ ટાંકણે, દશા અને દિશા બાબત ઝીણવટે તપાસ અાદરવા, તળ ગુજરાતે, અમદાવાદમાં, જાન્યુઅારી 2009માં બે દિવસની બેઠક યોજી હતી. તેનો સઘળો ભાર રતિલાલ ચંદરિયાની નિગાહબાની હેઠળ, ‘ગુજરાતીલૅક્સિકૉન’ હેઠળ પાર પાડવામાં અાવેલો. તે દ્વિ-દિવસીય બેઠક ફળીભૂત બને તેને સારુ રતિભાઈ સતત કાર્યપ્રવૃત્ત રહ્યા હતા. તે સઘળી બેઠકમાં ખુદ હાજર ને હાજર હતા.

રતિલાલ ચંદરિયા સતત પ્રગતિને પંથે રહ્યા. એમનો વિકાસ ઊર્ધ્વગામી જ રહ્યો. એમનું નામ સાંભળતો થયો તે દિવસોમાં એ વીસા અોસવાળ સમાજમાં સેવારત હતા. સર્વોપરી સ્થાને પણ ગયા અને પારાવાર સુવાસ પાથરતા ગયા. એમણે ‘ઇન્સ્ટિટ્યૂટ અૉવ્ જૈનોલોજી’ની રચના જ ન કરી, તેમાં છેવટ લગી ખૂંપી ગયા અને માતબર કામ અંકે કરતા ગયા. લંડનના ‘ભારતીય વિદ્યા ભવન‘ માંહેનું એમનું યોગદાન અાજે ય ચમકારા મારે છે. ગુજરાતી અાલમનું સંગઠન કરવામાં ય અગ્રગામી રહ્યા. ‘નેશનલ કૉન્ગ્રેસ અૉવ્ ગુજરાતી અૉર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં પણ અગ્રેસર હતા. કેટલાકોની ‘અાત્મમુગ્ધતા’ સામે ટકવું સહેલું નહીં લાગ્યું હોય, અને કદાચ, ત્યાંથી રતિભાઈ ફંટાઈ ગયા હોય તેમ પણ બને. અને પછી ગુજરાતી લેક્સિકૉન ક્ષેત્રે એ તનમનધન સાથે પૂરેપૂરા છવાઈ ગયા. ગુજરાત અને ગુજરાતીઅો કલ્પી ન શકે એવું અા વામને વિરાટ કામ અાપણને અને અાપણી વિરાસતને અાપ્યું છે. અને તેથી જ એ સર્વત્ર અાદરભેર પોંખાતા રહ્યા અને રહેવાના.   

અંગત જીવનમાં, રતિકાકા, અમારે મન પિતાતૂલ્ય વડીલ રહ્યા. લંડન અાવ્યા હોય ત્યારે વખત કાઢીને ઘેર અાવે અને ખબરઅંતર પૂછે. કુન્તલના લગ્નપ્રસંગે મુંબઈથી ખાસ હાજર રહેવા અાવી પહોંચેલા ! અાવા અાવા અનેક નિજી પ્રસંગોને અંગત અંગત રહેવા દઈ, મિત્ર દીપક મહેતાએ “ગુજરાતમિત્ર” માંહેની, 21 અૉક્ટોબર 2013ની ‘અક્ષરની અારાધના’ નામે સાપ્તાહિકીમાં યોગ્યપણે લખ્યું છે, તેને વાગોળતાં વાગોળતાં કલમને વિરામ અાપીએ :

‘આપણી સાહિત્યની સંસ્થાઓ, તેનાં સત્તાસ્થાનો પર બેઠેલાઓ, હજી ગઈ કાલ સુધી કમ્પ્યૂટર માટે સૂગ ધરાવતા હતા, આજે ય ખુલ્લા દિલે ને હાથે તેને આવકારનારા બહુ ઓછા. એટલે તેમનો સાથ-સહકાર ધારેલો તેટલો મળ્યો નહીં. ઘણા તો ભોળા ભાવે પૂછતા : પણ કમ્પ્યૂટરના સ્ક્રીન પર કાંઈ પુસ્તકો ઓછાં જ વાંચવા બેસવાનું છે કોઈ ? આવડું મોટું પી.સી. સાથે કોઈ રાખવાનું છે ? ચોપડી તો બગલ થેલામાં લઈ જવાય. આજે એ જ બગલથેલામાં એક ડિવાઈસમાં લોડ કરીને ૨૦૦ પુસ્તકો સાથે ફેરવી શકાય છે ! આ બધી શક્યતાઓ રતિભાઈએ વર્ષો પહેલાં પારખી લીધેલી. એ વખતે હજી ઇન્ટરનેટ તવંગરોની મોજશોખની વસ્તુ હતી. પણ આવતી કાલે નાનું છોકરું પણ નેટ સેવી હશે એ તેમણે જોઈ લીધું હતું. અને ૨૧મી સદીના નાગરિકો સાથે જો વાત કરવી હોય તો જમાનાઓ જૂનાં સાધનોથી નહીં, તેમનાં સાધનોથી જ કરવી જોઇએ એ વાત રતિભાઈ સમજી શક્યા હતા. તેમના જવાથી આપણને એક નિત્ય યુવાન ભાષાના ભેખધારીની ખોટ પડી છે. તેમના કામને આગળ ને આગળ ધપાવતા રહીએ એ જ તેમને સાચી અંજલી હોઈ શકે.’

પાનબીડું :

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો
,

તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,


રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો,


શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો −


દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
,

એક મંજિલની લગન આંખે ઊતરવા દઈને
,

ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,


‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.


જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,


જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,


દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,


દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.


શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,


ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,


દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
,

કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.


                                                      — હરીન્દ્ર દવે

(હૅરો, 24 અૉક્ટોબર 2013)

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ વેબસાઈના સર્જક અને એના દ્વારા ગુજરાતી ભાષા માટે ખૂબ દૂરંદેશીભર્યું અને ભગીરથ કરનાર રતિલાલ ચંદરિયાનું ઓક્ટોબર ૨૦૧૩ના રોજ નિધન થયું. "ઓપિનનિયન" ગુજરાતી સામયિકના તંત્રી અને લંડનની 'ગુજરાતી સાહિત્ય અકાદમી'નાં પ્રમુખ વિપુલ કલ્યાણીએ, અૉસ્ટૃલિયાસ્થિત ગુજરાતી રેડિયો "સૂર સંવાદ"માં આપેલી શબ્દાંજલિ …

http://www.sursamvaad.net.au/gujarati/

Loading

‘એ વીક ઇન ડિસેમ્બર’ − લેખક : સેબૅસ્ટિયન ફોક્સ

અનિલ વ્યાસ|Opinion - Literature|30 October 2013

સેબૅસ્ટિયન ફોક્સની આ કથા વધતા જતા ભૌતિકવાદ, ધર્મઝનૂન અને તીવ્ર મહાત્ત્વાકાંક્ષાથી નીપજતા નૈતિક અધ:પતનના સંર્દભે સામાજિક નિસબત અને અંતરના અવાજને ઓળખવાની, સ્વને પામવાની પ્રક્રિયાની રોમાંચક ગાથા છે. અહીં પરસ્પર બદલાતી જિંદગીઓનાં દુષ્પરિણામો ચકાસાયાં છે.

સેબૅસ્ટિયન ફોક્સે પોતાના પાત્રોને એક એવાં બ્રિટનમાં  કલપ્યાં છે, જે કોઈને ય ગમે એવું નથી.અકળાવી મૂકે એવા સંજોગો, આર્થિક મંદી, આતંકવાદ, ધાર્મિક માનયતાઓ અને આંધળી ઝનૂની પ્રતિક્રયાઓ, પ્રક્રિયાઓ જેવા અનૈચ્છિક વાતાવરણમાં પરાણે હડસેલાઈ ગયેલાં માણસોની વાત છે. ઇ.સ. 2007ના ડિસેમ્બર મહિનાનું એક અઠવાડિયું પસંદ કરાયું છે. સમગ્ર કથામાં પાત્રોની રોજિંદી જિંદગી સમસ્યાઓનું વૃત્ત નિરુપાયું છે. એમના સંઘર્ષ અને વ્યવહારો એકબીજા સાથે સંકળાયેલા છે.

જહોન વિલ્સન, પાંચ મોબાઈલ ઉપરાંત પુસ્તકો પાછળ ખાનગી ડ્રોઅર રાખતો અનૈતિક હેજ ફંડ મેનેજર,  એની દુખિયારી, શરાબમાં આશરો શોધતી પત્ની વૅનેસા, નશામાં જીવનનો અર્થ પામવા મથતો દીકરો ફીનબાર, અંડરગ્રાઉન્ડ ટ્રેઇન ડ્રાયવર જૅની, એનો અરમાન ભાઈ ટોની, અને બેરિસ્ટર ગેબ્રિયલ, અલ રશીદ પરિવાર, પત્ની નસીમ, આતંકવાદી વિચારોમાં રંગાયેલો લંડનમાં બોમ્બ બ્લાસ્ટની યોજના કરતો દીકરો હસન, માતા પિતાના આંતરદેશીય લગ્નની છાયામાં  વિકસતી સાંસ્કૃિતક, માનસિક સામાજિક વિટંબણાઓ વેઠતી શાહલા હાજિયાની, મીડિયોકર સમાલોચક સૅડલી એલેકઝાન્ડર, ફૂટબોલ ખેલાડી ટાઝવુડ, સાંસદ લાન્સ ટોપીંગની પાર્ટીઘેલી પત્ની સૉફી ટોપીંગ. આ સહુની ગાથામાં વિકસતાં આવે છે માણસની ભલાઈમાં સતત શંકા કરતાં જુદા જુદા ચરિત્રો અને વર્તણૂક. ‘ડીકેન્શિયન’(ચાર્લસ ડિકન્સના પથગામી?)નું બિરુદ મેળવેલા સેબૅસ્ટિયન ફોક્સની નવલકથા વાંચતા અમેરિકન ટી.વી. સિરિયલ ‘ધ વાયર’નું સહેજે સ્મરણ થાય છે. આ સિરિયલમાં ગેરકાનૂની નશાના દ્રવ્યોનો વેપાર, સી—પોર્ટ બંદરગાહની રીતિ–નીતિઓ, સ્થાનિક નોકરશાહી, શાળાઓનું વયવસ્થાતંત્ર, સમાચાર સંસ્થાઓ અને અમેરિકન શહેરી જીવન પધ્ધતિમાં એકઠાં થઈ જિવાતા જીવનની તેમ જ સંસ્થાઓ અને ઉદ્યોગો વ્યક્તિ – સમાજ પર કેવી રીતે અસર કરે છે એની ચિત્રાત્મક કથા આલેખાઈ હતી.

‘એ વીક ઇન ડિસેમ્બર’માં નાણાકીય મંદી, માનસિક બિમારી, ફૂટબોલ, ઈમીગ્રેશન, ખાનગી ગેરકાયદે સટ્ટાબાજી અને દંભી આચરણ, ગેરમાર્ગે એકઠો કરાતો પૈસો, કાયદો અને વ્યવસ્થા, મીડિયાની નૈતિકતા, ઈસ્લામિક ધર્મઝનૂન સઘળું વણાતું આવે છે. એક એવી ઝીગ્ઝેગ બાંધણીની ભાત લઈ ફોક્સ સિધ્ધહસ્તતાપૂર્વક સર્જનનું પોત વણે છે. સમકાલીન કથાવસ્તુને એવા રસાળ પ્રવાહથી વણ્યું છે જે ભાવકને જકડી લે છે.

ફોક્સ વાચકની સામે પડકાર મૂકે છે. વિચારવા માટે બધ્ધ કરે છે. ધર્મઝનૂન કોઈ નવી વાત નથી. બે વિશ્વયુદ્ધોમાં મર્યા એના કરતાં ય વધારે માણસો ધર્મના નામે મર્યા છે. નીતિ વગરના ભ્રષ્ટ માણસોની ય નવાઈ નથી રહી. ‘એ વીક ઇન ડિસેમ્બર’માં રચાતા સંજોગો જે રીતે આચરણ ફેર કરાવે છે, મનુષ્ય જાણતો, જોતો હોવા છતાં  ઈન્દ્રિય બધિર, ચિંતન બધિર બનીને વર્તે છે એના મૂળમાં જવાનો સર્જકનો પ્રયાસ છે.

બિગ બ્રધર કે ભારતના બિગ બોસ નામના ટી.વી શોમાં કોઈએ સૂચવેલી પ્રવૃત્તિઓ કરતાં, પ્રત્યેક ક્ષણની જાહેર (જિંદગી) જીવતા માણસો કેવાં કાવા દાવા જૂઠ કપટ કરે છે?

કઈ માનસિક અવસ્થામાં એ એવું  કરતાં હશે?

સમાજજીવનને મૂલ્યો છે, નીતિ છે તો માણસને લોભ, લાલચ અને મહાત્ત્વાકંક્ષા છે. ધર્મ કે રાજ્ય કે બોધ સંહિતાઓ વિરુદ્ધ જઈ માણસ જે રીતે વર્તે છે એના ફલ:સ્વરૂપ સમાજ જે વેઠે છે એનો અહીં હિસાબ ચિતરાયો છે. સહેજ આગળ જઈ કહું તો સમયનો ઇતિહાસ રજૂ કરાયો છે.

આપણી ભાષામાં વજુ કોટકે ‘શહેરમાં ફરતાં ફરતાં’માં કોમિક કે હાસ્ય શ્રેણીમાં આવાં દુરિતો તપાસ્યાં છે. જો કે એ સઘળું સરકતી લેખણે આવ્યું છે. તો, ભગવતીકુમાર શર્મા ‘અસૂર્યલોક‘માં પરંપરા, સમાજ અને મનુષ્યનું વર્તણૂક સંસ્કાર અને અપેક્ષાના સંઘર્ષની કથા આલેખાઈ છે. કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓમાં ઉચ્ચ વર્ગની ભ્રષ્ટ નીતિમત્તા, સ્વાર્થી જીવન શૈલી અને એની અસરો આલેખાઈ છે. મનુષ્યના બદલાંતા મૂલ્યો તપાસાયાં છે.

અિશ્વની ભટ્ટની ફાંસલોમાં થ્રીલરની પછીતે ગરીબાઈ, શિક્ષિત બેરોજગારી, યુવા વર્ગની ક્ષુબધતા, મનોવ્યથા અને આક્રોશના પરિપાકથી  સર્જાતા પરિણામની વાત મૂકાઈ છે.

જો કે મૂળે તો સેબેસ્ટિયનને જે કહેવું છે એ યથાતદ્દ સ્વરૂપે રામાયણ અને મહાભારતમાં મળે છે.

રામાયણ આપણે શું કરવું એ શીખવે છે અને મહાભારત શું ના કરવું એની સમજણ આપે છે. દૂરિત, રાજ્યસત્તા આર્થિક સત્તા અને અંગત મહત્ત્વાકાંક્ષા બન્નેમાં સાવ છેડાની રીતે નિરુપાયા છે. રામાયણના ધોબી અને રાલ્ફ ટેન્ટરમાં કશો પાયાગત ફરક નથી. તો દુર્યોધન અને જહોન વિઅલ્સ કે કર્ણ અને હસનમાં તાત્ત્વિક ભેદ નથી, હા કારણભેદ છે સાથે સાથે સમર્પણભાવ તપાસવા જેવો છે.

રઘુવીર ચૌધરીની કથાત્રયી ઉપરવાસ, સહવાસ ને તરવાસમાં છેદાયેલા રાજકારણ, અર્થકારણ અને સમાજના પ્રશ્નો સેબેસ્ટિયને જે રીતે મૂક્યા છે એથી તદ્દન જુદી તરાહે નિરુપાયા હોવાં છતાં એકે ય લેખકની નિસબત જુદી હોય એમ મનાતું નથી. જેમ સેબેસ્ટિયનને સમયનો ઇતિહાસ આપવો છે, એમ પન્નાલાલ પટેલને પણ ‘માનવીની ભવાઈ’માં મનુષ્યના દુરિતને ચકાસવો છે. એની સચ્ચાઈ ને પ્રેમ સાથે સાથે સંયોગોદત્ત લાચારીની વિષમતા મૂલવવી છે.

હું આ સઘળું એક સપાટીએ દેખું છું. સમગ્ર સંસ્કૃિત નગર કે ગ્રામ્ય … જાણે એક સચ્ચાઈથી વિખૂટી પડી છૂટી છવાયી કે છેવાડાની જિંદગી જીવતી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. એમાં સેબેસ્ટિયન જ નહિ, ભગવતીકુમાર શર્મા, કાજલ વૈદ્ય, પન્નાલાલ ને આપણે સહુ એક પ્રકાશની શોધમાં છીએ. બસ,પેલો સતયુગી અણુ મળી જાય કે તરત ઝળહળ સૂર્ય આ અંધકારને મીટાવી શકશે.

*    *

(‘સીટીરીડ 2013′ અંતર્ગત, હેરો લાયબ્રેરીઝ અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સંયુક્ત ઉપક્રમે, આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ના, 24 જુલાઈ 2013ના રોજ, હેરો વિલ્ડસ્ટોન લાઇબ્રેરીમાં, એક વાર્તાલાપ યોજાયેલો. તેમાં રજૂ થયેલું પ્રમુખ વિવેચન.)

e.mail : anilnvyas@yahoo.co.uk

Loading

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો — પર્યાલોચન અને પ્રતિભાવ

મધુસૂદન કાપડિયા|Diaspora - Literature|30 October 2013

સાહિત્યિક અને સાહિત્યપ્રેમી મુરબ્બીઓ અને મિત્રો,

પાદટીપ : ગુજરાતી સાહિત્ય પરિષદ, 25 મે 2013 અને ગ્રંથનો પંથ 2 જૂન 2013માં રજૂ કરેલા વાર્તાલાપોનું સંકલિત રૂપ સુધારાવધારા સાથે.

મારું પુસ્તક ભાગ્યશાળી છે, મારું છે માટે નહિ, પણ અમેરિકાવાસી સર્જકો વિશે છે, Diaspora literature વિશે છે માટે. અત્યાર સુધી એનાં પાંચ અવલોકનો પ્રગટ થયાં છે.

આ અવલોકનોને – એટલે એના અમુક અંશોને, સમયની મર્યાદામાં રહીને – હું કાલાનુક્રમે અવલોકવા માગું છું.

પુસ્તક પ્રગટ થતાં વેંત બેત્રણ અઠવાડિયામાં જ પહેલું અવલોકન ભોળાભાઈનું પ્રકટ થયું. એમના પુણ્યનામસ્મરણથી શરૂ થાય છે એમાં પૂરું ઔચિત્ય છે. આ પુસ્તકનું નામ પાડવામાં ભોળાભાઈનો ફાળો છે. ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’માં ‘કેટલાક’ શબ્દ ભોળાભાઈનું પ્રદાન છે. મારી ધૃષ્ટતા તો એવી કે મેં જેમનો મારા પુસ્તકમાં સમાવેશ નથી કર્યો તે સર્જકો નથી. [ખાનગીમાં મારી તમારી વચ્ચે ઉમેરું કે હું હજી એમ માનું છું હોં. હું એવાં ઘણાં નામો આપી શકું કે જેમણે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કર્યા છે, કંઈ જાતભાતના એવોર્ડસ મેળવ્યા છે, પણ મારી પ્રતિજ્ઞા હતી કે જેમનામાં સર્જકતાનો સ્ફુિલ્લંગ ના હોય તેમનો સમાવેશ ન કરવો.]

ભોળાભાઈએ મારા પુસ્તકની ઉત્કટ પ્રશંસા કરી છે. ભોળાભાઈ કહે છે કે ‘આ ગ્રંથ ગુજરાતી વિવેચન સાહિત્યમાં સ્તંભ રૂપ બની રહે એવી અધ્યયનશીલતા અને વિવેચનાત્મક સૂઝબૂઝથી અત્યંત પરિશ્રમપૂર્વક અને ઊંડી નિસબતથી લખાયો છે.’ આવાં પ્રશંસાનાં વચનો ટાંકવાનું મને ગમે પણ ખૂબ સંયમ રાખીને, ઔચિત્યભંગ ન થાય તે રીતે શકય તેટલા મર્યાદિત રૂપમાં અને શકય તેટલા સંક્ષેપમાં ટાંકીશ.

ભોળાભાઈનું એક સૂક્ષ્મ નિરીક્ષણ છે. એમના શબ્દો છે: ‘વિવેચક મધુસૂદન કાપડિયા અમેરિકામાં વસતા આ બધા સર્જકોના મિત્ર જેવા હોવા છતાં તેમની વિવેચના ‘મૈત્રી-વિવેચન’થી દૂર છે અને વળી તેઓ ગુજરાતી સાહિત્યની મુખ્યધારાના સંદર્ભમાં પણ જે તે સર્જકનું વિવેચન – મૂલ્યાંકન કરે છે.’

અમેરિકાનો હું શ્રેષ્ઠ કવિ છું કે ન્યુજર્સીનો શ્રેષ્ઠ નવલિકાકાર છું तत: किम् ? સમગ્ર ગુજરાતી સાહિત્યમાં તમારું કંઈ પ્રદાન છે, તમારું કંઈ મૂલ્યવાન અર્પણ છે તે મારા અભ્યાસનું કેન્દ્ર રહ્યું છે. પન્નાનાં એકરારનાં અને માતૃત્વના અભાવની વ્યથાનાં કાવ્યો, હરનિશ જાનીની હાસ્યરસની નવલિકાઓ અને નિબંધો, કિશોર મોદીનાં સૂરતી કાવ્યો, ‘કૃષ્ણાદિત્ય’નાં લઘુકાવ્યો, વિરાફ કાપડિયાનાં ચેસ કાવ્યો, ભરત શાહના ‘સમીપે’નાં હાસ્ય અને કરુણની ભાવશબલતા, ચન્દ્રકાંત શાહના કટાવમાં ભારતીય તેમ જ અમેરિકી જીવનપ્રણાલીની  સહોપસ્થિતિ, ઘનશ્યામ ઠક્કરનું કવિકર્મ, આર. પી.નાં એકાંકીઓ, અશરફ ડબાવાલાની તળપદી ગઝલો, – આમાંથી થોડાંક કાવ્યો, થોડીક કૃતિઓ સમગ્ર ગુજરાતી સાહિત્યમાં કદાચ ચિરંજીવ રહેશે. અમેરિકાવાસી સાહિત્યકારોનું ચિરંજીવ અર્પણ તો કેટલું ઝાઝું હોય? કાળના પ્રવાહમાં થોડીક કૃતિઓ, અરે થોડીક પંક્તિઓ તરી જાય તો ગનીમત.

ભોળાભાઈ એમના સમાપનમાં મારા શબ્દોને પુરસ્કારે છે, ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોએ કેટલુંક વિશિષ્ટ લાક્ષણિક મૌલિક પ્રદાન કર્યું છે, જેના પ્રત્યે ગુજરાતી સાહિત્ય ઓરમાયું વલણ નહીં રાખી શકે.’

રમેશ તન્ના  

રમેશ તન્નાએ મારા પુસ્તકનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. રમેશભાઈએ તો કેટલુંક જે હું કહી શકું તેમ નહોતો તે કહ્યું છે અને હું કહી શકયો હોત એના કરતાં પણ સારી રીતે કહ્યું છે. રમેશભાઈના શબ્દો છે : ‘દરિયાપારના ગુજરાતી સાહિત્યની સંબંધોની પ્રીતિથી ઘણી નોંધ લેવાય છે, પણ સાહિત્યપદાર્થની સાચુકલી મૂલવણીની રીતે ઝાઝી નોંધ લેવાતી નથી. હું ગુજરાતી ભાષાનો નીવડેલો, નામાંકિત, અનેક એવોર્ડથી અલંકૃત સાહિત્યકાર છું અને તમે મને અમેરિકા બોલાવો છો અને અછોઅછો વાનાં કરો છો તો, તમે શ્રેષ્ઠ સર્જક છો  અને … ઘણા આગળ નીકળી ગયેલા કવિ, નવલકથાકાર કે પછી ઇત્યાદિ ઇત્યાદિ છો.

‘પાકાં પૂંઠા વચ્ચે લખાણ કાચું હોય, પણ વહેવારના સંબંધો પાકા હોય તો બધું પાકું જ છે એવા માહોલમાં આપણને મળે છે એક પુસ્તક : ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’. રમેશભાઈનો એક સરસ perspective  છે. એ લખે છે : ‘આ નામની પણ એક વિશેષતા છે. એ વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારના શબ્દવિશેષ વિનાનું સાવ સાદું અને સંપૂર્ણ અર્થદર્શન કરાવતું નામ છે. ‘શબ્દશક્તિ દરિયાપારની’,  ‘અમેરિકામાં ગુર્જરીનો ગુંજતો નાદ’ … એવું કોઈ રૂપાળું નામ લેખક … રાખી શકયા હોત. જો કે બહારથી રૂપાળું હોય તેમાં ઘણી વાર અંદરથી ભોપાળું હોય છે તેવું લેખક જાણતા હશે તેથી નામ રાખ્યું સાવ સાદું અને અર્થસભર. પહેલાં તો લેખકને તેનાં માટે અભિનંદન.’ શીર્ષકને આ દૃષ્ટિએ મૂલવવામાં રમેશ તન્ના એક જ અવલોકનકાર છે. Thank you, રમેશભાઈ.

બીજા અવલોકનકારોની જેમ જ રમેશભાઈ પ્રસ્તાવનામાંથી મારા શબ્દો ટાંકે છે, ‘લખતી વખતે કૃતિને જ નજર સમક્ષ રાખી છે, એના કર્તાને નહિ. આમાં સમાવિષ્ટ લગભગ બધા જ સાહિત્યકારો સાથે મારે પરિચય છે, ઘણાની જોડે સ્નેહસંબંધ છે, થોડાની સાથે મૈત્રી છે. કૃતિઓની મર્યાદાઓની ચર્ચા કરતી વખતે લેશ પણ ઉદારતા રાખી નથી. જેવું છે તેવું, જેવું મને લાગ્યું છે તેવું સ્પષ્ટ, કદાચ કઠોર વાણીમાં લખ્યું છે. ‘ રમેશભાઈની commentary છે, ‘વાતમાં તથ્ય છે. લેખકે ખરેખર તટસ્થ રીતે લખ્યું છે, ક્યારેક એવું પણ લાગે છે કે તેઓ કડક વિવેચક છે. આ તમામ વિવેચનમાં તેમનો સઘન અભ્યાસ ઊડીને આંખે વળગે છે અને પછી હૃદયને પણ સ્પર્શે છે.’ 

ત્યાર પછી તેઓ પન્ના, હરનિશ જાની, પ્રીતિ સેનગુપ્તા વગેરેની પ્રશંસા, અને ટીકાનાં દૃષ્ટાંતો આપે છે. છેલ્લે કહે છે. ‘50 – 100 વર્ષ પછી જ્યારે પણ દરિયાપારના ગુજરાતી સાહિત્ય વિશે લખાશે ત્યારે મધુસૂદન કાપડિયાના આ પુસ્તકને … જરૂરથી યાદ કરાશે.’ અરે રમેશભાઈ, 50 – 100 વર્ષ ! અરે 25 વર્ષ પણ આ પુસ્તક જીવે તો હું ધન્યતા અનુભવું.

દીપક મહેતા

દીપકભાઈનો લેખ તમે વાંચો તો એનું સંકલન તમને ગમી જશે. વર્તમાનપત્રની કોલમમાં અવકાશ ઓછો મળે, જે મુશ્કેલી ભોળાભાઈને પણ નડી છે. છતાં શરૂઆતમાં, રમેશ તન્નાએ કહ્યું છે તે જ વાત દીપકભાઈએ પણ કરી છે : ‘છેલ્લાં દસ-પંદર વરસમાં વિદેશવાસી ગુજરાતીઓનાં લખાણો વિશે ઠીક ઠીક લખાયું છે, બલકે લખાવવામાં આવ્યું છે. તેમાંનું ઘણું અહો રૂપમ્, અહો ધ્વનિ જેવું છે. શ્રેષ્ઠ નિબંધો ને વાર્તા ને કવિતાનાં સંપાદનો ઠલવાવાં લાગ્યાં છે અને તેની ‘અભ્યાસી પ્રસ્તાવના’માં − અભ્યાસી પ્રસ્તાવના inverted commasમાં − સુંડલા મોઢે વખાણ કરે છે, અગાઉના ભાટચારણોની યાદ આપે એ રીતે. આ વાતાવરણમાં પ્રગટ થતું મધુસૂદનભાઈનું આ પુસ્તક સાવ નોખું તરી આવે તેવું છે. કારણ?’ એમ કરીને 1-2-3-4-5 એક પછી એક વિશેષતાઓને આલેખે છે. મને તો પાંચે પાંચની વાત કરવી ગમે, પણ ઔચિત્યભંગ વિના બેત્રણ મુદ્દાઓની વાત થઈ શકે એમ છે.

સૌથી પહેલા તો જુદે જુદે વખતે, જુદે જુદે નિમિત્તે લખાયેલા લેખોને ગોઠવીને તેને ‘અભ્યાસ’માં ખપાવતું આ પુસ્તક નથી. અમેરિકાવાસી 25 લેખકો વિષેનાં લખાણો સુઆયોજિત, પૂર્વનિશ્ચિત અભ્યાસના ભાગ રૂપે જ તૈયાર થયાં છે. અ 25નાં નામો આપી દીપકભાઈ ઉમેરે છે : ‘લેખકની ખુદવફાઈ અને ખેલદિલી તો જુઓ : બાબુ સુથારનાં લખાણોના મર્મ સુધી પહોંચી શકાયું નથી એવો એકરાર કરે છે એટલું જ નહીં, શિરીષ પંચાલ પાસે એમને વિશેનો લેખ લખાવીને પુસ્તકમાં ઉમેરે છે!’ [જો કે શિરીષભાઈ પણ બાબુ સુથારની કવિતાની જ વાત કરે છે. એમની વાર્તાઓ વિશે તો એટલું જ કહે છે : ‘એ કથાસાહિત્ય સાથે શુભ દૃષ્ટિ થઈ શકતી નથી, મારી રુચિની પણ મર્યાદા હશે.’]

બાબુ સુથાર અને શિરીષ પંચાલ એમને આપણે revisit કરીશું, દીપકભાઈના ખુદવફાઈ અને ખેલદિલી શબ્દો યાદ રાખજો.

દીપકભાઈ બીજું એક કારણ આપે છે : ‘અહીં જે લેખકોની વાત કરી છે તેમનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો લેખકે ટાંકયાં છે. આથી લેખકે કરેલી પ્રશંસા કે ટીકાને નક્કર પીઠબળ તો મળે જ છે, પણ (આ લખનાર સહિતના) જે વાચકોએ અમેરિકાવાસી લેખકોનું લખેલું બહુ ઓછું વાંચ્યું હોય તેમને આ ઉદાહરણો વડે કૃતિ અને કર્તાનો થોડો પરિચય મળી રહે છે અને લેખકની પરિષ્કૃત રુચિનો પરિચય પણ મળે છે તે લટકામાં.’

દીપકભાઈનું છેલ્લું કારણ : ‘પુસ્તકને લેખકે પોતાના પગ પર જ ઊભું રાખ્યું છે. ધાર્યું હોત તો મોંફાટ પ્રશંસા કરાવતી બે-ચાર પ્રસ્તાવનાઓ (વિદેશવાસી લેખકોને એકાદ પ્રસ્તાવનાના વખાણથી તો ધરવ થતો જ નથી) સહેલાઈથી લખાવી શકયા હોત. એ તો બરાબર, પુસ્તકમાં અંદર કે બહાર પૂંઠા પર નથી તો પોતાનો પરિચય છપાવ્યો કે નથી યુવાન વયનો ફોટો મુકાવ્યો.’

સાચું કહું ? દીપકભાઈનું અવલોકન વાંચ્યું ત્યારે જ સૂઝયું કે આવો ફોટો મૂકી શકાયો હોત. યુવાન વયમાં હું ઠીક ઠીક handsome હતો હોં !

સિતાંશુ

સિતાંશુના અવલોકનનું શીર્ષક છે : વર્જિલ સાથે વિદેશયાત્રા (ઈન્ફર્નોનાં ઊંંડાણથી પારાડીઝોના પાદર સુધી ?)

મારા પુસ્તકનું શીર્ષક જેટલું સાદું છે તેટલું તેના અવલોકનનું સિતાંશુનું શીર્ષક આલંકારિક છે. ‘ડિવાઈન કોમેડીમાં વર્જિલ દાન્તેને ત્રિલોકમાં (ઈન્ફર્નૉ, પગેંટોરિયો અને પારાડીઝોમાં) ભોમિયા થઈને બધે ફેરવે છે, બધું બતાડે છે, એમ અમેરિકાવાસી ગુજરાતીઓની સાહિત્યસૃષ્ટિના ત્રણે લોકમાં આ નિર્ભિક અને ખંતીલા ‘વર્જિલ’ વાચકોને જોવા જેવું બધું બતાડે છે. આ વર્જિલ વગર અમેરિકાના ગુજરાતી ડાયસ્પૉરાના અાટઅાટલા વિવિધ પ્રદેશોથી, આટલા લેખકોની આટલી કૃતિઓથી પરિચિત થવું ભારત-સ્થિત વાચક માટે ભારે મુશ્કેલ બનત. ઈન્ફર્નોમાંથી પસાર થવું અને પારાડીઝો સુધી પહોંચવું … દુષ્કર કામ છે.’ 

સિતાંશુની આ પ્રશંસા ટીકાની પ્રસ્તાવના રૂપે છે. બીજા થોડા લેખકોની મારી થોડીક આકરી ટીકાની ચર્ચા કર્યા પછી – હું માની લઉં છું કે અહીં સિંતાંશુને મારી ઈન્ફર્નો અને પર્ગેટોરિયોની પ્રવાસયાત્રા અભિપ્રેત છે – સિતાંશુ મર્યાદા રૂપે નોંધે છે : ‘મધુસૂદનભાઈએ મધુ રાય, આદિલ મન્સૂરી કે મનીષા જોશી વિશે એકાદ લેખ આ પુસ્તકમાં લખ્યો હોત તો ’ અને હવે જુઓ સિતાંશુનો પ્રહાર ‘પણ વર્જિલ કદાચ પારાડીઝોના હાર્દમાં પ્રવેશી શકતા નથી.’

મધુ રાય, આદિલ મન્સૂરી અને મનીષા જોશીમાં સિતાંશુને સ્વર્ગીય સુખ મળતું હોય તો તે તેને મુબારક, મને એવું સ્વર્ગીય સુખ, આ સર્જકોનીએ થોડીક સારી કૃતિઓ જરૂર છે, પણ સ્વર્ગીય સુખ – સિતાંશુ ભલે લેટિન પરિભાષા વાપરે. આપણે આપણા ભારતીય આલંકારિકોની પરિભાષામાં બ્રહ્માનંદસહોદર આનંદ એવી આપણને સમજાય તેવી પરિભાષા વાપરીએ. બ્રહ્માનંદસહોદર આનંદ કાન્ત અને ન્હાનાલાલની થોડીક ઉત્તમ કૃતિઓમાં સાંપડે, સુન્દરમ્ અને ઉમાશંકર, રાજેન્દ્ર – નિરંજન અને પ્રિયકાન્તમાં, ઉશનસમાં અને ખુદ સિતાંશુની ઉત્તમ કૃતિઓમાં મળે.

સિતાંશુને મનીષા, મધુ, અને આદિલનું વળગણ છે. ફરીથી એ આ જ વિષયને છેડે છે, હવે ધ્વનિ – વ્યંજનાથી નહિ પણ અભિધાથી. જુઓ સિતાંશુના શબ્દો : ‘જેમ બાબુ સુથાર માટે, એમની કૃતિઓ મધુસૂદનભાઈની પહોંચની બહાર હતી છતાં એમને આ પુસ્તકમાં સમાવવા જેવી લાગી અને શિરીષ પંચાલ પાસે એક લેખ મેળવી છાપ્યો, એમ મનીષા, મધુ અને આદિલની કૃતિઓ વિશે પણ કરી શકત. કોઈ ને કોઈ શિરીષ સહાયમાં આગળ આવત.‘  

સિતાંશુને અભિપ્રેત અર્થ સ્પષ્ટ છે – મધુ રાય, આદિલ અને મનીષાની કૃતિઓ મારી ‘પહોંચની બહાર’ છે. This is hitting below the belt. છતાં સિતાંશુના લાભાર્થે જણાવું કે મધુ રાયને જ્યારે અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીનો એવોર્ડ મળ્યો ત્યારે એ પ્રસંગે મેં 30-35 મિનિટનો વાર્તાલાપ આપેલો અને મધુ રાયની ઉત્તમ કૃતિઓ – નવલિકાઓ, એકાંકીઓ, નાટકો, નવલકથાઓની આલોચના કરેલી. એ લેખ રૂપે “ગુર્જરી” તરફથી પ્રગટ થતા આગામી પુસ્તકમાં પ્રકટ થશે.

તેમ જ આદિલસાહેબનું અવસાન થયું ત્યારે અંજલિરૂપે મેં લેખ લખેલો જેનો ઝોક તેમની પ્રયોગશીલ ગઝલો પર હતો. આ પણ “ગુર્જરી”માં પ્રકટ થયો છે અને કિશોર દેસાઈ તરફથી પ્રકટ થનારા આગામી પ્રકાશનમાં એનો સમાવેશ થયો છે.

જિજ્ઞાસુઓએ જોઈ લેવું કે મધુ રાય અને આદિલની કૃતિઓમાં મને થોડીક સમજણ પડે છે !

મારી અલ્પમતિ એવી છે કે મારા પુસ્તકમાં કવિકર્મની કંઈ માર્મિકતાથી જે કેટલાક લેખોમાં આલોચના થઈ હોય તો તેમાં સૌથી મોખરે ઘનશ્યામ ઠક્કરનો લેખ છે. દુર્ભાગ્યે સિતાંશુ એનો ઉપયોગ માત્ર ઠઠ્ઠા મશ્કરી કરવા, વિડંબના કરવા માટે કરે છે.

લેખના પ્રાસ્તાવિક રૂપે મેં એક અંગત સંદર્ભ નોંધલો. ‘1985માં ભગતસાહેબ એકેડમીના નિમંત્રણને માન આપીને અમેરિકા આવેલા … ભગતસાહેબે ઘનશાયમની કવિતા જોઈ કહ્યું : ‘અરે, આ તો સારી, સાચી કવિતા છે ! તમે કેમ લખતા નથી ?’ વર્ષો પૂર્વે ઘનશ્યામે કાવ્યો લખેલાં, “કુમાર”માં પ્રકટ પણ થયેલાં પણ પછી લખવાનું છૂટી ગયેલું. નિરંજનભાઈએ ઢંઢોળ્યા અને કાવ્યની સરવાણી ફરીથી શરૂ થઈ. બીજે વરસે ઉમાશંકરભાઈ આવ્યા. એમણે ઘનશ્યામનાં કાવ્યો જોઈને કહ્યું, ‘તમે આ કાવ્યોને વ્યવસ્થિત સંગ્રહરૂપે કરી આપો તો હું પ્રસ્તાવના લખી આપીશ,’ અને ઉમાશંકરની પ્રસ્તાવના સાથે ઘનશ્યામ ઠક્કરનો પહેલો કાવ્યસંગ્રહ ‘ભૂરી શાહીના કૂવાકાંઠે’ પ્રગટ થયો – 1987માં. તેમનો બીજો કાવ્યસંગ્રહ પ્રકટ થયો 1993માં, ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે,’ લાભશંકર ઠાકરની પ્રસ્તાવના સાથે.’ હવે મારા શબ્દો સિતાંશુ ટાંકે છે :

‘ઉમાશંકર અને લાભશંકર જેવાની પ્રસ્તાવનાનું ગૌરવ જેમને મળ્યું હોય તેની કવિતામાં સત્ત્વશીલતા હોય તો જ ને’ પૃ. 232 સિતાંશુંને આમાં પણ વાંધો પડે છે, કેમ એ તો શી ખબર. ઉમાશંકર અને લાભશંકરને ટાંકવામાં કોઈ ગુનો હોય તો સજા કબૂલ.

પછી મારા લેખની શરૂઆત જરાક નાટ્યાત્મક રીતે શરૂ થાય છે : ‘પ્રત્યેક કાવ્યસંગ્રહમાંથી એક પંક્તિ, માત્ર એક જ પંક્તિ, કવિના સામર્થ્યની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત છે. ‘ભૂરી શાહીના કૂવાકાંઠે’માંથી એક પંક્તિ :  તું આવી જયમ એક ફૂલ ફાગણવા આખી વસંત આવી

આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને – સિતાંશુ બ્રેકેટમાં ઉમેરે છે [ગુજરાતી શબ્દ છે] – આ મજાકમશ્કરી નથી, આ ક્ષુદ્રતા છે – પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું ?’ સિતાંશુ કહે છે ‘… પણ એથી કવિતા બને ખરી ?’ આ પંક્તિ – તું આવી જયમ એક ફૂલ ફાગણવા આખી વસંત આવી  – આ પંક્તિ કવિતા નથી ? આ ઉપમામાં કાવ્યસૌરભ નથી ? ફાગણ ઉપરથી ફાગણવા ક્રિયાપદમાં સર્જકતા નથી ? આખી વસંત આવીમાં આખી શબ્દ ઉપરનો ભાર કાવ્યમય નથી ? તો સિતાંશુ કવિતા કોને કહે છે ?

મારી આલોચના સિતાંશુ આગળ ટાંકે છે. ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જાંબૂડી ક્ષણના પ્રશ્નપાદરે’ માંથી જુઓ

શિશ્નના ડૂમા છૂટે

મારા શબ્દો છે, જો તમે prudish  ન હો ને સેક્સથી સુગાતા ન હો તો જોઈ શકશો કે માત્ર ત્રણ જ શબ્દોમાં બધા જ sextual  inhibitionsનો જાતીયતાના બધા જ નિષેધનો કવિ છેદ ઉડાડે છે.’ સિતાંશુ પૂછે છે, ‘આ પંક્તિ ‘કવિત્વપૂર્ણ’ કઈ રીતે બને છે. આટલું ઓછું હોય તેમ ઉમેરે છે : નિરંજનભાઈ, ઉમાશંકરભાઈ અને લાભશંકરભાઈ, તેમ જ મધુસૂદનભાઈ કહેતા હોય તો હશે જ.’ સિતાંશુ નાહક નિરંજન, ઉમાશંકર અને લાભશંકરને મારી જોડે ટલ્લે ચડાવે છે. ભલે I am in good company.

અને મનીષા જોશી, મનીષાબહેનનાં બે કાવ્યસંગ્રહો પ્રકટ થયા છે ‘કંદરા’ અને ‘કંસારાબજાર’. આ બંને સંગ્રહનાં કાવ્યો ભારતમાં રચાયા છે અને પ્રકટ થયાં છે. મનીષાબહેન પરણીને અમેરિકા આવ્યાં. પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ડાયસ્પૉરાની વ્યાખ્યા અને મીમાંસા થોડીક વિગતે કરી છે. પણ લગ્ન દ્વારા ડાયસ્પૉરા એ મારી વ્યાખ્યામાં આવતું નથી. સિતાંશુને મનીષા માટે પક્ષપાત છે તે જાણીતું છે પણ મારે તો એવા પક્ષપાતનું કોઈ કારણ નથી.

Please don’t misunderstand. સિતાંશુએ મારા પુસ્તકની મબલખ પ્રશંસા કરી છે સમાપનનો છેલ્લો પરિચ્છેદ વાંચીને હું આગળ વધું છું :

‘આવી મર્યાદાઓની ચર્ચાથી આ ગ્રંથનું ઐતિહાસિક તેમ જ વિવેચન-કૃતિ લેખેનું મહત્ત્વ રખે ઓછું અંકાય. ડાયસ્પૉરા અંગેની સૈદ્ધાંતિક ચર્ચાથી શરૂ કરી અનેક સ્મરણીય નાટકો, કાવ્યો, નવલિકાઓ, નિબંધો, પ્રવાસવર્ણનોનાં સટીક અને અનેક ઉદાહરણોથી સમૃદ્ધ એવા આસ્વાદ સુધી આ પુસ્તકની રસસૃષ્ટિ વિસ્તીર્ણ છે. અમેરિકાવાસી ગુજરાતી લેખકોએ તો આ પુસ્તકનું નિયમિત સેવન, ઔષધી રૂપે તેમ જ આસ્વાદ્ય પેય રૂપે કરવા જેવું છે … જે અદના વાચક છે, એને માટે તો આ પુસ્તક અનેક  – કદાચ અજાણ્યા, ઓછા જાણીતા ડાયસ્પોરિક લેખકો સાથેના સહૃદય સંબંધના શુભારંભ સમું  છે.’ “પ્રત્યક્ષ”,  જુલાઈ – સપ્ટેમ્બર, 2011, પૃ. 24.

મણિલાલ પટેલ       

મણિભાઈ આપણા ઉત્તમ સર્જક અને સમર્થ વિવેચક છે. એમનાં સર્જનથી વધારે આનંદ અનુભવવો કે એમનાં વિવેચનથી વધારે પ્રસન્નતા અનુભવવી એવી મીઠી મૂંઝવણ એમની કૃતિઓથી થાય છે. મારા પુસ્તકને એમના માર્મિક વિવેચનનો લાભ મળ્યો છે. અલબત્ત, એમણે કરેલી પ્રસંશાથી હું કૃતકૃત્ય છું. લેખની શરૂઆત પણ પ્રસંશાથી કરી છે, લેખનો અંત પણ પ્રસંશાથી કર્યો છે. હવે, બેમાંથી કયો પરિચ્છેદ ટાંકું ? બેમાથી એકય નહિ. વધારે મૂલ્યવાન મણિભાઈનું તાટસ્થ્ય છે અને એમની ટીકા છે. હર્ષદભાઈ જો મારા પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકટ કરે – વિવેચનના પુસ્તકની બીજી આવૃત્તિ ક્યારે ય થાય ખરી ? – તો કેટલાં પાનાં મણિભાઈની ટીકાને માન આપી કાપી નાખું. 

માત્ર એક જ મુદ્દાની થોડીક વિગતે ચર્ચા કરવા ધારું છું. મણિભાઈ એક પ્રશ્ન ઊભો કરે છે. Quote : 

‘આપણે કલાપી વગેરેની કવિતાને એમના અંગત જીવન જોડીને જાણી-માણી-નાણી છે … મધુસૂદનભાઈએ, પન્ના નાયકની ઘણી રચનાઓનાં ઉદાહરણો લઈને, પન્ના નાયકના અંગત – નર્યા અંગત જીવન સાથે એમની કવિતાને જોડીને તપાસી આપી છે. પન્ના નાયક આજે એ વાતો સાથે સંમત હોય કે ન પણ હોય – thank you મણિભાઈ, આ તમારી આલોચનાનું key sentence છે − જાણેઅજાણે તમે પન્નાની આત્મવંચના પર આંગળી મૂકી છે – પણ પન્ના નાયકનાં આવાં કાવ્યોનું સંવેદનવિશ્વ, આજે તો, બીજાંઓનું પણ હોઈ શકે છે; ત્યારે આનું સંધાન રચીને કવિતા…ને જોવાથી, જે તે રચના વિશે શું આપણી આસ્વાદભૂમિકામાં કશુંક નવું પરિમાણ ઉમેરાય છે ખરું ?’

મારો જવાબ છે unqualified yes.  આ એકરારનાં કાવ્યો છે, confessional poetry છે તેની પ્રતીતિ તો તે અંગત જીવનની ભોંયમાંથી ઊગ્યાં છે તે જાણીને જ જાણી અને માણી શકાય ને ? કલાપીનું દૃષ્ટાંત સાવ સાચું. ‘ચાહીશ તો ચાહીશ બેયને હું’ એ પંક્તિને રમા-શોભનાના સંદર્ભ વિના જાણી ન જ શકાય. પન્નાનાં એકરારનાં કાવ્યો તેના અંગત જીવનની પાર્શ્વભૂમિકા વિના ન જ જાણી શકાત. આની વિગતે પન્નાની કવિતાનાં અનેક અવતરણોના સમર્થનથી वादे वादे जायते तत्त्वबोध: લેખમાં ચર્ચા કરી છે તેથી તે દોહરાવતો નથી.

પણ મણિભાઈ લખે છે કે ‘પણ પન્ના નાયકનાં આવાં કાવ્યોનું સંવદેનવિશ્વ, આજે તો, બીજાંઓનું પણ હોઈ શકે છે.’ ‘હોઈ શકે છે’ નહિ, હોય જ. પન્ના પણ આ જ દલીલ કરે છે : આ અનુભવો ફક્ત પન્ના નાયકના જ છે ? …. પન્ના નાયક વાત કરે છે ત્યારે એનો અનુભવ માત્ર પન્ના નાયકનો નહીં પણ અમેરિકામાં વસતી ભારતીય ઈમિગ્રન્ટ નારી ગોપા કે લોપાનો કે વિશ્વમાં વસતી કોઈ પણ નારીનો હોઈ શકે’, ‘હોઈ શકે નહીં’, હોય જ. આ જ તો સાધારણીકરણનો વ્યાપાર છે. સાધારણીકરણના વ્યાપારથી  જે વિશિષ્ટ છે તે સર્વસામાન્ય બને છે. પરિમિત પ્રમાતૃત્વ લોપ પામે છે. આ પ્રતીતિ સ્થલકાલની મર્યાદાથી મુક્ત હોય છે. કવિતામાત્રમાં સ્વકીય કે પરકીય ભાવ, સાધારણીકરણ પામીને જ, રસત્વને પ્રાપ્ત કરી શકે. સાધારણીકરણ વ્યાપારનો ચમત્કાર એ છે કે વૈશિષ્ટ્ય કાયમ રહેવા છતાં વિભાવાનુભાવોની (પન્ના, ગોપા, લોપા, ઇત્યાદિના અનુભવોની) સાધારણભાવે પ્રતીતિ થઈ શકે છે. વૈશિષ્ટ્ય સાધારણ્યનું અને સાધારણ વૈશિષ્ટ્યનું વિરોધી નથી. ભટ્ટ નાયક અને અભિનવગુપ્તનું ભારતીય અલંકાર શાસ્ત્રમાં અને વૈશ્વિક વિવેચનમાં આ અમૂલ્ય પ્રદાન છે.

અા ગ્રંથ − ‘અમેિરકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ − મધુસૂદન કાપડિયાનાં અભ્યાસ, વિદ્વતા, કલાપદાર્થ માટેની ખેવના, સર્જન સાથેની નિસબત, સૂક્ષ્મ જોવાની વિવેચકદૃષ્ટિ, વિવેચન પણ કેવું મર્મગામી બનવા સાથે રસાળતા દાખવે છે એવો અનુભવ : વગેરેને ચીંધે છે. વિવેચક નવલરામે કહ્યું હતું તેમ, સમભાવી છતાં તટસ્થ રહીને કૃતિને ન્યાય કરનારો હોય છે − એ વાત અા ગ્રંથ વાંચતાં સાચી પુરવાર થાય છે. એક ઉત્તમ વિવેચનાત્મક ગ્રંથ મળવા સાથે એક તેજસ્વી દૃષ્ટિવંત વિવેચકનો પણ અાપણને પરિચય થાય છે … એટલે એમને સલામ !!

e.mail : mgkapadia@yahoo.com

Loading

...102030...4,1224,1234,1244,125...4,1304,1404,150...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved