જેમ ભારતના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે, તેમ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે. કારણ, ભારતીય સાહિત્યની પહેલી નવલકથા ૧૮૫૭માં પ્રગટ થઈ હતી. આ નવલકથા તે બાબા પદમનજીની મરાઠી નવલકથા યમુનાપર્યટણ. આ નવલકથા પ્રગટ થઈ તે જ અરસામાં દેશના સામા કાંઠે, ટેકચંદ ઠાકુર ઉર્ફે પિયારીચંદ મિત્રા બંગાળી ભાષાની પહેલી નવલકથા આલા ઘરેર દુલાલ માસિક પત્રિકા નામના પોતાના સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ કરી રહ્યા હતા. પણ તે પુસ્તક રૂપે પ્રગટ થઈ ૧૮૫૮માં. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ એ ભારતીય ભાષાની ત્રીજી નવલકથા.
૧૮૫૭ના વર્ષમાં આપણા દેશમાં જે ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ તેમાંની બે મુંબઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી. પહેલી ત્રણ નવલકથા આપણને મરાઠી, બંગાળી અને ગુજરાતી પાસેથી મળે છે તે સાવ અકસ્માત નથી. આ યુનિવર્સિટી શરૂ થઈ તે પહેલાં ચાળીસેક વર્ષે બોમ્બે પ્રેસિડેન્સી અને કલકત્તા પ્રેસિડેન્સીમાં બ્રિટીશ પદ્ધતિનું શિક્ષણ આપતી નિશાળો શરૂ થઈ ચૂકી હતી, અને તેમાં ભણતા છોકરાઓ (એ વખતે છોકરીઓ ભાગ્યે જ નિશાળોમાં ભણવા જતી) અંગ્રેજી સાહિત્યની કૃતિઓના સંપર્કમાં આવી ચૂક્યા હતા. આ પરિચયને પ્રતાપે અંગ્રેજી ભાષામાં લખાયેલી કૃતિઓ જેવી કૃતિઓ પોતાની ભાષામાં લખવાના કોડ તેમના મનમાં જાગ્યા. મુંબઈને કારણે મરાઠી અને ગુજરાતીમાં અને કલકત્તાને કારણે બંગાળીમાં આ અંગે પહેલ થાય તે સ્વાભાવિક હતું.
આપણા દેશની ઘણીખરી ભાષાઓ પાસે કવિતા કે પદ્યની તો ઠીક ઠીક લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, પણ વિવિધ ગદ્ય પ્રકારોનું ખેડાણ કરવા માટેની પ્રેરણા તો અંગ્રેજી સાહિત્યમાંથી મળી. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં ગદ્યકથાનું સ્વરૂપ ખેડાયેલું જોવા મળે છે, પણ જેને આપણે મરાઠીમાં કાદમ્બરી તરીકે અને ગુજરાતીમાં નવલકથા તરીકે ઓળખીએ છીએ તે ગદ્ય પ્રકાર તો આપણે અંગ્રેજી સાહિત્યમાંથી અપનાવ્યો છે.
પહેલી મરાઠી નવલકથા યમુનાપર્યટણના લેખક બાબા પદમનજીનો જન્મ ૧૮૩૧નાં મેં મહિનામાં, એ વખતે મુંબઈ ઇલાકામાં આવેલા બેળગાંવના એક રૂઢીચુસ્ત કુટુંબમાં થયેલો. વ્રત-ઉપવાસ, કથાકીર્તન, પૂજા-યાત્રામાં તેમની માને દ્રઢ વિશ્વાસ. બેળગાંવની સરકારી નિશાળમાં કન્નડ ભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ લીધા પછી ૧૮૪૩માં ત્યાંની જ મિશન હાઈ સ્કૂલમાં તેઓ દાખલ થયા. ૧૮૪૯માં તેઓ મુંબઈ ગયા. ફ્રી ચર્ચ હાઈ સ્કૂલમાં અને પછી એજ્યુકેશન સોસાયટીની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. અહીં તેમને ખ્રિસ્તી ધર્મમાં રસ પડવા માંડ્યો. તેઓ જ્ઞાતિપ્રથા અને મૂર્તિપૂજાના વિરોધી અને વિધવાવિવાહના હિમાયતી હતા. પોતાના આ વિચારોનું સમર્થન તેમને પરમહંસ સભાની વિચારણામાં દેખાયું અને તેઓ તેમાં જોડાયા. પણ પછી બીજા કેટલાક સભ્યો સાથે મતભેદ થતાં તેમણે તે છોડી અને ૧૮૫૪ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો. બાબા પદમનજીએ લખેલાં સો જેટલાં પુસ્તકોમાં યમુનાપર્યટણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આપણે જેને સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ તે સમયના, એટલે કે ઓગણીસમી સદીના ઘણા સુધારકો અને લેખકો માટે તત્કાલીન હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા એ એક કૂટ સમસ્યા હતી અને સ્ત્રીઓની દશા સુધારવા માટેના જુદા જુદા રસ્તાઓએ તેમનું સવિશેષ ધ્યાન ખેંચ્યું હતું. મરાઠીની પહેલી નવલકથા યમુનાપર્યટણ અને ગુજરાતીની પહેલી સામાજિક નવલકથા મહીપતરામ નીલકંઠની સાસુ વહુની લડાઈ (૧૮૬૬) એ બંને નવલકથાઓના કેન્દ્રમાં હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા રહેલી છે. યમુના પર્યટણનું ઉપશીર્ષક છે : 'अथवा हिंदु विधवांच्या स्थितीचें निरूपण.' બાબા પદમનજીની નવલકથાનું મુખ્ય પાત્ર યમુના પોતે તો નહીં, પણ તેના સંપર્કમાં આવતાં બીજાં સ્ત્રી પાત્રો હિંદુ સમાજના એક યા બીજા કુરિવાજનો ભોગ બનેલાં છે. જ્યારે મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર પોતે જ સંયુક્ત કુટુંબમાં રહીને સાસુના ત્રાસનો ભોગ બને છે. બાબા પદમનજીની યમુના ખ્રિસ્તી મિશનરી સ્કૂલમાં ચાર ચોપડી ભણેલી છે અને તેને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ અભ્યાસકાલથી જ છે. તેનો પતિ વિનાયકરાવ પણ સમજુ, શાણો, અને સુશિક્ષિત છે. પડોશમાં રહેતી વિધવા થયેલી ગોદુ મુંડન વિધિમાંથી બચવા માટે ઘરેથી ભાગી તો નીકળે છે, પણ પછી બીજો કોઈ રસ્તો ન દેખાતાં કૂવામાં પડી આપઘાત કરે છે તે જોઈ યમુના અને વિનાયકનું હૃદય દ્રવે છે. થોડી આશાયેશ મેળવવા બંને પર્યટને (મુસાફરીએ) નીકળી પડે છે. સાતારામાં બહુ ચુસ્તતાપૂર્વક વિધવાજીવનના નિયમો પાળતી વેણુના સંપર્કમાં આવે છે. પછી નાગપુરમાં વિનાયકના એક મિત્રને ત્યાં પહોંચે છે. એ મિત્રની યુવાન વિધવા બહેન તેને ધર્મોપદેશ આપવા માટે કુટુંબે રોકેલા ભૂદેવ સાથે જ ભાગી ગઈ છે. તો સાતારાની બીજી એક ખાધેપીધે સુખી કુટુંબની દીકરીનાં લગ્ન ગ્વાલિયરના એક યુવાન સાથે થયા પછી થોડા કલાકોમાં જ તે વિધવા બને છે. પણ આ યુવતી વિધવા કરતાં વેશ્યા તરીકે જીવવાનું વધુ પસંદ કરે છે. પંઢરપુરની એક વિધવા શરીરની ભૂખ શમાવવા રાતે વેશ બદલી ઘરની બહાર જતી રહે છે. આ બધાં જ પાત્રોની દુર્દશાના સાક્ષી બનનાર યમુના અને વિનાયકના જીવનમાં હવે અણધાર્યો વળાંક આવે છે. મુસાફરી દરમ્યાન વિનાયકને જીવલેણ અકસ્માત થાય છે. મૃત્યુ પહેલાં યમુનાને હાથે તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. તેના મૃત્યુ પછી યમુના પંઢરપુર પાછી આવે છે. કેટલાંક સગાંઓ તેના કેશવપનની તૈયારી કરે છે પણ યમુના તે માટે મક્કમતાથી ના પાડી દે છે અને તેના સસરા પણ તેને ટેકો આપે છે. બાકીનું જીવન વિધવા તરીકે વિતાવાવાને બદલે તે સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે અને એક ખ્રિસ્તી યુવક સાથે ફરી લગ્ન કરે છે.
કૃતિના નામમાં જે ‘પર્યટણ’ છે તે ભૌગોલિક પ્રવાસનો નિર્દેશ તો કરે જ છે, પણ તેના કરતાં વધુ તો યમુનાના આંતરિક પ્રવાસનો નિર્દેશ કરે છે. આની સરખામણીમાં મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર કથાને અંતે મૃત્યુ પામે છે એટલું જ નહીં, એક આદર્શ હિંદુ નારીની જેમ મરતાં પહેલાં એવું નિવેદન કરે છે કે મારા મૃત્યુ માટે મારા પતિ કે સાસરિયાં જવાબદાર નથી. યમુના ફરી લગ્ન કરી શકે છે કારણ તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. યમુનાપર્યટણ લખવા પાછળ બાબાના બે મુખ્ય હેતુ હતા. પહેલો, હિંદુ સમાજમાં વિધવાની જે દુર્દશા થાય છે તે તરફ સમાજનું ધ્યાન દોરવું, અને બીજો, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો. આખી કૃતિમાં જુદી જુદી વિધવાઓની વિટમ્બણાઓ આલેખીને તેમણે પહેલો હેતુ પાર પાડ્યો, તો કથાને અંતે યમુનાને ખ્રિસ્તી થતી બતાવીને બીજો હેતુ પાર પાડ્યો.
મરાઠી ભાષાની પહેલી જ નવલકથાના લેખક વિધવાવિવાહ કરાવવાની હિંમત બતાવી શક્યા. જ્યારે ગુજરાતી નવલકથામાં છેક ૧૮૮૦માં પહેલી વાર વિધવાવિવાહ જોવા મળે છે. કમલાકુમારી નામની કૃતિમાં લીમડી જેવા નાના ગામમાં રહેતા ભવાનીશંકર નરસિંહરામ કવિએ બાળવિધવા રાજકુંવરી કમલા કુમારીનાં પુનર્લગ્ન જુગલકિશોર નામના વિધુર યુવક સાથે કરાવ્યાં છે, એટલું જ નહીં, અલકાપુર નામના દેશી રાજ્યના લોકો પણ તેને ટેકો આપે છે એમ બતાવ્યું છે. આ નવલકથાની ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં સોળ પાનાંની પ્રસ્તાવના લખી છે. તેમાં તેઓ લખે છે : “The author Mr. Bhavanishankar Narsinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.” સામાજિક સમસ્યાઓ સાથે નિકટનો નાતો ધરાવતી નવલકથાની પરંપરા બાબા પદમનજી પછી હરી નારાયણ આપટે, વામન મલ્હાર જોશી, સાને ગુરુજી, વિભાવરી શિરુરકર, ભાઉ પાધ્યે, અનંત કદમ, દીનાનાથ મનોહર, જેવા લેખકોએ ચાલુ રાખી છે.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’ સ્થંભ, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2014
e.mail : deepakbmehta@gmail.com