શાંતિ એક ડાયમેન્શન છે
શાંતિ એક ડાયમેન્શન છે ઘનાકૃતિની
ને સામેની બાજુ છે યુદ્ધ
બીજી ડાયમેન્શન છે પ્રેમ, ઉદ્યોગ, કલા, અાશા અને હતાશા.
ડાયમેન્શનો વધારે છે, કદાચ
એટલે અા ઘનાકૃતિ નથી
છે, કદાચ અાઠ સપાટી કે વધારે સપાટીવાળી ઘન વસ્તુ,
અંદર વહે છે એક સરખું પ્રવાહી
પણ ડાયમેન્શન તરફ કેન્દ્રિત થાય છે એક લાગણી.
અભિવ્યક્ત થાય છે એ રીતે એક બાજુએ
એક સપાટી તરફ અાશા તો સામેની સપાટી તરફ હતાશા.
સપાટીઅો ન હોય તો સારું
માત્ર હોય અવકાશ, વહેતી હોય અાનંદધારા
સરહદો નહીં, સીમાઅો નહીં, સપાટીઅો નહીં
પત્તર રગડી નાખી છે અાકારોએ અાવીને.
સીમિત કરે છે અવકાશને, બાંધી દે છે વાડ
કાંટાળી.
બંધિયાર પાણી … ને મચ્છરો જન્મે …
ફાયદા કરતાં, થયું લાગે છે નુકસાન વધારે
અાકારથી.
ચાલો, પંચકોણની દાંડી તોડી ફેંકી દઈએ ખીણમાં
વાડ નહીં, સરહદ નહીં, સીમા નહીં
પૃથ્વી નહીં, ગૃહો નહીં
માત્ર બ્રહ્માંડ.
•••••••••
એક દિવસ અચાનક
એક દિવસ અચાનક સૂર્યના એકાએક અાવવાથી
છળી ઊઠ્યો માણસ અને
બની ગયો પડછાયો.
નવા બનેલા પડછાયાને બહુ ખોટું લાગતું …
માણસ હતો અને છેક પડછાયો થઈ ગયો !
તીવ્ર ઇચ્છાને લીધે જન્મ્યો એને એક માણસ
માણસે એ પડછાયાને રહેવા દીધો પોતાની સાથે
કારણ અામ તો તે તેનાથી જ જન્મ્યો હતો ને !
ભાડવાત તો પોતે હતો
ઘરધણી હતો પડછાયો જ
પણ દિવસ દરમ્યાન કોઈકવાર લાંબા થવું તો કોઈકવાર ટૂંકા
તો કોઈકવાર બિલકુલ એ જ માપના !
ને ચાલ્યા કરવું માણસને ચોંટીને …
કંટાળાજનક, મનને થકવનારા નિત્યક્રમ અને ગુલામી જેવું …
નહોતું ગમતું એ પડછાયાને.
એટલે બીજા બે પડછાયાને રાખી દીધા પોતાની સાથે
જુદા જુદા કદના.
રખડતા હતા નવા ભાડવાતે કાઢી મૂકેલા એટલે
ત્રણેને અલગ અલગ ‘બર્થ’ કરી અાપી છે માણસમાં
કે અલગ અલગ રૂમ અાપ્યા છે
એ ખબર પડી નથી હજી
પણ પોતાનો સમય થાય છે એટલે ત્રણે કદના પડછાયા
એક પછી એક ફરજ બજાવે છે પોતાની
ને કર્તવ્ય પૂરું કરી પોતાનું
અાવી પહોંચે છે પાછા માણસની અંદર
ફરી માણસ થઈ જવું છે પેલા પડછાયાને …
વસ્તીની અાટલી જટિલ સમસ્યામાં
જ્યારે હિતાવહ છે કે માણસ પડછાયો બને
ત્યારે શું થશે ?
જો બધા જ પડછાયા પાછા માણસ બની જાય !
2/C Nanik Nivas, Warden Road, Mumbai – 400 026
e.mail : sanskritidesai@yahoo.com