માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી,
હું ગુજરાતમાં રહેતો દેશનો નાગરિક છું અને થોડા સમય પહેલાં સુધી હું આપનો સુપર-ફેન રહી ચુક્યો છું. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં મેં ભા.જ.પ.ને જ મત આપેલા છે અને તે પણ માત્ર અને માત્ર આપશ્રીને મુખ્યમંત્રી બનાવવા ખાતર. અરવિંદ કેજરીવાલે મારું માઈન્ડવોશ કરી નાખ્યું છે. આપશ્રી કેજરીવાલના સવાલો ઇગ્નોર કરો એ આપની મરજી છે, પણ એના સવાલોએ મને બેચેન કરી નાખ્યો છે, અને વધારે બેચેન એ માટે કે આપ આવા ગંભીર આક્ષેપોને આસાનીથી ટાળી દો છો.
આપશ્રીને ગુજરાત આખું રાજાની જેમ વધાવે છે અને નવાઈ એ વાતની લાગે છે કે આપશ્રી આવા વધામણા હોંશે હોંશે સ્વીકારી લો છો. આપશ્રી તો જાણો જ છો કે લોકશાહીમાં નેતા રાજા નહિ, પણ સેવક છે. હું થોડાં વર્ષો ઈંગ્લેન્ડમાં રહ્યો છું. આપશ્રી જે ગુજરાત મોડેલની વાત કરો છો એનાથી સામાન્ય રીતે દેશ બહાર એવો સંદેશ મળે છે કે ગુજરાત હવે દુબઈ કે સિંગાપોર જેવું થઈ ગયું હશે. અને દેશના બિનગુજરાતી લોકોને પણ આવી જ કોઈ કલ્પના થતી હોય તો નવાઈ નહિ. શું આપશ્રી પોતે કોઈ વિકસિત દેશમાં જઈને ત્યાં રહ્યા છો? હું એવુ તો હરગીઝ ન કહી શકું કે વિકાસ થયો જ નથી. પણ જે રીતે વિકાસને પ્રોજેક્ટ કરી ભા.જ.પ. ઢંઢેરો પીટે છે એમાં વિવેક તો છે જ નહિ પણ વિકાસ વિષેનું પાર્ટીનું અજ્ઞાન છતું થતું દેખાય છે. છેલ્લાં દસ વરસમાં વિકાસ માત્ર ગુજરાતમાં નહિ પણ આખી દુનિયામાં થયો છે. આપશ્રી આપનાં ભાષણોમાં જે વિકાસને લગતા આંકડાઓ બોલો છો એનો રેફરન્સ પણ સાથે આપો (એ આંકડાઓને કોણે ઓથોરાઇઝ્ડ કરેલા છે તે) તો ભણેલી-ગણેલી પ્રજાને જરા સંતોષ થાય, અભણ અને ઘેલા લોકોની વાત અલગ છે.
ચાલો અરવિંદને તમે જવાબ ન આપો તો એવું સમજીએ કે એ આપનો પોલિટીકલ ઓપોનન્ટ છે અને તેનું કદ હજુ ખૂબ નાનું છે તો એ બક્યા કરે, એમ કંઈ જવાબ અપાતા ન ફરાય. (કેજરીવાલ અંગત રીતે કેવો માણસ છે અથવા દિલ્હીમાં એણે શું કર્યું કે ન કર્યું એ વાતમાં મને કોઈ જ રસ નથી. મને બેચેની માત્ર એણે આપને પૂછેલા સવાલોથી છે, જે ઘણા ગંભીર છે) મત આપને આપ્યા પછી મારો પ્રાથમિક અધિકાર વાપરવાની ગુસ્તાખી કરી આપશ્રીને અરવિંદે પૂછેલા ૧૭ પ્રશ્નો ઉપર સીધા જવાબ આપવાની વિનંતીની કરું છું.
(આપના સામાન્ય જ્ઞાનમાં જો હું વધારો કરી શકું તો ધન્યતા અનુભવીશ : POK અથવા પાકિસ્તાન ઓક્યુપાઇડ કશ્મીર એ વિવાદિત વિસ્તાર છે જે હાલ પાકિસ્તાનનાં કબજામાં છે, અને ત્યાં પાકિસ્તાનીઓ ઘર બાંધીને રહે છે. આપણે એ ભાગને આપણા નકશામાં બતાવીએ એ કદાચ આપણી દેશપ્રેમી તરીકેની એક હઠ છે, પણ યુ.એન. ઉપરાંત આખી દુનિયા એ પ્રાંતને પાકિસ્તાનમાં અથવા અલગ ટેરેટરી તરીકે નકશામાં બતાવે છે. એનું કારણ એટલું જ કે ત્યાં ભારતીયોને પ્રવેશ નિષેધ છે અને એ ભાગનો કબજો હાલના તબક્કે પાકિસ્તાન જ ભોગવે છે.)
આપનો વિશ્વાસુ,
નિહાર મેઘાણી
૨૭ માર્ચ ૨૦૧૪
સૌજન્ય : https://www.facebook.com/nihar.meghani