હોળીનો તહેવાર તો હતો 16મી માર્ચના, પણ ઇન્ડિયન એસોસીએશન, માન્ચેસ્ટર તરફથી તારીખ 23મી માર્ચને દિવસે માન્ચેસ્ટરના પ્લાટફિલ્ડ પાર્કમાં, નાનકડી તળાવડીને કાંઠે, ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું !
ભાઈ, આ તો માન્ચેસ્ટર એટલે વરસાદ આવે તો જ તેનું અસ્તિત્વ સાર્થક થાય, પણ અમને એટલાથી સંતોષ ન વળ્યો, તે કરાંની બૌછાર વચ્ચે અમે તો ઉત્સવની જમાવટ કરી. છેવટ જો કે સૂરજદાદાને પણ અમારી સાથે જોડાવાનું પ્રલોભન થયું।
લાલ, પીળો, લીલો, જાંબલી, વાદળી, કેસરી અને ગુલાબી રંગો અમે નાની નાની ડબ્બીઓમાં વેંચ્યા ! ધીમે ધીમે લોક ઉમટતું ગયું. અર્ધા કલાકમાં તો યુનિવર્સિટીમાં ભણતાં યુવક-યુવતીઓથી મેદાન ભરાઈ ગયું. રંગના વેચાણમાંથી માથું ઊંચું કરીને જોયું તો આખેઆખાં કુટુંબ સાથે આવેલ લોકો હતાં, ચાર મહિનાનું બાળક અને પંચોતેર વર્ષની દાદીમા પણ હતાં.
મજાની વાત તો એ બની કે રંગ ખરીદવા આવે ત્યારે જમૈકન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, અંગ્રેજ, મરાઠી, આઈરીશ, આફ્રિકન, પંક, ગે, યુરોપિયન અને મન્ક્યુનિયન એમ જાત જાતના લોકો આવ્યાં છે એવો અહેસાસ થયો પણ રંગોના છંટકાવ થયા પછી રંગો વચ્ચે ઢંકાયેલા ચહેરાઓ અને નાચતાં-કૂદતાં લોકો વચ્ચે ફરતાં લાગ્યું કે એ તો બધા માત્ર રંગ રસિયા હતાં. એ બધાની ઓળખ જાણે એ સપ્ત રંગોની મિલાવટમાં ઓગળી ગઈ. એ વખતે સહુ જાણે વૃન્દાવનમાં હોળી ખેલવા એકઠાં થયેલ ગોપ-ગોપીઓ જેવા લાગતાં હતાં.
એક હાથે રંગ ભરી પોટલી આપીને બીજે હાથે બદલામાં રોકડ લેતાં ભારતમાં હતી ત્યારે કેવો ગુલાલ ઉડતો હતો તેની સ્મૃિતઓ સળવળી ઊઠી એટલે સામે આવેલા ંયુવક-યુવતીઓને અમે કેવા સુતેલી ભોજાઈને ગળે કંકુના લપેડા કરેલા, મિત્રોના ચહેરાઓ પર કાજળની મૂછો બનાવેલી, ઘેર આવેલ મામા-માસીને તેમની પીઠ તરફથી આવીને કપાળે રંગ ચોપડેલો તે વાતો કરતી રહી. તેમાં ય જંગલમાં કેસૂડાં વીણવા જતાં એ યાદથી તો આંખો ભીની થઈ ગઈ. એ કેસૂડાનાં ફૂલોના આકાર, એક જ ફૂલમાંના ચચ્ચાર રંગોની જમાવટ અને ગરમ પાણીમાં પલળવાથી એમાંથી છૂટતી ફોરમનું મારું વર્ણન સંભાળીને ટોળે વળેલ લોકો કહેવા લાગ્યા, ‘અહીં એ મગાવોને!’ એકે કહ્યું, ‘મારે ભારત જવું છે.’
મેં હોળીનો ઉલ્લાસ ભરપૂર માણીને થાક ઉતારતી બે બહેનો વચ્ચે વાર્તાલાપ સાંભળ્યો, ‘અહીં આલ્કોહોલ નથી વેચાતો, છતાં લોકો કેવા ખુશ થઈને નાચે-ગાય છે!’ મેં તેમને નવરાત્રીના ઉત્સવમાં જોડાવાનું આમત્રણ આપતાં કહ્યું કે અમે હજાર-બારસોની સંખ્યામાં આવેલ નાર-નારીઓ એક એક પ્લેટ ભેળ-ચાટ કે સમોસાં સાથે પાણી, કોક કે સ્પ્રાઈટ પીને ચાર-પાંચ કલાક મધરાત સુધી વણથંભ્યા રાસ લઈએ છીએ એ જોઈને તમને ખ્યાલ આવશે કે આનંદનો અનુભવ કરવા એક સરખા રસ ધરાવતા લોકોની હાજરી, સુંદર સંગીત અને તાલ સિવાય કશું જરૂરી નથી.
એ બહેનોને મેં કહ્યું કે એમ તો આ હોળીના તહેવાર સાથે જોડાયેલ વાર્તા પણ જાણવા જેવી છે, તો મને આગ્રહ કરીને સંભળાવવા કહ્યું, એટલે એ 20-25 વર્ષની ઉંમરની, એ ઉત્સુક બહેનોને, પ્રહ્લાદની વાર્તા કહી. જે સાંભળીને તેઓ બોલી ઊઠ્યાં, તમે એક કથાકાર છો? આવતે વર્ષે હોળી ખેલવા સાથે વાર્તા પણ કહો તો કેવું? મેં સ્વીકાર્યું કે હા, નાનાં બાળકોને એ ગમે, તો શરમાઈને નીચું જોઈને કહે, ‘ખરેખર તો અમને બહુ મજા આવી’. આ રીતે હોળી રમવાની સગવડ કરી આપવા બદલ લોકો આભાર માને, આવતે વર્ષે ક્યારે ઉજવશો એમ પૂછે, રંગ ખલાસ થાય તો હવે એક આખું વર્ષ રાહ જોવી ન પોસાય, તેના કરતાં તરત બીજો રંગોત્સવ કરોને એવી માંગણી કરતાં લોકોનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવાથી પાનો ચડે એમાં નવી કશી?
આ અનુભવને વાગોળતાં ઘર ભણી વળતી હતી ત્યાં ચહેરા અને કપડાં પૂરેપૂરાં રંગેલ હોય તેવી સ્થિતિમાં લોકોને માન્ચેસ્ટરના રસ્તાઓ પર ચાલતાં જોયાં ત્યારે થયું, ‘79ની સાલમાં મને ‘તમારી ક્રિસ્ટમસ જેવી ઉજવણી ક્યારે હોય?’ એમ પૂછનાર પ્રજા અત્યારે અમારી સાથે હોળી, દિવાળી, વૈશાખી, પ્રજાસતાક અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હોંશે હોંશે કરે છે. ખરું જુઓ તો આ તહેવારની પાછળ કોઈ પણ જાતના ઉંમર, નાત-જાતના કે ભાષા-ધર્મના ભેદભાવ વગર નિર્ભેળ-નિર્દોષ આનંદ કરવાની તક મળે છે તેને કારણે તેની ચાહના વધવા પામી છે. આજની પ્રજાને એકબીજા સાથે સાંકળનાર અસામાજિક અને આતંકવાદી તત્ત્વો વધુ નજરે પડે છે ત્યારે સામાજિક મેલજોલના આ માહોલને જોઈને હૈયામાં એક પ્રકારનો સંતોષ અનુભવ્યો અને તેને કારણે હોળીનો તહેવાર ખરેખર પવિત્ર બન્યો તેવું લાગ્યું!
અમને તો એવી આશા છે કે હવે ‘આ મારો ધર્મ, મારા તહેવારો, મારી નૈતિક બોધ આપનારી વાર્તાઓ’ અને ‘આ તમારો ધર્મ, તમારા તહેવારો, તમારી વાર્તાઓ’ અમે ‘અમારી રીતે, અમારા લોકો સાથે ઉજવીએ’, તમે ‘તમારી રીતે તમારા લોકો સાથે ઉજવો’ એવી રીત રસમ ખત્મ થશે અને ‘ચાલો હું તમને એક ધર્મની વાત કહું, તેમાંના સિદ્ધાંતોનો અમુક અર્થ છે, એમાં આવી આવી વાર્તાઓ છે, એ નીતિમત્તાનો બોધ ગ્રહણ કરવા વિવિધ તહેવારો ઉજવાય છે, તો ચાલો આપણે બધા એ સાથે મળીને ઉજવીએ’ એવું બનશે ! એક દિવસ એવો આવશે જ્યારે બધા લોકો નાતાલ, દિવાળી, ઈદ, બૈસાખી, બુદ્ધ પૂર્ણિમા અને જુઇશ નવ વર્ષ તેના વિષે પૂરતી જાણકારી સાથે ભેળાં મળીને ઉજવશે!
e.mail : 71abuch@gmail.com