Opinion Magazine
Number of visits: 10,226,579
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 March 2021

હૈયાને દરબાર

મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં
કેળ, શ્રીફળ દાદાજીએ રોપિયા રે, પાન અવસરનાં
મોર કમખે ભરેલા બોલિયા રે, પાન અવસરનાં
ગીત મંગળ સખીયુંએ ઝીલિયાં રે, પાન અવસરનાં
તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે, પાન અવસરનાં
તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે, પાન અવસરનાં
લાખ મોતીનાં તોરણ બાંધિયાં રે, પાન અવસરનાં
હેત રેડીને કંસાર કાઢિયા રે, પાન અવસરનાં
મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે, પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે, પાન અવસરનાં

•   કવિ : હર્ષદ ચંદારાણા   •   સંગીતકાર : ઉદય મઝુમદાર

—————-

તાજેતરમાં ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાયો ત્યારે જેમનાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે અને જેઓ મિથ્યાભિમાનમાં એવું કહેતાં હોય છે કે, ‘યુ નોવ, અમારાં બાળકો પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે એમને ગુજરાતી ના ફાવે’. એમાંના ઘણા લોકોએ એક દિવસ માટે માતૃભાષા બચાવવાનાં બહુ ગાણાં ગાયાં, પરંતુ ભાષા સંવર્ધનનું ખરું કામ તો વિદેશમાં રહેતા કેટલાક ગુજરાતીઓ કરે છે. ગાયિકા ફાલ્ગુની દલાલ જે લગ્ન પછી અમેરિકાના ન્યુ યોર્કમાં સ્થાયી થયાં છે અને ફાલુ શાહ તરીકે જાણીતાં છે, એમની સાથે વાત કરતાં ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમ વિશે અચંબિત થઈ જવાય એવી વાતો જાણવા મળી.

‘ફાલુ’ઝ બાઝાર’ નામે બાળકો માટે ખાસ તૈયાર કરેલા આલબમ માટે જેમને ગ્રેમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યું હતું, એ ફાલ્ગુની મૂળ તો સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનાં શિષ્યા. ત્રણ વર્ષની ઉંમરે એમણે કૌમુદીબહેન પાસે શીખવાનું શરૂ કર્યું હતું. હવે તો એ અમેરિકામાં વેસ્ટર્ન મ્યુઝિકલ બેન્ડ ચલાવે છે તેમ જ ભારતીય દર્શકો સમક્ષ હિન્દી-ગુજરાતી ગીતો પણ રજૂ કરે છે. ‘છેલાજી રે’, ‘આ મનપાંચમના મેળામાં’ તથા ‘પાન અવસરનાં’ એમનાં ફેવરિટ ગુજરાતી ગીતો છે. ફાલુ કહે છે, ‘મન પાંચમના મેળામાં … હું અહીં અમેરિકામાં ખૂબ ગાઉં છું. મારા પતિ ગૌરવ શાહ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ એ સરસ ગાય છે એટલે ઉદય-રેખાને સ્થાને ફાલુ-ગૌરવ ગીત રજૂ કરીને વાહ વાહ મેળવે છે, પરંતુ ઉદયભાઈ અને રેખાબહેનની કક્ષાએ તો અમે આ ગીતમાં નથી પહોંચી શક્યાં. આ ગીતો અમેરિકન ભારતીયોને ખૂબ પસંદ છે.’

પોતાની સંગીતયાત્રા વિશે ફાલુ કહે છે, ‘મારાં માતા કિશોરી દલાલ કૌમુદીઆન્ટી પાસે સંગીત શીખતાં હતાં. એટલે કૌમુદીબહેનને તો હું ગર્ભમાં હતી ત્યારથી સાંભળતી. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ. ત્રણ વર્ષની વયે મારી કલા પારખીને મમ્મીએ મને શાસ્ત્રીય સંગીતની ઔપચારિક તાલીમ અપાવવાનું શરૂ કર્યું હતું. કૌમુદીબહેન પાસે સુગમસંગીત, ઠૂમરી, ચૈતી પણ શીખતી. થોડોક સમય પંડિત વિનાયક વોરા પાસે તાલીમ લીધી. ત્યાર પછી એસ.એન.ડી.ટી.માંથી સંગીત સાથે માસ્ટર્સ કર્યું. દરમ્યાન, ઉસ્તાદ સુલતાન ખાન પાસે શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ લેવા માંડી. સંગીત પ્રત્યે હું એટલી ગંભીર હતી કે લગભગ દસ વર્ષ સુધી મેં સોળ સોળ કલાક રિયાઝ કર્યો છે. પૂરા રિયાઝ પછી ૧૮મે વર્ષે વ્યાવસાયિક ધોરણે ગાવાનું મેં શરૂ કર્યું.

ભાષાપ્રેમ વિકસવાનું કારણ નિનુ મઝુમદાર અને કૌમુદી મુનશી. એમના ઘરમાં જ હું ઊછરી એવું કહું તો ચાલે. સાહિત્ય અને ભાષા પ્રત્યે બન્ને એટલાં જાગૃત કે અનુસ્વાર ન ગાઉં કે ગાતી વખતે હ્રસ્વ-દીર્ઘ ઇની ભૂલ થાય તો ય ટપારે કે લાંબો ઈ કેમ ગાયો? ગાવામાં મેં ૫૦ ભૂલ તો કરી જ હોય. છતાં એ ધીરજપૂર્વક શીખવે. કૌમુદીબહેનને લીધે જ હું ગુજરાતી લખતાં શીખી ગઈ. પહેલાં તો હું ગીત અંગ્રેજી લિપિમાં લખતી, પછી થયું કે મારી ભાષામાં નહીં લખું તો માતૃભાષા પ્રત્યે પ્રેમ કઈ રીતે જન્મે અને ગીતનો ભાવ કઈ રીતે પકડાય! તેથી ગીતો ગુજરાતીમાં જ લખવાં એમ નક્કી કર્યું. મારી ભાષા મારે માટે જાન છે. તમને આશ્ચર્ય થશે પણ અમેરિકામાં જન્મેલો મારો દીકરો નિષાદ શુદ્ધ ગુજરાતી બોલે છે અને ગુજરાતી ગીતો ગાય છે. હું માનું છું કે ભાષા ગઈ તો કલ્ચર ગયું. એટલે સંસ્કૃતિ અને સંસ્કાર બચાવવા બાળકોને માતૃભાષા શિખવાડવી જ જોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહેતા હો તો પણ.’

ફાલુએ તેના દીકરાને ભારતીયના રસોડામાં વણાઈ ગયેલાં મરીમસાલા અને આપણી સંસ્કૃતિને અનુરૂપ સરળ અને આસાનીથી સમજાય એવાં ગીતો લખ્યાં, જે આલબમ ગ્રેમી એવોર્ડ્સ માટે પસંદગી પામ્યું હતું. એ ગીતોની સર્જનકથા રસપ્રદ છે.

‘મારા દીકરાને અમેરિકામાં નાનપણથી જ આઈડેન્ટિટી ક્રાઈસિસ આવી ગઈ હતી. સ્કૂલેથી આવીને એ મને પૂછતો, મમ્મી, બધા ગોરા છે તો હું કેમ બ્રાઉન? આપણી રસોઈ કેમ લાલ-પીળા રંગની? ઘરમાં આપણે કેમ જુદી ભાષા બોલીએ છીએ?’ પોતાની સંસ્કૃતિ માટે દીકરાને પ્રેમ થાય, ભારતીય ઓળખ પ્રત્યે કમ્ફર્ટેબલ થાય એટલે મેં એને સમજાય એવાં ગીતો લખ્યાં, કમ્પોઝ કર્યાં અને શીખવાડ્યાં. સંગીત દ્વારા શીખવાની એને પણ મજા આવતી. ‘ફાલુ’ઝ બાઝાર’ લોકો માટે હતું જ નહીં. મારા બાળકને મારે માતૃભાષા-સંસ્કૃતિથી અવગત કરાવવું હતું, તેથી અંગ્રેજી, હિન્દી, ગુજરાતીના સંયોજનથી મેં બાળગીતો લખ્યાં જેમાં તવેથો, વેલણ અને ચકલાની વાત આવે તથા હળદર-મરચાંની પીળી દાળ પણ પ્રગટ થાય.

અમારા અમેરિકન મ્યુઝિકલ બેન્ડના સભ્યો એક વાર ઘરે આવ્યા ત્યારે મારો દીકરો મેં શિખવાડેલું બાળગીત, યમી યમી, ઈન યોર ટમી, ધિઝ આર ડિફરન્ટ સ્પાઈસીઝ, ડિફરન્ટ કલર્સ એન્ડ ડિફરન્ટ ફ્લેવર્સ … ગાતો હતો. બધાને એ સાંભળીને ખૂબ મજા આવી. એમણે કહ્યું કે આપણે આ ગીતો સ્ટુડિયોમાં રેકોર્ડ કરીએ. રેકોર્ડિંગ કર્યા પછી મારી મેનેજરે ક્યારે આલબમને ગ્રેમી એવોર્ડ કેટેગરીમાં મૂકી દીધું એ મને ખબર જ નહોતી. જ્યારે નોમિનેટ થયું અને અઢળક ફોન આવ્યા ત્યારે મને ખબર પડી. પુષ્કળ આનંદ પણ થયો હતો, કારણ કે વિદેશમાં મારી ભારતીય સંસ્કૃતિને ઓળખ મળી હતી. ઘરમાં અમે ગુજરાતી જ બોલીએ છીએ. અમારી વાતચીતમાં ભૂલમાં અંગ્રેજી શબ્દ આવી જાય તો દીકરો કહે કે, કેમ આપણે અંગ્રેજી થઈ ગયા છીએ? બાળકો બેથી વધુ ભાષા શીખે એના ફાયદા વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે. હમણાં જ મેં એને નિનુદાદાનું ‘રસ જગન ગુફામાં ઝર ઝર ઝરે …’ ગીત શીખવાડ્યું. એમાં જુદા જુદા રસ ધરાવતાં ગીતોનું સંયોજન છે એટલે બાળકને એની લાગણી વ્યક્ત કરતાં શિખવાડવું હોય તો વિવિધ રસનાં ગીતો શિખવાડવાં જોઈએ. મારું આલબમ ‘ફાલુ’ઝ બાઝાર’ એટલે જ પસંદ થયું હતું, કારણ કે સંસ્કૃતિ બચાવવા એક માતાએ કહેલી દિલની વાત એમાં હતી. પરિણામે અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટને થયું કે આપણે પણ આપણી ભાષા-સંસ્કૃતિને શા માટે છોડવી જોઈએ? એ રીતે ‘ફાલુઝ બાઝાર’ને ઘણા મત મળ્યા હતા.’

મેલોડિયસ અને કેચી અવાજ દ્વારા વૈશ્વિક અપીલ ધરાવતાં ફાલુએ થોડા સમય પહેલાં ‘સમ ડે’ આલબમ બહાર પાડ્યું છે. એમાં શાસ્ત્રીય સ્પર્શ ધરાવતી ઠૂમરી, ‘નદી રે કિનારે …’ની વિડિયોગ્રાફી તથા સ્વરાંકન અદ્ભુત છે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે અમેરિકન રોક-પોપના સંયોજનથી તેઓ ઈન્ડિ-હિન્દી ગીતો બનાવે છે. સંગીત કેટેગરીમાં ‘વીમેન આઈકન્સ ઓફ ઈન્ડિયા’ એવોર્ડ જીતનાર ફાલુએ ‘અમેરિકન પેચવર્ક ક્વોર્ટેટ’ આલબમ પર કામ કર્યું છે. એ કહે છે, ‘ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પની વિચારધારા પરદેશીઓ(ઇમિગ્રન્ટ્સ)ને કાઢવાની હતી, તેથી અમેરિકન લોકગીતોમાં ભારતીય ફ્લેવર ઉમેરીને મેં ગીતો બનાવ્યાં જેનો સાર એ હતો કે વિવિધ દેશોના વૈવિધ્યને લીધે જ અમેરિકા રંગીન બન્યું છે, એની પ્રગતિ થઈ છે. બધા પરદેશીઓ ખરાબ નથી, એટલું જ નહીં એ લોકોની વિવિધ સંસ્કૃતિને લીધે અમેરિકા અનોખું બન્યું છે, એની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. જપાન, આફ્રિકા, અમેરિકા અને હું ભારતીય એમ ચાર દેશોના સંગીતકારોએ ભેગા મળીને આ આલબમ તૈયાર કર્યું. અમે મ્યુઝિકલ ટૂર પણ કરવાનાં હતાં, પરંતુ વૈશ્વિક મહામારીને લીધે એ અટકી ગઈ. ગુજરાતી ગીતો તો જ્યારે તક મળે ત્યારે ગાઉં છું. ‘પાન અવસરનાં’ મારું અતિપ્રિય ગીત છે. અનેક પ્રોગ્રામમાં મેં એ ગીત ગાયું છે.’

આ ગીતના સ્વરકાર ઉદય મઝુમદારે ‘પાન અવસરનાં …’ ગીતના સ્વરાંકન વિશે રસપ્રદ વાત કહી. ‘કવિમિત્ર હર્ષદ ચંદારાણા એક વાર મુંબઈ પધારેલા. એમને એરપોર્ટ પર મૂકવા હું જઈ રહ્યો હતો ત્યારે કારમાં એમણે આ ગીતની બે પંક્તિઓ સંભળાવી. મને બહુ ગમી ગઈ એટલે મેં કહ્યું કે કવિ, આ ગીત પૂરું કરજો. પંક્તિઓ ઉત્તમ આવી છે. એ પછી થોડા જ સમયમાં આપણા સંગીતકાર-ગાયક સુરેશ જોશીનાં અમરેલીમાં લગ્ન યોજાયાં હતાં. હર્ષદ અમરેલી રહે એટલે એ મને ભાવનગર એરપોર્ટ પર લેવા આવવાના હતા. મેં શરત મૂકી કે ‘પાન અવસરનાં …’ ગીત આખું લઈને આવજો. હું તો ભાવનગર પહોંચ્યો તો કવિનો અતો-પતો નહીં. હજુ કંઈ વિચારું એ પહેલાં હર્ષદનો ફોન આવ્યો કે મને આવતાં મોડું થશે તો તમે ભાવનગરના કવિ વિનોદ જોશીને ત્યાં બેસો, હું તમને ત્યાંથી અમરેલી લઈ જઈશ. મને થયું કે કવિ નક્કી પેલી કવિતા પૂરી કરવામાં રોકાઈ ગયા લાગે છે. હું તો ચાલ્યો વિનોદ જોશીને ઘરે, તો ઘરે તો તાળું! છેવટે રિક્ષામાં બેસી ટાઈમ પસાર કર્યો. ત્યારબાદ કવિ ગીત સાથે હાજર થયા અને સુરેશ જોશીનાં લગ્નની આગલી રાતે હર્ષદના ઘરે કોઈ પણ વાદ્યની સહાય વિના કન્યાવિદાયનું આ ગીત સ્વરબદ્ધ થઈ ગયું.’

સંગીતકાર ઉદયભાઈ જાનૈયાઓ સાથે હતા, કન્યા દર્શનાબહેનને પક્ષે તો કદાચ આ ગીત એ વખતે તાજું ગવાઈ પણ ગયું હોત! અલબત્ત, ગીતના શબ્દો હૃદયસ્પર્શી છે. છેલ્લી પંક્તિઓ તો કેવી સુંદર છે;

મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે
પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયાં રે
પાન અવસરનાં!

મૂળ વાત એ છે કે આપણે આપણાં સંતાનોને ભારતીય ભાષા-સંસ્કૃતિનો વારસો નહીં આપીએ તો એ પછીની પેઢી આપણા સમૃદ્ધ વારસાથી વિમુખ થઈ જશે. હજું ય મોડું નથી થયું. બાળક ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પણ આપણા સંસ્કારથી એને દૂર ન કરવું જોઈએ. આ કોલમનો હેતુ પણ આ જ છે. ગુજરાતી ગીતોને રમતાં કરો, વહેતાં રાખો. જેને માતૃભાષા સરખી આવડે એ દુનિયાની કોઈ પણ ભાષા આસાનીથી શીખી શકે છે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”. 04 માર્ચ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686131

Loading

મોહનદાસ કરમચંદ ગાંધી ના જીવન પર આધારિત હિન્દી મહાનવલઃ ‘પહેલા ગીરમીટિયા’

રંજના હરીશ|Gandhiana|4 March 2021

સુપ્રસિદ્ધ હિન્દી નવલકથાકાર ગિરિરાજ કિશોરની સશક્ત કલમે લખાયેલ 'પહેલા ગિરમીટિયા'ને તેના 905 પૃષ્ઠના કદ તથા ફલકની દૃષ્ટિએ મહાનવલ કહેવી સાર્થક છે. વર્ષ 1999માં પ્રકાશિત આ મહાનવલ 10 વર્ષ બાદ અંગ્રેજી અનુવાદરૂપે પણ પ્રકાશિત થઈ. આ નવલકથાના કેન્દ્રસ્થાને છે દક્ષિણ આફ્રિકાની દાદા અબ્દુલા એન્ડ કંપનીના કામે એક વર્ષના એગ્રિમેન્ટ પર ત્યાં આવેલ ભારતીય બેરિસ્ટર યુવક મોહનદાસ કરમચંદ ગાંધી. આ નવલકથા મોહનદાસના આફ્રિકામાં વિતાવેલાં વર્ષોની વાત માંડે છે. પરંતુ આ વાત કોઈ એક વ્યક્તિવિશેષ સુધી સીમિત નથી. મોહનદાસના જીવનની સાથોસાથ તે ત્યાંના સમગ્ર સમાજ, આબોહવા, પર્યાવરણ, અંગ્રેજી શાસન તથા તેમાં કુલીઓનાં દમન તથા તેની વિરુદ્ધ ગાંધીએ આપેલ અહિંસક લડતની વાત પણ કરે છે. પોરબંદર તથા રાજકોટનો સાધારણ મોનિયો આ ધરતી પર અસાધારણ જનનાયક બનતો જોવા મળે છે.

આઠ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી ગાંધીના જીવન વિશે સંશોધન કરીને હિન્દી નવલકથાકાર ગિરિરાજ કિશોરે લખેલ આ નવલકથા વિશે લખતાં તેઓ કહે છે, 'મહાત્મા ગાંધીના જીવનના ત્રણ તબક્કા છેઃ 1. મોનિયા તબક્કો, 2. મોહનદાસ કે ગાંધીભાઈ તબક્કો અને 3. મહાત્મા તબક્કો. આ ત્રણેય તબક્કા પર આધારિત નવલકથા લખવાનું મારું સ્વપ્ન હતું. જો તે પૂરુ થઈ શક્યું હોત તો મને વિશ્વના સઘળા સાગરો તરી ગયાનો સંતોષ થયો હોત … પણ પસંદગીના વિષયની વિશાળતા જોતાં મેં આ ત્રણ તબક્કાઓમાંથી માત્ર એકને જ પસંદ કર્યો. એ તબક્કો હતો દક્ષિણ આફ્રિકાના 'ગાંધીભાઈ'ના જીવનનો. મારો આ નિર્ણય પણ મને સઘળા હિન્દ મહાસાગર તરવા જેટલો વિકટ લાગેલો … આ મહાનવલના લેખનકાર્ય દરમિયાન ઘણીવાર મને એમ થતું કે હું કિનારે નહીં પહોંચી શકું, હું ડૂબી જઈશ. પરંતુ ગાંધીભાઈની સંઘર્ષકથા પ્રત્યેની મારી આસ્થાએ મને પાર પાડ્યો. આશા છે આ ગ્રંથનું વાંચન સર્વેને પ્રેરણાદાયી નિવડશે.’(પૃ. 7)

પ્રસ્તુત મહાનવલની સમીક્ષા કરતા સુભાષ જોશી લખે છે, 'કહેવાય છે કે સંઘર્ષના દિવસોમાં મહાભારતથી ઉત્તમ કોઈ વાંચન ન હોઈ શકે. તે જ રીતે આંતરિક અને બાહ્ય સંઘર્ષના આ સાંપ્રત સમયમાં 'પહેલા ગિરમીટિયા' સમું પ્રેરણાદાયી પુસ્તક અન્ય કોઈ ન હોઈ શકે. મોહનદાસ કરમચંદ ગાંધીના કુલી-બેરિસ્ટરમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયાનું આનાથી વધુ સારું વિશ્લેષણ ક્યાં ય નહીં મળે. 'પહેલા ગિરમીટિયા' જે વાત લઈને આવે છે તે મેં આ પહેલાં કદી વાંચી નથી અને કદાચ ભવિષ્યમાં પણ વાંચીશ નહીં.'

શીર્ષકમાં પ્રયોજિત 'ગિરમીટિયા' શબ્દની વ્યુત્પત્તિ રસપ્રદ છે. 1850ની આસપાસના વખતમાં દક્ષિણ આફ્રિકા પર અંગ્રેજોનું રાજ હતું. દક્ષિણ આફ્રિકાની ધરતી એટલે ખનીજ તથા શેરડીના પાકની સંભાવનાથી ભરી ધરતી. પણ શાસક ગોરાઓને શારીરિક શ્રમ કરવામાં સહેજે ય રસ નહોતો એટલે તેમણે ભારત જેવા ગરીબ દેશોમાં ભૂખે ટળવળતા લોકોને બંધણિયાત મજૂર તરીકે દક્ષિણ આફ્રિકા લાવીને, તેમની પાસે આફ્રિકાની ધરતી પર લગભગ ગુલામ રૂપે રહેવાની સંમતિ આપતો એગ્રિમેન્ટ કરાવી લઈને સખત શારીરિક શ્રમ કરાવવાની યુક્તિ ઘડી કાઢી. નવેમ્બર 17, 1860ના દિવસે ભારતના મદ્રાસ બંદરેથી ઉપડેલ સ્ટીમર ભારતીય મજૂરોના પ્રથમ જથ્થાને દક્ષિણ આફ્રિકા લઈ ગઈ. જ્યાં ઊતરતાંની સાથે તેમણે એગ્રિમેન્ટ સહી કરીને બંધણિયાત મજૂર તરીકે ત્યાં વસવાનું કબૂલ-મંજૂર રાખ્યું. આ અશિક્ષિત ભારતીય મજૂરો એગ્રિમેન્ટને 'ગિરમીટ' કહેતા અને તેથી પોતાની જાતને 'ગિરમીટિયા'ઓ તરીકે ઓળખાવતા.

આ ગ્રંથના પ્રથમ 57 પૃષ્ઠો દક્ષિણ આફ્રિકાનાં હવાપાણી, પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાં વસતા ગિરમીટિયાઓનાં જીવનનો તાદૃશ ચિતાર આપે છે. પુસ્તકના છેક 58માં પૃષ્ઠ પર નાયક ગાંધીનો પ્રથમ વાર ઉલ્લેખ થાય છે! 1893માં ગાંધી એક બેરિસ્ટરની હેસિયતથી દક્ષિણ આફ્રિકા ગયેલા. ત્યારે તેમની પાસે એક વર્ષનો એગ્રિમેન્ટ સહી કરાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાળેલ પ્રથમ અઠવાડિયામાં જ ગાંધીને સમજાઈ ગયું કે તેઓ એવી ધરતી પર આવી ચડ્યા છે કે જ્યાં પોતાના દેશબાંધવો ભયંકર યાતના તથા અન્યાયોના શિકાર છે. તેમના દેશબાંધવોને અહીં લોકો ગિરમીટિયા કહીને બોલાવે છે અને ધિક્કારે છે. અને પ્રથમ અઠવાડિયામાં જ એ 24 વર્ષના અતિ સામાન્ય દેખાતા યુવકે પોતાના દેશબાંધવોને આત્મગૌરવ અપાવવાની પ્રતિજ્ઞા કરી અને તેમની સાથે ઓતપ્રોત થવાના હેતુથી તે પોતાની જાતને ગિરમીટિયા તરીકે ઓળખાવા માંડ્યા. ગાંધી એટલે દક્ષિણ આફ્રિકામાં વસતા ગિરમીટિયાઓનો આગેવાન અને તેટલે 'પહેલો ગિરમીટિયો'. આવા અર્થમાં આ મહાનવલમાં 'પહેલા ગિરમીટિયા' શબ્દ પ્રયોજાયો છે.

ગાંધીના જીવનની અનેક નાનીમોટી દસ્તાવેજી ઘટનાઓ આ નવલકથામાં હારબદ્ધપણે વણાઈ છે. જેવી કે દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં ધોળા ન્યાયાધીશનો બેરિસ્ટર ગાંધી ફેંટો ઊતારે તેવો આગ્રહ. અને તેના પ્રતિભાવરૂપે એડવોકેટ ગાંધીનું કોર્ટમાંથી ચાલી જવું. ગાંધીએ ત્યાંના પ્રેસને લખેલ અગણિત પત્રો. આ પત્રો દ્વારા દક્ષિણ આફ્રિકાના ગોરા અમલદારોનું તેમના પ્રત્યેનું કુતૂહલ જેવી ઘટનાઓ કલ્પનાના મેઘધનુષના સ્પર્શ સાથે અહીં કાગળ પર ઉતરે છે. જેથી દસ્તાવેજીકરણની નિરસતા ક્યાં ય વરતાતી નથી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યાના થોડા જ અઠવાડિયામાં તૈયબ શેઠ દ્વારા યોજાયેલ એક સભામાં બોલાયેલ ગાંધીના ઉદ્દગારો જોઈએ.

'આ સુંદર મુલકમાં આવે હજી મને મહિનો પણ પૂરો થયો નથી. આ દેશનું સૌંદર્ય જોઈને હું ચકિત છું. આંખ પહોંચે ત્યાં સુધી લીલીછમ લીલોતરી અને મધ્યમ કદના પહાડો. તે પહાડો પર થઈને દોડતી પગદંડીઓ … આ બધું અતિ સુંદર છે. મારા વતનના આકાશચુંબી પહાડો મનુષ્યને ભયભીત કરે છે પણ આ દેશની પહાડીઓ તેમને જાણે મિત્રવત્ આમંત્રણ આપે છે. તેમને હાથ ઝાલીને પોતાની પગદંડીઓ પર ચલાવીને પહાડીને પેલે પાર આવેલ ગંતવ્ય પર પહોંચાડવા જાણે તત્પર ન હોય … અહીં વસતા કબિલાઓ મને મારા દેશના માલધારી અને વણઝારા પ્રજાતિઓની યાદ અપાવે છે. નાનીશી અભિલાષાઓ સાથે જીવતા કેવા ભોળા અને સરળ મનુષ્યો ! તેમની મહત્વાકાંક્ષાઓ નથી કોઈનો તોડતી કે નથી પોતે તૂટતી … પણ અમે હિન્દુસ્તાનીઓ રોજીરોટીની શોધમાં સાત સમુદ્ર પાર પોતાના વહાલા વતનથી હજારો જોજન દૂર અહીં આવી ચડ્યા છીએ. વતનમાં વસતા અમારાં સગાંઓને અમારા જીવતા હોવાના વાવડ સુદ્ધાં મોકલી શકાતા નથી … પોંડીચેરીથી ઉપડેલ એક વહાણમાં 376 મજૂરો હતા. એ વહાણ નેટાલ પહોંચ્યા પહેલાં જ ડૂબી ગયું. અને અહીંના છાપાવાળાઓએ એક લીટીમાં એ ભારતીય મજૂરોનું તર્પણ કરી દીધું … કહેવાનો અર્થ એ છે કે અમે ભારતીયો સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે વતન છોડીએ છીએ. અહીં પહોંચતા પહોંચતા જો જીવિત બચીએ છીએ તો અમારું એ સ્વપ્નભર્યું મન મરી પરવારે છે. ભૂખ્યો મનુષ્ય લોટના કણક સમો હોય છે. ઇચ્છો તેમ ઘાટ આપી શકો. બંધણિયાત મજૂરને 11 સિલીંગનો પગાર મળે છે. મનુષ્યના સ્વાતંત્ર્યની કિંમત માત્ર 11 સિલીંગ ?… હું પણ એ બંધણિયાતોમાંનો એક છું. એક વર્ષ માટે એગ્રિમેન્ટ સહી કરીને દાદા અબ્દુલ્લાની કંપનીના કામે આવેલ એક ગિરમીટિયો. જો મારે બેરિસ્ટરની પૂંછડી ના હોત તો મારા ય અન્ય ગિરમીટિયાઓ સમા ભૂંડા હાલ થાત.' (પૃ.161)

એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા આવેલ 'ગાંધીભાઈ' પોતાના દેશબાંધવોના હિતમાં 21 વર્ષ જેટલા લાંબા સમય માટે ત્યાં રોકાઈ જાય છે. એટલું જ નહીં પોતાના પરિવારને પણ તેઓ રાજકોટથી દક્ષિણ આફ્રિકા લઈ આવે છે. અને અંગ્રેજો વિરુદ્ધ ગિરમીટિયાઓને હક્ક અપાવવાની લડત દ્વારા તેઓ એક જનનાયક તરીકે ઉપસે છે. ગાંધીના અહિંસા અને અસહકાર જેવા અમોઘ શસ્ત્રો આ ધરતી પર આકાર લે છે. અને જેમ જેમ સમય જાય છે અને ગોરાઓ સાથેની અથડામણો વધે છે તેમ તેમ આ શસ્ત્રોની ધાર તેજ થતી જાય છે. ફિનિક્સ આશ્રમની સ્થાપના જેવી મહત્ત્વપૂર્ણ ઘટના પણ આ કથાનકમાં વણાય છે.

જાહેર જીવનમાં અતિ વ્યસ્ત અને સફળ ગાંધીનો પારિવારિક પક્ષ વર્ણવવાનું નવલકથાકાર નથી ભૂલતા. અતિ સામાન્યમાંથી અસામાન્ય બનતા ગાંધીભાઈના જીવનમાં પત્ની અને બાળકો મહત્ત્વપૂર્ણ હોવા છતાં અવગણાયા હતા તે સત્ય આ પુસ્તકમાં સુપેરે વણાય છે. પુત્ર હરિદાસ સાથેના પિતા ગાંધીજીના વિસંવાદી સંબંધો અને તેમાંથી જન્મતો પરિતાપ જનનાયક ગાંધીને અવારનવાર વિહવળ બનાવે છે. તો વળી ઘણી બાબતોમાં ટેકીલી પત્ની કસ્તૂર સાથેની ચડભડ પણ ગાંધીભાઈને વ્યગ્ર બનાવે છે. બાળકોનું શિક્ષણ ગાંધીભાઈ તથા કસ્તૂર માટે સતત વિખવાદનું કારણ રહેલા. આ સઘળું ગાંધીને સંવેદનશીલ મનુષ્ય તરીકે પ્રસ્તુત કરે છે. વર્ષોના સંઘર્ષને અંતે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગિરમીટિયાઓને પોતાનો હક્ક તથા આત્મસન્માન અપાવનાર મહાનાયક તરીકે સ્થાપિત થાય છે. એક એવો નાયક જેનો સ્વીકાર ગરીબ ગિરમીટિયાઓ તો કરે જ છે પરંતુ ધોળી સરકારના અમલદારો પણ કરે છે. ટોલ્સ્ટોય તથા રસ્કિન જેવા વિચારકોથી પ્રભાવિત ફિનિક્સ આશ્રમની સ્થાપના કરનાર ગાંધીભાઈ એક અસામાન્ય નેતાના કદ સાથે ભારત પાછા ફરે છે.

આ ગ્રંથનું અંતિમ દૃશ્ય ગાંધીને દક્ષિણ આફ્રિકાની ધરતીને અલવિદા કહેતા બતાવે છે. હજારોની જનમેદની ગાંધી તથા તેમના પરિવારને વિદાય આપવા કેપ ટાઉનના રેલવે સ્ટેશન પહોંચે છે. અતિપ્રિય એવી પોતાની કર્મભૂમિ તથા ત્યાં વસતા પ્રેમાળ લોકોને અલવિદા કહેતા ગાંધીની આંખ ભરાઈ આવે છે. તેઓ કહે છે, 'આજથી બરાબર 21 વર્ષ પહેલાં નેટાલના મેડિંગ્ટન બીચ પર એક ભયભીત નવયુવક ઊતરેલો. તે એક બેરિસ્ટર ગિરમીટિયો હતો. દાદા અબ્દુલ્લાએ પોતાની કંપની માટે ભારતથી આણેલ ગિરમીટિયો … તેમણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર નાનકડા છોડની જેમ રોપ્યો અને પ્રેમપૂર્વક સિંચ્યો. આજે તેઓ આપણી વચ્ચે નથી. જો તેઓ હોત તો હું તેમને અવશ્ય કહેત કે તમારો 'ધોળો હાથી 'હવે 'કાળો હાથી' બનીને સ્વદેશ પાછો જઈ રહ્યો છે … દક્ષિણ આફ્રિકા મારા રોમ રોમમાં વસે છે. અંતમાં એટલું જ કહું કે દક્ષિણ આફ્રિકાની તમારી ખાણોમાં હીરા ભર્યા છે. પણ મારા દેશબાંધવોના મન હીરાસમા છે. જરૂર છે તો ફક્ત હીરાપારખુ આંખની.'

દક્ષિણ આફ્રિકાની આવી ભાવભરી વિદાયના પ્રસંગને બાપુએ 'ઇન્ડિયન ઓપિનિયન'માં તેમણે છગનલાલને લખેલ પત્રમાં હૂબહૂ વર્ણવ્યો. બાપુના એ હૃદયસ્પર્શી પત્રના અંતિમ શબ્દો મીરાંબાઈની એક કાવ્યપંક્તિ હતી : 'અસુવન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ' (પૃ. 905)

'પહેલા ગિરમીટિયા' પ્રત્યેક વાચકને પ્રેરણા આપે છે કે મનુષ્ય માત્રમાં સામાન્યમાંથી અસામાન્ય બનવાની સંભાવનાઓ પડેલી હોય છે.

E-mail : ranjanaharish@gmail.com

પ્રગટ : "નવનીત સમર્પણ"

Loading

કસ્તૂરબાઃ An Unsung Shero*

રંજના હરીશ
, રંજના હરીશ|Gandhiana|4 March 2021

૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ની નમતી સાંજ હતી. આકાશમાં જ્યારે સૂર્યદેવનો રથ પશ્ચિમ ભણી ગતિ કરી રહ્યો હતો, ત્યારે પૂનાના આગાખાન પેલેસમાં કસ્તૂરબાનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો. પુત્ર દેવદાસે મુખાગ્નિ આપ્યા બાદ સર્વે આપ્તજનો બાના નશ્વર દેહને અંતિમ પ્રણામ કરી રહ્યા હતા. પતિ મોહનદાસ કરમચંદ ગાંધી પોતાની 62 વર્ષ જેવા સુદીર્ઘ સમયની જીવનસંગિની કસ્તૂરબાને મનોમન વિદાય આપી રહ્યા હતા. તેમનું મન ક્ષુબ્ધ હતું. આ પળ હતી જીવનભરના સરવૈયાની. તો સ્વગત બોલી રહ્યા હતા – હું તારા વિના આજે નોંધારો થઈ ગયો. પોતાના બાળકોની ઇચ્છાપૂર્તિની જવાબદારી મા-બાપની હોય છે, પણ હું તે ન કરી શક્યો. હું તો સન્યાસીની જેમ સર્વ કલ્યાણમાં મંડેલ રહ્યો, અને હરિદાસ અને બાળકોને અવગણ્યા. હું સતત જાણતો હતો કે તું મારાથી દુઃખી હતી. મેં તને દુભવી. હરિદાસે સાચું જ કહેલું, ‘તમને બાએ મહાન બનાવ્યા છે.’ મારા ખાતર તેં હરિને ત્યજી દીધો હતો એ કંઈ નાનીસૂની વાત ન હતી. મેં હરિલાલને ના બોલાવ્યો અને તે પોતે ક્યારે ય આવ્યો જ નહીં. બસ એટલું જ … ‘ ગાંધી સદ્દગત પત્નીને કહી રહ્યા હતા, ‘તું મારા કરતાં સાચ્ચે જ મૂઠેરી ઊંચી હતી.‘ (પૃ. 279) પતિ, પુત્રો, પરિવાર તેમ જ સઘળા રાષ્ટ્ર કાજે કસ્તૂરબાએ આજીવન કરેલ તપ, ત્યાગ, સેવા અને સમર્પણનો આ સરપાવ હતો.

પતિની આવી શ્રદ્ધાંજલિ પામનાર કસ્તૂરબા એક અસાધારણ સ્ત્રી હતાં. જેમણે પોરબંદર ગામના ગભરુ, અતિ સાધારણ એવા મોનિયાને રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બનવામાં સતત મૌન ફાળો આપ્યો હતો.

કસ્તૂરબાના જીવન પર આધારિત હિન્દી નવલકથાકાર પદ્મશ્રી ગિરિરાજ કિશોર લખેલ નવલકથા ‘બા’ (2016) નવલકથાનો પ્રારંભ પોરબંદર ખાતે કસ્તૂરબાના ઘરની સામે એક વૃદ્ધ સાથે થયેલ સંવાદથી કરે છે. લેખક ગાંધીજીના જીવન પર આધારિત નવલકથા ‘પહેલા ગિરમીટિયા‘ માટે સંશોધનાર્થે પોરબંદર ગયેલા અને ત્યાં તેમને સાંભળવા મળ્યું કે કસ્તૂરબાના પિયરનું મકાન પણ એ જ નગરમાં છે. ગાંધીજીનું જન્મસ્થળ જોયા બાદ તેઓ શોધતા શોધતા કસ્તૂરબાના મકાને પહોંચ્યા. મકાનની બહાર એક વૃદ્ધ મળી ગયો. તેમણે પૂછ્યું, ‘આ કસ્તૂરબાનું મકાન છે ને ?‘ વૃદ્ધે જવાબ આપ્યો, ‘વાહ, તમે કસ્તૂરબાને જાણો છો ?‘ તેમણે કહ્યું, ‘બા વિશે વાંચેલું છે.' પેલા વૃદ્ધ બોલી ઊઠ્યા, ‘કસ્તૂરની કોઈને ય પડી નથી. બધા ગાંધીને જાણે છે, પૂજે છે. ભૂલ્યુંભટક્યું કોઈ અહીં આવી ચડે તો અમારું ભાગ્ય.’ એ વૃદ્ધની આંખમાં વેદના અને ફરિયાદ હતી.

સાચે જ બાની કોઈને નથી પડી એ વાત ‘હમારી બા‘ લખનાર વનમાળા પરીખ અને સુશીલા નૈયર પણ નોંધે છે. તો વળી ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધી તથા સુનંદા ગાંધીએ બાના જીવન પર લખેલ પુસ્તકને તેમણે ‘ફરગોટન વુમન‘ નામ આપવું ઉચિત માનેલું. વળી તેમનું આ પુસ્તક છાપવા માટે ભારતીય પ્રકાશકોએ ઘસીને ના પાડેલી. કહેલું, ‘ગાંધી પર પુસ્તક હોત તો ચોકકસ છાપત.’ છેવટે કોઈ અમેરિકન પ્રકાશકે કસ્તૂરબા પરનું આ પુસ્તક પ્રકાશિત કરેલું. અરુણ ગાંધી તથા સુનંદા નોંધે છે 'અમારી દાદીની જીવનકથા ફક્ત એટલી જ કે જ્યારે મોહનદાસ સત્યના પ્રયોગો કરતા હતા, ત્યારે બા તે પ્રયોગોનો તાપ જીરવતા હતા, તે પતિના પ્રયોગોને જીવતા હતા. કસ્તૂરબાનું સઘળું જીવન ગાંધીજીની સત્યની શોધની સૂક્ષ્મતમ પ્રક્રિયાના પ્રત્યક્ષ અનુભવમાં વીત્યું.'

ગાંધીજી તથા કસ્તૂરબાના સહજીવન તથા પારસ્પરિક વિકાસની ભાગીદારીની વાત અગણિત પુસ્તકોમાં ચર્ચાઈ ચૂકી છે. અહીં તો એટલું જ નોંધવાનું કે, બાપુના પારસ સ્પર્શે કસ્તૂરબા કંચન બન્યાં તે વાત સાચી તો ખરી, પરંતુ તે ફક્ત સ્પર્શ માત્રનો કમાલ નહોતો. બા દરેક પગલે બાપુના વિચારો તથા આગ્રહોના તાર્કિક સ્વીકાર સાથે બધું અપનાવતા ગયાં. તેમણે ક્યારે ય પણ ફક્ત પતિના આગ્રહને વશ થઈને કોઈ સિદ્ધાંત સ્વીકાર્યો નહોતો. ચાર પુત્રોનાં માતા-પિતા બન્યા બાદ વર્ષ 1906માં જ્યારે બાપુએ બ્રહ્મચર્યનું વ્રત લીધું, ત્યારે તે વ્રતનો સ્વીકાર કસ્તૂરબાએ પતિની ઇચ્છાને વશ થઈને કર્યો નહોતો. તેઓ પોતે બ્રહ્મચર્યમાં માનતા થયા હતા. અને તેમની સંપૂર્ણ સંમતિ સાથે બાપુ આ વ્રત લઈ શક્યા હતા. આ સઘળી વાતો એક જ સત્ય તરફ આંગળી ચીંધે છે કે, ગાંધીના પડછાયાની જેમ પળેપળ તેમની સાથે રહેનાર કસ્તૂરબાને સુયોગ્ય યશ કે માન નથી મળ્યાં. તેઓ એક ‘અનસંગ શીરો‘ છે. બા-બાપુની દોઢસોમી જન્મ શતાબ્દી વર્ષે આ પ્રશસ્તિવંચિત કસ્તૂરબાનું સ્મરણ યથોચિત છે.

ગિરિરાજ કિશોરે લખેલ બાયોફિક્શન ‘બા‘ના ચુનંદા પ્રસંગોના અનુવાદ થકી તેમને શ્રદ્ધાસુમન અર્પણ છે.

કિશોર મોનિયો કિશોરી પત્ની કસ્તૂર પર પતિ હોવાનો રોફ ચલાવતો. તેણે ક્યાં જવું, કોની સાથે બોલવું તે બધું મોનિયાને પૂછીને જ થવું જોઈએ. એક દિવસ સાસુજી પૂતળીબાએ કસ્તૂરને કહ્યું, હું મંદિર જઉં છું, તું ચાલ મારી સાથે. કસ્તૂર કોઈને પૂછ્યા કર્યા વગર સડસડાટ પૂતળીબા સાથે મંદિર જતી રહી. મોનિયો ઘરે જ હતો. પણ કસ્તૂરે તેની પરવા જ ના કરી. બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે આ જ ક્રમ ચાલ્યો. મોનિયાને કસ્તૂરનું આવું વર્તન જરા ય ન ગમ્યું. છેવટે ધીરજ ત્યજીને તેણે કસ્તૂરને સંભળાવી દીધું, હું તારો પતિ થાઉં, મારી પરવાનગી વગર ક્યારે ય તારે ક્યાં ય જવાનું નથી તે તું જાણે છે અને તો ય મને પૂછ્યા વગર બા સાથે જતી રહે છે તે યોગ્ય નથી. કસ્તૂર કેટલા ય વખતથી કિશોર પતિ મોનિયાની જોહુકમીથી કંટાળેલી હતી. પણ તેને પતિના ગુસ્સાનો જવાબ ધીમા સ્વરે આપ્યો. કહ્યું, તમે ઇચ્છો છો કો હું બાને બદલે તમારું કહ્યું માનું. પતિદેવ બિચારા શું બોલે. મોનિયો સમસમી ગયો અને બરાબર સમજી ગયો કે આ છોકરીની સંમતિ વગર તેની પાસે કશું ય કરાવી શકાય તેમ નહોતું. (પૃ. 39)

000

મોનિયો વિલાયતમાં બેરિસ્ટરી ભણીને બાબુ બનીને પાછો ફર્યો. એક પુત્રની માતા તેવી તેની પત્ની કસ્તૂર બારણાની ઓટમાં રહીને આ વિલાયતી માણસને જોઈ રહી હતી. તેને મોનિયાની વિદાયનું દૃશ્ય યાદ આવી ગયું. તે વખતે પણ કસ્તૂરે મોનિયાને બારણાની પાછળથી જ વિદાય આપેલી. પણ આ નવો મોનિયો તો તદ્દન બદલાઈ ગયો હતો ! ક્ષણાર્થ માટે કસ્તૂરને પોતાની જાત પર દયા આવી ગઈ … ગઈ કાલનો મોનિયો આજે વિલાયતી સાહેબ બનીને પાછો ફર્યો છે. અને પોતે જેવી હતી, જ્યાં હતી, ત્યાંની ત્યાં જ ઊભી છે ! તદ્દન અજાણ દેખાતો મોનિયો જીવનની દોડમાં તેનાથી ઘણો આગળ નીકળી ગયો છે … તે વિચારી રહી, સ્ત્રી સાથે આવું કેમ થતું હશે ? કૂદકે ને ભૂસકે આગળ વધતા પુરુષના પ્રમાણમાં તેની પત્ની કેમ જ્યાં હતી ત્યાંની ત્યાં રહી જતી હશે ? (પૃ. 64)

000

પતિ તથા ત્રણ પુત્રો સાથે દરિયાઈ માર્ગે ડર્બન પહોંચેલ કસ્તૂર માટે અહીંના બધા જ અનુભવો તદ્દન નવા હતા. તેણે જોયું કે વહાણ ન લાંગરવા દેવા માટે પ્રયત્નશીલ તેવા ગોરાઓ પોતાના પતિને દુશ્મન માનતા હતા. એટલું જ નહીં ગાંધીને ફાંસી આપવાના નારા બોલાવી રહ્યા હતા. આ વાત લંડન પહોંચતા ત્યાંથી આદેશ આવેલો કે ગાંધી વિરુદ્ધ વર્તન કરનારને પોલીસ પકડી જશે. ગોરી પોલીસે ગાંધી પાસે નામો માગ્યા તો ગાંધીએ નામો આપવાની ના પાડી દીધી અને કહ્યું, ‘મારા આવા નકારાત્મક સ્વાગત માટે હું તે બધાઓને માફ કરી ચૂક્યો છું.’ ગાંધીની આવી ક્ષમાવૃત્તિએ ત્યાંના ગોરાઓનું મન જીતી લીધું. કસ્તૂર પોતાના પતિ મોનિયાને સમ્માનિત જનનાયક બનતો જોઈ રહી. તે સાક્ષીભાવે વિચારી રહી, જેમ પ્રેમથી પ્રેમનો રસ્તો ખૂલે છે તેમ ક્ષમાથી સમ્માનનો રસ્તો મોકળો થતો હોય છે. મનોમન તે પોતાના પતિને બિરદાવી રહી. (પૃ. 94)

000

ડર્બનના પ્રારંભિક દિવસોમાં કસ્તૂર અને બાળકોએ એક પારસી સજ્જન રુસ્તમજીના પરિવાર સાથે રહેવું પડેલું. એ પરિવારે કસ્તૂર અને તેનાં બાળકોને પ્રેમથી અપનાવેલા, પરંતુ કસ્તૂરને કેમેય કર્યું ગોઠતું નહોતું. આ તે કેવો દેશ ? આખો દિવસ બધાએ બૂટ પહેરીને રહેવાનું ! બૂટ પહેરીને રસોડામાં જઈને રાંધવાનું અને તે પણ વળી ઊભા ઊભા ! વળી આ લોકો માછલી ખાતા હતા. અને ચુસ્ત વૈષ્ણવ સંસ્કાર ધરાવતી કસ્તૂરને આ જરા ય ગમે તેમ નહોતું. માછલીની ગંધ જાણે આખા ઘરમાં વ્યાપેલી રહેતી. એ ગંધથી કસ્તૂરને ઉબકા આવતા. આવી પરિસ્થિતિમાં પહેલીવાર કસ્તૂરને સમજાયું કે જીવનમાં ખોરાકનું શું મૂલ્ય હોય છે …. આ રહેવાસ દરમિયાન કસ્તૂરનાં બાળકોનું બા સંબોધન સાંભળીને રુસ્તમજી પરિવારે તેને કસ્તૂરબા કહેવાનું શરૂ કર્યું. કોને ખબર હતી કે પ્રેમાળ રુસ્તમજી પરિવારે કરેલ આ સંબોધન કસ્તૂર માટે જીવનપર્યંતનું સંબોધન બની રહેશે ? હવે કસ્તૂર કસ્તૂર ન રહી, તે કસ્તૂરબા હતી. (પૃ. 95)

000

સફળ પતિ અને પરિવાર સાથે ડર્બનથી સ્વદેશ પાછા ફરવાનો કસ્તૂરબાનો અનુભવ અનેરો હતો. મુંબઈ બંદરે પહોંચતાની સાથે પતિ મોહનદાસ કોઈ કામે કલકત્તા જવા નીકળી ગયા. કસ્તૂરે જોયું કે ભારતીયોએ તેમના સત્કાર માટે મોટો સમારંભ યોજેલો હતો. આયોજકોને ખબર હતી કે ગાંધી આ સમારોહમાં રોકાઈ શકશે નહીં. અને તો ય સમારંભ યથાવત રાખ્યો હતો. તેના કેન્દ્રસ્થાને કસ્તૂરબા હતાં. તેમને પોતાને આશ્ચર્ય થયું ! ગાંધીની હાજરીમાં સમારંભ થાય તે તો સમજાય, પરંતુ તેમને માટે આવું આયોજન ! કસ્તૂરબાને આ પળે થોડાં વર્ષો પહેલાં નાતીલાઓએ મોહનદાસના વિદેશગમનને કારણે સમગ્ર પરિવારને નાત બહાર મૂકેલો તે ઘટના સ્મરી આવી. તે જોઈ રહ્યાં હતાં કે આજે દૃશ્ય તદ્દન વિપરીત હતું. અપમાનિત કરી નાત બહાર મુકનારાઓ જ આજે તેમને માન સાથે પોંખી રહ્યા હતા. કસ્તૂરબા વિચારી રહ્યાં, આ સઘળું મારા પતિ મોહનદાસની તપસ્યાનું ફળ છે. (પૃ. 110)

000

બાપુના બગડતા જતા સ્વાસ્થ્યની બધાને ચિંતા હતી. ડો. દલાલે બાપુને દર બે કલાકે દૂધનું સેવન કરવા જણાવ્યું. પરંતુ બાપુએ ના પાડી દીધી. તેમણે કહ્યું કે તેઓએ દૂધાળ પશુ પર મનુષ્ય દ્વારા થતા અત્યાચારોને કારણે દૂધ ન પીવાની પ્રતિજ્ઞા કરેલી છે. બધા જાણતા હતા કે ગાંધીની પ્રતિજ્ઞાને કોઈ જ ન તોડાવી શકે. ત્યાં તો તેમની પથારીની પાસે બેઠેલાં કસ્તૂરબાએ શાંત ભાવે કહ્યું, બરાબર છે. તો પછી તમને બકરીનું દૂધ પીવામાં વાંધો ન હોવો જોઈએ. બાની વાત સાંભળીને બાપુ વિચારમાં પડી ગયા. સરળ, પ્રેમાળ અને બુદ્ધિશાળી જીવનસંગિનીએ તેમને અનાયાસે પરાસ્ત કરી દીધા હતા. પ્રતિજ્ઞા લેતી વેળાએ દૂધાળ પશુઓમાં તેમણે બકરીને ગણી નહોતી. એટલે પ્રતિજ્ઞા તોડ્યા વગર બકરીનું દૂધ લઈ શકાય તેમ હતું. તેઓ કશું કહ્યા વગર ચૂપચાપ બેસી રહ્યા. બા સમજી ગયાં. થોડી વારમાં બકરીનાં દૂધથી ભરેલ ગ્લાસ તેમણે બાપુના હાથમાં મૂકી દીધો. ત્યાર બાદ આવનાર સમય માટે બકરીનું દૂધ બાપુ હંમેશ લેતા. (પૃ. 213)

000

હરિજન આશ્રમથી આરંભાતી દાંડીકૂચ વેળાએ બાએ ગોરાઓની સામે પડનાર પતિનો હિંમતથી સાથ આપેલો. ગોરાઓનો ગુસ્સો અને આતંક વહોરવા જઈ રહેલા પતિને તેમણે તિલક કરીને વિદાય કરેલા. એક વિરાંગનાને શોભે તે રીતે … (પૃ. ૨૩૩) પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોઈને બા હંમેશ કહેતાં, ‘અમારી જેલયાત્રાઓ રૂપી જીવનધનનું વ્યાજ છે આ બાળકો’ …. જીવનના અંતિમ દિવસ સુધી બા આગાખાન પેલેસના પ્રાંગણમાં ચિર નિદ્રામાં પોઢેલ પોતાના સૌથી મોટા પુત્ર સમા મહાદેવભાઈ દેસાઈની સમાધિ પર સવાર-સાંજ દીવો કરતાં. કોકવાર પોતે ન કરી શકે તો અંતેવાસી સુશીલા નૈયરને કહેતાં, ‘બેટા, મારા શંકર-મહાદેવને દીવો કરજે.’ અંતિમ સાંજે પણ તેઓ એ ટકોર કરવાનું નહોતા ભૂલ્યાં. (પૃ.278)

* મહાન પુરુષ-નાયક હીરો તરીકે નવાજાતા હોય છે. તે સંદર્ભે સ્ત્રી-નાયક માટેની નવી અંગ્રેજી સંજ્ઞા છે 'શીરો'. કસ્તૂરબા સાચે જ એક મહાન શીરો [shero] હતાં, જેમને ઇતિહાસે અને સમાજે યથોચિત યશ ન આપ્યો. તેઓ એક પ્રશસ્તિ વિહીનનાં શીરોનું જીવન જીવી ગયાં.

E-mail : ranjanaharish@gmail.com

પ્રગટ : "નવનીત સમર્પણ" તેમ જ "અકાલ પુરુષ"

Loading

...102030...2,1502,1512,1522,153...2,1602,1702,180...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved