Opinion Magazine
Number of visits: 10,226,536
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંદોલનની દિશા અને દિશાની ટૂલકીટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 February 2021

દેશના રાજકારણમાં છેલ્લા અમુક સમયથી એક શબ્દ પ્રચલિત બન્યો છે; નેરેટિવ. ગુજરાતીમાં તેના માટે કોઈ ઉચિત શબ્દ નથી. નેરેટિવ માટે નજીકનો શબ્દ વાર્તા છે, પરંતુ વાર્તા તો કાલ્પનિક હોય છે, જ્યારે નેરેટિવમાં વાસ્તવિકતાનું અર્થઘટન હોય છે. શબ્દકોશના અર્થ પ્રમાણે નેરેટિવ એટલે સંબંધિત ઘટનાઓ કે અનુભવોનું વર્ણન. એ અર્થમાં નેરેટિવને અંદાજે-બયાન કહી શકાય; કોઈ ઘટનાને અમુક ચોક્કસ અંદાજથી બયાન કરવી તે.

૧૭મી તારીખે પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોમાં ભા.જ.પ.નો સંપૂર્ણ સફાયો થયાના સમાચાર આવી રહ્યા હતા, ત્યારે દિલ્હીમાં પક્ષની કેન્દ્રીય નેતાગીરી પહેલીવાર સફાળી જાગી રહી હતી કે ૧૦૦મા દિવસ તરફ કૂચ કરી રહેલા ખેડૂત અંદોલનના કારણે તે નેરેટિવની લડાઈ હારી ગઈ છે. ૧૬મી તારીખે હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના નેતાઓ પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા. મુખ્ય મુદ્દો કહો કે ચિંતાનો વિષય કહો, મંત્રણા એ વાતને લઇને હતી કે ત્રણે રાજ્યોમાં જાટ લોકોના પ્રભુત્વવાળી ૪૦ લોકસભા બેઠકો પર અંદોલનની વિપરીત અસર પડી રહી છે, તેને કેવી રીતે ખાળવી.

ત્રણ કૃષિ કાનૂનોના વિરોધનું આ અંદોલન, જે 'મુઠ્ઠીભર ખેડૂતો'ની દિલ્હી કૂચ સાથે શરૂ થયું હતું, તે ખાલિસ્તાનીઓ, ત્રાસવાદીઓ, દેશદ્રોહીઓ, આંદોલનજીવીઓ અને આંતરરાષ્ટ્રીય કાવતરાખોરોનાં અલગ-અલગ નેરેટિવમાંથી પસાર થઈને ત્રણે રાજ્યોમાં યોજાઈ રહેલી જબરદસ્ત મહા પંચાયતોમાં જાટ ગૌરવ પર આવીને અટક્યું છે.

જે જાટ મતોથી ભા.જ.પ.ને જીત હાંસલ થઇ હતી, તે જાટ ખેડૂતો પહેલીવાર ભા.જ.પ.થી દૂર જઈ રહ્યા હોવાની ચિંતા શરૂ થઇ છે, એટલે નેતાઓની બેઠકમાં નક્કી થયું કે આ જાટ બહુમતીવાળા વિસ્તારોમાં નેરેટિવ બદલવું પડશે. નાગરિકતા કાનૂનમાં કર્યું હતું તેમ, દોઢ મહિના પહેલાં ભા.જ.પ.ના સંગઠને દેશભરમાં કૃષિ કાનૂનોના સમર્થનમાં રેલીઓનું આયોજન કર્યું હતું. નેરેટિવ બદલવાનો એ વિચાર માત્ર વિચારના સ્તરે જ રહ્યો હતો.

મોદી સરકારે બહુમતીના જોરે ત્રણ કાનૂનો પસાર કરાવી દીધા ત્યારે, અને તેના વિરોધમાં તેના સૌથી જૂના સાથી અકાલી દળે છેડો ફાડ્યો ત્યારે, તેને અંદાજ પણ નહીં હોય કે તેને આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર અને પર્યાવરણવાદી છોકરીઓ સામે લડવું પડશે અને દિલ્હી પોલિસ ટૂલકીટ નામના ગૂગલ ડોક્યુમેન્ટનાં ડિજીટલ પાનાં વાંચતી હશે. કોઈ દેશની એક પ્રાઈવેટ નાગરિકની એક જ લાઈનની ટ્વીટ ('આપણે આ અંદોલનની ચર્ચા કેમ કરતા નથી?') પર બીજા દેશનું વિદેશ મંત્રાલય સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપે, એ હોંશિયારી હતી કે નાદાની તે આજ સુધી રહસ્ય છે.

ગણતંત્ર દિવસના રોજ લાલ કિલ્લા પર જે હિંસા થઇ, ત્યારે લાગતું હતું કે અંદોલન સમેટાઈ જશે. ઇન ફેક્ટ, રાકેશ ટીકૈત અને બીજા ખેડૂત નેતાઓએ બીજા દિવસે દિલ્હીની સરહદો પરથી બિસ્તરા-પોટલા સંકેલી લેવાની તૈયારી પણ કરી લીધી હતી, પરંતુ એક સાથે બે નિર્ણાયક ઘટના બની. ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રએ ખેડૂતોના વાવટાઓ ઊતારી લેવા પોલિસ ફોજ ખડકી દીધી, અને 'સ્થાનિક લોકો'એ સરહદ ખાલી કરાવવા માટે ખેડૂતોને મારવાની તૈયારી કરી.

આ જોઇને રાકેશ ટીકૈત ટેલિવિઝન કેમરાઓ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. રાકેશ ટીકૈત એક મામૂલી ખેડૂત નેતા છે અને તેને ધમકાવીને ખદેડી મુકાય છે તેવી ગણતરી ખરાબ રીતે ઊંધી વળી ગઈ. એ જ રાતે પંજાબ અને બીજા રાજ્યોમાંથી ટ્રેકટરો ભરીને ખેડૂતો દિલ્હીની સરહદે ઊમટી પડ્યા. લાલ કિલ્લાની શરમજનક ઘટનાથી બદનામ થઇને ખતમ થઇ જવા આવેલું ખેડૂત અંદોલન ફરી જીવતું થઇ ગયું.

બસ, એ દિવસથી સરકારના હાથમાંથી નેરેટિવ નીકળી ગયું, પણ તે કોઈને સમજાય તે પહેલાં સરહદે ખીલાઓ ઠોકવામાં આવ્યા, ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું, ખેડૂતોને પાણી અને વીજળી બંધ કરવામાં આવી, અને લાલ કિલ્લાની હિંસામાં ખેડૂતોને ખાલિસ્તાની ચીતરવાનું શરૂ થયું. આ દાવ ઊંધો પડ્યો. સોશ્યલ મીડિયા મારફતે આ તસ્વીરો દુનિયાભરમાં પહોંચી ગઈ. જે આંદોલનને થોડા દિવસ પહેલાં આસામ કે લદ્દાખમાં કોઈ જાણતું ન હતું તેની ચર્ચા અમેરિકા અને સ્વીડનમાં હતી.

બીજી તરફ, ૧૫૦ ખેડૂતોના મોત સાથે આંદોલન પંજાબ અને દિલ્હીની સીમાએથી બહાર નીકળીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાઈ ગયું હતું. ખેડૂતો આટલી લાંબી ટક્કર આપશે, તેનો સરકારમાં કોઈને અંદાજ ન હતો. ટ્વીટર પર સરકારની રીસ ઊતરી તેની પાછળ આ માઈક્રોબ્લોગીંગ સાઈટ પર કાર્યરત સ્વતંત્ર પત્રકારો અને સામાજિક કાર્યકરો હતા, જે લગાતાર ખેડૂત આંદોલનને એક એક ચીજનું રિપોર્ટીંગ કરી રહ્યા હતા. માહિતી-પ્રસારણ વિભાગે ટ્વીટરને આદેશ કર્યો હતો અમુક કે દેશ-વિરોધી એકાઉન્ટ અને ટ્વીટસ હટાવી લેવામાં આવે. ટ્વીટરે અમુક એકાઉન્ટ સસ્પેન્ડ કર્યાં, અમુકને પાછા ચાલુ કર્યા અને અમુકની સામે પગલાં ભરવાની સાફ મનાઈ કરી દીધી.

ખેડૂત આંદોલન, જે મૂળભૂત રીતે સરકારે ઘડેલા ત્રણ કાનૂનો સામેનો લોકતાન્ત્રિક વિરોધ હતો, તે કાનૂન-વ્યવસ્થાનો મુદ્દો બની ગયું હતું અને સરકાર તેનો ઉકેલ પોલિસ ફરિયાદો અને ધરપકડોમાં શોધતી હતી. તેમાં પોપસ્ટાર રિહાના અને પર્યાવરણવાદી કાર્યકર ગ્રેટા થનબર્ગની ખેડૂતોને ટેકો આપતી ટ્વીટ હાથવગી નીકળી. રિહાનાની ટ્વીટના જવાબમાં તો વિદેશ મંત્રાલય અને લતા મંગેશકર-સચિન તેંદુલકર જેવી સેલિબ્રિટી મેદાનમાં આવી (મહારાષ્ટ્ર સરકારને એવી શંકા છે કે સેલિબ્રિટીઓનું ટ્વીટર હેન્ડલ ભા.જ.પ.ના આઈ.ટી. સેલના હાથમાં છે, અને સેલિબ્રિટીઓની જાણ બહાર તેમના વતીથી એક સરખી ટ્વીટ કરવામાં આવી હતી), પણ ગ્રેટાની ટ્વીટમાં દિલ્હી પોલિસને આંદોલનના નામે હિંસા ફેલાવાનું ષડ્યંત્ર દેખાયું.

ગ્રેટા થનબર્ગ ભારત-વિરોધી કાવતરાની માસ્ટર-માઈન્ડ છે કે નહીં તે પોલિસે કહ્યું નથી, પરંતુ ભારતમાંથી ગ્રેટા સાથે સંપર્કમાં રહેલી ત્રણ વ્યક્તિઓ, બેંગલોરની પર્યાવરણવાદી કાર્યકર દિશા રવિ, મુંબઈની વકીલ નિકિતા જેકબ અને વિદર્ભમાં કાર્યરત શાંતનું મુલુક, સામે દિલ્હી પોલિસે કેસ દર્જ કર્યો છે. ગ્રેટાની તેની ટ્વીટમાં એક ટુલકીટ ટેગ કરી હતી. ટુલકીટ વિરોધ કાર્યકમની રૂપરેખા. જૂના જમાનામાં અંદોલનકારીઓ તેમના કાર્યક્રમોમાં વધુને વધુ જોડાય, તે માટે પેમ્ફલેટ બહાર પાડતા હતા. ટૂલકીટ તેનું ડિજીટલ સ્વરૂપ છે. પોલિસ કહે છે કે દિશા રવિએ એ આ ટૂલકીટ તૈયાર કરીને ગ્રેટાને આપી હતી, જેને ટ્વીટર પર જાહેર કરવામાં આવી હતી. દિશા રવિ હાલ પોલિસની કસ્ટડીમાં છે, અને પોલિસ તેની વોટ્સચેટ્સ, ઈ.મેઈલ્સ, ફોન કોલ્સ મારફતે બીજાં સગડ મેળવી રહી છે.

ખેડૂતો સાથે આંદોલન સમાપ્ત કરવાની ૧૧ મંત્રણાઓ પછી, પોલિસને તેમાં ભારત સરકારને ઉથલાવવાનું અંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર દેખાય છે, તે ચોક્કસ ચિંતાનો વિષય છે, પણ પોલિસે જે ઝડપથી ૨૧ વર્ષની દિશા રવિ પર આખા અંદોલનના કાવતરાનો ભાર નાખી દીધો, તેનાથી વિરોધ પક્ષો, કાનૂનના જાણકારો, બુદ્ધિજીવીઓ સરકાર પર એક જ આરોપ લગાવતા હતા કે કાનૂન પાછા નહીં ખેંચવાની જિદ્દ લઈને બેઠેલી સરકાર તેની સામેના જરા સરખા વિરોધને પણ પોલિસના ડંડાથી દબાવી રહી છે, અને ટૂલકીટ નામના એક સાધારણ ગૂગલ ડોકયુમેન્ટને સરકારને ઉથલાવવાનું ક્રિમીનલ ષડ્યંત્ર ગણાવીને તે અંદોલનની દિશા અને દશા બદલવા માગે છે.

ટૂલકીટ મામલે પોલિસે ફરિયાદ દર્જ કરી, ત્યારે પૂરા મામલામાં ત્રણ સ્થિતિના પ્રકાર સર્જાયાં છે; એક, ખેડૂત અંદોલન દિલ્હીની સીમાઓ અને સરકાર સાથેની મંત્રણાના દૌરમાંથી બહાર નીકળીને મહાપંચાયતોમાં રાજકીય જમાવટ કરવામાં તબદીલ થઇ ગયું છે. બે, પોલિસ હવે તેમાં ખાલિસ્તાની થિયરી શોધી રહી છે. ત્રણ, કેન્દ્ર સરકાર જાટ વોટ બચાવવા માટે મહેનત કરી રહી છે. એક વાત નક્કી છે : આંદોલન સંકેલાઈ જવાની સંભાવનાઓમાંથી દૂર જતું રહ્યું છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 ફેબ્રુઆરી 2021

Loading

ગઝલ

દેવિકા ધ્રુવ|Poetry|23 February 2021

છંદવિધાનઃ હઝજઃ૨૮ માત્રા

 

નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.

ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!

વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નજીક રાખ્યા હતાં દિલની, થયાં અળગાં તમે જાતે,
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નહિ તો આ રમકડાં સ્ક્રીનનાં ક્યારે હતાં પ્યારાં?

સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.

 

હતી ઈચ્છા મળીને રૂબરૂ વાતોને વાગોળું.

પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.

 

e.mail : ddhruva1948@yahoo.com

Loading

પોતે જીવે છે એની ખાતરી લોકોએ કરાવતાં રહેવું જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 February 2021

લોકશાહીની વ્યાખ્યા લોકો વડે, લોકો માટે ને લોકો દ્વારા ચાલતી “શાહી” એવી અપાઈ છે. લોકશાહીમાં લોકો સર્વોપરી ગણાયા છે. ભારત સ્વતંત્ર થયું એનું અમૃતપર્વ આવતે વર્ષે ઉજવાવાનું છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી લોકોનો સ્પષ્ટ, સત્યનિષ્ઠ, નિર્ભીક અવાજ સંભળાતો નથી. અવાજ એટલે આંદોલન એવી વ્યાખ્યા અહીં કરવાની નથી. દેશમાં આંદોલનો થતાં રહે કે હિંસા થતી રહે તો જ લોકોનો જીવ અનુભવાય એવું કહેવાનું નથી. મોંઘવારી વધતી જતી હોય ને લોકો ચૂપ હોય એવું અગાઉ ખાસ બન્યું નથી, એક જણ બોલ્યા જ કરતું હોય ને લોકોને તે અંગે કોઈ પ્રતિક્રિયા જ ન હોય એવું પણ ભાગ્યે જ બન્યું છે, પણ હવે એવું બને છે. દેશમાં બધું ઉત્તમ જ થતું હોય ને લોકો આનંદથી મરી રહેતાં હોય તો ગમે, પણ એવું હકીકતે નથી.

એમ લાગે છે કે લોકોના પ્રકારો પડી ગયા છે. એક પ્રકાર એવો છે જેને દેશમાં કૈં ખોટું થયાનું લાગતું જ નથી. એ સરકારની આરતી ઉતારીને રામધૂનમાં વ્યસ્ત છે. એક વર્ગ એવો છે જેને બધી વાતે અસંતોષ છે. આ અસંતોષને કોઈ ચોક્કસ કારણ નથી, કારણ હોય કે ન હોય, વિરોધ કરવો છે ને ખૂણે પડીને એક વર્ગ બબડ્યા કરે છે. એવા વાંઝિયા વિરોધથી કૈં થતું નથી. એક વર્ગ એવો છે જે તટસ્થ અને સ્વસ્થ છે, તેનામાં સચ્ચાઈ અને પ્રમાણિક્તા છે, તે સ્પષ્ટ મત ધરાવે છે, તેનો પણ કોઈ અવાજ જાહેરમાં ઊઠતો નથી. એનું કારણ છે. એ અવાજ બહાર ન પહોંચે એવી તંત્રો અને માધ્યમોની વ્યવસ્થાઓ છે જે ફક્ત સત્તાનું સંકીર્તન કરે છે અને સત્ય પ્રગટ ન થઈ જાય એટલે ઘોંઘાટથી તેને ઢાંક્યા કરે છે.

એમ પણ લાગે છે કે સત્તાઓ, વિરોધને રોકી ના શકે એટલો અવાજ ઊઠે તો તેને આંદોલનજીવી કે આતંકી કહીને ઉતારી પડાય છે ને મૂળ કારણને જ રફેદફે કરી નખાય છે. એ પણ ખરું કે રાજકીય પીઠબળ વગર હવે વિરોધ શક્ય નથી. કોઈ પણ વિરોધ હવે રાજકીય હવામાનમાં ન ઊઠે તો તે અવાજ કે ઘોંઘાટનું મૂલ્ય ધરાવી શકતો નથી. એ જ કારણ છે કે વિરોધ સાચો હોય તો પણ લોકો અંગત અવાજને જાહેર બનાવી શકતા નથી, કારણ વિરોધને જાહેર અવાજ બનાવનાર પરિબળો તો સત્તાશ્રયી છે, એટલે પણ લોક અવાજ દબાયેલો, ટૂંપાયેલો લાગે છે.

બાકી, લોકોને બધું ગમે જ છે એવું નથી.

સુરતનો જ એક દાખલો જોઈએ. નાનપરા ટી એન્ડ ટીવી તરફથી અઠવાગેટ પુલ નીચેથી સ્કૂટર પર, સામે, વનિતા વિશ્રામના મુખ્યગેટ પર જવું હોય તો કેટલું અંતર કાપવું પડે? જવાબ છે ત્રણ કિલોમીટર. માનવામાં નથી આવતું ને?

ટી એન્ડ ટીવીથી, પુલ તરફ, નીચે, સીધું સામે જવાતું નથી. એમ જવું હોય તો ડાબી તરફથી સીધા મજૂરા ગેટ જવું પડે અને ત્યાંથી યુ ટર્ન લઈને અઠવાગેટ ફરી આવવું પડે ને પછી ડાબી તરફ ટર્ન લઈ વનિતા વિશ્રામ કે ચોપાટી તરફ જઈ શકાય. આ ત્રણ કિલોમીટરનો ચકારાવો અનેક વાહન ચાલકો લે છે. કોઈને એનો કોઈ જ વાંધો નથી. એ ચકરાવો કેમ લેવાનો તે પણ ઘણાને ખબર નથી. બસ ચકરાવો લેવાનો છે ને લોકો તે લે છે. આમ તો અઠવાગેટથી કૃષિમંગલ પહેલાં, જમણી તરફ ટર્ન લઈને અઠવાગેટ થઈ વનિતા વિશ્રામ જઈ શકાતું હતું, પણ એ ટ્રાફિક પોઈન્ટ બંધ કરાયો એટલે મજૂરાગેટ સુધી ઘણાએ લાંબા થવું પડે છે. લાંબા કેમ થવાનું તેનો કોઈ ખુલાસો સત્તાવાળાઓ કરવા રાજી નથી. એક તરફ પેટ્રોલ સેન્ચુરી મારવા પર છે, તંત્રો પેટ્રોલ બચાવવા લોકોને અપીલ કરે છે ને એ જ તંત્રો 3 કિલોમીટરનો ચકરાવો, હજારો લોકોને, તેમના કોઈ વાંક વગર મરાવે છે. સુરતમાં ટ્રાફિક નિયમન કરનારાઓ છે, પોલીસ કમિશનર છે, અન્ય સત્તાધીશો છે, પણ એ બધાને, લોકોને કારણ વગરનો ચકરાવો મરાવવાનો બાદશાહી શોખ છે. બીજી તરફ લોક હિતની આટલી સંસ્થાઓ છે, એને પણ આનો કોઈ વાંધો નથી ને એ પણ આરામથી પેટ્રોલનો ધુમાડો થવા દે છે ને પ્રદૂષણમાં વધારો કરવાનું ગૌરવ લે છે. કોઈ માઈનો લાલ તંત્રને પૂછતો નથી કે સાહેબ, આ ત્રણ કિલોમીટરનો ધુમાડો કેમ?

– તો, આ સ્થિતિ છે. લોકો જીવે છે તેની ખાતરી કરવી પડે એવા દિવસો ચાલે છે.

આ તો સુરતની વાત થઈ, પણ આખા દેશમાં પેટ્રોલ, ડીઝલ અસહ્ય રીતે મોંઘું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશનાં કેટલાંક શહેરોમાં તો લિટર પેટ્રોલના સોથી એકસો એક રૂપિયા ઉપર ભાવ લેવાય છે, પણ લોકો ચૂપ છે. આટલો સન્નાટો કેમ? છેલ્લાં એક વર્ષમાં ક્રૂડમાં 8.5 અને પેટ્રોલમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 10 મહિનામાં પેટ્રોલ વીસેક રૂપિયા અને ડીઝલ અઢારેક રૂપિયા મોંઘું થયું છે. એ સાચું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધે તો બધે જ ભાવ વધે, પણ તેલની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત ખૂબ ઘટી હોય છતાં ભારતમાં પૂરી બેશરમીથી પેટ્રોલ – ડીઝલની કિંમત વધી છે. કોરોના સરકારને નડ્યો હોય તો પણ, લોકોને તેણે ઓછો ત્રાસ આપ્યો નથી ને એવામાં તેલની કિંમતોમાં સરકારે ભારે નિર્દયતાથી ભાવ વધારીને રીતસર લૂંટયા છે ને હોજરી ફાટફાટ થયા પછી હવે સરકાર ડહાપણ વઘારે છે કે રાજ્ય અને કેન્દ્રએ સાથે મળીને આ મામલો ઉકેલવો જોઈએ. કેન્દ્રના તેલમંત્રી તો બેશરમ થઈને કહે છે કે સરકારનો અત્યારે ડ્યૂટીમાં ઘટાડો કરવાનો કોઈ ઇરાદો નથી. તો, સરકારશ્રીને પૂછાય કે ડ્યૂટીમાં ઘટાડો કેટલા લોકો ગુજરી જાય પછી કરવાના છો?

સરકાર અત્યારે તો શિયાળવી વૃત્તિથી તેલના ભાવ વધારા માટે બે કારણો આપે છે. એક, આ ભાવ વધારો પેટ્રોલિયમ કંપનીઓ કરે છે ને એમાં સરકારની કોઈ ભૂમિકા નથી. આમ કહીને સરકારે લોકોને કંપનીઓની જીવદયા પર છોડી દીધા છે. કંપનીઓ કૈં પણ કરે તો તેને સરકાર રોકી શકતી નથી. એનો અર્થ એવો પણ થાય કે દેશનો વહીવટ સરકારના હાથમાં નહીં, પણ કંપનીઓના હાથમાં છે ને જોવાની ખૂબી એ છે કે આ કંપનીઓ સરકારની છે. સીધીસટ વાત તો એ છે કે સરકારે પેટ્રોલ ડીઝલને મામલે હાથ ઊંચા કરી દીધા છે. બીજું સહેલું કારણ, પેટ્રોલના ભાવ વધારાનું એ અપાય છે કે એને માટે આગલી સરકાર જવાબદાર છે. આમાં પણ સરકાર છટકવા માંગે છે. સારું પોતે કરે છે ને જે ખરાબ થાય છે તે આગલી સરકારને કારણે થાય છે એમ કહીને સરકાર છૂટી પડે છે. આ બરાબર નથી. એવું તો આગલી સરકાર પણ કહી શકે કે એણે જે કર્યું તેને માટે એની અગાઉની અંગ્રેજ સરકાર જવાબદાર છે.

આગલી સરકાર જવાબદાર છે તો આગલી સરકારના વખતમાં ક્રૂડનો ભાવ 108 ડોલર હતો ત્યારે પેટ્રોલ 71 રૂપિયે મળતું હતું, આજે ક્રૂડનો ભાવ 63 ડોલર છે તો પેટ્રોલનો ભાવ કેટલો હોવો જોઈએ તે હાલની સરકારને પૂછી શકાય? 71થી પણ અડધા ભાવે પેટ્રોલ વેચી શકાય એમ છે તેને બદલે ભાવ 101 રૂપિયા કેમ છે તેનો જવાબ સરકાર પાસે છે? 70 વર્ષના કારભારમાં આગલી સરકારે 7 વર્ષમાં 13 વખત એક્સાઈઝ નથી વધારી જે હાલની સરકારે વધારી છે, તો એને માટે પણ આગલી સરકાર જવાબદાર છે? સાદી વાત એટલી છે કે ભાવ વધારો સરકારની લાચારી નથી જ ! લોકોને ખંખેરી લેવાની પાશવી વૃત્તિ એમાં કામ કરી રહી છે. કૃષિ સેસ લાગુ કરવામાં આવ્યો ત્યારે એવી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં કરી હતી કે તેનો બોજ સામાન્ય લોકો પર નહીં પડે, પણ છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ- ડીઝલમાં થયેલા બેફામ ભાવ વધારાનો બોજ તો લોકો પર જ પડી રહ્યો છે એ સરકારને દેખાય છે? સરકારને દેખાતું નથી કે તેણે જોવું નથી એ નથી સમજાતું.

આટલું ઓછું હતું તેમાં ગેસનો બાટલો સીધો પચાસ રૂપિયા વધી ગયો. એ કઈ ખુશીમાં થયું તે જવા દઈએ તો પણ જે મધ્યમ વર્ગે વડા પ્રધાનના એક બોલ પર સ્વેચ્છાએ ગેસની સબસિડી જતી કરી એ મધ્યમ વર્ગને 50 રૂપિયાનો ફટકો મારીને સરકારે કેવી વફાદારી બતાવી છે તે કહેવાની જરૂર નથી. ટૂંકમાં, આ વફાદારી નથી, કેવળ ને કેવળ નફાદારી છે.

પણ, આમાં વાંક સરકારનો નથી. ગધેડો પણ બોજ વધારે મૂકાય તો ભૂંકે છે, જ્યારે આપણે તો માણસો છીએ. આટલા બોજ પછી પણ પ્રજા ચૂપ રહે તો એનો અર્થ એવો થાય કે એની પાસે હરામની કમાણી ઘણી છે ને સરકાર 1,000 રૂપિયે લિટર પેટ્રોલ કરે તો પણ તેનું રૂંવાડું ફરકે એમ નથી. સાચું તો એ છે કે રૂંવાડું ફરકવા પણ ચામડી જોઈએ અને અહીં તો ચામડી જ નથી કે …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,1592,1602,1612,162...2,1702,1802,190...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved