Opinion Magazine
Number of visits: 10,226,577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સશસ્ત્ર ક્રાંતિ માટે વિરાટ માનવસમૂહ, શસ્ત્રો અને મરણિયો જુસ્સો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|7 February 2021

ભગતસિંહ ફાંસીને માંચડે ચડતા પહેલાં તેના સાથીઓને સલાહ આપતો ગયો હતો કે ભારતને આઝાદી અપાવનારો સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન છે અને અહીં તહીં ફટાકેબાજી કરવાથી ખુવારી થશે અને આઝાદી નહીં મળે. તેણે અલબત્ત જરૂર પડે તો જવાબી હિંસા માટેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. આ અર્થમાં તે ગાંધીવાદી નહોતો.

સવાલ એ છે કે આમ તેણે શા માટે કહ્યું? શા માટે દેશવ્યાપી સશસ્ત્ર ક્રાંતિ ન થઈ શકે?

ગાંધીજી એક સત્યાગ્રહ કરે, પછી થોડાં વર્ષે બીજો સત્યાગ્રહ કરે, પછી વળી થોડાં વર્ષે ત્રીજો સત્યાગ્રહ કરે એનાં કરતાં સશસ્ત્ર ક્રાંતિમાં એક ઘા ને બે કટકા. કાં આપણે જીતીએ કાં અંગ્રેજો જીતે. અને વળી તૈયારી પાકી હોય તો આપણે શા માટે ન જીતીએ? અંગ્રેજો છે કેટલા? સંખ્યાની દૃષ્ટિએ તેઓ નગણ્ય છે. તેમનું સૈન્ય પણ ભારતીય સૈનિકોનું બનેલું છે અને જ્યારે ક્રાંતિ થશે ત્યારે તેઓ વતનના પક્ષે અર્થાત્‌ ક્રાંતિકારીઓના પક્ષે બળવો કરશે. તેમને બળવો કરવા પ્રેરી શકાય. આખરે તેઓ આ ધરતીનાં સંતાન છે. આમ પરાજીત થવાનો તો સવાલ જ નથી. સૌથી અસરકાર અને ઝડપી માર્ગ સશસ્ત્ર ક્રાંતિનો છે.

આવું ત્યારે ઘણા લોકો વિચારતા હતા અને ઘણા લોકોએ એવો પ્રયાસ પણ કર્યો હતો. એક રોમાંચ હતો, પણ ભગતસિંહ કહે છે કે એ વ્યવહારુ નથી.

કેન્દ્ર સરકારે ખેતી અંગે જે કાયદાઓ ઘડ્યા છે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એ તમે જાણો છો. લાખોની સંખ્યામાં કડકડતી ઠંડીમાં ખેડૂતો બે મહિનાથી દિલ્હીમાં બેઠા છે, પણ સરકાર દાદ આપતી નથી. હવે સંખ્યાની દૃષ્ટિથી જુઓ તો ખેડૂતોની સંખ્યા પોલીસની સંખ્યા કરતાં અનેક ગણી વધારે છે. અરે, પોલીસ અને લશ્કરી જવાનોની સંયુક્ત સંખ્યા કરતાં પણ દેશમાં ખેડૂતોની સંખ્યા વધારે છે. એ પણ હકીકત છે કે પોલીસમાં અને લશ્કરમાં ભરતી થયેલા જવાનો મોટા ભાગે ખેડૂત પરિવારમાંથી જ આવે છે અને તેમનાં મનમાં પણ દાઝ હશે. આમ ઉપર આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિના પક્ષમાં અનુકૂળતાની જે દલીલો ક્રાંતિકારીઓ અથવા સશસ્ત્ર ક્રાંતિના સમર્થકો કરતા હતા એ બધી જ દલીલો અહીં લાગુ પડી શકે એમ છે. કદાચ ઘણા તપેલા ખેડૂતોને એવું લાગતું પણ હશે કે આવા સત્યાગ્રહ કરતાં શસ્ત્રો હાથમાં લેવા જોઈએ અને આ સરકારને ઉથલાવી પાડવી જોઈએ.

હવે દલીલ ખાતર ઘડીભર ધારી લો કે ખેડૂતોના નેતાઓએ ખરેખર શસ્ત્રો દ્વારા કેન્દ્ર સરકારને ઉથલાવવાનો નિર્ણય લીધો છે તો તેઓ શું કરશે અથવા શું કરવું જોઈએ?

પહેલી જરૂરિયાત તો એ કે ખેડૂતોના મનમાં અત્યારે જે રોષ છે એ રોષ સશસ્ત્ર ક્રાંતિ સફળ નીવડવા જેટલી તૈયારી ન થાય ત્યાં સુધી જાળવી રાખવો જોઈએ અને એ શક્ય નથી. બે મહિનાથી તેમનો રોષ જળવાઈ રહ્યો છે એનું કારણ તેઓ લાખોની સંખ્યામાં સાથે બેઠા છે એ છે. આ ઉપરાંત તેમને ભારતની જનતાની સહાનુભૂતિ મળી રહી છે. એ સહાનુભૂતિનું કારણ પણ તેમનું શાંતિમય લોકઆંદોલન છે. જો અંદોલન હિંસક હોત તો જાહેર જનતાની સહાનુભૂતિ ન મળી હોત. હવે માણસનો સ્વભાવ એવો છે કે તેનો ગુસ્સો થોડા સમયે ઓગળી જાય છે અને ઉત્તેજના શમી જાય છે. તો આ ઉત્તેજના ટકાવવી કેવી રીતે એ મુખ્ય સવાલ છે અને સ્વાભાવિક છે કે હજારો/લાખો માણસો સશસ્ત્ર વિદ્રોહ માટે તૈયાર થાય એમાં મહિનાઓ લાગે.

બીજી જરૂરિયાત છે ગુપ્તતાની. શસ્ત્ર દ્વારા સરકારને ઉથલાવવાની તૈયારી કરવી હોય તો એમાં કેટલા માણસોની મદદ લેવી પડે એની કલ્પના તમે કરી શકો છો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામે લાગેલા હોય ત્યાં ગુપ્તતા જળવાઈ ન શકે. અને એ પણ ભારત જેવા દેશમાં જ્યાં એક ગામડું એવું નહીં મળે જેમાં સામાજિક તિરાડ ન હોય. જ્ઞાતિની તિરાડ, ધર્મની તિરાડ, આર્થિક સંબંધોમાં તિરાડ અને એવી બીજી અનેક પ્રકારની તિરાડો. જો કોઈ સમાજવિશેષ કે વર્ગવિશેષ હિંસાની તૈયારી કરતો હોય તો બીજા સમાજનો કે વર્ગનો માણસ સરકારને ખબર કરી દે.

ત્રીજી જરૂરિયાત છે શસ્ત્રોની. લાખોની સંખ્યામાં હથિયારો એકઠાં કરવામાં આવે ત્યારે વ્યાપક હિંસક ક્રાંતિ થઈ શકે અને એ શક્ય નથી. એ લાવવાં ક્યાંથી, કઈ રીતે, એને છૂપાવવા ક્યાં, શસ્ત્રો ખરીદવા પૈસા ક્યાંથી લાવવા, એને લોકો સુધી પહોંચાડવા કઈ રીતે, શસ્ત્રો ચલાવવાની તાલીમ કોણ આપે, વગેરે અનેક પ્રશ્નો છે.

ચોથી જરૂરિયાત છે એક સરખા હિતસંબંધની. ખેડૂતોની જ વાત કરીએ તો તમે જોયું હશે કે આંદોલનમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો જ ભાગ લઈ રહ્યા છે. એની નજીકના પ્રદેશોનો ટેકો મળી રહ્યો છે અને દક્ષિણ ભારત તેમ જ પૂર્વ ભારત તેનાથી લગભગ દૂર છે. આનું કારણ એ છે કે ખેડૂતોમાં પણ હિતસંબંધો એક સરખાં નથી. ભારતમાં ખેતી દરેકને એક સરખી પરવડે છે એવું નથી. જેને ખેતી કરવી પરવડે છે એ ઉત્તેજિત છે અને જેને ખાસ પરવડતી નથી એ ઉત્તેજિત નથી.

ભારતની આઝાદીની બાબતે પણ આ જ વાત લાગુ પડતી હતી. ભારતની આઝાદીમાં દરેક ભારતીયના હિતસંબંધો એક સરખાં નહોતાં. ભારતની લગભગ ૨૫ ટકા પ્રજા ભારતને આઝાદી ન મળે એમાં પોતાનું હિત જોતી હતી. બીજી પચીસ ટકા પ્રજા આઝાદીની બાબતે ઉદાસીન હતી અને એ પછી બીજી ૨૫ ટકા પ્રજા પોતાની શરતે આઝાદી માટે તૈયાર હતી. જ્યાં એકવાક્યતા ન હોય ત્યાં વ્યાપક ક્રાંતિ ન થઈ શકે.

પાંચમી જરૂરિયાત છે જુલ્મી શાસકોની. શાસકો એવા સિતમગર હોવા જોઈએ કે પ્રજા આગળ પાછળનું વિચાર્યા વિના થાકી ત્રાસીને કેસરિયાં કરી બેસે. અંગ્રેજો એવા સિતમગર નહોતા. તેઓ શોષણ કરતા હતા તો એ પણ કાયદા ઘડીને.

અને છેલ્લે સરકારની હિંસા કરવાની શક્તિ સંગઠિત, શિસ્તબદ્ધ અને તાલીમ પામેલી હોય છે. તેની પાસે શસ્ત્રો છે અને શસ્ત્રો ચલાવવાની તાલીમ પામેલા પોલીસમેનો અને સૈનિકો હોય છે. એનું આખા દેશમાં નેટવર્ક હોય છે અને આખા દેશમાં ફેલાયેલા હોય છે. ઉપરથી નીચે સુધી આદેશ પહોંચે એવું તંત્ર હોય છે. પ્રચંડ સંહારક શક્તિ ધરાવતી સરકારોને હિંસાને માર્ગે પડકારવી અને ઝૂકાવવી એ સહેલું કામ નથી.

ઉપર જે કારણો ગણાવ્યાં તેને પરિણામે આઝાદી પછી તેલંગાણામાંની સામ્યવાદીઓની હિંસક ક્રાંતિ નિષ્ફળ નીવડી હતી. પંજાબમાં ખાલિસ્તાનનું અંદોલન નિષ્ફળ નીવડ્યું હતું. એ સિવાય ઇશાન રાજ્યોમાં અલગતાવાદી આંદોલનો નિષ્ફળ નીવડ્યાં અને જ્યાં પ્રમાણમાં બીજી ઘણી વાતે અનુકૂળતા હોવા છતાં શ્રીલંકામાં તમિલોનું આંદોલન રાજ્યની હિંસા સામે નિષ્ફળ નીવડ્યું. આઝાદી પહેલાં કે આઝાદી પછી એક પણ હિંસક અંદોલન સફળ નીવડ્યું હોય એવું જોવા નથી મળતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021

Loading

બર્માથી મ્યાનમાર વાયા રોહિંગ્યા અને આંગ સાન સૂ ચીઃ જ્યારે મ્યાનમારમાં તલવાર મ્યાનમાં ન રહી ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 February 2021

સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એટલે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું

છેલ્લા કેટલાક દિવસોથી મ્યાનમાર ચર્ચામાં છે. આપણે ખેડૂત આંદોલન, રિહાના, કંગના અને એવું બધું ચર્ચવા અને જોવામાં વ્યસ્ત છીએ; આપણા આ પાડોશી દેશમાં સત્તાના સમીકરણો બદલાઇ રહ્યાં છે. 74 વર્ષનાં આંગ સાન સૂ ચી જેમને નેવુંના દાયકામાં નોબેલ પીસ પ્રાઇઝ એનાયત કરાયું હતું તેઓ હાલમાં ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ નથી કરાઇ. મ્યાનમારના તંત્રનું સુકાન લશ્કરે બળજબરીથી હાથમાં લઇ લીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રાષ્ટ્રોએ આ તખ્તાપલટની જૂદી જૂદી પ્રતિક્રિયાઓ આપી છે. 1લી ફેબ્રુઆરીએ થયેલી આ ઘટનાની જાહેરાત મ્યાનમાર સૈન્યની માલિકીના ટેલિવિઝન નેટવર્ક પરથી કરવામા આવી હતી. પાટનગર સાથેનાં બધાં જ કોમ્યુનિકેશન બંધ કરી દેવાયા અને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચીને અટકમાં લેવાયાં તથા તેમના રાજકીય પક્ષ સાથેના બધાં જ કોમ્યુનિકેશન અટકાવી દેવાયા.

ચર્ચવા માટે તો આ આખી ઘટના સાથે સંબંધિત ઘણી બાબતો છે પણ એક સમયે બર્માને નામે ઓળખાતા આ દેશના ઇતિહાસ પર નજર કરવી પણ જરૂરી છે. છેલ્લા આ રીતે તખ્તાપલટ 1988માં થઇ હતી, જેને પગલે બર્માનું નામકરણ કરાયું અને તે મ્યાનમાર કહેવાયો, આ નિર્ણય પણ વર્ષો સુધી સતત વિવાદોમાં રહ્યો હતો.

જ્યારે 19મી સદીમાં અંગ્રેજોએ આજના મ્યાનમાર અને ત્યારના બર્મા સાથે સંધાણ કર્યું ત્યારે તેમણે બર્માનું નામકરણ કર્યું જે ત્યારના સત્તાધિશ બર્મન – બર્માર એથનિક જૂથને આધારે કરાયું. બર્માનો વહીવટ ત્યારે અંગ્રેજોના સામ્રાજ્ય ભારતના પ્રદેશ તરીકે જ થતો, જે 1937 સુધી ચાલ્યું. આ પછી બર્માને ભારતથી જૂદું કરાયું. સ્વતંત્રતા મળ્યા પછી યુનિયન ઑફ બર્મા તરીકે આ રાષ્ટ્રનું અસ્તિત્વ આગળ ધપ્યું. 1962માં સૈન્યએ પહેલી વાર નાગરિકોની સરકાર છીનવી અને 1974માં સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑફ યુનિયન ઑફ બર્મા નામાકરણ કરાયું. 1988માં બર્મામાં સૈન્યએ હિંસક હુમલા કર્યા જેમાં હજારો લોકો મરી પરવાર્યા અને ફરી નામ જે હતું તે એટલે કે યુનિયન ઑફ બર્મા કર્યું. જો કે આ અહીં અટકવાનું નહોતું. એક જ વર્ષમાં દેશનું નામ યુનિયન ઓફ મ્યાનમાર થયું. દેશમાં બીજાં સ્થળોનાં નામ પણ બદલાયાં અને રંગૂન જે ત્યાંનું પાટનગર હતું તેનું નામ થયું યાગોન અને 2005માં તો પાટનગર જ બદલાઇ ગયું અને નવું પાટનગર છે નેયપ્યિડૉ જે 370 કિલોમીટર ઉત્તરે આવેલું છે.  દેશનું નામ બદલવા પાછળનું મુખ્ય કારણ હતું કે જેટલા પણ સ્થાનિક સમુદાયો છે તેમને એક અધિકૃત ઓળખાણ મળે માત્ર બર્મિઝ પ્રજાને નહીં.  મ્યાનમારને સ્વીકૃતિ મળતાં પણ વાર લાગી કારણ કે આમ તો બર્મા અને મ્યાનમારનો અર્થ સરખો છે, માત્ર મ્યાનમાર વધુ ઔપચારિક નામ છે. 2010માં દેશ લોકશાહી તરફ ડગ ભરવા માંડ્યો પણ છતાં ય સૈન્યની તાકત યથાવત્ રહી અને સૈન્યના રાજકીય વિરોધીઓને પણ પોતાની અભિવ્યક્તિની છૂટ મળી તથા ચૂંટણી પણ યોજાવા માંડી. 2015માં આંગ સાન સૂ ચીનો પક્ષ ચૂંટણી જીત્યો અને 2020માં ફરી તેમનો વિજય થયો. મ્યાનમાર અને બર્મા વચ્ચે આમ તો મ્યાનમારને માન્યતા મળેલી છે પણ જે રાષ્ટ્રોને બર્મા વાપરવું છે એ લોકો બર્મા નામનો જ ઉપયોગ કરે છે.

હવે આપણે વર્તમાન સંજોગોની વાત કરીએ તો સૈન્યએ આંગ સાન સૂ ચી અને તેની સરકાર 2020માં થયેલી ચૂંટણીને મામલે સૈન્યના સપાટામાં આવી છે. મ્યાનમાર આર્મ્ડ ફોર્સિસના વડા મિન આંગ લિયાંગે તખતો પલટ્યો અને એક વર્ષ સુધી અહીં કટોકટી લાદી દીધી છે. સૈન્યનું કહેવું છે કે આ ચૂંટણીમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ હતી અને ગરબડોને કારણે આ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી જીતી છે. સૈન્યએ 9 મિલિયન મત પર સવાલ ઉઠાવ્યો છે અને તે અયોગ્ય છે તેમ પણ કહ્યું છે. સૈન્યએ માંગણી કરી કે યુનાઇટેડ ઇલેક્શન કમિશન ઑફ મ્યાનમારે નવી સંસદની રચના પહેલાં સાબિત કરવું પડશે કે આ ચૂંટણી ન્યાયિક રીતે યોજાઇ છે. જો કે ત્યાંના ઇલેક્શન કમિશને આ માંગણીને ફગાવી દીધી. જ્યારથી સેનાએ તખતાપલટો કર્યો છે ત્યારથી આંગ સાન સૂચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ એક વખત પણ જાહેરમાં દેખાયાં નથી, તેઓ ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ કે જાણકારી આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં નથી કરાઇ. આ તરફ આંગ સાન સૂચી પર આક્ષેપો છે કે તેમણે વૉકીટૉકી આયાત કરી તેનો ઉપયોગ કર્યો, રાષ્ટ્રપતિ વિમ મ્યિંટે લોકોને વાઇરસ હોવા છતા મોટી સંખ્યામાં ભેગા કર્યા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, વગેરે.

મ્યાનમારના આર્મડ ફોર્સસિઝના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતોપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે. સૂ ચી મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર બન્યાં પછી રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા અમાનુષી અત્યાચારે તેમની નેતા તરીકે આકરી કસોટી કરી. રોહિંગ્યા મુસલમાનો પર થયેલી હિંસાને કારણે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ ખાતે મ્યાનમાર સામે નરસંહારનો કેસ પણ ચાલી રહ્યો છે, વળી સૂ ચીની આંતરરાષ્ટ્રીય છબી આમે ય ધોવાઇ ગઇ છે, કારણ કે તેમણે એક સમયે સૈન્યની કામગીરીનો પાંગળો બચાવ પણ કરવાની કોશિશ કરી હતી. રોહિંગ્યા મુસલમાનોને જે પણ થયું છે તેમાં સૂ ચી સાથે જરાક સરખી લાગણી નથી થતી અને તે સ્વાભાવિક છે. ચૂંટણીને લઇને ખડી થયેલી આ બબાલ સૂ ચી સામેનો પહેલો એવો વિવાદ છે જે તેમના છૂટકારા પછી આ સ્તરે સૈન્ય સાથે થયો છે. આમ તો 2020ની ચૂંટણી પછી એન.એલ.ડી.ની ઇચ્છા હતી કે તેઓ સૈન્યનો રોલ રાજકારણમાં ઘટાડી દે પણ એ આમે ય સરળ નહોતું હોવાનું કારણ કે બંધારણીય સુધારાને મામલે પણ કડક મર્યાદાઓ લદાયેલી છે. સૈન્યએ આ પહેલાં પણ મ્યાનમારના બે બંધારણ ખારીજ કરેલાં છે.

સૂ ચીના ટેકેદારો આજે તેના વિરોધીઓ બની ચૂક્યાં છે. સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું એમ કહેવાય. આપણે આપણા ડહાપણને સાચવી રાખીએ તો સારું, આપણે ત્યાં ટ્વીટરથી પણ અરાજકતા દાવાનળની જેમ ફેલાય છે.

બાય ધી વેઃ 

મ્યાનમારમાં સૈન્યએ લોકશાહીનો માર્ગ પણ એટલે અપનાવ્યો હતો કારણકે તેઓ ચીન પર જે આધાર રાખે છે તે વહેલી તકે ઘટાડવા ધારતા હતા. આંતરરાષ્ટ્રિય સ્તરે સૈન્યના પ્રહાર અંગે ચીન અને રશિયા ચૂપ રહ્યા છે તો ASEAN દેશો સંજોગો થાળે પડે તેની રાહમાં છે. જાપાન આ લશ્કરનાં આ પગલાંને બળવો જરૂર કહે છે, પણ રાષ્ટ્ર સાથેના આર્થિક સંબંધો યથાવત્ રાખશે. યુ.એસ.એ. અને ઑસ્ટ્રેલિયાએ સેન્કશન્સની ધમકી આપી છે. ભારતને મ્યાનમાર સાથે સારાસારી રાખવી છે કારણ કે ચીનનાં જાતભાતનાં બળવાખોરો અને શસ્ત્રો આપનારા ખેપાનીઓ સામે લડવા અને તેમને રોકવા મ્યાનમારની મદદ મળે તે જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  07 ફેબ્રુઆરી 2021 

Loading

ઘા ….

‘બાબુલ’|Poetry|7 February 2021

સાજન
એવું પણ થઈ શકત
કે તને અઢળક પ્રેમ કરત
અધર સુંદર હૈયું છાતી 
રોજ સ્વયં ધરત.
કિન્તુ 
એમ થઈ ન શક્યું:
ગંઠાયેલા ઉરોજને
ઉતારી લીધાયા પછીના
ઘા ભરાઈ ગયાં છતાં 
છે લીલાં- દર્દીલાં 
ને હૈયાં હાયકારે સૂકાંભઠ :
અને એવાં જ હોઠ 
સાજન, જોઉં કને
પીડ વળગે રે મને
ખોઈ ચૂકી છું હું જાણે જાત  
આપું તો શું આપું તને
હું એક વિસરવા જેવી વાત.

વિશ્વ કેન્સર દિન 2021.

https://avataran.blogspot.com/2021/02/blog-post.html  

Loading

...102030...2,1792,1802,1812,182...2,1902,2002,210...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved