Opinion Magazine
Number of visits: 10,226,667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હી સિવાયના શહેરમાં રાજધાની હોવી જોઈએ, એ વાત નવી નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 February 2021

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૂચન કર્યું છે કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ. ૨૩મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "કોલકત્તા દેશની રાજધાની કેમ ન હોય- સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમારા યોગદાનના કારણે હું આ કહું છું.  હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ – એક દક્ષિણમાં, એક ઉત્તરમાં, એક પૂર્વમાં અને એક ઉત્તર પૂર્વમાં. આ ચાર જગ્યામાં સંસદનું સત્ર વારાફરતી યોજાવું જોઈએ."

મમતા બેનરજીના સૂચનમાં ભલે રાજકારણનો સૂર હોય, પણ ભારતની રાજધાની દિલ્હી સિવાયના બીજા કોઈ સ્થળે કેમ ન હોય, તે પ્રશ્ન નવો નથી. અલગ-અલગ રીતે તે પૂછાતો રહ્યો છે. અગાઉ આ સ્થળે આપણે ચર્ચા કરી હતી કે દેશની સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં હોવાથી તેની અમુક વ્યવહારુ મુશ્કેલીઓ છે, એ જ તર્ક રાજધાનીને પણ લાગુ પડે છે. તે લેખમાં આપણે જસ્ટિસ વી.આર. કૃષ્ણ ઐયરને ટાંક્યા હતા કે, "લોકશાહી જો લોકો માટે હોય, તો સુપ્રીમ કોર્ટ બ્રિટિશરોએ તેમના સામ્રાજ્યવાદ માટે સ્થાપેલી દિલ્હીમાં નહીં, પણ ફરિયાદીઓ વચ્ચે હોવી જોઈએ. આટલા મોટા દેશમાં દિલ્હી તો એક ખૂણો છે, જ્યારે લોકો તો મોટા ભાગે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં રહે છે. (એટલે સુપ્રીમ કોર્ટ ત્યાં હોવી જોઈએ.)”

આ જ સુપ્રીમ કોર્ટે, ૨૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ દિલ્હીના હવાઈ પ્રદૂષણને લગતી એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું કે, "દિલ્હી નરક કરતાં પણ બદતર છે. લોકો શું કરવા આ ગેસ ચેમ્બરને સહન કરે? કેન્સર જેવા આ રોગમાં સબડવા કરતાં બીજે ક્યાંક જતા રહેવું જોઈએ." ૨૦૧૨માં, મુંબઈના અગ્રણી નાગરિકોએ તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું હતું કે દિલ્હી બંધિયાર અને નિસ્તેજ થઇ ગયું છે એટલે વાઈબ્રન્ટ અને કોસ્મોપોલિટન મુંબઈને દેશની રાજધાની બનાવવું જોઈએ અથવા તેને બીજી રાજધાનીનો દરજ્જો આપવો જોઈએ.

બંધારણના રચિયતા ડો. બાબાસાહેબ આંબેડકરે ૫૦ના દાયકામાં લખેલા તેમના પુસ્તક 'થોટ્સ ઓન લિંગ્વીસ્ટિક સ્ટેટ્સ'(ભાષાકીય રાજ્યો પર વિચારો)માં ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના તનાવને ઓછો કરવા માટે હૈદરાબાદને રાજધાની બનાવવાનું સૂચન કર્યું હતું. તેઓ લખે છે, "ભારત બીજી રાજધાની બનાવી શકે? આપણી પાસે એક રાજધાની છે એનો અર્થ એ નહીં કે આ પ્રશ્ન ન પુછાય. રાજધાનીની જગ્યા ઉચિત ન હોય, તો આ પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે. તે વખતે (મુઘલો અને બ્રિટિશરો વખતે) લોકોની સરકાર ન હતી, પણ હવે ચૂંટાયેલી સરકાર છે અને જનતાની સગવડતા અગત્યની છે, ત્યારે એ સમજવું જોઈએ કે અંતર અને તીવ્ર ઠંડી-ગરમીના કારણે દક્ષિણના લોકો માટે દિલ્હી બહુ અગવડતાભર્યું શહેર છે. ઉત્તર ભારતના લોકો માટે પણ દિલ્હીનો ઉનાળો આકરો છે. વધુ તો દિલ્હી પાડોશી દેશોના હુમલા માટેનું સરળ નિશાન છે."

દિલ્હીની સૌથી મોટી સમસ્યા તેના હવા-પાણીનું દૂષણ, રહેઠાણોની અછત, ગુનાખોરી, ટ્રાફિક અને દુર્ઘટના છે. આ સમસ્યાઓ રાતોરાત કે પ્રાકૃતિક નથી. દાયકાઓથી દિલ્હી બદથી બદતર થતું રહ્યું છે. મુખ્યત્વે આ વહીવટી ત્રુટિ છે. દિલ્હી રાજધાની પણ છે અને રાજ્ય પણ છે. ૧૯૦૧માં, ૪,૦૦,૦૦૦ની વસ્તી સાથે દિલ્હી દેશનું સાતમું મોટું શહેર હતું (સૌથી મોટું કલકત્તા હતું). આજે દિલ્હીની વસ્તી ૧.૮ કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રનો શહેરીકરણનો અહેવાલ કહે છે કે ૨૦૨૮ સુધીમાં દિલ્હી કદાચ દુનિયાનું સૌથી વધુ ગીચ (૩.૭ કરોડ) શહેર થઇ જશે. તે વખતે કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે તેની કલ્પના કરવી અઘરી નથી.

દિલ્હી દેશની રાજધાની હોવાનું એક માત્ર કારણ ઐતિહાસિક છે. બહુ નજીકની વાત કરીએ તો મુઘલો અને બ્રિટિશરોએ દિલ્હીમાં બેસીને દેશ ચલાવ્યો છે, તે કારણથી જ દિલ્હી આજે પણ રાજધાની છે, પરંતુ એવું કાયમથી નથી. મહમ્મદ બિન તુઘલકે ૧૩૨૭માં રાજધાનીને દિલ્હીથી દોલતબાદ ખસેડવા પ્રયાસ કર્યો હતો. સિકંદર લોદીએ ૧૫૦૬માં આગ્રાને બીજી રાજધાની બનાવ્યું હતું.

મુઘલોના પણ શાસનમાં આગ્રા રાજધાની હતું. બ્રિટિશરોની પહેલી રાજધાની કલકત્તા હતું. ૧૯૧૧માં તેઓ રાજધાનીને દિલ્હી લઇ ગયા હતા. ત્યાં પણ તેમણે નવું દિલ્હી વસાવ્યું હતું.

રાજધાનીને કલકત્તાથી દિલ્હી ખસેડવાનું મૂળ કારણ બંગાળની રાષ્ટ્રવાદી ચળવળ હતી, જેનું કેન્દ્ર કલકત્તા હતું. એક સદી અગાઉ, ભારતના વાઈસરોય લોર્ડ હાર્ડિંગે બ્રિટિશ રાજ્યને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “બ્રિટિશ શાસન સામે કલકત્તામાં વધી રહેલા વિરોધને જોતાં અહીં રહેવાનું હિતાવહ નથી.” ભારતમાં બ્રિટિશ સરકાર કેમ કલકત્તાથી નાસી રહી છે તેને બ્રિટનમાં આમ સભામાં સમજાવતાં ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ કર્ઝને કહ્યું હતું, “એ લોકોને બંગાળના ઉકળતા ચરુમાંથી છૂટવું છે.”

રાજધાનીઓ બદલવી એ દુનિયામાં નવાઈ નથી. વિવિધ કારણોસર અનેક દેશોએ આવું કર્યું છે. બ્રાઝિલમાં રિઓ ડે જનેરો સદીઓથી રાજધાની હતું, પરંતુ શહેર એટલું બધું ગીચ અને સરકારી ઈમારતો એટલી છૂટી છવાઈ હતી કે સરકારે ૧૦૦૦ કિલોમીટર દૂર બ્રાસીલિયામાં નવી રાજધાની વસાવી હતી.

નાઇજીરિયાની રાજધાની લાગોસ પણ ગીચ શહેર થઇ ગયું હતું એટલે ૧૯૯૧માં અબૂજાને રાજધાની બનાવાયું હતું. ઈજીપ્તની રાજધાની કૈરો ભવિષ્યનો વસ્તી વધારો ખમી શકે તેમ નથી એટલે ત્યાં ૪૫ કિલોમીટર દૂર નવું શહેર બની રહ્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ રાજધાનીને જાકાર્તામાંથી ખસેડીને જાવા દ્વીપ પર લઇ જવાની ઘોષણા કરી છે. ચીને તેની રાજધાની બેજિંગને ફાટફાટ થતી અટકવવા માટે તેની વસ્તીની મર્યાદા બાંધી દીધી છે, અને નવી વસ્તીને હવે બીજી વસાહતોમાં વસાવવામાં આવે છે.

એ જાણવું રસપ્રદ છે કે વિકસિત દેશોની રાજધાનીઓની વસ્તી બહુ જ સીમિત છે, એટલે ત્યાંનું જીવન ધોરણ બહુ સારું છે. વોશિંગ્ટનની વસ્તી ૭,૫૦,૦૦૦ છે. બર્લિન ૩૦ લાખ લોકોની રાજધાની છે. પેરીસમાં ૨૦ લાખ લોકો રહે છે. લંડનની જનસંખ્યા ૮૦ લાખ છે અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા) ૪૦ લાખ લોકોની રાજધાની છે. દુનિયામાં ૩૬ દેશો એવા છે જેમની રાજધાનીઓની ગણના દેશના સૌથી મોટા શહેરમાં થતી નથી.

બીજો એક મહત્ત્વનો ફર્ક એ છે ભારત એક માત્ર મહાસત્તા છે, જેની રાજધાનીની આસપાસ બંદર પર નથી. લંડન અને ટોકિયો દુનિયાનાં મોટાં બંદરો છે. વોશિંગ્ટનની પડોશમાં ચેસપીકે ખાડીમાં અનેક બંદરો છે. મોસ્કો મોટી નહેરો મારફતે પાંચ સમુદ્રો સાથે જોડાયેલું છે. બર્લિનમાં ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રમાં જવાના વિશાળ જળમાર્ગો છે. પેરિસનાં બંદરો પ્રમાણમાં નાનાં છે, પણ જેન્નેવીલિયર્સ બંદર ખાસું અસરકારક છે.

રાજધાની તરીકે દિલ્હીની પસંદગી, કલકત્તા કે મુંબઈની જેમ, તેના વાણિજ્યના કારણે નહીં, પણ ભૌગોલિક રીતે તે કેન્દ્રમાં હોવાથી થઇ છે. એક જમાનામાં દિલ્હી કરતાં તો પટના, મથુરા કે વારાણસીમાં વાણિજ્યની વધુ સુવિધાઓ હતી. નવી દિલ્હીનો પાયો ભારતના તત્કાલીન શહેનશાહ જ્યોર્જ પંચમે નાખ્યો હતો અને બે બ્રિટિશ આર્કિટેક્સ સર હર્બટ બેકર અને સર એડવિન લૂટિયન્સે તેનું પ્લાનિંગ કર્યું હતું. ૩૧ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ વાઇસરોય લોર્ડ ઈરવીને નવી રાજધાની તરીકે નવી દિલ્હીનું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીની સરકાર આ લૂટિયન્સ દિલ્હીમાં રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટાનું નવનિર્માણ કરી રહી છે. ૨૦૨૪માં તેનું ઉદ્ઘાટન થશે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021

Loading

‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ અને કલ્ચરલ મેલ્ટીંગ પૉટ : અમેરિકા

પ્રવીણકાન્ત શાસ્ત્રી|Opinion - Opinion|8 February 2021

‘શાસ્ત્રી, આજે ડેનીને ત્યાં જવાનું છે તે યાદ છે ને?’

‘હુ ઈસ ધીસ?’ હું એકદમ ચમક્યો! અવાજ જાણીતો; પણ ન ઓળખાયો. મારાથી પુછાઈ ગયું.

તરત ખડખડાટ હાસ્ય. ‘સાસ્ટરી હું ટારો ચન્ડુ, વન એન્ડ ઓન્લી ‘ચન્ડુ ચાવાલો’. હું સુઢરવા માંગું; ટો પન ટું મને સુઢરવા જ નઠી ડેવાનો. ટને ફોન કર્ટા પેલ્લા, ડશ વખટ મનમાં પ્રેક્ટીસ કરી, સુઢ્ઢ ગુજરાટીમાં ફોન કૈરો. ટો તને મારી ઓર્ખાન પન ન પરી?’

‘ના ના, ચંદુભાઈ ઓળખાણ પડી. બસ, કાયમ મારી સાથે ચોખ્ખું ગુજરાતી બોલતા રહેજો. હા, મને યાદ છે આપણે ડેનીને ત્યાં જવાનું છે.’

ગયે મહિને ડૉ. રાગિણીની બર્થડે સમયે ડેનીભાઈની અચાનક જ મુલાકાત થઈ ગયેલી. ડેનીભાઈ તો અમે કહીએ; બાકી એમનું સાચું નામ દીનેશ તો પાસપોર્ટ પર જ રહી ગયેલું. ઘરનું નામ દીનુ. શેરીનું નામ દીનેશભાઈ અને અમેરિકામાં ડેનિયલ; પણ ઓળખાય માત્ર ‘ડેની’ તરીકે. અમારા મહોલ્લામાંના મનુ પંડ્યાનો એ ભાણેજ. મુંબઈમાં ઉછરેલા, વેકેશનમાં મામાને ત્યાં આવે. અમારા કરતાં ચારેક વર્ષ મોટા. ગોરા અને ઊંચા. પારસી બાવા જેવી પર્સનાલિટી. સુરત આવે ત્યારે અમારા ટોળામાં ભળી જાય. અમે એને દીનેશભાઈ કહેતા. મામા મનુ પંડ્યા ગુજરી ગયા પછી એમનું સુરત આવવાનું બંધ થયું. અચાનક અહીં અમેરિકામાં, મંગુને ત્યાંની પાર્ટીમાં ભેટો થઈ ગયો. પાર્ટીની ધમાલમાં વધુ વાતો ન થઈ; પણ એમણે અમને એમને ત્યાં ‘ગેટ ટુ ગેધર’ માટે આમંત્રણ આપ્યું હતું.

એ યાદ કરાવવા જ ચંદુએ ફોન કર્યો. એમની રાબેતા મુજબની સુરતી ભાષામાં નહીં; પણ ચોખ્ખી ભાષામાં. એમ તો તેઓ બધા સાથે સીધી વાત કરતા. મને જોઈને જ એમનું સુરતીપણું સળવળતું. મારી સાથે ધીમે ધીમે નોર્મલ થવાની કોશિશ કરતા હતા. અમે ત્રણચાર મિત્રો જ દીનેશભાઈને ત્યાં જવાના હતા. કાંઈ મોટી પાર્ટી ન હતી.

અમે સાંજે એમને ત્યાં ભેગા થયા. તેઓ મામાને ત્યાં આવતા, ત્યારનાં સંસ્મરણો વાગોળ્યાં. અમારા સમ્બન્ધો એટલા અંગત ન હતા કે એમના અંગત જીવન વિશે એમને કંઈ પૂછી શકીએ; પણ જાણવાની ઈચ્છા તો ખરી જ. બધા કરતાં મેં દીનેશભાઈ વિશે ઘણી વાતો સાંભળી હતી.

અમારો મંગુ સીધી જ વાત કરનારો. એણે સીધું જ આશાભાભીને પૂછ્યું, ‘ભાભીજી, આપ અમારા દીનેશભાઈ સાથેની કોઈ રોમાન્ટિક પોલ જાણતા હોય તો જણાવો ને! તેઓ તો અમારા ખૂબ જ સીરિયસ વડીલ. એમને તો પૂછવાની હિમ્મત ન જ થાય!’

‘તમારા ભાઈ તો સીરિયસ હોવાના ડ્રામા કરે છે. બાકી એણે જ અમને બાલી ઉમ્મરમાં ફસાવ્યા છે.’ દીનેશભાઈ સ્મિત કરતા રહ્યા.

‘અમે બન્ને નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં ફાર્મસીમાં ડૉક્ટરેટ કરતા હતા. ઓળખાણ થઈ. એ મને મસકા મારીને પ્રોજેક્ટ વર્ક માટે એમના એપાર્ટમેન્ટમાં બોલાવતા. જાતે રસોઈ કરતા; પણ રસોઈમાં કોઈ જાતના ઢંગઢડા નહીં. વાંકીચૂકી ભાખરી, કાચા રાઈસ અને બળેલી દાળ બે વખત ખાધાં. પછી મારે જ કહેવું પડતું કે, ‘ડેની, હું આવીને મારી રીતે રસોઈ બનાવીશ.’ તડકા દાલ, રાઈસ, પરોઠા, ચીકન, મટરપનીર હું બનાવતી. પછી તો એના એપાર્ટમેન્ટમાં વીકેન્ડમાં બે વાર મારે કુકીંગ કરવાનું માથે જ પડી ગયું. પાંચ દિવસ બહાર ખાવાનું. ફ્રેન્ડશિપ, લવ અને લિવીંગ ટુ ગેધરમાં, આ કૂડી પંજાબન, ગુજ્જુ કી બાતોં મેં ફઁસ ગઈ. સતીશના જન્મના એક મહિના પહેલાં જ અમે લગ્ન કર્યાં. ઈટ વોઝ નાઈન્ટીન ફિફ્ટી એઈટ.’

‘હા, મને યાદ છે કે તમે બાબાને લઈને મામાને ત્યાં આવ્યાં હતાં. દશેક મિનિટ મારા પેરન્ટ્સને પણ પગે લાગવા મારે ત્યાં આવ્યાં હતાં.’

‘હા શાસ્ત્રીભાઈ, મેં પંજાબણ સાથે લગ્ન કર્યાં એટલે અમારા ફેમિલીને જ્ઞાતવાળાઓએ જ્ઞાત બહાર મુક્યા હતા. મારા ફાધર અને અંકલને કાંઈ પડી ન હતી; પણ મધરને વસવસો આખી જિન્દગી રહ્યો હતો. અમારાં લગ્નનો નહીં; પણ ન્યાત બહાર થયાનો.’

ડીનર પછી એમણે બીગ સ્ક્રીન પર એમના ફેમિલી અને લાઈફ ઈવેન્ટ્સની સ્લાઈડ બતાવી. એમનું લગ્ન પહેલાંનું સહજીવન, મોટી ફાર્મસ્યુટિકલ કંપનીઓના રિસર્ચ ડિપાર્ટ્મેન્ટમાં કામ કરતાં ફોટાઓ. એમના ત્રણ દીકરા અને બે દીકરીના ઉછેર અને તેમનાં લગ્ન અને ગ્રાન્ડ ચિલ્ડ્રનના ફોટાઓ અને આશાભાભીની રનીંગ કોમેન્ટ્રીએ એટલો તો ખ્યાલ આપી દીધો કે અમે કોઈ ઇન્ડિયનને ત્યાં નહીં; પણ અમેરિકનને ત્યાં બેઠા હતા. અમે અમેરિકામાં પણ સુરતી જ રહ્યા હતા. અમારા અમેરિકાના ચાળીસ પચાસ વર્ષના વસવાટ પછી પણ; પૂરા અમેરિકન થયા ન હતા. અમારા અહીં જન્મેલા છોકરાંઓ પંચોતેર ટકા અમેરિકન અને અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન પંચાણુ ટકા અમેરિકન. અમે તો પંચાણું ટકા દેશીના દેશી જ રહ્યા. અમારાં ડેની અને આશાભાભી પહેલી જનરેશનથી જ અમેરિકન થઈ ગયાં હતાં!

ડેની, દીનેશભાઈ, ગંભીર વડીલમિત્ર. વાતોનો વિષય હતો, ‘અમેરિકા’. ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ અને ‘કલ્ચરલ મેલ્ટીંગ પૉટ’. તે દીનેશભાઈનું અને તેમના પરિવારનું જીવન પરથી સાક્ષાત્‌ નજરે પડતું હતું. એમનો સૌથી મોટો દીકરો સતીશ અહીં જ જન્મેલી તમીલ છોકરી સાથે પરણ્યો હતો. કહેવાય તો ઇન્ડિયન; પણ કલ્ચર અમેરિકન જ. બીજા નંબરનો રશિયન ઇમિગ્રાંટને પરણ્યો હતો. ત્રીજા નંબરના છોકરાએ જમૈકન બ્લેક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. એની એક દીકરીએ આઇરિશ અમેરિકન સાથે લગ્ન કર્યાં હતાં. અને બીજી જપાનીસ સાથે પરણી હતી.

આશાભાભીએ કહ્યું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે. અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. સમગ્ર વિશ્વમાંથી લોકો, વધુ સારી રીતે જીવન જીવવા માટે અહીં આવે છે. દરેક ઇમિગ્રન્ટ તેમની સાથે તેમની સંસ્કૃતિ લાવે છે. તેમના રીતરિવાજો અને માન્યતાઓ લાવે છે. દુનિયાભરમાંથી આવતી પહેલી પેઢીની સંસ્કૃતિનું, અહીં બીજી અને ત્રીજી પેઢીએ ‘મેલ્ટીંગ’ થઈને એક ‘નવી જ સંસ્કૃતિ’ બને છે અને તે છે ‘અમેરિકન સંસ્કૃતિ’ – ‘અમેરિકન કલ્ચર.’

‘અમારે ત્યાં કુટુંબ સાથે અવારનવાર અમે ગુજરાતી અને પંજાબી તહેવારો ઉજવીએ છીએ. દીકરાઓને ત્યાં એમની પત્નીના કૌટુંબિક કે ધાર્મિક તહેવારોમાં પણ અમે સામેલ થઈએ છીએ. ઘરમાં વહુઓનાં માબાપ તેમના દેશની ભાષા બોલે છે; પણ છોકરાંઓ તો અમેરિકન ઇંગ્લિશ જ બોલે છે અને સમજે છે.’

દીનેશભાઈએ કહ્યું, ‘આ દેશ એક વિશાળ સુપના મોટા પૉટ જેવો છે. એમાં બીજા દેશોમાંથી આવતા બધા ઇમિગ્રન્ટસ કંઈકના કંઈક ઈન્ગ્રેડિયન્સ ઉમેરતા જાય છે. એક નવો સ્વાદ ઉમેરે છે. માની લો કે એક સ્વાદિષ્ટ પાઁવભાજી. આ જ ‘અમેરિકન કલ્ચર’ છે. દરેક ઇમિગ્રાન્ટ અમેરિકા આવ્યા પછી, તેઓ અન્ય લોકો સાથે જોડાઈ જાય છે. એકબીજાની સંસ્કૃતિ વિશે શીખે છે. આ ‘અમેરિકન મેલ્ટીંગ પૉટના સુપની’ વિશિષ્ટતા એવી છે કે બધા અલગ હોવા છતાં; બધા એક છે એવો અનુભવ થાય છે.’

આશા ભાભીએ કહ્યું કે, ‘અમારા ફેમિલીમાં ‘ક્રોસ-કલ્ચરલ લગ્નો’ એ અમારે માટે ‘રેસિયલ ટોલરન્સ’ સર્જવાનું કામ કર્યું છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના સર્વે મુજબ 2010માં અમેરિકામાં બ્લેક અને કોકેઝિયન વ્હાઈટના ‘ઈન્ટર રેસિયલ’ લગ્નો 15 ટકા હતાં; તે દર વર્ષે વધતાં જ રહ્યાં છે. આ લગ્નની સંખ્યામાં વધારો પણ રેસિયલ ટોલરન્સ વધારવામાં સારો એવો ફાળો આપે છે. એક નવી જ ‘માનસિક સહિષ્ણુતા’ સર્જાય છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના અભ્યાસ મુજબ, 35 ટકા અમેરિકનોનાં કુટુમ્બમાં પોતાની જાતિમાં જ લગ્ન કર્યાં છે. જ્યારે 65 ટકા અમેરિકનોએ આંતરજાતીય લગ્નો કર્યાં છે. યુવાન લોકોમાં ‘ક્રોસ-સાંસ્કૃતિક’ લગ્નને સ્વીકારી શકવાની ક્ષમતા વધારે હોય છે.

‘ઓલ મિલીનિયલ્સ સ્વીક ઈન્ટરફેરી ડેટીંગ એન્ડ મેરેજ’, સંસ્થાના સર્વે મુજબ 88 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ અન્ય જૂથ સાથેનાં લગ્ન સ્વીકારે છે. આ કારણોસર, વધુ ક્રોસ-સાંસ્કૃતિક સંબંધોની અપેક્ષા રાખી શકાય છે.

‘કેટલાક ‘પ્રોફેશનલ એથ્લેટ્સ’ કે પ્રખ્યાત લોકોએ પણ આંતરદેશીય કે આંતરજાતીય મેરેજ કર્યાં છે. તેમાં રોબર્ટ ડી નીરો અને ગ્રેસ હાઈટવર, જ્યોર્જ લુકાસ અને મેલોડી હોબસન, ઓડ્રા મેકડોનાલ્ડ, વીલ સ્વેન્સન, માર્ક ઝુકરબર્ગ, પ્રિસીલા ચાનનો સમાવેશ થાય છે.  લોકો તેમને સ્વીકારે છે. ‘યુ.એસ. સેન્સસ બ્યુરો’ના જણાવ્યા અનુસાર, 30 વર્ષમાં, શક્ય છે કે વ્હાઈટ કરતાં બ્લેક કે મિક્સ વધારે હશે.

આપણા ભારતની ચર્ચા નીકળી. દીનેશભાઈએ અમને પણ ઝપેટમાં લીધા. ‘તમે તો અમેરિકામાં પણ સુરતી જ બની રહેવા માંગો છો.’ કહ્યું અમને બધાને; પણ એમની મર્માળુ નજર તો અમારા ચંદુ પર જ હતી. ‘એક ‘સમાન સનાતન હિન્દુ’ પણ બની શકતા નથી. એમાં પણ પાછી અનેક સંપ્રદાયોની મારામારી.’

દીનેશભાઈ જાણે ક્લાસ રૂમમાં છોકરાં ભણાવતા હોય એમ કહેતા હતા. ‘હું માનું છું કે અમેરિકાની જેમ જ જો ભારતને એક દેશ બનાવવો હોય તો ક્રોસ કલ્ચર મેરેજિસ કરવા દો. આપોઆપ જાતિવાદ બંધ થશે. મારા એક ડૉક્ટર પટેલમિત્ર તો અમેરિકામાં પણ પોતાના સંતાન માટે ‘પાંચ ગામ’ કે ‘સાત ગામ’નાં છોકરા–છોકરી શોધતા રહે છે. પછી સંતાનો ધડાકા કરે કે તેઓ તો અમેરિકનના પ્રેમમાં છે અને પોતાની મરજી મુજબ પરણવાનાં છે. ત્યારે રાતાપીળા થઈ જાય છે. બીચારા દેશી ડોસાઓ!!’

ઇન્ડિયામાં જાતિવાદી રાજકારણે જે વાતાવરણ ઊભું થયું છે તેની ચર્ચા કરતાં દીનેશભાઈએ એમના ડેલાવેર યુનિવર્સિટીના પ્રૉફેસર મિત્ર ડો. દીવ્યેશભાઈનો અભિપ્રાય જણાવ્યો. દીવ્યેશભાઈના કહેવા મુજબ : ‘જ્યાં સુધી આપણા ગુજરાત અને દેશમાં, જ્ઞાતિના ભેદભાવની વાતો થતી રહેશે, ‘ઉચ્ચ જ્ઞાતિ’ અને ‘નીચી જ્ઞાતિ’ની ચર્ચાઓ થતી રહેશે, પોતાની જ્ઞાતિના ગૌરવની લાગણીની વાતો કરતા રહેશે, (જાણે કેમ પોતે નક્કી કરીને કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મ ન લીધો હોય, તેમ!), જ્યાં સુધી આપણે આવી માનસિકતામાંથી બહાર નીકળીશું નહીં, ત્યાં સુધી દેશ અરાજકતામાંથી બહાર આવશે જ નહીં અને રાજકારણીઓ ચૂંટણીના સમય઼માં ધર્મ અને જાતિના આવા નુસખાના આધારે લાભ લેતા રહેશે. જે જ્ઞાતિના લોકો સાચી પરિસ્થિતિ સમજશે તેઓ તો આવી લપમાં નહીં પડે.

‘દીનેશભાઈ ડેનિયલ બની ગયા હતા. એમનાં બાળકોને કોઈ જાતિવાદ ન હતો, કોઈ પ્રાંતવાદ ન હતો, કોઈ ભાષાવાદ ન હતો કે કોઈ પણ વાદનો હઠાગ્રહ ન હતો. જો ભારતમાં આંતરપ્રાંતીય અને આંતરજાતીય લગ્નો થાય તો જ ભાષાવાદ અને જાતિવાદ નાબૂદ થાય.’

એમની વાત સો ટકા સાચી જ છે. અમે બધા પહેલી પેઢીના ઇમિગ્રાન્ટ્સ બીજી અને ત્રીજી પેઢીનાં ગ્રાન્ડચિલડ્રનનાં આંતરજ્ઞાતિનાં અને આંતરજાતિનાં લગ્નો જોતાં આવ્યા છીએ અને સ્વીકારતા પણ થયા છે. ભારતમાં પણ આવાં લગ્નો થશે તો જ એકતા સ્થપાશે. જાતીય ક્રોસબ્રિડીંગથી ઉત્પન્ન થતી પ્રજા વધુ શક્તિશાળી હોય છે. ભારતને એ જરૂરી છે.

ત્યાર પછી તો અમારી વાતોના ઘણા વિષયો બદલાયા. દીનેશભાઈ અને આશાભાભી સાથે ઘણી વાતો થઈ. એક ખાસ મજાની વાત એ થઈ કે, ચંદુભાઈએ જાતે જ જાહેર કર્યું કે હવે હું ‘શાસ્ત્રી’ને, ‘સાસટરી’ નહીં કહું; પણ ‘શાસ્ત્રીભાઈ’ જ કહીશ. અને હવેથી મારે મને ‘ચંદુભાઈ’ નહીં; પણ ‘ચંદુ’ જ કહેવાનું. આપણા કરતાં મોટા છે. તેમાં વળી, અમારા મંગુએ પાછી સળી કરી, ‘ચંદુ, તને આટલાં વર્ષે આ બ્રહ્મજ્ઞાન કેવી રીતે થયું કે શાસ્ત્રીજી આપણા કરતાં મોટા છે?’ ચંદુની પૂંછ કદીયે સીધી નહીં જ થાય. જેટલી વાર ‘શાસ્ત્રીભાઈ’ને બદલે ‘સાસ્ટરી’ કહે એટલી વાર તારે શાસ્ત્રીજીને સો ડોલર આપવા.’

‘મંગુ, ટુ ડોસો ઠિયો ટો બી એવોને એવો જ રે’વાનો. ઢીસ ઈસ ઈન બિટ્વીન સાસ્ટરી એન્ડ આઈ. ટારે વચમાં પરવાની જરૂર નઠી.’

હસતાં રમતાં અમે છૂટાં પડ્યાં.

[માર્ચ, 2018માં અમેરિકાના ગુજરાતી અખબાર ‘તીરંગા’માં પ્રકાશિત થયેલો આ હાસ્યલેખ, લેખકની અને ‘તીરંગા’ના તંત્રી–પ્રકાશકની મંજૂરીથી સાભાર.]

સર્જકસમ્પર્ક : 6-SAVERIA COURT, HOWELL – NJ – 07731 – USA 

eMail : shastripravinkant@gmail.com

Website : https://pravinshastri.wordpress.com/


સર્જકનું સર્જન : લેખકની પ્રથમ નવલકથા ‘શ્વેતા’; અમેરિકાના પ્રસિદ્ધ ગુજરાતી માસિક ‘ગુજરાત દર્પણ’માં ધારાવાહિક રીતે પ્રકાશિત થયેલી, અમેરિકાની રંગીન જીવનશૈલીને ઉજાગર કરતી, સર્જકની પ્રથમ નવલકથા ‘શ્વેતા’ (પ્રથમ આવૃત્તિ : 2011; પ્રકાશક : લેખક પોતે; ટાઈપસેટીંગ અને મુદ્રક : ચિન્મય જોશી, શ્રી રંગ પ્રિન્ટર્સ, સુરત. તેની ઈ.આવૃત્તિનું પ્રકાશન : 2017માં થયું, જે તમે મફ્ફત ડાઉનલોડ કરી શકો છો, વાંચવા અને ગમે તો મિત્રોને તેની નિ:શુલ્ક લહાણ કરવા નીચેની લીંક પરથી તે મળશે :

https://pravinshastri.files.wordpress.com/2017/07/e0aab6e0ab8de0aab5e0ab87e0aaa4e0aabe_e0aba9.pdf

♦●♦

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 472 –February 14, 2021

Loading

સરકાર સામે સામાન્ય માણસનો સંતાપ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 February 2021

હે જગત જનની ઉર્ફે સરકાર માઈબાપ,

સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ … !

જેમ માને અને ભગવાનને તું કહું છું, એમ તને પણ હું તુંકારે જ બોલાવું છું. હું એક સામાન્ય માણસ છું. મારામાં અક્કલ નથી એવું તું તો માને જ છે, એટલે હું પણ માનતો થઈ ગયો છું કે મારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. મને ઘણું નથી સમજાતું ને જે સમજાય છે એમાં છેવટે તો સંતાપ કરવાનો જ રહે છે. એ ખરું કે આખું વર્ષ કોરોનાને નામે ચડ્યું. એણે આવતાંવેંત જ આખા જગતની પથારી ફેરવી કાઢી. લાખો માણસો મર્યાં, એમાં ભારત પણ બાકાત ના રહ્યું. એમાં વળી મહિનાઓ સુધી લોકડાઉન રહેતાં કામધંધો ઠપ્પ થઈ ગયો. નોકરીઓ ગઈ. આવક, ઝેર ખાવા જેટલી પણ ન રહી. ઘણાં પંખે લટકી ગયાં તો ઘણાં અટકી પણ પડ્યાં. સરકાર તરીકે તેં લાખોકરોડોના પેકેજ જાહેર કર્યાં. એ પેકેજ ક્યાંના પેકેટ બન્યા તે તો નથી ખબર, એમાં વળી ખાતર પર દિવેલની જેમ ચીન – પાકિસ્તાનનો ઉપદ્રવ પણ ચાલુ જ રહ્યો. એના ન ઘૂસેલા સૈનિકોને આપણે મારી હટાવ્યા તો આપણા ન ઘૂસેલા સૈનિકોનો ધુમાડો પણ થયો. એની વે, અનેક ઉપાધિઓ વચ્ચે તેં ને મેં ટકી બતાવ્યું તે માટે હું તને અભિનંદન આપું છું ને તારે મને આપવાં હોય તો તું પણ આપી શકે, આફ્ટર ઓલ, ઈટ ઈઝ અપ ટુ યુ –

બાકી હતું તેમાં કિસાન આંદોલન ચાલ્યું ને હજી ચક્કાજામ તાજું જ છે. કિસાન શબ્દમાં “સાન” છે ને સરકારમાં “સર” છે એટલે તમે બંને અડી ગયાં છો. કિસાનને કિસાન કાનૂનો નથી જોઈતા ને તારે પરાણે આપવા જ છે. તારી પણ કમાલ જ છે, તો ! એ લાગુ ન કરવામાં તારાં કયાં વહાણ લૂંટાય છે એ મને નથી સમજાતું ને તને એ નથી સમજાતું કે આંદોલન લંબાવાને કારણે રાજકીય પક્ષો ખેડૂતોના તવા પર પોતાના રોટલા શેકી રહ્યા છે, એ પણ જવા દે, એમાં વિદેશી તાકતોને રસ પડ્યો છે ને એ આ દેશની બાબતોમાં માથું મારી રહી છે એ બધું તને ઠીક લાગે છે? આંદોલન લંબાય તો વિપક્ષોને અને વિદેશી તાકાતોને વધારે ટાંટિયાં ફેલાવવાની તક મળે એવું નથી લાગતું? એ ચાલવા દેવાનું છે? હું તો ખેડૂતોને પણ બે હાથ જોડીને કહું છું કે સરકાર સામે તમને જે વાંધો હોય તે ભલે, પણ તમારે નામે કોઈ આ દેશમાં ચરી જાય ને દેશને નુકસાન કરે એવું ન જ થવું જોઈએ. એવું કૈં થયું તો આવનારો સમય તમને માફ નહીં કરે એટલું નક્કી !

હે સરકાર, મને તારે માટે એ માન જરૂર થયું કે આ બજેટમાં ખેતીના માળખાને ઠેકાણે કરવા ખેડૂતોનું આંદોલન તેં ધ્યાને લીધું ને પેટ્રોલ પર અઢી રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયા સેસ લાગુ કરવાની દરખાસ્ત કરી. તેં ધાર્યું હોત તો ખેડૂતોને રવડાવ્યા હોત, પણ તેને બદલે તેં મારા જેવા સામાન્ય માણસોને રડાવ્યા. ગુડ ! જો કે તેં બજેટમાં કહ્યું ખરું કે ગ્રાહકો પર વધારાનો બોજ નહીં પડે એની કાળજી રખાઈ છે, પણ મારી મા, એવું મને તો દેખાતું નથી. અમે સ્કૂટરમાં પેટ્રોલ નખાવી જ ન શકીએ એ હદે પેટ્રોલ મોઘું થયું છે તે નથી દેખાતું? તેં કહ્યું કે બોજ ગ્રાહકો પર નહીં પડે, તો પણ રોજ ઓઈલ મોંઘું થાય છે તે ખરું કે કેમ? એક જ વર્ષમાં પેટ્રોલનો ભાવ 20 રૂપિયા વધ્યો તે સાચું હોય તો એ બોજો કોના પર પડ્યો, તે કહીશ? તું કહીશ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધ્યા એટલે અત્યારે ભાવ વધે છે, તો જ્યારે એના ભાવ માઈનસમાં ગયા ત્યારે પણ આપણે ત્યાં ભાવ વધ્યા તે કઈ ખુશીમાં? એટલે તું માન કે ન માન, પણ ક્યાંક તો રમત છે જ !

હે મારી ચાલાક, સોરી, ચાલક સરકાર, કેટલાં ય વર્ષોથી જે વસ્તુ સસ્તી થવી જોઈએ એ મોંઘી થાય છે ને જે મોંઘી થવી જોઈએ એ સસ્તી થાય છે. મારું એટલું જ્ઞાન નથી અને તું સમજીને જ બધું કરતી હોઈશ તે પણ ખરું, પણ મારું સાદું જ્ઞાન તો એમ જ કહે છે કે જે અમીર છે તે બોજ વેઠી શકે તેમ છે તો તેના પર ટેક્સ વધુ નાખવો ને જે સાધારણ વર્ગ છે તે આમ પણ મરેલો જ છે તો તેને વધારે ન મારવો. પણ, અહીં તો ઊલટું જ ચાલે છે. બજેટ પછી સોનું સસ્તું થાય છે ને પેટ્રોલ મોંઘું થાય છે. વેલ, અમીરોના દરિયામાંથી ડોલ લઈ લઈશ તો એને ફરક નહીં પડે, પણ અમારે તો ડોલ જ દરિયો છે ને તું ડોલ જ આંચકે તો અમારે જીવવું કેમ તે કહીશ?

હું માનું છું કે બજેટમાં આરોગ્યને આ વખતે વધારે મહત્ત્વ આપીને તેં સારું જ કર્યું છે. માત્ર રસી માટે જ 35,000 કરોડ ફાળવ્યા તે પણ ઠીક થયું. જો આંકડા સાચા હોય તો કોરોનાનું જોર ઘટ્યું છે એવું પણ લાગે છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે તે જોઈને દેશસેવા કરવા આટલા બધા લોકો આગળ આવ્યા છે તેનો આનંદ છે, પણ હકીકત જુદી છે. ટિકિટ ન મળવાને કારણે જે અસંતોષ દેખાય છે તેમાં સેવા કરવાને બદલે, મેવા મેળવવામાં રહી ગયા, એનો અફસોસ વધારે છે ને જે ટિકિટ મેળવીને ઊછળે છે તે કેટલી સેવા કરવાના છે તે પણ કોઇથી અજાણ્યું નથી. એમ લાગે છે કે રાજકારણ એક નફાકારક રોકાણ છે ને પેઢીઓ તારવી હોય તો રાજકારણ જેવો બીજો સરળ ઉદ્યોગ નથી. જવા દે, એમાં આપણું કામ નહીં ! એમાં હોય તેના હાથ ચોખ્ખા ન હોય તે આમ પણ સમજી શકાય તેમ છે.

આમ તો અર્થશાસ્ત્રીઓ અને અનર્થશાસ્ત્રીઓએ પણ બજેટને વખાણ્યું છે. સરકારના મંત્રીઓને ને પક્ષકારોને તો બેકાર બજેટ પણ સારું જ દેખાવાનું. એકલું સારું જ દેખાય એ પણ એક પ્રકારનો અંધાપો જ છે, કારણ એમાં નબળું જોવાની દૃષ્ટિ નથી, તો વિપક્ષોને એમાં કૈં સારું નહીં દેખાય એ પણ ખરું, કારણ એને સારું જોવાની દૃષ્ટિ નથી. ટૂંકમાં બંને પાસે તટસ્થતાનો અભાવ છે, પણ હું સામાન્ય માણસ છું, મારામાં અક્કલ ઓછી હશે, પણ અંધાપો નથી. એટલું ખરું કે બજેટમાં કોરોના સેસ લાગુ થવાનું જોખમ હતું જ, પણ શૂળીનું વિઘન કિસાન સેસથી ગયું. એ પણ ખરું કે ગયા બજેટના ટેક્સ જ આવકવેરામાં ચાલુ રહ્યા. નવા ટેક્સ ન નાખ્યા તે માટે થેંક્સ, પણ માઇબાપ, આ અઢી લાખનો સ્લેબ આ સરકારમાં કે મારા આ જનમારામાં બદલાય એમ જ નથી? એ ખરું કે આ વખતે કોરોના હતો, પણ એના આગલા વર્ષે ને એના આગલા ને એના પણ આગલા વર્ષે તો કોરોના ન હતો ને? યે તો આગુસે ચલી આ રહી હૈ, ઉસ કા કુછ કરો, પ્લીઝ ! મોંઘવારી અઢી ગણી વધી હોય ને ઇન્કમટેક્સનો સ્લેબ અઢી લાખથી આગળ ચસે જ નહીં, એમાં મારા જેવા ડફોળને દાનત ખોરી હોવાનું દેખાય તો માફ કરી દેવાનો, બીજું શું?

બાય ગોડ, આ વખતે સૌથી વધુ આનંદ તો પંચોતેર+(પ્લસ)ને રિટર્ન ફાઇલ ન કરવાનું કહ્યું ત્યારે થયો. આવતું વર્ષ સ્વતંત્રતાનું પણ 75મું છે તો 75+ને રિટર્ન ફાઇલ કરવામાંથી માનભેર મુક્તિ આપવી. વાહ, ક્યા બાત હૈ ! આપણે બાપુ તો ખુશ કે ચાલો, વર્ષો પછી ધ્યાનમાં તો આવ્યું કે સિનિયર્સની દયા ખાવા જેવી છે ! જો જીવી જાય તો સિનિયર્સને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ ! એની કળ વળે ત્યાં તો એવો ખુલાસો આવ્યો કે જેનું પેન્શન અને વ્યાજ એક જ ખાતામાં છે એને જ એ લાભ મળશે. એટલે કે એક્ચ્યુઅલી શું મળશે? મને અક્કલમઠ્ઠાને તો એવું હતું કે પંચોતેરિયાને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ એટલે કે ટેક્સ ભરવામાંથી મુક્તિ, પણ પછી મગમાંથી પગ નીકળ્યા ત્યારે ખબર પડી કે એવું નથી. વાત એમ હતી કે રિટર્ન ફાઇલમાંથી મુક્તિ એટલે રિટર્ન ન ભરવાનું એટલું જ ! બાકી, ટેક્સ લાગતો હોય તો ટેક્સ કે ટી.ડી.એસ. તો કપાશે જ. એ જે તે બેન્ક કાપશે. એટલે પંચોતેરિયાએ હવે ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં ન જતાં બેન્કનાં પગથિયાં ઘસવાનાં ! આમાં કાંદા શું કાઢ્યાં તે તો નથી ખબર, પણ કન્સલ્ટન્ટની ફી બચે એમ બને. એ પણ બચશે કે બેન્ક તેની ફી ઉમેરશે તે નથી ખબર. ટૂંકમાં, પહેલી ફેબ્રુઆરી, બધાં પંચોતેરિયા માટે પહેલી એપ્રિલ પુરવાર થઈ.

બધા પંચોતેરિયાને હોલસેલમાં એપ્રિલફૂલ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર.

બોલ્યું ચાલ્યું માફ.

— એક સાવ સામાન્ય માણસના જયભારત !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,1782,1792,1802,181...2,1902,2002,210...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved