Opinion Magazine
Number of visits: 9965259
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય પરિષદ સ્વસ્થ અને સુરક્ષિત રહે તે અંગે વિચારાવું જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 December 2020

આજે સાહિત્ય પરિષદની કારોબારીની ચૂંટણીનું પરિણામ છે. નવી કારોબારી ને નવા પ્રમુખ સાહિત્ય પરિષદની સ્વસ્થતા અને સુરક્ષિતતા અંગે નહીં જ વિચારતા હોય એમ માનવાને કારણ નથી, પણ કેટલીક બાબતો તરફ ધ્યાન ખેંચવા અહીં થોડી વાતો કરવાનું સ્વીકાર્યું છે. દર ત્રણ વર્ષે પ્રમુખની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનો ક્રમ હોય છે. એમાં જો પ્રમુખ તરીકે એક જ નામ

આવે તો ચૂંટણી ટળે, પણ મધ્યસ્થની ચૂંટણી ટળતી નથી. એ પછી કારોબારી નક્કી થાય છે. એમાં પણ ચૂંટણી થાય એ સ્થિતિ છેલ્લાં થોડાં વર્ષોમાં તો રહી જ છે. આ તમામ ખર્ચાળ ચૂંટણીઓ લગભગ પાંચેક મહિના ચાલે છે. લાખો મતદાતાઓ હોવા છતાં લોકસભાની ચૂંટણી અનેક શહેરો અને મથકોમાં આટલી લાંબી ચાલતી નથી, પણ માંડ ચારેક હજાર આજીવન સભ્યો હોય ને તેમાં ય મત આપનારાઓ પંદરસો સભ્યો પણ ન હોય ત્યારે પરિષદની ચૂંટણી મહિનાઓ સુધી ચાલે તે વિચિત્ર છે. આ સ્થિતિ બદલાવી જોઈએ. અનેક ટેકનિકલ સગવડો હાથવગી છે ત્યારે ચૂંટણીનો સમયગાળો ઘટવો જોઈએ ને મતદાનની પદ્ધતિ પણ વધુ આધુનિક બને તે અંગે વિચારાવું જોઈએ.

પરિષદનું બંધારણ કેટલાક સુધારાઓ માંગે છે. જેમ કે, દાતાસભ્યો, સંવર્ધક સભ્યો અને સંસ્થાસભ્યોની નવેસરથી વ્યાખ્યાઓ કરવાની જરૂર છે. આગળના સમયમાં ઓછી રકમ આપનારને જુદા જુદા સભ્યપદો ભલે અપાયા હોય, પણ હવે આજના સમય પ્રમાણે રકમ નક્કી કરીને જે તે સભ્યપદ અપાવું જોઈએ, એમાં પણ સૌથી વધુ ધ્યાન સાહિત્યિક સંસ્થાઓનું જોડાણ પરિષદ સાથે વધે એ તરફ જવું જોઈએ. એમ થશે તો પરિષદ વધુ મજબૂત અને સમૃદ્ધ સંસ્થા તરીકે રાજ્યમાં અને દેશવિદેશમાં વિશેષ ઓળખ પામશે.

કારણો ગમે તે હોય, પણ પરિષદ વિશાળ અને વિરાટ રૂપ પામે એ દિશામાં ખાસ પ્રયત્નો થયા નથી. વિશ્વ કક્ષાના સર્જકો ગુજરાતીમાં થયા, પણ પરિષદનો વિસ્તાર સીમિત જ રહ્યો. લેખકો વચ્ચેના અહમ્‌નો ટકરાવ એવો રહ્યો કે સંસ્થા અંગત માલિકીની હોય એવું વલણ પણ બળવત્તર રહ્યું. પરિષદ અમદાવાદમાં સ્થપાઈ, પણ તેનો અમદાવાદની બહાર વિસ્તાર ન થાય એની કાળજી રખાઈ. એ કાળજી પણ રખાઈ કે અધિવેશનો અને જ્ઞાનસત્રો ભલે અમદાવાદની બહાર થાય, પણ 115 વર્ષની પરિષદની એક પણ શાખા અમદાવાદની બહાર ન જ ખૂલે. એમાં સ્થાપિત હિતો ને હેતુઓએ સારો એવો ફાળો આપ્યો છે તેની નોંધ લેવી ઘટે.

બંધારણમાં જ એ પ્રકારની કાળજી રખાઈ છે કે અમદાવાદનો મહિમા ઓછો ન થાય. એ રીતે આ બંધારણ ઉદાર અને વ્યાપક દૃષ્ટિનું પરિણામ નથી. હોદ્દેદારોની વાત કરીએ તો માત્ર વિકાસમંત્રી જ બહારનો હશે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે, બાકી અન્ય કોઈ હોદ્દાઓ માટે બહારની વ્યક્તિ સંદર્ભે બંધારણમાં કશી સ્પષ્ટતા નથી. એનો ગર્ભિત અર્થ એવો પણ થાય કે અન્ય હોદ્દાઓ પર અમદાવાદના જ સભ્યો  હોય તો તે આપત્તિજનક નથી. એ સૂચવે છે કે પરિષદ અમદાવાદની બહાર પણ વિસ્તાર પામે એવી વૃત્તિ બંધારણ ઘડતી વખતે ધ્યાનમાં રહી નથી.

કાર્યવાહક સમિતિમાં બે ઉપપ્રમુખો હશે એવું બંધારણમાં છે. એ બેમાંથી એક ઉપપ્રમુખ બહારના હોય એ અગાઉનાં બંધારણમાં ઈચ્છનીય ગણાયેલું, પણ બંને ઉપપ્રમુખો અમદાવાદના હોય તે માટે એવો સુધારો બંધારણમાં દાખલ કરાયો કે બે ઉપપ્રમુખો પૈકી ઓછામાં ઓછા એક પરિષદસ્થળના (સ્થાનિક એટલે કે અમદાવાદના) હશે. આ ફેરફારથી એક ઉપપ્રમુખ બહારના ઇચ્છનીય હતા એના પર ચોકડી મારવા જેવું થયું. ઓછામાં ઓછા એક અમદાવાદના હોય તે સાથે જ વધારેમાં વધારે બંને ઉપપ્રમુખો અમદાવાદનાં પણ હોય તો તે વાંધાજનક નથી એવો અર્થ પણ એ સુધારામાં અભિપ્રેત છે. આ ફેરફાર શુદ્ધબુદ્ધિથી કરવામાં આવ્યો હોય એવું લાગતું નથી. બે ઉપપ્રમુખો જરૂરી બન્યા હોય તો તે બંને અમદાવાદના જ હોય એવી ગણતરી તો બંધારણ ઘડનારાઓની ન જ હોય. બે ઉપપ્રમુખો રાખવાનો ઉદ્દેશ તો એ જ હોય કે જેમ એક ઉપપ્રમુખ સ્થાનિક હોય તેમ જ એક અમદાવાદની બહારના પણ હોય.

એમાં પણ જ્યારે વાત ચૂંટણીની આવે ત્યારે કોઈ પણ પદ પર જે સૌથી વધુ મત મેળવે તે જીતે એ સ્પષ્ટ છે, પણ ઉપપ્રમુખની ચૂંટણીને એ વાત લાગુ પડતી નથી. જો ઉપપ્રમુખપદ માટે બેથી વધુ સભ્યો ઉમેદવારી કરે તો ચૂંટણી થાય ને એમાં જો બંને સ્થાનિક વધુ મત મેળવે તો બે ઉપપ્રમુખો અમદાવાદના જ થાય. એ જ રીતે બંને બહારના ઉમેદવારો વધુ મત મેળવે તો બંને ઉપપ્રમુખો બહારના થવા જોઈએ, પણ એવું નથી. અહીં ઓછામાં ઓછો એક ઉપપ્રમુખ તો સ્થાનિક હોય એ વાત આગળ કરાય છે ને હારેલો હોય તો પણ સ્થાનિક ઉમેદવાર ઉપપ્રમુખ થાય એવી મૌખિક સ્પષ્ટતા ચૂંટણી અધિકારીશ્રીએ કરી છે. કોઈ પણ ચૂંટણીમાં હારેલો ઉમેદવાર વિજેતા થતો નથી, એમાં પરિષદની ઉપપ્રમુખની ચૂંટણી અપવાદ છે. એ લોકશાહી પદ્ધતિની વિરુદ્ધ છે. આ ઠીક નથી. જો આ ઠીક હોય તો જે બહારનાને ઓછા મત મળે છે તે ઉમેદવારને પણ એક ઉપપ્રમુખપદ સોંપાવું જોઈએ. ઓછા મતે જો સ્થાનિક ઉમેદવાર ઉપપ્રમુખ થાય તો ઓછા મતે બહારનો ઉમેદવાર પણ ઉપપ્રમુખ થવો જ જોઈએ. અહીં બેવડી નીતિ છે તે યોગ્ય નથી. આ મતલબી અર્થઘટન છે ને ચૂંટણી અધિકારીશ્રીએ એનો ભાગ ને ભોગ ન બનવું જોઈએ. સાદો તર્ક તો એ જ હોય કે ઓછા મતે એક સ્થાનિક ઉમેદવાર ઉપપ્રમુખ થતો હોય તો ઓછા મતે એક બહારનો ઉમેદવાર પણ ઉપપ્રમુખ થાય. કોઈ પણ નીતિ કે ધોરણ પક્ષપાતી ન હોઈ શકે. જો કોઈ એક વાત ઠરાવાય તો તે સ્થાનિક કે બહારના ઉમેદવારને સરખી રીતે લાગુ પડવી જોઈએ. વધારે મતે બે સ્થાનિકો જીતી શકે તો બહારના પણ જીતી જ શકે. જો એ યોગ્ય ન હોય ને ઓછા મતે એક સ્થાનિક જીતી શકે તો ઓછા મતે એક બહારનો પણ જીતે એ જ સંતુલિત અને પ્રમાણિક અર્થઘટન ગણાય.

કાર્યવાહક સમિતિની ચૂંટણીનાં પરિણામ પહેલાં જ ચૂંટણી અધિકારીશ્રી ચોક્કસ નીતિ નક્કી કરીને ન્યાયી વલણ અપનાવે તેવી સહેજે અપેક્ષા રહે.

અહીં અમદાવાદને અવગણવાની વાત નથી, પણ પરિષદના સભ્યો માત્ર અમદાવાદના નથી. તે જો ગુજરાત ને દેશવિદેશના હોય તો પરિષદ માત્ર અમદાવાદની સંસ્થા ન રહેતાં કમસેકમ ગુજરાતની સંસ્થા તો ગણાય જ. બલકે, અત્યારે તો ગુજરાત વ્યાપી તે એકમાત્ર લોકતાંત્રિક સંસ્થા છે એટલે તેની નીતિરીતિ કે બંધારણ માત્ર અમદાવાદને કેન્દ્રમાં રાખીને નહીં, પણ ગુજરાતને ધ્યાનમાં રાખીને ઘડાય તે જરૂરી છે. એ અત્યંત દુખદ છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા હોવા છતાં 115 વર્ષની આ સંસ્થાના છ હજાર પણ આજીવન સભ્યો નથી. આમ થવા પાછળ પરિષદ, અમદાવાદની બહાર બહુ વિકસી ન જાય એવી માનસિકતા કામ કરી ગઈ હોય એમ બને. આ સ્થિતિ બદલાવી જોઈએ. નવી કારોબારી અને મધ્યસ્થ સમિતિની એ નૈતિક જવાબદારી બનવી જોઈએ કે એના કાર્યકાળ દરમિયાન વધુને વધુ આજીવન સભ્યો આ સમિતિઓ અને હોદ્દેદારો દ્વારા બને. અત્યારે સભ્યો બનાવવાની જે પ્રક્રિયા છે તે સહજ અને સરળ બનવી જોઈએ. કોઈ પણ પુખ્ત વયનો સાહિત્યરસિક કે સર્જક, નિવાસનો પુરાવો, જરૂરી ફી સાથે આપીને સભ્ય થઈ શકે એવી સરળ વ્યવસ્થા વિચારાવી જોઈએ.

આ એટલા માટે પણ જરૂરી છે કે પરિષદ આર્થિક રીતે સમૃદ્ધ રહે. અત્યારની પરિષદની આર્થિક સ્થિતિ સુધરે તે અપેક્ષિત છે. આવકનાં સાધનો ટાંચા છે. છેલ્લા થોડા મહિનાઓથી ભાડાની આવક નહિવત છે. એની સાથે તેનો પગાર અને નિભાવખર્ચ તો ઊભો જ છે. આ સ્થિતિમાં ભલભલી સંસ્થાઓ નબળી પડી શકે. એમાં પરિષદ પણ બાકાત ન હોય. કેટલીક સહાય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળતી હતી, તે અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ઊભો થતાં બંધ પડી છે. આ બધાંમાં પરિષદનાં ઇતિહાસનાં ને અન્ય પ્રકાશનનાં કામો અટકી પડ્યાં છે. આ સ્થિતિ લાંબો સમય રહે તો પરિષદના અસ્તિત્વના પ્રશ્નો ઊભા થઈ શકે. આ સંજોગોમાં વધુને વધુ સભ્યો થાય, દાતાઓ પાસેથી દાન મેળવાય અને આવકની વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારાય તે અત્યંત જરૂરી બને છે. આમાં ભાષાની સંસ્થાઓ, ભાષાના વિદ્યાર્થીઓ ને અધ્યાપકોને મોટી સંખ્યામાં સભ્યો તરીકે જોડી શકાય તો પણ પરિષદને સારો એવો ટેકો થઈ શકે.

અહીં કેટલીક વાતો કેવળ પરિષદનું હિત વિચારીને કરી છે. કોઈને અહીં ઓછા આંકવાનો ઇરાદો નથી. મુખ્ય હેતુ તો હાલના સંજોગોમાં આવનારી સમિતિઓ પરિષદના આંતરિક અને બાહ્ય વિકાસ માટે સક્રિય બને તે અંગે ધ્યાન ખેંચવાનો છે.આશા છે એને એ રીતે જ જોવાશે. અસ્તુ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 07 ડિસેમ્બર 2020   

Loading

વાઇસરોય માઉન્ટબેટનના હત્યાનું વિસરાયેલું પ્રકરણ

કિરણ કાપૂરે|Opinion - Opinion|7 December 2020

ભારતના અંતિમ વાઇસરોયના પદે રહેલા માઉન્ટબેટનનું નામ હાલ ચર્ચામાં છે અને તેનું કારણ છે નેટફ્લિક્સ પર રજૂ થયેલી ‘ધ ક્રાઉન’ નામની સિરીઝ. આ સિરીઝ યુનાઇટેડ કિંગ્ડમના વર્તમાન ક્વિન એલિઝાબેથ બીજાનાં જીવન પર આધારિત છે. તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી આ પદે છે અને તેમના આ કાળમાં રાજવી પરિવારની કેટલીક ઘટનાઓ અંગે રહસ્ય રહ્યું છે. આ રહસ્યને ઉજાગર કરતી આ સિરીઝની પ્રથમ સિઝન 2016માં રજૂ થઈ હતી, હાલમાં તેની ચોથી સિઝન રિલીઝ થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝને નિર્માણ કરવાનું સાહસ જાણીતા પ્રોડ્યુસર-રાઇટર પિટર મોર્ગન લીધું છે અને તે માટે આધાર 2006માં રજૂ થયેલી ‘ધ ક્વિન’ ફિલ્મમાંથી લીધો છે. આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ હતા. ‘ધ ક્રાઉન’ના ચાર સિઝનમાં 40 એપિસોડ રજૂ થઈ ચૂક્યા છે અને તેમાં એક હિસ્સો લોર્ડ માઉન્ટબેટનની હત્યા અંગેનો છે. લૂઇ માઉન્ટબેટનનું નામ ભારતના આઝાદીકાળના ઇતિહાસમાં અવારનવાર આવે છે. આઝાદી વખતે તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. અતિ ઘટનાપ્રચૂર આ સમયગાળામાં લૂઇ માઉન્ટબેટનની જે રીતે ઉપસ્થિતિ રહી છે, તે કારણે ભારતના વાઇસરોય તરીકે આપણી સ્મૃતિમાં એ છે. જો કે ભારત સિવાય માઉન્ટબેટનનાં જીવનની ભાગ્યે જ ચર્ચા થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝ દ્વારા હાલમાં માઉન્ટબેટનના હત્યા વિશે પ્રશ્નો થઈ રહ્યા છે. માઉન્ટબેટનનું જીવન અને તેમની સાથે સંકળાયેલા વિવાદોની યાદી લાંબી છે. ઉપરાંત, તેમની હત્યાને લઈને પણ તર્કવિતર્ક છે.

આઝાદી બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે વિદાય લીધા બાદ તેમની હત્યા થઈ ત્યાં સુધી તેઓ ‘મેમ્બર ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ્સ’ રહ્યા હતા. ‘ધ હાઉસ ઓફ લોર્ડ્સ’ની સરખામણી આપણે ત્યાંની રાજ્યસભ્ય સાથે થઈ શકે. આ તો તેમને મળેલું ઓનરરી પદ હતું, પણ તે સિવાય તેમણે સૈન્ય પદાધિકારી તરીકે અનેક જવાબદારી નિભાવી. ભારતની આઝાદી બાદ તેઓને જે પ્રથમવાર અગત્યનું પોસ્ટિંગ મળ્યું તે ‘મેડેટિરિયન ફ્લિટમાં સેકન્ડ ઇન કમાન્ડ’ તરીકેનું. આ પદ બ્રિટિશ નૌસેનાનું અતિ મહત્ત્વનું પદ ગણાય છે અને ત્યાર બાદ 1956માં તેઓ નૌસેનામાં સૌથી ઉચ્ચ પદ ‘એડમિરલ ઓફ ધ ફ્લિટ’ પર બિરાજ્યા. પછીના ગાળામાં તેમણે જે પદ પર સેવા આપી છે તેની યાદી લાંબી છે. ઢળતી ઉંમરે જે ભૂમિકા માઉન્ટબેટને ભજવી, તે વર્તમાન પ્રિન્સ ફિલિપ અને ક્વિન એલિઝાબેથના સૌથી મોટા દીકરા પ્રિન્સ ચાર્લ્સના માર્ગદર્શક તરીકેની. આ લાંબી કારકિર્દીમાં માઉન્ટબેટનને ઇગ્લંડ સરકાર વતી કટોકટી વેળાએ અનેક નિર્ણય લેવાના થયા, પણ તેમાં સૌથી પડકારભર્યો કાળ ભારતની આઝાદીની બાગડોર સંભાળવાની હતી. તેમની આ ભૂમિકાની જેટલી ચર્ચા થાય છે તેટલી જ ચર્ચા યુરોપના દેશોમાં તેમના હત્યા અંગે થાય છે.

માઉન્ટબેટનનું જીવન જાણવા અર્થે કેટલીક આપણને અપ્રસ્તુત લાગે તેવી વિગતોમાં પ્રવેશવું પડે. જેમ કે, તેમની હત્યાનું પ્રકરણમાં પ્રવેશતા અગાઉ બ્રિટિશ-આયરલેન્ડ સંબંધોને તપાસવા રહ્યા. ભારતની જેમ અંગ્રેજોએ પોતાની આસપાસ જે ક્ષેત્રો પર કબજો જમાવ્યો હતો તેમાં એક આયરલેન્ડ પણ હતું. અંગ્રેજોથી આઝાદી મેળવવાનો આઇરીશ પ્રજાનો લાંબો ઇતિહાસ છે, પણ તેનો અંતિમ અધ્યાય લખાયો ઓગણીસમી સદીના આરંભમાં. આ સમયગાળામાં આઇરીશ પ્રજા દ્વારા એક સેના ગઠિત થઈ અને તે ‘આઇરીશ રિપબ્લિકન આર્મી’ તરીકે ઓળખાતી હતી. આ આર્મીએ બ્રિટીશ સેના સામે ત્રણ વર્ષ સુધી ગેરીલા યુદ્ધ લડ્યું. અને 1921માં જ્યાં સુધી એંગ્લો-આઇરીશ સંધિ ન થઈ ત્યાં સુધી આ ગેરીલા યુદ્ધ ચાલતું રહ્યું. એક સમય આવ્યો, જ્યારે આઇરલેન્ડ પૂર્ણ રીતે ઇંગ્લંડથી સ્વતંત્ર થઈ ગયું, જો કે તેનો ઉત્તરનો ભાગ પર ઇંગ્લંડના શાસન હેઠળ રહ્યો. આઇરલેન્ડના એક મોટા હિસ્સાને સ્વતંત્રતમાં મળ્યા છતાં ભૂતકાળમાં આ બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધોથી સંબંધમાં આવેલી ખટાશ દૂર થઈ નહોતી અને વિશેષ કરીને આઇરીશ રાષ્ટ્રવાદી જૂથો તેનો બદલો હજી પણ લેવા માંગતા હતા. રાષ્ટ્રવાદી આ જૂથની બ્રિટિશર્સ વિરુદ્ધ સમયાંતરે હિંસક પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ જ કારણે તેઓએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સાથે રહીને બ્રિટન સામે રહ્યા હતા. આ રીતે ઉત્તરના ભાગને મુક્ત કરવાની જે લડાઈ હતી તેમાં આઇરીશ આર્મીએ સિમ્બોલિક ટારગેટ તરીકે માઉન્ટબેટન પર નિશાન સાધ્યું હતું.

માઉન્ટબેટન પર આ હૂમલો થયો તે વખતે તેમની ઉંમર 79 હતી અને તેઓ આઇરલેન્ડના જ મુલઘામોર નામના એક ગામમાં પરિવાર સાથે પ્રવાસે હતા. ઢળતી ઉંમર છતાં માઉન્ટબેટને રાજવી પરિવાર પર દબદબો રહ્યો હતો અને તે એક સન્માનીય વ્યક્તિ ગણાતા હતા. આ ઉપરાંત, તેઓ પ્રિન્સ ચાર્લ્સના માર્ગદર્શક બની ચૂક્યા હતા. જો કે આવાં અગત્યના પદ અને રાજાના કરીબી હોવા છતાં તેઓને ટારગેટ કરવું સરળ હતું અને એટલે જ આઇરીશ આર્મીએ તેમને નિશાને લીધા. એવું નથી કે તેમને આ જોખમનો અણસાર નહોતો. તેમને અનેકવાર આઇરીશ આર્મી દ્વારા ધમકી મળી ચૂકી હતી અને તેમ છતાં તેમણે પૂરતી સુરક્ષા ન લીધી. એક વખત તો તેમણે કહ્યું પણ હતું કે, “કોણ વળી આ વૃદ્ધને મારવા તત્પર હશે?”  જો કે તેમણે વિચાર્યું તેમ ન થયું અને તેમના પર હૂમલો થયો. કમનસીબી એ હતી કે તેમની સાથે પરિવાર પ્રવાસમાં સામેલ હતો અને તેમાં પરિવારનાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં.

ઉચ્ચ હોદ્દા પર રહેલી કોઈ વ્યક્તિની આમ હત્યા થઈ તેવાં જૂજ નામોમાં એક માઉન્ટબેટન પણ છે. માઉન્ટબેટનની હત્યા બાદ જ ઉત્તરીય આઇરલેન્ડના સંઘર્ષના અંતની શરૂઆત થઈ. ‘ધ ટ્રબલ્સ’ નામથી ઓળખાતો આ સંઘર્ષનો અંત 1998માં આવ્યો જ્યારે બ્રિટિશ અને આઇરીશ સરકાર વચ્ચે સંધિ થઈ. આ સંધિ હેઠળ જેમણે માઉન્ટબેટનની હત્યા માટે જેણે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો તેને પણ છોડવામાં આવ્યો. આઇરીશ અને અંગ્રેજોનો આ સંઘર્ષ અહીંયા જે રીતે વર્ણવ્યો છે તેટલો સરળ નથી. આ બંને દેશો વચ્ચે ક્ષેત્રો, શાસન અને ધર્મની પણ આંટીઘૂંટી છે, જે અહીંયા વિસ્તૃત રીતે આલેખવી મુશ્કેલ છે. અહીંયા માત્ર માઉન્ટબેટનની હત્યાને સમજવા અર્થે વિગત આપી છે.

માઉન્ટબેટનની હત્યાના સંબંધિત ચર્ચા અંગ્રેજ અને આઇરીશ મીડિયામાં સમયાંતરે થતી રહી છે. પરંતુ અત્યારે ‘ધ ક્રાઉન’ સિરીઝે માઉન્ટબેટનના હત્યાના પ્રકરણને ફરી સપાટી પર લાવ્યું છે. ભારતમાં માઉન્ટબેટનના વિદાય પછીના તેમના જીવનનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે. ઇવન, ભારતમાં પદ સ્વિકારતા અગાઉ બ્રિટિશ સેનામાં તેમનું યોગદાન આપણે ત્યાં વિસરાયેલું છે. માઉન્ટબેટન રાજવી પરિવાર સાથે સંકળાયેલા હોવા છતાં માત્ર સોળ વર્ષની ઉંમરે તેમની સૈન્ય કારકિર્દી આરંભાઈ ચૂકી હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં તેઓનું એક સૈનિક તરીકે પદાર્પણ થઈ ચૂક્યું હતું. આ પછી પણ યુરોપમાં જે આંતરિક સંઘર્ષ ચાલતાં તેમાં યુદ્ધ ક્ષેત્રમાં તેમની નિમણૂંક થતી રહી. તેમના યુદ્ધ ક્ષેત્રના આ લાંબા અનુભવના કારણે જ બીજા વિશ્વયુદ્ધમાં તેઓને કિ પોઝીશન પર મૂકવામાં આવ્યા હતા. યુદ્ધક્ષેત્રના તેમના અનુભવના કારણે જ તેઓ પર્લ હાર્બર પર હૂમલો થયો તેના ત્રણ મહિના અગાઉ ત્યાં વિઝિટ લઈને આવ્યા હતા અને અમેરિકા યુદ્ધની તૈયારી નથી ધરાવતું તેની પણ નોંધ લીધી હતી. આ ઉપરાંત, જાપાન પર્લ હાર્બર પર અચાનક હૂમલો કરશે અને પછી અમેરિકા યુદ્ધમાં સામેલ થશે તેવી પણ અગાઉથી શંકા વ્યક્ત કરી હતી, પછી બન્યું પણ એમ જ. તેમની આ કાબેલિયતના કારણે જ તેઓ બ્રિટનના તત્કાલિન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પ્રિય બની રહ્યા. પછી તો તેઓને એક પછી એક યુદ્ધ ક્ષેત્રની જવાબદારી સાથે બઢતી મળતી રહી. એશિયામાં તેમણે લાંબી સેવા બર્મા ખાતે બજાવી, જ્યારે જાપાનના હૂમલા સામે તેઓ અમેરિકા અને ચીન સાથે મળીને લડી રહ્યા હતા. બર્માનું 1944-45નું આ કેમ્પેઇનમાં તમામ મિત્ર દેશોએ માઉન્ટબેટનનું નેતૃત્વ સ્વિકાર્યું હતું. આ પછી પણ બ્રિટનના વડા પ્રધાન તરીકે આવેલા ક્લેમેન્ટ એટલી માટે પણ માઉન્ટબેટનું સ્થાન વિશેષ રહ્યું. બર્માના યુદ્ધ દરમિયાન માઉન્ટબેટનને એશિયામાં જે અનુભવ અર્જિત કર્યો હતો તે કારણે જ તેમને આઝાદી આપતી વખતે તેમની નિમણૂક કરવામાં આવી.

ભારત સાથે અભિન્ન રીતે જોડાયેલા માઉન્ટબેટનની આ તો આછીપાતળી ઝલક છે. તેમનું પૂરું જીવન સમજવા અર્થે તો તેમના જીવન પર પણ ‘ધ લાસ્ટ વાઇસરોય’ એવી લાંબી સિરીઝ નિર્માણ કરવી રહી.

e.mail : kirankapure@gmail.com

Loading

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી માટે સમય બદલાઈ રહ્યો છે?

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 December 2020

નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશનના એક સ્ટેશનને હાલમાં 'પ્રાઇડ સ્ટેશન' એવું નામ આપવામાં આવ્યું. આ સ્ટેશન ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને સમર્પિત કરવામાં આવ્યું છે. સામાન્ય વ્યવહારમાં ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને સન્માન આપવાનું બનતું નથી અને સમાજમાં તેઓનું સ્થાન નિશ્ચિત પ્રથાઓ સાથે જોડાવી દેવામાં આવ્યું છે, તે સિવાયની ભૂમિકામાં તેઓને કોઈ જોવા ઇચ્છતું નથી. પણ નોઇડા મેટ્રો ઓથોરિટીએ ટ્રાન્સજેન્ડરના અધિકારોને અન્ય લોકોની જેમ સન્માન આપવા અર્થે ‘પ્રાઇડ સ્ટેશન’ નામ રાખ્યું છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિ ગત્ વર્ષે કેન્દ્ર દ્વારા પસાર થયેલાં બિલમાંથી તૈયાર થઈ છે, જેમાં ટ્રાન્સજેન્ડરના અધિકારોને સુરક્ષા આપવામાં આવી છે. ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ) એક્ટ, 2019’ અંતર્ગત દેશના અંદાજે પાંચ લાખ ટ્રાન્સજેન્ડરને લાભ થશે. આ પહેલમાં મેટ્રોની ઓથોરિટીએ માત્ર નામ આપીને સન્માન દાખવવા સુધી જ પોતાના કાર્યને રાખ્યું નથી, બલકે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીના છ વ્યક્તિઓને રોજગારી પણ આપી છે.

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી અત્યાર સુધી મુખ્ય ધારાથી અલગધલગ રહી છે; પરંતુ હાલમાં જે રીતે વિવિધ જગ્યાએથી ન્યૂઝ આવી રહ્યા છે તેમાં મુખ્યધારામાં ટ્રાન્સજેન્ડરનો સમ્મિલિત કરવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. જેમ કે, હાલમાં એક જાહેરાત એવી થઈ છે કે દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓનલાઈન મેગેઝિન લોન્ચ થવા જઈ રહ્યું છે. આ મેગેઝિનનું કાર્ય તમિલનાડુથી થશે અને તમિલ અને અંગ્રેજી એમ બે ભાષામાં તે લોન્ચ થશે. આગળ જતાં મેગેઝિનને હિંદી ભાષામાં પણ પ્રકાશિત થશે. ટ્રાન્સજેન્ડર મેગેઝિન પ્રકાશિત કરવાનો ટ્રેન્ડ યુરોપ-અમેરિકાના દેશોમાં છે, પણ ભારતમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમવાર થઈ રહ્યો છે. જો કે આ સહાસ હજુ થોડાંક વ્યક્તિઓ પૂરતું સિમિત છે. ગત્ એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને લગતાં આવાં અનેક ન્યૂઝ સાંભળવા મળ્યા, જે તેમનાં જીવનને સામાન્ય બનાવી શકે. આ ઉપરાંત, જે અગત્યનો નિર્ણય ટ્રાન્સજેન્ડર કાયદા અંતર્ગત થયો છે તે જેન્ડર દર્શાવતા અગાઉ મેડિકલ તપાસમાંથી મુક્તિ છે. અત્યાર સુધી ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને જ્યાં-ત્યાં જેન્ડર દર્શાવવા અર્થે મેડિકલ તપાસની લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડતું હતું.

ટ્રાન્સજેન્ડર પ્રત્યે જેમ સરકારનું વલણ બદલાઈ રહ્યું છે તેમ ક્યાંક-ક્યાંક તેઓ પોતાના જોરે કાર્ય કરીને સમાજ સાથે હળીમળી રહ્યા છે. હળવામળવાનું આવું એક ઉદાહરણ તમિલનાડુનું છે. અહીંયા આવેલા એક ડેરી ફાર્મ માત્ર ટ્રાન્સજેન્ડર દ્વારા કાર્યરત છે. આ ડેરીને નિર્માણ કરવામાં રાજ્ય સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દોઢ એકરના ફાર્મમાં રાખવામાં આવેલી ગાય-ભેંસનું પ્રતિ દિવસનું 180 લીટર દૂધ પ્રોડક્શન છે. આ ડેરીથી અંદાજે 30 ટ્રાન્સ-વુમનને કામ મળ્યું છે અને તેઓ પોતાનું ગુજરાન આત્મસન્માન સાથે કરી રહ્યાં છે. આ તો થઈ આત્મસન્માન સાથે જીવવાની વાત, પણ જ્યાં સાહસ દાખવીને કશુંક એડવન્ચરસ કરવાનું હોય ત્યાં પણ ટ્રાન્સજેન્ડર બાજી મારી રહ્યાં છે. જેમ કે, ગત્ મહિને જ દેશના અલગ અલગ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી 25 વ્યક્તિઓની ટૂકડી હિમાલયની 17,353 મીટર ઊંચાઈની ફ્રેન્ડશીપ પીક પર પહોંચી હતી. વિવિધ રાજ્યોમાંથી આ રીતે ટ્રાન્સજેન્ડરને હિમાલય સર કરવા માટે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના ફાઉન્ડેશનને ભાગ ભજવ્યો હતો. આ પહેલના પરિણામે આજે પચીસ જેટલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ હિમાલયના ટોચ પર જઈ આવી છે.

ઇવન, યુ.પી.એસ.સી. પરીક્ષામાં ઉતીર્ણ થઈને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સમાં ઓફિસર્સ લેવલ સુધી રિક્રૂટ થઈ શકશે. જો કે હજુ આ મુદ્દો ચર્ચામાં છે, તેના પર તમામ પેરામિલિટરી ફોર્સ મંજૂરી દાખવે પછી જ તેની પ્રક્રિયા શરૂ થશે. હાલમાં વિશ્વમાં 19 દેશો સૈન્યમાં ટ્રાન્સજેન્ડરને રિક્રૂટ કરે છે. આ પહેલ કરવામાં નેધરલેન્ડ સૌ પ્રથમ હતું અને 1974થી ત્યાં ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડરની રિક્રૂટમેન્ટ થવા માંડી હતી. નેધરલેન્ડ સિવાય યુરોપના મહદંશે દેશો, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇઝરાયલ ટ્રાન્સજેન્ડરને સૈન્યમાં પોઝીશન આપે છે. ટ્રાન્સજેન્ડર પ્રત્યે આવી રહેલા બદલાવને સહજતાથી ક્યારે લેવાશે તે સવાલ હજુ પણ મોજૂદ છે; એટલે જ પેરામિલિટરી ફોર્સમાં તેને લઈને ચર્ચાનો અવકાશ રાખવામાં આવ્યો છે.

જો કે આપબળે જેટલું થઈ શકે તેની પહેલ ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી દ્વારા થઈ રહી છે અને તેમાં એક અલાયદી ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી સ્થાપવાની યોજના છે. ટ્રાન્સજેન્ડરની આ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં આરંભવાની છે. અહીંયા પીએચ.ડી. સુધી અભ્યાસ થઈ શકશે. જાગૃતિથી મળેલી સ્વીકૃતિમાં પૂર્ણ ચિત્ર બદલાયું નથી, તેમ છતાં ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનાથી એટલું તો સાબિત થઈ રહ્યું છે કે દરેક ક્ષેત્રમાં પ્રયાસ થઈ રહ્યા છે.

ટ્રાન્સજેન્ડરની સ્વીકૃતિમાં માધ્યમોની ભૂમિકા અગત્યની બની છે અને તેમની અભિવ્યક્તિ લોકો સુધી પહોંચવાથી સ્વીકૃતિ ઝડપભેર આવી રહી છે. જેમ કે, થોડા વખત પહેલાં અમેરિકાના જાણીતા મેગેઝિન ‘વેનિટી ફેર’ના કવર પેજ પર એક સુંદર યુવતીની તસવીર પ્રકાશિત કરવામાં આવી હતી. ‘કૉલ મી કૅટલિન’ના મથાળા સાથે પ્રકાશિત થયેલી આ યુવતીના તસવીરે પૂરા અમેરિકામાં ચર્ચા જગાવી હતી. આ સાથે તેણે પોતાનું ટ્વિટર અકાઉન્ટ પણ શરૂ કર્યું હતું, જેમાં માત્ર ચાર કલાકમાં દસ લાખ લોકો તેના ફેન બન્યા હતા. તે અગાઉ આટલા ઝડપથી ફેન ફોલોવિંગ વધવાનો રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો. આમ પ્રતિષ્ઠિત મેગેઝિનના કવર પેજ પર ચમકવું અને તેની અસરથી સોશિયલ મીડિયા પર ફેનની વધામણી થવી સામાન્ય બાબત છે, પરંતુ ‘કવર લેડી’ના ભૂતકાળ વિશે જાણીએ તો ઉપર દર્શાવેલી પૂરી ઘટના ‘અસામાન્ય’ લાગવા માંડશે.

અસામાન્ય એ અર્થમાં કે કૅટલિનના નામથી પોતાને સંબોધી રહેલી આ લેડી ખરેખર અમેરિકાના પુરુષ વર્ગમાં ઑલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકેલો બ્રુસ જેનેર હતી. 1976માં કેનેડામાં રમાયેલા ઑલિમ્પિકમાં બ્રુસ જેનેર અમેરિકા વતી ટ્રેક અને ફિલ્ડની રમતમાં અદ્વિતિય પર્ફોમન્સ આપ્યું હતું. કૉલ્ડ વોરના કાળમાં બ્રુસ જેનેરે રશિયન એથ્લેટેસને હરાવીને ગૉલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. આ સફળતા બાદ તે અમેરિકાનો હીરો બન્યો અને ‘વલ્ડર્સ ગ્રેટેસ્ટ એથ્લેટ’નું પણ સન્માન મેળવ્યું હતું. એથ્લેટિક તરીકેની સફળ કારકિર્દી બાદ બ્રુસ ટેલિવિઝનમાં પોતાનું નામ ગજવી ચૂક્યો છે. બિઝનેસમાં પણ તે સફળ છે અને હવે તે બ્રુસની જગ્યાએ કેટલિન બની ચૂકી છે.

અમેરિકાની જેમ સ્વીકૃતિનો દાખલો પશ્ચિમ બંગાળમાં પણ છે, જ્યાં એક કૉલેજમાં મનોબી બંદોપાદ્યાય નામની ટ્રાન્સજેન્ડર કૉલેજની પ્રિન્સિપલ બની છે. મનોબી બંદોપાદ્યાય ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રિન્સિપલ છે. મનોબીની ‘સોમનાથથી મનોબી’ સુધીની સફર મુશ્કેલ રહી હતી, બધા જ ટ્રાન્સજેન્ડરની જેમ મનોબીને પણ રોજબરોજની પીડામાંથી પસાર થવું પડ્યું હતું. પુરુષ જાતિમાં જન્મેલી મનોબી જ્યાં સુધી સોમનાથ નામની ઓળખ ધરાવતી હતી, ત્યાં સુધી તેનો માનસિક સંઘર્ષ પાર વિનાનો હતો. વળી પાછું સ્ત્રીત્ત્વની લાગણી ધરાવતી મનોબી જ્યારે જાહેરમાં આવતી ત્યારે તેનો સંઘર્ષ બેવડાતો હતો. પણ 2003માં મનોબીએ નક્કી કર્યું કે હવે તે પૂર્ણપણે સ્ત્રી બનશે અને સ્ત્રી બનીને જ જીવશે.

કૅટલિન કે મનોબીની ઓળખ મળવાથી બ્રુસ જેનેર અને સોમનાથનો સંઘર્ષ અંદરનો સંઘર્ષ પૂર્ણત: મટી ચૂક્યો હતો, પણ બહારી સંઘર્ષ જસનો તસ છે. ટ્રાન્સજેન્ડરના વલણ તરફ પરિવર્તનની હવા દેખાતી હોવા છતાં તેમાં ધીમી ગતિએ પ્રગતિ થઈ રહી છે. ઉપરાંત, કેટલીક લડત હજુ લડવાની બાકી છે. જેમ કે, 2019ના બિલ અંતર્ગત એવી જોગવાઈ છે કે જેન્ડરનું પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા સ્તરની એક કમિટિની રચના કરવામાં આવે. પરંતુ કાયદાની આ જોગવાઈ સુપ્રિમ કોર્ટે 2014માં આપેલા ચૂકાદાની વિરુદ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સજેન્ડર પોતાની ઓળખ આપવાનો અધિકાર ધરાવે છે અને તેમાં શંકાનો કોઈ અવકાશ નથી.

આ બદલાવની હવા અત્યારે તો જ્યાં પ્રસિદ્ધિ છે ત્યાં જ જોવા મળી રહી છે, પણ જ્યાં પ્રસિદ્ધિ-સફળતા નથી ત્યાં પણ ટ્રાન્સજેન્ડર સાથે સામાન્ય વ્યવહાર જોવા મળે તો જ આ બદલાવને ખરા અર્થમાં ઊજવી શકાય.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,1802,1812,1822,183...2,1902,2002,210...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved