Opinion Magazine
Number of visits: 9964785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વંટોળિયો’

એ.ટી. સિંધી|Opinion - Literature|16 December 2020

વાર્તાકાર, ગઝલકાર અઝીઝ ટંકારવીની પ્રથમ નવલકથા ’વંટોળિયો’ હાથમાં આવતા મનમાં ગડમથલ શરૂ થઈ ! પહેલો પ્રશ્ન એ થયો કે આ સર્જક જેઓ પૂર્ણકાલીન સંપાદક, પત્રકાર અને વળી મુસ્લિમ સમાજમાંથી આવતા જાણીતા કર્મશીલ. તો એમને દલિત-સમુદાયને તાકીને નવલકથા રચવાનું શેં સુઝ્યું !? આવું કંઈક વિચારતો હતો ત્યાં વળી સર્જકને કંઈ પરિસ્થિતિઓ અવ-નવું સૂઝાડે છે? ને કલમ ઉપાડવા તેને વિવશ કોણ કરે છે? એવા યુગ જૂના સવાલો પણ મનમાં ઊભર્યા …

ત્યારે યાદ આવ્યો એક અનુભવ. ચોક્કસ વર્ષ તો યાદ નથી, પણ અંદાજે ૧૯૭૯-૮૦ની આસપાસનો ગાળો. ઇન્દિરાઇ કટોકટી પશ્ચાત્‌ એ વરસોમાં હું બી.એ. થવામાં. ’સૉક્રેટિસ’ નવલકથા વાંચીને મનમાં પ્રશ્નો થયા જ કરે … ને યોગાનુયોગ ! મનુભાઈ પંચોળી ’દર્શક’ અમારા પાલનપુર નગરમાં દર વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળાના ભાગરૂપે આચાર્ય યશવંત શુક્લની અધ્યક્ષતામાં વ્યાખ્યાન માટે આવ્યા. વ્યાખ્યાનનો વિષય તો આજે યાદ નથી આવતો, પણ પ્રશ્નોત્તરી દરમિયાન મેં દર્શકદાદાને સટીક પૂછી જ લીધું, “આપે આ-સૉક્રેટિસ – કથા શા માટે લખી?”

જેઓ દર્શકદાદાના મિજાજથી પરિચિત હશે અને જેમણે એમને જોયા-સાંભળ્યા હશે, તેઓ તો જાણતા જ હશે કે તેઓ કેવું રોકડું, સોંસરું ને ક્યારેક ઝાટકીને પણ બોલી નાખતા ! ભર સભામાં મને કહે, ’લે ભાઈ હું લખું છું ને લખવું હતું તેથી લખી નાખ્યું બીજુ તો શું!’…. તાત્પર્ય કે પોતે સર્જક છે તેથી લખે જને ! ….. એમના એ શબ્દો જે આગવી લઢણથી (અને નિખાલસતાથી પણ) પડઘાયા કે હૉલમાં સૌ હસવું ખાળી ન શક્યા. હું કંઈક છોભીલો ને નિરાશ થયો છું તેવું પામી જઈને દર્શકદાદાએ પલટવારમાં સર્જક માટે સર્જનકર્મની આવશ્યકતા, સંજોગો-વાતાવરણ વગેરે વિશે શ્રોતાઓને (ખાસ તો મને) ’સૉક્રેટિસ’ના સંદર્ભથી લંબાણથી સમજાવી જાણ્યું. આપણે ન્યાલ થઈ ગયા! ! કારણ કે મારો આશય તો દર્શક પાસેથી ’ગ્રીસ’ કરતાં ય વધુ તો ’ભારત’ના તત્કાલીન રાજકીય વાતાવરણની સમીક્ષા સાંભળવાનો હતો.

નવલકથા ’વંટોળિયો’ ઉઘાડતાં જ પ્રારંભમાં નિવેદન રૂપે મૂકેલ આ લખાણના શીર્ષક પર નજર પડી : ’પીડાનો એક્સ-રે !’ બહુ જ સાદગીથી લેખકે નિવેદનમાં પોતાની કેફિયત સ્પષ્ટ કરી છે : “મેં સૌથી વધુ પીડિત-કચડાયેલા દલિતવર્ગને દબાયેલા રાખવાની પીડાને આ નવલકથા દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે .. એક્સ-રે રજૂ કરવામાં સહેજે દિલચોરી કરી નથી.”(પૃષ્ઠ :૦૫) વળી, આગળ કથા વાંચતાં-વાંચતાં સતત એવું લાગ્યા કર્યું કે ગઝલકાર-વાર્તાકારે એમની પ્રથમ નવલકથા ’વંટોળિયો’નાં ૨૪ પ્રકરણોમાં દલિત સમાજની પીડાને ગઝલના શેરોની જેમ ચુસ્તપણે,પણ જરા હટકે ’અંદાઝેબયાં’થી ઉઘાડી આપી છે.

આમ તો દલિતપીડા-વ્યથા કહેતાં કેટલું બધું આપણી સન્મુખ પથરાઈ આવે. વૈદિક, પુરાણ, મહાકાવ્ય, મધ્ય-ભક્તિ યુગ, એમ કહો કે પ્રાચીનકાળથી … અર્વાચીનકાળ સુધી શુદ્રો લખો કે શેડ્યુલકાસ્ટ કે ટ્રાઇબની યાદીઓ વાંચો. આશ્ચર્ય એ જ કે ’ભારત મેં જાતિ મરને કે બાદ ભી નહીં જાતી !’ સાહિત્યમાં બહિષ્કૃતના આલેખનની નવાઈ નથી.! વિશ્વસાહિત્યની કરુણરસપ્રધાન અનેક કૃતિઓ અને એના સર્જકોથી સહૃદયો પરિચિત છે … છેડો તો ટૉલ્સ્ટૉય, વિક્ટર હ્યુગો, ટાગોર, પ્રેમચંદના ઇતિહાસથી ય આગળ આપણને દોરી જાય. નજીકમાં જુઓ તો ભારતીય સાહિત્યમાં વિવિધ ભાષાઓમાં દલિત પીડાના નિરૂપણની કૃતિઓ મળી જ આવે છે. ગુજરાતીમાં ખરા અર્થમાં ગાંધીયુગના સાહિત્યમાં વિષયવસ્તુ તરીકે દલિત જીવનને આલેખવાની શરૂઆત બિનદલિત લેખકો દ્વારા થઈ; અને ત્યાર બાદ આઝાદી પછી આવેલા શૈક્ષણિક ઉત્થાનના કારણે દલિત સાહિત્યકારોનો આ ક્ષેત્રે પ્રવેશ થયો … ૧૯૭૫-૮૦ આસપાસ દલિત સાહિત્યકારોએ આગવી ઓળખ પણ ઊભી કરી.

ખૈર, દલિત સાહિત્યકારો દલિતોની વેદના અનુભૂતિથી લખી જાણે છે, જ્યારે બિનદલિત સાહિત્યકારો સહાનુભૂતિથી !? આવો કોઈ ચર્ચા-વિમર્શ પણ સાહિત્યને દલિત અને દલિતેતર વિભાગોમાં મૂકીને સર્જકોને મૂલવવા માટે થોડાંક વર્ષો ચાલ્યો, એવું કંઈક ’વંટોળિયો’ વાંચતાં વાંચતાં જરૂર યાદ આવ્યું. એ સંદર્ભે મારે અહીં એક જ વાત ખુલાસા રૂપે લખવી છે, જેનો સંદર્ભ મને કુરાનશરીફમાંથી મળી આવ્યો. કુરાનમાં એક જગ્યાએ વાંચ્યું :

“અલ્લાહે કોઈ માનવીની છાતીમાં બે દિલ બનાવ્યાં નથી …..” (સૂરએ અહઝાબ : ૦૪)

હા .. બે નહીં, એક … એક જ. પિંડેમનુજના એક દિલમાં આખું બ્રહ્માંડ વળી ! પછી શું વેદ ને શું અવેદ ! જે સઘળું એક મનુષ્યની ચેતનામાં જે સ્થાયી છે તે જ સહુમાં સ્થાયી જ હોય … રતિ, હાસ, શોક, વિસ્મય આદિ આઠ કે નવ અને બીજા સંચારી લેખે લો તો અસંખ્ય ભાવો … માટીના ઇન્સાનની ફિતરતમાં કુદરતે કમાલ કરી છે !

ચલો, જરા ભરતમુનિ પાસે જઈએ. નવલકથા પણ છેવટે તો ’રસપ્રક્રિયા’ની સરાણે ચડવી જોઈએ ને ! સાહિત્યકાર એટલે ’રસકાર’. એણે તો રસ નિષ્પન્ન કરવાની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે ને ! એ પછી એ સાહિત્યકાર દલિત હોય કે બિનદલિત; ’રસ’ ને વળી ધર્મ, જાતિ, રંગ, સંપ્રદાયના વાઘાથી શેં મૂલવાય ..! અહીં તો સહાનુભૂતિ એ જ અનુભૂતિ અને અનુભૂતિ એ જ સહાનુભૂતિ. ઇતિ સિદ્ધમ્‌.

’વંટોળિયો’માં અઝીઝ ટંકારવીએ પોતાના વતનના અનુભવોમાંથી સર્જેલા ’દિશાપુરા’ ગામની દશા અને દિશા … ઝપાટાબંધ (પ્રસ્તાવનાકાર મોહન પરમારના નિરીક્ષણ પ્રમાણે ’પૂરઝડપે’) ૧૩૦ જેટલાં પૃષ્ઠોમાં નિરૂપી છે. નવલકથાના પ્રારંભમાં – નિવેદનમાં – લેખકે સ્પષ્ટતા કરી છે કે પોતાની નાની વયે ખેતરમાં કામ કરતા શેકાઈ જતા, શોષાઈ જતા દલિત-પીડિત મજૂરોની વેદના તેઓ ભૂલી શક્યા નથી. તેથી જ જ્યાં હજુ અંગ્રેજી શાસનનો દોર ચાલુ છે એવું ’દિશાપુરા’ ગામ જાતિગત વિષમતાના સંદર્ભમાં જોઈએ તો ૧૮૬૨માં પારસી ગુજરાતી બોલીમાં અનુદિત થયેલી ’હિંદુસ્તાન મધ્યેનું ઝૂંપડું’ની કથાની કંઈક અનુકૃતિ જેવું ગુજરાતી ગામ લાગે છે.

’વંટોળિયો’ના પ્રસ્તાવનાકાર મોહનભાઈ પરમાર લખે છે તે મુજબ : “નવલકથાનો સાચો આરંભ તો આઝાદી મળ્યા પછી ગોપુદાદાનો પુત્ર જીવલો એના પુત્ર પ્રકાશને નિશાળે દાખલ કરવા જાય છે, ત્યાંથી થાય છે” (પૃષ્ઠ : ૧૪૪). આપણે મોહન પરમાર સાથે સંમત થઈએ … કારણ કે ’દેશ તો આઝાદ થાતાં થઈ ગયો !’ પણ ?

પોતાનાં સંતાનોને નિશાળમાં દાખલ કરવા સંઘર્ષ કરતા જીવલાની પરિસ્થિતિમાં શું ફેર પડ્યો ? નવલકથા મુજબ : “પ્રથમ તો સરપંચ એકના બે ન થયા પણ છગન માસ્તરની મક્કમતા જોઈને તેમણે જીવલાના છોકરાને શાળામાં દાખલ કરવાની શરતી રજા આપી”. (પૃષ્ઠ : ૨૬)

આ છે આઝાદી બાદનું અઝીઝ ટંકારવીની નવલનું ’દિશાપુરા’ ગામ … જે હવે દલિતોને, ગરીબોને કાળા અંગ્રેજોથી ઘેરાઈ ગયેલું વારંવાર અનુભવાય છે. હવે, આ પ્રસંગને ૨૦૦૪માં પ્રગટ થયેલી (૧૯૧૫થી ૧૯૩૫ના સમયગાળાને આલેખતી) દલપત ચૌહાણની ’ભળભાંખળું’ નવલકથામાં આવતા એક પ્રસંગ સાથે જોડીએ … જેમાં વડોદરાના મહારાજા દરેક વર્ણનાં છોકરા-છોકરીઓને નિશાળે મૂકવા-ભણવા માટેનો ઢંઢેરો પીટાવે છે ત્યારે વણકરવાસનો વાલો પોતાની દીકરી મણિને શાળામાં ભણાવવાનું મનોમન નક્કી કરે છે. પણ સંમતિ માટે મુખી નારસંગને પૂછવા જાય છે ત્યારે મુખી તેને મોઢામોઢ ’હા’ તો પાડી દે છે, પણ બીજા જ દિવસે મુખીના હુકમથી બબો રાતો સાદ પાડે છે …

“મુખી ભા એ કેવરાયું સ અ કાલે નેહાર ઊઘડઅ તાણઅ ઢેઢે સોંકરાંને હારે મેકલવા નઈ. આજે રાતે ગોમ ભેળું થઈ તમારો નિયાય કરસેં.” (સંદર્ભ : દલિતકથાવિમર્શ, લેખક : ડૉ. કાન્તિ માલસતર, પૃષ્ઠ : ૨૮૯-૨૯૦)

નવાઈ તેની છે કે ’ભળભાંખળું’ પહેલાં મુખીના મુખોટા તળે ચાલતી રાજનીતિના ચાબુકોથી દૂઝતા સોળની પીડા વેઠીને હડધૂત થતા ગામડાંના દલિતો આઝાદી પશ્ચાત્ ‌’મધ્યાહ્ને’ પણ સરપંચોની પ્રપંચલીલાઓના કાયમી શિકાર બન્યા કરે છે ! …. આ જ તો છે મારે મન ’વંટોળિયો’ નવલનો મુખ્ય ધ્વનિ.

આઝાદ ભારતનાં ગામડાંમાં ઘણું વેઠીને પણ (’કખગ’ વંટોળિયો પ્રકરણ : ૦૫) છેવટે પ્રાથમિક અને માધ્યમિક શાળાના બે ય કોઠા જીતીને (કે ઠેકીને) શહેરની કૉલેજોમાં ભણવા જતા અને ભણીને ઉચ્ચ કારકિર્દી તરફ વળતા ’દિશાપુરા’ના બે દલિત ભાઈ-બહેન યુવાનો – પ્રકાશ અને સપના – ની સાથે લેખક આપણને ’નવી ક્ષિતિજ’ના પ્રકરણમાં – નૂતન પરિવેશમાં દાખલ કરે છે.અહીંથી નવલકથામાં પૂર્ણપણે સંઘર્ષકેન્દ્રી વમળો સર્જાય છે.

મોટા શહેરમાં રહીને અભ્યાસ કરતાં ’દિશાપુરા’નાં પીડિત યુવાન શિક્ષિત ભાઈ-બહેનના ’ઓરતા’ (પ્રકરણઃ૧૦)  શું હોઈ શકે !? પોતાના વતન-ગામમાં જેમણે સગાં મા-બાપને વારંવાર હડધૂત થતાં જોયાં હોય અને કિશોરાવસ્થામાં સ્વયમ્‌ પોતાનાં અરમાનોને ચૂંથાઈ જતાં અનુભવ્યાં હોય એવા યુવાનોની મનોદશા માટે ’વંટોળિયો’ના પ્રકરણનો ’સાલા સાબ બન ગયા’, ’પોલીસ મા-બાપ’, ’ઓરતાં’, ’બળતરા’, ’ઢાંકપિછોડો’, ’સંઘર્ષ’, ’બળાત્કાર’ … સુધી સહૃદય ભાવકે પહોંચવું પડે, એટલું જ નહીં ૨૧મી સદીમાં આપણને વધુ ચિરપરિચિત ન્યૂનોર્મલ ભારતીય ગુજરાત મોડલના શબ્દો ’મૉબલિંચિંગ’, ’ક્લીનચીટ’ જેવાં પ્રકરણો પણ ઉકેલવાં પડે.

આગળ જણાવ્યું તેમ લેખક પૂર્ણકાલીન સંપાદક અને પત્રકાર છે, તેથી આ નવલકથાનાં પ્રકરણશીર્ષકો, ભાષાશૈલી વગેરેમાં આપણને સ્હેજ છાપાળવી છાંટ વરતાય તો નવાઈ નહીં ! પણ, મૂળ વાત તો આઝાદી પછીનાં ૭૦ વર્ષોમાં આપણે ક્યાં પહોંચ્યા તેની છે. એટલે જ ખાસ કંઈ ના બદલાયેલા સામાજિક પરિવેશમાં નવલકથાકાર આપણને સહજતાથી લઈ આવે છે.

સરપંચના દીકરાની ટોળકી દ્વારા જીવલા મોચીના ’મૉબલિંચિંગ’ અને અંતે ખૂનનું વર્ણન હૃદયદ્રાવક છે, જુઓ :

“દોડતા જીવલાનો પગ કાંટાના ઝાંખરામાં અટવાયો ટોળીના બે-ચાર છોકરાઓએ ધડાધડ દંડાવાળી કરી … પ્લાન મુજબ જીવલાને પીઠ અને પેટની વચ્ચેના ભાગે ધારદાર ચાકુ હલાવી દીધું … જીવલો … ઢળી પડ્યો … સમડીના ઝાડ પરનું પારેવું ફર્ર કરતુંક ઊડી ગયું …” (પૃષ્ઠ : ૯૪-૯૫)

ઉપર્યુક્ત ઘટના સાથે છેક ૧૯૫૬માં પ્રગટ થયેલી ’કલ્પવૃક્ષ’ નવલકથામાં એક જગ્યાએ ઈશ્વર પેટલીકરનું તીક્ષ્ણ નિરૂપણ જોઈએ :

“થોરિયાનું ડિંગલું કાપી નાખવું કે ઢેડું કાપી નાંખવું સરખું.”

“હરિજન લોકો તો દબાયેલી, કચડાયેલી પ્રજા. ઉજળિયાત લોકો ખાસડું મારે તો ય ખંખેરીને પાછું આપે એટલી ગુલામ” (’દલિતકથાવિમર્શ’, લે. ડો. કાન્તિ માલસતર પૃષ્ઠ : ૨૫૬)

શું બદલાયું છે!? એટલું જ કે પહેલાં કદાચ ઉઘાડે છોગ દલિતની હસ્તીને હણી શકતી સામાજિક સત્તા ’વંટોળિયો’માં સાક્ષી પુરાવાથી લઈ પ્લાન મુજબ હવે સઘળું ’રફેદફે’ (પ્રકરણ-૧૫) કરી શકવાની ક્ષમતાવાળી રાજ્યસત્તામાં રૂપાંતર થઈ સિંહાસને આરૂઢ થઈ બેઠી છે … તો હવે શું ? તેના જવાબમાં લેખક છેલ્લે ટૂંકાં બે પ્રકરણોમાં ’કાયદો કાયદાનું કામ કરશે ?’, ’શિક્ષણ કારગત નીવડશે ?’માં સીધા પ્રશ્નો પર જ આવી ગયા છે!

નવલકથાને ઉધિષ્ટ મૂળ પ્રશ્નો-સમસ્યાઓના ઉકેલ દર્શાવવા માટે ’યુદ્ધ એ જ કલ્યાણ’ એવું શીર્ષક છેલ્લેથી આગલા પ્રકરણ માટે પ્રયોજાયું છે. યુદ્ધના આ – હિંસક – માર્ગના ભયસ્થાનો વિશે સજાગ લેખક રક્તપાતના માર્ગને ચાતરીને અંતિમ પડાવ રૂપે છેલ્લા પ્રકરણ ’ત્રિભેટો’માં સૌ મુખ્ય પાત્રોને ભાવકો સમક્ષ હાજર કરીને એમની વચ્ચે નવલ ડિબેટ પ્રયોજે છે, જેમાં અંતે ’યુદ્ધ નહીં તો પછી શું?’-ના ઉત્તરોમાં અટવાયેલાં પાત્રોને લેખક સ્વરાના પાત્ર દ્વારા સૂચવી દે છે :

“હવે, ’દિશાપુરા’ ગામે નક્કી કરવાનું છે કે … કયે માર્ગે જવું ?…… આ કામ કોઈ વ્યક્તિનું નથી પણ સમગ્ર ’દિશાપુરા’ ગામના લોકોનું છે …’ (પૃષ્ઠ : ૧૪૧)

ખરેખર તો ફલશ્રુતિ સરખા આ કથનમાં કથાનો અંત આવી જાય છે. પણ, ના. અહીં લેખકે બે પાંચ લીટીઓમાં દસ વર્ષના બાળક ભરત વસાવાને ’ત્રિભેટો’ની વડીલ ચર્ચામાં પ્રવેશ આપ્યો છે :

“એને ઝાઝી ગતાગમ ના પડી … પણ એટલું સમજાયું કે, કશો ગામ-ને લગતો સવાલ છે … જવાબની આશાએ વડીલોને તાકી રહ્યો..” (પૃષ્ઠ : ૧૪૨)

જ્યાં વડીલો જ લાચાર મૂંઝારો અનુભવી રહ્યા હોય, ત્યાં આ બાળક ! …. એના મનમાં ય કોઈ ’વંટોળિયો’ નહીં સર્જાયો હોય !? એવો ગૂઢાર્થ સહૃદયભાવક પામી પણ શકે … (મને તો અહીં શ્યામ બેનેગલની ’અંકુર’ ફિલ્મનું અંતિમ દૃશ્ય જેમાં લાચાર ’સમાજ’ વચ્ચે અમળાતો એક કિશોર અંતે પે … લી … ’હવેલી’ પર પથ્થરનો ઘા કરી જ નાખે છે .. ને અહીં ફિલ્મનો The End આવે છે, પણ ખરા અર્થમાં પ્રેક્ષકના ચિત્તમાં The Seedlingનો આરંભ થાય છે!)

પરંતુ નવલકથાના શીર્ષક ’વંટોળિયો’માં અભિપ્રેત હોઈ શકે તે વંટોળિયો ક્યાં ? લેખકે આ વંટોળિયાને છેલ્લા ફકરાની સાત લીટીઓમાં પ્રતીકાત્મક રીતે આલેખવાનો ઉપક્રમ જોયો છે. આ પ્રયુક્તિમાં લેખક કેટલા સફળ થયા છે ? તેનો ઉત્તર તો આ પ્રકારના સાહિત્યનું વ્યાપક – ઊંડું અધ્યયન કરનારા કોઈ બહુશ્રુત વિવેચક જ આપી શકે, પણ એક વાત ચોક્કસ કે સાહિત્યકારનું અંતિમ લક્ષ્ય તો કૃતિ દ્વારા સમાજને સપાટ ઉકેલો આપવા કરતાં તો વધુ સમાજને કલાત્મક રીતે ઝંકૃત કરી સમાજની સંવેદનાને સંકોરવાનું જ હોયને … ! શક્ય છે કે ’વંટોળિયો’ વાંચતાં-વાંચતાં આપણને આપણી સંવેદના ’દિશાપુરા’ ગામ ઓળંગાવીને … બદાયુ, ઉન્નાવ, ભરેટી, ખેરોલજી, હાથરસ વગેરે જેવી વણથંભી ઘટનાઓ વચ્ચે વસૂકી રહેલી આપણી માનવતા તથા નાગરિક નિસબતને સક્રિય થવાની દિશા પણ આપે.

અને છેલ્લે …

“…  છતાં ય હજુ આપણને લેખક અબ્દુલ્લાહ બિસ્મિલ્લાહની ’ઝીની ઝીની બીની ચદરિયાં’ જેવી કે મનુ ભંડારીની ’મહાભોજ’ જેવી નવલકથા સંવેદનાને કલાની જે સૂક્ષ્મતાથી આલેખે છે, એવી કૃતિઓની અપેક્ષા રાખી શકાય …” ઉપર્યુક્ત તારણ ડૉ. કાન્તિ માલસતરે ૨૦૦૬ સુધીમાં ગુજરાતીમાં પ્રગટેલ ત્રીસેક જેટલી ગુજરાતી દલિતકથાઓનો સમીક્ષાત્મક અભ્યાસ કરીને પોતાના મહાનિબંધ ’દલિત કથાવિમર્શ’(વર્ષ ૨૦૧૦)માં કંડાર્યું છે ….. તો ડૉ. ભરત મહેતાએ પોતાના ’પ્રતિબદ્ધ’ વિવેચનસંગ્રહમાં દલિત સાહિત્યવિમર્શ નિમિત્તે કરેલ નિરીક્ષણ :

“આવા સંજોગોમાં દલિત નવલકથાની રગરગમાં સંભળાવા જોઈતા વીજળીના કડાકા અહીં ગેરહાજર છે. હજુ એનો શબ્દ તણખા ઝરતો નથી. હજુ શોકત્વને શ્લોકત્વ આપવાની પ્રક્રિયા ગેરહાજર છે.” (દ. ક. વિ. પૃષ્ઠ : ૩૬૯)

હવે,જોઈએ કોણ ઉઠાવે છે કલમઘણ ?

(વંટોળિયો : લેખક : અઝીઝ ટંકારવી, નવલકથા પ્રથમ આવૃત્તિ – ફેબ્રુઆરી ૨૦૨૦, પ્રકાશક – આર.આર. શેઠ, પૃ.૧૫૦. કિં. ૧૫૦)

e.mail : atsindhimaulik@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 13-14

Loading

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર|Gandhiana|16 December 2020

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષ' લાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથ' બની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સન, પૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો – ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર ‘ગાંધી પરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથ' ન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છે, અભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ, અજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતા, નેતૃત્વશક્તિ, નિખાલસતા છે. વ્યંગના ચાબુક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો. ક. ગાં. કરતાં વ. ઝ. પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભ' સરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો.ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કે, ગાંધીજી હસી શકે છે, સહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાં, યરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " … આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છે, તેટલું બીજે કશે મળતું નથી …" (પૃ. : ૨૧૩) જાન્યુઆરી, ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનું, દાતણ કૂટવાનું, સોડા બનાવવાનું … વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડા' નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  … વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરી, ભાગ-૨, પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ.ઘ. મશરૂવાળાને પત્ર, ૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન'(૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " … મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! … " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના મોટા ભાગના લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્ર, તળનો સંપર્ક, સમસ્યાની સમજણ, લોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ :

Erikson, Erik (1970). Gandhi's Truth: On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ (૧૯૭૫). ગાંધીપરિવારના જ્યોતિર્ધરો. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, રાજમોહન (૨૦૧૦). સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવી; પહેલી આવૃત્તિ, ૧૯૯૪; અગિયારમું પુનર્મુદ્રણ, ૨૦૧૦). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈ, નારાયણ (૧૯૮૬). મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન (સંયોજક-સંપાદક) (૧૯૮૧). સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો) (પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧) સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૮). મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૯). મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

……………………………………………………………………………………………………………..

Email-id: ashwinkumar.phd@gmail.com

Blog-name:  અશ્વિનિયત / Ashwiniyat

Blog-link: http://https://ashwinningstroke.blogspot.com  

Loading

એક અમર પ્રેમકથા

હિમાંશી શેલત|Opinion - Opinion|16 December 2020

તિર્યકી

અમે અમને ખૂબ ચાહીએ છીએ. મહામારીના સમયમાં અમારી ખુદ માટેની ચાહના બેહદ વધી ગઈ છે. ધીરેધીરે પ્યાર કો બઢાના હૈ … હદ સે ગુઝર જાના હૈ … આ ગીત અમે રોજ સવારે ગાઈએ છીએ. દિવસરાત એક જ ધૂન છે, શું કરીએ તો અમે અમારા માટેનો પ્રેમ પ્રગટ કરી શકીએ. લાંબા વિચારને અંતે અમે વિચારતી વખતે માસ્ક પહેરવાનું માંડી વાળ્યું છે. એમાં વૈચારિક અવરોધ ઊભો થાય છે, શ્વાસને મોકળાશ ન મળતી હોવાથી વિચારો પર પાબંધી આવી જાય છે. આથી અમે વિચારવાનું ન હોય ત્યારે જ માસ્ક પહેરીએ છીએ.

જાત માટેનો પ્રેમ દર્શાવવાનો ઉત્તમ માર્ગ વર્ષગાંઠ ઊજવવાનો છે; અને એ સમજાતાં અમે એ અપનાવ્યો છે. એમાં કયો અપરાધ થયો? હા, જાહેરમાર્ગ પર કેક કાપવી અને લોકોને એ ખવડાવવી (એમણે પહેરેલાં માસ્ક ખસેડીને) એ કદાચ યોગ્ય નહીં હોય, અને કેટલાક ડાહ્યાઓએ અમારી ટીકા સુધ્ધાં કરી પણ અમે કંઈ એવું બધું માની લઈએ એવા કાચા નથી. દેશમાં લોકશાહી છે, પ્રજા સ્વતંત્ર છે, (કોઈ શક?) તો વર્ષગાંઠનો ઉત્સવ મનાવ્યો, જરા નાચગાન થયાં, ભેટંભેટી થઈ, તો શો વાંધો પડી ગયો? બધાં માંદા પડીને મરી પરવાર્યાં? અમને અમે ખૂબ પસંદ છીએ, તો એ અમારાથી બતાવી ન શકાય? એટલી સ્વતંત્રતા પણ અમારી નહીં?

– તો સારે પ્રસંગે અમે અમારા પ્રશંસકોને જરાક બોલાવ્યા, અમને કોઈ મોટો હોદ્દો મળ્યો હોય ત્યારે લોકો શું હારતોરાયે ન પહેરાવે? હવે હાર કંઈ વેગળેથી ફેંકાય? દો ગજ દૂરીમાં માનો કે હાર ફેંક્યો, અને અમારી ગરદનને બદલે કોઈ અન્યની ગરદનમાં પડ્યો તો? અને મીઠાઈ તો નજીક આવીને જ ખવડાવાયને ? કંઈ એમ થોડું કહેવાય, કે ‘ચલો, આ … કરો જોઉં’ અને એમ બોલીને કાજુકતરી નિશાન તાકી ફેંકાય? અમારી ટીકા થાય છે, કે સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તે સોશિયલ થયા, નામ થયું, હોદ્દા મળ્યા, સેવામેવાની તક મળી, પછી વળી ડિસ્ટન્સ કેવું? આ સઘળું અમે નામદાર કોર્ટને સમજાવી નથી શક્યા એ અમારી ખામી ગણાય. હકીકતમાં અમારી રજૂઆત એટલી અસરકારક હોવી જોઈતી હતી કે કોઈને કશું કહેવાપણું ન રહે.

– અને અમે અમને ખૂબ ગમીએ, એટલે અમે અમને સુંદર કપડાં પહેરાવ્યાં, પ્રસંગને અનુરૂપ. ખેસબેસ પણ સરસ નવા નક્કોર ઠઠાડ્યાં, અને શાનદાર ઢબે બહાર પડ્યા. કેટલું તેજ અમારી આસપાસ દેખાતું હશે, ત્યાર વિના કંઈ ટોળાં અમારા અભિવાદન માટે, ભેટવા માટે, હાર પહેરાવવા માટે દોડ્યાં હશે? તમે જ કહો, એ ક્ષણે અમે મોં સંતાડીએ તો અમારા જેવા નપાવટ કોણ? અમે હિંમતભેર ઊભા રહ્યા, અચલ, મનોહર સ્મિત સાથે, માસ્ક એટલે જ નીચે સરકાવ્યો, જેથી અમારું હાસ્ય સહુને પ્રસાદ રૂપે મળે. પ્રજાના સેવક છીએ, પ્રજાનું મન રાખવું એ અમારો ધર્મ છે. અમે પ્રજા માટે જ નાચ્યા, એમને માટે જ મોટી-મોટી કેક બનાવડાવી, એમને માટે જ તો ગળું રૂંધાઈ જાય એવડા વજનદાર હાર પહેરી લીધા અને તમે અમારો જ વાંક કાઢો? અન્યાય! ઘોર અન્યાય!

– તોયે અમે અમને બહુ વહાલા, ઘણા પસંદ, અમે અમારા મોટા ચાહક, પ્રશંસક, પ્રેમી, હિતરક્ષક, શુભેચ્છક, સર્વસ્વ. તમે જ કહો, અમે જે કર્યું એનાથી અલગ અમે કશું કરી શકીએ એમ લાગે છે તમને? દિલ ફાડીને અમે અમારી જાતને ચાહી છે, ચાહીએ છીએ અને ચાહીશું. બોલો, હવે? કોરોના-બોરોના આવે એટલે અમે બદલાઈ જઈએ ? હોતું હશે એવું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 16

Loading

...102030...2,1692,1702,1712,172...2,1802,1902,200...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved