Opinion Magazine
Number of visits: 10,226,662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમે આંદોલનજીવી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 February 2021

મરોડમાસ્તરી તો કોઈ એમની કને શીખે : મારો ઈશારો અલબત્ત વડાપ્રધાન મોદીએ અટકવાનું નામ નહીં લેતા કિસાન આંદોલન સંદર્ભે થોડા દિવસ પર ‘આંદોલનજીવી’ એ સંજ્ઞા થકી જે સ્પિન કીધો તે ભણી છે.

સાવ સાદું, તરત જ સમજાઈ રહેતું જો કોઈ એક વાનું હોય તો તે એ છે કે વરસેક પરનું કથિત નાગરિકતા સુધાર કાનૂન સામેનું આંદોલન અને હાલનું કિસાન આંદોલન એ બંનેએ ૨૦૧૪ની મોદી ફતેહ અને ૨૦૧૯ની એથીયે મોટી મોદી ફતેહ સામે અને છતાં સંકેલાવાનું નામ નહીં લેતાં, એથી પોતાને અન્‌આશ્વસ્ત અનુભવતા સત્તા-પ્રતિષ્ઠાને આ બે આંદોલનોને હસી કાઢવા કે ઉતારી પાડવા આવી સંજ્ઞા રમતી મૂકી છે. જોવાનું એ છે કે વિપક્ષ વર્તમાન સત્તાપક્ષ સામે ખાસ કશી ગજાસંપત વિનાનો વરતાય છે એ જો એક વાસ્તવિકતા છે તો એવી જ એક વાસ્તવિકતા એ પણ છે કે બેઉ આંદોલનોએ ખાસું ગજું કાઢી બતાવ્યું છે. એમાં પણ કિસાન આંદોલન તો ૨૬મી જાન્યુઆરીની બપોર પછી એકદમ જ કેમ જાણે કુંડાળામાં પગ પડી ગયો હોય એમ ઓછું ને પાછું પડી સંકેલાઉં સંકેલાઉં હતું તે પુરાણપ્રશસ્ત દેવહુમા (પોતાની રાખમાંથી ફરી ઊભા થતા) પંખીની પેઠે પ્રભાવક વરતાઈ રહ્યું છે. વિરાટરૂપ દર્શન તે જનતંત્રના સંદર્ભમાં શું, એનો જાણે કે જવાબ જડવામાં છે.

સ્વતંત્ર ભારતે જેપી આંદોલન મારફતે જનવિરાટના સાક્ષાત્કારવત્ ‌એક અનુભવ આ પૂર્વે ચોક્કસ કરેલો છે અને ઇતિહાસમાં ગાંધીઘટના જેવું કશું પૂર્વે થયું હશે કે કેમ એવા સવાલનો કંઈક જવાબ પણ પ્રજાસત્તાકની પહેલી પચીસી ઉતરતે જોયેલો ય છે.

૨૦૧૯ પછીનાં જે બે આંદોલનો આપણે જોઈ રહ્યાં છીએ તે જેપી આંદોલનની સરખામણીએ વિરલ અને વિશિષ્ટ છે. એક તો એમાં કોઈ એવી પ્રતિભા નથી જેને તમે જેપી સદૃશ કહી શકો. જરા દૂરાકૃષ્ટ લાગે પણ વિનોબા નવા સમયમાં પરંપરાગત નેતૃત્વને બદલે ગણસેવકત્વની જે જિકર કરતા એવું કાંક તત્ત્વ અહીં અનુભવાય છે.

નવનિર્માણ આંદોલને, રાજકીય પક્ષ જ્યારે જનતાનું ઓજાર મટી નકરા ઈલેક્શન એન્જિનમાં  ફેરવાઈ જાય ત્યારે શું થાય એનો સાક્ષાત્કારક પરચો પ્રજાને કરાવ્યો. ગુજરાત વિધાનસભામાં આજની તારીખ લગીનો અભૂતપૂર્વ બેઠકજુમલો હાંસલ કરતે છતે સત્તા અને જનતા વચ્ચે કઇ હદે અલગાવ હોઈ શકે તે નવનિર્માણ આંદોલનના ઘટનાક્રમે બતાવી આપ્યું હતું. જયપ્રકાશે પોતાની અસાધારણ જીવનસાધનાના ઉજાસમાં એમાંથી તારવેલ તત્ત્વ એ હતું કે સ્થાપિત સંસ્થાઓ, સ્થાપિત પક્ષો અને સ્થાપિત પ્રથાઓની બહારથી જ્યારે લોકશક્તિ પરિચાલિત થાય છે ત્યારે યથાસ્થિતિનાં બળો પર પરિવર્તનનાં બળો સરસાઈ મેળવે છે. એક પા સઘળો રાજસૂય માહોલ તો બીજી પા પ્રજાસૂય પ્રભામંડળ, એવું પરિણામકારક ચિત્ર જેપી આંદોલને સ્વરાજની પહેલી પચીસી ઉતરતે આપણી સામે મૂકી આપ્યું હતું.

જનવિરાટના સાક્ષાત્કારવત્ ‌તો જેપી જેવી પ્રતિભાના પ્રભામંડળવત્ ‌એ અનુભવ દેખીતો ટૂંકજીવી નીવડ્યો હશે; અને ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘને તેમ ચાલુ રાજનીતિમાં પાછા પડેલા બીજા ખેલંદાઓને એણે પ્રતિષ્ઠા આપી હશે; પણ એણે પ્રથા બહારનાં પરિબળો વાટે પરિવર્તનની એક કાલીઘેલી પણ પ્રજાસૂય ધખના અંકે જરૂર કરી આપી.

અહીં ૧૯૭૪-૧૯૭૯ના એ ગાળાની વિગતે ચર્ચા કરવાનો ખયાલ નથી. માત્ર, જેપી આંદોલન અને વર્તમાન આંદોલન બેઉને સાથે મૂકી આપી એમની વચ્ચેના ભેદમાં રહેલી નવશક્યતાઓને સમજવાનો ખયાલ જરૂર છે. જેપી આંદોલનમાં જેમ નવી રાજનીતિના સંકેતો હતા- અને હતા જ – તેમ એક પ્રકારે પથસંસ્કરણ નીયે પ્રક્રિયા એ હતી. ઈંદિરા ગાંધીના એકાધિકારવાદનો વિરોધ પોતાને સ્થાને બરાબર હતો, બરકરાર હતો. પણ સ્વરાજનો જે વિમર્શ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ઉભર્યો, ગાંધીનહેરુપટેલની સ્વરાજત્રિપુટીના શાસનમાં જેનો સ્વીકાર પડેલો હતો અને ભગતસિંહ-સુભાષ સરખી સ્વાતંત્ર્યપૂર્વ ધારાઓ તેમ જેપી-લોહિયા-કૃપાલાણીના સ્વરાજ પછીનાં કૉંગ્રેસબાહ્ય સંચલનો, સર્વમાં જે વાનાં સર્વસામાન્ય પડેલાં હતાં તે દેશના બિનસંપ્રદાયિક-સર્વધર્મસમભાવી સ્વરૂપના અને આર્થિક – સામાજિક ન્યાયનાં હતાં. ઈંદિરા ગાંધીએ એક તબક્કે આ એકંદર વિમર્શને ખોરવ્યો-ખોટકાવ્યો તે સંદર્ભમાં પ્રજાસૂય પ્રતિકાર વાટે પથસંસ્કરણ(કોર્સ કરેક્શન)ની જેપી ચેષ્ટા હતી.  સ્વરાજની લડતમાં રાષ્ટ્રનો ખયાલ કોઈ અમૂર્ત વિભાવના કે સંપ્રદાયવાદથી ઉફરાટે વિકસ્યો અને ‘પોલિટિક્સ એઝ પીપલ મેટર’ એ અભિગમનાં બીજ નખાયાં તેની જ તરજ પરનો તાનવિસ્તાર સમાજવાદ અને સર્વોદયની ધારાઓના એકત્રીકરણથી સંભવ્યો હતો. પરમહંસદેવની સર્વધર્મસાધના અને એમની ગાદીએ આવેલ વિવેકાનંદની દરિદ્રનારાયણની સંકલ્પનાએ દેશના ગાંધી-રાજકારણમાં સંપ્રદાયમુક્ત તેમ માનવ્યમંડિત રાષ્ટ્રના ખયાલને ઉપસાવ્યો. નહેરુપટેલનું શાસન હો કે લોહિયા-કૃપાલાણીનો પ્રતિપક્ષ અગર જેપીની લોકનીતિ એમાં આ વિમર્શની વ્યાપક સ્વીકૃતિ છાયાભેદે, ઝોકફેરે હતી તે હતી. ઇંદિરાઈ સામેની (તત્ત્વતઃ જો કે ‘પોલિટિક્સ ઍઝ પીપલ મૅટર’ માટેની) જેપીની લડાઈ આ સંદર્ભમાં પથસંસ્કરણ માટેની સવિશેષ હતી.

૨૦૧૪-૨૦૧૯માં રાષ્ટ્રીય સ્તરે જેની વિધિવત પ્રતિષ્ઠાનો સત્તામંડિત ખયાલ આપણી સામે આવ્યો તે સાવરકર અને ઉત્તર ઝીણાની ફ્રિક્‌વન્સી સાથે ગળથૂથીગત સંબંધ ધરાવતો હતો અને છે. એની સામેના આંદોલને પથસંસ્કરણ માત્રે નહીં અટકતાં લોકને સ્થાને ‘રાષ્ટ્ર’ ભણીના નવા વિમર્શનો જે વિચારજગન મંડાયો છે એના વિકલ્પે સ્વરાજધારાના અગ્રચરણનો વિમર્શ ઘૂંટવાનો છે. શાહીનબાગ છેડેથી દિલ્હીના અલગ અલગ સીમાડે ખડી થયેલ રાવટીઓ ‘રાષ્ટ્ર’ સરકારની હાટડીઓ સામેના જનવિકલ્પના ઝંડાબરદાર શી છે.

courtesy :Satish Acharya cartoon ; 09 February 2021

એમાં કોઈ જેપી-લોહિયા-કૃપાલાણી દેખીતા હાજર ન હોય પણ એમની હાજરી અને સામેલગીરી ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ની સ્વૈચ્છિક ગિશ્ત છાવણીઓ પરના પેલા ગાંધીકાર્ટૂન શી રૂબરૂ છે કે ‘એ જો હોત તો અહીં જ હોત.’ જેમને કારણે ભારત સહિત વિશ્વમાનવતા સમસ્તની આ નવપ્રસ્થાનયાત્રા સંભવી છે તે મંડળીને બીજો કોઈ વિકલ્પ ન જણાય તો લોકાયની તરીકે જરૂર ઓળખાવી શકીએ. સ્થાપિત વાદો અને તેની આસપાસનાં સરકારસંધાનો(જેમ કે એક કાળનાં રશિયા / અમેરિકા)માં ગંઠાયા વિના નવી ને ન્યાયી દુનિયા માટેની લોકકેન્દ્રી જદ્દોજહદને વરેલી આ જમાત છે. નવરચનાના સિપાહીઓ વચ્ચે અરુણ વૈતાલિક શી તો વૈતાલિકો વચ્ચે સિપાહી શી બૌદ્ધિક કર્મશીલો કે કર્મશીલ બૌદ્ધિકોની આ મંડળી છે. પોતે જે કેડરમાંથી આવી ચાવીરૂપ સંગઠનાત્મક શૈલીએ આંદોલનમાં પડ્યા (અને લાભ્યા) એના કરતાં આ જે એક ન્યારી મંડળી ઊભરી રહી છે એને માટે કદરબૂજની ઈન્દ્રિય હાલના સત્તા-પ્રતિષ્ઠાન કને જણાતી નથી. માત્ર, એની હાંસી કરી શકાય એ પ્રકારે ગ્રંથિમોક્ષની ચેષ્ટા એમની કને હોય તો હોય. ‘આંદોલનજીવી’ સંજ્ઞા એમાંથી આવેલી છે.

ઇંદિરા ગાંધીને સઘળે સી.આાઈ.એ.નાં દર્શન થતાં હતાં ત્યારે એકવાર પિલુ મોદી એમના શ્વાનરત્નને ‘હું સી.આઈ.એ. એજન્ટ છું’ એવો ગલપટ્ટો પહેરાવી સહેલગાહે નીકળ્યા હતા. પણ અબી હાલની મરોડમાસ્તરીની પૂંઠે રહેલી માનસિકતા એટલી સહેલાઈથી હસી કાઢી શકાય એમ નથી. નવા વિમર્શની ફાટતી પ્હો ભીતભ્રાન્ત દિલોદિમાગની પહોંચ બહાર છે તે છે. સત્તા-પ્રતિષ્ઠાન ‘રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ’ પ્રકારની તર્કાતર્કી કરે છે. જેવી કહેશે, ભલાભાઈ, પ્રશ્ન રાજનીતિથી લોકનીતિનો છે … એલિમેન્ટરી, માય ડિયર વૉટ્‌સન!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02

Loading

પ્રધાન મંત્રીનું ભાષણ : બાર વર્ષે બાવો બોલ્યો …

ભરત મહેતા|Opinion - Opinion|14 February 2021

સંસદના સત્ર દરમ્યાન કૃષિબિલના રાષ્ટ્રપતિના સંબોધન પછી, વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ આપવાના બદલે કોઈ ચૂંટણીની સભાને સંબોધતા હોય એમ પ્રધાન મંત્રીએ જબરજસ્ત ભાષણ ઠપકાર્યું. એમની શબ્દરમતની શૈલીમાં હળાહળ જૂઠાણું હોય છે – એ નાનું છોકરું ય જાણતું થઈ ગયું છે, જેમ કે એમણે કિસાન આંદોલનની હવા કાઢી નાખતાં હોય એમ કહ્યું એમ.એસ.પી. હતો, છે અને રહેશે. અરે સાહેબ! હાલમાં જ તમે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ કરી છે કે એમ.એસ.પી. આપી શકાય તેમ નથી! તમે કહો છો કે કૃષિકાનૂન પાછા ન ખેંચી શકાય. પણ આંદોલન થતાં સત્તર સુધારા કરવાની ફરજ કેમ પડી? એવી ઉતાવળે ધ્વનિમતથી બિલ પાસ કેમ કર્યું? તમે હંમેશાં કાચું કાપો છો, અને પછી એનું તર્કશાસ્ત્ર ઊભું કરો છો! નોટબંધી એનું સર્વોત્તમ ઉદાહરણ છે. વિપક્ષ તો ઠીક પણ પક્ષનું ય નહીં સાંભળવું અમને વિભીષણની યાદ આપે છે. હાલમાં કેટકેટલા સાંસદો, ધારાસભ્યોએ જાહેરમાં અને ખાનગીમાં તો એથી વિશેષ કૃષિબિલનો વિરોધ કર્યો છે. જે તમારા કે તમારા સાથીપક્ષના ઉમેદવારો છે.

તમે હંમેશાં ભેદભાવ કરવામાં માહિર છો. તમે કહ્યું, આ બિલ નાનાં ખેડૂતો માટે છે. બિહારમાં તમારું રાજ તપે છે. ત્યાં APMC કેમ ૨૦૦૫થી બંધ છે? ત્યાંનો કિસાન કેમ પેદાશ વેચવા પંજાબ જાય છે? ત્યાં APMC ACT કાઢી નાખ્યા પછી કિસાનોની હાલત બદથી બદતર થઈ છે. આજ સુધી તમે આ બિલ નાનાં ખેડૂતો માટે છે એ કહ્યું નથી. કૃષિબિલનો સહુથી ખતરનાક સુધારો એ છે કે હવે સંગ્રહાખોરી કાળાંબજાર કે ગુનો નહીં ગણાય! શું આ સુધારો નાના ખેડૂતો માટે છે કે મસમોટ્ટા સંગ્રહાખોરો માટે? તમે જ્યારે કાયદેસર અન્યાય કરો તો લોકો આંદોલનજીવી ન થાય તો શું થાય? તમે કહો છો કે કેટલાંક લોકો પ્રચારમાં રહેવા માટે કોઈ પણ આંદોલનમાં જોડાઈ જાય છે. સાહેબ, સહુથી વધુ પ્રચારની ઘેલછા તમને છે. પેટ્રોલપંપ હોય કે ગ્રંથનિર્માણબોર્ડની સી.ડી., તમારો ફોટો તો જોઈએ જ. તમને કેટલાક કૅમેરાજીવી પણ કહે છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ સક્રિય નાગરિક નિસબત ધરાવનારાઓને આંદોલનજીવી કહો છો? તમારી ધરપકડની ચિંતા વિના એ લોકો લખે છે. હાલમાં સહુથી મોટા ગજાના લેખકો જેલમાં સબડે છે! સૌથી તાજું ઉદાહરણ કિસાન આંદોલનને બતાવતો મનદીપસિંહ, જેને તમે કોર્ટ સામે રજૂ કર્યા વિના જેલમાં ધકેલ્યો. જેના અંગે પ્રજામત ઊભો થતાં તમારે તાત્કાલિક છોડવો પડ્યો! આ તમારી હાર છે. જેલમાં જવાનો ડર હવે લોકોમાંથી નીકળી રહ્યો છે. રામ અને લક્ષ્મણને જંગલમાં ફરનારા બે વનવાસી ગણીને માથાફરેલ રાવણે અને કૃષ્ણને કેવળ ગોવાળિયો ગણીને કંસે મોતને નોતર્યું હતું. કંસની જેલમાં જ કૃષ્ણનો જન્મ થયો હતો, એ તમારે યાદ રાખવું જોઈએ. પ્રચારની ઘેલછા આંદોલનજીવીઓને નથી, તમને છે. હમણાં જ થયેલી સંજય મહેતાની R.T.I.માં ૨૬/૫/૨૦૧૪ થી ૯/૧૦/૨૦૧૯નો તમારો પ્રચારખર્ચ બહાર આવ્યો છે. જે આંકડા છે, ૫૫,૧૪,૨૫,૧૨,૪૯૦/- રૂપિયા! ૧૦/૧૦/૨૦૧૯થી ૧૦/૦૨/૨૦૨૧નો તો બાકી! સાહેબ આંદોલનકારીઓને કાળી ટીલી લગાવતાં પહેલાં તમારી આંગળી કાળી થાય છે. આને પ્રચારજીવી પ્રધાન મંત્રી ન કહેવાય તો શું કહેવાય? ગાંધીજી હોય કે જ્યપ્રકાશ નારાયણ આંદોલનજીવી જ હતા. કોઈ પણ લોકતંત્રમાં આંદોલન જરૂરી હોય છે. દા.ત., લોકપાલબિલ અને કૉંગ્રેસકાળની મોંઘવારી સામે થયેલું અન્ના હજારેનું આંદોલન હતું ત્યારે અન્ના, કેજરીવાલ, કિરણ બેદીની સાથે લાખો આંદોલનકારીઓ હતાં જ! લોકપાલની માંગણી બાજુ પર મૂકી કિરણ બેદી રાજ્યપાલ બની ગયાં! પેટ્રોલના ભાવની રાડો પાડનાર રામદેવ બાબાને ઉત્તરાખંડમાં પાણીના ભાવે એકરની એકર જમીન આપી તમે ધંધો કર્યો. અન્ના પણ ચૂપ! પણ એ લાખો આંદોલનકારીઓ નથી થાક્યા એટલે કોઈ પણ પક્ષ હોય એ પ્રતિરોધ કરશે જ.

વળી, તમે એ ભેદ પાડ્યો કે તમે રાષ્ટ્રનીતિમાં માનો છો કે રાજનીતિમાં એ નક્કી કરો! સાહેબ, મને આશ્ચર્ય થાય છે કે તમે ખરેખર પોલિટિકલ સાયન્સ ભણ્યા છો ખરા? રાજનીતિથી જ રાષ્ટ્રનીતિ નક્કી થાય છે. તમને પસંદ કરવાની રાજનીતિમાં લોકો થાપ ખાઈ ગયાં, એટલે આજે પ્રજાએ લોકવિરોધી રાષ્ટ્રનીતિનો બોજ ઉઠાવવો પડે છે.

૭૭ મિનિટના તમારા ભાષણમાં તમે એક સેકન્ડ પણ ત્યાં મરી ગયેલા, આત્મહત્યા કરેલા ૧૭૦ ખેડૂતોને અંજલિ આપવામાં વેડફી નથી! આ શું તમારી માનવીયતા છે! આ અમાનવીયતા બતાવે છે કે તમારી પાસે દિલ જેવું કંઈ નથી. મારા જેવાને હતું કે તમારી પાસે દિમાગ જ નથી, પણ દિલ પણ નથી! તમે કેવળ પક્ષના નહીં ભારતના પ્રધાન મંત્રી છો. આ આંદોલનજીવી કે આંદોલનમાં મરનારાં ભારતના નાગરિકો છે. એને વિરોધ કરવાનો હક છે. એમની ઠેકડી ઉડાડવી તમારી ગરિમાને હાનિ પહોંચાડનાર છે. એ બરોબર છે કે તમે કોઈ આંદોલન નથી કર્યું, એટલે આંદોલનકારીની પ્રતિબદ્ધતા શું હોય એ તમને નહીં સમજાય. કુરબાની પર કોણ હસી શકે? આવી ક્રૂરતા તો કોઈ તાનાશાહની યાદ આપે. તમારાં વક્તવ્યો પર પડતી તાળીઓ પીડાદાયક છે. આંદોલનમાં બેઠેલાં વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓને સલામ મારવાના બદલે તમે ઠેકડી ઉડાવી? ખરેખર જ તમને રસ હોય, તો કૃષિબિલના ફાયદા પર તમે કે રાષ્ટ્રપતિ વ્યાખ્યાન આપોને ! જે તમે આજ સુધી બતાવી શક્યા નથી. ભારતના બુદ્ધિજીવીઓ આંદોલનો સાથે આજથી નહીં અંગ્રેજોના સમયથી જોડાયેલા છે. ગાંધી વકીલ હતા, છતાં ચંપારણના કિસાનો માટે પહોંચી ગયા હતા. તેલંગણામાં બુદ્ધિજીવીઓ નહેરુ સામે લડ્યા હતા અને જમીનદારી સામે કાયદો લાવેલાં. નંદિગ્રામમાં માક્‌ર્સને ટાટા કરનાર અને ટાટા માટે લાલ જાજમ પાથરનાર સામ્યવાદીઓ સામે કિસાનો લડ્યા, ત્યારે પણ બુદ્ધિજીવીઓ કિસાનો સાથે હતા!

તમે M.S.P.ની માફક સુપ્રીમ કોર્ટમાં અને સંસદમાં જુદું-જુદું બોલો છો! તમારાં બેવડાં ધોરણો છે. એક બાજુ કહો છો કે કાયદો રદ્દ નહીં થાય, બીજી બાજુ કહો છો કે હમણાં બે વર્ષ સ્થગિત છે! કાયદો સ્થગિત કેમ છે? આંદોલન વિના તમે સ્થગિત કરત? ગામડે-ગામડે ચાલતું આંદોલન પાટનગરના પ્રાંગણમાં પહોંચ્યું, ત્યારે તમે સુધારાઓ કરવા માંડ્યા! બાકી, તમારા દોસ્તાર અદાણીએ તો હરિયાણામાં ઠેરઠેર ગોડાઉનો બનાવી દીધાં હતા! હજુ કાયદો આવ્યો પણ નથી, ત્યાં આ અદાણીનાં ગોડાઉનો શાનો પુરાવો છે? એ અદ્યતન ગોડાઉનો વિગતે બતાવનાર પત્રકાર ઉપ્પલ પર જીવલેણ હુમલો થયો છે. ઉપ્પલનો વીડિયો તમારી ઉદ્યોગપતિ સાથેની મિલીભગત પર્દાફાશ કરે છે. તમે એક વાત કરી કે કિસાન ક્રૅડિટ યોજના, ફસલ વીમાયોજના અમે લાવ્યા છીએ. અરે ભાઈ! આ જૂની યોજના છે, જેમાં ભ્રષ્ટાચાર સારી પેઠે ચાલે છે. આજે ૧૨ કરોડ નાના ખેડૂતો છે, ૪૦ કરોડ ભૂમિહીન ખેડૂતો છે એ માટેની કોઈ નવી નીતિ લાવોને? બિહાર, ગુજરાત, યુ.પી. કેટલાં રાજ્યો છે તમારી પાસે, એ રાજ્યોમાં આટલાં વર્ષોમાં તમે કંઈ કર્યું છે? તેલંગાણામાં હજારો ખેડૂતોએ બલિદાન આપ્યું, ત્યારે જમીનદારીનો કાયદો રદ્દ થયો. તેથી નાના ખેડૂતોની વાત કરીને જૂઠું ન બોલો. મેં ગુજરાતમાં તમને એમને માટે કંઈ કરતાં જોયા નથી. ગરીબ ખેડૂત માટે શું થઈ શકે એ શીખવા ચીનના સરકારી માણસો કેરળમાં કેમ આવ્યા કરે છે? ગુજરાતમાં કેમ નહીં? ખેતી છોડીને ભૂમિહીન ખેડૂતો શહેરોમાં આવેલા ત્યારે તમારા એકાએક ઝિંકાયેલા લોકડાઉને દોઢસો મોત ! તમે કયા ગામડામાં એ લોકો માટે નવાં હેલ્થસેન્ટર કે શાળાઓ ખોલી? તમે નાના ખેડૂતોની વાત કરો છો, તો આ જવાબ આપો.

કિસાન-આંદોલન માટે દુનિયાભરમાંથી મોટાં રાજનેતાઓનાં બયાન આવે છે, ત્યારે આપ એની ગંભીરતા સમજવાના બદલે ગર્જના કરો છો કે આપણે લોકતંત્ર દુનિયા પાસેથી શીખવાની જરૂર નથી! ગોળવલકરની ચોપડીઓ છોડીને બીજું વાંચો. ફ્રાંસની ક્રાંતિ વિના લોકતંત્ર દુનિયામાં આવ્યાં જ ન હોત! તમે પ્રોપેગેંડાની રાજનીતિ છોડો તો જ લોકતંત્રનો વિકાસ થાય. એ બેઉ એક સાથે નહીં ચાલે. તમારા આ શાનદાર ભાષણનો છેડો ભા.જ.પ.ના આઈ.ટી.સેલ.ના અમિત માલવિયા સાથે જોડાય છે. પક્ષીય પ્રોપેગેંડાનું વ્યાખ્યાન પ્રધાન મંત્રીએ ન અપાય. માધ્યમોમાં મુખ્યધારાના પત્રકારો, કૉર્પોરેટ સંચાલિત માધ્યમો, ટ્રેલસેના પ્રોપેગેંડા કર્યા જ કરે છે. તમે હજુ ધરાયા નથી કે સંસદમાં પણ પ્રોપેગૅંડા જ કરો છો! કૃષિ મંત્રી પણ તમારા જેવું જ બોલે છે. શ્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે આ કાયદાને કાળો કહેવાય છે, એમાં કાળું શું છે? સૌથી પહેલાં તો બંધારણીય ભંગ થયો. કૃષિસુધારા રાજ્યની સ્વાયત્તતા છે એમાં કેન્દ્રની દખલગીરી એ જ બતાવે છે કે તમને કોઈ વિશેષ રસ છે. તમારી ચતુરાઈ તો કાબિલેદાદ છે. બચાવમાં તમે કૉંગ્રેસને પણ સાથે લઈ લો છો. કૃષિસુધારણાની વાત કૉંગ્રેસના મૅનિફેસ્ટોમાં પણ હતી, એ દર્શાવી તમે શું સાબિત કરવા ઇચ્છો છો? કદાચ એટલે જ કિસાનોએ કૉંગ્રેસને મત નહોતા આપ્યા. તમારાં મૅનિફેસ્ટોમાં કૃષિબિલ ન હતું. તમે સત્તાપ્રાપ્તિ પછી દગાબાજી કરી ગણાય. સુધારો તો એ ગણાય કે સંપત્તિશાળીને વધુ ટૅક્સ લગાવી ખેડૂતોને સહાય અપાય. અત્યારે જે પૈસા આપો છો ૨૦૦૦ રૂપિયા એ ૧૧ કાર્યરત યોજનામાંથી પૈસા કાપીને આપો છો. વળી, એમાં ૪૦ કરોડ ભૂમિહીન ખેડૂતો તો આવતા જ નથી! કૃષિ-સુધારામાં ખરેખર રસ હોત, તો આ ૪૦ કરોડ માટે કંઈક કરવામાં આવ્યું હોત. પડ્યા પર પાટુ મારતા હોય એમ તમે કહ્યું કે રેશનકાર્ડ પર મળતું અનાજ મળશે જ! સાહેબ, આ તો વરસોથી ગરીબોને મળે જ છે. હકીકતે સાંભળ્યું છે કે એ પણ હવે ખાનગી લોકો દ્વારા વેચાવાનું છે. રેશનકાર્ડની દુકાનો બંધ કરી આઉટસૉર્સિંગ દ્વારા સીધું ઘર મળશે!

ટૂંકમાં, સરવાળે પ્રધાન મંત્રીનું સંસદમાં અપાયેલું શાનદાર ભાષણ ફેસબુક કે વૉટ્‌સએપ પર ફરતાં સંદેશાનું જ એક રૂપ હતું. પ્રધાન મંત્રીનું ભાષણ એની કૉપીપેસ્ટ હોઈ શકે નહીં. F.D.I.નું આવું નામ! ફૉરેન ડિસ્ટ્રીક્ટિવ આઇડિયોલૉજી. ઇન્ટરનેટ ક્યાંથી આવ્યું? ટી.વી. ક્યાંથી આવ્યું? આધુનિકકાળની ઘણી સિદ્ધિઓ વિદેશથી જ મળેલી છે. તમે જે સેટેલાઇટથી વાત કરો છો એ વિદેશથી આયાત કરાયેલ છે. F.D.….નું નવું નામકરણ નરી છોકરમત લાગે છે. સાહેબ, મિ. મુંજે ઇટાલીમાં કોને મળેલા એ તમને યાદ જ હશે! આશા રાખું છું કે મારા પ્રધાન મંત્રી આવી છોકરમતમાંથી વેળાસર બહાર નીકળે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 03-04

Loading

આયખું

સિલાસ પટેલિયા|Opinion - Opinion|14 February 2021

કાયા કંતાન થઈ ગઈ
એની ય
એમને ખબર પડવા ના દીધી.
એવા એ લોકો
જબરા જાદુગર !
એમના કિલ્લાની બહાર
એ લોકો જઈ શક્યા હોત
પણ
એમની જાદુગરીએ જ
એમને જકડી રાખ્યા !
અંતે
કડડભૂસ કિલ્લો થયો
ને એ જાદુગરો ય
અદૃશ્ય થઈ ગયા –
ને એ લોકે
માથે આકાશ જોયું
ને સૂરજ ઝળહળતો જોયો,
ત્યારે જ એમને થયું
કે લ્યા ! આટલું આયખું
આમ જ કાઢ્યું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 11

Loading

...102030...2,1712,1722,1732,174...2,1802,1902,200...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved