Opinion Magazine
Number of visits: 9964919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણું પેટ નફાખોરોની કચરાપેટી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 December 2020

તાજા જ સમાચાર છે કે સુરત મહાનગરપાલિકા કચરામાંથી હજારો ઘરોને ચાલે એટલી વીજળી પેદા કરવાની છે. શહેરમાંથી રોજ બે હજાર ટન કચરો નીકળે છે તેમાંથી સાડા સાતસો ટન કચરો વીજળી ઉત્પાદનમાં વપરાતો હોય તો એનાથી વધારે સારું શું?

પણ કચરો, આપણો ખોરાક પણ બને છે ને તે આપણે વર્ષોથી ખાઈએ છીએ તેની ઘણા ઓછાને જાણ હશે. ગઈ કાલના જ સમાચાર છે કે ઉત્તર પ્રદેશમાં નકલી ગરમ મસાલા બનાવવાનું એક કારખાનું પોલીસે ઝડપી પાડ્યું. આ કારખાનું ચલાવનારાના છેડા રાજકારણને અડેલા હતા. વળી કારખાનાનું લાઈસન્સ પણ ન હતું. આ ગરમ મસાલો વર્ષોથી ગધેડાની લાદ, એસિડ અને રંગીન ભૂસાથી બનતો હતો. પોલીસે 300 કિલોનો આવો નકલી જથ્થો પકડી પાડ્યો ને તે ઉપરાંત ધાણા, મરચાં, હળદર પાઉડરના જથ્થા પણ પોલીસને હાથ લાગ્યા જેના નમૂના તપાસ માટે મોકલાયા છે. તપાસ થશે ને થોડા વખતમાં વાત દબાઈ કે ભૂલાઈ જશે. એ પછી વળી કોઈ કારખાનું પકડાશે ને વળી તપાસ થશે ને એમ ગાડું ગબડયાં કરશે, પણ આમાં ચિંતાજનક છે તે લોકોનાં આરોગ્ય જોડે ચેડાં થાય છે તે !

ઘણીવાર તો ઘણાની સવાર જ ભેળસેળવાળાં ચા, દૂધથી પડે છે. ચાની જે ભૂકી વપરાશમાં આવે છે તેમાં રંગેલી ફોતરીઓ વપરાય છે ને દૂધમાં પાણી ઉમેરવાની વાત તો યુગો જૂની છે. પાણી હોય તો, તો ધૂળ નાખી, પણ યુરિયા અને બીજાં કેમિકલથી જે નકલી દૂધ બને છે તે તો અનેક રોગોને જન્મ આપનારું છે. દૂધ સંપૂર્ણ આહાર છે, પણ તે ચોખ્ખું દૂધ હોય તો, નહીં તો એ જોખમી આહાર જ છે. આ દૂધ બાળકો પીએ છે ને એ દ્વારા બાળપણ પોષણનો નહીં, પણ કુપોષણનો શિકાર બને છે. નકલી દૂધ દ્વારા દેશનાં ભવિષ્ય જોડે ચેડાં થાય છે ને તેમનાં રક્ષણ માટે ખાસ કૈં થતું નથી તે શરમજનક છે.

દૂધ ઉપરાંત દૂધની બનાવટોમાં, માખણમાં, માવામાં, મીઠાઈમાં સેકરિન, બાફેલાં બટાકાનો માવો, પ્રતિબંધિત રંગોનો ઉપયોગ નવો નથી. આ ઉપરાંત પણ અનેક હલકી કક્ષાની વસ્તુઓની ભેળસેળ થતી જ રહી છે ને દૂધ તો ગુણકારી ને દૂધનું તે ઉત્તમ, એવી સમજ સાથે આપણે તે હોજરીમાં ઠાલવતાં રહીએ છીએ.

શાકભાજી લીલાંછમ જોઈને આપણે ખરીદવા લલચાઈએ છીએ, પણ એ લીલાશ શાકભાજીની નથી. એ રંગોની કરામત છે ને આપણે રંગાયેલું શાક ઘરે લાવીએ છીએ. શોપિંગ મોલ્સમાં તાજું શાક મળે છે એમ માનવાની જરૂર નથી. ત્યાં ખરીદતી વખતે દેખાતી લીલાશ ને તાજપ છેતરામણી છે. ત્યાં લાઇટની કરામતોથી બધું તાજું ને લીલું દેખાડાય છે. એના કરતાં શાક માર્કેટમાંથી ખરીદવામાં જોખમ ઓછું છે.

મસાલાના, ફાસ્ટ ફૂડના આવતાં તૈયાર પેકેટ્સમાં શું ભેળવાય છે તે આપણે જોવા જતાં નથી. મરચાંની ભૂકીમાં ઈંટનો લાલ ભૂકો નથી જ એવું ખાતરીથી કહી શકાય એમ નથી. એવું જ હળદર કે અન્ય  મસાલા સંદર્ભે પણ ખરું. આપણે ધીમી આત્મહત્યા માટે બહુ જ ઉતાવળા છીએ. હોટેલોમાં કે જંક ફૂડમાં આપણે જાણી સમજીને જ છેતરાઈએ છીએ. જંકફૂડ ખરાબ છે એવું જંકફૂડ ખાતાં ખાતાં કહેવાની બહાદુરી આપણે કેળવી લીધી છે કે જરામાં કૈં થઈ જતું નથી એમ માનીએ, મનાવીએ છીએ, પણ હિસાબ લગાવવા જેવો છે કે એક દિવસમાં આ "જરા" કેટલું વધારે થાય છે !

એક સમય હતો જ્યારે ઘરમાં અનાજ સાફ થતું. હવે અનાજ ઘરમાં ભરવાનું ઘટ્યું છે ને એનું સ્થાન તૈયાર પેકેટોએ લીધું છે. ઘઉં ઘરમાં વીણાતા ને કાંકરી, કિલ્લા કે ઈયળ વીણામણમાં નીકળી જતાં. બજારમાં લાંગની દાળ વેચવા પરપ્રતિબંધ છે, પણ તે પકવવા પર નથી, એટલે ચણાની દાળના લોટમાં તે ભેળવાય ને વેચાય તો તેની ખબર પડતી નથી. હવે ચણાનો કે ઘઉંનો લોટ સરસ પ્લાસ્ટિક પેકેટોમાં હોંશે હોંશે ઘરે લાવીએ છીએ, ત્યારે ખબર હોય જ છે કે લોટમાં કાંકરી, માટી કે જીવાત દળાઈ જ હશે, પણ હવે વીણવાની કડાકૂટમાં કોઈએ પડવું નથી ને પેટથી વધારે સારી કચરાપેટી બીજે ક્યાં મળવાની હતી એટલે બધું એમાં ઠાલવીએ છીએ. આટલા ડાકટરો છે દેશમાં, તે નહીં તો કમાશે કેમ !

બજારમાં મળતું ખાદ્યતેલ અનેક બીજા નબળા ને હલકા તેલની મિલાવટનું પરિણામ હોઈ શકે છે. એક સમય હતો જ્યારે મહોલ્લાને નાકે આવેલી ઘાણી પરથી તલનું તાજું તેલ ખરીદાતું. તે લગભગ વેચાતું બંધ થયું છે ને તેને બદલે સોયાબીન, સૂરજમુખી, કપાસ વગેરે તેલનો વપરાશ વધ્યો છે. હવે તો આકર્ષક પેકિંગમાં બધું મળે છે. એમાં પેકિંગ જ સારું હોય છે ને એનો ઉપયોગ તો આપણે કરતા નથી ને જેનો ઉપયોગ કરીએ છીએ તે કરવા જેવો હોતો નથી. ઘી ચોખ્ખું જ વેચાતું હોય છે, પણ એમાં "ચોખ્ખું" શબ્દ સિવાય ભાગ્યે જ કૈં ચોખ્ખું હોય છે.

દવાદારૂમાં થતી ભેળસેળની તો શું વાતો કરીએ? થોડે થોડે વખતે થતો લઠ્ઠાકાંડ સૌ જાણે છે. નકલી દવાને કારણે થાય છે એવું કે દરદી મરતો નથી ને જીવતો ય નથી. કોરોનાના ટ્રીટમેંટ માટે નકલી ઈંજેક્શનોની ફેક્ટરી ખૂલેલી તે વાત બહુ જૂની નથી ને નકલી ઈંજેક્શનો અસલી કરતાં મોંઘાં વેચાયેલાં તે પણ દુનિયા જાણે છે. ટૂંકમાં દવા કે દારૂ બંનેમાં ભેળસેળ થાય છે ને જોખમો વધે જ છે.

એટલું બધું નકલી આપણી આસપાસ છે કે અસલી જ નકલી લાગવા માંડે છે. જમરૂખ મોટું હોય તો ખાવાનું ગમે, પણ એ ટેટી જેટલું મોટું હોય તો તે ખાવું કે કેમ તે વિચારવાનું રહે. ફ્રૂટ્સ રસાયણોથી વહેલાં પકવવામાં આવે છે. સીઝનથી વહેલી પાકેલી કેરી એકદમ પીળી હોય છે. આ પીળાશ તેની કુદરતી પીળાશ કરતાં વધારે હોય છે. તે ખરીદવાની લાલચ થાય એવી હોય છે ને તે વધારે મોંઘી હોય છે. એ બોક્સ ઘરે ખૂલે ત્યારે જ ખબર પડે છે કે એ દેખાય છે જ સારી, બાકી તે સારી એવી ખાટી હોય છે. ફળ હોય તેનાથી મોટું અકુદરતી રીતે પકવવામાં આવે તો તેમાં થતો રસાયણોનો ઉપયોગ હાનિકારક છે એ સમજી લેવાનું રહે. શાકભાજી કે અનાજ પર થતો જંતુનાશકોનો છંટકાવ તંદુરસ્તીને જોખમાવે છે. એની અસર તરત નથી વર્તાતી, પણ પેટની અનેક તકલીફો ને આરોગ્યના અનેક પ્રશ્નો મોડાવહેલાં થાય જ છે તે નિર્વિવાદ છે.

તંત્રો કામ તો કરતાં હોય છે, ક્યારેક દરોડા પાડીને નકલી ચીજ વસ્તુઓ ઝડપી પણ લેવાતી હોય છે ને  કાનૂની કાર્યવાહી પણ થાય છે, પણ તેનું પ્રમાણ ઓછું છે. કેટલીક વાર તો ભ્રષ્ટ તંત્રો જ પૈસા ખાઈને બધું સગેવગે કરી દેતાં હોય છે. ક્યારેક જેન્યુઇન કામો પણ થાય છે, પણ તેની ટકાવારી ખૂબ ઓછી છે. દારૂની ભઠ્ઠીઓ પર થતા દરોડાઓ દેખાવના પણ હોય છે. ક્યારેક પોલીસ જ અગાઉથી જાણ કરે છે દરોડાની, તો ક્યારેક ભઠ્ઠીનો માલિક જ સામેથી માલ પકડાવી દે છે જેથી લાગે કે તંત્રો કામ કરે છે. એકાદ વખતનો દરોડો તે ઉકેલ નથી. એકાદ વખત મીઠાઈની દુકાનમાંથી માવો પકડવાથી બહુ ફેર પડતો નથી. કારણ વરસમાં બીજા ઘણા દિવસો છે ને એ વખતે કોઈ દરોડો પડતો નથી. એટલે તંત્રોની સક્રિયતા ને પ્રમાણિક્તા વધે તો જ ફેર પડે એમ બને.

આ બધું કેમ થાય છે? એનો જવાબ છે, હરામની રીતે કમાવા માટે ! નાના વેપારીથી માંડીને મોટી મોટી કંપનીઓનો એક જ ઉદ્દેશ હોય છે, વધુને વધુ નફો કરવાનો. ધંધો બધા જ કરતાં હોય છે ને બધાએ નફો કરવો જ જોઈએ એની પણ ના નથી, પણ કેટલો નફો? કોઈની જિંદગી દાવ પર લાગે એટલો નફો તો કેમ ચાલે? નકલી તેલ વેચનારો નફો કરી દુનિયાને લૂંટે ત્યારે નકલી દૂધ ખરીદીને એ પણ છેતરાય જ છે તે ભૂલવા જેવું નથી. ઝેરનો ધંધો તો ન થાયને ! પણ આપણે ત્યાં એ જ ચાલે છે. દૂધમાં દૂધ જ ન હોય એટલો નફો તો કેમ સહન થાય? એક વસ્તુ છે કે ગમે એટલો અન્યાય કેમ ન થાય, પણ કુદરતી ન્યાય જેવું જગતમાં હજી છે. હિસાબ થતો જ હોય છે ને છેવટે હરામની કમાણી રામ જ ખાતો હોય છે. અબજો રૂપિયા ઘરમાં જ રહી જાય ને માણસ ચાલી નીકળે છે એવું ક્યાં નથી બનતું?

આપણે માણસ છીએ ને માણસ જ રહીએ. આખી પૃથ્વી કમાઈએ તો પણ તે અહીં જ રહેવાની છે, તો બીજાના પેટને કચરાપેટી ન સમજીએ, એની ચિંતા કરીએ. પેટ બધાંને જ લાગેલું છે એની ના નથી , પણ આપણું પેટ છે તો બીજાની કચરાપેટી નથી એટલું સમજીએ તોય ઘણું. અસ્તુ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 18 ડિસેમ્બર 2020

Loading

શું અમિત શાહે અણુપરીક્ષણના વિરોધમાં વાજપેયીની આકરી ટીકા કરી હતી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2020

વિનય સીતાપતિ મારા ગમતા પત્રકાર અને લેખક છે અને તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે મારા ગમતા વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવનું રાજકીય જીવનચરિત્ર લખીને તેમને ન્યાય આપ્યો છે. ભારતના અર્થતંત્રને અને વિદેશનીતિને યોગ્ય સમયે નિર્ણાયક વળાંક આપનારા મુત્સદી વડા પ્રધાનની જેટલી કદર થવી જોઈએ એટલી થતી નથી. કૉનગ્રેસે તો તેમની ઉપેક્ષા કરવાનું પાપ કર્યું છે. આ વિનય સીતાપતિનું બીજું પુસ્તક પ્રકાશિત થયું છે જે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં આગમન પહેલાના ભારતીય જનતા પક્ષ વિશેનું છે. ‘જુગલબંધી: ધ બીજેપી બીફોર મોદી’ નામનાં પુસ્તકમાં જે જુગલબંધીની વાત આવે છે એ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેની જુગલબંધીની વાત છે. એ પુસ્તક હજુ મારા હાથમાં આવ્યું નથી, પણ એ પુસ્તક તેમાં આવતાં એક કથનને કારણે વિવાદમાં છે, એટલે આ લેખ લખવાનો પ્રસંગ બને છે.

૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીની સરકારે અણુપરીક્ષણ કર્યું હતું, એ તમે જાણો છો. ૧૯૯૮નું અણુપરીક્ષણ ભારતનું બીજું પરીક્ષણ હતું, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૪માં રાજસ્થાનમાં પોખરાણમાં પહેલું પરીક્ષણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારે જ્યારે અણુપરીક્ષણ કર્યું, ત્યારે અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતવટો ભોગવતા હતા અને તેમને ગુજરાત બી.જે.પી.ના અંતર્ગત રાજકારણમાં માથું મારવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતથી દૂર રાખવા બી.જે.પી.ના પંજાબ અને હરિયાણા એકમના પ્રભારી તરીકે ચંડીગઢ મોકલી દેવામાં આવ્યા હતા. આ બાજુ અત્યારના ગૃહપ્રધાન અમિત શાહ ત્યારે ૩૩ વરસની વયના એક વિધાનસભ્ય હતા અને ગુજરાતની બહાર ભાગ્યે જ કોઈ તેમને ઓળખતું હતું. વિનય સીતાપતિ કહે છે કે જ્યારે વાજેપેયીની સરકારે અણુવિસ્ફોટ કર્યો ત્યારે અમિત શાહે વાજપેયીની આકરી ટીકા કરતો પત્ર લખ્યો હતો અને વાજપેયીને પ્રસિદ્ધિભૂખ્યા માણસ તરીકે ઓળખાવ્યા હતા.

ના, એટલા માટે નહીં કે તેઓ શાંતિવાદી છે અને અણુશસ્ત્રોના વિરોધી છે. એટલા માટે પણ નહીં કે તેઓ જૈન છે અને અહિંસામાં માને છે. તેમણે તેમના પત્રમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો હવાલો આપીને લખ્યું હતું કે અણુવિસ્ફોટ કરવાથી ભારત કાયમ માટે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર લશ્કરી પગલાં દ્વારા પાકિસ્તાન પાસેથી છોડાવવાની શક્યતા ગુમાવી દેશે. ભારતના પગલે પાકિસ્તાન અણુવિસ્ફોટ કરશે અને પાકિસ્તાન પણ અણુશક્તિ મેળવીને અણુશસ્ત્રો બનાવશે અને એ રીતે ભારત સામે લશ્કરી સરસાઈ મેળવી લેશે. પાકિસ્તાન એક વાર અણુશસ્ત્રો દ્વારા લશ્કરી સરસાઈ મેળવી લેશે એ પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને જીતવું અશક્ય બની જશે.

વિનય સીતાપતિ કહે છે કે તેમણે પોતે અમિત શાહનો આવો કોઈ પત્ર જોયો નથી કે વાંચ્યો નથી, પરંતુ તેના ત્રણ મિત્રોએ એ પત્ર જોયો છે અને વાંચ્યો છે અને એ ત્રણ સૂત્રો ઉપર તેમને પૂરો ભરોસો છે અને માટે અમિત શાહના કથનને ટાંક્યું છે. સીતાપતિએ એ ત્રણ મિત્રોનાં નામ આપ્યાં નથી, પરંતુ દાવો કર્યો છે કે તેઓ તેમના કથનને વળગી રહે છે અને જો જરૂર પડશે તો પત્ર જોનારા અને વાંચનારા ત્રણેય મિત્રો બાજુમાં ઊભા રહેશે. એવો પ્રસંગ તો ત્યારે આવશે જ્યારે અમિત શાહ અદાલતના દરવાજા ખખડાવશે.

પહેલી ચર્ચા મોરારજી દેસાઈના કહેવાતા કથન વિશે. ભારતમાં અને વિશ્વમાં અનેક સુરક્ષા નિષ્ણાતો એમ માનતા હતા કે ભારત પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનને સરસાઈ આપી શકશે, પરંતુ જો ભારત અણુશસ્ત્રો વિકસાવશે તો એ લશ્કરી સરસાઈ ગુમાવી દેશે કારણ કે આજકાલના યુગમાં અણુટેકનોલોજી મેળવવી મુશ્કેલ નથી અને પાકિસ્તાન એ મેળવી લેશે. ભારતે ૧૯૭૪માં પહેલીવાર અણુપરીક્ષણ કર્યું હતું અને ત્યારથી પાકિસ્તાને અણુશક્તિ વિકસાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. અટલ બિહારી વાજપેયીએ અણુવિસ્ફોટ કરવાનો નિર્ણય લીધો એ પહેલાં જ ભારત અને પાકિસ્તાન અણુશસ્ત્રો બનાવવાને ઉંબરે આવીને ઊભા હતા. ૧૯૯૮માં ભારતે અણુવિસ્ફોટ ન કર્યો હોત તો પણ કોઈ ગુણાત્મક ફરક પડવાનો નહોતો તે ત્યાં સુધી કે ભારત અને પાકિસ્તાનના લશ્કરી સંતુલનમાં પણ કોઈ ફરક પડવાનો નહોતો. આમ લશ્કરી સંતુલન કે સરસાઈની વાત ૧૯૮૫ સુધીમાં પૂરી થઈ ગઈ હતી.

બીજું, હિન્દુત્વવાદીઓની નજર શું એકલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ઉપર જ છે? તેમના અખંડ હિંદુસ્તાનમાં પાકિસ્તાન અને બંગલાદેશનો પણ સમાવેશ થાય છે અને ભારત માતાના નકશામાં તો ભારત, પાકિસ્તાન અને બંગલાદેશ ઉપરાંત નેપાળ અને શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે. જો આજના અણુયુગમાં કોઈ પ્રદેશ લશ્કરી માર્ગે હડપવો શક્ય ન હોય અને લોકોનું હ્રદય જીતવાનો જ એક માત્ર માર્ગ ઉપલબ્ધ હોય તો નવી વાસ્તવિકતા સ્વીકારીને નવો માર્ગ અપનાવવો જોઈએ એમ નથી લાગતું? જે ચીપિયો વાગવાનો નથી એને પછાડતા રહેવાનો શો અર્થ? કાશ્મીરની ખીણમાં દોઢ વરસથી ભારત સરકારને જે અનુભવ થઈ રહ્યો છે એ આનું પ્રમાણ છે. કોઈ પણ પ્રકારના રાજકીય સંવાદ અને ઉપાય વિના કાશ્મીરનું કોકડું ગૂંચવાયેલું છે.

ત્રીજું, અમિત શાહે જો ખરેખર ઉક્ત પત્ર લખ્યો હોય અને અટલ બિહારી વાજપેયીને મોઢામોઢ ‘પ્રસિદ્ધિભૂખ્યા’ તરીકે ઓળખાવ્યા હોય તો ટીકા કરવાની મોકળાશ આપનારા અને લોકતંત્રની ખેવના કરનારા વાજપેયીની જેટલી કદર કરીએ એટલી ઓછી છે. અમિત શાહે વાજપેયી પાસેથી કેટલાક સંસ્કારોનું ગ્રહણ કરવું જોઈએ. જો વાજપેયી કિન્નાખોર સરમુખત્યાર હોત તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ક્યાં હોત?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2020

Loading

આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 December 2020

હૈયાને દરબાર

આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે –
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

•   કવયિત્રી : ઉષા ઉપાધ્યાય    •   સંગીત અને સ્વર : નંદિતા ઠાકોર

સોશિયલ મીડિયાનાં જે કોઈ દૂષણો હોય એ, પરંતુ એનો એક મોટો ઉપકાર એ છે કે દેશ દેશાંતરના સર્જકોને જાણવાનો, સમજવાનો અને એમની કૃતિઓ માણવાનો મોકો દરેકને મળી શકે છે. ડો. ઉષા ઉપાધ્યાયના નામથી સાહિત્યપ્રેમીઓ તો પરિચિત હોય જ, પરંતુ, એમનાં સર્જનને માણવાનો લહાવો મને તો ફેસબુક દ્વારા જ મળ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલાઓની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા તેઓ જૂઈ મેળો કરે છે, એ પણ અત્યંત સરાહનીય ઘટના છે. સોશિયલ મીડિયા દ્વારા જ મહદ્દ અંશે ઉષાબહેનને સાંભળવાનો મોકો પણ મળતો. રણકાદાર અવાજ, વિચારોની સ્પષ્ટતા તેમ જ મોહક સ્મિત સાથેનું એમનું વકતવ્ય ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. જળ બિલ્લોરી શબ્દ જ મોહક છે, રિધમિક છે. એ કાવ્યનું પઠન કરવાની તો મજા આવે જ પરંતુ સંગીતબદ્ધ થયેલું વધુ કર્ણપ્રિય લાગે.

ડો. ઉષા ઉપાધ્યાય ગુજરાત વિધાપીઠનાં સિનિયર પ્રોફેસર અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. તેઓ જાણીતાં કવયિત્રી તથા વિવેચક પણ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં તેમણે લોક સાહિત્ય, ભારતીય કવિતાઓ, સાહિત્યની સમાનતાઓ અને મહિલાઓ અંગેના વિષયો ઉપર ઘણું કામ કર્યું છે. સંશોધન સર્જનાત્મક સાહિત્ય સંપાદનો એમનો રસનો વિષય છે. વિદ્યાપીઠ એમને માટે તીર્થ સમાન છે. નાનપણથી જ શબ્દ સાથે ઊંડો સંબંધ. ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું. માતા-પિતાએ એમને પહેલો પરિચય પુસ્તકોનો જ કરાવ્યો હતો. ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’નો ગુજરાતી અનુવાદ શાળા કક્ષાએ જ વાંચી લીધો હતો. પ્રકૃતિ પ્રેમી પણ ખરાં. કાવ્યયાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે ઉષાબહેન કહે છે, " પહેલેથી જ હું પ્રકૃતિની નજીક રહી છું. મારા પિતા ઘનશ્યામ ત્રિવેદી ગુજરાત વિદ્યુત બોર્ડમાં હોવાને લીધે પપ્પાનું પોસ્ટિંગ જુદી જુદી જગ્યાઓએ થયાં કરતું. એ રીતે મારું બાળપણ બિલિમોરામાં વીત્યું. દક્ષિણ ગુજરાત એ હરિયાળો પ્રદેશ. એની ઘેઘૂર વનસ્પતિનો લાભ મને ભરપૂર મળ્યો. ઉમાશંકર જોશીની પંક્તિઓ; વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ ..!ની દીક્ષા નાનપણમાં જ મળી. અખૂટ ઉત્સાહ અને સૌંદર્યના પાઠ પ્રકૃતિ પાસેથી શીખી.

સાહિત્ય રૂચિ ઘડનારી પાઠશાળા એ પુસ્તકાલયો. ‘સોપાન', ગુણવંત આચાર્ય સહિત કેટલા ય લેખકો નાનપણમાં જ વાંચી લીધા હતા. આ લાઈબ્રેરીમાં બાલ સામયિકોનો અખૂટ વૈભવ. પિતા સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા. એટલે રાષ્ટ્રપ્રીતિનો વારસો એમની પાસેથી તથા સાહિત્યનો વારસો માએ આપ્યો. ગીતોનો લય નાનીમાને લીધે કેળવાયો. એ ખૂબ હલકથી ધ્રોળ, ભજનો ગાતાં. કવિતા લખવાનો આરંભ એફ.વાય.બી.એ.માં હતી ત્યારે થયો. ઝવેરચંદ મેઘાણીના પ્રભાવે સૌ પ્રથમ ગીત લખ્યું. એ વખતે છંદો શીખવાની મથામણ હતી, તેથી કોલેજના વિદાય સમારંભમાં મેં પ્રોફેસરોનાં નામને સોનેટમાં ગૂંથીને એને શિખરિણીમાં ગાયું હતું. પ્રકૃતિ, કાવ્યસર્જન સાથે સમાજના પ્રશ્નોની ઊંડી ચિંતામાં કાર્લ માર્કસનું દાસ કેપિટલ પણ વાંચી લીધું હતું. ૧૯૭૯માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં જોડાઈ. પશ્ચિમી દેશોના સાહિત્યના અનુવાદો વાંચ્યાં પછી કવિતાની ધાર નીકળતી ગઈ. માતૃત્વ અને પીએચ.ડી.ની પદવી એ કસાથે ૧૯૮૨માં મળી. ૧૯૮૫થી કાવ્ય અને વિવેચન સતત ચાલ્યા. પરિષદમાં સક્રિય થઈ.

જળ બિલ્લોરી કાવ્યની વાત કરું તો એ મારા કુદરતપ્રેમની જ અભિવ્યક્તિ છે. વરસાદના ગાઢ અનુભવ અને વૃષ્ટિનો પ્રભાવ મારા મનને હંમેશાં તરબતર કરે છે. વરસાદનાં બદલાતાં ચિત્રો એમાં અનાયાસે વ્યક્ત થયાં છે. આ ગીત સૌથી પહેલું નંદિતા ઠાકોરે સ્વરબદ્ધ કર્યું. સૂર-સ્વરમાં શબ્દો નીખરી ઊઠ્યાં. મારા પ્રકૃતિપ્રેમને લીધે કવિતામાં કલ્પનો સાહજિક ગૂંથાઈ આવે છે. કાવ્યરીતિમાં આ કલ્પનો મારી અભિવ્યક્તિને જુદી પાડે છે.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું
આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર
અને છે જળબિલ્લોરી ..!

આ પંક્તિઓ બધાંને બહુ ગમે છે. ધરતીરૂપી ખાંડણિયો આ સાંબેલાધાર વરસાદ જાણે કોઈ ધાનને છડે છે. અને છડનાર કોણ છે? એ તો છે નભની નાર, વિરાટ નારી જે વરસાદથી ધાન ખાંડી રહી છે. મને પોતાને જ થાય કે આ કાવ્ય મેં લખ્યું કેવી રીતે? શક્ય છે વરસાદના ગાઢ અનુભવો તથા વૃષ્ટિએ મારી ચેતનામાં ઊંડે સુધી પ્રભાવ જન્માવ્યો હશે.

આ ગીતને સ્વરબદ્ધ કરીને ગાનાર કવયિત્રી નંદિતા ઠાકોર વાગ્ગેયકાર કહી શકાય. અમેરિકામાં ‘સ્વરાંકન’ નામે સુગમ સંગીતનું ગૃપ ચલાવે છે. ‘અમે-તમે અને આપણે’ નામની ફેસબુક સિરીઝમાં એમણે અનેક નામી-અનામી બહેનોનાં સર્જનને રજૂ કર્યાં છે, જે હવે એમની યુટ્યુબ પર પણ સાંભળી શકાય છે. આ ગીત વિશે નંદિતા ઠાકોર કહે છે, "મારે ક્યાંક કાવ્યપઠન કરવાનું હતું ત્યારે મારા પપ્પાએ આ કાવ્ય સૂચવ્યું હતું. જળ બિલ્લોરી શબ્દનો લય મને બહુ ગમ્યો. શબ્દ અને કાવ્ય બન્નેમાં અપાર શક્યતાઓ રહેલી છે. તમે પેઈન્ટર હો તો એમાં ચિત્રો દેખાય, ડાન્સર હો તો નૃત્ય દેખાય, મૂવમેન્ટ્સ કરવાનું મન થાય. મને પણ તરત કમ્પોઝ કરવાનું થયું હતું. જો કે, પછી એ ઘણાં વર્ષે થયું. માત્ર કવયિત્રીઓની રચનાઓનો શો બે વર્ષ પહેલાં અમેરિકામાં કર્યો ત્યારે જે રીતે મનમાં આવ્યું એ જ રીતે કમ્પોઝ થયું. આ ગીત અમે પાંચ છ બહેનોએ સાથે ગાયું હતું. બધાને બહુ જ ગમ્યું. સેકન્ડ અંતરામાં વેરીએશન લઈને તબલાંના બોલ બોલીને નાખ્યા. પછી તો એ ઘણી વાર ગવાયું. ઉષાબહેનનું એક હરિગીત મીરાં ને મેવાડ … પણ અનાયાસે કમ્પોઝ થઈ ગયું હતું. પરંતુ, જળ બિલ્લોરી ગીત મને ગાવાની ખૂબ મજા આવે છે.

ડો. ઉષા ઉપાધ્યાયનું ગુજરાત મહિમાનું એક સરસ કાવ્ય તથા અન્ય ગીત ઝંખનાની ઝીણેરી જ્વાલા … રાગ કિરવાણીમાં જાણીતાં ગાયિકા માયા દીપકે સુંદર પ્રસ્તુત કર્યું છે. દીપોત્સવી પર્વના આરંભે વાક્‌બારસના દિવસે નૈસર્ગિક પ્રતિભા ધરાવતાં સંગીતજ્ઞ, સ્વરકાર અને ગાયક ડો. ફાલ્ગુની શશાંકે ઉષાબહેનની સ્તુતિ, તું અખિલ છે, તું નિખિલ છે…ને અત્યંત ભાવવાહી રીતે સ્વરબદ્ધ કરીને કંઠ આપ્યો હતો. આમ, ઉષાબહેનનાં અનેક ગીતો જુદા જુદા કલાકારોએ ગાયાં છે. એ સાંભળવાની તક સોશિયલ મીડિયા દ્વારા મળી, એટલો એનો આભાર!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=671370   

Loading

...102030...2,1682,1692,1702,171...2,1802,1902,200...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved